Opinion Magazine
Number of visits: 9448918
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એવા મુંબઈમાં ચાલ જઈએ

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|16 July 2020

હૈયાને દરબાર

એક હતું ઘોડાગાડી અને ટ્રામવાળું તેજોમય મુંબઈ, બીજું લોકલ ટ્રેન, ડબલડેકર બસ અને અત્યાધુનિક સુવિધાઓથી ભરપૂર મોડર્ન, ગ્લેમરસ, ગોર્જિયસ અને ધમધમતું મુંબઈ અને ત્રીજું, લોક્ડ ઍન્ડ ડાઉન વિથ ઈટ્સ ઓન ગ્રેટ સ્પિરિટ … એવું ઢીલુંઢાલું મુંબઈ! ત્રણ ફેઝના સખત લૉકડાઉન બાદ, આઠમી જૂન પછી કેટલાક દરવાજા ખૂલ્યા છે, પણ મનનાં અને ઘરનાં બારણાં હજુ લોક્ડ છે. થોડી ઘણી પ્રવૃત્તિઓ શરૂ થઈ છે, પરંતુ મુંબઈનું જનજીવન તથા પૂરપાટ વેગે દોડતી ગાડી પાટે ચડતાં નથી. હૈયાનો દરબાર જે ઠાઠથી રંગીન મિજાજ સાથે દર ગુરુવારે આ પાને ભરાતો હતો એ રજવાડી ઠાઠ ચિત્તની શાંતિ તથા પરિસ્થિતિ સમગ્રપણે થાળે નહીં પડે ત્યાં સુધી ઊમળકાભેર ભરાશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. કંઈક ખટકે છે, કંઈક અટકે છે. ગતિશીલ મુંબઈ શાંત થઈ ગયું છે. એટલે જ પાછાં એવા મુંબઈમાં જવું છે જ્યાં બારે મહિના અને બત્રીસે ઘડી રફતાર થંભતી નહોતી, જેનો જુસ્સો અને દબદબો સદા જુવાન હતો, જેની આન, બાન, શાન શાનદાર હતી, સિતારાઓની મહેફિલ વચ્ચે મુંબઈ નગરીનો સિતારો ધ્રુવતારકની જેમ ચમકતો હતો એવા મુંબઈમાં પાછાં જવું છે, જ્યાં વ્હાલનો જ વહેવાર અને વહાલની જ ભાષા હતી. માણસને જોઈને માણસ રસ્તો નહોતો બદલી દેતો. અસ્પૃશ્યતા હવે નવા સ્વરૂપે આવી છે. મસ્તીમાં મહાલતું આ શહેર અચાનક જાણે મરીઝ થઈ ગયું છે. સૂર ના સજે, ક્યા ગાઉં મૈં … જેવી મનોસ્થિતિ છે. સિનેમાઘર, સૂરમંદિર, નાટ્યગૃહો સૂનાં છે. ફિર ભી, શો મસ્ટ ગો ઓન.

અત્યારે ઓનલાઈન પ્રોગ્રામો દ્વારા કલાકારો જ આપણને મનોરંજન પિરસી રહ્યા છે. ઘરમાં બેસીને ટેલીવિઝન પર અઢળક ફિલ્મો, વેબસિરીઝ, મ્યુઝિકલ શોઝ આપણું માઈન્ડ ફ્રેશ કરી રહ્યા છે. હેમુ ગઢવી જેવા કલાકારો ઓનલાઈન માધ્યમથી સજીવન થઈ રહ્યા છે અને જૂની રંગભૂમિ ડિજિટલ માધ્યમથી જીવિત થઈ રહી છે. આ કલાનગરીની ગુજરાતી રંગભૂમિ વિશે વિચારતાં અત્યારે મન જઈ પહોંચ્યું છે જૂની ભાંગવાડી પાસે.

એ વખતના મુંબઈની શકલ પણ નોખી જ હતી. સાઉથ મુંબઈમાં કલગીરૂપ વિક્ટોરિયા ટર્મિનસ, ટ્રાફિક વિનાના ચોખ્ખાચણાક રસ્તા, ગોથિક સ્થાપત્ય ધરાવતાં ઓર્નામેન્ટલ મકાનો, ફાઉન્ટન સર્કલ પર જાણે ચોગાનની વચ્ચે ઊભેલા હેન્ડસમ છડીદાર જેવો રાજવી ફુવારો અને ચર્ની રોડના ઓપેરા હાઉસ પાસે જૂની રંગભૂમિની પાઠશાળા સમી ભાંગવાડી.

જૂની અને નવી બંને રંગભૂમિમાં કસબ દેખાડનાર કલાકારોમાં મહેશ્વરી, પદ્મારાણી, જયંત વ્યાસ, ઘનશ્યામ નાયક, વનલતા મહેતા, લીલા જરીવાલા, સરિતા જોશી, પ્રતાપ ઓઝા, હની છાયાનાં નામો યાદ કરવા જ પડે. એમાં ય ગુજરાતી થિયેટરના પૃથ્વીરાજ કપૂર કહી શકાય એવા પ્રતાપ ઓઝા આજે વિશેષ યાદ આવે છે. હયાત હોત તો આ વીસમી જુલાઈએ શતાયુના થયા હોત. ૯૨ વર્ષનું સભર આયુષ્ય ભોગવનાર પ્રતાપ ઓઝાનું આ શતાબ્દી વર્ષ છે. રંગભૂમિની વાત હોય અને જેમનું જન્મ શતાબ્દી વર્ષ ચાર દિવસ પછી પૂરું થતું હોય એવા ધૂરંધર કલાકાર પ્રતાપ ઓઝાને પણ આ નિમિત્તે સ્મરણાંજલિ આપવી છે! વટવૃક્ષની જેમ પાંગરેલી આજની રંગભૂમિના એ પાયાના પત્થર સમાન હતા.

૨૦-૭-૧૯૨૦માં પ્રતાપભાઈનો અમદાવાદમાં જન્મ. ૧૯૨૭માં અમદાવાદથી મુંબઈ આવી ગયા ત્યાર બાદ મુંબઈ જ એમની કર્મભૂમિ રહી.

બુલંદ અવાજ, સશક્ત અભિનય અને સદાબહાર જુસ્સો. સંવાદ બોલે તો વનરાજ ગર્જના કરતા હોય એવું લાગે. એમણે ગુજરાતી સિવાય હિન્દી અને ઉર્દૂમાં પણ નાટકો કરેલાં. ૧૯૪૩માં ‘ઈપ્ટા’(ઇન્ડિયન પ્રોગ્રેસિવ થિયેટર એસોસિયેશન)ની સ્થાપના થઈ ત્યારે એમાં અનેક નામી કલાકારોની સાથે એ પણ જોડાયા હતા. ૧૯૪૯માં ઈપ્ટામાંથી છૂટા પડીને એમણે ‘રંગભૂમિ’ સંસ્થાની સ્થાપના કરી અંગ્રેજી ભાષા સહિત હિન્દી-ગુજરાતીમાં ઉત્તમ નાટ્યકૃતિઓની ભજવણી કરી હતી. ‘મૃચ્છકટિકમ્’ હિન્દી અને ગુજરાતીમાં ભજવાયું ત્યારે પ્રતાપભાઈએ સાવ અનોખા પાત્ર શકારની ભૂમિકા ભજવીને અપાર લોકચાહના મેળવી હતી. જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા પ્રતાપ ઓઝા નવી રંગભૂમિના પ્રણેતાઓમાંના એક. સંગીતમાં ઊંડો રસ ધરાવે અને સાયગલનાં ગીતો સરસ ગાઈ શકે. મિત્રોની મહેફિલમાં તો એમની પાસે સાયગલનાં ગીતો ખાસ ગવડાવવામાં આવે. સ્વાતંત્ર્ય સંગ્રામની પૃષ્ઠભૂમિ પર આધારિત ગુણવંતરાય આચાર્ય લિખિત એમના ‘અલ્લાબેલી’ નાટકે જબરજસ્ત નામના મેળવી હતી. પ્રતાપ ઓઝા અને લીલા જરીવાલાના લીડ રોલમાં લોકચાહના પામેલું આ નાટક રિવાઈવ કરવાની પ્રતાપભાઈની ઘણી ઈચ્છા હતી જે સંજોગવશાત્ પૂરી થઈ શકી નહોતી. નાટકના વિષય, પાત્રની ગુણવત્તા વિશે હંમેશાં સભાન રહેતા પ્રતાપભાઈએ એમની સાથેની અંગત મુલાકાતમાં એક વાર બહુ સચોટ વાત કરી હતી કે મનોરંજન સસ્તી લોકપ્રિયતાના ઘોડાપૂરમાં તણાય ત્યારે વિસર્જનની ઘડીઓ ગણાવા લાગે. સવેતન રંગભૂમિ શરૂ કરવામાં પ્રતાપ ઓઝાનું યોગદાન મોટું હતું.

એ જમાનામાં નાટ્યકલાકારે માત્ર અભિનય જ નહીં, સંગીત અને સામાન્ય નૃત્યની તાલીમ પણ લેવી પડતી હતી. અદાકારને ગાતાં તો આવડવું જ જોઈએ, અને એ માટે ખાસ સંગીતકાર રોકી કલાકારના સૂર પ્રમાણે ગાયન શીખવાડવામાં આવતું હતું. નાટકની પ્રથમ રાત્રિએ તખ્તાને સમુદ્રના પાણીથી સાફ કરવામાં આવતો. તખ્તા પર કંતાનની નવી જાજમ બિછાવાતી. નાટકની પ્રથમ રાત્રી તો એક ઉત્સવ બની જતી એ વાત પ્રાગજી ડોસાએ તેમના એક પુસ્તકમાં વર્ણવી છે. શનિ રવિના પ્રયોગોના એક મહિનાના પ્લાન તો એડ્વાન્સમાં જ બુક થઈ જતા. નાટકની ટિકિટનો ભાવ આમ પાંચ રૂપિયા, પરંતુ શોની પ્રથમ રાત્રિએ ટિકિટોની એટલી પડાપડી થતી કે અમુક નાટકના કાળા બજારમાં રૂપિયા ૧૦૦ના ભાવ પણ બોલાતા હતા. ઉચ્ચ વર્ગની મહિલાઓ ભારે સાડી-સેલાં પહેરીને નાટકમાં મહાલવા જતી. નાટકોનો ભારે દબદબો હતો.

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા જેવું અપ્રતિમ લોકચાહના પામેલું ગીત જે નાટકમાં હતું એ ‘વડીલોના વાંકે’ની સૌ પ્રથમ અભિનેત્રી મોતીબાઈ હતાં અને છેલ્લાં અભિનેત્રી મહેશ્વરી. આ નાટક એટલું બધું શુકનિયાળ ગણાતું કે દર બેસતા વર્ષે બપોરે એનો શો હોય જ. દેશી નાટક સમાજની શતાબ્દી ઉજવાઈ ત્યારે ‘વડીલોના વાંકે’ નાટકમાં મોતીબાઈ અને કાસમભાઈ સાથે પ્રતાપ ઓઝા, મધુકર રાંદેરિયા, લીલા જરીવાલા અને વનલતા મહેતાએ ભૂમિકાઓ ભજવી હતી.

જેમનું શતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે એ નાટ્ય કલાકાર પ્રતાપ ઓઝા 'અલ્લાબેલી' નાટકના એક દ્રશ્યમાં; સાથે છે વનલતા મહેતા

૧૯૭૯માં ભાંગવાડી બંધ થયા પછી ૧૯૮૧માં વિનયકાન્ત દ્વિવેદીએ ‘સંભારણાં’ને નામે એને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ‘વડીલોના વાંકે’ નવા સ્વરૂપે ભજવાયું હતું જેમાં મોતીબાઈના સ્થાને ચોથી પેઢીનાં મહેશ્વરીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

સવેતન રંગભૂમિના નાટ્ય કલાકારો પગારદાર રહેતા અને સારામાં સારા કલાકારને મહિને રૂપિયા આઠસો-હજારથી વધારે મળતા નહીં. નાટકની ટિકિટના દર આગળની બેઠકોના રૂપિયા ૨૦ અને પિટ ક્લાસ એટલે કે બાલ્કનીના આઠ આના! સાહ્યબો મારો ગુલાબનો છોડ, ધનવાન જીવન માણે છે, નાગરવેલીઓ રોપાવ, બાળપણનાં સંભારણાં જેવાં ગીતો ગુજરાતી રંગભૂમિની શાન હતાં. એ સમયે મહિલા કલાકારોમાં મોતીબાઈ, કમલાબાઈ કર્ણાટકી, કુસુમ ઠાકર, મનોરમા, વત્સલા દેશમુખ, હંસા, રૂપકમલ, શાલિની ઈત્યાદિ નામો બહુ પ્રચલિત હતાં. મોતીબાઈ, કમળાબાઈ એ જમાનાની જાજરમાન અભિનેત્રીઓ ગણાતી. જૂની રંગભૂમિમાં ગીતો એ સૌથી અગત્યનું પાસું હતું. ભાંગવાડીની બાલ્કનીના પગથિયે બેસીને જેમણે માલવપતિ મુંજ, વડીલોના વાંકે, મંગળ ફેરા જેવાં નાટકો જેમણે જોયાં છે એમને ખબર હશે કે નાટકોનો નશો કેવો હોય!

નવી રંગભૂમિનાં મંડાણ થતાં નાટ્ય ભજવણીનું સ્વરૂપ બદલાયું. ટેકનોલોજીનો વ્યાપ વધ્યો એ સાથે નાટકોનું સ્વરૂપ, મંચસજ્જા તથા વિષયો બદલાયા, પરંતુ, નવી રંગભૂમિમાં સંગીતનું મહત્ત્વ જરા ય ઓછું નથી થયું. શૈલી બદલાઈ છે. કલાકારો સ્ટેજ પર ગાતા નથી. પ્રસંગો પ્રમાણે બેક ગ્રાઉન્ડ મ્યુઝિક આવે. નાટકના ટાઈટલ સોંગની પ્રથા નવી રંગભૂમિનું અગત્યનું પાસું બની રહ્યું છે. જૂની-નવી બન્ને રંગભૂમિના સાક્ષી સમાન સંગીતકારોમાં અજિત મર્ચન્ટ તથા પુરુષોત્તમ ઉપાધ્યાય મુખ્ય ગણી શકાય. નવી રંગભૂમિ શરૂ થઈ ત્યાર પછી સંગીત આપનાર સંગીતકારોમાં રજત ધોળકિયા, ઉત્તંક વોરા, પીયૂષ કનોજિયા, સચિન સંઘવી, ઈકબાલ દરબાર, આશિત દેસાઈ, કિરણ સંપટ, ઉદય મઝુમદાર, સુરેશ જોશી, રાજેશ મહેતા ઈત્યાદિએ આરંભમાં ઘણું કામ કર્યું. હવે સંગીતકારોની નવી પેઢી નાટકોમાં સક્રિય છે.

યુવાપેઢીને આકર્ષે એવાં અદ્ભુત મ્યુઝિકલ નાટકોમાં ‘ખેલૈયા’ તથા ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’ અગ્રક્રમે મૂકવાં જ પડે. ફિરોઝ અબ્બાસ ખાનના નિર્માણ-દિગ્દર્શનમાં રજૂ થયેલા ’વેસ્ટ સાઈડ સ્ટોરી’ પર આધારિત ’એવા મુંબઈમાં ચાલ જઈએ’ નાટક ૧૯૯૨માં રજૂ થયું હતું. નાટકમાં રેણુકા શહાણે અને કેદાર ભગતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. અમેરિકા સ્થિત કવિ ચંદ્રકાન્ત શાહનાં અનોખાં ગીતો અને સ્ક્રીન પ્લેમાં પીયૂષ કનોજિયાએ લાજવાબ સંગીત આપ્યું હતું. એ નાટકનાં ભીંજવી નાખતાં સંસ્મરણો તાજાં કરતાં પીયૂષ કનોજિયા કહે છે, "સંગીતમય નાટક હોવાથી એવા કલાકારોની જરૂર હતી જે સારું ગાઈ શકે તથા અભિનય અને નૃત્ય પણ જાણતા હોય. લગભગ દોઢસો-બસો ઓડિશન પછી માંડ થોડા કલાકારો મળ્યા હતા. આખું નાટક ભવ્ય રીતે રજૂ થયું જેમાં ૧૦થી ૧૨ ગાયનો હતાં. ટાઈટલ સોંગ એવા મુંબઈમાં ચાલ જઈએ … સિવાય પણ એક ગીત મને ખૂબ ગમતું હતું; અનુરાધા આમ એક શબ્દ છે, આમ એક નામ છે અને મારો એ વેદ છે …! ભારતીય અને પાશ્ચાત્ય મેલડીનો ઉપયોગ કરીને આ સરસ ગીત બન્યું હતું. નીરજ વોરા-ઉત્તંક વોરાના સંગીત નિર્દેશનમાં રજૂ થયેલું ‘તાથૈયા’ પણ સુંદર સંગીતમય નાટક હતું.

મ્યુઝિકલ નાટકોની મજા અલગ જ હોય છે. જો કે, પ્રોડ્ક્શન કોસ્ટ ખૂબ વધી જતી હોવાથી સંગીતનાટકો હવે ઓછાં ભજવાય છે. નાટકોના બદલાતા પરિપ્રેક્ષ્યમાં સંગીતનું મહત્ત્વ છે જ, પરંતુ જૂની રંગભૂમિ અને ભાંગવાડીનાં નાટકો જેમણે જોયાં છે એ જ આ બદલાયેલા સ્વરૂપનો તફાવત પારખી શકે. જૂની રંગભૂમિના મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા જેવા સદાબહાર ગીત વિશે આપણે અગાઉ જાણી ચૂક્યા છીએ.

રંગભૂમિની ધરોહર એવા પ્રતાપ ઓઝાની જન્મ શતાબ્દિએ એમનું સ્મરણ તાજું કરીને નવી રંગભૂમિ તરફ મીટ માંડતાં આરંભ કાળનું ગીત એવા મુંબઈમાં ચાલ જઈએ … જુદા પરિપ્રેક્ષ્યમાં યાદ આવી રહ્યું છે. જે મુંબઈમાં જવાની કલ્પના કવિએ કરી છે એવું જ શાંત મુંબઈ અત્યારે ભાસે છે, પરંતુ … મનની શાંતિ હણાઈ હોય ત્યારે નગરની આ નીરવતા, આ શાંતિ અશાંત કરી દે છે, નહીં? હવે એવા મુંબઈમાં ફરી પાછાં જવું છે જ્યાં કોરોનામુક્ત મસ્તીનો માહોલ હોય! જીવતું, જાગતું, ભાગતું અને મહાલતું આપણું મુંબઈ ફરી ક્યારે મૂળ રફતારમાં આવશે? મુમ્બા આઈ, કૃપા કરો!

—————————

એકબીજા આપણે બે
એવા મુંબઈમાં – કોઈ એવા મુંબઈમાં – એવા મુંબઈમાં ચાલ જઈએ
ખોવાઈ ચાલ જઈએ
એકબીજા આપણે બે …

એવા મુંબઈમાં પછી – આપણે અમસ્તાં, હોય નહીં રસ્તા
એકે ન ગલ્લી, એ મુંબઈ ભલ્લી

નહીં લોકોની વચ્ચે ભીંસાવું, ન રોજ અહીં પીસાવું
રોજ નહીં ભંગાવું – રોજ નહીં સંધાવું –
એવા મુંબઈમાં ચાલ જઈએ – ખોવાઈ ચાલ જઈએ –

એવા મુંબઈમાં પછી
તું મારો ઓળખીતો, હું તારી સગી,
કાયમ હું રહીશ તારી, રહીશ હાથવગ્ગી
વ્હાલનો વહેવાર અને વહાલની જ ભાષા
આપણે બે એકલાં ને લોકોના સાંસા
એવા મુંબઈમાં ચાલ જઈએ – ખોવાઈ ચાલ જઈએ –

એવા મુંબઈમાં પછી –
હોય ના મકાનો હોય ના દુકાનો
આપણો જ મૂડ હોય મસ્તી મજાનો

એવા મુંબઈમાં પછી
પુઠ્ઠાનો ચાંદો – ને – ચિતરેલા સૂરજ
ટહુકાઓ મૂગાં ને મૂગાં અવાજો
આમ સાવ એકલાં ને આમ બેનું ટોળું
હું કરીશ વહાલ તને રોજ થોડું થોડું
એવા મુંબઈમાં ચાલ જઈએ – મુંબઈની વારતાઓ કહીએ –
ખોવાઈ ચાલ જઈએ ….!

કવિ : ચંદ્રકાન્ત શાહ    સંગીત : પીયૂષ કનોજિયા    નાટક : એવા મુંબઈમાં ચાલ જઈએ

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 16 જુલાઈ 2020

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=632074 

Loading

16 July 2020 admin
← આકાશી વીજળીથી બચવાનો ઉપાય
મને એણે અકલ્પ્ય સંબલ આપ્યું હતું →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved