આર્થિક યુદ્ધ
વિસ્તારવાદી ચીને એક સાથે દુનિયાના અનેક દેશો સામે મોરચો માંડ્યો છે. બીજું વિશ્વયુદ્ધ જર્મનીના વિસ્તારવાદમાંથી ઊભું થયું હતું અને તેના મૂળમાં હિટલર હતો. ચીનના આજના વિસ્તારવાદના મૂળમાં તેના આજીવન પ્રમુખ થઈ બેઠેલા પ્રમુખ શી જિનપીંગ છે. ચીને લદ્દાખ મોરચે લશ્કરી કાર્યવાહી કરીને પોતાની સરહદ વિસ્તારવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. આમાં ભારતના ૨૦ સૈનિકોની કરવામાં આવેલી હત્યાથી દેશમાં ચીન સામે ભારે આક્રોશ સર્જાયો. એ સૂચક છે કે આ આક્રોશ આર્થિક મોરચા તરફ વળી ગયો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી આ પ્રકારની હરકતમાં એકની સામે દસ માથાંની માગણી કરનારા રાષ્ટ્રવાદીઓ ચીન સામે એવાં જ પગલાંની માગણી કરવાના વિકલ્પે ચીનનાં માલના બહિષ્કારની માગણી કરી રહ્યા છે. આમાંથી ચીનનાં આર્થિક તાકાત અને ભારત ચીન વચ્ચેના આર્થિક સંબંધો ચર્ચાનો વિષય બન્યા છે.
ચીનઃ અર્થતંત્રમાં બાહુબલિ
પ્રથમ ચીનની આર્થિક તાકાતનો પરિચય મેળવીએ. કુલ જી.ડી.પી.ના (ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ/કુલ ઘરેલુ ઉત્પાદન) આધારે માપતાં ચીન આજે દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તેની કુલ જી.ડી.પી. વર્ષ ૨૦૧૮માં ૧૪ લાખ કરોડ ડૉલર હતી. તેની તુલનામાં ભારતની કુલ જી.ડી.પી. ત્રણ લાખ કરોડ ડૉલરની હતી. એ વધારીને ત્રણ વર્ષમાં પાંચ લાખ કરોડ ડૉલરની કરવાનો લક્ષ્યાંક વડાપ્રધાને આપ્યો હતો. હવે જો કે એ ભુલાઈ ગયો છે અને તેનું સ્થાન આત્મનિર્ભર ભારતે લીધું છે.
દુનિયાની નિકાસોમાં ૧૪ ટકાના હિસ્સા સાથે ચીન પ્રથમ ક્રમે આવે છે અને આયાતોમાં ૧૦ ટકાના હિસ્સા સાથે તે બીજા ક્રમે આવે છે. આની સરખામણીમાં વિશ્વવેપારમાં ભારતનો હિસ્સો બે ટકા જેટલો છે. આમ વૈશ્વિક અર્થતંત્રમાં ચીન એક મહાસત્તા છે. વધારે અગત્યની બાબત એ છે કે આ સ્થાન તેમણે માત્ર ચાર દસકા જેવા ટૂંકા સમયગાળામાં હાંસલ કર્યું છે. જેની ગણના ૧૯૮૦ સુધી ભારતની જેમ એક ગરીબ દેશમાં થતી હતી. તે આજે વિશ્વની એક મહાસત્તા બની ગયું છે. ચીની પ્રજા અને તેના શાસકોની ગતિશીલતા અને તેમની ધાર્યું નિશાન પાર પાડવાની વ્યવસ્થાશક્તિ આની પાછળ રહેલાં છે.
ભારત-ચીન વચ્ચેના વેપારી સંબંધો
ભારત અને ચીન વચ્ચેના વેપારી સંબંધો તપાસીએ. ચીનની ભારત ખાતેની નિકાસો ૨૦૧૮માં ૭૭ અબજ ડૉલરની હતી. એની સામે ભારતની ચીન ખાતેની નિકાસો ૧૯ અબજ ડૉલરની હતી. ભારત અને ચીન વચ્ચેના વેપારનું આ એક લાક્ષણિક ચિત્ર છે. આ આંકડાઓમાંથી એવી છાપ ઊભી થાય કે ચીન માટે આપણે મોટું બજાર છીએ, જ્યારે ચીન આપણા માટે મોટું બજાર નથી. તે છાપ સાચી નથી. ચીનની કુલ નિકાસોમાં ભારતનો હિસ્સો ત્રણ ટકા જેટલો છે. એની સામે ભારતની કુલ નિકાસોમાં ચીનનો હિસ્સો લગભગ છ ટકા છે. આમ નિકાસોના દૃષ્ટિબિંદુથી ચીન માટે આપણે એટલા મહત્ત્વના નથી, જેટલું ચીન આપણા માટે મહત્ત્વનું છે.
ભારતમાં આવતી વિદેશી મૂડીનો એક સ્રોત ચીન પણ છે. ૨૦૧૫થી ૨૦૧૯નાં વર્ષોમાં ચીનની કંપનીઓએ ભારતમાં લગભગ બે અબજ ડૉલરના રોકાણો કર્યાં હતાં. પણ લદ્દાખની ઘટના બની તે પૂર્વે જ ચીનમાંથી આવતાં રોકાણો પર નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. ચીનની કંપનીઓ ભારતની કંપનીઓ કબજે કરે તેવી દહેશતથી ચીનમાંથી આવતાં રોકાણો નિયંત્રિત કરી દેવામાં આવ્યાં હતાં. એ પછી સરકારની નીતિની અનિશ્ચિતતાને કારણે ચીનમાંથી આવતાં રોકાણો અટકી ગયાં છે. ચીનમાંથી થતી આયાતોનો બહિષ્કાર કરવાની માંગ ઊઠી ત્યારે એ સ્પષ્ટ થયું કે ચીનમાંથી કેવળ વપરાશની ચીજોની જ આયાતો થતી નથી, પણ ઔદ્યોગિક ચીજો પેદા કરવા માટેની મધ્યવર્તી ચીજોની પણ મોટા પ્રમાણમાં આયાતો થાય છે. દેશનો દવા ઉદ્યોગ ઘટક દ્રવ્યોની ૭૦ ટકા આયાતો ચીનમાંથી કરે છે. એ દ્રવ્યોની આયાતો ચીનમાંથી ન કરવામાં આવે તો ચીન જેટલા સસ્તા વૈકલ્પિક સ્રોતો આપણી પાસે નથી. આવું જ ઑટો ઉદ્યોગની બાબતમાં આપણું ચીન પર અવલંબન છે.
આર્થિક યુદ્ધ સરળ નથી
આ બે ઉદાહરણોમાંથી બે મુદ્દાઓ ફલિત થાય છે : એક, બે વ્યક્તિઓ કે બે દેશો વચ્ચેનો વેપાર બંને પક્ષ માટે લાભદાયી હોય છે. કોઈ એક પક્ષ બીજા પર ઉપકાર કરવા માટે તેની સાથે વેપાર કરતો નથી. બીજું, ઔદ્યોગિક ઉત્પાદનો માટે દુનિયાના દેશો વચ્ચેનું પરસ્પવાલંબન સામાન્ય માણસ કલ્પી ન શકે એટલી હદે વધ્યું છે. થોડા સમય પહેલાં વડાપ્રધાને દેશમાં ‘સપ્લાય ચેઇન’ વિકસાવવાની હાકલ કરી હતી. આ ‘સપ્લાય ચેઇન’ દેશો વચ્ચેના વધતા આવલંબનનો સંકેત પૂરો પાડે છે. મુદ્દો એ છે કે જેમ લશ્કર દ્વારા યુદ્ધ કરવાનું સરળ નથી, તેમ આર્થિક મોરચે પણ યુદ્ધ છેડવાનું સરળ નથી. તેની પણ દેશમાં કોઈક વર્ગોએ કિંમત ચૂકવવી પડે છે. તેથી અત્યારે તો ‘ડિજિટલ સ્ટ્રાઇક’ અને ચીનની કંપનીઓને અપાયેલા કેટલાક કૉન્ટ્રેક્ટ રદ કરીને સંતોષ માનવો પડ્યો છે. ‘ડિજિટલ સ્ટ્રાઇક’ કરીને ચીનની ૫૯ એપ પર દેશમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ દેશની સલામતી માટે મૂકવામાં આવ્યો છે એવું કારણ રજૂ કરવામાં આવ્યું છે. મુદ્દો એ છે કે ચીનની આક્રમક નીતિનો સામનો કેવી રીતે કરવો તે અંગે સરકાર હજી સ્પષ્ટ થઈ શકી નથી.
મજૂરકાયદાઓમાં સુધારા
દેશમાં ઔદ્યોગિક મૂડીરોકાણોને ઉત્તેજન આપવા માટે અને તેના એક ભાગરૂપે વિદેશી કંપનીઓને દેશમાં આકર્ષવા માટે મજૂરકાયદાઓ સુધારવા જરૂરી છે, એવી હિમાયત બજારવાદી અર્થશાસ્ત્રીઓ કરતા આવ્યા છે. અલબત્ત, તેની સાથે જમીનને લગતા કાયદા સુધારવાની ભલામણ પણ તેઓ કરતા આવ્યા છે, પણ લૉક ડાઉન દરમિયાન દેશમાં આર્થિક કટોકટીનું જે વાતાવરણ સર્જાયું તેનો લાભ લઈને દેશનાં ત્રણ રાજ્યોએ કેટલાક મહત્ત્વના મજૂરકાયદાનો અમલ ત્રણ વર્ષ માટે મુલત્વી રાખતા વટહુકમ બહાર પાડ્યા.
ત્રણ વર્ષ માટે કેટલાક મજૂરકાયદાઓનો અમલ મુલત્વી રાખવા પાછળનો તર્ક સમજાય એવો નથી. જો એ કાયદા સુધારવા જેવા જ હોય તો તેમને કાયમી ધોરણે જ સુધારવા જોઈએ. ત્રણ વર્ષ માટે કોઈ અસામાન્ય સ્થિતિ સર્જાઈ હોય તો જુદી વાત છે. પણ રાજકીય ગણતરીથી આ ત્રણ વર્ષની મુદ્દત રાખવામાં આવી છે. આ સુધારા કામચલાઉ છે એવી છાપ ઊભી કરીને તેની સામેના વિરોધને મોળો કરી નાખવાની ગણતરી રહેલી છે. ત્રણ વર્ષ લોકો તેનાથી ટેવાઈ જાય પછી એ સુધારો કાયમી કરવાનું સરળ છે.
જે ત્રણ રાજ્યોએ મજૂર કાયદા સુધારતા વટહુકમ બહાર પાડ્યા તે આ પ્રમાણે છે : ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગુજરાત. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ ઔદ્યોગિક રીતે પછાત રાજ્યોમાં હોવાથી તે રાજ્યો ઉદ્યોગોને આકર્ષવા માટે મજૂરકાયદાઓમાં સુધારા કરે તે સમજી શકાય, પણ ગુજરાત જેવા ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્યે એવા સુધારા શા માટે કરવા જોઈએ તે એક પ્રશ્ન છે. મહારાષ્ટ્ર, તામિલનાડુ, કર્ણાટક જેવાં ઔદ્યોગિક રાજ્યોએ મજૂરકાયદામાં સુધારા નથી કર્યા.
મજૂરકાયદાઃ પોથીમાંનાં રીંગણ
દેશમાં મજૂરકાયદાઓનું જંગલ છે તે સાચું છે. કેન્દ્ર અને રાજ્યોના મળીને બસો જેટલા મજૂરકાયદા કાગળ પર છે. ‘કાગળ પર છે’ એમ લખવાનું પ્રયોજન સ્પષ્ટ કરવું જોઈએ. લૉક ડાઉન વખતે સ્થળાંતરિત મજૂરોનો પ્રશ્ન ઊભો થયો ત્યારે કેટલા તજ્જ્ઞોને યાદ આવ્યું હતું કે દેશમાં સ્થળાંતરિત કામદારોને સ્પર્શતો એક કાયદો પણ છે. વધારે અગત્યની હકીકત એ છે કે દેશમાં વેતન મેળવતા કામદારોના ૭૦ ટકા કાનૂની કરાર વગર જ નોકરી કરી રહ્યા છે. મતલબ કે તેઓ મજૂરકાયદાઓનો લાભ લઈ શકે તેમ નથી. તેમના માટે મજૂરકાયદાઓ પોથીમાંનાં રીંગણ છે. ઉપર જે ૭૦ ટકાનો આંકડો નોંધ્યો છે તે સમગ્ર દેશની સરેરાશ દર્શાવે છે. કેટલાંક રાજ્યોમાં કાનૂની કરાર વગરના કામદારોનું પ્રમાણ ઘણું વધારે છે; દા.ત., એવા કામદારોનું પ્રમાણ ગુજરાતમાં ૯૧.૭ ટકા હતું, કર્ણાટકમાં ૮૪.૩ ટકા અને પંજાબમાં ૮૧.૭ ટકા હતું. ટૂંકમાં મુદ્દો એ છે કે દેશમાં કામદારોની વિશાળ બહુમતીને મજૂરકાયદાઓનો કોઈ લાભ મળતો જ નથી. તેથી મજૂરકાયદાનો અમલ મુલત્વી રાખતા ત્રણ રાજ્યોના વટહુકમો સામે કામદાર સંઘોનો પ્રબળ વિરોધ થયો નહિ.
પ્રતિકૂળ જોગવાઈઓની દલીલ
માલિકો કામદારોને એમની મરજી પ્રમાણે છૂટા કરી શકતા નથી તે મજૂરકાયદાની એક જોગવાઈ બજારવાદી અર્થશાસ્ત્રીઓને વાંધાજનક લાગી છે. આ જોગવાઈ મજૂરસંખ્યાની દૃષ્ટિએ મોટા એકમોને લાગુ પડતી હોઈ દેશમાં ઉદ્યોગપતિઓ મોટા ઔદ્યોગિક એકમો સ્થાપવાથી દૂર રહે છે, એવી તેમની દલીલ છે. તેથી દેશના ઔદ્યોગિક માળખામાં નાના ઔદ્યોગિક એકમોનું પ્રાચુર્ય છે. ભારત દુનિયાના નિકાસબજારનો લાભ થઈ શકતું નથી, તેના મૂળમાં ભારતનું આ ઔદ્યોગિક માળખું છે. નાના પાયા પર
ઉત્પાદન કરતા એકમોની કાર્યક્ષમતા, મોટા પાયા પર ઉત્પાદન કરતા એકમોની તુલનામાં ઓછી હોવાથી તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી શકતા નથી. ભારતે જો વિવિધ ઔદ્યોગિક ચીજોના વિશ્વબજારનો લાભ લઈને ઝડપી ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો તેણે મોટા ઔદ્યોગિક એકમોને ઉત્તેજન આપવું જોઈએ. એ દૃષ્ટિએ મજૂરકાયદાની જે જોગવાઈઓ મોટા એકમો માટે પ્રતિકૂળ હોય તે દૂર કરવી જોઈએ.
આ દલીલ પ્રમાણે ભારતમાં મોટા ઔદ્યોગિક એકમોના વિસ્તરણ સામેનો મુખ્ય અવરોધ મજૂરકાયદાઓમાં રહેલો છે. આ દલીલને તપાસવાની જરૂર છે. ભારતમાં નાના પાયાના ઉત્પાદન એકમોનું પ્રાચુર્ય દેશમાં નિયોજન-પ્રતિભા(ટેલેન્ટ)ની લાક્ષણિકતાનું દ્યોતક છે કે કેમ તે તપાસવાની જરૂર છે. આમાં આપણી સાંસ્કૃતિક પરંપરા કેટલે અંશે જવાબદાર છે તે પણ તપાસવાની જરૂર છે. આપણે ઇનોવેટિવ નિયોજકો અપવાદરૂપે મેળવી શક્યા છીએ. ચીનના નિયોજકો ભારતમાં પતંગ માટેની દોરી અને ગણપતિની મૂર્તિઓ માટેનું બજાર શોધી શકે, એવી શોધક પ્રતિભા આપણે પેદા કરી શક્યા નથી. આપણે ચીનની તુલનામાં બજારના માધ્યમનો ઉપયોગ કરીને ઘણું ઓછું હાંસલ કરી શક્યા છીએ તે આંતરખોજનો વિષય બનવો જોઈએ.
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 27 જુલાઈ 2020; પૃ. 04-06