Opinion Magazine
Number of visits: 9447174
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જાપાની કવિતા : એક વિહંગાવલોકન

નંદિતા મુનિ|Opinion - Literature|25 December 2013

જાપાની સંસ્કૃિતમાં કવિતા માત્ર શિક્ષિત કે અભિજાત વર્ગના મનોવિનોદનો વિષય નથી, બલકે જનસામાન્ય વચ્ચે પણ એ જીવંત છે. જાપાની ભાષાના અનેક પ્રચલિત પ્રયોગો તેના પ્રાચીન કાવ્યોમાંથી યથાતથ ઊતરી આવ્યા છે. જાપાનની ‘પાર્ટી’ઓ આજે પણ પ્રાચીન કે સ્વરચિત કાવ્યોનાં પઠન વગર અધૂરી ગણાય છે. સમાજના તમામ સ્તરના, તમામ વ્યવસાયના લોકો ત્યાં નિ:સંકોચ કાવ્યસર્જન કરે છે. ઉમાશંકર જોષીના ‘ઇસામુ શિદા અને અન્ય’ પુસ્તકમાં એમણે આ વિશેનો પોતાનો નાનકડો અનુભવ સુંદર રીતે વર્ણવ્યો છે. પ્રવાસમાં એશિયા છોડીને યુરોપમાં પ્રવેશવાનું થાય, ત્યારે ઇસામુ શિદાની પુત્રી એ વિશે એક હાઇકુ લખીને ભેટ આપે છે. ઉમાશંકર આ વાત નોંધીને કહે છે કે ‘એ ક્યાં કવિ હતી?’ કવિના આ વાક્યમાં ટીકાનો ભાવ નથી.

રોજિંદા જીવનના નગણ્ય વિષયોને જાપાની કવિતામાં હેય કે વર્જ્ય માનવામાં આવ્યા નથી.  ઉલટાનું આપણે સામાન્ય રીતે જેને તુચ્છ ગણીને નજરઅંદાજ કરતાં હોઇએ છીએ એવી બાબતોમાં; જેના સાક્ષી બન્યા બાદ સદ્ય વિસરાઈ પણ જતી હોય એવી સામાન્ય નાનકડી ઘટનાઓમાં રહેલા સૌંદર્યને જાપાનનાં કાવ્યો ઇંગિત કરી આપે છે. ‘તરણા ઓથે ડુંગર રે’, એમ એ એક સૌંદર્યકણની પાછળ અન્ય ઘણું તિરોહિત હોય છે; જેને પામવાની ક્ષમતાનો આધાર ભાવકની સજ્જતા અને સંવેદનશીલતા પર છે.

Impatiently
She combs
Her tangled hair.

(Boncho)

ગૂંચવાયેલા કેશને પોતાના
ઓળે એ અધીરાઈથી.

(બોંચો)

‘એ’. એના કેશ કેવા છે? કેમ ગૂંચવાયા છે? એની અધીરાઈનું કારણ શું છે? વિચારો …

All in tatters,
Last years’s sleeping mats
Dirty and Frayed.

(Boncho)

મેલીઘેલી
સાવ તૂટેલી
ગયા વર્ષની ચટાઈ.

(બોંચો)

A heavy cart rumbles,
And from the grass
Flutters a butterfly.

(Shoha)

ઠસોઠસ ગાડું નીકળ્યે
ઘાસમાંથી ઊડે
એક પતંગિયું.

(શોહા)

અહીં એક સહજ સ્વાભાવિક નગણ્ય દૃશ્યને શબ્દો વડે ચિત્રાંકિત કરવામાં આવ્યું છે એ તો ખરું; પણ ભારથી લદાયેલા ગાડા અને હવા જેટલા હળવા પતંગિયાની વચ્ચેના વિરોધભાસનો આસ્વાદ પણ લેવા જેવો છે. એ સિવાય આ કાવ્યને જો પ્રતીકાત્મક માનીએ તો વળી અર્થઘટનનો એક અન્ય જ આયામ પ્રગટે છે. ‘જ્ઞાનગુમાનની ગાંસડી’ના ભારે લદાઈને ફરતા વિદ્વત્જન અને કશા જ ભાર વગર, નિરુદ્દેશે મુગ્ધ ભ્રમણ કરતી કોઈ અલગારી વ્યક્તિની વાત પણ અહીં અન્યોક્તિ તરીકે રજૂ કરાઈ હોય તે પ્રકારે પણ ઇચ્છો તો આ હાઇકુને માણી શકો … સુજ્ઞેષુ કિં બહુના!

The radish-picker
With his radish
Points the way.

(Issa)

મૂળા ખેંચનારો

 મૂળા વતી જ

ચીંધી દે રસ્તો.

 

(ઇસ્સા)

 

આ પણ એક હૃદયંગમ, ચિત્રાત્મક છતાં નગણ્ય દૃશ્ય છે. અને છતાં ઇચ્છો તો તેમાં આખી ઝેન વિચારધારા પણ વાંચી શકો. સરળ રૂપ અને સીમિત શબ્દસંખ્યા છતાં, જાપાનના હાઇકુ, તાન્કા કે સેનર્_યુ જેવા લઘુ કાવ્યપ્રકારોમાં અર્થચ્છાયાઓ માટે ઘણો અવકાશ રહેલો છે. અગાઉ કહ્યું તેમ જ, તેને પામવાનો આધાર વાંચનારની સજ્જતા અને  સંવેદનશીલતા પર રહેલો છે.

 

જાપાની કવિતાનો મુખ્ય પ્રેરણાસ્રોત નિસર્ગ છે. જાપાની કાવ્યચેતનાને સહસ્રાબ્દિ જેટલા સમયથી જે વિષયો પ્રિય લાગ્યા કર્યા છે તેના પર અછડતો દૃષ્ટિપાત કરીએ તો આ વાત વધુ સ્પષ્ટ થશે. આભમાં ઊડતા જંગલી હંસ, વસંતના આગમન છતાં અરણ્યમાં ક્યાંક ક્યાંક બચી રહેલો બરફ, જેના આગમનનાં વધામણાં માટે જાપાનમાં ખાસ તહેવાર ઉજવાય છે તે ‘સાકુરા’ એટલે કે ચેરીનાં પુષ્પોની બહાર, સવારે ખીલી સાંજ આવ્યે આવ્યે તો કરમાઈ જતાં ‘મૉર્નિંગ ગ્લોરી’નાં ફૂલ, ઉનાળાની રાત્રિએ ઝબૂકતાં આગિયા, શરદ ઋતુનો પૂર્ણ ચંદ્ર, શિયાળાની હાડ થીજવતી ઠંડી, પાનખર આવ્યે ‘માણિક્યોથી ગ્રથિત સરખાં રમ્ય’ થતાં જાપાની મેપલ વૃક્ષનાં પર્ણો, આકાશ-ધુમ્મસ-વાદળ-પવન, કીટકો …

Autumn wind:
Everything I see
Is haiku.

(Kyoshi)

પાનખરનો પવન:
હું જે દેખું તે
કાવ્ય.

(ક્યોશી)

Far-off mountain peaks
Reflected in its eyes:
The Dragonfly.

(Issa)

ડ્રેગનફ્લાઈની આંખોમાં
પ્રતિબિંબાય
દૂરનાં પર્વતશિખરો.

(ઇસ્સા)

Oh, this hectic world-
Three whole days unseen,
The cherry blossom! 

(Ryota)           

અરે, આ વ્યસ્ત દુનિયા!
ત્રણ દી’ આખા જતા રહ્યા
ચેરીપુષ્પોને નિહાળ્યા વિના.

(ર્_યોટા)

ચેરીનાં પુષ્પો સામાન્ય રીતે એકાદ અઠવાડિયા સુધી રહેતાં હોય છે. એટલામાંથી પણ પૂરા ત્રણ દિવસ આમ જ વીતી ગયા .. ’દો આરઝૂ મેં કટ ગયે, દો ઇન્તિઝાર મેં’.

આ વિષયોને, અને જાપાની કવિતાના સામાન્ય મિજાજને જોઇએ તો નરસિંહરાવ દિવેટિયાની પેલી પંક્તિ યાદ આવે : ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે ..’ જાપાની કાવ્યચેતનામાં એક પ્રકારનું સૌમ્ય, સંયમિત કારુણ્ય પ્રથમથી જ વહેતું આવ્યું છે. સમયના વ્યતીત થવા સાથે – ઋતુઓના ગમન સાથે – જીવનની ક્ષણભંગુરતા સાથે જોડાયેલ આ અનિવાર્ય કારુણ્ય ઉપરાંત જો કે એકાંતના શાન્ત આનંદોનો પડઘો પણ તેમાં વણાઈ ગયેલો દેખાય છે.  પ્રકૃતિ અને કાલક્ષેપ – આ બે પાંખોના આધારે લાગે છે કે જાપાનની કવિતા ઉડ્ડયન કરે છે.

When a thousand birds
Twitter in spring
All things are renewed:
I alone grow old. 

(Anonymous)

હજાર પંખી ટહુકે
વસંત આવ્યે;
સઘળે નવસંચાર:
થતો વૃદ્ધ હું એકલો.

(અનામી)

As the morning glory
Today appears
My span of life.

(Moritake)

‘મોર્નિંગ ગ્લોરી’નાં ફૂલ જેટલું
લાગે આજે
દીર્ઘ આયખું મારું

(મોરિટાકે)

Summer grasses-
All that remains
Of soldiers’ visions.

(Basho)

ઘાસ:
સૈનિકોની આકાંક્ષાનો
એટલો જ અવશેષ.

(બાશો)

જો કે જાપાની કાવ્યવિષયોમાં વિવિધતા અને સંકુલતા ગેરહાજર નથી. જાપાની સૈનિકોનાં યુદ્ધના મોરચા પર લખાયેલાં કાવ્યોમાં એક પ્રકારનું કઠોર ઔદાસિન્ય દેખાય છે. આ સિવાય હિંસ્રતા, દૈહિક કામના, હાસ્ય અને કટાક્ષ જેવાં તત્ત્વો પણ અહીં ગેરહાજર નથી – ખાસ કરીને આધુનિક જાપાની કાવ્યોમાં. 

As he enters the house,
A whiff of murder-
the quack-doctor.

(Anonymous)

ઊંટવૈદ
ઘરમાં આવે કે તરત
ખૂનની બૂ આવે.

(અનામી)

‘She may have only one eye
But it’s a pretty one,’
Says the go-between.

(Anonymous)

‘એની એક આંખ પણ
છે તો સુંદર જ!’
દૂત કહે છે.

(અનામી)

You never touch
This soft skin
Surging with hot blood.
Are not bored,
Expounding the Way?

(Akiko)

ગરમ રક્તથી છલોછલ
આ રેશમી ત્વચાને
તું ક્યારે ય સ્પર્શતો નથી.
ધર્મોપદેશથી
કંટાળો નથી આવતો?
(અકીકો)

No camellia
Nor plum for me,
No flower that is white.
Peach blossom has a colour
That does not ask my sins.

(Akiko)

કેમિલિયા
કે પ્લમનાં પુષ્પો નહીં મારા માટે:
શ્વેત કોઈ ફૂલ નહીં.
પીચનાં ફૂલનો રંગ
મારાં પાપની પંચાત નથી કરતો.

(અકીકો)

પીચનાં ફૂલ સુંદર ગુલાબી રંગનાં હોય છે.

જાપાની કવિ બહુધા માંડીને વાત કરવાને સ્થાને અંગુલિનિર્દેશ માત્ર કરીને દૃશ્યને તથા દૃશ્યમાં નિવસિત ભાવને વાચકની અંદર ઉઘડવાનો, વિસ્તરવાનો અવકાશ કરી આપે છે. વિગતપ્રચૂર વર્ણનોની ભભકના બદલે વ્યંજનાત્મક પ્રસ્તુિત જાપાની કવિને પ્રિય છે. ઘણું બધું અધ્યાહાર રાખીને જ તે જે કહેવાનું છે તે અભિપ્રેતો વડે કહી દે છે. ‘સમજનેવાલે સમજ ગયે હૈં’ – એવું કંઈક. જાપાની કાવ્યવિદ્યાનું આ કદાચ સૌથી વિશિષ્ટ અને આકર્ષક તત્ત્વ છે. જાપાની ભાષાનું સૌથી વધુ પ્રસિદ્ધ હાઇકુ આ રહસ્યમયતાનું ઉત્તમ ઉદાહરણ છે :

An old pond
A frog jumps in-
Sound of water.

(Basho)

જૂના તળાવડે
મેડક કૂદ્યો:
છપાક્!

(બાશો)

– અને એથી સર્જાયેલા તરંગો હજુ પણ શમ્યા નથી.

(આ લેખ પ્રથમ “અસ્તિત્વદર્શન” સામયિકમાં પ્રકાશિત થયેલ છે. આ સામયિક અને તેના લવાજમ વિશે વધુ માહિતી અહીંથી મેળવો : https://www.facebook.com/profile.php?id=100006658633336)   

સૌજન્ય : http://thismysparklinglife.blogspot.co.uk/2013/12/blog-post.html?spref=fb

Loading

25 December 2013 admin
← Ramachandra Guha on why Gandhi remains globally relevant
માણસ જેવો માણસ છું →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved