આઝાદી બાદ શિક્ષણ ક્ષેત્રે દેશે મોટી ફાળ ભરી છે. સામાન્ય સાક્ષરતા દર તો ઘણો વધ્યો જ છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ સારી પ્રગતિ થઈ છે. ૧૯૫૦માં દેશમાં માત્ર ૨૦ યુનિવર્સિટીઓ હતી. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ૨૦૧૮-૧૯ના ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશન સર્વે મુજબ હવે ૯૯૩ યુનિવર્સિટીઓ અને ૩૯,૯૩૧ કોલેજો છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૦-૧૧માં ૧.૨ કરોડ હતી જે દાયકામાં જ વધીને ૩.૭૪ કરોડ થઈ છે. શિક્ષણની પ્રગતિના આ આંકડા આંજી દેનારા હોવા છતાં જ્ઞાન આધારિત સમાજ અને અર્થવ્યવસ્થાના યુગમાં પર્યાપ્ત નથી.
વૈશ્વિક કક્ષાએ ઉચ્ચશિક્ષણનું મૂલ્યાંકન કરી જે રેન્કિંગ આપવામાં આવે છે, તેમાં ત્રણ મહત્ત્વના છે : ટાઈમ્સ હાયર એજ્યુકેશન, ક્વિરૈલી સાયમંડ્સ અને શાંઘાઈ જિયોટોંગ યુનિવર્સિટી રેન્કિંગ. ૨૦૧૬થી ભારત સરકારે પણ નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક કહેતાં એન.આઈ.આર.એફ. શરૂ કર્યું છે. તાજેતરમાં દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓનું ચોથું રેન્કિગ જાહેર થયું છે. અગાઉના ત્રણ રેન્કિંગની જેમ ચોથા વરસે પણ બેંગલુરુની ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને વારાણસીની બનારસ હિંદુ યુનિવર્સિટીએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાળવી રાખ્યા છે. ઉચ્ચ શિક્ષણની તમામ સંસ્થાઓના ક્રમાંક્રનમાં આઈ.આઈ.ટી. મદ્રાસ પ્રથમ ક્રમે આવી છે. ૩,૫૦૦ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને સમાવતા આ નેશનલ રેન્કિંગમાં ઉચ્ચસ્થાન ધરાવતી સંસ્થાઓ વિશ્વ કક્ષાના રેન્કિંગમાં નબળી જણાય છે. ૨૦૨૦ના ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિંગમાં ૯૨ દેશોની ૧,૪૦૦ યુનિવર્સિટીઓમાં પ્રથમ ૩૦૦માં ભારતની એક પણ યુનિવર્સિટી સ્થાન મેળવી શકી નથી. ક્યૂ.એસ. અર્થાત્ ક્વિરૈલી સાયમંડ્સના રેન્કિંગમાં પહેલી ૧૦૦ યુનિવર્સિટીમાં ભારતની એકેય નથી. ભારતની તમામ હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ક્રમાંકની આઈ.આઈ.ટી. મદ્રાસ ગ્લોબલ રેન્કિંગમાં ૨૭૫મા ક્રમે આવી છે.
નેશનલ રેન્કિંગમાં ટોપ કરનાર હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ્સ ગ્લોબલ રેન્કિંગમાં તળિયે હોય છે તેનું કારણ બંને રેન્કિગના માપદંડ અલગઅલગ છે તેવું આશ્વાસન જરૂર લઈ શકાય. પણ ભારત સરકાર ગ્લોબલ રેન્કિગને જ નકારે અને વૈશ્વિક સ્તરે લોકલ રેન્કિંગને સ્થાપિત કરવા પ્રયાસ કરે કે દેશની સાત આઈ.આઈ.ટી. આ વરસના ટાઈમ્સ હાયર એજ્યુકેશન રેન્કિગનો બહિષ્કાર કરે તેના પરથી લાગે છે કે વૈશ્વિક હરીફાઈમાં આપણે ટકતા નથી. એટલે તેનાં કારણો શોધવાને બદલે નકાર કે બહિષ્કારનો માર્ગ અપનાવીએ છીએ.
ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના રેન્કિગનો ઉદ્દેશ દુનિયાભરની પ્રતિભાઓને આકર્ષિત કરવાનો અને દેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ સંસ્થા ચીંધવાનો હોય છે. ભારતમાં ઉચ્ચશિક્ષણ મેળવતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા હાલમાં ૪૭,૪૨૭ છે. એટલે આપણું હાયર એજ્યુકેશન રેન્કિગ વિદેશી પ્રતિભાઓને ખાસ આકર્ષિત કરી શકતું નથી. કેમ કે કુલ વિદ્યાર્થીઓમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા નગણ્ય છે. બીજી તરફ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો એક અભ્યાસ જણાવે છે કે દેશના ત્રણ લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ વિદેશોમાં ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને તે માટે વાર્ષિક ૪૩,૦૦૦ કરોડનો ખર્ચ કરે છે. એટલે ભારતનું વર્તમાન ઉચ્ચ શિક્ષણ પ્રતિભાવાન દેશી-વિદેશી બેઉ વિદ્યાર્થીઓને આકર્ષવામાં નિષ્ફળ નીવડ્યું છે.
આપણું ઉચ્ચ શિક્ષણ કેમ ઉચ્ચ નથી ગણાતું કે વૈશ્વિક હરીફાઈમાં પાછળ પડે છે તેનાં કારણોમાં શિક્ષણ સંસ્થાઓમાં અધ્યાપકોની ખાલી જગ્યાઓની સમસ્યા છે. માત્ર કેન્દ્રીય વિશ્વ વિધાલયોની ૧૮,૨૪૩ અધ્યાપકોની કુલ જગ્યાઓમાંથી ૬,૬૮૮ અને બિનશૈક્ષણિક ૩૪,૯૨૮માંથી ૧૨,૩૨૩ જગ્યાઓ ખાલી છે. સ્ટેટ યુનિવર્સિટીઓની પણ ૪૫ ટકા જગ્યાઓ ખાલી છે. આટલા મોટા પ્રમાણમાં ખાલી જગ્યાઓ શિક્ષણ પર નકારાત્મક અસરો જન્માવે છે અને શિક્ષણને પાંગળુ બનાવે છે. છેક કોઠારી કમિશનથી શિક્ષણ માટે બજેટના ૬ ટકા ખર્ચવાની ભલામણો થતી રહી છે પરંતુ તેનો ક્યારે ય અમલ થયો નથી. યુ.જી.સી.ના ફંડનો ૬૫ ટકા હિસ્સો દેશની ૪૯ સેન્ટ્રલ યુનિવર્સિટીઓ માટે ખર્ચાય જ્યારે ૩૫ ટકા હિસ્સો ૪૧૨ સ્ટેટ યુનિવર્સિટીઓના ભાગે આવે છે. નાણાકીય ફાળવણીની આટલી મોટી અસમાનતા શિક્ષણને સબળ બનતું અટકાવે છે.
આપણું શિક્ષણ તમામ પ્રકારની અસમાનતા જન્માવે છે. સમાજમાં શિક્ષણ મેળવતા બે વર્ગો સ્પષ્ટ જોવા મળે છે. ગરીબો કે નિમ્ન મધ્યમવર્ગના બાળકો સરકારી અને અનુદાનપાત્ર કોલેજોમાં અભ્યાસ કરે છે. જ્યારે અમીરોના બાળકો દેશની અતિ મોંધી ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં કે વિદેશોમાં અભ્યાસ કરે છે. શિક્ષણનો અને શિક્ષણ સંસ્થાઓનો વ્યાપ જરૂર વધ્યો છે પરંતુ તેમાં ભૌગોલિક અસમાનતા ભારોભાર છે. ભારતમાં એક લાખની વસ્તીએ સરેરાશ ૨૮ કોલેજો છે. પરંતુ કર્ણાટકમાં તે પ્રમાણ ૫૩ કોલેજોનું છે તો બિહારમાં ૭નું જ છે. દેશના ૭૩૧ જિલ્લામાંથી ૩૨ ટકા વિદ્યાર્થીઓ ૫૦ જિલ્લાના છે અને ઉચ્ચ શિક્ષણની સારી ગણાતી સંસ્થાઓ મહાનગરોમાં જ આવેલી છે. ૩.૭૪ કરોડ વિદ્યાર્થીઓમાં ૧.૮૨ કરોડ મહિલાઓ છે. પરંતુ તેઓ મુખ્યત્વે આર્ટસ-કોમર્સ કોલેજોમાં જ વધુ ભણતી હોય છે. કોલેજમાં વિદ્યાર્થીઓનું નામાંકન ૨૬.૩ ટકા છે. એટલે કે બારમું ધોરણ પાસ કર્યા પછી ૧૦૦માંથી ૨૬ વિદ્યાર્થી જ કોલેજમાં પ્રવેશ મેળવે છે. આ નામાંકનમાં વધારો પણ મોટી સમસ્યા છે. ભારતમાં ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં સંશોધનનું સ્તર અતિ નબળું હોય છે. શિક્ષણ સંસ્થાઓમાં સંશોધનને યોગ્ય સામાજિક વાતાવરણનો પણ અભાવ છે. વિશ્વસ્તરના સંશોધનો અને સંશોધનપત્રોનો અભાવ પણ ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને ગ્લોબલ રેન્કિંગમાં નીચે રાખે છે. દુનિયાની અન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સરખામણીમાં ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સ્વાયત્તતા અને સ્વતંત્રતા ઘણી ઓછી છે. શિક્ષણ રાજ્યાશ્રિત છે અને રાજકીય હસ્તક્ષેપ મોટા પ્રમાણમાં છે. આ બાબત પણ શિક્ષણની ગુણવત્તા પર અસર કરે છે.
ભારતમાં ન માત્ર ઉચ્ચ શિક્ષણ સમગ્ર શિક્ષણ બજારના હવાલે કરી દેવામાં આવ્યું છે. આટલી સરકારી છૂટ છતાં ભારતની ઉચ્ચ શિક્ષણની ખાનગી સંસ્થાઓ પણ વૈશ્વિક હરીફાઈમાં નબળી જ છે. રેન્કિંગનો લલચામણો રસ્તો સરકારે અને સમાજે પસંદ કર્યો છે. પરંતુ ઉચ્ચ રેન્કિગ ધરાવતી સંસ્થાઓ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુલ શિક્ષણ સંસ્થાઓનો માંડ અડધો ટકો જ છે. બાકીના તમામ વિદ્યાર્થીઓએ તો ૯૯.૫ ટકા સંસ્થાઓ સાથે જ પનારો પાડવાનો છે. એટલે તે સંસ્થાઓને સાધનસુવિધાસજ્જ અને ગુણવત્તાસભર શિક્ષણયુક્ત બનાવવી તે ખરો પડકાર છે. જે રાજ્યોમાં અને જે વિસ્તારોમાં હજુ પણ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ જ નથી ત્યાં તેને પહોંચાડવાની છે. વિશ્વગુરુ અને વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે સમાવેશી અને સર્વ માટે સમાન ગુણવતાયુક્ત ઉચ્ચશિક્ષણ પાયાની શરત છે.
(તા.૨૨-૦૭-૨૦૨૦)
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 22 જુલાઈ 2020