હૈયાને દરબાર
આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.
કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીંજાવું એ તો આભાસ છે;
કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે.
• કવિ : તુષાર શુક્લ • સંગીતકાર : નયનેશ જાની • ગાયિકા : નિશા કાપડિયા
—
કેટલાંક ગીતો અમુક કલાકારની સિગ્નેચર ટ્યુન જેવાં બની જાય છે. ગાયકનો જ ટ્રેડમાર્ક હોય એ રીતે. શીર્ષકનું જે ગીત છે એ કોનો ટ્રેડમાર્ક છે એ સુગમસંગીત પ્રેમીઓને કહેવાની જરૂર નથી. કવિનો શબ્દ, સંગીતકારનો શણગાર તો અતિ મહત્ત્વના છે જ, પરંતુ ગાયકની રજૂઆત એને ચાર ચાંદ લગાવી શકે. આંખોમાં બેઠેલા ચાતક … ગીત કવિ તુષાર શુક્લએ લાજવાબ લખ્યું છે, સંગીતકાર નૈનેશ જાનીએ કુંવારી કન્યાની લાગણીને શિવરંજની-મધુવંતી જેવા મધુર રાગથી સરસ શણગારી છે પરંતુ, નિશા ઉપાધ્યાય-કાપડિયાએ જે બખૂબીથી એ ગીત ગાયું છે, ક્યા કહેના!
આ ગીતમાં યૌવનથી થનગનતી કાચી કુંવારી છોકરીની પ્રેમની લાગણી બહુ નાજુક રીતે વ્યક્ત થઈ છે. પ્રેમ નવો હોય ત્યારે કેટકેટલી મિશ્ર લાગણી થતી હોય. એમાં ય વરસાદ એ તો ભીંજવા-ભીંજાવાની મોસમ. વિરહ-મિલનની ઋતુ. ગીતના શબ્દે શબ્દે લાવણ્યમયી યુવતીની લજ્જા અને લાગણી તાજાં ઝાકળ જેવી લાગે છે. ગીતમાં કુંવારી કોડીલી કન્યાની વાત છે જે પહેલી વખત પ્રિયતમને મળવાની અદમ્ય ઝંખનાનો અનુભવ કરવા ઉત્સુક છે. કુતૂહલ, મૂંઝવણ, પ્રતીક્ષા, લજ્જા, ઉત્કટતા, ઉત્તેજના જેવી મિશ્ર લાગણી સાથે એ પ્રિયજનના ઈન્તજારમાં છે. આ લાગણી થતી હોય ત્યારે ગાલ પર શરમના શેરડા ના ફૂટે તો બીજું થાય શું? આ મીઠી લાગણીને કવિએ કેવી સુંદર રીતે વાચા આપી છે. આવી સંવેદનશીલ વાત નાજુકીથી કાવ્ય દ્વારા રજૂ કરવી એ જ કેટલી મોટી વાત!
કવિ તુષાર શુક્લે અનેક વિષયોમાં અનન્ય કાવ્યો અને ગીતો આપ્યાં છે. પછી એ ગીત ભાષા વિશે હોય, માતૃત્વ-પિતૃત્વનું હોય, માનવ સહજ પ્રેમનું હોય કે પ્રકૃતિ ગીત. આંખોમાં બેઠેલા ચાતક, એમ પૂછીને થાય નહીં પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને જેવાં ગીતો વિનાં સુગમ સંગીતના કાર્યક્રમો અધૂરા લાગે. શબ્દો સાથે તુષારભાઈની ગાઢ મૈત્રી. તુષારભાઈની વાક્પ્રતિભા કોઈને ય પ્રભાવિત કરી શકે. વિષય ઉપર એકદમ માપસર, સીધું અને હ્રદયપૂર્વક જોડાણ થાય એવું એમનું સંચાલન કે પ્રવચન હોય. એવા આ કવિએ આકાશવાણી કાર્યક્રમ નિયામક તરીકે જોડાયા ત્યારે આ ગીત લખ્યું હતું. ત્રણ-ચાર દાયકા પહેલાંની વાત છે. આ ગીત વિશે તુષાર શુક્લ કહે છે, "કવિતા આપોઆપ સૂઝતી હોય છે. હું માનું છું કે પહેલી પંક્તિ ઉપરથી આવે છે. બાકીની કડી કવિ પછી જોડતા જાય. ચોમાસું આસપાસ…વાળી વાત કવિતામાં પહેલીવાર આવી અને મન પ્રસન્ન થઈ ગયું. બાકીની પંક્તિઓ પછી ગોઠવાતી ગઈ. યુવાનીમાં પ્રવેશેલી નાજુક નમણી કન્યાને લાગે છે કે સંયમ, લજ્જા છોડીને હવે વ્યક્ત થવું જરૂરી છે. વરસાદી વાતો તો એક આભાસ છે. પ્રેમ ખયાલોમાં ન ચાલે. છત્રી-છજાં છોડીને ભરપૂર ભીંજાવું પડે. પ્રેમ થયો હોય તો ઈચ્છા કહેવી પડે. ઈજન સ્વીકારવું પડે. આષાઢી ઉલ્લાસને હ્રદયમાં ભરી લેવા ઈચ્છતી નાયિકાનું નિતાંત લાગણીભર્યું આ ગીત છે. જો કે, મારે કહેવું જ જોઈએ કે આ ગીતમાં સ્વરાંકન અને ગાયકીની વિશેષ મજા છે. નયનેશ જાનીએ મીઠું સ્વરાંકન કર્યું છે. નિશા કાપડિયાએ તો આ ગીતને એટલું લોકપ્રિય બનાવ્યું છે કે હવે તો ઘણા કલાકારો આ ગીત ગાય છે. હવે આ ગીત અમારું નહીં, નિશાનું થઈ ગયું છે.
સ્વરકાર નયનેશ જાનીનું પણ આ મનગમતું સ્વરાંકન છે. નયનેશ જાની માત્ર સુગમસંગીતને જ સમર્પિત છે અને ૩૫ વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત છે. એમણે બહુ સરસ વાત કરી આ ગીત વિશે. "આ ગીત સૌપ્રથમ દૂરદર્શન પર ’મહેફિલ’ નામે એક કાર્યક્રમ આવતો હતો એમાં રજૂ થયું હતું. દૂરદર્શન દ્વારા ૮૦ના દાયકામાં મોટી સ્પર્ધા યોજવામાં આવી હતી. હર્ષજિત ઠક્કર રોય એના નિયામક. ૩૦૦૦ એન્ટ્રી આવી હતી જેમાંથી ૩૦૦ સ્પર્ધકો પસંદ થયા. એમાંથી ફાઈનલ રાઉન્ડમાં ૩૦ને પ્રવેશ મળ્યો. હું પણ સ્પર્ધક હતો અને ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચ્યો હતો. નિશા પણ ફાઈનલમાં આવી. ફાઈનલ રાઉન્ડ માટે મેં જ તૈયાર કરાવેલું આંખોમાં બેઠેલા ચાતક ગાવાનું એણે નક્કી કર્યું ત્યારે મને ચેતવવામાં આવ્યો કે નિશાને બીજું ગીત ગાવાનું કહો તો કદાચ તમારો નંબર લાગી જાય! પણ એ તો જાત સાથે છેતરપિંડી કરી કહેવાય. એ તો મારી બહેન સમાન એટલે મેં એને વધારે સારી રીતે તૈયાર કરાવ્યું અને નિશા પ્રથમ આવી હતી. શબ્દોને સમજી ભાવપૂર્વક ગાનારી એ કલાકાર છે. આ બહુ જ જરૂરી છે. શબ્દોને તોડી-મરડીને ગાવાથી ગીતનું કાવ્યત્વ જ ગુજરી જાય. કવિતા શું માગે છે એ તો જુઓ! ફિલ્મ સંગીતની જેમ ત્રણ મિનિટમાં ગીત પરફોર્મ કરવાની કલા હસ્તગત કરવાની જરૂર છે. આ ગીત તુષાર શુક્લે મને આપ્યું ત્યારે જ એવું ગમી ગયું કે આકાશવાણીથી પાછાં ઘરે જતાં બસમાં એનું મુખડું બની ગયું હતું. પછી તો આખું ગીત કરવાની એવી ચટપટી લાગી કે ઘરે પહોંચીને જમ્યા વિના સીધો હારમોનિયમ પર બેસી ગયો હતો.
આ ગીત સાથેની સ્મૃતિઓ સંકોરતાં ગીતનાં મૂળ ગાયિકા નિશા કાપડિયા કહે છે કે, "આ ગીત સાથે જ મારી મુંબઈમાં એન્ટ્રી થઈ. ૧૯૮૯માં કોપવૂડ સંગીત સંમેલન બહુ મોટા પાયે મુંબઈમાં યોજાયું હતું. હું ભૂજની અને ગીતના સંગીતકાર નયનેશભાઈ કલોલથી આવ્યા હતા.
સુગમ સંગીતના અન્ય ધૂરંધરોની સામે અમે તો સાવ નવાં કલાકારો એટલે કોઈનું બહુ ધ્યાન પણ ન જાય. સોલી પણ એ વખતે મુંબઈમાં પહેલી વાર પરફોર્મ કરવાના હતા. સૌના આશ્ચર્ય વચ્ચે આંખોમાં બેઠેલાં ચાતકને જે જબ્બર પ્રતિસાદ મળ્યો એ અમારે માટે ધન્ય ઘડી હતી. સુગમ સંગીતના આ સંમેલન પછી મારી અને સોલી બન્નેની સંગીતજગતમાં નોંધ લેવાઈ અને અમારી કારકિર્દી ઊંચકાઈ. દૂરદર્શન પર તો આ ગીતે પ્રથમ સ્થાન મેળવ્યું જ હતું. તમે માનશો? ગીતનો આલાપ તો સ્પર્ધામાં જતાં પહેલાં રિક્ષામાં તૈયાર કર્યો હતો. આમ, આ ગીતે મારી કારકિર્દી ઘડવામાં નક્કર પ્રદાન આપ્યું એમ ચોક્કસ કહી શકું."
આપણે સૌ નિશાની ઉજ્જ્વળ કારકિર્દીના સાક્ષી છીએ જ. ગુજરાતી ફિલ્મોમાં તો એમણે ગાયું જ છે પરંતુ જાવેદ અલી સાથેનું એમનું ગીત બિન તેરે સનમ … ખૂબ લોકપ્રિય થયું હતું અને ગત વર્ષે મરાઠી ફિલ્મ ’સવિતા દામોદર પરાંજપે’ના એક અત્યંત કર્ણપ્રિય ગીત માટે એમને એવોર્ડ પણ મળ્યો છે.
વરસાદી માહોલમાં આ ગીત સાંભળવા માટે થઈ જાઓ સજ્જ. ઈન્ટરનેટના માધ્યમથી સાંભળી જ શકશો.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 20 ઑગસ્ટ 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=654241