Opinion Magazine
Number of visits: 9450135
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહાભારતના નાયક યુધિષ્ઠિર

અરવિંદ વાઘેલા|Opinion - Literature|26 May 2020

ઉમાશંકર જોશીના પદ્યનાટક 'મહાપ્રસ્થાન' સંદર્ભે યુધિષ્ઠિરનું પાત્ર

ભારતીય સાહિત્યની ઓળખ ભારતમાં જેટલી છે, તેના કરતાં વધુ વિશ્વમાં છે. વિશ્વના સાત મહાકાવ્યો પૈકી પ્રથમ બે એટલે કે રામાયણ (વાલ્મીકિ) અને મહાભારત (વેદ વ્યાસ) ભારતે દુનિયાને આપેલી અમૂલ્ય ભેટ છે. મહાકાવ્યની સામાન્ય ઓળખ 'મહાફલક' પર મનુષ્યની કથા તે મહાકાવ્ય.

ભારતે આપેલાં મહાકાવ્યોમાં રચનાસંવિધાનની દૃષ્ટિએ તેમ જ મહાકાવ્યોનાં લક્ષણોની દૃષ્ટિએ 'રામાયણ' વિદેશી વિદ્વાનોની પણ સ્વીકૃતિ પામ્યું છે. જ્યારે મહાભારત માટે એવું કહેવાય એમ નથી. 'મહાભારત' એ સંદર્ભે એક અને અજોડ છે. આમ છતાં 'મહાભારત' વિશ્વની દરેક ભાષાના સર્જક માટે સર્જન પ્રેરણાની ગંગોત્રી સમાન ગ્રંથ છે. પ્રાચીન, મધ્યકાલીન, અર્વાચીન કે આધુનિક સર્જકોને કથાબીજ શોધવામાં મહાભારત સહજ ઉપલબ્ધ પ્રેરણાસ્રોત બની રહે છે. ટેલીવિઝન અને ફિલ્મ જેવાં આજનાં ઇલેક્ટ્રોનિક માધ્યમો માટે પણ 'મહાભારત' નવા નવા પ્રયોગોનો પડકાર ફેંકે છે. બી.આર. ચોપરા જેવા નીવડેલા ફિલ્મસર્જક 'મહાભારત' નામે ઉત્તમ ટીવી. સિરીઅલ સર્જે છે. તો વળી એકતા કપૂર જેવી દૈનિક ધારાવાહિક ડ્રામાની સર્જક પણ પ્રયોગશીલ રીતે ટી.વી. પર મહાભારતની રજૂઆત કરે છે. જયારે પીટર બ્રુક્સ જેવા વિદેશી ફિલ્મસર્જક આ ગ્રંથના ગહન અભ્યાસ બાદ પ્રથમ નાટક અને ત્યાર પછી ફિલ્મનું નિર્માણ કરે છે. જે મહાભારતને એક નવા જ આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરે છે. મહાભારત અનેક શક્યતાઓથી ભરપૂર ગ્રંથ છે. એટલે જ તો વિશ્વના તમામ સર્જકોને એ આકર્ષે છે. ભારતીય સાહિત્ય મૂળે તો ત્રણ ચાર ગ્રંથો રામાયણ, મહાભારત, કથાસરિત્સાગર અને જાતકકથાઓ પર જ આધારિત છે.

'મહાભારત'ને કેટલાક પુરાણ કહે છે. પુરાણનો એક અર્થ છે – 'પુરાતન, ચિરંતન અને નૂતન એક સાથે હોય તેવું' ઋગ્વેદમાં કહેવાયું છે કે 'પુન: પુનર્જાયમ પુરાણી' અહીં વિશેષણ ઉષાના સંદર્ભે વપરાયું છે, પરંતુ પુરાણકથા કે mythologyના સંદર્ભે પણ એ એટલું જ સાચું છે. કારણ કે પુરાણકથા કે મીથ પણ વારે વારે નવી રીતે જન્મ લે છે. એમ આજના સમયમાં આધુનિક સંદર્ભો સાથે મહાભારતની કથા પણ જુદા જુદા સ્વરૂપોમાં અવતરતી રહે છે. ગુજરાતી ભાષામાં પણ 'કાન્ત', 'દર્શક', મુનશી, ઉમાશંકર જોશી અને ઈલા આરબ મહેતા જેવાં સર્જકોએ મહાભારતમાંથી કથાબીજ લઇ પોતાની કૃતિઓની રચના કરી છે.

આ શોધપત્રમાં મહાભારત પર આધારિત ગુજરાતી ભાષાના કવિ કુલગુરુ ઉમાશંકર જોશીની કાવ્યકૃતિ, પદ્યનાટક 'મહાપ્રસ્થાન'ના નાયક યુધિષ્ઠિરના પાત્ર સંદર્ભે ચર્ચાનો ઉપક્રમ રાખ્યો છે.  આ પદ્યનાટકમાં યુધિષ્ઠિરનું ચરિત્ર કવિકર્મનો ઉત્તમ નમૂનો છે. આમ તો મહાભારત વિશે કે તેના પાત્રો વિશે ક્યાંક ને ક્યાંક કશું લખાતું રહ્યું છે, પરંતુ કાલિદાસથી માંડીને રવીન્દ્રનાથ સુધીના કોઈ કવિએ યુધિષ્ઠિર વિશે કોઈ કાવ્ય કે નાટકની રચના કરી નથી. તેના પરથી સમજાશે કે તેમના વ્યક્તિત્વનું આકર્ષણ કેટલું ક્ષીણ છે. આજે પણ લોકો પોતાના સંતાનોના નામ પાર્થ, અર્જુન, સવ્યસાચી રાખતા તો જોવા મળે છે, પરંતુ યુધિષ્ઠિર નામ ભાગ્યે જ કોઈ રાખે છે. કદાચ એની પાછળનાM કારણોમાં દેખીતી રીતે જ મહાકાવ્યના નાયકનું કોઈ લક્ષણ એમનામાં દેખાતું નથી.

મહાભારતની પાત્રસૃષ્ટિમાં મહાપરાક્રમી યોદ્ધા, પરમ સુંદર અને લલનાપ્રિય (લેડી કિલર) તરીકે જાણીતા અર્જુન સાથે યુધિષ્ઠિરની તુલના કરીએ તો તેઓ તેનાથી ઘણા ઝાંખા, સંકુચિત અને પાછળ લાગે. તેમના સાંનિધ્યમાં જાણે પ્રભાવ નથી, સાહચર્યમાં સરસતા નથી, ઉદ્દીપન નથી, પ્રથમ નજરે તેમનું વ્યક્તિત્વ આકર્ષક લાગતું નથી. દ્રોણની શાળામાં નાપાસ થયેલ કોઈ વિદ્યાર્થી હોય તો તે યુધિષ્ઠિર છે. દ્રોણે લક્ષ્યવેધ માટે બોલાવ્યા ત્યારે તેઓ ધ્યાન કેન્દ્રિત કરી શક્યા ન હતા. અને દ્રોણે – 'તું રહેવા દે, તારાથી કશું નહિ થઇ શકે' (આદિ : ૧૩૨) એમ કહી બેસાડી દે છે. અર્જુનને કોઈ પણ અવસ્થામાં ઓળખી શકાય, સમજી શકાય, તેના પાત્રમાં એક અખંડતા છે. પરંતુ યુધિષ્ઠિરને આવી ઓળખ આપી શકાય તેમ નથી. વિરાટ પર્વમાં દ્યૂત રમતા યુધિષ્ઠિર દ્રૌપદીનું અપમાન કરતાં કહે છે – 'સૈરન્ધ્રી, એક નટીની જેમ ક્રંદન કરી દ્યૂત રમવામાં મગ્ન એવા સભાસદોનું વિઘ્ન ન બન, તું જતી રહે !' યુધિષ્ઠિરના મુખેથી આવું કઠોર વચન સાંભળી દ્રૌપદી ભીમને કહે છે – 'યુધિષ્ઠિર જેવા સ્વામી હોય તેને દુઃખનો અભાવ ક્યાંથી ?' (વિરાટપર્વ) વિરાટ, કંક(યુધિષ્ઠિર)ના કપાળમાં છુટ્ટા પાસા મારે છે, છતાં છદ્મવેશ પ્રગટ ન થઇ જાય માટે કંઇ કરતા નથી. વનપર્વમાં તેઓ ક્રોધની નિંદા કરે છે અને ક્ષમાના ગુણગાન ગાય છે. પરંતુ યુદ્ધની મંત્રણા શરૂ થતાં જ આખી વાત ઊલટી થઇ જાય છે. ઉદ્યોગપર્વમાં ધૃતરાષ્ટ્ર કહે છે – 'હું ભીમ, અર્જુન અરે એટલે સુધી કે કૃષ્ણનો પણ એટલો ભય રાખતો નથી, જેટલો ક્રોધે ભરાયેલા યુધિષ્ઠિરનો રાખું છું.'

'મને યુદ્ધ કરવાની અભિલાષા નથી' સંજયને એવું કહેનાર યુધિષ્ઠિર સંજયની યુદ્ધ ટાળવાની વાતને જ તાળી દે છે. અને યુદ્ધના આરંભે જ મામા શલ્ય સમક્ષ એક ખરાબ પ્રસ્તાવ મૂકે છે – 'તમે અમને વચન આપ્યું હતું કે કર્ણ – અર્જુન યુદ્ધ સમયે તમે કર્ણના સારથિ થઇ, તેનો તેજોવધ કરશો. મારા મોં સામે જોઈ તમારે આ કુકર્મ કરવું જ પડશે.’ (ઉદ્યોગપર્વ-૭) યુદ્ધના નવમાં દિવસે કૌરવપક્ષથી અજાણ કોઈ ગુપ્તચરની જેમ ભીષ્મ પાસેથી એમના વધનો ઉપાય જાણી લે છે.(ભીષ્મપર્વ-૧૦૮) આ ઉપરાંત ગુરુ દ્રોણના વધ માટે પેલું અર્ધસત્ય, મર્મઘાતી અસત્ય ‘… ઇતિ કુંજર' પણ તેઓ જ બોલ્યા હતા. (દ્રોણપર્વ -૧૯૧). મહાભારતના યુદ્ધમાં પણ ભાઈઓએ એમનું રક્ષણ કરવું પડે છે. કર્ણ 'વેદ પાઠરત' બ્રાહ્મણ કહી યુધિષ્ઠિરની મશ્કરી કરે છે. (કર્ણપર્વ -૫૦) મામા શલ્યને પોતાને હાથે હણે છે. આ એ જ શલ્ય છે કે જેમણે માત્ર બે જ દિવસ પહેલાં ચતુર કૌશલ્યથી કર્ણના હાથે નિશ્ચિતરૂપે મૃત્યુ પામતા યુધિષ્ઠિરની રક્ષા કરી હતી. (કર્ણપર્વ-૬૪) સરોવરમાં સંતાયેલા લાચાર દુર્યોધનને યુદ્ધ માટે લલકારતાં કહે છે -'આવ અમારી સાથે યુદ્ધ કરી પ્રાણ આપ'. આ એ જ યુધિષ્ઠિર છે જેમણે દુર્યોધનના દૂત ઉલુકને કહ્યું હતું કે 'એક કીડીને પણ આઘાત પહોંચાડવા તે ઈચ્છતા નથી. (ઉદ્યોગપર્વ -૧૬૧) આપણે માટે આ દુ:સહ અને અકલ્પનીય છે. જો યુદ્ધ વિરામની સાથે જ મહાભારત સમાપ્ત થઇ ગયું હોત તો નિ:શંક પણે યુધિષ્ઠિર એક ભંડચૂડામણિ (મહાદંભી) તરીકે હંમેશને માટે ઓળખાયા હોત. પરંતુ બીજા આઠ પર્વો સુધી કથા આગળ ચાલે છે. અને ભાવક સમજી શકે છે કે યુધિષ્ઠિરના આ દુષ્કૃત્ય પણ યથોચિત અને સુસંગત છે. આ બધાનું એમના જીવનમાં કંઈક પ્રયોજન છે. યુધિષ્ઠિરના પાત્ર દ્વારા વ્યાસ શું સિદ્ધ કરવા ઈચ્છે છે. મહાભારતની પરિકલ્પના કઈ રીતે અને કયા પરિમાણમાં યુધિષ્ઠિર પર આધાર રાખે છે, તે વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે.

એક તરફ પોતાની સ્વત: સ્ફૂર્ત સહજવૃત્તિઓ અને બીજી તરફ કુટુંબ પ્રત્યેનું, સમાજ પ્રત્યેનું કર્તવ્ય આ બંને વચ્ચે મનોમંથન અનુભવતા યુધિષ્ઠિર સંજય કે વિદૂરની જેમ પ્રેક્ષક બની યુદ્ધથી અલિપ્ત રહી શકતા નથી. માતા, પત્ની અને ભાઈઓએ ૧૩ વર્ષ સુધી તેમના દોષે જ દુ:ખ વેઠવું પડે છે. આત્મીયજનો તરફનો એમનો રાગ ઘણો ઊંડો છે તેથી જ તો તેમના શુભ્ર હાથો તેમણે લોહીમાં રગદોળવા પડે છે. અને આંગળીના નખ પર કલંક ચિહ્ન પણ સ્વીકારી લેવું પડે છે. છતાં પણ તેઓ યુદ્ધને ધૃણા કરે છે. તેમના જેવો યુદ્ધથી વિમુખ બીજો કોઈ નથી. લડાઈ વૃત્તિ તેમના માટે આત્મદ્રોહ સિવાય બીજું કંઈ નથી. તેમણે બધા કરતાં વધારે પોતાનેજ  દુઃખ આપવું પડે છે, પોતા સાથેની દુશ્મનાવટમાં જ તેઓ લિપ્ત છે. જેમ સભાપર્વમાં તેમ કુરુક્ષેત્રમાં પણ તેઓ નિરુપાય છે. અનિચ્છાએ અસ્ત્ર ધારણ કરવા પડે છે. ભાઈઓ, પત્ની દ્રૌપદી અને બધાની ઉપર કૃષ્ણ અને તેમના નિરુત્તર કરી દેતા તર્ક અને વ્યક્તિત્વનું સંમોહન યુધિષ્ઠિરને બંદી બનાવી દે છે.

યુધિષ્ઠિરનું જીવન અભિલાષા અને અવસ્થાની વચ્ચે દ્વિધા વિભક્ત છે. પોતા પ્રત્યેની અને બીજા પ્રત્યેની સામસામી જવાબદારીઓથી તેઓ ઘેરાયેલા છે. ઉદ્યોગપર્વથી આશ્વમેધિકપર્વ સુધી સતત તેઓ ડોલાયમાન દેખાય છે, તેથી જ તેઓ આટલા બધા અસ્થિર અને અનિશ્ચિત દેખાય છે. આથી પગલે ને પગલે કોઈ બંધનમાં બંધાય છે, સંશયમાં ફસાય છે અને છતાં પોતાની વિચારધારાને વળગી રહે છે. તેમનાં બધાં સ્ખલન, પતન, મનસ્તાપ અને સ્વવિરોધની વચ્ચે પણ સર્જકે તેમનું વ્યક્તિત્વ કલાત્મક રીતે ઉપસાવ્યું છે. યુધિષ્ઠિરના આ બહુપરિમાણી અને બહુઆયામી પાત્રને ગુજરાતીમાં ઉમાશંકર જોશી જેવા સિદ્ધહસ્ત સર્જકનો સ્પર્શ મળે છે અને સર્જાય છે, 'મહાપ્રસ્થાન'.

ગુજરાતી કાવ્યસાહિત્યના ક્ષેત્રે પદ્યનાટકનો નવો પ્રકાર ઉમાશંકર જોશીથી પ્રારંભ પામે છે. 'The Three Voice of Poetry'માં એલિયટ પદ્યનાટકને Third Voice – ત્રીજા સૂર તરીકે ઓળખાવે છે. ઉમાશંકર જોશી આ પડકારરૂપ સ્વરૂપને 'પ્રાચીના' અને 'મહાપ્રસ્થાન'માં પ્રયોજે છે. 'મહાપ્રસ્થાન' સંગ્રહના બે પદ્યનાટકો 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' આ બંને રચનાઓમાં સર્જક યુધિષ્ઠિરને કેન્દ્રમાં રાખી તેમના ચરિત્રની વિવિધરંગી લાક્ષણિકતાઓને આધુનિક સંદર્ભો સાથે ઉજાગર કરે છે. આ ચર્ચાના આરંભે યુધિષ્ઠિરના પાત્ર દ્વારા 'માનવીની વેદના-સંવેદનાને, ગુણ-દોષને જોયા પછી પણ તેમના વ્યક્તિત્વમાં કશુંક એવું છે, જે એમને બધાથી જુદા પાડે છે. ઉમાશંકર જોશી મહાભારતના 'મહાપ્રસ્થાનિક પર્વ'માંથી કથાબીજ પસંદ કરી, બહુખ્યાત વિષયવસ્તુ પર કામ કરે છે, અને આ ખ્યાત કથાનકને તેઓ પોતાની સર્જક પ્રતિભાના બળે મૌલિક અને નાવિન્યસભર બનાવે છે. કવિ કાવ્યસર્જન માટે જે ક્ષણ પસંદ કરે છે તે, પાંડવોના મહાપ્રસ્થાનની છે. કવિશ્રી ઉમાશંકરે કરેલી સંગ્રહની પ્રથમ બે રચનાઓ 'મહાપ્રસ્થાન' અને 'યુધિષ્ઠિર' પદ્યનાટકો જાણે દ્વિઅંકી નાટકના બે અલગ અલગ અંક હોય એવું લાગે છે. ઉમાશંકર જોશી અહીં યુધિષ્ઠિરના પાત્રને સાંપ્રત સમયની બૌદ્ધિક હવામાં મૂકી આપે છે. કવિ પોતાના વિશિષ્ટ દૃષ્ટિકોણથી પૌરાણિક પાત્રમાં આધુનિકતાનું સંમિશ્રણ કરે છે.

'મહાપ્રસ્થાન'નો પ્રારંભ જ યુધિષ્ઠિરની ઉક્તિ – 'ક્યાં છે કૃષ્ણ?'થી થાય છે. આજે પણ 'માધવ'ની શોધ તો ચાલુ જ છે પણ …. 'માધવ ક્યાંય નથી …' આખી જિંદગી કૃષ્ણને આધારે જીવેલા યુધિષ્ઠિર આયુષ્યના છેલ્લા કાળે કૃષ્ણવિહોણા બનતાં મનોમંથન અનુભવે છે. મહાભારતનું યુદ્ધ, દૂતકર્મ, લાક્ષાગૃહ, ઉરુભંગ વગેરે પ્રસંગોએ કૃષ્ણની મદદ અને માર્ગદર્શન યાદ આવે છે. પ્રારંભની નવપંક્તિઓમાં કવિ સાતવાર કૃષ્ણ શબ્દ પ્રયોજે છે. જે કૃષ્ણ વિનાની પાંડવોની દશાને સૂચવે છે. વ્યર્થ પ્રયત્નો પછી યુધિષ્ઠિરને સમજણ આવે છે કે કૃષ્ણ મૃત્યુ પામી ચુક્યા છે. 'હવે કેવા કૃષ્ણ?' કૃષ્ણ વિનાનું જીવન પાંડવો અને યુધિષ્ઠિર કલ્પી શકતા નથી. કૃષ્ણ વિનાના પાંડવો અનેકવાર શારીરિક અને માનસિક રીતે હારી ચુક્યા છે. ભારતીય સંસ્કૃતિમાં રહેલ 'સંસારત્યાગ'નો વિચાર, મહાપ્રસ્થાનની કલ્પના યુધિષ્ઠિરની છે. અને તેને આચરણમાં મુકનાર પણ તેઓ જ છે. સૌ પહેલાં તેઓ જ વલ્કલ ધારણ કરે છે. ભાઈઓ તેમને અનુસરે છે. મહાપ્રસ્થાન માટે હિમાદ્રીના શિખરો પર ચાલતા પાંડવોની પાછળ એમનાં પગલાં દબાવતું મૃત્યુ જાણે ચાલી રહ્યું છે. આપણી સાથે મૃત્યુ સતત રહ્યું છે એ આપણું સનાતન સત્ય છે. કવિનું કવિત્વ દ્રૌપદી અને ચારે પાંડવોના મૃત્યુ પ્રસંગે ઉજાગર થતું દાર્શનિક યુધિષ્ઠિરનું ચરિત્ર આલેખવામાં પ્રગટ થાય છે.

મોક્ષપ્રાપ્તિના માર્ગ પર સૌ પ્રથમ દ્રૌપદી પડે છે. ભીમથી પાંચાલી 'ઉચલાતી' નથી. ઉમાશંકરે પ્રયોજેલું આ ક્રિયાપદ પણ કેટલું યથાર્થ છે. લાક્ષાગૃહનો ભીમ હવે એવો ને એવો રહ્યો નથી. ત્યારે યુધિષ્ઠિર બિલકુલ સાક્ષીભાવે અત્યંત માર્મિક રીતે કહે છે :

                   ' …. આ સમય છે જુદો
                   ભાર સ્વકર્મનો ઉઠાવીને ચાલી શકે એ જ
                        આ છે ઘણું તારા માટે.'     

છે ને આધુનિકતાનો અનન્ય સંદર્ભ. દ્રૌપદીના દામ્પત્યજીવનનું રહસ્ય છતું કરતા યુધિષ્ઠિર તેના અર્જુન પ્રત્યેના પક્ષપાતને મર્યાદા તરીકે ગણાવી પોતાની મર્યાદાઓને પણ ધ્યાનમાં લે છે. – 'તે કોડ અમે છુંદ્યા' એમ કહી દ્રૌપદીના જીવનની કરુણતાની જવાબદારી પોતા પર લે છે. ઉમાશંકર યુધિષ્ઠિરની આંખમાં સત્ય અને આંસુ બંને ને જોઈ શકે છે. દ્રૌપદીના અંતિમ સમયે પણ ઉમાશંકર યુધિષ્ઠિરના મુખમાં આ પંક્તિઓ મૂકી એમને લોકોત્તર બનાવે છે. – 'સંસારની, તૃષ્ણાનું તીવ્ર સ્વરૂપ હતી એ નારી …!' કવિએ મૂકેલ 'નારી' શબ્દ યુધિષ્ઠિરની તટસ્થતાને દર્શાવે છે. અર્જુન પ્રત્યે વિશેષ પ્રીતિ હોવા છતાં દ્રૌપદીથી વધારેમાં વધારે અળગા રહેવાનું અર્જુનના ભાગ્યમાં જ આવ્યું. ઉપરાંત અર્જુન અન્ય પત્નીઓ પણ બનાવે છે. આથી જ અહીં ઉમાશંકર યુધિષ્ઠિર પાસે બોલાવે છે કે – 'અગાધ કરુણ મહાનારીનું જીવન ખરે' જુઓ મહાકાવ્યના દીર્ઘવર્ણન સામે ઉમાશંકર સુંદર લાઘવ પ્રયોજે છે.

જેમને સાચવવાની જવાબદારી કુંતી, યુધિષ્ઠિરને આપે છે તે સહદેવ, નકુલના મૃત્યુ પ્રસંગે તેઓ કશું જ કરી શકતા નથી. મૃત્યુ આગળ બધા જ લાચાર બની જાય છે. સહદેવ અતિ જ્ઞાનને કારણે અહંકારી બની ગયો હતો, જ્યારે નકુલના મૃત્યુ પ્રસંગે ઉમાશંકર યુધિષ્ઠિરના મુખમાં જાણે આજનો કોઈ તત્ત્વચિંતક બોલતો હોય તેવા શબ્દો મૂકે છે :

                   'નકુલે બાહ્ય સૌંદર્યને વિકસાવવામાં
                    આંતર સૌંદર્ય પ્રત્યે દુર્લક્ષ્ય સેવ્યું'

આજના મોડર્ન જીવનની સચ્ચાઈનું દર્શન ઉમાશંકરે આ નિમિત્તે રજૂ કર્યું છે. રૂપ માત્ર બાહ્ય વિકાસ સાધીને જ અટકી જાય ત્યારે નકુલની જેમ મરણશીલ બને છે. સહદેવના – સંદર્ભે – 'જાણપણ – શાણપણ સાથે સાયુજ્ય ન સાધી શકે તો જીવન વિઘાતક બની જાય છે.

હિમાલયના ઉત્તુંગ ધવલશ્વેત શિખરો પર મહાપ્રસ્થાનને માર્ગે આગળ વધતાં અર્જુન પડે છે. આ પ્રસંગે ભીમના પ્રશ્નોના જવાબ આપતાં તેઓ પોતાની આંતરવ્યથાને પણ ઉજાગર કરે છે. કૃષ્ણ વિના અર્જુનનું કોઈ અસ્તિત્ત્વ નથી. અર્જુન પણ આ જાણે છે. યુધિષ્ઠિર કહે છે – 'માનવીએ પોતાની શક્તિનું મમત્વ રાખવા જેવું નથી.' વીરત્વમાં જ્યારે અહંકાર ભળે છે, ત્યારે સત્યની મર્યાદા જળવાતી નથી અને પરિણામે હ્રાસ સર્જાય છે. તેઓ ભીમને કહે છે. – 'વીરગાથા કિરીટની કરુણ મિશ્રિત પૂરી'. એમની પોતાની ગાથા પણ એટલી જ કરુણ મિશ્રિત છે.

પોતાના Guilt(ગીલ્ટ)થી છૂટવા મોક્ષ માર્ગે આગળ વધતાં પ્રશ્નકર્તા ભીમ પડે છે. ભીમ જયેષ્ઠ બંધુને પોતાના મૃત્યુનું કારણ પૂછે છે. અને સત્યવક્તા ! કહે છે 'વૃકોદર (ખાઉધરો) હતો તું' દુઃશાસનની છાતી ફાડી રક્તપાન કરનારને નરપિશાચ તરીકે તરીકે ઓળખાવે છે. યુધિષ્ઠિર આ પદ્યનાટકમાં સામાન્ય સ્તરથી, દુન્યવી સંબંધોથી પર થઇ એક તટસ્થ દાર્શનિકની અદાથી જીવનનું મૂલ્યાંકન કરે છે.

સંગ્રહના બીજા પદ્યનાટક – 'યુધિષ્ઠિર'માં નાટ્યકાર કરતાં કવિ ઉમાશંકરના દર્શન વિશેષ થાય છે. આ પદ્યનાટક વધુ સારું નાટ્યકાવ્ય બની શક્યું હોત. પરંતુ કવિ ઉમાશંકર નાટક પર હાવી થઇ જાય છે. અહીં 'મહાપ્રસ્થાન'ના દાર્શનિક યુધિષ્ઠિર નથી પણ દુન્યવી છે. બંધુપ્રેમમાં વિહ્વળ યુધિષ્ઠિર પદ્યનાટકને આરંભે જ – 'આ મારે મન સ્વર્ગ નથી,  મારે તો એ  સ્વર્ગ, જ્યાં સૌ બંધુજનો વસે મારા'.  ભાઈઓ વિનાનું સ્વર્ગ યુધિષ્ઠિરને માટે આકરું છે. દુર્યોધનને સ્વર્ગના સિંહાસને બેઠેલો બતાવીને નારદ તેમને કહે છે કે એ પણ તમારા બંધુજન જ છે ને ! પરંતુ આ પદ્યનાટકમાં ઉમાશંકર યુધિષ્ઠિરને કુટુંબવત્સલ જયેષ્ઠ બંધુ તરીકે દર્શાવે છે. મહાપ્રસ્થાનના દાર્શનિક નહિ … એટલે જ તો ઉદ્દિગ્ન બનીને કહે છે કે, મારે સ્વર્ગ નથી જોઈતું. મારા ભાંડુઓ તરછોડાયેલા રહે, નર્કમાં રહે. મારાથી એમનો અને એમનાથી મારો ક્ષણનો પણ વિલંબ સહન થતો નથી. એ પોતાના પર કરુણા કરવા વિનંતી કરે છે. નારદ એમને સુયોધન સાથે વાત કરવા જણાવે છે. અને વેધક રીતે કહે છે – 'સ્વર્ગમાંયે પૂર્વવૈર સંભારો છો ? અને વધુમાં કહે છે કે બધા પુણ્યના સંતાનો છે માટે મનને સાંકડું રાખવું ન ઘટે. ત્યારે પણ યુધિષ્ઠિરનો ભાતૃપ્રેમ છલકી ઊઠે છે – 'જ્યાં હશે સૌ સ્નેહીઓ તે મારે મન સ્વર્ગ છે.' ઇન્દ્ર પાસે ભાતૃમંડળમાં સમાઈ જવાની અનુજ્ઞા – રજા માંગે છે. સ્વર્ગને ઠોકર મારી,  ભાઈઓ નર્કમાં હોય તો નર્કમાં જવા પણ તેઓ તૈયાર થાય છે. ધર્મરાજા યમને પણ તેઓ સંભળાવી દે છે –

'પરંતુ પિતા! ન મારે મુક્તિ કશી ઇષ્ટ,' યુધિષ્ઠરનો ભાતૃપ્રેમ જોઈ યમ પણ એમની પ્રશંસા કરે છે. અને નારદ તો તેમની વ્યક્તિમત્તાને અંજલિ આપતાં કહે છે :

                        'યુદ્ધો રણાંગણો પરે ખેલાય છે તેમાં સ્થિર
                        શરવર્ષા વચ્ચે રહેવું સુકર છે, વીર, કિન્તુ
                        હૃદયવૃતિનાં મહાતુમુલ તાંડવો મધ્ય
                        ધીર સ્થિર ટકી રહેવું ક્ષુરધારા પથે, નથી
                        સુકર તે. હૃદયના વિકટ યુદ્ધે સુધીર
                        સ્થિરતા ધરો છો તેથી સાચે જ છો યુધિષ્ઠિર.' 

આ પદ્યનાટકમાં કવિએ યુધિષ્ઠિરના પાત્રને વિલક્ષણ બનાવ્યું છે. પણ …  'ભાઈઓ વિના, સ્વજનો વિના સ્વર્ગનું સુખ પણ મને ના ખપે' એવું કહેનાર યુધિષ્ઠિરનાં મનોમંથનોને આલેખવાનું કવિ ચૂકી ગયા છે.

આમ છતાં બંને પદ્યનાટકોના સંદર્ભે યુધિષ્ઠિરના પાત્રનું મૂલ્યાંકન કરીએ તો ઉમાશંકર જોશી એક અલગ યુધિષ્ઠિરને આપણી સમક્ષ રજૂ કરે છે. પત્ની અને ભાઈઓનાં જીવનની કરુણતાને અગાઉથી પામી ગયેલા પાત્રની વેદના કેટલી ઊંડી હશે? આ બધું વેઠીને પણ ગમે તેવી આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ યુધિષ્ઠિર પોતાનો જીવન ધર્મ છોડતા નથી. સ્વર્ગના લોભે પણ નહિ. યુધિષ્ઠિર કોઈ મહાપુરુષ નથી, આપણા સદ્દભાગ્યે તે મનુષ્ય છે. તેઓ કર્ણ કે અર્જુનની જેમ કોઈ દેવતા પાસેથી વરદાન કે શાપ પામ્યા હોય એવું આપણે જાણતા નથી. તેમના બધા જ વરદાન અને અભિશાપ તેમના પોતાનામાં જ છુપાયેલાં હતા. તે બધાને તેમણે કેવી રીતે પોતાના પ્રયત્નોથી સમન્વિત અને વિકસિત કર્યા હતાં, અને કેવી રીતે સર્વલક્ષણ સંપન્ન એક મર્ત્ય માનવી બન્યા હતા તેના જ ઇતિહાસનું નામ મહાભારત. જ્યાં યુધિષ્ઠિર તેમના મનુષ્યધર્મથી દેવરાજના દેવત્વને પડકારી રહ્યા છે. એક કૂતરા માટે સ્વર્ગ છોડવા કમર કસીને ઊભા છે. તેમના મહાપ્રસ્થાનના ઉચ્ચ શિખરે, આપણે જો એક ક્ષણવાર અટકીને ભૂતકાળની બધી જ ઘટનાઓને યાદ કરીએ તો આપણને લાગશે કે, મહાભારત – આ મહાન અને માનવીય કાવ્ય યુધિષ્ઠિરનું જ જીવનચરિત્ર છે. આખુંયે વિશ્વ પતનશીલ છે, તેમાં તે એકલા જ ઊર્ધ્વગામી છે. 'મહાભારત'માં સૌથી વધુ ઉપદેશ પામેલો આ મનુષ્ય ઉપદેશકની સહાય વિના જ વગર ભૂલે અને સ્વતંત્ર રીતે પોતાનો માર્ગ શોધી શકે છે. મૂંઝવણો અને મનોમંથનોથી મોક્ષ (સ્વર્ગપ્રાપ્તિ) સુધીની યાત્રામાં કવિશ્રી ઉમાશંકર જોશીએ 'મહાપ્રસ્થાન'ના નાયકનું વિલક્ષણ પાત્ર સર્જ્યું છે. બંગાળી સર્જક રાજશેખર બસુ તેમના મહાભારત વિષયક ગ્રંથમાં કેન્દ્રસ્થાને અને નાયકપદે યુધિષ્ઠિરને જ સ્થાપે છે.     

(પ્રાદ્યાપક ગુજરાતી વિભાગ)

સી.યુ. શાહ આર્ટસ કોલેજ, લાલદરવાજા, અમદાવાદ – 380 001

સંદર્ભગ્રંથ :

૧. ભારત દર્શન

૨. મહાપ્રસ્થાન – ઉમાશંકર જોશી

૩. મહાભારત – એક આધુનિક દૃષ્ટિકોણ – બુદ્ધદેવ બસુ

૪. મહાભારત (ફિલ્મ) પીટર બ્રુક્સ      

Loading

26 May 2020 admin
← ન્યાયની પ્રક્રિયા સારુ ડાબે ઝૂકતી લોકશાહી પ્રક્રિયાનો મરમ ને માયનો
કોઈ …… →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved