Opinion Magazine
Number of visits: 9446503
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલપતરામ : જેણે મુંબઈ જોઈ નહિ, અફળ ગયો અવતાર

દીપક મહેતા|Opinion - Literature|22 July 2020

કાળચક્રની ફેરીએ

'અમે ચોથા વર્ષ ઉપર મુંબઈ જોએલી, અને હાલ જોઈ, તેમાં ઘણો ફેરફાર જોવામાં આવ્યો. દોલતનો, વસ્તીનો, વેપારનો, બાગ બંગલાનો, અને ઘોડા ગાડીઓનો ઘણો વધારો થયો છે. ચોથા વર્ષ ઉપર જેઓ મજુરી કરતાં હતા તેઓ લખેશરી થઈ પડ્યા છે. વાલકેશ્વરની આસપાસ ઉજડ જગા હતી ત્યાં ઘણા બંગલા થયા છે. ડુંગર ખોદીને ત્યાં બંગલા કરે છે, સમુદ્ર પૂરીને બંગલા કરે છે … સઘળી ચીજો ઘણી મોંઘી થઈ ગઈ છે. નોકર-ચાકર પૂરા મળી શકતા નથી. નવી ઇમારતો ઘણી બંધાય છે. જ્યાં જોઈએ ત્યાં લખેશરી લોકો નજરે આવે છે. હાલ મુંબઈ સોનાની છે એવું કહીએ તો કહી શકાય … પાણીના નળ ઘેર ઘેર ચોથા માળ સુધી અને પાંચમાં માળ સુધી ચઢાવેલા છે. મુંબઈમાં ભાલ દેશનાં કરતાં પણ પાણીનું દુઃખ ઘણું હતું, ત્યાં હાલ પાણીનું પરમ સુખ થયું છે … મુંબઈની નિશાળોમાં છોકરાઓનો અને છોડીઓનો તથા તેઓના અભ્યાસનો પણ વધારો જોવામાં આવે છે. લોકોના વિચાર ઘણા ફરી ગયા છે, સુધારાનું જોર ઘણું વધ્યું છે. મુંબઈના લોકોમાં વાંચવાનો શોખ વધ્યો છે; ઘણા વર્તમાનપત્રો અને ચોપાનિયાં પ્રગટ થતાં છતાં પણ વળી નવાં નવાં પ્રગટ થાય છે, તો પણ તેની ખપત થાય છે.

દોહરો

લંકાની લક્ષ્મી બધી, છે મુંબઈ મોઝાર,
જેણે મુંબઈ જોઈ નહિ, અફળ ગયો અવતાર.' 

(અવતરણ ચિહ્નોમાં બધે જોડણી મૂળ પ્રમાણે)

‘મુંબઈ વિષે’ નામનો દલપતરામનો લેખ ‘બુદ્ધિપ્રકાશ’ના ઓગસ્ટ ૧૮૬૩ના અંકમાં પ્રગટ થયો હતો તેમાં તેમણે મુંબઈ વિષે ઉપર પ્રમાણે લખ્યું છે. (કોણ જાણે  કેમ પણ ‘દલપત ગ્રંથાવલિ’ના પાંચ ભાગમાં આ લેખ સમાવાયો નથી.)

ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સરકારી નોકરીમાં લાંબો વખત ગુજરાતમાં ગાળ્યા પછી દલપતરામના મિત્ર અને માર્ગદર્શક એલેક્ઝાન્ડર ફાર્બસની બદલી મુંબઈ થઈ. ૧૮૬૧ના નવેમ્બરની ૨૩મી તારીખથી તેમણે મુંબઈની સદર દીવાની અદાલતના એક્ટિંગ જજનો હોદ્દો સંભાળી લીધો. પણ એ વખતે આ અદાલતના છેલ્લા દિવસો ગણાતા હતા. કારણ ૧૮૬૧ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે બ્રિટિશ પાર્લામેન્ટે ‘ઇન્ડિયન હાઈકોર્ટ એકટ’ પસાર કરી દીધો હતો. આ કાયદા હેઠળ કલકત્તા, મદ્રાસ અને બોમ્બે ખાતે હાઈ કોર્ટની સ્થાપના કરવા માટેનું હુકમનામું જારી કરવાની સત્તા ગ્રેટ બ્રિટનનાં મહારાણીને આપવામાં આવી હતી. એટલે ૧૮૬૨ના જૂન મહિનાની ૨૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટની સ્થાપના કરતું હુકમનામું મહારાણીએ બહાર પાડ્યું. તેમાં બોમ્બે હાઈ કોર્ટ ખાતે કુલ છ ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી. તેમાંના એક હતા એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. ૧૮૬૨ના ઓગસ્ટની ૧૪મી તારીખે બોમ્બે હાઈ કોર્ટનું ઉદ્ઘાટન થયું હતું. (એક આડવાત : અવારનવાર માગણી થવા છતાં બોમ્બે હાઈ કોર્ટનું નામ બદલી શકાતું નથી તેની પાછળનું કારણ આ છે : તેની સ્થાપના બ્રિટિશ પાર્લામેન્ટના કાયદા દ્વારા નથી થઈ, પણ બ્રિટનનાં મહારાણીના હુકમનામા દ્વારા થઈ છે, અને તેમાં ફેરફાર કરવાનો હક્ક નથી તો ભારતની પાર્લામેન્ટને, કે નથી રાષ્ટ્રપતિને.)

અગાઉ ગુજરાતમાં જ્યાં જ્યાં ફાર્બસની બદલી થયેલી ત્યાં ત્યાં તેઓ દલપતરામને સાથે લઈ ગયા હતા. એટલે દલપતરામના મનમાં એવી આશા હતી કે ફાર્બસ પોતાને મુંબઈ પણ લઈ જશે. પણ ફાર્બસ મુંબઈ ગયા ત્યારે દલપતરામને સાથે નહોતા લઈ ગયા, પણ તેમને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાંનું કામ ચાલુ રાખવા જણાવ્યું હતું. પણ મુંબઈમાં ઠરીઠામ થયા પછી ફાર્બસે દલપતરામને મુંબઈ તેડાવ્યા. એટલે ૧૮૬૩ના એપ્રિલમાં દલપતરામ સોસાયટીની નોકરીમાંથી બે મહિનાની રજા લઈ મુંબઈ ગયા. ફાર્બસે તે વખતે ‘પૃથુરાજ રાસો’નાં બે પ્રકરણનો અનુવાદ દલપતરામ પાસે કરાવ્યો. તે વખતે ઇંગ્લન્ડ જતી એક સ્ટીમરમાં ‘ફાર્બસનો એક નવ વર્ષનો દીકરો’ ભણવા માટે સ્વદેશ જઈ રહ્યો હતો. ૧૮૪૩માં પહેલી વાર હિન્દુસ્તાન આવ્યા પછી ૧૮૪૬ના માર્ચની ૨૫મી તારીખે ફાર્બસનાં લગ્ન માર્ગારેટ મોઈર ફોર્બ્સ-મિચેલ સાથે મુંબઈમાં થયાં હતાં. તેમને છ સંતાનો હતાં : માર્ગારેટ થિયોડોરા લોરેન્સ ફોર્બ્સ-મિચેલ (અવસાન ૧૯૩૯), એમેલાઇન મારિયા એલિઝાબેથ ફોર્બ્સ-મિચેલ (અવસાન ૧૯૩૨), રેવરન્ડ જોન ફ્રેઝર ફોર્બ્સ-મિચેલ (૧૮૪૭-૧૮૮૭), હેન્રી ડેવિડ અર્સકિન ફોર્બ્સ-મિચેલ (૧૮૪૯-૧૯૨૦), એલેક્ઝાન્ડર એબરનેથી ફોર્બ્સ-મિચેલ (૧૮૫૧-૧૮૮૨), અને રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલ (૧૮૫૫-૧૯૨૦). દલપતરામ ‘ફાર્બસનો નવ વર્ષનો દીકરો’ એમ લખે છે અને ફાર્બસના છેલ્લા સંતાન રેવરન્ડ એડવર્ડ એસ્મે ફોર્બ્સ-મિચેલનો જન્મ ૧૮૫૫માં થયો હતો એટલે એ વખતે ભણવા માટે ઇન્ગ્લન્ડ જતો છોકરો તે હોવો જોઈએ. ત્યારે એ સ્ટીમર બતાવવા ફાર્બસ દલપતરામને પોતાની સાથે લઈ ગયા હતા. સ્ટીમર પર ચડતી વખતે ફાર્બસે દલપતરામનો હાથ બહુ ઉષ્માપૂર્વક પકડ્યો હતો. પછી ફરીને આખી સ્ટીમર બતાવી. પરિચિતો સાથે દલપતરામની ઓળખાણ કરાવી. પાછા ફરતાં દરિયાનાં મોજાં જોઈને ફાર્બસ ખુશ થતાં બોલ્યા કે આ મોજાં જોઈને મને વિલાયત સાંભરી આવે છે. પણ પછી ઉમેર્યું કે હજી આ દેશમાં ઘણાં કામ કરવાનાં બાકી છે. પછી કહ્યું કે હજી મારા વિચાર બહુ લાંબા છે, અને માણસની આવરદા ટૂંકી છે.

આ મુલાકાત વખતે દલપતરામ દફતર આશકારા પ્રેસના માલિક બેહરામજી ફરદુનજી મર્ઝબાનને મળ્યા હતા. ત્યાં સુધી અમદાવાદમાં મુવેબલ ટાઈપ વાપરતું એકે છાપખાનું નહોતું, બધાં લિથોગ્રાફ પ્રેસ હતાં. એટલે બેહરામજીએ કહ્યું કે અમદાવાદ જેવા શહેરમાં મુવેબલ ટાઈપ વાપરતું એકે છાપખાનું નથી એ શરમાવા જેવી વાત છે. તમારી સોસાયટી દ્વારા અથવા બીજી ગમે તે રીતે તમારે આવું પ્રેસ શરૂ કરવું જોઈએ. એટલે અમદાવાદ પાછા ફર્યા પછી ૧૮૬૩ના અંતમાં દલપતરામ, રણછોડલાલ હીરાચંદ, કેવળદાસ દેવકરણદાસ, અને જીવણલાલ માણેકચંદ એ ચાર ભાગીદારોએ પાંચ હજાર રૂપિયાના ખર્ચે મુંબઈથી માલસામાન મગાવીને મુવેબલ ટાઈપ વાપરતું પ્રેસ શરૂ કર્યું. આ પ્રકારનું અમદાવાદનું એ પહેલું પ્રેસ. શરૂઆતમાં તેનું નામ ‘અમદાવાદ યુનાઈટેડ પ્રેસ કંપની’ રાખવામાં આવ્યું. પછીથી બદલીને ‘યુનાઈટેડ પ્રિન્ટિંગ એન્ડ જનરલ એજન્સી’ રાખવામાં આવ્યું. એ વખતે ભાગીદારોની સંખ્યા વધારીને ૧૮ની કરવામાં આવી. દરેક નવા ભાગીદારે એક-એક હજાર રૂપિયા રોક્યા હતા. તેમાંના કેટલાક ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના નોકરિયાતો હતા. ૧૮૬૩ના ડિસેમ્બરનો અંક ભદ્ર આગળ આવેલા છગનલાલ મગનલાલના લિથોગ્રાફ પ્રેસમાં છપાયો હતો. ૧૮૬૪ના જાન્યુઆરી અંકથી ‘બુદ્ધિપ્રકાશ’ આ નવા પ્રેસમાં છપાવા લાગ્યું. તે અંગે એ અંકમાં પ્રગટ થયેલી નોંધમાં લખ્યું છે :

‘આ ચોપાનિયાનાં દશ વર્ષનાં દશ પુસ્તક શીલાના છાપખાનામાં છપાયાં. પણ તેની દરમિયાન કેટલાએક ઘરાકોની એવી ભળામણ આવી હતી કે બિબાથી છપાય તો લોકોને ઘણું પસ્સંદ પડે, અને ઘરાકો વધે. તેથી હવેથી અમે બિબામાં છપાવાનો ઠરાવ કર્યો છે, તેથી ખર્ચ તો વધારે લાગશે, પણ અમે આશા રાખિયે છૈએ કે ઘરાકો વધશે તેથી કાંઇક ખરચમાં ઉમેરો થશે.'

અમદાવાદનાં છાપખાનાં વિષે ખૂબ મહત્ત્વની માહિતી પણ આ નોંધમાંથી મળે છે : અમદાવાદમાં સૌથી પહેલું પ્રેસ ‘પુસ્તક વૃદ્ધિ કરનાર મંડળી’એ શરૂ કર્યું હતું. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ, તુળજારામ મહેતાજી, અને રામપ્રસાદ લક્ષ્મીલાલ વગેરે એ મંડળીના સભ્યો હતા. ત્યાર બાદ બાજીભાઈ અમીચંદ અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનાં છાપખાનાં શરૂ થયાં. વખત જતાં (૧૮૬૪ પહેલાં) એ ત્રણે છાપખાનાં બંધ થયાં. તે પછી અમદાવાદમાં છ લિથોગ્રાફ છાપખાનાં ચાલતાં હતાં : છગનલાલ મગનલાલનું, લલ્લુભાઈ કરમચંદનું, લલ્લુભાઈ સુરચંદનું, સરૂપચંદ દલીચંદનું, લલ્લુભાઈ અમીચંદનું, અને હરીલાલ તુળસીરામનું. ૧૮૬૪માં અમદાવાદથી ત્રણ છાપાં પ્રગટ થતાં હતાં : અમદાવાદ સમાચાર, ગુજરાત સમાચાર, અને અમદાવાદ વર્તમાન, અને ત્રણ સામયિકો પ્રગટ થતાં હતાં : બુદ્ધિપ્રકાશ, ધર્મપ્રકાશ, અને ગુજરાત શાળાપત્ર. મુંબઈમાં થતા છાપકામ અંગે દલપતરામ લખે છે : ‘મુંબઈમાં છાપખાનાનું કામ પણ ઘણું સુધારા ઉપર આવ્યું છે. યુનિયન પ્રેસમાં છપાએલી ભેટપોથી નામની એક નાની ચોપડી અમે જોઈ, તેમાં રાતા, લીલા અક્ષરોથી કવિતા તથા ચિત્રો છાપેલા છે, અને તેનું પુંઠું મનોરંજક છે. એવી ચોપડી અમદાવાદમાં બનાવી મુશ્કેલ છે.’ આ જ અંકમાં દલપતરામે શરૂ કરેલા આ નવા પ્રેસની જાહેરખબર પણ છપાઈ છે.  

૧૦મી માર્ચે ગ્રેટ બ્રિટનનાં મહારાણીના શાહજાદા પ્રિન્સ ઓફ વેલ્સનાં લગ્ન થયાં તેની ખુશાલીનો ઉત્સવ મુંબઈમાં પહેલી મેને દિવસે ધામધૂમથી ઉજવાયો. સાંજે મોટી જાહેર સભા મળી હતી તેમાં અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈના આગ્રહથી દલપતરામે કવિતા રચીને વાંચી સંભળાવી હતી :

“ધજા પતાકાનાં ધર્યાં, ઘર ઘર સરસ નિશાન,
જાણે પ્રજા સ્વતંત્ર થૈ, સૌથઈ ભૂપ સમાન.
દીપકમાળાની દિસે, રચના ઠામોઠામ,
સ્વર્ગનિ શોભાએ કર્યો, વસુધામાં વિશ્રામ.
ભલિ ભાતે સુખ ભોગવો, કરો પ્રજાનાં કામ,
આશિષ આપે એટલી, દિલથી દલપતરામ.”

મુંબઈની મુલાકાત દરમ્યાન દલપતરામ મંગળદાસ નથ્થુભાઈની સાથે ‘વિક્ટોરિયા સર્વ પદાર્થો સંગ્રહાલય’ (આજનું જીજામાતા ઉદ્યાન તથા ભાઉ દાજી સંગ્રહાલય) જોવા ગયા હતા અને તેના સેક્રેટરી ડો. બર્ડવુડને મળ્યા હતા. તેમણે આખા બાગમાં ફરીને જુદાં જુદાં વૃક્ષોની ઓળખાણ કરાવી હતી. બર્ડવુડનો જન્મ બેળગાંવમાં ૧૮૩૨ના ડિસેમ્બરની આઠમી તારીખે, અને અવસાન ૧૯૧૭ના જૂનની ૨૮મી તારીખે. એડિનબરા યુનિવર્સિટીમાંથી એમ.ડી. વ્યવસાયે તબીબ. મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર. યુનિવર્સિટી ઓફ બોમ્બેના રજિસ્ટ્રાર. મ્યુઝિયમના ક્યુરેટર. મુંબઈના શેરીફ. સ્વદેશ પાછા ગયા પછી ૧૮૮૭માં તેમને ‘સર’નો ઈલ્કાબ મળ્યો હતો. આ ઉપરાંત પારસીઓની નાટક મંડળીએ ભજવેલું શેક્સપિયરનું ઓથેલો નાટક જોવા પણ દલપતરામ ગયા હતા. તેમાં ગીતો, પશ્ચિમી વાદ્યો વગેરે પણ હતાં. દલપતરામ આ નાટક અંગે લખે છે : ‘એ નાટકમાં પારશીઓએ હદ વાળી હતી. એવાં નાટક ગુજરાતી લોકો ક્યારે કરવા શિખશે?’

આ ઉપરાંત રૂસ્તમજી જમશેદજીને પોતાની કવિતા સંભળાવવા દલપતરામ ખંડાલા ગયા હતા. પાંચ દિવસ સુધી રોજ કવિતા સંભળાવી હતી. દલપતરામ પાછા મુંબઈ ગયા ત્યારે રૂસ્તમજી વતી તેમના ભાઈ સોરાબજી જમશેદજીએ દલપતરામને ૫૦૦ રૂપિયા ‘બક્ષીસ’ રૂપે આપ્યા હતા. આ રૂસ્તમજી અને સોરાબજી તે પ્રખ્યાત પારસી અગ્રણી સર જમશેદજી જીજીભાઈ(૧૭૮૩-૧૮૫૯)ના નબીરાઓ. દોઢેક મહિનો મુંબઈ રહીને દલપતરામ અમદાવાદ પાછા ફર્યા ત્યારે ફાર્બસે યાદગીરીમાં પોતાનો ફોટો દલપતરામને આપ્યો. મહીને સો રૂપિયા લેખે દોઢ મહિનાનો પગાર પણ ફાર્બસે દલપતરામને આપ્યો અને આવવા-જવાનું ભાડું પણ આપ્યું. ૧૨મી જૂને દલપતરામ અમદાવાદ પાછા આવીને સોસાયટીની નોકરીમાં હાજર થયા. દલપતરામની મુંબઈની આ બીજી મુલાકાત વખતે પણ નર્મદ મુંબઈમાં હતો પણ એ બંને મળ્યા હોય, કે બંને વચ્ચે હરીફાઈ થઈ હોય એવી કોઈ માહિતી દલપતરામ, નર્મદ, કે નાનાલાલનાં લખાણોમાંથી મળતી નથી.

એ પછી દલપતરામે મુંબઈની મુલાકાત લીધી ૧૮૬૫ના ઓગસ્ટ મહિનામાં. મુંબઈની આ મુલાકાત સાથે દલપતરામના જીવનની બે કરુણ કથનીઓ સંકળાયેલી છે, પણ તેની વાત હવે પછી.

સંદર્ભ:

૧. ‘બુદ્ધિપ્રકાશ’ ૧૮૬૩ અને ૧૮૬૪ની ફાઈલ

૨. આનરએબલ ફારબસસાહેબનું મરણ / દલપતરામ (૧૮૬૫-૧૮૬૬માં ‘બુદ્ધિપ્રકાશ’માં પ્રગટ થયેલી લેખમાળા)

૩. The London Gazette, June 24, 1862

૪. http://thepeerage.com (Page 41335)

Flat No. 2, Fulrani, Sahitya Sahavas, Madhusudan Kalelkar Marg, Kalanagar, Bandra (E), Mumbai 400 051

Email: deepakbmehta@gmail.com

પ્રગટ : “શબ્દસૃષ્ટિ” એપ્રિલ-મે-જૂન ૨૦૨૦ સંયુક્ત અંક

Loading

22 July 2020 admin
← કવિતા
ચીન બાબતે મોદી સરકારની નીતિઓ અસ્પષ્ટ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved