(૬ માર્ચ, ૧૯૪૦- ૧૧ જુલાઇ, ૨૦૨૦)
1991ના અરસામાં વડોદરાની ફેકલ્ટી ઑફ ફાઈન આર્ટ્સના પ્રથમ વર્ષની પેઇન્ટિંગની શાખામાં મેં પ્રવેશ લીધો હતો. તેમાં પેઇન્ટિંગના મુખ્ય વિષય ઉપરાંત વૈકલ્પિક વિષય તરીકે 'પૉટરી' રાખેલો. બધું મળીને અમે આઠ-દસ છોકરા-છોકરીઓ. આ વિભાગનાં વડાં જ્યોત્સ્નાબહેન ભટ્ટ.
હસમુખાં અને મૈત્રીપૂર્ણ ચહેરાવાળાં જ્યોત્સ્નાબહેન પહેલા દિવસે આવ્યાં, પોતાનો પરિચય આપ્યો અને એ પછી 'પૉટરી' વિષે સમજાવવાનું શરૂ કર્યું. એક મોટા ટેબલની ફરતે સૌ સ્ટૂલ પર ગોઠવાયાં. દરમિયાન અમારા જૂથમાંની બે છોકરીઓ ત્યાં પડેલી ભીની માટીની લુગદીમાંથી માટીની નાની નાની ગોળીઓ બનાવીને સામસામી ફેંકવા લાગી. એ જોઈને હસમુખાં દેખાતાં જ્યોત્સ્ના મેડમના ચહેરાના ભાવ પલટાયા. તે કડક અવાજે બોલ્યાં: 'રિસ્પેક્ટ ધ મીડિયમ યુ વર્ક ઈન.' જે માધ્યમમાં કામ કરીએ તેનું સન્માન જાળવવાની વાત તેમણે જે રીતે કહી, ત્યાર પછી ફરી કોઈએ માટી સાથે રમત કરવાની હિંમત ન કરી.
સંજોગોવશાત્ મારે આ અભ્યાસ અધૂરો મૂકવો પડ્યો, પણ જ્યોત્સ્નાબહેનની આ છબિ મનમાં રહી ગયેલી. એ પછી તેમની સાથે મુલાકાતનો યોગ આવ્યો છેક જુલાઈ, 2011માં. 'અહા! જિંદગી' માસિકની 'ગુર્જરરત્ન' કૉલમ માટે હું વિવિધ વ્યક્તિઓને મળીને તેમના વિશે લખતો હતો. તેમની વય ત્યારે 71 વર્ષની. તેમના સ્ટુડિયોમાં મુલાકાત લીધી અને તેમને 'વ્હીલ' પર કામ કરતાં જોયાં. એકદમ થકવી નાખે એવું, સર્જનાત્મકતાની સાથોસાથ શારીરિક શ્રમ માગી લેતું કામ, છતાં તેમનો તરવરાટ એવો જ હતો. આ મુલાકાત પછી જાણે કે એક નવા પરિચયનો આરંભ થયો.
જ્યોત્સ્નાબહેન અને જ્યોતિભાઈની કલ્પના એકમેક વિના થઈ જ ન શકે. હજી 4 મેના રોજ બંનેએ દાંપત્યજીવનનાં 55 વર્ષ સંપન્ન કર્યાં એની જાણ કરતું અને સૌનો આભાર માનતું કાર્ડ ઇ-મેલ દ્વારા મળેલું. જ્યારે મળીએ ત્યારે ઉત્સાહ અને ઉર્જાથી સભર લાગતાં જ્યોત્સ્નાબહેનના અવસાનના સમાચાર 11 જુલાઈએ મળ્યા ત્યારે ઘડીભર માનવામાં ન આવ્યું!
સિરામિક્સના કળાકાર પોતાની કલ્પના મુજબ માટીમાંથી વિવિધ આકારો નિપજાવે છે અને તેની પર કાચનો રંગબેરંગી ઢોળ ચડાવે છે. બે લીટીમાં સમાઈ જતી આ પ્રક્રિયા માત્ર કળાસૂઝ, કળાની તાલીમ કે કૌશલ્ય જ નહીં, અતિશય ધીરજ, એકાગ્રતા, ખંત અને મહેનત પણ માગી લે છે. કેમ કે ચાકડા પર માટીનો આકાર બનાવી દેવાથી વાત પૂરી થતી નથી, બલકે ત્યાંથી શરૂ થાય છે. અમુક પ્રમાણમાં ભેજ રહે ત્યારે તેને યોગ્ય ટેક્નિકથી ઝડપભેર ગ્લેઝિંગ કરવું, ત્યાર પછી એ વાસણને ભઠ્ઠીમાં મૂકવું, નિર્ધારિત તાપમાને તેને તપાવવું અને પછી સાચવીને બહાર કાઢીને ઈચ્છિત પરિણામ મળ્યું છે કે નહીં એ જોવું. આ આખી પ્રક્રિયામાં દિવસો વીતે છે. સિરામિક્સ-કળાકાર પોતાની કલ્પના મુજબના આકારો સર્જે ત્યારે ગ્લેઝિંગ એ રીતે કરવું ઘટે કે એ આકાર વધુ ને વધુ ઊપસે. આ માટે જોઈએ એક પ્રકારની આંતરસૂઝ અને સમજણ. આમ તો આનો સમાવેશ ‘પૉટરી’(માટીનાં વાસણ)માં થાય છે, જે શિલ્પકળાની શાખા છે. છતાં ય દેશમાં શિલ્પકારો કરતાં સિરામિક્સનાં કળાકારો ઘણા ઓછા છે અને જ્યોત્સ્નાબહેનનું નામ એવાં ગણ્યાગાંઠ્યા કળાકારોમાં પ્રથમ હરોળમાં મૂકી શકાય.
જ્યોત્સ્નાબહેનની સહેલી સામાજિક ઓળખાણ કાન્તિસેન શ્રોફનાં ભત્રીજી કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કળાકાર જ્યોતિ ભટ્ટનાં પત્ની તરીકેની આપી શકાય. પણ કળાપ્રેમીઓ-કળાકારો માટે તેમની કળાકાર તરીકેની સ્વતંત્ર ઓળખ પૂરતી છે. વડોદરાની ફૅકલ્ટી ઑફ ફાઇન આર્ટ્સમાં ૨૦૦૨ સુધી તે કાર્યરત હતાં. તેમણે ઘણા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા. તેમની કૃતિઓનાં છ એકલ તેમ જ ઘણાં સામૂહિક પ્રદર્શનો દેશવિદેશમાં યોજાયાં. અનેક વર્કશોપમાં તેમણે ભાગ લીધો. તેમના વૈવિધ્યપૂર્ણ સર્જનમાંથી તેમણે સર્જેલી વિવિધ આકારની બિલાડીની સિરામિક કૃતિઓ તેમની ઓળખ બની રહી છે.
આજીવન ચાલેલી કળાયાત્રામાં તેમને સતત સાથ રહ્યો પતિ જ્યોતિ ભટ્ટનો. જીવનમાં (શીખવનાર) ગુરુ, (સંભાળ લેનાર) માતા અને વખત આવ્યે (ટપારનાર) સાસુની ત્રિવિધ ભૂમિકા ભજવનાર વિખ્યાત સીરામીસ્ટ ચૌધરીને તેઓ આદરપૂર્વક યાદ કરતાં. તે માનતાં હતાં કે પરંપરાગત માટીકામ કરતા કુંભારોની નવી પેઢી અન્ય વ્યવસાય તરફ વળી રહી છે, ત્યારે તેમને ગ્લેઝિંગની ટેક્નિક શીખવવામાં આવે તો પરંપરા અને આધુનિકીકરણના સમન્વય થકી એક નવો જ ગ્રાહકવર્ગ ઊભો કરી શકાય. અમદાવાદના ‘નવજીવન ટ્રસ્ટ’ દ્વારા ગયે વર્ષે જ તેમનાં કામને સમાવતા પુસ્તક ‘સેલિબ્રેટિંગ અર્થ’નું પ્રકાશન કરવામાં આવ્યું હતું. તેમની વિદાય પછી પણ તેમનું કામ પ્રેરણા પૂરી પાડતું રહેશે.
e.mail : bakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 13 જુલાઈ 2020; પૃ. 13-14