રાજકીય પડદા પર ભારત
ભારત સ્વતંત્ર થયું ત્યારથી એટલે કે નહેરુયુગથી મોદીયુગ સુધી જે કાંઇ વિકાસ થયો છે તેમાં સામાન્ય માણસ ક્યાં છે એ વાતનું વિશ્લેષણ આજે કરવું છે.
નહેરુયુગની શરૂઆત ઔદ્યોગિક વિકાસથી થઇ. સોવિયેત યુનિયનના સહકારથી નહેરુના સમયમાં આપણે અનેક મોટા ઉદ્યોગો, બોકારો, ભીલાઇ વગેરે જેવા સ્ટીલ ઉદ્યોગો સ્થાપી શક્યા. આ તો આપણી શરૂઆત હતી, લોકશાહી રાજ્ય વ્યવસ્થા સાથે અર્થતંત્રનો પાયો નંખાણો ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ સાથે સામાન્ય માણસની તેના વિકાસની આગેકૂચ ન થઇ શકે, તે વાત સ્પષ્ટ છે. કારણ શરૂઆતના વહીવટીતંત્રનાં ચઢાણ આકરાં હોય છે એટલે નહેરુયુગમાં માત્ર અર્થતંત્રને આથિર્ક વિકાસને ધ્યાનમાં લેવાયો.
સર્વાંગી વિકાસની ગાથા જરૂર શરૂ થઇ અને મજબૂત લોકશાહી વ્યવસ્થા તરફ આપણે આગળ વધ્યા – નહેરુ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી લાંબાગાળાના વડાપ્રધાન રહ્યા. ૧૯૬૪ પછી લાલબહાદુર શાસ્ત્રી ખૂબ જ સાદગી ધરાવતી વ્યક્તિ વડાપ્રધાન થયા. પણ માત્ર ૧૯ મહિનાના સમયગાળામાં તાશ્કદમાં તેનું શંકાશીલ નિધન થતાં, ૧૯૬૬માં ઇંદિરા ગાંધી વડાપ્રધાન પદે આવ્યાં. મારા મત મુજબ ઇંદિરા ગાંધીના વહીવટમાં વિકાસગાથામાં સામાન્ય માણસની નોંધ લેવાણી, જેના સંદર્ભમાં ૧૯૬૭માં દરેક કર્મચારીને ૮.૩૩%નું બોનસ આપવાનું નક્કી થયું. એવાં અનેક પ્રગતિશીલ પગલાંઓ લઇ ઇંદિરાજીએ એક કુશળ વહીવટકર્તાનું સન્માન મેળવ્યું. રાજાનાં સાલિયાણાં નાબૂદ કરવાં, બેંકોનું રાષ્ટ્રીકરણ કરવું, ૨૦ મુદ્દાનો કાર્યક્રમ યોજીને સામાન્ય માણસની નોંધ લેવાની અને વેઠપ્રથા નાબૂદી ધારા જેવા માનવીય અભિગમવાળાં પગલાં લીધાં. આ કોલમ લેખકે ૨૦ મુદ્દા કાર્યક્રમમાં ઉત્તર ગુજરાતમાં જાત તપાસ કરી કૉન્ગ્રેસમાં અને સામ્યવાદી પક્ષના અનેક સદસ્યો સાથે વેઠપ્રથા જીવતી જાગતી જોઇ અને તે સમયે અમે તેની યાદી પણ બનાવેલી.
આ ગાળામાં સી.પી.આઇ. અને કૉન્ગ્રેસનું જોડાણ હતું અને આવા અનેક પ્રગતિશીલ પગલાંમાં ઇંદિરાજી સાથે ભારતીય સામ્યવાદી પક્ષ સાથે રહ્યો. બિરાદર શ્રીપાદ અમૃત ડાંગેના વડપણ હેઠળ ભૂપેશ ગુપ્તા જેવા અનેક નેતાઓએ ઇંદિરાજી સાથે પ્રગતિશીલ પગલાંમાં અનેરો સાથ આપ્યો. એ જ કાર્યક્રમ હેઠળ ૨૦ મુદ્દા સમિતિના ચેરમેન તરીકે ગુજરાતમાં બહુ જ સન્માનીય નેતા ઝીણાભાઇ દરજીનો રોલ સારો રહ્યો. ખેતમજૂરોના હામી આદિવાસીઓ અને વંચિતોના ન્યાય માટે ઝઝુમતા દિવંગત ઝીણાભાઇ લોકો માટે એક સન્માનીય નેતા હતા. આ અરસામાં મેં પણ તેમના સાથે કેટલુંક કામ કર્યું.
પણ મારે નોંધ લેવાની વાત એ છે કે સામાન્ય માણસની હાજરી તેના વિકાસની હાજરી ઇંદિરાજીના સમયમાં શરૂ થઇ અને કૉન્ગ્રેસ સરકારે પણ ઇંદિરાજીના મૃત્યુ પછી કૉન્ગ્રેસે રાજવહીવટ કર્યો તેમાં ચોક્કસ સામાન્ય માણસની વિકાસગાથા તમને જરૂર નજરે પડશે. થોડોક સમય માટે કૉન્ગ્રેસના આવેલા વિરોધ સાથે ગઠબંધનવાળી સરકાર આવી પણ તેમની વહીવટની શૂન્ય હાજરીથી સામાન્ય માણસ વિસરાઇ ગયેલો.
મોટે ભાગે કૉન્ગ્રેસે રાજવહીવટ કર્યો છે અને કૉન્ગ્રેસ તેની પરંપરામાં રહી સમાજવાદ સમરસતાવાળા અનેક પ્રગતિશીલ પગલાંઓ લઇ નરેગા જેવા અનેક પગલાં લઈ સામાન્ય માણસની નોંધ લેવાણી. સ્લમ ક્લિયરન્સના નામે અનેક જરૂરિયાતોને નાનકડું સુવિધાવાળું મકાન પૂરું પાડી શક્યા તે મનમોહન સિંહના સમય સુધી ચાલુ રહ્યું. અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ જેવાં પ્રગતિશીલ પગલાંઓ લેવાણાં. ટૂંકમાં કૉન્ગ્રેસના રાજવહીવટમાં સામાન્ય માણસની નોંધ લેવાણી અને નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારથી મનમોહન સિંહના સમયગાળામાં અનેક આર્થિક સુધારા કરી આ દેશના અર્થતંત્રને ચેતનવંતુ બનાવ્યું. ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધ્યું, જી.ડી.પી. પણ વધ્યો અને મનમોહન સિંહે તેમની કુશળતા બતાવતા અર્થતંત્ર વેગીલું બન્યું. પણ સાથેસાથે સામાન્ય માણસના વિકાસના અનેક પગલાંઓ લેવાણાં. કમનસીબે કોલસા કૌભાંડમાં કૉન્ગ્રેસની ૨૦૧૪માં કમરતોડ હાર થઇ અને કૉન્ગ્રેસનું અસ્તિત્વ નહીંવત્ બની ગયું.
૨૦૧૪થી શરૂ થતાં ગાળામાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિ અને ગુજરાત મોડેલના નિષ્ફળ વિકાસ ગાથાના સથવારે સથવારે, આજ સુધી લગભગ, સામાન્ય માણસની બાદબાકી થઇ ચૂકી છે. ગુજરાત મોડેલ સદંતર નિષ્ફળ થવા છતાં આ દેશના યુવાનોએ ખાસ કરીને નરેન્દ્ર મોદીની બોડી લેંગવેજથી પ્રભાવિત થઇ ૨૦૧૪માં આ એક માણસ છે જે આ દેશના વિકાસ કૂચને આગળ લઇ જશે તેવી ભાવનાથી હિપ્નોટાઇજ થઇ થોકડે થોકડે મત આપ્યા અને ભા.જ.પ. બહુમત સીટો લઇ લોકસભામાં અન્ય રાજકીય પક્ષો સાથે મિલાવટવાળી ગઠબંધન સરકાર આવી. આ સમયગાળામાં અર્થતંત્ર બેહાલ થયું, સામાન્ય માણસના વિકાસની વાત ભુલાઇ ગઇ, અનેક યુવાનો બેકારીની યાદીમાં આવી ગયા, ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા. સ્ત્રીઓની બળાત્કારના કિસ્સા વધ્યા. જી.ડી.પી. નીચે ગયો અને મૂડીવાદી લોબી તરફ અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓની તરફેણ કરી છૂટે હાથે તેમને અઢળક સંપત્તિ ધરાવતા કરી નાખ્યા.
૨૦૧૪થી ૨૦૧૯ના બજેટમાં માત્ર આયુષ્યમાનવાળામા કાર્ડવાળી યોજના અમલમાં લાવી અનેક જરૂરિયાતો ગરીબો માટે મેડીકલ સારવાર મફત કરવાના વાયદા અપાણા. એટલા પૂરતો સામાન્ય માણસ આ ગાળામાં દેખાય છે, પણ પછી આ યોજના પણ આજની તારીખે ૧૦૦% કારગત નિવડી નથી. અને અનેક સરકારી આડખીલી આવતા તેનો અમલ નહિવત્ છે. તેમ મારું સ્પષ્ટ માનવું છે. જો કે સ્વચ્છતા અભિયાનના પ્રોગ્રામ નીચે કેટલાક જરૂરિયાતવાળા લોકો માટે શૌચાલયોની વ્યવસ્થા જરૂર થઇ પણ આ અનેક જરૂરિયાતોની સંખ્યામાં નહિવત હોવાનું સ્પષ્ટ હતું.
૨૦૧૪ના ગાળાથી આજ સુધીનો વિકાસ સુવિધાનો વિકાસ છે : બુલેટ ટ્રેન, મેટ્રો રેલ અનેકવિધ સુવિધાયુક્ત હવાઇ અડ્ડાઓ, સારા રસ્તા. આ વિકાસમાં માનવીય અભિગમ નથી. આ દેશના અનેક યુવાનો નોકરી વિના તડફડે છે, બ્હેનોના પ્રેગ્નેન્સી ડેથ રેટ વધ્યો છે. સ્કૂલોમાં જતા છોકરાઓનો ડ્રોપ આઉટ રેટ, નિશાળ ગરીબીને હિસાબે છોડી દેવાનો આંક, કુપોષણથી અનેક લોકોનો ડેથ રેટ વધ્યો છે. ખેડૂતોને તેમની જમીનો આંચકી યોગ્ય વળતર નથી મળ્યું અને અનેક નેનો જેવા પ્રોજેક્ટ આજે બંધ પડ્યા છે. જ્યારે ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધ્યા છે. માનવીય અભિગમ વિનાનો વિકાસ, એ ફરેબી વિકાસ છે. હું સુવિધાના વિકાસની વિરુદ્ધ નથી. આજે ચંદ્ર પર યાન મોકલવું એ વિક્રમ સારાભાઇથી માંડીને અબ્દુલ કલામથી માંડીને આજના સ્પેશ વૈજ્ઞાનિકોની સિદ્ધિને સલામ કરું છું, પણ આજે આખા દેશમાં દરેક શહેરમાં વસતો ફૂટપાથી વસાહત હતો ત્યાં જ છે. ફૂટપાથ પર વસતો માણસ ત્યાં જ છે. ફૂટપાથ પર વસતો માણસ બે ટંક ભોજન લઇ શકતો નથી અને આપણે સમાજના કેટલાક શ્રીમંત વર્ગો માટે કે મધ્યમવર્ગ માટે બુલેટ ટ્રેન મેટ્રો રેઇલ વગેરે સ્થાપી કોઇ મોટો વિક્રમ નથી સર્જતા. સુવિધામાં વધારો એ વિકાસ નથી એ સગવડતા, માત્ર તમારી વધારે છે. અનેક લોકો ગરીબીની રેખા નીચે જીવતા આ દેશના લોકો તેનો લાભ ક્યારે લેવાના ?
એટલે સપ્રમાણ વિકાસ વિનાનો આ ભારત દેશ, ૧૦૩ની રેન્ક પર હંગર રેંકમાં પહોચ્યો હોય, તેનો ઘટાડો આપણે કરીએ તો જ માનવીય અભિગમવાળો વિકાસ આપણે કરી શકીશું અને આ વિકાસની આ સરકારમાં બાદબાકી છે.
આપણા દેશનો ફૂટપાથી વસાહત કોઇપણ જાતના આશરા વગર માત્ર કામચલાઉ ઝૂપડું બનાવી જીવન વ્યતિત કરે છે. બે ટંક ભોજન પણ લઇ શકતો નથી, ચાની કિટલી પરનો બાળક ભણી શકતો નથી અને ગરીબીમાં અને ગરીબીમાં તેનું જીવન હોમાય છે, શોષાય છે. લાખો આદિવાસી લોકોને આપણે માણસની વ્યાખ્યામાં લીધા નથી. અનેક યુવાનો બેકારીના ખપ્પરમાં હોમાય છે. નોકરી વગર ગુનાખોરીના રસ્તે ચડે છે. આ ભારતદર્શન નથી, નરેન્દ્ર મોદીને કદી દેખાતું નથી કે નથી તેમની સરકારને દેખાતું.
ફૂટપાથ પર ભૂખ્યો માણસ પરંપરામાં જીવે છે. બેહાલ જીવન છે. તેમનું નથી ઘર, ખાવાનું, રોજી, રોટી અને આપણા વડાપ્રધાન પરદેશની મોંઘી મુસાફરીમાં માત્ર પરદેશના નેતાઓને હસ્તધૂનન કરવા ૨૦૧૪થી ૨૦૧૯ના ગાળામાં ૧૪૮૪ કરોડ વેડફે છે ત્યારે એક સંવેદનશીલ નાગરિક તરીકે આખેઆખો સળગી ઊઠું છું. આ પ્રક્રિયા મારાથી આજના નવયુવાનો સંવેદનશીલ નાગરિકો સુધી પહોંચવી જોઇએ, ત્યારે આપણે ગાંધીનાં સ્વપ્નનું ભારત ત્યારે જ સ્થાપી શકીશું કે જ્યારે આ દેશનો દરેક નાગરિક રોટી કપડાં અને મકાનની સુવિધામાં પહોંચ્યો હોય અને તેના મોઢા પર આનંદની લકીર ફૂટી હોય – પણ અત્યારની સ્થિતિમાં ભા.જ.પ.ના રાજવહીવટમાં આ એક સ્વપ્ન છે. ક્યારે એ દિવસ ઊગશે એ તો સમય જ કહેશે.
પણ હિન્દુ રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદના ઝેર પાઇને આ સરકારે અનેક પગલાંઓ ધર્માધંતાના નામે, લીધા છે નાગરિકતાનો મુદ્દો આ દેશની પ્રાયોરિટી નથી, ૩૭૦ કલમ નાબૂદીનો હુકમ આ દેશની પ્રાયોરિટી નથી, આ દેશની પ્રાયોરિટી ખરાબે ચડેલાં અર્થતંત્રને પાટા પર લાવવાની છે. જી.ડી.પી. ન સહન કરી શકાય તેવો નીચે ગયો છે, તેને વધારવાની પ્રાયોરિટી છે. ગંદી વસાહતોમાં જીવાતું જીવન સદંતર બંધ થવું જોઇએ. ફૂટપાથ વસાહતનું નવીનીકરણ કરી, તેમાં વસતા માણસને માણસની વ્યાખ્યામાં લાવવાની પ્રાયોરિટી છે. પરદેશમાં જઇને હીરો બની ઘરઆંગણે ઝીરો બનતાં માનનીય વડાપ્રધાને હવે સમજી લેવાની જરૂર છે કે આ ભારતની લોકશાહી વ્યવસ્થા છે, આ વ્યવસ્થાને તમે ધર્માન્ધતાને નામે નફરતના નામે, રાજવહીવટ સ્થાપવા જશો તો આવતાં વર્ષોમાં તમારી બાદબાકી, લોકશાહી રાજ્યવ્યવસ્થામાં થઇ જશે અને તમારો વિજયરથ પાંચ રાજ્યોમાં તો અટક્યો છે, આ વિજયરથ આખા દેશમાંથી અટકી જશે અને તમે ભરેલા, અનેક બિનલોકશાહી પગલાંથી એન.આર.સી. સી.એ.એ.થી માંડીને અનેક પગલાંથી હિન્દુ રાષ્ટ્ર તરફ જવાનાં સ્વપ્ન સેવતા હો તો, તમારે સમજી લેવાની જરૂર છે કે ભારતની પ્રજા શાણી છે, ડાહી છે. મજબૂત મનોબળ ધરાવે છે. કોઠાસૂઝ પણ ધરાવે છે જે ઇંદિરા ગાંધીનો સૂરજ તપતો હતો એ જ ઇંદિરા ગાંધીને આજ લોકોએ ધૂળ ચાટતા કરી મૂકી અસહાય સ્થિતિમાં મૂકી દીધેલાં અને એવા હાલ તમારા પણ થઇ શકે છે. એટલે માનવીય અભિગમ વિકાસના અનેક ધર્માન્ધતા અને રાષ્ટ્રવાદના બિન લોકશાહી, પગલાંથી આ દેશને ૨૦ વર્ષ પાછળ લઇ જશો એ વાત આવનારી પેઢી કદી માફ નહીં કરે તે વાત રજૂ કરી વિરમું છું.
[10-02-2020]
પ્રગટ : “ગુજરાત ટુડે”, 13 ફેબ્રુઆરી 2020
e.mail : koza7024@gmail.com