એ અમારી
પરાપૂર્વની પરંપરા છે !
યોદ્ધાઓ પર અમે ફૂલો વરસાવીએ જ છીએ !
ભવ્ય ભૂતકાળ તમે ભૂલી ન જાવ તે માટે
કોરોનાકાળમાં રામાયણ-મહાભારત સિરિયલની
તમને વ્યવસ્થા તો કરી આપી !
A.C.માં બેઠાં બેઠાં
શિક્ષણમંત્રીની સાથે સાથે તમે પણ માણો !
આ સિરિયલની પાક્કી ગેરંટી એ છે કે
ડગલે પગલે હણાતા યોદ્ધા જેવા
મજૂરો તમને નહીં દેખાય !
અમે તો સજ્જડબમ લૉકડાઉનમાં
જીવ બચાવતાં બેઠાં છીએ
પણ કર્ણ જેવા યોદ્ધાની જેમ,
નર્સ-દાક્તરની છાતી ગજગજ ફૂલે
એટએટલાં ફૂલો વરસાવ્યાં છે અમે !
પણ અંગરાજનાં અંગ ઢાંકતાં
કવચ-કુંડળ તો ગાયબ હતાં યુદ્ધના મેદાનમાં
નર્સ-દાક્તરની PPE કીટની જેમ જ !
છિન્નભિન્ન કરી મૂકાયો’તો કર્ણને !
પછી તમે
‘વીર યોદ્ધો, વીર યોદ્ધો’ કરી
બૂમરાણ મચાવી’તી
તમારા શબ્દની
જીવલેણ મીઠાશ
મહાભારત જેટલી જ જૂની છે !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 24 મે 2020