કોરોના વાઇરસની મહામારીને અટકાવવા માટે પૂરા વિશ્વમાં તાળાબંધી છે. તે કોવિદ-૧૯ને રોકવા માટે જરૂરી છે. તાળાબંધીના કારણે પુરુષો, સ્ત્રીઓ અને ઘરનાં સભ્યો ઘરની ચાર દીવાલોમાં પુરાઈ રહેવા મજબૂર છે. કહેવાય છે કે “ધરતીનો છેડો ઘર” અને દરેક વ્યક્તિ ગમે ત્યાંથી ઘરે આવે ત્યારે એને સંતુષ્ટિ મળે છે. પરંતુ એ જ ઘર દીકરીઓ અને સ્ત્રીઓ માટે સુરક્ષિત હોવું જોઈએ એટલું સુરક્ષિત નથી. નેશનલ ફૅમિલી હૅલ્થ સર્વે (NFHS – 4) પ્રમાણે ૩૧ ટકા મહિલાઓ પોતાના પાર્ટનરના હાથે શારીરિક, લૈંગિક અને માનસિક હિંસાની શિકાર બને છે.
મહિલાઓ પર ઘરમાં થતા અપરાધ હંમેશાં એક સામાજિક સમસ્યા રહી છે, પરતું તાળાબંધીના સમયમાં આ સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દુનિયાના અલગ અલગ ભાગોમાંથી ઘરેલુ હિંસા વધવાના સમાચાર આવી રહ્યા છે. વુહાન કે જ્યાંથી વાઇરસ ફેલાયો છે ત્યાં ત્રણ ગણો, ટ્યુનેશિયામાં પાંચ ઘણો અને બ્રાઝિલમાં ૪૦થી ૫૦ ટકા વધારો ઘરેલુ હિંસામાં નોંધાયો છે. સૌથી વધુ મુશ્કેલી તો એવી મહિલાઓ પર છે જેમની સાથે તાળાબંધી પહેલાં પણ શોષણ થતું હતું.
સ્ત્રીઓ પર થતી હિંસાનાં વિવિધ સ્વરૂપ છેઃ શારીરિક, માનસિક, આર્થિક, ભાવનાત્મક, શાબ્દિક વગેરે. આખું વિશ્વ કોરોના વાઇરસની મહામારીથી બચવા જદ્દોજહદ કરી રહ્યું છે, ત્યારે ઘરની ચાર દીવાલોમાં સ્ત્રીઓ પોતાના અસ્તિત્વને, પોતાની ચિંતાઓને અને પોતાનાં આરોગ્યને એકબાજુ મૂકીને ચોવીસે કલાક ને સાતેય દિવસ ખડે પગે રહી પોતાનાં પતિ, બાળકો અને વડીલોની જરૂરિયાતો સંતોષી રહી છે. તાળાબંધીનાં કારણે આખું પરિવાર ચોવીસ કલાક ઘરમાં રહેવાથી સ્ત્રીઓ પર કામનો બોજ વધ્યો છે. એ પણ એક પ્રકારની હિંસા જ છે.
રાષ્ટ્રીય મહિલા આયોગના આંકડા જોઈએ તો પહેલા અઠવાડિયામાં જ મહિલા આયોગમાં ૨૫૭ કેસ ઇ-મેઇલના માધ્યમથી નોંધાયા હતા, જેમાં ૬૯ કેસ ક્રૂર ઘરેલુ હિંસાના હતા. આપણા દેશમાં ઇ-મેઇલના માધ્યમથી પોતાની ફરિયાદ લખાવી શકે એવી સ્ત્રીઓની સંખ્યા બહુ ઓછી હશે, તેમ છતાં એક અઠવાડિયામાં ૨૫૭ કેસ ઇ-મેઇલના માધ્યમથી મહિલા આયોગમાં નોંધવા એ એક ચોકાવનારી, ચિંતાજનક અને વિચારવાલાયક ઘટના છે. આપણે સૌ જાણીએ છીએ કે તાળાબંધીનાં કારણે પોસ્ટ, કુરિયર સેવા બંધ છે, ઘરની ચાર દીવાલોમાં પરિવારના સભ્યોની હાજરીમાં પોતાના પર થતી હિંસા અંગે કોઈની સાથે વાત કરવી સંભવ નથી, ત્યારે સ્ત્રીઓ પોતાના પર થતી હિંસા વિષે ક્યાં અને કોને કહે એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે.
ગુજરાતમાં ૧૮૧ ‘અભયમ્’ હૅલ્પલાઈનમાં આવતા કેસોમાં ઘરેલુ હિંસાના કેસોમાં વધારો થયો છે એ અંગે અખબારોમાં પ્રકાશિત થયેલ આંકડા જોઈએ તો ૨૩ માર્ચથી ૧૦ એપ્રિલ સુધીમાં ૨,૨૬૫ ફોન ઘરેલુ હિંસાની ફરિયાદના નોધાયા છે. તેમાં ૨૬૧ અમદાવાદમાં, ૧૩૬ રાજકોટમાં, ૧૨૧ વડોદરામાં, ૭૭ સુરતમાં અને ૧,૭૧૫ અન્ય જિલ્લાઓમાં હતા. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં પુરુષોને હંમેશાં બહાર જઈને કમાઈને લાવવાનું અને ઘરના રક્ષકની ભૂમિકા સોપવામાં આવેલી છે. દેશ અને દુનિયામાં આ સ્થિતિ છે ત્યારે તેમને પોતાને રક્ષકની ભૂમિકામાં સ્થાપિત કરવું મુશ્કેલ બની રહ્યું છે, સાથે સાથે તાળાબંધીના કારણે નોકરી નહિ બચે તો ઘરની અને અન્ય લોનની ભરપાઈ, ઘરનું નિયમિત ભાડું આપવા ઉપરાંત ઘરખર્ચ કેવી રીતે નીકળશે આ પ્રકારના પ્રશ્નો, તનાવ અને ચિંતાઓ ગુસ્સામાં પરિણમે છે અને આ ગુસ્સાને છુપાવવા માટે હિંસાનાં અલગ અલગ રૂપ સ્ત્રીઓ પર આચરાય છે. તેમાં તોડફોડ, જોરથી બૂમો પાડવી અને હિંસા વગેરેનો સમાવેશ થાય છે.
તાળાબંધીની અસર શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં, બધા જ વર્ગના લોકો પર અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે. કામદાર વર્ગની વાત કરીએ તો તાળાબંધીનાં કારણે જ્યારે પુરુષો કામ પર જઈ શકતા નથી, શાળાઓમાં રજાઓ હોવાથી બાળકો પણ ઘરમાં જ છે અને એમાં પણ એક જ ઓરડાનું ઘર હોય ત્યારે સ્ત્રીઓને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
રાધનપુરનાં પરવીનબહેન(નામ બદલ્યું છે)નું કહેવું છે કે “પહેલાં તો મારા પતિ સવારે ઊઠીને કામ પર અને છોકરાંઓ નિશાળ જતાં રહે, એટલે ઘરના કામથી પરવારીને સિલાઈકામ કરતી હતી, પરંતુ તાળાબંધી થઈ છે ત્યારથી મારા પતિ કામ પર જતા નથી અને મોડા સુધી સૂતા હોય છે. એમની ઊંઘ ખરાબ ન થાય એ માટે પંખો બંધ ન થવો જોઈએ, બાળકોનો રડવાનો અવાજ પણ ન થવો જોઈએ અને જો અવાજ થયો તો મા-બહેનની ગાળો તો સાંભળવાની, સાથે સાથે માર પણ ખાવો જ પડે. આખો દિવસ ઘરમાં કામ હોવાથી દિવસ દરમિયાન જરા પણ આરામ કરવા ન મળે. વારંવાર ચા બનાવીને આપવાની, બાળકો માટે કઈંકનું કઈંક બનાવવાનું. આમ આખો દિવસ ઊભા પગે બાળકો અને પતિની સેવામાં લાગેલી હોઉં છું. એટલું જ નહીં, સરકાર દ્વારા જાહેર થયેલા પૅકેજ અતર્ગત રાશનની દુકાનમાંથી રાશન અને જનધન યોજના અંતર્ગત મળતા પેન્શનની રકમ લેવા જવાનું, આખો દિવસ લાઇનમાં ઊભું રહેવાનું તેમ છતાં પણ નંબર ન આવે અને ધક્કા ખાવા પડે.”
ડભોઈનાં રતનબહેન રડતાં રડતાં તેમની આપવીતી જણાવે છે, એમના પતિ મજૂરી કામ કરે છે અને એમને દારૂનું વ્યસન છે. તે ખૂબ દારૂ પીવે છે. “પહેલાં તો તે કામ પરથી ઘરે આવીને, દારૂ પીને સૂઈ જતા હતા, તો ગાળો અને માર ઓછાં ખાવાં પડતાં હતાં પરંતુ જ્યારથી તાળાબંધી થઈ છે, ત્યારથી તે ઘરમાં જ રહે છે અને દારૂ પીને મને મા-બહેનની ગાળો બોલવા ઉપરાંત ખૂબ માર મારે છે. ખબર નથી આ મારથી મને ક્યારે છુટકારો મળશે.”
દરેક આપદામાં સૌથી વધુ સહન કરવું પડતું હોય તો એ વંચિત સમુદાય અને એમાં પણ જે મજૂર વર્ગ કે જે રોજ કમાઈને રોજ ખાય છે એમને કરવું પડે છે. તાળાબંધીની અસર પણ આ સમુદાયોને સૌથી વધુ થઈ છે. મજૂર વર્ગના લોકો પોતાનો થાક દૂર કરવા અને ઊંઘવા માટે વ્યસનનો સહારો લેતા હોય છે. જે વ્યસનની આદત છે તે ન મળતાં તે બેબાકળા બનીને સ્ત્રીઓ પર હિંસા કરે છે. તાળાબંધીનાં કારણે વ્યસન આસાનીથી મળતાં બંધ થઈ ગયાં અને એનો ભાવ બમણો જ નહીં, ચાર ગણો વસૂલવામાં આવે છે. વ્યસનની તલબ પૂરી કરવા આખો દિવસ લાઇનમાં ઊભા રહીને લઈ આવેલા પૈસા સ્ત્રી આપવાનો ઇનકાર કરે તો પછી મા-બહેન સમાણી ગાળો અને દંડાવાળી. મહિલાઓ માટે તો એક બાજુ ખાઈ અને બીજી બાજુ કૂવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
બી.બી.સી.ના એક અહેવાલમાં જણાવ્યા પ્રમાણે એક પુરુષ એની પત્નીને કોરોના કહીને બોલાવતો હતો અને અમેરિકામાં એક સ્ત્રીને એનો પતિ એવી ધમકી આપતો હતો કે હવે એક વાર ફરીથી ઉધરસ ખાધી તો અહીંથી તને બહાર ફેંકી દઈશ. આમ સ્ત્રીઓ પર થતી હિંસાનાં વિવિધ અને વિકરાળ સ્વરૂપો ઉપરાંત કોરોના મહામારીને લઈને ક્યારે આ બધું ઠીક થશે, એની અનિશ્ચિતતાને કારણે સ્ત્રીઓની ચિંતા અને તનાવ વધે છે. તેની શરીર, મગજ અને ભાવનાઓ પર અસર જોવા મળે છે. શરીર પરની અસરમાં જોઈએ તો વારંવાર માથું દુખવું, થાક લાગવો, બ્લડ પ્રેશરમાં વધઘટ થવી. ભાવનાત્મક અસરોમાં ચિંતા, ગુસ્સો, ડર, ચીડિયાપણું, ઉદાસી, મૂંઝવણ અને વારંવાર ખરાબ વિચારો આવવા, વ્યવહારમાં ચૂપ રહેવું, ગુસ્સો કરવો, જોરથી બોલવું વગેરે જોવા મળે છે. માનસિક તણાવના કારણે ઘણી વાર સ્ત્રીઓ પોતે આત્મહત્યા કરે છે, અથવા બાળકો પર પણ હિંસા કરે છે. ઉત્તર પ્રદેશના જહાંગીરાબાદની એક તાજી ઘટના છે, જેમાં તાળાબંધીનાં કારણે કામ ન મળતાં એક મહિલાએ પોતાનાં પાંચ બાળકોને નદીમાં નાખી આત્મહત્યા કરવાની કોશિશ કરી. મહિલાને પોલીસ દ્વારા પકડી લેવામાં આવી અને બાળકોની તપાસ ચાલુ છે. આવી તો કેટકેટલી ઘટનાઓ છે, જેમાં સ્ત્રીઓ વધારે પડતા તનાવ, ડર અને હિંસાનો સામનો કરી માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તાળાબંધીની સ્થિતિમાં પતિ દ્વારા પત્ની પર બળાત્કારના બનાવોની સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. આમ સ્ત્રીઓ પર થતી હિંસાનાં અનેક સ્વરૂપ છે, જે આ મહામારીમાં પણ આપણને જોવા મળી રહ્યા છે. તેથી પૂરી દુનિયાએ સ્ત્રીઓ પર થતી હિંસા સામેની લડાઈને કોવિંદ-૧૯ સામે લડવાની રણનીતિનો એક ભાગ બનાવવો જોઈએ.
સ્ત્રીઓ વર્ષોથી હિંસાનો સામનો કરતી આવી છે. સ્ત્રીઓ પોતાના પાડોશી કે મિત્રો સાથે વાત કરી પોતાનું મન હળવું કરી શકતી હતી, પરંતુ તાળાબંધીના કારણે સ્ત્રી માટે મિત્રવર્તુળ, સહકર્મચારી અને પાડોશી સાથેની વાતચીત પણ બંધ થઇ ગઈ છે. તાળાબંધીનાં કારણે પિયરમાં જવું પણ અશક્ય છે. ઘરની ચાર દીવાલોમાં પરિવારના સભ્યોની હાજરીમાં પોલીસને કે સરકારી હૅલ્પલાઈનમાં ફોન કરવો પણ એમના માટે શક્ય નથી. ત્યારે આપણા સૌની ફરજ બને છે કે આપણે એના માટેના રસ્તાઓ શોધીએ અને હિંસા પીડિત મહિલાઓને એમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કરીએ.
જુદા જુદા દેશોએ સ્ત્રીઓ પર વધી રહેલી ઘરેલુ હિંસાને દૂર કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. જેમ કે, ફ્રાન્સમાં ૨૪ કલાક ચાલુ રહેતા મૅડિકલ સ્ટોર પર અને રાશનની દુકાન, મૉલમાં સ્ત્રીઓ કોર્ડવર્ડમાં વાત કરીને ફરિયાદ નોંધાવી શકે છે. ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ માટે હોટેલના ૨૦,૦૦૦ રૂમ શૅલ્ટર હોમ તરીકે ખોલ્યા છે. સ્પેનમાં મહિલાઓ કોડવર્ડમાં પોલીસને મૅસેજ કરીને ફરિયાદ નોંધાવી શકે છે અને તાળાબંધીની સ્થિતિમાં જો કોઈ મહિલા બહાર નીકળે તો એને દંડ ભરવો પડતો નથી. ઇટાલીમાં પણ મહિલાઓ માટે આવી એક એપ બનાવવામાં આવી છે, જેના માધ્યમથી હિંસાપીડિત મહિલાઓ મદદ મેળવી શકે છે. ઑસ્ટ્રેલિયામાં હિંસાપીડિત મહિલાઓને ટેકો કરવા માટે ૧૦ કરોડ અમેરિકન ડૉલરનું ખાસ ફંડ બનાવવામાં આવ્યું. ભારતમાં પણ રાષ્ટ્રીય મહિલા આયોગ અને કેરળ રાજ્ય સરકાર દ્વારા એક વોટ્સએપ નંબર લૉન્ચ કરવામાં આવ્યો છે, જેમાં પીડિત મહિલાઓ પોતાની ફરિયાદ નોધાવી શકે છે.
જુદી જુદી સરકારો દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રયાસોની તો વાત થઇ, પણ વ્યક્તિગત સ્તર પર આપણે અને સરકાર પણ આ પરિસ્થિતિમાં અમુક પગલાં લઇ શકે.
આપણે શું કરી શકીએ?
– આપણી આજુબાજુ ધ્યાન રાખીએ કે કોઈ સ્ત્રી ઘરેલુ હિંસાની શિકાર તો નથી થતી ને? આપણે જેમને જાણતાં હોઈએ તેમને વારંવાર ફોન કરીને તેમનાં ખબરઅંતર પૂછતા રહીએ.
– ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્ત્રી સંગઠનોની સભ્ય સ્ત્રીઓ એકબીજાં સાથે નિયમિત ફોન પર વાત કરી મનને હળવું કરી શકે.
– વ્યક્તિગત રીતે મિત્ર, પાડોશી, સહકર્મચારીઓ અને સબંધીને ધ્યાનમાં રાખો, જ્યાં ખૂબ વિકટ પરિસ્થતિમાં જઈ શકાય.
સરકાર શું કરી શકે?
– કોવિદ-૧૯ માટે લોકજાગૃતિના પ્રયત્નોની સાથે સાથે સ્ત્રીઓ પર થતી હિંસા અંગે પણ સમાજમાં જાગૃતિ આવે, તે ઉપરાંત સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલ કાયદા, હૅલ્પલાઈન, યોજનાઓ અંગે પણ અલગ માધ્યમો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવે.
– હિંસાપીડિત સ્ત્રીઓને રહેવા માટે જેટલાં શૅલ્ટર હોમ છે એની ઉપરાંત જ્યાં જ્યાં જરૂર છે ત્યાં નવાં શેલ્ટર હોમ શરૂ કરીને વધુમાં વધુ સ્ત્રીઓ સુધી એની જાણકારી પહોચાડવામાં આવે.
– આશાવર્કર અને આંગણવાડી વર્કર પોતાના વિસ્તારમાં કે ગામડાંમાં જાય ત્યારે સ્ત્રીઓ સાથે અંગત રીતે વાતચીત કરીને, તેમને હિંસામાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ શકે.
– કોરોના મહામારીના ડર, હિંસા, ચિંતા અને તનાવને કારણે સ્ત્રીઓ માનસિક સંતુલન ગુમાવી બેસે છે, ત્યારે માનસિક પરામર્શ માટેની વ્યવસ્થાઓ કરી સ્ત્રીઓને એમાંથી બહાર લાવવા માટેના પ્રયત્નો કરી શકાય.
– હિંસાપીડિત મહિલા હિંસાથી બચવા તાળાબંધીનો ભંગ કરે તો તેમની પર કોઈ પણ પ્રકારના પગલાં લેવાવાં જોઈએ નહીં.
– રાશનની દુકાનથી રાશન લેવા અને બેન્કમાંથી રૂપિયા મેળવવાની લાંબી લાઇનને અટકાવવા માટે કૂપન સિસ્ટમ અથવા નંબર પ્રમાણે ફોન કરી જાણ કરીને બોલાવવામાં આવે, જેથી એમનો સમય, શ્રમ બચે ઉપરાંત કોરોના વાઇરસના ચેપથી બચી પણ શકે.
[એક્શન એઇડ, ગુજરાત]
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 09 મે 2020