“કોરોના-કોરોના કરીને ઘરમાં બહુ જ રહી લીધું, હવે કામધંધે વળગો” – એ મતલબના શબ્દો, એક અખબારી મુલાકાતમાં, ગુજરાતના જુનિયર ચીફ મિનિસ્ટરે હજુ તો ત્રીજું લૉક ડાઉન ચાલતુ હતું ત્યારે કહ્યા હતા. આ મહાશયે મોદી-અમિત શાહ સામે રિસામણે બેસીને જે ‘ખાતાં’ મેળવ્યાં હતાં, તેમાંનું એક આરોગ્ય ખાતું છે. તેમના હસ્તકના આરોગ્ય ખાતાનાં ભોપાળાં અને બિનકાર્યક્ષમતા રોજેરોજ ઉજાગર થઈ રહ્યાં છે. તેનાથી લાજવાને બદલે તેઓ વેપારમંત્રીનો રોલ નિભાવતા કંઈક એમ કહે છે કે ઘરમાં બહુ રહી લીધું, હવે કામધંધે વળગો.
તુકબંધી કિગ પ્રધાનસેવકે ૧૭મી મે પછીનું ચોથું લૉક ડાઉન નવા રંગરૂપનું હશે, તેમ જે જણાવ્યું હતું, તે હવે દેખાઈ રહ્યું છે. અગાઉના એકેય લૉક ડાઉન અંગે કોઈને વિશ્વાસમાં ન લેનાર વડાપ્રધાને આ વખતે રાજ્યોને સત્તા આપીને તેનો રંગ દર્શાવ્યો છે. તે કેવું રૂપ લેશે તે ભા.જ.પા.શાસિત રાજ્યોની આ મુદ્દે જોવા મળેલી અકર્મણ્યતાથી સ્પષ્ટ થયું છે. ગુજરાતની નબળી રાજકીય નેતાગીરી અને અતિ નબળી બાબુશાહી દિલ્હીના આકાઓ તરફ મોં માંડીને બેઠી હતી. એટલે ૧૭મી મેના દિવસે ત્રીજું લૉક ડાઉન પૂરું થયા પૂર્વે ચોથા લૉક ડાઉનના નીતિ નિયમોની જાહેરાત થવી જોઈતી હતી, તે ૧૮મીએ રાત્રે અને તે પણ અડધીપડધી થઈ છે. છૂટછાટો જાહેર કરવી, પણ ઝોન પ્રમાણે વિસ્તારોની નવી યાદી ૧૯મી તૈયાર થશે, એમ કહેવાથી લોકોને કેટલી મુશ્કેલી પડશે અને કેવી અંધાધૂંધી સર્જાશે, એનો લોકોને કામધંધે વળગાવવા અધીરા રાજકારણીઓને અંદાજ ન હોય તે તો સમજાય, પણ વહીવટી તંત્ર પણ આવું કરી શકે ?
ગુજરાતમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત અમદાવાદ છે. ચોથા લૉક ડાઉનમાં પૂર્વ અમદાવાદમાં તાળાબંધી અને પશ્ચિમ અમદાવાદને છૂટછાટોનો નિર્ણય કેટલો તાર્કિક છે અને કેટલો રાજકીય તે સવાલ ઊઠે છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાની અધવચ બદલી પણ સવાલો જન્માવે છે. નહેરા પી.એમ.-સી.એમ.ના પ્રીતિપાત્ર હોવાનું કહેવાય છે. તેમ છતાં એગ્રેસીવ ટેસ્ટિંગના તેમના વાજબી વલણે અમદાવાદમાં કેસોની સંખ્યા વધારી. તેથી દિલ્હી અને ગાંધીનગર નારાજ થયું એટલે એમણે જવું પડ્યું — એવી લોકલાગણી જો સાચી હોય તો ચિંતાજનક છે. વડી અદાલતે ખાનગી હૉસ્પિટલોની કોરોના સારવારની બેફામ ફી અંગે સુઓ મોટો નોંધ લીધી, તે પછી રાજ્ય સરકારને ફી નિર્ધારણ કરવું પડ્યું કે દેશી બનાવટનાં ‘ધમણ’ વેન્ટિલેટરની કોરોના સારવારમાં બિનઉપયોગિતાનો વિવાદ પણ સરકારને આરોપીના પિંજરામાં ખડી કરવા પૂરતો છે.
ગુજરાતમાં પરપ્રાંતીય શ્રમિકોને વતનવાપસી માટે એકાધિક વાર અને એકાધિક શહેરોમાં હિંસક બનવું પડ્યું છે. તે સરકારની – વહીવટીતંત્રની અસંવેદનશીલતા અને અકાર્યક્ષમતા દર્શાવે છે. અમદાવાદના ગુજરી બજાર પાસે ભૂખ્યા શ્રમિકો હોવા અંગેના અંગ્રેજી અખબારોના અહેવાલો પરથી હાઈકોર્ટે સુઓ મોટો હુકમ કરવો પડ્યો હતો. અદાલતે તેના અતિ સૌમ્ય ચુકાદામાં, સરકારની રોજિંદી કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાના ઈન્કાર સાથે “ગરીબો કોરોનાથી નહીં એટલા ભૂખથી પરેશાન છે, લોકો ભૂખથી ટળવળે છે અને પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે” એવી ટિપ્પણી કરી છે તે સરકાર સામેનું આરોપનામું કે અવિશ્વાસની દરખાસ્ત બરાબર છે. અમદાવાદની હજારેક બેડની સરકારી કોવિડ હોસ્પિટલમાં દરદીનાં કુટુંબીજનોને દરદીની ભાળ ન મળતાં પોલીસ ફરિયાદો કરવી પડે કે નધણિયાતી લાશો મળે અને દરદીનાં મરણના સમાચાર ના મળે કે મોડેથી મળે તે દર્શાવે છે કે સાડા છ કરોડના ધણી થઈને ફરવાનો દાવો કરતા ભા.જ.પ.શ્રેષ્ઠીઓની હેસિયત કોરોનાની મેડિકલ ઈમરજન્સીમાં હજાર દરદીઓને ઢંગથી સાચવવાની પણ નથી.
અરવિંદ કેજરીવાલ સવાયા મોદી બનવા જઈ રહ્યાનું અનુચ્છેદ ૩૭૦ની નાબૂદી, સી.એ.એ.-એન.આર.સી. વિરુદ્ધના આંદોલન વખતે જે જોવા મળેલું, તે કોરોનાકાળમાં વધુ દૃઢ થયું છે. એમનાં બહુ ગાજેલાં મહોલ્લા કિલિનિક્સ અને આરોગ્યનાં કામોને કોરોનાએ ઉઘાડા પાડી દીધા છે. બાકી હતું તે પરપ્રાંતીયની સાચવણીમાં દેખાયું અને હવે બધું જ ‘ખૂલ જા’નું તેમનું વલણ અને લોકો પાસે પાંચ લાખ સૂચનો મંગાવ્યાનો દેખાડો તેમને ખંધા રાજકારણી પુરવાર કરે છે. કૉન્ગ્રેસસહિતની રાજ્ય સરકારોએ સ્થળાંતરિત કામદારોની જે વલે કરી છે અને પછી શ્રમ કાયદામાં માલિકોને અનુકૂળ સુધારા કર્યા, તેનાથી આવનારા દિવસો ગરીબો અને શ્રમિકો માટે કપરા હશે. કર્ણાટકે પાડોશી રાજ્યોની સરહદો સીલ કરી, વધુ કેસવાળા ગુજરાત જેવા રાજ્યના નાગરિકોને પ્રવેશબંધી કરી તે તો હદ વટાવનારું અને રાજ્યોની સીમાઓને સરહદ બનાવી દેનારું પગલું છે. આ સંજોગોમાં નાગરિકે ખુદે સાજાનરવા રહીને લોકતંત્રનું રખવાળું પણ કરવાનું છે. નીંભર સરકારોના યુગમાં કોરોના સામે આત્મનિર્ભર બનવાનો પડકાર મોટો છે. પણ અશક્ય નથી.
e.mail : maheriyachandu@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 19 મે 2020