સોવિયેત રશિયામાં ડૉ. ઝિવાગોના લેખક પાસ્તરનાક પર જુલમની વાત બહાર આવી ત્યારે નેહરુએ તે વખતની સાહિત્ય અકાદમીમાં એક ખાસ ઠરાવ પસાર કરાવી સોવિયેત સરકારને સર્જક સાથે ધોરણસરના શાલીન વર્તાવ માટે ચીમકી આપી હતી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમ જ કાશ્મીર પ્રશ્ને સલામતી સમિતિમાં ભારતની તરફેણમાં ‘વીટો’ વાપરવાની રૂસી પેરવીની જરૂર હતી. છતાં નેહરુએ જાહેર જીવન અને સાહિત્યક્ષેત્રમાં અપેક્ષિત સહૃદયતાના ઉજાસમાં આ ભૂમિકા લીધી હતી. તેમાં હું સહિષ્ણુતા અને સમભાવનું સૌંદર્ય જોઉં છું.
વચલા બધાં વડાપ્રધાનોને ચૂકાવીને પહેલા વડાપ્રધાનની આ વાત સંભારવાનું નિમિત્ત મને અલબત વર્તમાન વડાપ્રધાને પૂરું પાડ્યું છે અને તે માટે હું એમનો ઓશિંગણ છું. ૨૦૧૮ની કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં ઝુંબેશ કરતા તેમણે એક ચિત્રકાર કરણ આચાર્યનો વિશેષ ઉલ્લેખ કેમ જાણે કર્ણાટકગૌરવ તરીકે કર્યો હતો અને એ સંદર્ભમાં એમના ચિત્ર (વ્યંગચિત્ર) “એન્ગ્રી હનુમાન”નો ઉલ્લેખ કર્યો હતો. પૌરુષમત્ત આ હનુમાન એ નથી જેને આપણે વાલ્મીકિ રામાયણ મારફત ઓળખીએ છીએ. પ્રથમ મુલાકાત પછી રામ અને લક્ષ્મણ માંહોમાંહે વાત કરે છે કે કેવું સરસ વ્યક્તિત્વ છે હનુમાનનું — આટલી ચોખ્ખી ભાષા બોલે છે. વાલ્મીકિ કહો, તુલસી કહો, કંબન કે ગિરધર કહો આપણી સામે આવતી હનુમાનની મુરત રામ, લક્ષ્મણ અને સીતાનાં ચરણોમાં નમસ્કાર મુદ્રામાં બેઠા હોય એવી છે. સમર્પિત ભક્તહૃદય અને વીરવ્રતી સંકટમોચક એ જરૂર છે, પણ કરણ આચાર્યના મોદીચહેતા એન્ગ્રી હનુમાન એ નથી તે નથી.
આજથી ત્રણેક દાયકા પાછળ ચાલ્યા જાવઃ ઉત્તર પ્રદેશમાં બે જણા ભેગા થાય તો એમનું સ્વાભાવિક અભિવાદન, કહો કે ગૂડ મોર્નિંગ શું હતું – આજે પણ હશે, ‘જય સિયારામ’. પણ કથિત રામ જન્મભૂમિઆંદોલને જે સમો બાંધ્યો એમાં બદલાયેલ તેવર “જય શ્રીરામ”નાં લગભગ યુદ્ધનાદમાં જોવાસાંભળવા મળે છે. લગભગ એમ જ કહો ને કે આપણા ભાઈ દારાસિંહ જે હનુમાન રૂપેરી પડદે લઈ આવ્યા છે તે અને આ મેળમાં છે. વાલ્મીકિ રામાયણ વાંચતા હનુમાન સાથેનો આપણી પહેલી મુલાકાત, ક્યારે થાય છે? જ્યારે રામ અને લક્ષ્મણ પરસ્પર વાત કરતાં કહે છે કે આ કેવી સ્પષ્ટ શુદ્ધ ભાષામાં બોલે છે. તે નક્કી કોઈ સચ્છીલ ચારિત્રવાન વ્યક્તિ લાગે છે. પરાક્રમી ખરા, પણ પૌરુષમત્ત નહીં. તમે “જય સિયારામ”ને સ્થાને “જય શ્રીરામ”નું સ્થાપન જોશો તો તમને સમજાશે કે જાહેર જીવનમાં સહિષ્ણુતા અને સમભાવનું સૌંદર્ય ન હોય તે શું છે.
મેં જાણીબૂઝીને ભાષાને ધોરણે માંડણી કરી છે. લુઇ મમ્ફર્ડે નગરશાસ્ત્ર વિશે ખાસી મીમાંસા કરેલી છે. મનુષ્યને, નાગરિકને, બાકીનાં પ્રાણીજગતથી જુદું તારવી આપતું તત્ત્વ શું છે એમ પૂછશો તો મમ્ફર્ડ કહેશે કે ભાષા. માર્શલ મેક્લુહાન જેવા બાકીના પ્રાણીજગતથી મનુષ્યની ઓળખ ઓજારો અને તાંત્રિકીને ધોરણે કરે છે. પણ મમ્ફર્ડ કહેશે એની ભાષા તો જુઓ.
(૨૭ મે ૨૦૧૮, ગોવા)
૫મી ઑગસ્ટે વડાપ્રધાને ભૂમિપૂજન પ્રવચનમાં જય શ્રીરામને બદલે સિયારામને ધોરણે વાત કરી, તેમાં અપેક્ષિત પુનર્વિચારનું નૈતિક દાયિત્વ એમને વાસ્તવમાં અભિમત હશે કે કેમ એવી મૂંઝવણવશ, આ એક સાંભરણ
e.mail : prakash.nireekshak@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 10 ઑગસ્ટ 2020; પૃ. 01