મોટે ભાગે દૃશ્યશ્રાવ્ય માધ્યમોમાં હરહંમેશ અવનવા પોશાકમાં રજૂ થતાં પ્રધાનમંત્રીએ ઘણે દિવસે, 30મી મેએ રાષ્ટ્રજોગ પત્ર લખ્યો છે. ઘણાં વર્તમાનપત્રોએ આ પત્રને આખેઆખો છાપ્યો છે. એ પેઇડ ન્યૂઝ છે કે સરકારને સારું લગાડવા છે એ તો રામ જાણે! આ પત્રમાં પોતાની સરકારનું એક વર્ષ પૂરું થયું તેથી ‘છ સાલ કેવાં બેમિસાલ’ છે એની વાત છે. પત્ર નરી નમ્રતાથી લથબથ છે. મીઠાશથી ભરેલો છે. તેમ છતાં પોતાની પીઠ થાબડવાના એમના જાણીતા સંસ્કાર પણ પ્રગટ થયા છે. તે પત્રની વિગતો અને પત્રમાં નથી તેવી, બાકોરાંમાંથી દેખાતી ગુપચાવી દીધેલી વિગતોની અહીં ચર્ચા કરવી છે.
પહેલી વાત એ છે કે પત્રમાં આર્થિક બાબતનો નાનો સરખો ય ઉલ્લેખ નથી. તેથી તે એક રીતે નિષ્ફળતાનો સ્વીકાર ગણાય. 'વિકાસ'ના મુદ્દે 2014નો જંગ જીતેલા, એ વિશે એક શબ્દ પણ અહીં નથી. એક તબક્કે વિકાસ સામે સવાલ ઉઠાવનારાઓ દેશદ્રોહી ગણાતા હતા. હવે ખુદ વડાપ્રધાન જ આ શબ્દ ભૂલી ગયા છે. નવી સિદ્ધિમાં અયોધ્યા (જેમાં બંધારણના લીરેલીરા ઊડયા), 370મી કલમ (હજુ કાશ્મીરની આમજનતાને આર્થિક તબાહીમાંથી કળ નથી વળી.) અને તીન તલાક છે. ત્રણેય મુદ્દા લોકપ્રિય અને વોટબેંકની રાજનીતિવાળા છે. પ્રતિવર્ષ બે કરોડ નોકરીઓ હવે ભુલાઈ ગઈ છે! કોરોનાકાળમાં આ સિદ્ધિઓ ગણાવાય એ વરવું લાગે છે. વધુ એક સિદ્ધિ CAAની છે, પણ એ વિશે આગળ જોઈશું.
સંસદને વંદન કરીને પ્રવેશ લીધો ત્યાર બાદ સંસદીય ગરિમાનો ઠેકઠેકાણે તેમણે ભંગ કર્યો. કોઈ સંસદીય સમિતિની ચર્ચા-વિચારણા વિના જે દેશમાં કમરતોડ નોટબંધી લાદી હતી તેનો ઉલ્લેખ સુદ્ધાં નથી! કાળું નાણું લાવશે, આતંકવાદ ઓછો થશે, બજારમાં તેજી આવશે — એ ત્રણ દાવા નોટબંધી પાછળ હતા, તે સિદ્ધ થયા? કોરોના તો માર્ચથી આવ્યો. 12 વર્ષની સૌથી નીચી GDPમાં નોટબંધીનો ફાળો મોટો છે. રઘુરામ રાજન કહે છે કે તમે અર્થ વ્યવસ્થાને એવી ચગદી નાખી છે કે તેને બહાર કાઢવી મુશ્કેલ છે. તેથી આવનારા દિવસો કાળાડિબાંગ હશે. આવો અંધારપટ સર્જીને તમે દીવા પેટાવવાનું કહો છો! કોરોનામાં ચારે તરફ દીપકો બૂઝાઈ રહ્યા છે. અગાઉની સરકારે સીધું વિદેશી મૂડીરોકાણ (FDI) 51 ટકા કર્યું ત્યારે તમે ચારે ય બાજુ રોકકળ કરી મૂકી હતી અને તમે આવીને 100 ટકા કરી! પહેલાં પાંચ વર્ષમાં પ્રભુએ સમસ્ત બ્રહ્માંડમાંથી વિદેશી રોકાણ લાવવા વિચરણ કર્યું અને હવે મેળ પડતો નથી, એટલે આત્મનિર્ભરતાનો રાગ આલાપવો શરૂ કર્યો છે.
GSTમાં પણ વારંવાર નિયમો બદલાયા, હજુ એ વિભાગના માણસોને નિયમો સમજાતા નથી! તેમના નીતિગત નિર્ણયો ઉતાવળા હોવાથી અશાંતિ અને અરાજકતા સર્જે છે. તે જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે કાશ્મીરમાં સ્થિતિ સારી હતી. ચૂંટણી થઈ શકી. તેમની છાવણી જેમને દેશદ્રોહી ગણતી હતી એ PDP સાથે સરકાર પણ બનાવી શકાઈ, કલમ 370ની નાબૂદી પછી કાશ્મીરની આમજનતા ભૂખે મરી રહી છે. એવું જ CAAમાં. બસ, છાકો પાડી દેવાનો, પ્રવર સમિતિમાં કોઈ પ્રસ્તાવ નહીં, કોઈ સંસદીય પ્રક્રિયા નહીં.
તમારી એક સિદ્ધિ રાફેલની ખરીદી હતી. એનો ઉલ્લેખ કેમ નથી આ પત્રમાં? ભ્રષ્ટાચારની આટઆટલી ફરિયાદ આવી હોવા છતાં તમે દૂધે ધોયેલા છો, તો કેમ નિષ્પક્ષ તપાસપંચ ન બનાવ્યું? જે લોકપાલ માટે તમે બાબા રામદેવ, અન્નાજી અને કિરણ બેદી સાથે મેદાનો ગજવતા હતા એ લોકપાલ ક્યાં છે? રામદેવબાબાને ઉત્તરાખંડમાં જમીન મળી ગઈ અને લોકપાલ-લોકપાલ કરતાં કિરણ બેદી રાજ્યપાલ બની ગયાં! નોટબંધીની વિગતો જનતા સમક્ષ આવતી જોઈતી હતી પણ તમે એકાએક RTIના ક્ષેત્રમાંથી નોટબંધીની વિગતોને કાઢી નાંખી! RTIના કાયદાને તમે પાણીપાતળો કર્યો છે.
આવો જ એક ભ્રષ્ટાચાર હમણાં બીજો બહાર આવ્યો છે. તે મુખ્યમંત્રી હતા ત્યારે G.S.P.C. દ્વારા 15 બેન્કો તરફથી ગૌતમ અદાણીને રૂ. 20,000 કરોડ રૂપિયા અપાયા. 2007માં તે કહેતા હતા કે હવે ગુજરાતમાં જ્યાં પાઇપો નાખશો ત્યાંથી ગેસ અને ઓઈલ નીકળશે. આ ઠેકો અદાણીને અપાયો. ગેસ ઓઇલ ન નીકળ્યાં. અદાણી રૂ. 20,000 કરોડ પરત કરતા નથી. RBIએ ગૌતમ અદાણી સામે કેસ કર્યો છે ત્યારે તેમણે કેન્દ્ર સરકાર દ્વારા RBI પર કેસ ઠોકી દીધો! 70 વર્ષમાં આવું તો પહેલી વાર બન્યું કે કેન્દ્ર સરકાર RBI સામે કેસ કરે — એક ઉદ્યોગપતિને બચાવવા માટે! કદાચ એટલે જ કહેવાય છે કે મોદી હૈ, તો મુમકિન હૈ. આ રાફેલ જેટલો જ મોટો ગોટાળો હોવાની શંકા જાય છે.
તે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નું સૂત્ર લઈને આવ્યા હતા. ભય તો કેવો છે! પાર્ટીમાં કે પાર્ટી બહાર બોલાતું નથી. જે કોઈ બોલે એના પર FIR — પછી ભલે એ રોમિલા થાપર હોય, રામચંદ્ર ગુહા હોય, નવલખા હોય કે આનંદ તેલતુંબડે. સવાઈ કટોકટીનું નિર્માણ થયું છે. મોબ લિચિંગ, બળાત્કાર વધ્યા છે. તેમનાં પાંચ વર્ષમાં દલિત અત્યાચારોની નોંધાયેલી ફરિયાદો અઢી લાખ છે! કોઈ IPS, IAS બોલી ન શકે. કોઈ ન્યાયાધીશ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાનું કહે, તો એની તાત્કાલિક બદલી થઈ જાય. ભયની આંધી પેદા કરે છે.
પત્રના બીજા દિવસે તેમણે કહ્યું કે ભારતમાં 1 કરોડ દરદીનો કોરોનામાં 'ફ્રી' ઈલાજ થયો છે! અમિત શાહ જણાવે છે કે 53 કરોડ રૂપિયા 41 કરોડ લોકોને તત્કાળ વહેંચવામાં આવ્યા, તો તો 1 રૂપિયો અને 29 પૈસા થાય! શું બોલો છો એ ખબર જ નથી પડતી. રસ્તે જતાં મૃત્યુ પામેલા છસો મજૂરો, ટ્રેનમાં ભૂખથી મરેલા 80 પ્રવાસીઓને આ પત્રમાં પણ શ્રદ્ધાંજલિ નથી.
ભારતના પ્રત્યેક નાગરિકને આર્થિક સહાય કરો. કોરોનાગ્રસ્ત દરદીઓની સેવા કરતાં મૃત્યુ પામેલાં નર્સ, ડોક્ટર, કર્મચારી, પોલીસ અધિકારીને ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા આપો, એમને શહીદનો દરજ્જો આપો. ફૂલ વરસાવવાની કોઈ જરૂર નથી. તે સત્તા પર આવ્યા પછી ત્રણેય પડોશી દેશ ચીન, પાકિસ્તાન અને નેપાળ સાથેના સંબંધો વકર્યા છે, એ તેમની વિદેશનીતિની નિષ્ફળતા છે. તેની અસર ખાડીના દેશો પર પણ પડી છે.
પત્રમાં અગાઉના ગાળાની ઉજજવલા યોજનાની વાત છે. ગેસ તો મળ્યો, પણ બોટલની કિંમત રમણે ચઢી છે એનું નથી કહેતા! જે પેટ્રોલમાં થતા ભાવવધારાથી તમે સળગી ઊઠતા હતા, એનો આજે ય વિશ્વભરમાં સહુથી વધુ ભાવ અહીં થયો એ સિદ્ધિની વાત પણ પત્રમાં નથી. ચિઠ્ઠીમાં છે એ તો બધા વાંચશે. તેમાં નથી, એ મેં વાંચ્યું છે. મીઠી ભાષામાં લખાયેલા તમારા પત્રમાં જનતાની આર્થિક તબાહી કેમ થઈ અને એમાંથી બહાર શી રીતે નીકળવું તે ગેરહાજર છે.
e.mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 03 જૂન 2020