શ્રમિકોની કરુણ પરિસ્થિતિ વિશેની મોહનિદ્રા કે નકરી ઉપેક્ષાને આંચકા સાથે ઢંઢોળી કાઢવાની હોય, એવી ઘટના આજે વહેલી સવારે બની. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં વીસ શ્રમિકો ભૂસાવળથી લગભગ દોઢસો કિલોમીટર દૂર જાલના ચાલતા જવા નીકળ્યા હતા. ૪૫ કિલોમીટર ચાલ્યા પછી થાકથી બેહાલ થઈને તે પાટા પર જ સૂઈ ગયા. કેમ કે, ટ્રેન તો આવવાની ન હતી. ટ્રેન આવવાની હોત તો ચાલતા શા માટે જવું પડત? પરંતુ સવારે સવા પાંચ વાગ્યે એક ખાલી ગુડ્સ ટ્રેન આવી ચડી. અહેવાલો પ્રમાણે, તેના ડ્રાઇવરને પાટા પર સૂતેલા માણસ દૂરથી દેખાયા. તેમણે હોર્ન માર્યાં અને ટ્રેનને ઊભી રાખવાની કોશિશ કરી, પરંતુ ટ્રેન ઊભી રહી શકી નહીં અને વીસમાંથી સોળ શ્રમિકો અરેરાટીજનક રીતે મૃત્યુ પામ્યા. ચૌદ તો સ્થળ પર અને બે પછીથી. બીજા ચારમાંથી એકની સારવાર ચાલુ છે અને ત્રણ આબાદ બચી ગયા.
કોરોના વાઇરસના કરુણ હાહાકાર ટાણે લૉક ડાઉનની અસરકારકતા અને સરકારની કામગીરીનું મૂલ્યાંકન થતું રહશે. પરંતુ કોરોનાકાળમાં એક બાબત સતત ઊંડી ચોટ પહોંચાડનારી બની છે અને ત્રણ-ત્રણ લૉક ડાઉન છતાં જેનો ઘા દૂઝતો છે, તે મુદ્દો છે સ્થળાંતરિત શ્રમિકોની અવદશાનો. રોગચાળાની સાવ શરૂઆતમાં વતન ભણી જવા દિલ્હીની સડકો પર ઊતરેલા શ્રમિકોનું દૃશ્ય ભૂલ્યું ભૂલાતું નથી. ત્યાર પછી આવાં દૃશ્યો કોઠે પડી જાય એવી ઘટનાઓ સતત બનતી રહી છે. કર્ણાટકમાં બિલ્ડર સમુદાયનાં કામ અટકે નહીં એટલે શ્રમિકોને વતન જવા માટે જાહેર કરેલી ટ્રેન ત્યાંના મુખ્ય મંત્રી બિનધાસ્ત, અર્થતંત્રને પાટે ચડાવવાના બહાને, રદ્દ કરી શકે છે. પછી હોબાળો થાય ત્યારે ટ્રેનસેવા ફરી શરૂ થાય છે. મહિનાઓ સુધી કામથી વંચિત શ્રમિકો પાસેથી ટિકિટના રૂપિયા ઉઘરાવતા અને પછીથી લાજવાને બદલે જૂઠાણાંનો સહારો લઈને ઢાંકપિછોડા કરતા નફ્ફટ સરકારી તંત્રને શું કહેવું?
સરકાર અને તેમના આગળ ઉલાળ નહીં, પાછળ ધરાર નહીં એવા પ્રવક્તાઓ માટે આ બધો હેડલાઇન મૅનેજમૅન્ટનો મામલો છે. મોટા સાહેબે સ્થિતિની ગંભીરતા પારખીને ટ્વીટરના ઝરૂખે, ૨૮૦ કૅરેક્ટરની મર્યાદામાં, આ બનાવને રેલ દુર્ઘટના ગણાવ્યો છે, પણ એ બનાવનું સંપૂર્ણ કે પૂરેપૂરું સાચું મૂલ્યાંકન નથી. આ રેલ દુર્ઘટનાનું કારણ ડ્રાઇવરથી ટ્રેન રોકી શકાઈ નહીં, તે નથી. મૂળ કારણ તો લૉક ડાઉનના બબ્બે મહિના પછી શ્રમિકોને પાટે પાટે ચાલતા જવું પડે છે તે છે. રેલ દુર્ઘટના એ તરફ આંગળી ચીંધતું નિમિત્ત માત્ર છે.
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 08 મે 2020
કાર્ટૂન સૌજન્ય : 'Apathy Express' – સતીષ આચાર્ય