આવનારાં વર્ષોમાં દુનિયામાં લોકશાહીઓનો મૃત્યુઘંટ વાગશે? યુરોપિયન સંઘના સભ્ય હંગેરીમાંથી તેની શરૂઆત થઇ છે. ત્યાં એક દાયકાથી શાસન કરી રહેલા એકાધિકારવાદી પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બાંને, સંસદમાં બે તૃતીયાંશ બહુમતીના જોરે, ઈમર્જન્સી સત્તા હાથમાં લીધી છે. સંસદ બંધ કરી દેવામાં આવી છે. ભાવિ ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી હવે આદેશ(ડિક્રી)થી શાસન કરશે, અને જરૂર પડે કોઈપણ કાનૂન સસ્પેન્ડ કરી શકાશે.
બ્રિટનમાં પ્રધાનો પાસે લોકોની અટકાયત કરવાના અને સરહદો બંધ કરવાના પાવર છે. ઇઝરાયેલના વડાપ્રધાને અદાલતોનાં શટર પાડી દીધાં છે અને લોકોની અનુચિત સ્વરૂપે જાસૂસી શરૂ કરી છે. ચીલીએ દેખાવકારો જ્યાં ભેગા થતા હતા, ત્યાં સૈન્ય બેસાડયું છે. ફ્રાંસ અને બોલિવિયાએ ચૂંટણીઓ પાછી ઠેલી છે. દક્ષિણ કોરિયા અને સિંગાપોર દરદીઓની અવરજવર પર નજર રાખવા મોબાઈલ ફોનની ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો ભવિષ્યમાં ગેરઉપયોગ થવાનો ડર વ્યક્ત થઇ રહ્યો છે.
ગુજરાતીઓ જ્યાં બહુ 'ફરવા' જાય છે તે થાઇલેન્ડમાં, કાગળ પર લોકતાંત્રિક સરકાર છે, પણ તેને અસલી ટેકો સૈન્ય આપે છે. તેણે પણ ઈમર્જન્સી સત્તાનું શરણ લીધું છે, જેમાં જરૂર પડે તો મીડિયાને બંધ કરી દેવાની અથવા તેને સેન્સર કરવાની જોગવાઈ છે. સોવિયેત સંઘમાંથી છૂટા પડેલા અઝેરબૈજાનનો એકહથ્થુ પ્રેસિડન્ટ નિયમિતપણે વિરોધી નેતાઓ અને પત્રકારોને જેલમાં નાખતો રહ્યો છે. તેણે વિરોધી જૂથો અને સ્વતંત્ર મીડિયાને ધમકાવાનું ચાલુ કર્યું છે અને એક વિદ્રોહી સંગઠનની ઓફિસ બંધ કરી દીધી છે.
સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રાઈવસીનો એક વિભાગ છે. તેના વડા કહે છે કે લોકોની અવરજવર પર સખ્ત રીતે નિગરાની રાખવનાં પગલાંથી લાંબા ગાળે વ્યક્તિગત સ્વતંત્રતા છીનવાઈ જવાનો ડર વ્યાજબી છે. તેમણે કહ્યું હતું કે, "સરમુખત્યાર અને એકહથ્થુ દેશો માટે ખતરો હાથવગું સાધન બની જાય છે, એટલે લોકો તેમની સ્વંત્રતતા ગિરવે ના મૂકી દે તે માટે સજાગ રહેવું જરૂરી છે."
રાષ્ટ્રીય મુસીબતોમાં ઈમર્જન્સી ઘોષણાઓ, રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને એકહથ્થુ નિર્ણયો અનિવાર્ય છે અને લોકોમાં આવકાર્ય પણ હોય છે. જીવન-મરણનો પ્રશ્ન હોય, તો લોકો તેમની સ્વતંત્રતાને જતી કરવા તૈયાર થાય છે, પરંતુ રાજકીય નિષ્ણાતો માને છે કે મુસીબતનું જોખમ ઘટી જાય પછી પણ નેતાઓ આવી સત્તાઓ જતી ના કરે, તે વાસ્તવિકતા છે. મુસીબત જેટલી લાંબી ચાલશે, તેટલી જ નાગરિક સ્વતંત્રતા પર કાપ મુકાતો જશે, એમ નિષ્ણાતો માને છે.
લોકતાન્ત્રિક વ્યવસ્થામાં નિયંત્રણ જનતા પાસે રહે છે. તમે એક ચોક્કસ પક્ષ કે નેતાઓ માટે વોટ કરો છો, જે જનતા માટે નીતિઓ ઘડે છે. એમાં ગડબડ થાય, તો તમે બીજી ચૂંટણીમાં તમારા નિર્ણય અંગે ફેરવિચારણા કરો છે. એ રીતે તમે રાજકીય વ્યવસ્થા પર કાબૂ રાખો છો. ચૂંટણી ના હોય, તો પણ નેતાઓ પર જનતાનું એ પ્રેસર હોય છે, પણ જનતા કોઈ મોટી આપદાથી આતંકિત હોય અને તેને લોકતાન્ત્રિક વ્યવસ્થા કે મૂલ્યોને બદલે જીવન બચાવવાની ચિંતા હોય, તો એવા નેતાના શરણે જશે, જે કઠોર નિર્ણયો લે. જનતાની આવી માનસિકતા કોઈ પણ સરમુખત્યાર માટે મનમાની કરવાનો એક આસાન રસ્તો છે, કારણ કે તેને ખબર છે કે કઠોર નિર્ણયોમાં જનતા કોઈ સવાલ નથી પૂછવાની.
જીવન-મરણનો પ્રશ્ન હોય, અને વિશેષ કરીને દુ:શ્મન બીજો માણસ ના હોય અને દેખાતો પણ ના હોય, તો લોકો સાલમતી માટે સત્તાના પગે પડે છે, અને સરકારો પણ વધુને વધુ સત્તાઓ હાથમાં લે છે. નિરંકુશ સત્તાવાદી નેતાઓએ હંમેશાં રાષ્ટ્રીય કટોકટીઓનો ઉપયોગ તેમની સત્તા વધુ મજબૂત કરવા કર્યો છે. લોકો પણ ડરના માર્યા એવું ઈચ્છતા હોય છે, કારણ કે તેમને એમ લાગે છે કે કટોકટીમાં કઠોર અને ઝડપી નિર્ણયો જ તેમને બચાવી શકશે, પણ એમાં મુસીબત એ છે કે ખોટા નિર્યણ હોય, તો કોઈ પૂછવાવાળું પણ નથી હોતું. ન તો નેતા એનો એકરાર કરશે અથવા જરૂર પડે તે કોઈના માથે દોષનો ટોપલો નાખશે. બીજું એ કે એક યા બીજી કટોકટીના નામે પછી કઠોર પગલાં ચાલુ જ રહેશે.
ચેચેન્યામાં યુદ્ધ ચાલતું હતું, તેનો ફાયદો લઈને વ્લાદિમીર પુતિને તેમની સત્તા મજબૂત કરી હતી ૨૦૨૪ પછી રાષ્ટ્રપતિ પદ પર રહેવાની વ્યવસ્થા કરી લીધી છે અને તે ૨૦૩૬ સુધી રહેશે. ઇન્ડોનેશિયાના તાનાશાહ સુહાર્તોએ ૧૯૬૫-૬૬ના સામાજિક વિદ્રોહ અને હત્યાકાંડનો લાભ લઈને લશ્કરની મદદ લઈને સત્તા સ્થાપી હતી અને ૩૧ વર્ષ સુધી સખ્ત હાથે રાજ કર્યું હતું. ૧૯૩૩માં, એડોલ્ફ હિટલર ચૂંટણી જીતીને જર્મનીનો ચાન્સેલર બન્યો, તેના ચાર જ અઠવાડિયામાં જ બર્લિનમાં સંસદના ભવનને આગચંપી થઇ હતી અને સામ્યવાદીઓ સરકારને ઉથલાવવા માંગે છે, તેવું બહાનું કરીને હિટલરે તમામ સત્તાઓ પોતાના હાથમાં લઇ લીધી હતી. આ ઘટના નાઝી જર્મનીની સ્થાપનામાં મહત્ત્વની છે, જેનું પરિણામ ૬૦ લાખ યહૂદીઓની કત્લેઆમ અને બીજા વિશ્વયુદ્ધમાં આવ્યું હતું.
યુદ્ધ કે આતંકી હુમલા જેવી કટોકટીની સરખામણીમાં મહામારી એકહથ્થુ સરકારોને ઘણી મોટી તક પૂરી પાડે છે. મહામારીની કોઈ સરહદ નથી હોતી, એનો કોઈ દેશ નથી હોતો અને એનો ડર તેમ જ આર્થિક નુકશાન આતંકી હુમલા કરતાં વ્યાપક હોય છે. યુદ્ધમાં કે આતંકી હુમલામાં તો લોકો ખુદ મોરચે જોડાઈ શકે કે કોઈક સેવા-સહાય કરી શકે, પણ મહામારીમાં તો લોકો પાસે એટલી પણ તાકાત નથી હોતી અને તદ્દન બેબસ બનીને ઘરમાં પુરાઈ રહેવું પડે છે. લોકો ઘરમાંથી બહાર જ ના નીકળે, એ કોઈપણ નિરંકુશ શાસક માટે સૌથી આદર્શ સ્થિતિ કહેવાય. કંબોડિયાના તાનાશાહ હુન સેને તો દેશના લઘુમતી વર્ગને નિશાન બનાવવાનું ચાલુ કરી દીધું છે.
આમ પણ, જે લોકશાહીને આપણે છેલ્લા ૩૦ વર્ષથી ઓળખતા હતા, તેનો ચહેરો બદલાઈ ગયો છે. છેલ્લા એક દાયકામાં લોકરંજક અને એકહથ્થુ સરકારો, આતંકવાદીઓ અને માનવ તસ્કારોએ લોકશાહીને ચારેબાજુથી મારી-ઠોકીને ખોખલી કરી નાખી છે. લોકોને જો તેનો પાડોશી જ દુ:શ્મન નજર આવતો હોય, તો સ્વભાવિક રીતે જ લોકો તેમની સ્વતંત્રતાને જતી કરવા તૈયાર હશે, અને સરકારો તેમને ઘરોમાં પૂરી રાખે તો ફરિયાદ નહીં કરે.
ઇન ફેક્ટ, લોકો આવા સમયમાં સરમુખત્યારશાહીને આવકારે છે. તેમને લાગે છે કે ફટાફટ કઠોર નિર્ણય લઈશું, તો જ બચીશું. કૈંક અંશે આ સાચું પણ છે, છતાં એની કોઈ ગેરંટી નથી કે એકવાર કટોકટી ઊકલી જશે અને બધું પૂર્વવત્ થઇ જશે, ત્યારે કોઈ સરકાર કે શાસક એવી જાહેરત નહીં કરે કે મુસીબત સામે યુદ્ધ લડવા માટે મેં તમારી સત્તા અને સ્વતંત્રતા પર કાપ મુક્યો હતો, તે હવે હું તમને સપ્રેમ પાછી આપું છું. કારણ એ છે કે કશું પૂર્વવત્ થવાનું નથી અને એક યા બીજા સ્વરૂપે કટોકટી આવતી જ રહેવાની છે.
પ્રગટ : ‘બ્રેકીંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 મે 2020