હૈયાને દરબાર
આ વખતની રક્ષાબંધન સાવ મોળી લાગી. વીડિયો કોલ કરીને ભાઈને રાખડીનાં દર્શન કરાવ્યાં અને મીઠાઈનો ટુકડો દૂરથી જ બતાવ્યો. શું દિવસો આવ્યા છે! જિંદગીમાં કલ્પના ય નહોતી કરી કે આવી દૂરતાના દિવસો આવશે! નજીક રહેતાં ભાઈ-બહેન કદાચ એકબીજાને મળ્યાં હશે, એ ય માસ્ક પહેરીને, એટલે સ્મિત દ્વારા વ્યક્ત થતી ખુશી આંખ વડે અભિવ્યક્ત થઈ. ડેટોલથી ન્હાઈ, હાથ સેનિટાઈઝ કરીને રાખડી બાંધવાની! નહીં તો ઓનલાઈન! ભગવાન, રક્ષાબંધને ભાઈઓ અને બહેનો બધાંની રક્ષા કરો અને હવે આ કપરાકાળમાંથી ઉગારો! બીજું તો શું કહી શકીએ! બાકી, ગમે એવી મહામારી ભાઈ-બહેનના પ્રેમને તો ઓછો કરી જ શકે નહીં. ભાઈ એ બહેન માટે અડીખમ સુરક્ષાકવચ અને બહેન એટલે લાગણીનો મેળો. સૂતરને તાંતણે બહેન ભાઈની રક્ષાની પ્રાર્થના ભગવાન પાસે કરે એ લાગણી ગુજરાતી ગીતો દ્વારા વ્યક્ત થઈ છે.
‘કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી હોજી’ અને ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવાં પ્રાચીન ગીતો બાદ અત્યંત લોકપ્રિય થયેલું ગીત ‘કોણ હલાવે લીમડી, ભાઈની બેની લાડકી’ આવ્યું. ‘વીરા બાંધું રે બાંધું તને રાખડી રે, મારા વીરાને રે કેજો કે વહેલો આવજે રે’ જેવાં કેટલાંક પારંપરિક ગીતો પણ સાંભળવા મળે. પરંતુ આજે વાત કરવી છે ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ …’ ગીતના આધુનિક વર્ઝનની, જે યુવાનોને ય પસંદ આવે એવું છે. આ ગીતનો ભાઈ-બહેનનો બહુ સરસ વીડિયો છે.
‘ખમ્મા વીરાને જાઉં’ ગીત વર્ષો પહેલાં સાંભળ્યું હતું. એનો પારંપરિક, સરળ ઢાળ હોવાથી ગમી ગયું હતું. પરંતુ આ જ ગીત આપણા લોકલાડીલા ગાયક પ્રફુલ દવેનાં સંતાનો ઈશાની દવે અને હાર્દિક દવે પાસે આધુનિક વાદ્ય અરેન્જમેન્ટ સાથે સાંભળીને ખૂબ મજા પડી ગઈ. ગીતનો ભાવ બરકરાર રાખીને અત્યંત હૃદયસ્પર્શી રીતે આ ભાઈ-બહેને નવી ટ્રીટમેન્ટ સાથે રજૂ કર્યું છે. ઈશાની પ્રોફેશનલ સિંગર છે અને સરસ ગાય છે જ પણ હાર્દિકને સાંભળીને તો જાણે પ્રફુલ દવે ગાતા હોય એવી જ અનુભૂતિ થાય! બંને બહુ ટેલેન્ટેડ સંતાનો છે જેનો પ્રફુલભાઈને ઘણો ગર્વ છે. ઈશાનીએ ઘણાં સિંગલ્સ આપ્યાં છે જેમાં પ્રફુલભાઈ સાથેનું ‘પા પા પગલી’ ગીત ખૂબ હૃદયસ્પર્શી છે. ‘ખમ્મા વીરા’ને ગીત વિશે ઈશાની દવે કહે છે, "નાનપણથી મેં મારાં માતા-પિતાને ગાતાં સાંભળ્યાં છે. એમાં ય પપ્પાના કંઠેથી લોકગીતો મધની જેમ ઝરે. કવિ ન્હાનાલાલની આ કવિતા એમને ભણવામાં આવતી હતી. પપ્પા ખૂબ ભાવવાહી રીતે ગાતા. એટલે મને પણ બહુ જ ગમવા લાગી. અનોખા ગુજરાતી ગીતોનો પરિચય મને પપ્પાએ જ કરાવ્યો હતો. ૨૦૧૫માં રક્ષાબંધનના દિવસે મારા ભાઈને આ ગીત રેકોર્ડ કરીને મેં ગિફ્ટ આપ્યું, મિત્રો-સ્વજનોને સંભળાવ્યું. બધાનો સરસ પ્રતિભાવ મળતાં પપ્પા સાથે જ મેં ગીત ફરી વીડિયો રેકોર્ડ કરાવ્યું જેમાં પ્રથમ બે કડીઓ મૂળ ગીતની રાખી જેમાં બહેન ભાઈ પ્રત્યેની લાગણી વ્યક્ત કરે છે. બીજી બે કડીઓ કવિ પ્રણવ પંડ્યા પાસે લખાવી. એ બે પંક્તિઓ ભાઈની બહેન પ્રત્યેની લાગણી દર્શાવતી હતી. પછી, આ વર્ષે થયું કે હું અને હાર્દિક જ વીડિયો બનાવીને મૂકીએ. આમ, આ વર્ષે અમે ભાઈ-બહેને જ સાથે ગાઈને ગીત વહેતું મૂક્યું. સગાં ભાઈ-બહેન રક્ષાબંધનનું ગીત ગાય એ વધારે અસરકારક લાગે.
હાર્દિક દવે પોતે ગાયક-સ્વરકાર છે. ગુજરાતી ફિલ્મ ‘ઓત્તારી’માં સંગીત આપ્યું છે. જેનું મિલિન્દ ગઢવીએ લખેલું ‘ગુલાબી’ ગીત સરસ મ્યુઝિક અરેન્જમેન્ટ સાથેનું મોડર્ન ગીત છે. ઈશાની દવેએ ગુજરાતી ભાષાનાં જવલ્લે જ સાંભળવા મળતાં ગીતોનું રિમેક કરીને યુવાપેઢી સુધી પહોંચાડવાનું બીડું ઝડપ્યું છે. ‘ચાલો, થોડાં વધારે ગુજરાતી બનીએ’ સૂત્ર સાથે ગુજરાતી કવિતા, સંગીત, સાહિત્ય લોકો સુધી પહોંચાડે છે. જેમ કે, ફટાણાં. એને નવી ટ્રીટમેન્ટ આપીને કેવી રીતે લોકો સુધી પહોંચાડવાં એના પર એ હમણાં કામ કરે છે. ઓસ્ટ્રેલિયા જઈ સાઉન્ડ એન્જિનિયરિંગનો કોર્સ કર્યો પણ હવે એ સંપૂર્ણપણે ગાયનને સમર્પિત છે.
ફિલ્મ, સૂફી સંગીત તો ઈશાની ગાય છે જ પણ આ ભાઈબહેન જેવી યંગ ટેલન્ટ ગુજરાતી ભાષા-સાહિત્ય અને સંગીત પ્રત્યે પ્રતિબદ્ધ હોય એ ગર્વની વાત છે.
‘ખમ્મા વીરાને …’ ગીતના રચયિતા છે જાણીતા ગુજરાતી સાહિત્યકાર, વિદ્વાન અને ડોલનશૈલીના જનક કવિ ન્હાનાલાલ. એમના પિતા દલપતરામ ડાહ્યાભાઈ નર્મદયુગના મહાન કવિ હતા. ન્હાનાલાલનો જન્મ માર્ચ ૧૬, ૧૮૭૭માં અમદાવાદમાં થયો હતો. એમની મૂળ અટક ત્રિવેદી હતી. અમદાવાદની ગુજરાત કોલેજ, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન કોલેજમાં અભ્યાસ કર્યો. ૧૮૯૯માં તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ સાથે એમ.એ. થયા. તેઓ ફારસી પણ બહુ સારું જાણતા હતા.
૧૯૧૯માં ગાંધીજીની પચાસમી જન્મજયંતી નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચના ગાંધીજીને અર્પણ કરી હતી. તેઓ સંસ્કૃતના પ્રકાંડ પંડિત. એમણે ગીતોના વિવિધ પ્રકારોમાં ખેડાણ કર્યું હતું. ઉપનિષદ અને ભગવદ્ ગીતા પર આધારિત સુપ્રસિદ્ધ પ્રાર્થના, ‘પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા’, જેની છેલ્લી ત્રણ કડીઓ સ્વતંત્ર પ્રાર્થના તરીકે ગવાય છે; ‘અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા …’ જેવી સંસ્કૃત પ્રધાન કાવ્યરચનાથી લઈને ‘ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ’ જેવી નિતાંત લોકરચના જે હાલરડા તરીકે પણ ગવાય છે, એ એમણે આપી. રક્ષાબંધને આ બધાં ગીતો અચૂક યાદ આવે.
આ વર્ષે રક્ષાબંધને બે સરસ નવાં ગીતો સાંભળવા મળ્યાં. એક તો અમદાવાદના નિશીથ મહેતાએ કમ્પોઝ કરેલું, કવિ તુષાર શુક્લે રચેલું ગીત ‘ઓ બહેના’. એનાં શબ્દ-સ્વરાંકન બન્ને સરસ છે.
સુરતનાં કવયિત્રી યામિની વ્યાસનું એક સુંદર ગીત સાંભળ્યું જેનું વ્હાલપભર્યું ભાવવાહી સ્વરાંકન અમદાવાદનાં ગાયિકા ડો. ફાલ્ગુની શશાંકે કર્યું છે તેમ જ એમણે પોતે જ ગાયું છે. એ ગીતના શબ્દો છે;
વહાલપના તાંતણાથી બાંધું
રે વિરલાને વહાલપના તાંતણાથી બાંધું
ઈટ્ટા કિટ્ટાને શું રાખું?
રે વિરલાને વહાલપના તાંતણાથી બાંધું
આશિષ દીર્ઘાયુના માગું મંદિર દોડી
સુખમય જીવન તારું યાચું રે હાથ જોડી
દીવડામાં પ્રાર્થનાને સાધું
રે વિરલાને વહાલપના તાંતણાથી બાંધું …!
આવી નવી રચનાઓ તહેવારોમાં આવે તો એ રીતે તહેવાર ગીતોની સમૃદ્ધિ વધે. શ્રાવણ મહિનો આમે ય તહેવારોનો મહિનો છે. શિવભક્તિ તો આખો મહિનો કરીએ જ, વચ્ચે નટખટ કાનુડો ય આપણી પ્રતીક્ષામાં છે. ચાલો, ત્યારે શ્રીકૃષ્ણ જન્મની વધામણીમાં લાગી જઈએ ને!
—————————
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
મોંઘામૂલો છે મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
એક તો સુહાગી ગગનચાંદલો રે લોલ
બીજો સોહાગી મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
રાજ તો વિરાજે રાજમન્દિરે રે લોલ
પારણે વિરાજે મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
ચંપો ખીલે છે ફૂલવાડીમાં રે લોલ
ફૂલમાં ખીલે છે મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
એક તો આનન્દ મારા ઉરને રે લોલ
બીજો આનન્દ મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
દેવે દીધી છે મ્હને માવડી રે લોલ
માડીએ દીધો મ્હારો વીર જો
ખમ્મા! વીરાને જાઉં વારણે રે લોલ
• કવિ : ન્હાનાલાલ દ. કવિ • સ્વર-સંગીત : હાર્દિક દવે-ઈશાની દવે
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 06 ઑગસ્ટ 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=633432