Opinion Magazine
Number of visits: 9449803
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—57

દીપક મહેતા|Opinion - Opinion|15 August 2020

ઉષાબહેન મહેતા : સ્વાતંત્ર્ય સંગ્રામનાં સંનિષ્ઠ, સક્રીય સેનાની 

બાપુ, હું જાઉં છું, ક્યાં અને શા માટે જાઉં છું એ પૂછતા નહિ

અરે, આ તો આપણી દીકરી ઉષાનો અવાજ

સમય : ૧૯૪૨ના ઓગસ્ટ મહિનાની ૯મી અને ૧૪મી તારીખ વચ્ચેનો કોઈ એક દિવસ.

સ્થળ : મુંબઈના સેન્ડહર્સ્ટ રોડ પર આવેલા લક્ષ્મી ભુવન મકાનમાંનો એક ફ્લેટ.

પાત્રો : બાવીસ વરસની છોકરી અને તેનાં મા-બાપ.

દીકરી : બાપુ, હું જાઉં છું. ક્યાં જાઉં છું અને શા માટે જાઉં છું એ પૂછતા નહિ.

પિતા : (મૌન)

માતા : પાછી ક્યારે આવીશ, બેટા?

દીકરી : ખબર નથી.

પિતા : પણ તારું ભણવાનું?

દીકરી : હમણાં થોડો વખત બંધ. આવજો!

ખાદીની સફેદ સાડી પહેરેલી છોકરી મકાનનાં લાકડાનાં પગથિયાં ઉતરી જાય છે – હળવે પગલે, જરા ય અવાજ ન થાય તેમ.

બે-ચાર દિવસ એ વાતને વીતી જાય છે. અને પછી એક દિવસ એક છોકરીનો અવાજ ઘરના રેડિયોમાં સંભાય છે : ‘This is the Congress Radio calling on 42.34 meters from somewhere in India.” અને પેલી છોકરીની મા લગભગ ચીસ પાડે છે : ‘અરે, આ તો આપણી ઉષાનો અવાજ.’

ઉષા મહેતા : કિશોર વયે

હા, એ અવાજ હતો ઉષા મહેતાનો. ૧૯૪૨ની ગાંધીજીની ‘ક્વિટ ઇન્ડિયા’ મૂવમેન્ટનાં એક અગ્રણી સેનાનીનો. ૧૯૨૦ના માર્ચની ૨૫મી તારીખે સુરત નજીકના સરસ નામના ગામમાં જન્મ. જિંદગીનાં પહેલાં બાર વરસ એ ગામમાં જ ગાળ્યાં. પણ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પિતા સાથે કુટુંબ મુંબઈ રહેવા આવ્યું. એટલે જીવનનાં એ પછીનાં ઘણાંખરાં વર્ષો વિતાવ્યાં મુંબઈમાં. પિતા બ્રિટિશ સરકારના અમલદાર. તેજસ્વી, નિષ્ઠાવાન મા. ઘરમાં બે ભાઈ. તેમાં એક તો ઓરમાન. પણ માતા ક્યારે ય બે વચ્ચે તસુભાર પણ વહેરોવંચો ન કરે. બલકે વખત આવ્યે ઓરમાન દીકરાનું ઉપરાણું લે. કારણ, એ માતાએ પોતે લગ્ન પહેલાં સાવકી માનો અપાર ત્રાસ વેઠેલો. એટલે પોતાના સાવકા દીકરા પર એવા ત્રાસનો પડછાયો સુધ્ધાં ન પડે એની સતત કાળજી રાખે. ઉછેર પરંપરાગત કુટુંબમાં, પણ દીકરા-દીકરી વચ્ચે ભેદ નહિ. ત્રણે સંતાનોને જે યોગ્ય લાગે તે કરે. માત્ર એક જ સૂચના : ‘તમારા બાપની આબરુ જાળવજો.’ પણ ઉષાએ તો બીજી એક વ્યક્તિની આબરુ પણ આખી જિંદગી જાળવી : પાંચ વરસની ઉંમરે અમદાવાદ ગઈ હતી ત્યારે જેને પહેલી વાર સાબરમતી આશ્રમમાં જોયા હતા એ બાપુજીની, મહાત્મા ગાંધીની. જન્મભૂમિ સરસ ગામમાં ગાંધીજીએ એક શિબિરનું આયોજન કર્યું ત્યારે તેમાં ભાગ લીધેલો, કાંતતાં શીખેલી. ૧૯૨૮માં આઠ વરસની ઉંમરે સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસોમાં ભાગ લઈને ‘સાયમન ગો બેક’ના નારા લગાવેલા. પ્રભાત ફેરીઓમાં ભાગ લીધેલો, દારૂનાં પીઠાં સામે પિકેટિંગ કરેલું. કૉન્ગ્રેસની સાઈકલોસ્ટાઈલ કરેલી પત્રિકાઓ લપાવી-છૂપાવીને ઘરે ઘરે જઈ વહેંચેલી. ૧૯૩૦ના મીઠાના સત્યાગ્રહ વખતે દરિયાનું પાણી ઘરે લાવીને તેમાંથી મીઠું બનાવેલું, અને ગાંધીજીની લડતમાં ભાગ લીધાનો સંતોષ લીધેલો.

‘કરેંગે યા મરેંગે’નો મંત્ર આપતા ગાંધીજી

૧૯૪૨માં ગાંધીજીએ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ શરૂ કરી તે પહેલાં જ ઉષાબહેન અને તેમના કેટલાક સાથીઓને લાગતું હતું કે સ્વાતંત્ર્યની લડતની વાત લોકો સુધી પહોંચાડવા માટે કૉન્ગ્રેસનું પોતાનું એક રેડિયો સ્ટેશન હોવું જોઈએ. કારણ આજની જેમ ત્યારે પણ ઓલ ઇન્ડિયા રેડિયો તો સરકારી હતો અને એટલે સરકાર તરફી સમાચારો જ આપતો. છાપાં અને સામયિકો પર કડક સેન્સરશીપ હતી. એટલે સાચા ખબર આપી શકતાં નહિ. આઠમી ઓગસ્ટે મોડી રાતે સરકારે ગાંધીજી અને બીજા ઘણાખરા નેતાઓની ધરપકડ કરી પછી તો જરૂર ઘણી વધી ગઈ. પણ કૉન્ગ્રેસ માટે પોતાનું રેડિયો સ્ટેશન ઊભું કરવું કઈ રીતે? પૈસા આપવા તો કેટલાક વેપારીઓ તૈયાર હતા. પણ સાધન-સરંજામ? આ બધા અંગે જાણકારી ધરાવતા એક મિત્ર સારે નસીબે મળી ગયા અને તેમણે ટ્રાન્સમિટર અને રેડિયો સ્ટેશન બનાવી આપવાનું માથે લીધું. ૧૩મી ઓગસ્ટ સુધીમાં તેમાંનું ઘણુંખરું કામ થઈ ગયું. પણ …

કૉન્ગ્રેસ રેડિયોનો સરંજામ

પણ પછી શું થયું એની વાત ખુદ ઉષાબહેન પાસેથી જ સાંભળીએ. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સેન્ટર ઓફ સાઉથ એશિયન સ્ટડીઝ માટે ૧૯૬૯ના ઓગસ્ટની ૩૦મી તારીખે ડો. ઉષા મહેતાએ મુલાકાત આપી હતી તેને આધારે તેમની વાત તેમના જ શબ્દોમાં. અમારા ઉપરાંત વિઠ્ઠલભાઈ ઝવેરી અને તેમનું જૂથ પણ આવું જ કામ કરી રહ્યું હતું. બીજાં કેટલાંક જૂથ પણ તૈયારી કરી રહ્યાં હતાં. કોણ શું કરે છે, કેટલું કામ થયું છે એની રજેરજ માહિતી ડો. રામ મનોહર લોહિયાને હતી. એક દિવસ સવારે મારા કાકા અજિત દેસાઈએ મને એક ચિઠ્ઠી આપી. ખોલીને જોઈ તો ડો. રામ મનોહર લોહિયાએ મને અને મારા સાથી બાબુભાઈને લખી હતી. તેમણે લખ્યું હતું : ‘હું તમને વ્યક્તિગત રીતે ઓળખતો નથી, પણ તમારાં હિંમત અને ઉત્સાહને હું દાદ દઉં છું. મહાત્મા ગાંધીએ આત્મબલિદાનનો જે યજ્ઞ આરંભ્યો છે તેમાં ફાળો આપવાની તમારી ધગશની પણ હું કદર કરું છું. બને એટલી વહેલી તકે મને મળવા આવવાની તમને બંનેને વિનંતી કરું છું.’

બાબુભાઈ, વિઠ્ઠલભાઈ, અને હું જઈને ડો. લોહિયાને મળ્યા. અમે બધાં તરત જ એક ટીમ તરીકે કામ કરવા તૈયાર થયાં. ૧૯૪૨ના ઓગસ્ટની ૧૪મી તારીખે અમારા રેડિયો પરથી પહેલી વાર કાર્યક્રમ રજૂ થયો. અને અમારું લાંબા વખતનું સપનું સાકાર થયું. અમારી પાસે અમારું પોતાનું ટ્રાન્સમિટર હતું, રેડિયો સ્ટેશન અને રેકોર્ડિંગ સ્ટુડિયો હતાં, અમારો સિગ્નેચર ટયૂન હતો. દરરોજ કાર્યક્રમની શરૂઆત ‘સારે જહાં સે અચ્છા, હિંદોસ્તાં હમારા’ એ ગીતથી થતી, અને છેલ્લે અમે ‘વંદેમાતરમ્’ વગાડતાં. એ બેની વચમાં સમાચાર, ભાષણો, અપીલ, કાર્યકર્તાઓને સૂચનાઓ વગેરે અંગ્રેજી અને હિન્દુસ્તાનીમાં બ્રોડકાસ્ટ કરતાં. શરૂઆતમાં રોજ માત્ર એક જ વાર બ્રોડકાસ્ટ કરતાં, પણ પછી સવારે અને સાંજે એમ બે વખત કરવા લાગ્યાં. ઘણા સમાચાર અમે સૌથી પહેલાં આપતાં એટલું જ નહિ, બીજું કોઈ ન આપી શકે એવા સમાચાર પણ અમે આપતાં કારણ આખા દેશમાંથી અમારા ખબરીઓ અમને સમાચાર પહોંચાડતા. ડો. લોહિયા ઘણી વખત અમારા રેડિયો પરથી ભાષણ કરતા. એક ભાષણમાં તેમણે કહેલું : ‘અત્યાર સુધી આપણે આઝાદી માટેની ચળવળ ચલાવતા હતા, પણ હવે જે થઈ રહી છે તે ક્રાંતિ છે. અને આ ક્રાંતિ કોઈ એક પક્ષની કે સમૂહની નથી, પણ આખા દેશની છે.’ લોકો તરફથી અમને પુષ્કળ સાથ અને સહકાર મળ્યો.

ઉષા મહેતા : યુવાન વયે

પહેલા દિવસથી જ અમારું રેડિયો સ્ટેશન સરકારને આંખના કણાની જેમ ખૂંચતું હતું. આ સ્ટેશન મુંબઈમાં ક્યાંકથી ચાલે છે એટલું તો નક્કી હતું પણ ક્યાંથી? અમારા સિગ્નલને આધારે અમને શોધવા દિવસ-રાત પોલીસની વેન અને ડિટેકટિંગ વેન ફર્યા કરતી. અમારા બ્રોડકાસ્ટનો એકેએક શબ્દ લખી લેવા સરકારે ખાસ સ્ટેનોગ્રાફર રોક્યા હતા. એટલે અમારે થોડે થોડે દિવસે અમારા રેડિયો સ્ટેશનની જગ્યા બદલવી પડતી. પોલીસથી બચવા માટે અમે રેકોર્ડિંગ અને બ્રોડકાસ્ટિંગ સ્ટુડિયો અલગ અલગ જગ્યાએ રાખતાં. આ રીતે ૧૯૪૨ના નવેમ્બરની ૧૧ સુધી તો બધું હેમખેમ ચાલ્યું. પણ ૧૨મી તારીખે પોલીસે અમને શોધીને પકડી પાડ્યા. તે વખતે અમારો સ્ટુડિયો ગિરગામની પારેખ વાડીમાં હતો. પોલીસને સફળતા મળી એનું કારણ એ હતું કે અમારો જ એક ટેકનિશિયન ફૂટી ગયો હતો અને પોલીસને અમારા સુધી લઈ આવ્યો હતો. તે પહેલાં પોલીસે બાબુભાઈ ખખ્ખરની ઓફિસ પર છાપો માર્યો. હું અને બીજા બે સાથીઓ એ વખતે ત્યાં જ હતાં. અમે તરત જ કેટલીક મહત્ત્વની ફાઈલ સગેવગે કરી દીધી. પછી તરત જ હું રેકોર્ડિંગ સ્ટુડિયો દોડી. ડો. લોહિયા અને હેરિસ ત્યાં સાંજનો કાર્યક્રમ તૈયાર કરી રહ્યા હતા. મેં પોલીસે મારેલા છાપાના ખબર આપ્યા અને ડો. લોહિયાને પૂછ્યું : ‘હવે શું કરશું?’ તેમણે કહ્યું : ‘ગમે તે ભોગે આ કામ તો ચાલુ રહેવું જ જોઈએ.’ અને મેં તરત જ અમારા એક ઓળખીતા ટેક્નિશિયનને રાતોરાત બીજું ટ્રાન્સસમિટર બનાવવા જણાવી દીધું.

પછી હું ઘરે ગઈ અને ત્યાંથી ચંદ્રકાન્તભાઈ ઝવેરી સાથે બ્રોડકાસ્ટિંગ સ્ટેશન પહોંચી. રોજની જેમ ‘સારે જહાં સે અચ્છા’ વગાડ્યું, સમાચાર આપ્યા, એક વાર્તાલાપ બ્રોડકાસ્ટ કર્યો. અમે ‘વંદે માતરમ્’ વગાડવાનું શરૂ કર્યું અને બહારથી બારણાં જોર જોરથી ઠોકાવા લાગ્યાં. અમે જ નહિ, તેઓ પણ જાણતા હતા કે અમે બારણાં ખોલવાનાં નથી. એટલે પોલીસે એક પછી એક ત્રણ બારણાં તોડ્યાં અને મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશ્નર, પચાસ પોલીસો, અને લશ્કરના ટેકનિશિયનો અમારી સામે આવી ઊભા. ડેપ્યુટી પોલીસ કમિશ્નરના મોઢા પર વિજયનું આછું સ્મિત હતું. તેમણે સૌથી પહેલાં ‘વંદે માતરમ્’ની રેકર્ડ બંધ કરવા કહ્યું, પણ અમે જાણે સાંભળ્યું જ નથી તેમ રેકર્ડ ચાલુ રાખી. અમે પોલીસના છાપાના અને અમારી ધરપકડના સમાચાર પણ આપવા માગતાં હતાં પણ જેણે અમારો દ્રોહ કર્યો હતો તે ટેક્નિશિયન પોલીસની મદદે ધાયો. તેણે અમારા સ્ટુડિયોનો ઇલેક્ટ્રિક ફ્યૂઝ જ કાઢી નાખ્યો. જો કે બારણાં તોડવાના અવાજ પરથી અને પોલીસ સાથેની વાતચીત થોડી થોડી સંભળાવાથી અમારા સાથીઓને તો હકીકતનો ખ્યાલ આવી ગયો હતો. અમને સીધા પોલીસ લોક-અપમાં લઈ ગયા.

બીજે દિવસે વિઠ્ઠલભાઈ અને મોટવાની એન્ડ કંપનીના માલિક નાનક મોટવાનીને પણ પકડ્યા. બે મહિના સૂધી અમારી પૂછપરછ કર્યા પછી પોલીસે પાંચ જણ સામે ચાર્જશીટ દાખલ કર્યું. એ પાંચ તે બાબુભાઈ માધવજી ખખ્ખર, વિઠ્ઠલભાઈ ઝવેરી, ચંદ્રકાંત ઝવેરી, નાનક મોટવાની, અને હું. અમારી સામે ઢગલાબંધ આરોપ મૂકવામાં આવ્યા. જસ્ટિસ લોકુરની સ્પેશિયલ કોર્ટમાં અમારો કેસ ચાલ્યો. પ્રોફેસર વીમાદલાલ પબ્લિક પ્રોસિક્યુટર હતા, જ્યારે અમારે પક્ષે ઊભા રહ્યા હતા મોતીલાલ સેતલવડ, કનૈયાલાલ મુનશી, જસ્ટિસ (રિટાયર્ડ) તેંદુલકર, અને મિસ્ટર ઠક્કર જેવા ખ્યાતનામ વકીલો. પાંચ અઠવાડિયાં સુધી રોજેરોજ સુનાવણી ચાલી. મે મહિનામાં ચુકાદો આવ્યો તેમાં વિઠ્ઠલભાઈ અને નાનકભાઈ સામેના પુરાવાના અભાવે તેમને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યા. ચંદ્રકાંત ઝવેરીને એક વરસની સખત મજૂરી સાથેની જેલ થઈ. બાબુભાઈને પાંચ વરસની તેવી જ સજા થઈ, અને મને ચાર વરસની સખત મજૂરી સાથેની જેલ. મને યરવડા જેલમાં રાખવામાં આવી. ૧૯૪૬માં જ્યારે મુંબઈ ઇલાકામાં કૉન્ગ્રેસની કામચલાઉ સરકાર આવી ત્યારે તેમાં હોમ અને લીગલ ખાતાના પ્રધાન બનેલા કનૈયાલાલ મુનશીના હુકમથી મને છોડી મૂકવામાં આવી.

નેતા અને અનુયાયી

… જાણે કશું જ બન્યું ન હોય તેમ અધૂરો છોડેલો અભ્યાસ ઉષાબહેને ૧૯૪૭ પછી ફરી શરૂ કર્યો, ગાંધીવિચાર અંગે થિસિસ લખી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. પહેલાં વિલ્સન કોલેજમાં અને પછી યુનિવર્સિટી ઓફ બોમ્બેમાં અધ્યાપક તરીકે કામ કર્યું અને વિભાગના અધ્યક્ષ બન્યાં. ૧૯૮૦માં નિવૃત્ત થયાં. ગાંધીવિચાર અને શિક્ષણની ઘણી સંસ્થાઓ સાથે સતત સંકળાયેલાં રહ્યાં, પણ રાજકારણથી સભાનપણે દૂર રહ્યાં. જો ધાર્યું હોત તો રાજકારણમાં પડીને પદ, પૈસા અને પ્રતિષ્ઠા મેળવી શક્યાં હોત. પણ ગાંધીજીનાં એક સાચાં અનુયાયીની જેમ આવાં બધાં પ્રલોભનોથી સતત દૂર રહ્યાં. ભારત સરકારે ૧૯૯૮માં પદ્મભૂષણનું સન્માન આપીને સ્વાતંત્ર્ય સંગ્રામમાંના તેમના ફાળાનો ઋણસ્વીકાર કરેલો. આ વરસના માર્ચની ૨૫મી તારીખે ડો. ઉષાબહેન મહેતાના જન્મને સો વરસ થયાં. ઈ.સ. ૨૦૦૦ના ઓગસ્ટની ૧૧મીએ તેમનું અવસાન થયું તેને વીસ વરસ થયાં.

કોરોનાકાળ વીતે એ પછી તેમની જન્મશતાબ્દી મુંબઈમાં ઉચિત રીતે ઉજવાશે એવી આશા રાખીએ. આજે સ્વતંત્રતા દિવસે તેમની સ્મૃતિને વંદન.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 15 ઑગસ્ટ 2020

Loading

15 August 2020 admin
← અન્નકૂટ
રાજસ્થાનમાં સત્તાની રાજરમતમાં લંગડાતી આપણી લોકશાહી →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved