અમેરિકાના રાષ્ટ્રપતિઓનો વિશ્વના પ્રવાહો પર પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ એટલો હોય છે કે તેમની કામ કરવાની રીત, તેમના વિચારો અને આંતરિક જીવન હંમેશાં ચર્ચાનો, અભ્યાસનો વિષય બને છે. રાષ્ટ્રપતિઓ કે પ્રધાનમંત્રીઓ આપણા જેવા જ માણસો હોય છે અને તાકતોની સાથે સાથે કમજોરીઓ પણ હોય છે. સામાન્ય રીતે તેમને તેમની તાકાત અથવા સકારાત્મક બાજુ જ બતાવવામાં રસ હોય છે, પણ તેમને એક સાધારણ માણસ તરીકે સાબિત કરે તેવી ત્રુટીઓ તેઓ છુપાવતા હોય છે અથવા તેની પર સકારાત્મકતાનો ઢોળ ચડાવતા હોય છે. અમેરિકામાં રાષ્ટ્રપતિઓને બિલ્લોરી કાચ નીચે મૂકીને જોવાની ટેવ છે, કારણ કે ત્યાં રાજનેતાઓને 'ભગવાન' માનીને ભક્તિ કરવાની પરંપરા નથી. ત્યાં રાષ્ટ્રપતિનું બધું જ ખાનગી સાર્વજનિક હોય છે, કારણ કે અમેરિકન લોકો માને છે રાષ્ટ્રપતિના સાર્વજનિક જીવન પર તેમના અંગત જીવનનો એટલો જ પ્રભાવ છે.
આપણે ત્યાં પ્રધાનમંત્રીઓને નિર્મમતાથી જોવાની પરંપરા નથી. આપણો સમાજ ભક્તિભાવવાળો છે, એટલે આપણે આપણા સાર્વજનિક સેવકોમાં તારણહારને જોઈને માત્ર તેનું સારું જ જોઈએ છીએ અને જે ત્રુટીપૂર્ણ છે, તેની ઉપેક્ષા કરીએ છીએ. ૧૯૪૯માં, બંધારણીય સભામાં પ્રવચન આપતી વખતે ડો. બાબાસાહેબ આંબેડકરે કહ્યું હતું કે આપણા દેશમાં વ્યક્તિ-પૂજા એક મહામારી છે. આપણા નેતાઓની પ્રશંશા કરવી ખરાબ નથી, પરંતુ તેમના હાથમાં સત્તા આપીને આંખો બંધ કરી દેવી, તે લોકશાહી માટે યોગ્ય નથી.
અમેરિકામાં એવું નથી. ત્યાં રાષ્ટ્રપતિઓનું સારું અને ખરાબ, બંને સાર્વજનિક ચર્ચા-અભ્યાસનો વિષય બને છે.
એટલા માટે, પ્રવર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેમની જ ભત્રીજીએ લખેલા પુસ્તકના પ્રકાશન પર ટ્રમ્પે પ્રતિબંધ મેળવ્યો અને સુપ્રીમ કોર્ટના અપીલ જજે ગયા અઠવાડિયે તે પ્રતિબંધ ઉઠાવી લઈને પુસ્તકના પ્રકાશનનો માર્ગ ખુલ્લો કર્યો, તે એક મહત્ત્વની ઘટના છે. જજે તેમના આદેશમાં કહ્યું હતું કે, "રિયલ એસ્ટેટ ડેવલોપર (ટ્રમ્પ પરિવારનો મૂળ વ્યવસાય બાંધકામનો છે) પરિવારને તેમનાં પારિવારીક રહસ્યો ખાનગી રાખવામાં રસ હોય, તે એક વાત છે અને યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પરિવારને એવો રસ હોય તે બીજી વાત છે."
ડોનાલ્ડ ટૃમ્પ તેમના પિતા ફ્રેડ જોડે. બ્રૂકલિન, 1975
હજુ થોડા મહિના પહેલાં, ટ્રમ્પની ભત્રીજી મેરી એલ. ટ્રમ્પનું કોઈએ નામ પણ સાંભળ્યું ન હતું. મેરી ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાઈ ફ્રેડ જુનિયરની પુત્રી છે. ફ્રેડ દારૂ પી-પીને ૧૯૮૧માં મરી ગયા છે. પુસ્તકના પ્રકાશક, સિમોન એન્ડ શુટર અનુસાર, મેરી ટ્રમ્પ ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ છે. તેને એક ભાઈ પણ છે. ફ્રેડ અને ડોનાલ્ડના પિતા ફ્રેડ ટ્રમ્પ સિનિયરનું ૧૯૯૯માં અવસાન થયું, તે પછી મેરી અને તેના ભાઈએ દાદાના વસિયતનામાને કોર્ટમાં પડકાર્યું હતું અને ત્યારથી ડોનાલ્ડ અને મેરી વચ્ચે ખટરાગ ચાલે છે. એમાં સમાધાન પણ થયું હતું અને એને આગળ ધરીને જ ટ્રમ્પે કરારની શરતોનું ઉલ્લંઘન થયું છે, તેવી દલીલ સાથે મેરીના આગામી પુસ્તક પર પ્રતિબંધ મેળવ્યો હતો. પુસ્તકના પ્રકાશકે 'અમે ક્યાં એ કરારમાં ભાગીદાર છીએ?' કહીને એ પ્રતિબંધ ઉઠાવી લેવડાવ્યો છે.
પુસ્તકનું નામ લાંબુ અને આક્રમક છે – ટુ મચ એન્ડ નેવર ઈનફ: હાઉ માય ફેમિલી ક્રિયેટેડ વર્લ્ડ્સ મોસ્ટ ડેન્જરસ મેન (જેટલું કહીએ એટલું ઓછું: કેવી રીતે મારા પરિવારે દુનિયાનો સૌથી ખતરનાક માણસ પેદા કર્યો). પુસ્તકના પ્રકાશક સિમોન એન્ડ શુટર કહે છે કે પુસ્તકમાં 'માનસિક આઘાતો, વિનાશક સંબંધો, ઉપેક્ષા, અત્યાચાર અને મેરીના સ્વર્ગસ્થ પિતા ફ્રેડ ટ્રમ્પ જુનિયર તેમ જ તેમના ભાઈ, અને હવે યુનાઇટેડ સ્ટેટના પ્રેસિડેન્ટ, વચ્ચેના વિચિત્ર અને હાનિકારક સંબંધની વાતો છે.'
અમેરિકાના માતબર સમાચારપત્ર ‘ન્યુ યોર્ક ટાઈમ્સ'ના ખોજી પત્રકાર ડેવિડ કે જોહ્ન્સન ૨૮ વર્ષથી ડોનાલ્ડ ટ્રમ્પને ઓળખે છે અને તેમના પર ઘણું લખ્યું છે. એક ઇન્ટરવ્યુમાં એ કહે છે, “ડોનાલ્ડ ટ્રમ્પ વિષે લોકોએ અમુક વાતો સમજવા જેવી છે. એ ક્રિમીનલ પરિવારમાંથી આવે છે: એના દાદાએ સીટલમાં વેશ્યાઘર ચલાવીને કમાણી કરી હતી. એના પિતા ફ્રેડ ટ્રમ્પનો એક ધંધાદારી દોસ્ત વિલી તોમાસેલો, ગેમ્બીનો નામની ગેંગસ્ટર ફેમિલીનો પાર્ટનર હતો. સરકારને હાલના ભાવના ૩૬ મીલિયન ડોલરમાં નવાડવાના કેસમાં ટ્રમ્પના પિતાની યુ.એસ. સેનેટે જાંચ કરી હતી. ડોનાલ્ડે આ શોમેનશીપ એના બાપા પાસેથી અને વૈભવ સંગઠિત ક્રિમિનલ્સ પાસેથી મેળવ્યો છે.”
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકના પોતાને સર્વશ્રેષ્ઠ માનતા રૂઢિચુસ્ત ગોરા લોકોમાં બહુ લોકપ્રિય છે. તેમને ઉદેશીને ડેવિડ કહે છે, “ધર્મ શ્રદ્ધાળુ અમેરિકનોએ એ પણ જાણવું જરૂરી છે કે, ડોનાલ્ડની જીવન અંગેની અંગત ફિલોસોફી વેરની વસૂલાતની છે. ઈશુની 'બીજો ગાલ ધરવા'ની શીખ આપનારને એણે મૂર્ખ કહ્યા છે. ટ્રમ્પ બાઈબલમાં જે છે તેનાથી તદન ઊલટું કહે છે. એ ક્રિશ્ચિયનોને ઉતારી પાડે છે. હું ૩૦ વર્ષથી એને ઓળખું છું. એ સહેજ પણ બદલાયો નથી. એ સાંગોપાંગ રેસીસ્ટ છે. એણે બિન-ગોરાઓને નોકરીઓમાંથી બાકાત રાખ્યા છે. ટ્રમ્પ એના દાવાથી વિપરીત, ઝનૂની રીતે ક્રિશ્ચિયન વિરોધી છે, અને એને શબ્દશઃ કોઈ બાબતની કશી જ ખબર નથી પડતી.
ટ્રમ્પની ભત્રીજી તેમને ‘દુનિયાનો સૌથી ખતરનાક માણસ’ કહે છે, એવું ઘણા માને છે. તેમના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટનના એક પુસ્તકમાં ટ્રમ્પને અવિચારી, અનિયંત્રિત, અશિષ્ટ, અણઘડ, ભ્રમિત, ભ્રષ્ટ અને અમેરિકાનું નેતૃત્વ કરવા માટે તદ્દન અક્ષમ ગણે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સાઈકિયાટ્રી વિભાગના નિવૃત્ત ક્લિનિકલ પ્રોફેસર ડો. લાન્સ ડોડ્સ કહે છે કે ટ્રમ્પ માનસિક રીતે દુરસ્ત નથી અને સાર્વજનિક સંકટ છે.
એક ઇન્ટરવ્યુમાં ડો. ડોડ્સ જે કહે છે, તે ટ્રમ્પની ભત્રીજીના પુસ્તકના શીર્ષકને મળતું આવે છે, “ટ્રમ્પ પોતાને ટીકાઓથી પર ભગવાન માને છે, અને એટલે લોકતંત્રને નષ્ટ કરવાના તમામ પ્રયાસો કરે છે. ટ્રમ્પને તેની ભક્તિ થાય, તે જ વાસ્તવિકતા ગમે છે. તેને પડકારવામાં આવે, તો તેની ક્રૂરતા, પરપીડક વૃત્તિ અને હિંસા સામે આવી જાય છે. તેનામાં હમદર્દી નથી અને અપરાધ બોધની ભાવના નથી. એ હિટલર કરતાં ક્યાં જુદો છે?”
એક સહજ પ્રશ્ન એવો થાય કે તો પછી લાખો અમેરિકન મતદારો આવા ‘ખતરનાક’ નેતાને કેમ પસંદ કરે છે? એનો સાદો ઉત્તર એ જ છે, જે હિટલર માટે કહેવાતું હતું: તેણે માધ્યમવર્ગી, અર્ધ શિક્ષિત અને ગરીબ જર્મન નાગરિકોને સ્વર્ગનું સ્વપ્ન બતાવ્યું હતું (ટ્રમ્પનો નારો ‘અમેરિકાને ફરીથી મહાન’ બનાવવાનો છે) અને દેશની આર્થિક, સમાજિક અને નૈતિક બીમારી માટે એક દુશ્મન ઊભો કર્યો હતો: યહૂદીઓ. અમેરિકનો ટ્રમ્પની ત્રુટીઓને ચલાવી લે છે, કારણ કે તેમને ટ્રમ્પના સારા હોવામાં નહીં, ખુદની સલામતીમાં રસ છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”; 19 જુલાઈ 2020