Opinion Magazine
Number of visits: 9570837
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જૂની પેઢીના છેલ્લા સક્રિય કાર્ટૂનિસ્ટ જામી

ઇમરાન દલ|Opinion - Opinion|14 July 2020

૨ ડિસેમ્બર,૧૯૪૩ – ૧૧ જુલાઇ, ૨૦૨૦

કાર્ટૂનિસ્ટોની ખોટ ધરાવતા ગુજરાતમાં વર્ષોથી એકધારી ગુણવત્તા સાથે સામાજિક-રાજકીય કટાક્ષયુક્ત કાર્ટૂન આપતા રહેલા જામીનું ૭૭ વર્ષની વયે અવસાન થયું. તેમની કાર્ટૂન કારકિર્દી ૧૯ વર્ષની કાચી વયે શરૂ થઈ હતી. ‘રંગતરંગ’, ‘જી’, ‘ચાંદની’, ‘ચકચાર’, ‘અંજલિ’, ‘બીજ’ જેવાં ગુજરાતી અને ‘ધર્મયુગ’, ‘માધુરી’, ‘પરાગ’ જેવાં હિન્દી સામયિકોમાં તેમનાં વ્યંગચિત્રો પ્રગટ થવાં લાગ્યાં. પછી ગુજરાતનાં મુખ્ય ધારાનાં પ્રકાશનોની તેમની પર નજર પડી.

રાજકોટના ‘જય હિન્દ’ અખબારની સાપ્તાહિક પૂર્તિમાં ‘કાર્ટૂન કોર્નર’ નામની તેમની કોલમ વર્ષો સુધી ચાલી. વર્ષ ૧૯૮૭થી ‘અભિયાન’ સાપ્તાહિકમાં શરૂઆતના પાને ‘તિકડમ્’ શીર્ષક હેઠળ તેમનાં કાર્ટૂન શરૂ થયાં, જે તેમના જીવનપર્યંત સતત ચાલુ રહ્યાં. ઉપરાંત ‘સંદેશ’, ‘ગુજરાત ટુડે’, ‘દિવ્ય ભાસ્કર’માં તેમનાં પોકેટ કાર્ટૂન પ્રકાશિત થયાં. એ સિવાય તે અમુક સામાજિક મુખપત્રો, સંસ્થાની વાર્ષિક ડાયરીઓ માટે પણ કાર્ટૂન પૂરાં પાડતા. એક ડાયરી માટે તો એમનાં કાર્ટૂનનો અંગ્રેજી ‘અનુવાદ’ પણ કરવામાં આવ્યો હતો. તે કહેતા કે ‘સારા કાર્ટૂનિસ્ટ માટે ત્રણ ગુણનો સમન્વય જરૂર છે : ચિત્રકાર, પત્રકાર અને વ્યંગકાર.’

કટોકટી પછીના મોરારજી દેસાઈના વડાપ્રધાનપદ હેઠળ સરકારે ૧૦ મહિનાના લાંબા સમયગાળા પછી ય કોઈ નોંધપાત્ર કામગીરી ન કરી ત્યારે તેમણે એક કાર્ટૂન બનાવેલું, જેમાં મોરારજી દેસાઈનું પેટ ફુલેલું જોઈને સામાન્ય નાગરિક પૂછે છે, ‘‘હવે કોઈ સારા ડૉક્ટરને બતાવો તો કાંઈક પરિણામ આવે.’’ આ કાર્ટૂને ખાસ્સી ચર્ચા જગાવી હતી. જામી કહેતા, ‘‘જેનામાં પત્રકારત્વની દૃષ્ટિ હોય એ જ કાર્ટૂનિસ્ટ બની શકે. પરંતુ કાર્ટૂનિસ્ટને કોઈ પત્રકાર ગણતા નથી. કહો કે ગણવા માગતા નથી. મને પણ એવોર્ડ હાસ્યલેખકોની શ્રેણીમાં અપાયો. હકીકતે કાર્ટૂન એ માત્ર હાસ્ય નથી, કાર્ટૂન ક્યારેક રડાવી પણ જાય છે.’’ જામીનાં થોકબંધ કાર્ટૂન તેમની આ વાતની સાક્ષી પૂરે છે.

જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં આરબ પરિવારમાં જન્મેલા આવદ હસન જામી ત્રણ ભાઈ અને એક બહેનમાં સૌથી મોટા હતા. જૂની મેટ્રિક સુધી ભણ્યા બાદ ડ્રોઇંગ ટીચરનો અભ્યાસ કર્યો. વર્ષ ૧૯૬૨થી ધ્રોલના અધ્યાપન મંદિરમાં ચિત્રશિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વર્ષ ૧૯૬૮થી ૨૦૦૧ સુધી જામનગરના કેન્દ્રીય વિદ્યાલયમાં અને વર્ષ. ૨૦૦૧થી ૨૦૦૩ સુધી રાજકોટના કેન્દ્રીય વિદ્યાલયમાં આર્ટ ટીચર તરીકે રહ્યા.

ધ્રોલમાં અમારા ઘર નજીકની શેરીમાં જ જામી કુટુંબનું ઘર. કાર્ટૂનિસ્ટ જામીના લઘુબંધુ જેમને અમે મેસનકાકા કહીએ છીએ, તે વનવિભાગમાં નોકરી કરતા. મેસનકાકા પણ ચિત્રકાર. ખાસ કરીને તૈલચિત્રો બનાવે. એમનાં ચિત્રોને અમે વખાણતાં, ત્યારે ઘરમાં વડીલો કહેતા, ‘‘એના મોટા ભાઈ તો એથી ય મોટા કલાકાર છે.’’ એવું પણ સાંભળવા મળતું કે જામીસાહેબ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા ગયા ત્યારે ઇન્ટરવ્યૂ લેનારનું ચિત્ર બનાવી, એને પ્રભાવિત કરી દીધા હતા. અમારા આડોશપાડોશમાં કાર્ટૂનિસ્ટ જામી ‘મોટા જામીસાહેબ’ તરીકે ઓળખાતા.

હું હજી કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક વાર કોઈ પ્રસંગે તેઓ ધ્રોલ આવ્યા હતા. પહેલી વાર વાતચીત કરી ત્યારે સંકોચ સાથે મેં એમને કહ્યું, ‘મને ચિત્રકલામાં રસ છે.’ તે ભારે અવાજમાં આસ્તેથી બોલ્યા, ‘કાર્ટૂન બનાવને, કોઈ બનાવતું નથી.’ વતનમાં જ પછીની મુલાકાત વખતે એમના ઘરની શેરીમાં પ્રવેશતી વખતે ‘આવ’ કહીને તેમણે પીઠ પર હાથ મૂક્યો અને અંદર લઈ ગયા. તેમનો પોશાક સામાન્ય હતો. પેન્ટ અને શર્ટ. સ્મોકિંગ કરતા. ઊંચાં કદકાઠીના હતા, અવાજ વજનદાર. સ્વભાવે એકદમ સરળ અને હસમુખા. ગુજરાતમાં વિદ્યમાન કાર્ટૂનિસ્ટમાં તેમને દેવ ગઢવી ગમતા. એમને યાદ કરીને કહેતા, ‘તેઓ તો સંગીત તરફ વળી ગયા. હવે કોણ કાર્ટૂન બનાવે છે?’ ભારતીય કાર્ટૂનિસ્ટોમાં તેમણે પ્રિય કાર્ટૂનિસ્ટ તરીકે સુધીર દરને ગણાવ્યા હતા જામી પોતાની આગવી શૈલીના કુશળ કાર્ટૂનિસ્ટ હોવા છતાં તેમની વાતોમાં હુંપદ બિલકુલ ન સંભળાતું.

વર્ષ ૨૦૦૮માં હું ભુજમાં ‘આજકાલ’ દૈનિકમાં નોકરી કરતો ત્યારે એક કાર્યક્રમ માટે તે કચ્છ આવ્યા હતા. કાર્યક્રમ બાદ મેં તેમનો ઇન્ટરવ્યૂ કરેલો. આજે ખરા સમયે જ તેનું કટિંગ ઘરમાં શોધખોળ કર્યા છતાં હાથ ન લાગ્યું. અલબત્ત, મારી ડાયરીમાં એનું શીર્ષક નોંધેલું વંચાય છે : ‘ગુજરાતી પત્રકારત્વમાં કાર્ટૂનકલાનું ભાવિ ધૂંધળું લાગે છે : કાર્ટૂનિસ્ટ જામી’.

e.mail : dalimran@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 14-15

Loading

14 July 2020 admin
← ત્રણ કાવ્યો
કે જેથી અમેરિકા લઈ શકે શ્વાસ… →

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved