એક કવિ ગુજરી ગયા
આમ તો એમની કવિતાથી
ઘણા ગુજરી ગયેલા
પણ લોકલાજે વિબિનાર ગોઠવ્યો
બહુ દિવસથી મને કોઈએ જોયો નો'તો
તો એ બહાને લોકોને 'જોવા'નું થાય
આમે ય શોકસભા કે લોકસભા
જોવા માટે જ તો હોય છે
મને તો હતું કે ઘણાં જોડાશે
પણ કલાક સુધી તો કોઈ દેખાયું નહીં!
પછી એક જણ ઉત્સાહથી બોલ્યો :
'બહુ ખોટું થયું.'
'હા,ખોટું તો થયું.’ મેં કહ્યું.
'મારે કવિ પાસેથી પાંચ લાખ લેવાના હતા.'
'પણ કવિ જ ઊઠી ગયા છે ત્યાં -'
'પાંચ લાખનું ઉઠમણું થયું, બીજું શું?''
'કવિ છે એ જાણવા છતાં પાંચ લાખ આપ્યા?'
'હવે તો કવિઓને ઘરનું ઘર પણ હોય છે.'
'આમનું ઘર તો કવિતામાં વેચાઈ ગયેલું.'
'હવે પાંચ લાખ લેવા ક્યાં જાઉં?'
'તે લેવા જ હોય તો તમારી શોકસભા કરવી પડે.'
'જવા દો. હું પાંચ લાખ જતા કરું છું.'
બીજો એક કવિ બોલ્યો :
'મરનાર મારા દૂરના મામા થાય.'
'આમ તો એમણે ઘણાને 'મામા' બનાવેલા.'
'દૂરના મામા હતા એટલે નજીક નો'તા.'
'નસીબદાર છો.'
'તમે તો એમને જાણતા હશો.'
‘હા. છાપામાં આવ્યું એટલું જાણું.'
'એમની કવિતાઓ બહુ સરસ હતી.'
'તમે વાંચેલી?'
'વાંચી હોત તો બેસણું અત્યારે મારું હોત.'
ત્રીજો સ્ક્રીન પર બોલ્યો :
'મારે કવિતા વાંચવી છે.'
'બીજું કોઈ કામ નથી?'
‘છે ને! પણ કવિને અંજલિ આપવા કવિતા -'
'કવિની કવિતા હોય તો વાંચો.'
'એમની નથી, મારી છે.'
'એટલે તમારી કવિતા ખપાવવા તમે -'
'તે તમે બધા શું કવિ માટે ભેગા થયા છો?'
‘ના રે! આ તો એમને નામે થોડું ચરી ખાઈએ,'
'બાકી આપણી તો ફૂટી કોડી ય આવે એમ -'
'પણ મને કવિતા સમજાતી નથી.'
‘મને ય ક્યાં સમજાય છે?'
'ન સમજાય તે કવિતા જ હોય!'
‘ના, કવિને ય ન સમજાય તે કવિતા!'
'તો, કવિતા વાંચવાનું રહેવા દોને!'
'કવિની શોકસભા ને કવિતા જ નહીં?'
'કવિ જ નથી, તો કવિતા હોય તો ય શું?'
ચોથી કવયિત્રી બોલી, 'રડવું આવે છે.'
હવે તો મગરને ય મગરનાં આંસુ નથી આવતા.'
‘નહીં, રડું, બસ! બાકી, કવિ મારા સગા થાય.'
‘તો, તો એમને વિશે થોડું કહો.'
'એ નાનેથી મોટા થયેલા.'
તે તમે મોટેથી નાના થયેલાં?'
'એમને કવિતાનું વ્યસન હતું.'
'એ છોડાવવા જેવું હતું.'
'તમને હું વ્યસન મુક્તિ કેન્દ્ર લાગું છું?'
‘હેલો, હેલો. અવાજ સંભળાતો નથી. હેલો -'
ટેકનિકલ ખામી સર્જાતાં વેબિનાર અવગતે …
૦
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘કાવ્યકૂકીઝ’ નામક લેખકની કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 29 જુલાઈ 2020