ઘરની હૂંફ છોડી પેટિયું રળવા નીકળેલા મજૂરો
જોજનો ને જોજનો દૂર, સાવ અજાણ્યા મુલકમાં.
વનવાસ સહી આપણને ધનવાન બનાવતા
લાખો પરપ્રાંતીય મજૂરોને ન માનશો ગરીબ.
સુખસગવડ બધી આપણી છે મોહતાજ
એમનાં બાવડાની અઢળક તાકાતની.
પરિવારની બહાલી માટે પરિવારથી દૂર
સંતાનોની ખુશાલી માટે સંતાનોથી દૂર
માવતરને જીવાડવા માટે માવતરથી દૂર
જેમ ફરજ પર સૈનિકો તેનાત ઘરથી દૂર .
ના ભૂખ ભાંગવા ઘરનો રોટલો મળે
ના મજૂરીનો થાક ઉતારવા ઘરનો ઓટલો
સ્વજનોના સુખ કાજે કરે બધું કુરબાન.
રાત્રે મિંચાતી આંખ સામે ઘર તરવરે
સવારે ઉઘડતી આંખ સામે ઘર તરવરે
મનમંદિરમાં ઘરને ધરી કરે મજૂરી તનતોડ
ઘર સજાવવા રેલાવે પરસેવો અનરાધાર.
બહાર ફરવા જઈએ તો ય થોડા સમય બાદ
ઘર સાંભરે ને પરત આવવા ઝંખીએ
તો મહિનાઓ ને વર્ષો એમના કેમ જતા હશે
પારકા મુલકમાં, એની કલ્પના કરવી રહી.
ન માંગે એ થાળીનાદ કે ન માંગે પુષ્પવર્ષા.
માંગે માત્ર તાબડતોબ ઘરને જઈને ભેટવા.
ઘરઆંગણાનો પોકાર એવો કે પળવાર ના થોભાય.
ગુજરાતના કરજણથી ઉત્તરપ્રદેશના સીરસિયા સહૂઆસ
પડકારનો વિચાર સરખો ય ન કરી નીકળી પડ્યા
સાઇકલ લઈ રાજુભાઈ જપ્તી સહાની.
કરજણ જિંદાલ બ્રીજ નજીકની ઝાડીમાં
૪૨ ડિગ્રી ગરમીથી બેહાલ પોરો ખાવા રોકાયા.
ક્યાં ખબર હતી કે આંખ મીચાવાની છે સદા
ને ઘરનાં દર્શન કરવાની ઇચ્છા રહી જશે મનમાં?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 જૂન 2020