Opinion Magazine
Number of visits: 9449931
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક જિજ્ઞાસુ સાક્ષરના હેતુલક્ષી પ્રવાસનિબંધોનો ગ્રંથ – ‘સારસ્વત પ્રવાસો’

અરવિંદ વાઘેલા|Opinion - Opinion|30 July 2020

ઋગ્વેદના પ્રથમ ઋષિ મધુછંદાને ગુરુમંત્ર મળ્યો  'चर'  (ચાલતા રહો). કાકાસાહેબની જેમ જ કે.કા. શાસ્ત્રીએ પણ આ ગુરુમંત્રને પોતાનો જીવનમંત્ર બનાવ્યો. એક પ્રવાસલેખકની લાક્ષણિકતાને કાકા સાહેબના શબ્દોમાં જોઈએ તો – 'જ્યાં સુધી જઈ શકીશ ત્યાં સુધી ચાલતો જઈશ. જવું, ચાલવું, નવી નવી અનુભૂતિઓ પ્રાપ્ત કરવી એટલું જ હું જાણું છું. છે ….' (હિમાલયનો પ્રવાસ).

તો વળી, ઉમાશંકર જોશી આ વાતને આ શબ્દોમાં અભિવ્યક્તિ આપે છે.

                  ''ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા
                  જંગલની કુંજ કુંજ જોવી હતી …."
(સમગ્ર કવિતા)

કાકાસાહેબના મતે કેળવણી એટલે  ‘… માત્ર ભણતર નહિ, ઘડતર પણ ખરું, કેળવણી એટલે જીવન માટેની સાધના'. માણસનું સાચું ઘડતર વર્ગની ચાર દિવાલોમાં થાય છે, તેના કરતાં ચાર દિવાલોની બહાર પ્રકૃતિની ગોદમાં વધુ થાય છે. કદાચ આ કારણે જ કાકાસાહેબે પ્રકૃતિને ખોળે અલગારી રખડપટ્ટી આદરી હશે.

આ અભ્યાસલેખમાં જે ગ્રંથ વિષે વાત કરવામાં આવી છે, તેના લેખક કેશવરામ કાશીરામ શાસ્ત્રી (બાંભણિયા) જુદી માટીના માનવી છે. પ્રવાસને તેમણે હેતુલક્ષીપ્રવૃત્તિ બનાવી છે. તેમના પ્રવાસો પાછળ કોઈ ચોક્કસ હેતુ રહેલો છે. – 'પ્રવાસ જેવી કોઈ હાલતી ચાલતી વિદ્યાપીઠ નથી. ઘરનો ઉંબરો છોડવો એનો અર્થ એ થયો કે પરિચિત વાતાવરણ છોડીને અપરિચિત વિશ્વમાં પહોંચવું. નવા ચહેરા, નવી ભાષા, નવો પ્રદેશ … આ બધાનો સ્થૂળથી માંડીને સૂક્ષ્મસ્તર  પર અનુભવ પામવો. પ્રવાસ માટે બાળકની મુગ્ધતા અને ઠરેલ માણસની પરિપક્વતા હોવી જોઈએ. બાહ્ય અવલોકન અને આંતર નિરીક્ષણનો એક સંવાદ રચાતો હોય છે.’ (ઝલક – ૧૭ ) શાસ્ત્રીજીમાં આ તમામ લક્ષણો મોજુદ હતા. શાસ્ત્રીજીના આ પ્રવાસ વર્ણનો જોયા પછી એમ કહી શકાય કે ખરેખર એક સારસ્વતના પ્રવાસો કેટકેટલું આપી જાય છે.

'સારસ્વત પ્રવાસો' કે.કા. શાસ્ત્રીના પ્રવાસવર્ણનોનું આ પુસ્તક ડૉ. કૃષ્ણકાન્ત કડકિયા ટ્રસ્ટ દ્વારા પ્રથમ વાર ૧૯૯૯ અને બીજી વાર ૨૦૦૭માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં શાસ્ત્રીજીએ કરેલા તેર (૧૩) પ્રવાસોનું વર્ણન છે. આ  પ્રવાસ વર્ણનો ભાષા, ઇતિહાસ અને પુરાતત્ત્વ જેવા એમના રસના વિષયના અભ્યાસને કારણે થયેલા છે. આ ગ્રંથનું પ્રથમ, દ્વિતીય અને તેરમું પ્રવાસ વર્ણન અમેરિકાના પ્રવાસ અંગે છે. જ્યારે ત્રીજું અને ચોથું પ્રકરણ જેસલમેર અંગેના છે. પાંચમું વર્ણન ઓરિસ્સા વિષે અને છઠ્ઠા  અને આઠમાં  લેખમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને બેટ દ્વારકાના શાસ્ત્રીજીએ કરેલા પ્રવાસનું વર્ણન મળે છે. સાત, અગિયાર અને બાર પ્રકરણ કચ્છ વિશેના છે. નવમું વર્ણન ગુજરાત વિષે અને દસમું પ્રવાસ વર્ણન નગર રચના સંદર્ભે, ગાંધીનગર વિષે છે.

કે.કા. શાસ્ત્રીએ ૧૯૮૨, ૧૯૮૫ અને ૧૯૯૫ એમ ત્રણવાર અમેરિકાનો પ્રવાસ કર્યો. આ પ્રવાસો એમણે કોઈ ને કોઈ ચોક્કસ હેતુસર કર્યા છે. આ પુસ્તકની પ્રસ્તાવના લખતાં કૃષ્ણકાન્ત કડકિયા, કાકાસાહેબનો સંદર્ભ આપી, નોંધે છે કે – 'કાકાસાહેબ રખડું અને કુદરતઘેલા હતા તથા તેમણે શ્રોતાઓને કલ્પના દ્વારા રખડાવવાનું કામ કર્યું હતું, પણ તે અર્થમાં શાસ્ત્રીજીના પ્રવાસો થયા નથી જ, એમનો હેતુ તો … સંસ્કૃતિ-સભ્યતા-ભાષા-હસ્તપ્રતો કે તત્ત્વજ્ઞાન વગેરે વિશે માહિતી મેળવવા અંગેનો છે.' (પૃ. ૮) કૌટુંબિક કારણોસર કરેલા આ પ્રવાસોમાં પણ શાસ્ત્રીજીમાં બેઠેલો અભ્યાસી સંશોધક બહાર તરી આવે છે. શાસ્ત્રીજી કવિ અને નાટ્યકાર પણ છે. જે એમની આ વર્ણનોની શૈલીએ પુરવાર કર્યું છે. પત્ર અને રોજનીશીની શૈલીમાં લખાયેલા આ પ્રવાસનિબંધોમાં સ્થળ, સમય અને તારીખ-વારનું ચોક્કસ ધ્યાન રાખવામાં એમની ઝીણું કાંતવાની વૃત્તિ દેખાય છે. શાસ્ત્રીજીની એ વિશેષતા રહી છે કે, દેશ હોય કે વિદેશ, સ્થાનિક કોઈ વ્યક્તિને તેઓ સાથે રાખે છે, જેથી સ્થાનિક વિગતો, ઇતિહાસ વિશે વિશ્વસનીય માહિતી મેળવી શકાય.

અમેરિકામાં રહેતા પોતાના સંતાનોના આગ્રહને વશ થઇ ખેડેલા અમેરિકાના પ્રવાસની પૂર્વતૈયારી, હેતુ અને સલાહ સૂચનો તેમ જ માર્ગદર્શક માહિતીની નોંધ આપી તેઓ પ્રથમ પ્રવાસનું વર્ણન શરૂ કરે છે. પાસપોર્ટ -વિઝા અને એરપોર્ટની વિધિ પતાવી વિમાનમાં સ્થાન ગ્રહણ કર્યા પછી સહરાના રણ અને આલ્પ્સ પર્વતમાળાનું સુંદર વર્ણન આપ્યું છે. – 'હિમના તો દર્શન મેલી ચાદર જેવા હતા, પરંતુ ઉપરનાં સફેદ વાદળોએ આલ્પ્સ દર્શનને નયનરમ્ય બનાવ્યું’. ઇંગ્લિશ ચેનલ પસાર કરી લંડન પહોચે છે. અમેરિકાના આ પ્રવાસ દરમ્યાન વચ્ચે આવતા લંડનમાં પણ એકાદ સપ્તાહ રોકાવાનું તેમણે નક્કી કર્યું. ડાયરી લખતા હોય એમ લેખકે સ્થળ અને સમયનો ચોકસાઈપૂર્વક ખ્યાલ રાખ્યો છે. તૈયારી પણ પૂરી કરી. લંડનમાં બ્રિટિશ મ્યુઝિયમ, ઇન્ડિયા ઓફિસ લાયબ્રેરી, ઓક્સફર્ડ યુનિવર્સિટી લાયબ્રેરી જ્યાં ભાગવતની હસ્તપ્રતો છે, તેના કાર્ડ પણ પહેલેથી મેળવી રાખ્યા હતા. કેમ કે અહીં તેમનો હેતુ ભાગવત પુરાણની સમીક્ષિત વાચના કરવાનો હતો. સાથે સાથે સમય મળતાં જ તેઓ ટેમ્સ નદી, વેસ્ટ મિનસ્ટર બ્રીજ, બંકિગહામ પેલેસ, પાર્લામેન્ટ હાઉસ, ટ્રફાલ્ગર સ્ક્વેર અને બીજા હિંદુ ધર્મસ્થળોની સાથે અનેક સ્થળોની મુલાકાત લે છે. લંડનની પોલીસથી પ્રભાવિત થઇ એમના  વિશે રસિક ઝવેરીની જેમ જ વિશેષ નોંધ લે છે.

લંડન છોડ્યા પછી ૩૦ જૂન ૧૯૮૨ની મધ્યરાત્રીએ અમેરિકા પહોંચ્યા. અહીં આવવાનો હેતુ સ્પષ્ટ કરતાં તેઓશ્રી કહે છે. – 'લોસ એન્જલસમાં મળનાર વિશ્વ હિંદુ પરિષદના નવમા અધિવેશનમાં મારે ' Lord Krishna – Poorna Purushottam' એ નિબંધ  વાંચવાનો હતો'. સંતાનો અને સ્નેહીઓના સ્વાગત સાથે રાત્રે ૧૨:૩૦ વાગ્યે  સેન્ટ લૂઇસ ઘરે પહોંચ્યા. અહીં જીવનમાં પ્રથમવાર મધ્યરાત્રી પછી ભોજન કર્યાની વાત નોંધે છે. પરિષદના કાર્યક્રમની અને વ્યાખ્યાનો તથા ઠરાવોની વિગતે માહિતી આપ્યા પછી પ્રશાંત મહાસાગરના દર્શનનું વર્ણન તેમણે કૈક આ રીતે આપ્યું છે. – 'પશ્ચિમ દિશામાં પથરાયેલા વિશાળ મહાસાગરના દર્શન એ મારા જીવનની ધન્ય પળ હતી'. કેલિફોર્નિયા વિશે તેઓ નોંધે છે. -'USAના અન્ય ભૂ ભાગોની સરખામણીએ કેલિફોર્નિયાનો ભૂ ભાગ પ્રમાણમાં સૂકો છે. બેશક ડુંગરાઓ અને ખીણો ઓછા તો નથી, પણ વનસ્પતિ ખૂબ ઓછી; સમુદ્ર કિનારા ઉપર નાળિયેરી જેવાં વૃક્ષો દેખાતાં હતાં'.

વિઝાની તકલીફને કારણે નાયગ્રા ધોધના દર્શન તેમણે USની હદમાંથી જ કર્યા. કુદરતની કરામતનું વર્ણન તેમણે આ રીતે કર્યું છે. – '…. પાણીનો અસાધારણ વેગ એના રમ્ય નાદથી કર્કશ લાગવાને બદલે કર્ણમધુર લાગે છે.' ધોધને નજીકથી જોવાની ઈચ્છા હોવાથી પાસ કઢાવી રબરનાં કપડાં પહેરી ભૂગર્ભ માર્ગે ધોધ પાસે ઊભા કરેલા મંચ પરથી ૨૦૦ ફૂટ ઉપરથી પડતા ધોધના દર્શન કર્યા. આ ઉપરાંત શિકાગો અને પીટસબર્ગની મુલાકાત પણ કરી. શાસ્ત્રીજીનો પ્રકૃતિ પ્રેમ આ વર્ણનોમાં ઝળકી ઊઠે છે. પરંતુ આ પરિવ્રાજક તો શોધક અને સંશોધક છે. એટલે એમનો આત્મા તો સતત કશાંક નવાં જ્ઞાનની શોધમાં રહેતો હોય છે. પુત્રના ઘરની નાનકડી લાયબ્રેરીમાં નજર ફેરવતાં 'એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, બ્રિટાનિકા જુનિયર એન્સાયક્લોપીડિયા,  બ્રિટાનિકા ઈયર બુક – સાયન્સ એન્ડ ફ્યુચર' જેવા ગ્રંથો અને મેગેઝિનો  હાથમાં આવતાં જ વિદ્યોપાસક વિદ્વાન એમાં જકડાઈ ગયા. એક અભ્યાસીની નજરથી એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાને ફેંદતા માયાસંસ્કૃતિ અને રેડ-ઇન્ડિયન્સ વિશે એન્થ્રોપોલોજી અને આર્કિયોલોજીને લગતી નોંધ કરી લીધી.

આ બધા પાછળ એમનો ઉદ્દેશ અમેરિકન રેડઇન્ડિયન્સની સંસ્કૃતિ – સભ્યતા વિશે અભ્યાસ કરવાનો હતો. માયા – આઝુતેક – નાવાહો – ઇન્કા જેવી નષ્ટ થઇ ચુકેલી ઉન્નત સભ્યતા વિષે અભ્યાસ કરી એક માહિતીસભર અભ્યાસગ્રંથ – 'અમેરિકાના આદિમ વસાહતીઓ' આપ્યો. પુસ્તક પ્રત્યેનો એમનો પ્રેમ એમને અમેરિકાના પુસ્તકોની દુનિયામાં ખેંચી જાય છે. અહીંના   અગત્યના સ્થળોમાં મેરામેક નદીને કાંઠે આવેલી 'મેરામેક કેવર્ન' નામે જાણીતી કુદરતી ગુફા જોઈ, ગુફાનો ઇતિહાસ વર્ણવી ભૂસ્તરશાસ્ત્ર પ્રમાણે આ ગુફા ૩,૩૦,૦૦૦ વર્ષ જૂની હોવાનું તેમણે નોંધ્યું છે. વેસ્ટ વર્જીનિયામાં 'ન્યુ વૃંદાવન' તરીકે જાણીતું પ્રભુપાદજીનું રમ્ય મંદિર અને નજીકમાં આવેલ 'ગ્રેવ ક્રિક માઉન્ટ’ – મરેલાને દાટવાનો ટીંબો જોયો. અહીં ઈ.સ. પૂર્વે ૧૦૦૦ આસપાસ 'આદના' નામની અમેરિકન ઇન્ડિયન્સની એક જાત વસવાટ કરતી હતી. ૯મી ઓગસ્ટે વોશિંગ્ટન ડાઉન ટાઉનમાં 'National Museum of Natural History  & man' જોયું. આ ઉપરાંત સ્પેસ મ્યુઝિયમની મુલાકાત પણ લીધી. ૧૩ ઓગસ્ટે ૧૯૮૨ના રોજ 'લીબર્ટી ટાપુ' પર સ્મારક જોવા ગયા .લિફ્ટમાં ૬ માળ ચઢી હડસન નદી અને ન્યુયોર્કનું દર્શન કર્યાની નોંધ પણ અહીં છે. મહાનદી મિસિસિપી અને એની ભેખડો વર્ટીકલ આકારની વિશેષ નોંધ લેતાં એક જિજ્ઞાસુ પ્રવાસી તરીકે શાસ્ત્રીજીની છબી ઉપસે છે. અમેરિકાના આ પ્રવાસમાં પુસ્તકો અને પુસ્તકાલયો પ્રત્યેનો એમનો અપાર પ્રેમ એમને સારસ્વત સાબિત કરે છે. સમાજ સંસ્કૃતિ અને કુટુંબીજનોનું તથા વસ્ત્ર પરિધાનમાં ભારતીયતા જાળવવા બાબતે સતત ધ્યાન રાખતા લેખક સંસ્કૃતિ ચિંતક હોવાનો અહેસાસ કરાવે છે.

અમેરિકા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપતાં તેઓ કહે છે કે,  'એ દેશમાં sexની કોઈને સૂગ નથી'. દારૂ બાબતે તેઓ નોંધે છે કે દારૂ પીવો સર્વ સામાન્ય વાત છે. પણ દારૂ પી મોટર ચલાવનારાઓ માટે કાયદો ખૂબ સખત છે. અહીંની આવકારદાયક વસ્તુ બિનસાંપ્રદાયિકતા છે. જેનાથી શાસ્ત્રીજી ખૂબ પ્રભાવિત થયા.

અમેરિકા વિશે બીજો લેખ – 'અમેરિકામાં આદિમ વસાહતીઓનો પ્રવેશ' છે. ક્રિસ્ટોફર કોલંબસથી લઈને અનેક પાદરીઓ અને સાહસિકોએ આ પ્રદેશ સર કરવાના પ્રયત્નો કર્યા, એની વિગતસભર માહિતી આપી, કોલંબસના રેડ-ઇન્ડિયન્સ સાથેના સંઘર્ષ અને ધર્માંતરણની પ્રક્રિયા અંગે પણ તેમણે નોંધ લીધી છે. અહીંના લોકો પ્રત્યે અજબ આકર્ષણ ધરાવતા હોવાને કારણે જ તેમની સંસ્કૃતિ અને સભ્યતા તથા ભાષા અને બોલીનો અભ્યાસ એમને આકર્ષવા લાગ્યો.  રેડ-ઇન્ડિયન્સ મૂળ કઈ પ્રજા છે? તે વિશે અનેક મત મતાન્તરો છે. વીસમી સદીના પ્રથમ ૨૫ વર્ષમાં થયેલા સંશોધનોને આધારે, કે.કા. શાસ્ત્રીજીએ અનેક જગ્યાએ નોંધ્યું છે, તે પ્રમાણે ઈ.સ.પૂર્વે ૧૦,૦૦૦ થી ૬૦,૦૦૦ વર્ષ વચ્ચે હિમયુગમાં આવેલા ચાર સૂકા ગાળામાં જે સમયે સમુદ્રની સપાટી ૪૫૦ ફૂટ નીચી હતી અને એશિયા અને અમેરિકાને જોડતી બેરિંગની સામુદ્રધુની એ સમયે સંયોગીભૂમિ હતી. ઉપરાંત પૂર્વ એશિયા અને પૂર્વોત્તર અમેરિકા અલાસ્કાની વચ્ચે ધનુષ આકારની 'અલ્યુતિયાન' ટાપુઓની હારમાળા છે. તે એ સમયે ગિરિમાળા હતી. એ રસ્તે પિત્તાંગ – મોંગોલોઈડ (સૂર્યપૂજક) પ્રજાના સમૂહો પશુ-પક્ષીઓ, સંસ્કૃતિ અને સભ્યતા લઇ અમેરિકામાં પ્રવેશ્યા … ભારતીય પરિભાષામાં સૂર્યવંશી પ્રજા અમેરિકામાં પ્રવેશી અને સમય જતાં ધીરે ધીરે હોર્ન ભૂશિર સુધી ફેલાયા. મેક્સિકો -પેરુના શિલ્પ અને સ્થાપત્ય તથા જ્યોતિષ વિદ્યામાં એના અંશો સચવાયેલા જોવા મળે છે.

આર્યો બહારથી આવ્યા હોવાની માન્યતાનો પણ આ અભ્યાસમાં છેદ ઉડાડવામાં આવ્યો છે. આર્યો મૂળ મધ્ય હિમાલયથી નીકળીને પામીરની પર્વતમાળા અને પછી પશ્ચિમ તરફ ફેલાયેલી ગૌરાંગ પ્રજા – જેને કોકેસાઈડ તરીકે ઓળખાવવામાં આવ્યા છે તે જ છે. બંગાળ હાઈકોર્ટના અંગ્રેજ ન્યાયમૂર્તિ એફ.ઈ. પાર્જિટરના મત પ્રમાણે ઐલ – એ જ આર્ય છે. શાસ્ત્રીજીએ સંસ્કૃતિ, સભ્યતા અને ભાષાનો વિશદ અભ્યાસ કરી એની કેટલીક સામ્યતાઓ દર્શાવી આપી છે.  ઉદાહરણ તરીકે જોઈએ તો નવાહો ઇન્ડિયનની ભાષામાં પાણી માટે To શબ્દ છે (સંસ્કૃત – तोय)  માણસ માટે Hastiin (સ. हस्तिन) અહીં  हस्तिन  શબ્દ દ્વેતીયિક છે . એટલે મૂળ શબ્દ हस्तને તદ્દિત નો इन પ્રત્યય લાગી તૈયાર થયેલો શબ્દ છે. સંસ્કૃતમાં હાથીને માટે હસ્તિન શબ્દ રૂઢ થયો છે. हस्त, हस्त = હાથ અને હાથીની સૂંઢ, જ્યારે હજી માણસને માટે हस्तिन શબ્દ યોગરૂઢ હતો ત્યારે આ પ્રજાના પૂર્વજ પ્રાચિનતમ ભારતીય ભાષા બોલનારથી જુદા પડ્યા; પાછળથી સંસ્કૃત ભાષાના વિકાસમાં માણસને માટે વપરાતો બંધ થયો અને હાથી માટે યોગ રૂઢ બન્યો. (પૃ. ૪૮ સા.પ્ર.) દેવો કે પવિત્ર લોકો માટે 'Diyin/Dinee શબ્દ છે. અસ્તિત્વ માટે asti શબ્દ છે જે સંસ્કૃત अस्ति સાથે સામ્ય ધરાવે છે. રેડ ઇન્ડિયન્સ જાતિઓની નવાજો કે નવાહો સંજ્ઞા માટે પણ પોતાનો મત રજૂ કરતાં તેઓ કહે છે કે કોઈ વૈદિક આદિમ ભાષાનો શબ્દ એના મૂળમાં હશે. नव + आयात = नवायात शब्द હોય તો ‘ય’ નો ‘જ’ થયે અને ‘ત’ના લોપે આ શબ્દ મળી શકે. વેદકાલની પહેલાંની ભારતીય ભાષા બોલનારાઓમાંથી જુદા પડેલા એ નવાજો અને માયા છે. જેઓ ઈ.સ, પૂર્વે ૨૦,૦૦૦થી ૧૦,૦૦૦ સુધીમાં અમેરિકા આવીને વસ્યા હશે. આ ભાષાના કેટલાક શબ્દો ભારતીય ભાષા બોલનારી પ્રજા સાથેનો અમેરિકન ઇન્ડિયન્સનો સંબંધ સૂચવી જાય છે.     

પ્રવાસની સાથે પ્રાચીન દંતકથાઓ અને માન્યતાઓ વિષે અભ્યાસ કરનાર આ અભ્યાસીએ અમેરિકાની મૂળ પ્રજાની સાંપ્રદાયિક માન્યતાઓને નોંધીને એશિયન પ્રજા સાથે મળતા સામ્યની તપાસ પણ કરી છે, મેક્સિકોના માયા અને એમના અનુગામી આઝ્તેકો તથા ઉત્તર અમેરિકાના ન્નાહુઆ ઇન્ડિયન્સની કેટલીક માન્યતાઓ બતાવતાં તેઓ નોંધે છે કે જ્યારે આકાશ કે પૃથ્વી કાંઈ જ ન હતું ત્યારે ઈશ્વરના પ્રથમ શબ્દના ધ્વનિમાંથી દિવ્યતા પ્રગટી. ઈશ્વરે પહાડોની કરોડરજ્જુ તોડી નાખી અને 'આકાશમાં એક સૂક્ષ્મ તત્ત્વ અસ્તિત્વમાં આવ્યું'. અહીં નિ:શંક એકેશ્વરવાદનો સિદ્ધાન્ત જોઈ શકાય છે. સૃષ્ટિના પ્રલય કે વિનાશ પછી ફરી સૃષ્ટિ અસ્તિત્વમાં આવશે." धाता  यथापूर्वमकल्पयत " સર્જકે જેવી હતી તેવી સૃષ્ટિની રચના કરી. બીજી એક માન્યતા કાચબા અંગે છે. માણસની પ્રથમ ઉત્પત્તિ, મૃત્યુ અને આત્મા તેમ જ સ્વર્ગ અંગેની તેમની રસપ્રદ છે. નાહુઆ, ઇન્ડિયનની માન્યતાઓ થોડી જુદી પડે છે.

બીજી એક માન્યતા પ્રમાણે વિશ્વમાં દિવસ થયો એ પહેલાં સમયાતીત અવકાશ હતો. દેવોએ એકત્રિત થઇ નવયુગને પ્રકાશિત કરવાની વિચારણા કરી. તેકિકઝતેકાત્લ નામના એક દેવે યશપ્રાપ્તિના હેતુથી આ કામ હાથમાં લેવા વિચાર્યું. (આ મિકવિઝલ્લી નામનો મૃત્યુનો દેવ હતો. એ જ પછીથી ચંદ્રદેવ બન્યો) જ્યારે વિશ્વને પ્રકાશમાન કરવાની જવાબદારી બલિદાનની ભાવના સાથે નાનોંત્ઝિન નામના દેવે સ્વીકારી અને તે આશીર્વાદિત થયો. માયા અને નાહુઆનો મુખ્ય દેવ ક્વેત્ઝા લકોઆત્લ છે. એનું જ એક સ્વરૂપ આ નાનોત્ઝિન ગણાય છે. એ ફેણવાળા સર્પના સ્વરૂપનો છે. આ લોકોના તત્ત્વજ્ઞાનમાં ભારતીયતાની છાપ જોવા મળતી હોવાનું પણ લેખક નોંધે છે. – 'બધી વસ્તુઓ સદાને માટે પરિવર્તનશીલ છે. અને બીજા સ્વરૂપ ધારણ કરે છે. બધું માયિક અને નિરર્થક છે, આમ છતાં સનાતન અને સત્ય છે.'(પૃ. ૫૪ સા.પ્ર.) ભારતીય માન્યતાની જેમ વિવસ્વાન સૂર્યના પુત્ર મનુનું જે સ્થાન હતું તેવું આ ક્વેત્ઝાલકોઆત્લનું છે. આ નામ પણ ક્વેત્ઝાલ એક દુર્લભ લીલા પીંછાવાળા પક્ષીનું નામ છે. જે ચિઆપાસ અને ગ્વાટેમાલાના ઉચ્ચ પ્રદેશમાં હતું અને ભાગ્યે જ જોવા મળ . કોઆત્લ નાહુઆઓની ભાષાનો શબ્દ છે. એનો અર્થ સર્પ થાય છે. માયાઓની ભાષામાં પણ 'કો ' સર્પ વાચક શબ્દ છે. એ પ્રાણી, ફણીધર સર્પ અને પક્ષી પણ હતો. એ જ વાયુ દેવ છે. એનો રંગ કિંમતી હીરા માણેક જેવો હતો. તેને આ લોકો ઈશ્વરનો દૂત ગણે છે. આવી તો અનેક રસપ્રદ બાબતો કથાઓ અને દંતકથાઓનું વર્ણન આ પ્રવાસ નિબંધમાં જોવા મળે છે. જે લેખકની વ્યાપક દ્રષ્ટિના દર્શન કરાવે છે. આ પ્રવાસમાં તેઓ નોર્થ કેરોલિના ગયા હોત, તો રેડ ઇન્ડિયન્સનો પ્રત્યક્ષ પરિચય કરી શકત. આમ છતાં રેડ ઇન્ડિયન અંગેનો  બીજો લેખ ગુજરાતી સાહિત્યમાં આ વિષયનો એક અને અનન્ય છે. પોતાના સંતાનોના આગ્રહને વશ થઇ ૧૯૯૫માં અમેરિકાનો ત્રીજો ટૂંકો પ્રવાસ એમણે ખેડ્યો. સાચા અર્થમાં આ પ્રવાસો 'સારસ્વત પ્રવાસો’ બની રહ્યા.

પ્રવાસ અંગે આ આજીવન પ્રવાસી કે.કા. શાસ્ત્રી કહે છે કે – 'પ્રવાસના સ્થળો અભ્યાસ અને સંશોધનનું એવું મોકળું મેદાન પૂરું પાડે છે, કે એને પહોંચી વળવું મુશ્કેલ છે.' (પ્રસ્તા. પૃ.૭) કદાચ આ અનુભવને કારણે શાસ્ત્રીજીએ કચ્છના ચાર પ્રવાસ ખેડ્યા છે. આ પ્રવાસોને અંતે તેઓ શું કહે છે એ પણ જોવા જેવું છે. – ‘… સતત હજી પણ દસ વર્ષ સુધી આઠથી પંદર દિવસનો પ્રવાસ કરું તો ય એનાં બધા પ્રાચીન સ્થાનો – સ્થળોને પહોંચી વળું કે નહિ એ સમજાતું નથી'. (પૃ.૭) કચ્છના ભૂસ્તરની અદ્દભુતતા, સમૃદ્ધ અશ્મિભૂત અવશેષો એમને એના પ્રાચીન ઇતિહાસ ઉકેલવા પ્રેરણા પૂરી પાડે છે.

કચ્છ ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે. એટલું જ નહિ એની પ્રાચીનતા, એની,સંસ્કૃતિ, સભ્યતા, સમાજ, ભાષા અને બોલીઓનું વૈવિધ્ય અજબ છે. કચ્છમાં વસતી વિવિધ જ્ઞાતિઓ અને એમનો સમાજ, સંસ્કૃતિ, શિલ્પ સ્થાપત્ય અને પાળિયાઓનો ઇતિહાસ તપાસવાનું ધ્યેય પણ આ પ્રવાસમાં તેમણે રાખ્યું છે. ગુજરાતના આ પ્રવાસોમાં તેમને થયેલા અનુભવો, તેમને પડેલી મુશ્કેલીઓ અને પ્રશ્નો અંગે તેઓશ્રી અંગત રીતે અને સરકારને ભલામણ કરીને ઉપાય પણ સૂચવે છે. કોઈ હેતુલક્ષી પ્રવાસ લેખક જ આ કામ કરી શકે. તો વળી કોઈ પ્રવાસીએ ઐતિહાસિક સ્થળો કઈ રીતે જોવા એની માહિતી પણ આ વર્ણનો પૂરી પાડે છે.

શાસ્ત્રીજી કચ્છના પ્રવાસો ખેડે છે ત્યારે એમની ઉંમર ૬૫થી ૭૫ વર્ષની છે. અમેરિકાના પ્રવાસમાં વિમાન અને મોટરકારમાં ફરનાર કે.કા. કચ્છના પ્રવાસમાં બસ, ખટારા, સ્કૂટર કે પગપાળા પ્રવાસ કરવામાં પણ આનંદ અનુભવે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદ ઉઠાવવાનો અભિગમ પ્રવાસીનો હોવો જોઈએ. કચ્છનો સંબંધ હડપ્પા અને મોહેં જો ડરોની સંસ્કૃતિ સાથે જોડાતાં જ એની પ્રાચીન સમૃદ્ધિ આપણને એના અતીત તરફ જરૂર ખેંચે. શાસ્ત્રીજી અનેક  દાખલા દલીલો સાથે એમ સાબિત કરવા માંગે છે કે પ્રાચીન લુપ્ત સરસ્વતી કચ્છ અને સૌરાષ્ટ્ર થઇ ખંભાતના અખાતને મળતી હતી. એના કાંઠે જ આ સમૃદ્ધ સંસ્કૃતિઓ વિકસી હોવાની શક્યતા તેઓ જુએ છે. વૈદિક સરસ્વતીનો જમણી બાજુનો પ્રવાહ, બંને રણની પૂર્વ સીમાએથી પસાર થતા મોટા રણવાળા મુખથી અને થોડે દક્ષિણમાં જઈ નાના રણવાળા મુખથી સમુદ્રમાં મળતો, જ્યારે મુખ્ય સીધો વિપુલ પ્રવાહ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની તળભૂમિની સંધિએ થઇ નળ સરોવરના પટમાં વિસ્તરતો આગળ અગ્નિ ખૂણે લોથલ પાસે થઇ ખંભાતના અખાતમાં પડતો હતો. પશ્ચિમ રાજસ્થાનનું રણ આનો અવશેષ છે. કચ્છની પાણીની સમસ્યા નાના બંધો બાંધવાથી અને નર્મદા યોજનાથી હલ કરી શકાય એવી શક્યતા જોતા ઇઝરાયેલ જેવી કૃષિ ક્રાંતિની અપેક્ષા પણ રાખે છે.

કચ્છના ત્રીજા પ્રવાસમાં તેઓ વાગડ પ્રદેશની મુલાકાત લે છે. આડેસર એ કચ્છનું પ્રવેશદ્વાર છે. અહીંનું આદિશ્વર ઋષભ દેવનું જૈન દેરાસર જોવાલાયક છે. અહીં જ મંદિરના ઇશાન ભાગમાં કેપ્ટન જેમ્સ મેક્મુર્ડોની છત્રીવાળી કબર છે. આ અંગ્રેજ ભુરિયા બાવા તરીકે અંજારમાં રહેલો એની નોંધ પણ લીધી છે. પળાંસવા જાગીરમાં તૃણાર્કના સૂર્યમંદિર અને પાળિયાઓ, ગાગોદર, વાગડનું પ્રાચીન ગામ 'ગેડી' રવેચી માતાનું મંદિર, જૂની વાવ, વિષ્ણુ મંદિર જેવા સ્થળોની મુલાકાત શાસ્ત્રીજી લે છે, અને માહિતી માટે દયારામ કેવડિયાની મદદ લે છે. કંથકોટ જવા માટે ૩૦૦-૪૦૦ ફૂટ ઊંચે પહાડ પર ચઢવું પડે. પહાડના ભગ્ન કિલ્લામાં કંથકોટનું સૂર્યમંદિર છે, સોલંકી યુગ પહેલાના સ્થાપત્યનો નમૂનો છે. મંદિર જીર્ણ છે પણ અહીં સૂર્યની મૂર્તિ અને શિલાલેખ છે. ૧૨૦૦ વર્ષ જૂનો કિલ્લો લશ્કરી વ્યૂહરચના મુજબ બનાવવામાં આવ્યો હોવાનું લેખક નોંધે છે. ૧૦૦૦ વર્ષ જૂનું કાનમેર (કર્ણ મેરુ કે કૃષ્ણ મેરુ) પાળિયાઓ માટે જાણીતું છે. ક્ષત્રપ યુગના પાળિયા આંધોમાંથી મળ્યા છે. એક પાળિયો તો ૧૩-૧૪ ફૂટ ઊંચો છે.

કચ્છના ચોથા પ્રવાસની સંપ્રાપ્તિમાં તેઓ પ્રાગ -ઇતિહાસ અને આદ્ય ઐતિહાસિક સ્થાનોની મુલાકાતનો મૂળ હેતુ સ્પષ્ટ કરે છે. આ પ્રવાસમાં એમના સાથી 'પથિક'ના તત્કાલીન તંત્રી માનસિંહ બારડ છે. રોજનીશી પ્રકારે લખાયેલ આ પ્રવાસવર્ણનોમાં તારીખ, સમય અને વાર દર્શાવી ચોકસાઈ બતાવી છે. માતાનો મઢ, મંદિર, મકરબાની સાથે કોરીની ઐતિહાસિક ખાડીમાંથી મોટા રણમાં પાણી કેવી રીતે ફેલાય છે, તેનું પ્રત્યક્ષ દર્શન કરી વર્ણન આપ્યું છે. હડપ્પન કાળનું દેસલપુર-ગંતૂરીમાંથી મળી આવેલા ૫૦૦૦ વર્ષ જૂના અવશેષો, 'ધરુડ' નદીને પશ્ચિમ કાંઠે ગંતૂરી કિલ્લાના ભગ્નાવશેષો, પ્રાચીન બોદ્ધ ગુફાઓ, ગંતૂરી માતાનું સ્થાનક ઉપરાંત ખિરસરાની ગુફા અને કોટડા, ભડલી, લાખિયારવીરાના સ્થાનોની વિગતે માહિતી આપતાં આ વર્ણનો અભ્યાસીઓ માટે ઉપકારક નીવડે તેવાં છે.

જેસલમેરનો પ્રવાસ એમની વિદ્યાયાત્રા છે. પત્રશૈલીમાં લખાયેલ આ વર્ણન ૧૯૪૨ના સમયનું છે. જૈન મુનીશ્રી જિન વિજયજી સાથે ૬૦૦ વર્ષ જૂના ગ્રંથભંડારની હસ્તપ્રતો તપાસવા અને નકલ કરવાના હેતુથી તેઓ જેસલમેર જાય છે. જેસલમેરના ગઢમાં આવેલા એક દેરાસર નીચે આવેલા સુરક્ષિત ગ્રંથ ભંડારના કબાટો અને પટારાઓમાં તાડપત્રો અને પ્રાચીન હસ્તપ્રતો અને જર ઝવેરાત છે. એક અઠવાડિયામાં તેમણે ૧૬૦૦ પ્રતોમાંથી ૮૦૦ પ્રતોની યાદી બનાવી અને નકલ કરી. જેમાં 'અલંકાર દર્પણ', 'રત્ન કોશ’, 'કાવ્ય પ્રકાશ', 'જેવા અનેક અમૂલ્ય ગ્રંથોનો સમાવેશ થાય છે જેની વિગતે યાદી આ લેખમાં લેખકે આપી છે. આ ગ્રંથાગારમાં ચાર ભંડારો છે. ૧, તપાગચ્છ ભંડાર ૨, લોકાગચ્છ ભંડાર ૩, ધીરુ શાહ ભંડાર ૪, શ્રી વૃદ્ધિચંદ્રજી યતિનો ભંડાર.

મુનીશ્રી જિન વિજયજીને તેમણે પ્રત તપાસી નકલ શુદ્ધ કરી આપી હોય એવા ૧૬ ગ્રંથોની નામ સહિત વિગતવાર માહિતી પણ આ લેખમાં આપવામાં આવી છે. શાસ્ત્રીજીએ આ બધામાં ૧૮,૦૦૦ શ્લોકની પ્રત તપાસી અશુદ્ધિ દૂર કરી. આ ઉપરાંત તાડપત્રોમાંથી ગ્રંથો તારવી આપ્યા. આ વિદ્યાકાર્યની સાથે એમનામાં પડેલો પ્રવાસી જેસલમેરના પ્રકૃતિ સૌન્દર્યને માણે છે. રણનું સૂમસામ રેતાળ સૌંદર્ય, ક્યાંક લીલા બાગબગીચા, અમરસાગર તળાવ અને વિવિધ વનસ્પતિઓનાં વર્ણન આપી કે.કા. શાસ્ત્રી જેસલમેરને રણ, રેતી અને પથ્થરોનો રમણીય પ્રદેશ કહે છે.

જેસલમેરના બીજા પ્રવાસમાં ઐતિહાસિક સ્થળોની મુલાકાતનો હેતુ છે. રેતીના ઢુવામાંથી ખોદી કાઢ્યું હોય એવું દેખાતું આ પ્રાચીન નગર છે. ૫૦૦ વર્ષ જૂના દેરાસર, રાજમહેલ અને જેસલમેરના કિલ્લાના સ્થાપત્ય, કલાત્મક તોરણો, ઉપાશ્રયોની બાંધણી વગેરેની અભ્યાસ સભર નોંધ એક જિજ્ઞાસુ  પ્રવાસી આપે છે.

રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિની રજત જયંતી ઉજવણીમાં કટક જવાનું થતાં ઓરિસ્સાનો પ્રવાસ કરવાની તક સાંપડી. આ દરમ્યાન ભુવનેશ્વર (શિવ તીર્થ) અને જગન્નાથ પૂરી(વૈષ્ણવ તીર્થ)ના દર્શનનો લહાવો મળ્યો. એ નિમિત્તે બંને સ્થળોનો પ્રાચીન ઇતિહાસ અને દંતકથાઓનું વિગતે સુંદર વર્ણન તેમણે આપ્યું છે. ઉદયગિરિ અને ખંડગિરિની કલાત્મક ગુફાઓ અને કોર્ણાકના સૂર્ય મંદિર વિષે પણ ઓરિસ્સાના પ્રવાસમાં આલેખન મળે છે. તો વળી રસ્તામાં વચ્ચે પડતા ચંપારણ્ય – શ્રી વલ્લભાચાર્યના જન્મ સ્થળની મુલાકાત લે છે. એમના પુષ્ટિમાર્ગીય સંસ્કારો શાસ્ત્રીજીને અહીં સુધી લઇ આવે છે.

પશ્ચિમ સૌરાષ્ટ્રની પ્રવાસ નોંધ અને we are all gujrati 's શીર્ષકથી આલેખન પામેલા બંને વર્ણનોમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના મહત્ત્વનાં સ્થળો  અંગે અભ્યાસી નોંધ મળે છે. વિશેષ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ વિસ્તારમાં બરડા ડુંગરના ઇશાન ખૂણે આવેલ સૌરાષ્ટ્રની ઐતિહાસિક નગરી 'ધૂમલી'ની મુલાકાતનું વિગતસભર વર્ણન મળે છે. રોજનીશી પ્રકારે લખાયેલ આ પ્રવાસ વર્ણનમાં અહીંના પાળિયાઓ, હનુમાનનો પાળિયો, ભગ્ન મંદિરો અને ભૃગુ કુંડ, બિલેશ્વરનું ૪થી ૫મી સદીનું ચૈત્યકૃતિ અને વર્તુળોવાળા શિખરનું વિશાળ મંદિર, તૂટેલા ખડક આકારનું લિંગ એમ અનેક પ્રાચીન અને મધ્યકાલીન સ્થળો, સ્થાપત્યોની નોંધો દ્વારા સંસ્કૃતિ અને વિરાસતનું જતન અને સંવર્ધન થયું છે. આ વિસ્તારમાં ઘણા નાના સૂર્યમંદિરો જોવા મળે છે, એની પણ નોંધ લઈ  રાણપુર – ધીંગેશ્વરથી અડધો માઈલ દૂર પથ્થરમાંથી કોરી કાઢેલી ગુફામાં સ્તૂપ આકારનું ૭ ફૂટ ઊંચું અને ૪ ફૂટ પહોળું લિંગ જોવા મળ્યું એ આનંદ વ્યક્ત કરતાં રાણપુરના જર્જરિત કિલ્લા અંગે દુ:ખ પણ વ્યક્ત કરે છે. બીજીવારના પ્રવાસમાં શાસ્ત્રીજી પોતાના ભાણેજ સાથે મોટર સાયકલ પર બેસી ફરે છે. પોરબંદર પાસેના જાંબવાનના ભોયરાની મુલાકાત લે છે, તો વળી સ્થાનિક ગાઈડ સાથે પ્રભાસપાટણ, રૂદ્રેશ્વર અને દેહોત્સર્ગ સ્થળ તથા ગુફાઓની કલાત્મકતાની નોંધ લઇ સંસ્કૃતિ પર ગર્વ કરે છે. સૂત્રાપાડા – સૂર્યમંદિર, કદવાર – વરાહ મંદિરના દર્શન કરી એનો ઇતિહાસ અને પ્રાચીનતા તપાસે છે. આ ઉપરાંત એક અભ્યાસી પ્રવાસી હોવાને નાતે મંદિરના શિખરો, બાંધણી, પાળિયા, મૂર્તિઓ વગેરેનો વિશદ અભ્યાસ કરે છે.

'આદર્શ નગર રચના' નામના લેખમાં શાસ્ત્રીજીએ પ્રાચીન સમયથી લઈને આધુનિક સમયની નગર રચનાઓ વિશે દ્રષ્ટાંત સાથે ઉપયોગી માહિતી આપી છે. વેદકાલીન અને તે પૂર્વેના સમયમાં પણ ભારતની નગરરચના કેટલી વ્યવસ્થિત અને સમૃદ્ધ હશે તેનો ખ્યાલ આપતાં ભગવાન રૂદ્રે ત્રિપુરાસુરનો વધ કર્યો એ આખ્યાયિકામાં ત્રણ કોઈ કોટબંધ સમૃદ્ધ નગરો હોવાનો ઉલ્લેખ કરે છે. ઇન્દ્રને હાથે નાશ પામેલ ‘હરિયૂપીયા' નદી કે નગરીના પ્રદેશમાં વરશિખના સૈન્યનો નાશ કરવામાં આવ્યો એવું ઋગ્વેદ સૂક્ત ૬-૨૭માં નોંધે છે. (પૃ. સા.પ્ર. ૧૦૩) પણ એ હડપ્પન, મોહં – જો -દરો સંસ્કૃતિના નગર હતા કે કેમ ? એની સ્પષ્ટતા નથી, આ નગરોનું સ્થળ સિંધુખીણમાં હોવાનું પ્રાચીન અવશેષો પુરવાર કરે છે. પણ શાસ્ત્રીજી એને દ્રવિડિયન સંસ્કૃતિ કે મૂળ ભારતીય માનવા અંગે કઈ કહેતા નથી. તેઓ તો આર્યોને જ ભારતના મૂળ નિવાસી ગણાવે છે ! રામાયણકાલીન નગરો અયોધ્યા, કિષ્કિન્ધા, લંકા અને મહાભારતકાળના હસ્તિનાપુર, ઇન્દ્રપ્રસ્થ, મથુરા, કાશી, વિરાટ જેવા નગરોની નોંધ તો તેઓ કરે છે . પણ નગર રચના વિશે કંઈ સ્પષ્ટ નથી.

નગરરચના વિશેના ગ્રંથોની માહિતી શાસ્ત્રીજીએ આ લેખમાં આપી છે. છેક ઈ.સ. ૧૧મી સદીમાં માળવાના ભોજરાજા રચિત ગ્રંથ 'સમરાંગણ' સૂત્રમાં નગરરચનાનો અણસાર મળે છે. તો વળી મેવાડના રાણા કુંભના આશ્રયે સૂત્રધાર મંડન નામના વિદ્વાને 'રાજ વલ્લભ' ગ્રંથ લખ્યો જેના ચોથા અધ્યાયમાં દુર્ગો અને નગરરચનાના પ્રકારો, માર્ગો તેમ જ પ્રવેશદ્વારોની રચના અંગે ઘણી માહિતી મળે છે. માત્ર ભારત નહિ પણ વિશ્વના પ્રાચીન અને આધુનિક મોટાં શહેરોમાં પણ નગરરચના અંગે વ્યવસ્થિત પ્રયત્નો થયા છે. ઇટલી અને ઈંગ્લેંડના નગરરચનાના પ્રકારોની ચર્ચા પણ અહીં થઇ છે. નગરરચનાની શાસ્ત્રીય પદ્ધતિઓમાં મહેન્દ્ર પ્રકાર (કમલપુર) રેડિયલ અને સ્પાઈડર્સ વેબ જેવા પ્રકારોના પરિશિષ્ઠમાં ચિત્રો અને નકશા આપવામાં આવ્યા છે. પાટણ અને અમદાવાદની નગર રચના અંગેના એમના પ્રશ્નો, અને ચંદીગઢ તેમ જ ગાંધીનગર જેવા આધુનિક નગરો એની રચના હરિયાળી, રોડ – રસ્તા,ગટર – પાણી, રેલવે, ધોરી માર્ગોની નોંધ લઇ સંતોષ વ્યક્ત કર્યો છે. 'રાજ વલ્લભ’ અને 'સમરાંગણ સૂત્ર'માં દર્શાવેલ માપ, લોકોને રહેવાના સ્થળ, રસ્તા અને ઉપવનોની માહિતી આપી છે. જયપુર અને દિલ્હીની રચના પણ તેમને આનંદિત કરે છે. ભારતીય રચનામાં નગર ફરતે કોટ બાંધી લેવામાં આવતો જેથી વિકાસ અવરોધાતો ઉપરાંત નગરના કોટની બહાર અવ્યવસ્થિત રીતે પરાં બનવા માંડતા. શાસ્ત્રીજી આના ઉપાય તરીકે કહે છે કે નવા નગરની રચના શાસ્ત્રીય પદ્ધતિએ કરી, ક્ષેત્રફળની દ્રષ્ટિએ શક્ય વિસ્તારનો અંદાજે વિચાર કરી રેખાંકન નિશ્ચિત કરવામાં આવે તો એકરૂપતા જળવાય.

'બેટ શંખોદ્ધાર' નામના લેખમાં બેટ દ્વારકાના ટાપુની માહિતી અને મહત્ત્વ દર્શાવી એના ઉદ્ધારના ઉપાયો પણ એમણે સૂચવ્યા છે. આ પ્રવાસ વર્ણનોમાં એક વિચારધારાથી પ્રભાવિત અભ્યાસી તરીકે પ્રગટતા લેખક ક્યારેક પોતાના મતને ખાતર કેટલાક તથ્યોની અવગણના કરે છે. ભારતના મૂળ નિવાસી કે અનાર્ય, દ્રવિડ વિશે વાત કરવાને બદલે આર્યોને ભારતના મૂળ નિવાસી ગણાવે છે. ઋગ્વેદ નોંધે છે તે પ્રમાણે આર્યોના આક્રમણ સમયે તેઓ ઇન્દ્રને પ્રાર્થના કરે છે – 'અમારી ચારે તરફ દસ્યુ જાતિ છે. તે યજ્ઞ નથી કરતી, કઈ માનતી નથી. એ અન્યવ્રતી અને અમાનુષ છે. હે શત્રુને હણનાર ઇન્દ્ર, તું એમનો વધ કરવાવાળો છે, દાસને કાપી નાંખો' (૧૦-૨૨-૮) '(પૃ.૮ ક્રા. મૂળ નિવાસી જનનાયક કૃષ્ણ), હે ઇન્દ્ર તું બધા અનાર્યોને સમાપ્ત કર'(૧-૧૧૩ ,૭), ઋગ્વેદમાં આવાં અનેક ઉદાહરણો હોવા છતાં, મેક્સ મ્યુલર કે પાર્જિટરના એકાદ અનુકૂળ મતને તેઓ વળગી રહે છે. આજે પણ પૂર્વોત્તર સિવાયની બહુધા ભારતીય પ્રજામાં મોંગોલોઈડ કે કોકેસાઈડના લક્ષણો દેખાતા નથી. ઉમા ભારતી સાથે અમેરિકામાં થયેલી મુલાકાતમાં ઉમા ભારતીને બિનસાંપ્રદાયિક વિચારધારાની વ્યક્તિ તરીકે ઓળખાવી છે !! 

આમ હોવા  છતાં –

આ 'સારસ્વત પ્રવાસો' માત્ર આનંદ માટે નહિ પણ ઐતિહાસિક તથ્યો તારવી આપવાના શુભ હેતુથી તેમણે કર્યા છે. આ લેખો વાંચવાથી ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરતી વખતે, કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તેની પણ સુંદર માહિતી મળી રહે છે. આ ગ્રંથને જોતા એમ કહી શકાય કે, એક અભ્યાસીની જિજ્ઞાસાવૃત્તિ અને ઈશ્વર પ્રત્યેની સતત શ્રદ્ધા એમનામાં છે. જે આ લેખોમાંથી પ્રગટતું એમનું વ્યક્તિત્વ દર્શાવી આપે છે. આ શ્રદ્ધા જ એમનું બળ છે. માટે તેઓ કહે છે – ' જ્યાં જઈએ ત્યાં સાથે ચાલનાર , હરિ ! તું '.

સી.યુ. શાહ આર્ટસ કોલેજ ,અમદાવાદ – ૩૮૦ ૦૦૧ . 

Loading

30 July 2020 admin
← ખાનગીકરણ અને સરકારીકરણની વાર્તા
Rate Race — →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved