રામ રડવડતાં કે ને મળ્યો ? ઘેલોને ઘરસુખથી ટળ્યો,
હું, મહારું ખોયાનું કામ, મળે અખા ઘેર બેઠાં રામ.
મધ્યકાળના જ્ઞાનીકવિ અખાની આ પંક્તિઓ, રશિયન વાર્તાકાર ટોલ્સટોયની આ નવલિકાના હાર્દને બખૂબી દર્શાવી આપે છે. દરિદ્રનારાયણની સેવા એ જ સાચી પ્રભુ સેવા છે. બંધુપ્રીતિથી ઉભરાતું હૃદયમંદિર એ જ ખરું તીર્થધામ છે, એ વગરનું તીર્થાટન ‘ફોગટફેરા’ છે. ધર્મના સ્થૂળ અને બાહ્યરૂપો તેમ જ વિધિવિધાનોને બાજુએ રાખી, સાચા માનવધર્મનું હાર્દ સમજાવતી આ નવલિકાના વાર્તાકાર છે રશિયાના નીતિવાદી સર્જક લિયો નિકોલાયવિચ ટોલ્સટોય.
એલેકઝાન્ડર પુશ્કિન, સોલ્ઝેનિત્સીન, એન્તન ચેખોવ અને દોસ્તોયવસ્કી જેવા મહાન સર્જકોની શ્રેણીમાં લિયો ટોલ્સટોય મુઠ્ઠી ઊંચેરુ નામ છે. ‘વોર એન્ડ પીસ’, ‘આન્ના કેરેનિના’ અને ‘ઇવાન ઈલ્યીચનું મૃત્યુ’ જેવી વિશ્વ પ્રસિદ્ધ કૃતિઓના સર્જકે નવલકથા, નવલિકા, નાટક, દાર્શનિક અલોચનાત્મક ગ્રંથ, ચિંતનાત્મક નિબંધ, આત્મકથા જેવાં સ્વરૂપોમાં સીમાચિહ્નરૂપ પ્રદાન કર્યું છે. લિયો ટોલ્સટોયે, નવલિકાક્ષેત્રે પણ નોંધપાત્ર સર્જન કર્યું છે. રશિયન લોકકથા પર આધારિત નવલિકાઓ, બાળવાર્તાઓ, પરીકથા તેમ જ લોકપ્રિય નવલિકાઓ જેવા સાત વિભાગમાં વહેંચી શકાય એવી સત્તાવીશ જેટલી લાંબી, ટૂંકી નવલિકાઓ તેમણ રચી છે. તેમનો જન્મ 1828માં રશિયાના જાગીરદાર કુટુંબમાં થયો હતો. બાળપણમાં જ માતાપિતાની છત્રછાયા ગુમાવનાર ટોલ્સટોયનો ઉછેર કાકી અને કુટુંબીજનો પાસે થયો. સમૃદ્ધ પરિવારમાંથી આવતાં ટોલ્સટોય બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. તેઓ ત્રેવીસ વર્ષની ઉંમરે રૂસી સેનામાં ભરતી થયા, ત્રણ યુદ્ધમાં ભાગ લીધો અને ક્રીમિયન યુદ્ધ પછી સેના છોડી દીધી. યુદ્ધની વેદનાની સાથે TBની યાતનાથી મૃત્યુ પામતા મોટાભાઈની વેદના, સંઘર્ષપૂર્ણ દામ્પત્ય જીવન. આમ જીવનના અનેક ઉતારચઢાવને નજીકથી જોનાર સર્જક જીવનના દુઃખદ અનુભવોને તેમની કૃતિનો વિષય બનાવે છે. લેખકે ‘વોર એન્ડ પીસ’, ‘આન્ના કેરેનિના’ અને ‘ઇવાન ઈલ્યીચનું મૃત્યુ’ જેવી કૃતિઓમાં મૃત્યુના અનુભવોને આલેખ્યા છે. તો જીવનમાં આવેલી નિરાશા અને આત્મહત્યાના વિચારોમાંથી સફળતાપૂર્વક બહાર આવનાર સર્જક પોતાના સાહિત્યમાં માનવજીવનના રહસ્યોની શોધ કરે છે. ‘સાહિત્યને જીવનની સમીક્ષા’ માનનાર મેથ્યુ આર્નોલ્ડ તેમની નવલકથાઓને માટે કહે છે કે, – ‘A novel by Tolstoy is not a work of art but a piece of life.'
પોતાની પચાસમી વર્ષગાંઠે ક્રિશ્ચિયાનિટીને બરાબર સમજી ચુકેલા ટોલ્સટોયના સાહિત્યસર્જનમાં 1877 પછી મહત્ત્વનો વળાંક આવે છે. તેઓ સાહિત્યમાં ઇસુ ખ્રિસ્તના ઉપદેશ અને સરમન ઓફ માઉન્ટ આધારિત લખાણો લખે છે. ગુજરાતી સંપાદન ‘દસ પાશ્ચાત્ય નવલિકાઓ’માં સંગ્રહિત ખ્રિસ્તીધર્મના કથાનક આધારિત તેમની ‘Two Old Men’ નવલિકાને ‘બે વૃદ્ધ જાત્રાળુઓ’ શીર્ષકથી રેમંડ પરમારે અનુવાદિત કરી છે. ચાર ખંડમાં વિસ્તરિત આ કૃતિ, સાચા માનવધર્મનો સંદેશ આપે છે.
ઇસુ ખ્રિસ્તે તેત્રીસ વર્ષના જીવનકાળમાં માનવજાતના ઉદ્ધાર માટે કામ કર્યું અને પ્રેમ, સત્ય, કરુણા અને સેવાનો સંદેશ આપ્યો. લિયો ટોલ્સટોયે જીવનના અંતિમ તેત્રીસ વર્ષ ખ્રિસ્તીધર્મના ઉપદેશને લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સાહિત્ય દ્વારા કર્યું. ટોલ્સટોય ધર્મને સાચા અર્થમાં સમજ્યા, તેઓ ક્રાંતિકારી સમાજ સુધારક હતા. તેમણે ધર્મ અને સમાજના સ્થાપિત હિતો સામે બંડ પોકારી, સામાજિક પરિવર્તનની ચળવળ ચલાવી અને સાચા ધર્મનું સ્થાપન કર્યું. 1890માં પૈતૃક વારસામાં પોતાને મળેલ સંપતિનો ત્યાગ ગરીબ લોકોની સેવાઅર્થે કર્યો, પોતાને વારસામાં મળેલ 350 ગુલામો અને તેમનાં બાળકોને શિક્ષિત બનાવવા શાળા શરૂ કરી. 1910માં મૃત્યુના એક દિવસ પહેલાં તેમણે પોતાની, પૈતૃક ભૂ સંપતિ અને ધનવૈભવ પરિવારજનોને આપી સામાન્ય જીવન જીવવાનું નક્કી કર્યું. ધ સરમન ઓફ માઉન્ટથી પ્રભાવિત લેખકની નવલિકાઓમાં એમની આ વિચારધારા પડઘાય છે.
માનવધર્મ અને માનવતાના ઉપાસક ટોલ્સટોયની આ નવલિકા ‘બે વૃદ્ધ જાત્રાળુ’ માનવીય સંવેદનને ઉજાગર કરતી નવલિકા છે. નવલિકાના મુખ્ય બે પાત્રો છે, એક એફિમ, સુખી સંપન્ન વૃદ્ધ અને બીજો એલિશા ગરીબ પણ નહિ અને પૈસાદાર પણ નહિ, એવો સામાન્ય વૃદ્ધ. બંનેનું વ્યક્તિત્વ એક બીજાથી જુદું. એફિમ ગંભીર પ્રકૃતિનો, નિર્વસની, પ્રામાણિક અને મોટું કુટુંબ ધરાવતો ભદ્રજન. ગામનું મુખીપણું શોભાવનાર એફિમ સમાજમાં પણ માનમોભો ધરાવતો માણસ હતો. જ્યારે એલિશા ખુશમિજાજ, ક્યારેક દારૂ પણ પીએ, છીકણી સૂંઘે, પણ સ્વભાવે ભલો અને દયાળુ. એલિશા મહેનતુ માણસ સુથારી કામ કરે, મધમાખી પાળે, ગીત ગાવાનો રસિયો એલિશા પ્રેમાળ અને મળતાવળો માણસ. વિરોધી સ્વભાવના આ બંને બુઢાઓ પાછા પાક્કા મિત્રો. નવલિકામાં લેખક બંને પાત્રોને સાથે મૂકી સહોપસ્થિતિ દ્વારા એમનો પરિચય આપે છે. બંને મિત્રોએ વર્ષોથી યરુશાલેમની યાત્રા કરવાની માનતા રાખી હતી. પણ કોઈ ને કોઈ કારણે યાત્રાની વાત લંબાયા કરતી હતી.
આ વર્ષે જરૂરથી યાત્રા કરવી જ એવો મનોમન નિર્ણય કરી એલિશા, એફિમને જણાવવા ગયો. પણ તેણે તો કામના બહાના હેઠળ વાત ઉડાવી દીધી, પરંતુ એલિશા એમ છોડે તેમ નહોતો. તેણે તાબડતોડ ઉપડવાની તૈયારી બતાવી, છતાં ય તેને ઘરના કામની ચિંતા આગળ ધરી અને મોટા દીકરાનું કંઇ ઠેકાણું ન હોવાનું જણાવ્યું. પોતે ઉપાડેલું કામ પોતે જ પૂરું કરે એમ માનતા એફિમને, એલિશાએ સમજાવ્યો કે, – ‘અરે! ભલા ભાઈ, આપણી આંખ મીંચાશે ત્યારે એમને માથે પડવાનું જ છે, તારા દીકરાને થોડો અનુભવ લેવા દે, હવે આ કામ એના પર છોડ’. (પૃ. ૧૮)
મહાન સર્જક ભાવિને અગાઉથી ઓળખી લેતો હોય છે. સાંપ્રત સમયની સૌથી મોટી સામાજિક સમસ્યા કોઈ હોય તો તે, બે પેઢીઓ વચ્ચેની વૈચારિક ખાઈ છે. જેને આજે લોકો ‘જનરેશન ગેપ’ના નામે ઓળખે છે. એફિમ અને એલિશાના ચરિત્રની ભિન્નતા દર્શાવી લેખક યથાર્થ કૌટુંબિક પરિસ્થિત તાદૃશ કરે છે. એફિમને પોતાના સંતાનો પર વિશ્વાસ નથી અને એને કારણે સંતાનો પર નિયંત્રણ પણ નથી .બીજી તરફ એલિશા સંતાનોમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે, એટલું જ નહિ તેમને સ્વતંત્રતા પણ આપે છે. નવલિકાના ધાર્મિક દ્રષ્ટિકોણમાં પાત્રગત લાક્ષણિકતાઓ મહત્ત્વનો ભાગ ભજવે છે. યાત્રાએથી પરત ફર્યા બાદ બંનેને એનો અનુભવ થાય છે.
યાત્રાની તૈયારીમાં પણ આજ બાબત દેખાય છે. એફિમ પૈસાદાર છે, પણ યાત્રા માટે પૈસાની ચિંતા કરે છે. જ્યારે ગરીબ એલિશા નચિંત છે. તે પોતાની મધપૂડાની બખોલો વેચી નાણાંની વ્યવસ્થા કરે છે. બાકીના નાણાંની વ્યવસ્થા પત્ની અને પુત્રવધૂ કરી આપે છે. એલિશાના આત્મવિશ્વાસપૂર્ણ વ્યક્તિત્વને કારણે કુટુંબમાં એક પ્રકારની સંવાદિતા છે. એને મન ‘આતમરામ કરતાં મોંઘેરી ચીજ બીજી એકેય નથી.’ (પૃ.19) ઘર ગૃહસ્થીની ચિંતામાં ઢચુપચુ એફિમને યાત્રા માટે આખરે એફિમ મનાવી લે છે.
યાત્રા પૂર્વે એફિમ પત્ની અને દીકરાને ઘરની રજે રજ ભાળવણી કરાવે છે. મોટા દીકરાએ કયું કામ ક્યારે કરવું વગેરે વિગતે સમજાવ્યું, જ્યારે એલિશા પત્ની અને દીકરાને વેચેલી બખોલો અંગે પ્રામાણિકતાથી વર્તવાની, અને તેમને જે યોગ્ય લાગે તે, સારી રીતે કરવાનું જણાવે છે. અહીં બંને પાત્રોની પ્રકૃતિનો ભેદ જોવા મળે છે. બંને ખ્રિસ્તીધર્મના અનુયાયીઓ છે, અને બાઈબલમાં કહેવાયું છે કે, – ‘Cast all your anxiety on him because he cares for you.’ (1 peter 5:7) છતાં એફિમ સતત ચિંતામાં રહે છે. – દીકરા કામ બરાબર કરશે કે કેમ ? હા, એલિશા નચિંત છે.
યરુશલેમની યાત્રામાં, સારા નરસા અનુભવોમાંથી પસાર થતા, બંને મિત્રો પાંચ અઠવાડિયાની મજલ કાપી બીજા પ્રદેશમાં પહોંચે છે. અહીં એમને સુખદ અનુભવ થયો. ગામમાં દુષ્કાળ હોવા છતાં, ગામલોકોએ અતિથિધર્મ નિભાવી માનવતાના દર્શન કરાવ્યા. દુર્ગમ વિસ્તારો, સખત ગરમી અને મુશ્કેલ યાત્રા, એલિશા થાકી જાય છે, આરામ કરવા વિચારે છે પણ એફિમ રોકાતો નથી, એ તો ચાલતો જ રહે છે. તરસને કારણે, એલિશા એક ગામમાં પાણી પીવા માટે એક જર્જરિત ખોરડામાં જાય છે. જ્યાં એને એક દારુણ ગરીબીને કારણે ભૂખમરાનો ભોગ બનેલ કુટુંબ સાથે મુલાકાત થાય છે. – પરિવારના બધા સભ્યો મરવાને વાંકે જીવી રહ્યાં હતાં. ખોરડાનું વાતાવરણ દિવસોથી બંધ પડ્યું હોય એવું બંધિયાર, બદબૂ મારતું અને રુગ્ણ હતું. આવેલ મહેમાનને પાણી આપવા ઊઠવાની પણ કોઈનામાં શક્તિ ન હતી. પડાળીમાં પડેલો દમિયલ માણસ હાંફતા હાંફતા પોતાની આપવીતી સંભળાવતાં કહે છે કે, – ‘આ મંદવાડ અને દુકાળે અમારો તો દાટ વાળી નાખ્યો છોકરો ભૂખે મરવા પડ્યો છે. (પૃ. 25) ભીષણ દુષ્કાળમાં જીવવા માટે ઝાંવા નાખતા આ પરિવારની વ્યથા સાંભળી એલિશાનું હૃદય દ્રવી ઊઠે છે. એલિશા પોતાના થેલામાંથી મોટી રોટી કાઢી, એના ટુકડા કરી બધાને આપે છે. પાણી ભરવાની કોઈનામાં શક્તિ ન હોવાથી તે પોતે જ કૂવામાંથી પાણી ખેંચી ઘરનાને પણ પીવડાવે છે.
પરિવારની પરિસ્થિતિ પામી ગયેલ એલિશા બજારમાંથી થોડું રાશન ખરીદી લાવે છે, લાકડાં ફાડી ચૂલો સળગાવે છે અને થોડી રાબ બનાવી, આ ભૂખે મરી રહેલાં લોકોને ખવડાવે છે. વૃદ્ધ માજી અને પેલો આદમી, એલિશા આગળ પોતાની આપવીતી માંડે છે. – ગરીબ તો પહેલેથી હતાં જ પણ દુષ્કાળે કંગાળ બનાવી દીધાં, ભીખ માંગવાનો વારો આવ્યો, શરૂઆતમાં લોકોએ મદદ કરી પણ પછી, એમની પાસે પણ કંઇ ન હોવાથી મદદ બંધ ક , સિધુપાણી ખરીદવા દેવું કર્યું – ભીખ પણ બંધ થઇ ગઈ, એંઠવાડ ભેગો કરી જીવવાના હવાતિયાં મારતાં રહ્યાં, પણ મંદવાડ આવ્યો, આખું ઘર ભાંગી પડ્યું. હવે – ‘અમે મોતની વાટ જોતાં જોતાં આમ પડ્યા રહ્યાં.’ (પૃ. 27)
દુઃખિત પરિવારના વ્યથાનાં વીતક સાંભળી એલિશાએ, એ દિવસ પૂરતો યાત્રાનો વિચાર માંડી વાળ્યો, રાત આ પરિવાર સાથે વિતાવી, સવારે ઊઠી જાણે પોતાનું જ ઘર હોય એમ કામે વળગ્યો, છોકરીની મદદથી બજારમાંથી જીવન જરૂરી વસ્તુઓ – વાસણો, કપડાં વગેરે લાવ્યો, માજીની મદદથી લોટ ગૂંદ્યો, રસોઈ બનાવી, બે ત્રણ દિવસ ત્યાં જ રોકાયો, ભોજનને કારણે નાનાં છોકરા – છોકરીમાં થોડી તાકાત આવી, ઘરનાં લોકોની તબિયતમાં પણ સુધારો આવ્યો. છોકરાં એલીશાને બાપા – બાપા કહેવા લાગ્યા. એલિશાએ જાણે પેલો પાડોશી ધર્મ નિભાવ્યો. લગભગ બે હાજર વર્ષ પૂર્વે ઇસુ ખ્રિસ્તે આપણને પાડોશીને પ્રેમ કરવાની શિખામણ આપેલી, પણ આપણે ‘પાડોશી’ શબ્દનો ખૂબ છીછરો અર્થ કરી બેઠા …. પ્રભુ ઇસુએ કહ્યું તેમ મૈત્રીના સીમાડા વિસ્તારવા પડે. લુકની સુવાર્તામાં ૧૦:૨૫-૩૭માં પ્રભુ ઇસુ એને સમજાવતાં ભલા સમરુનીનું ઉદાહરણ આપે છે. જરૂરિયાતના સમયે યોગ્ય મદદ કરનાર કોઈ પણ વ્યક્તિ સાચો પાડોશી છે.
રસ્તામાં આટલો બધો સમય બગડશે એવો એલિશાને ખયાલ ન હતો, હવે તેણે પોતાને રસ્તે પડવું જોઈએ …. ચોથો દહાડો ઉનાળાના ઉપવાસ પછીનો પર્વનો દહાડો હતો. એણે આ પરિવાર સાથે જ પારણાં કરવા વિચાર્યું. તહેવારને દિવસે તે ચર્ચમાં ગયો અને પરિવાર સાથે પારણાં કર્યા. તે દહાડે બીમાર વહુ બેઠી થઇ, થોડું હરતી ફરતી થઇ, પતિએ હજામત કરી, માજીએ ધોઈ રાખેલું ખમીસ પહેર્યું … આજે જાણે પરિવાર માટે ખરેખર પુનરુત્થાનનો દિવસ હતો!!
પરિવારના ભાવિની ચિંતા કરતો એલિશા, વધુ એક દિવસ ત્યાં રોકાયો. પ્રાર્થના કરી એ પથારીમાં પડ્યો પણ ઊંઘ ન આવી, તેનું મન મૂંઝવણ અનુભવી રહ્યું, એક તરફ આ બાપડાં અને લાચાર લોકોના ભાવિનો વિચાર એને સતાવી રહ્યો હતો તો બીજી તરફ યરુશાલેમની યાત્રાનો વિચાર. એકાએક તે ઊઠી ગયો, પીઠ પર થેલો ચઢાવી, હાથમાં લાકડી લઇ મુસાફરી માટે નીકળ્યો ત્યાં જ કોઈકે એનો થેલો ખેંચ્યો, છોકરી રડતાં રડતાં કહી રહી હતી – ‘રોટી ! બાપા ! રોટી !’ નાનો છોકરો એના પગ પકડી રોકી રહ્યો હતો, એલિશાનું સ્વપ્ન તૂટ્યું, ઊંઘમાંથી જાગી ઊઠ્યો. તેને મનોમન નક્કી કરી લીધું કે, આ લોકોને એમનું ગીરવે મુકેલું ખેતર છોડાવી આપવું, કાપણી સુધી ચાલે તેટલાં અનાજ અને સમાન ભરી આપવો તેમ જ એક ઘોડો પણ લઇ આપવો અને સ્વનિર્ભર કરવા. માથ્થી 10:8 (108 Emergency service !) ને આચરણમાં મૂકે છે. – ‘તેમાંના માંદાઓને સાજાં કરો, રક્તપિતિયાઓને શુદ્ધ કરો, મૂએલાંને ઉઠાડો … તમે મફત પામ્યા, મફત આપો.’
એલિશાએ આ મુર્મૂષુ પરિવારને નવું જીવન આપી પ્રવૃત્તિશીલ બનાવ્યું. મદદનો સાચો અર્થ જ એ છે કે વ્યક્તિ પ્રવૃત્ત થાય. એલિશાએ નિ:સ્વાર્થભાવે પરિવાર માટે સર્વસ્વ ખર્ચીને સાચા ખ્રિસ્તી હોવાનો પુરાવો આપ્યો. પ્રભુ ઈસુના સંદેશને ‘આચારો પરમ ધર્મ સમજી’, આચરણમાં મૂકી બતાવ્યો. જુઓ માથ્થી 19:21 ઇસુ કહે છે કે, – ‘જો તું સંપૂર્ણ થવા ચાહે છે, તો જઈ ને તારું જે છે તે વેચી નાખ ને દરિદ્રીઓને આપી દે’. એલિશાએ વર્ષોની યરુશાલેમની યાત્રાની માનતાને બદલે, એક ગરીબ પરિવારને મદદ કરવાનું પસંદ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. ગામ લોકો પણ એલિશાને દેવદૂત માનવા લાગ્યા હતા.
માલિક બનીએ તો કશુંક ગુમાવીએ, જો પરમેશ્વરને પામવો હોય તો સતત આપણા ‘હું’નું વિસર્જન કરવું પડે. પોતાનું કાર્ય પૂરું થયું સમજી એલિશા ચૂપચાપ રાતના અંધકારમાં પોતાની મંજિલ તરફ આગળ વધવા નીકળ્યો. થોડેક અંતરે જઈ સવાર થતાં તેણે પોતાનો થેલો ખોલી પૈસા ગણી જોયા. માંડ દોઢસો રૂપિયા બચ્યા હતા … એણે યાત્રાનો વિચાર માંડી વાળ્યો …. પોતાની માનતા પૂરી ન કરી શકવા બદલ તે પશ્ચાત્તાપ અનુભવવા લાગ્યો. આખરે એલિશા વતન પાછો ફર્યો. એલિશાને જોઈ એના સ્વજનોને આનંદ અને આશ્ચર્ય થયું. એલિશાએ બટવો ચોરાઈ જવાનું અને ઈશ્વરની ઇચ્છા નહિ હોય, એવું બહાનું કાઢી, કુટુંબીજનોની માફી માંગી. એલિશા જેવા ડાહ્યા અને શાણા માણસ સાથે આવું થાય એવું માનવા કોઈ તૈયાર નહોતું, છતાં ધીરે ધીરે બધું થાળે પડી ગયું.
એલિશા અને એફિમ જે દહાડે છૂટા પડ્યા, તે દહાડે એફિમે એની ઘણી રાહ જોઈ, પણ પછી કદાચ કોઈ ગાડામાં બેસી આગળ નીકળી ગયો હોય એમ સમજી એ પણ આગળ વધ્યો. રસ્તામાં એ લોકોને એલિશા વિશે પૂછપરછ કરતો રહેતો પણ કોઈ ભાળ ન મળી, આખરે દરિયાની મુશ્કેલ મુસાફરી પાર કરી પુણ્યભૂમિ ઈસ્રાયેલ પહોંચ્યો.
પવિત્રભૂમિની યાત્રામાં એફિમ ઇસુ ખ્રિસ્તના ક્રુસારોહણ અને કબરની જગ્યાએ થતી પૂજામાં ભાગ લે છે. અહીં એફિમ, ભક્તોની ભીડ વચ્ચે એક આશ્ચર્યકારક દૃશ્ય જુએ છે, ઈસુના દફનની પવિત્ર જગ્યા, જ્યાં પવિત્ર અગ્નિ સળગતો હતો ત્યાં ઝુમ્મરમાં બળતા છત્રીસ દીવા નીચે, ભૂખરો કોટ પહેરેલો, ચમકતી ટાલવાળો, એલિશા જેવો જ માણસ જોયો, … પ્રાર્થના કરતાં તેણે ત્રણવાર ઝૂકીને ડાબી જમણી ગમ માથું ફેરવ્યું, એફિમે તેને ઓળખી કાઢ્યો, એ એલિશા હતો. એફિમને ખૂબ આશ્ચર્ય થયું. કેવી રીતે તે પોતાનાથી આગળ નીકળ્યો ? એફિમે તેને મળવાની કોશિશ કરી પણ પછી તે દેખાયો નહિ.
બીજે દિવસે પણ પાવનની જગ્યાએ દફનના ઓટલાને અડીને ઝુમ્મર નીચે એલિશાને ઊભેલો તેણે જોયો. તે યાજકની પેઠે યજ્ઞવેદી પાસે પોતાના બંને હાથ પહોળા કરીને ઊભો હતો. એફિમે ફરી તેને મળવાની, પકડવાની કોશિશ કરી, ભીડમાં રસ્તો કરતો તે આગળ ધસી ગયો, પણ … ત્યાં એલિશા ન હતો!! ત્રીજે દહાડે ફરી તેણે પવિત્ર ઓટલા પાસે બાહુ ફેલાવી આકાશ ભણી જોતા એલિશાને જોયો, એફિમ તેને બારણામાં પકડવાનું નક્કી કરી દરવાજે ઊભો, આખું દેવાલય બહાર આવી ગયું પણ એલિશા ન દેખાયો !
એફિમ યેરુશાલેમમાં છ અઠવાડિયાં રહ્યો. દરેક સ્થળે ગયો, યર્દનનું પવિત્રજળ, પવિત્ર માટી, સાથે લીધી, જેમને સારું બંદગી કરી તેમનાં નામ આઠ જગ્યાએ કોતરાવ્યા. પાછા ફરાય એટલા પૈસા રાખી બાકીના પૈસા પૂજા, પ્રાર્થના અને દુન્યવી વાનાંમાં વાપરી, જે રસ્તે પોતે ગયો હતો, તે જ રસ્તે થઇ એફિમ વતન પાછો ફર્યો, રસ્તામાં ઘરની ચિંતા તેને સતાવતી હતી. પવિત્રભૂમિની યાત્રા અને સત્સંગમાં સમય વિતાવ્યો હોવા છતાં, એફિમ દુન્યવી ચિંતા છોડી શકતો નથી. અહીં ફરી અખો યાદ આવે –
તીરથ ફરી ફરી થાક્યાં ચરણ, તો ય ન પહોંચ્યા હરિને શરણ
એલિશા જે મુલકમાં એનાથી છૂટો પડી ગયો હતો ત્યાં તે આવ્યો, તેને વિશ્વાસ ન થયો કે જતી વેળા જ્યાં દુઃખ અને દુષ્કાળ હતા ત્યાં હવે સુખ સમૃદ્ધિ હતી. જે ગામથી બંને છૂટા પડી ગયા હતા, તે ગામના પેલા ઝૂંપડા પાસે એફિમ આવી પહોંચ્યો. એને જોઈ પેલી નાની છોકરી – ‘બાપા ! બાપા ! અમારે ઘેર આવો ! ‘કરતી એને પોતાના ખોરડા તરફ ખેંચવા માંડી, ખોરડામાં એફિમનું પ્રેમથી સ્વાગત થયું, અજાણ્યા યાત્રાળુના આવા સ્વાગત બદલ એફિમે કુટુંબના વખાણ કર્યા તો, એને સાચું કારણ જાણવા મળ્યું કે, – ‘એક યાત્રાળુ એ જ અમને જિંદગી શી ચીજ છે, તે બતાવ્યું’. (પૃ. 39) અમે તો મરવાને વાંકે જ જીવતા હતા …. ઈશ્વરે અમારી વહારે એક વૃદ્ધ ઓલિયાને મોકલી આપ્યો, બરાબર તમારા જેવો જ. એક દહાડો પાણી માંગતા અમારે ખોરડે આવી ચઢ્યા, અમારી દુર્દશા જોઈ અમારી દયા ખાધી, અમારી મદદ કરી, જમીન છોડાવી આપી, ગાડું, ઘોડો લઇ આપ્યો, અમને અમારા પગ પર ઊભાં કર્યાં. અમને તો ખબર નથી કે એ કોઈ માટીનો માણસ હતો કે ખુદાએ મોકલેલો કોઈ ફિરસ્તો હતો. એણે અમારા પર પ્રેમ કર્યો … જતી વેળા પણ નામ જણાવ્યા વિના જ ચૂપચાપ ચાલી ગયો’. (પૃ. 39)
રાત્રે ઘરધણી આવ્યો એણે પણ એફિમ સાથે એલિશાએ કરેલી મદદની જ વાત કરી. – ‘જો એ ન આવ્યો હોત તો અમે અમારાં પાપમાં જ મર્યા હોત’. (પૃ. 39) આખી રાત એફિમ વિચારતો રહ્યો, યરુશાલેમમાં ત્રણ ત્રણ વાર પોતાને દેખાયેલ માણસ, શું એલિશા તો નહોતો ? ઈશ્વરે એલિશા રૂપે એને દર્શન આપી યાત્રાનો સાચો મર્મતો નહોતો સમજાવ્યો ? એફિમને જાણે, એલિશાના દર્શનમાં પરમ તત્ત્વની પ્રત્યક્ષતાનો ભાસ થયો. તેને લાગ્યું કે, ‘ઈશ્વર મારી બાધા કબૂલ કરે કે ન કરે , પણ એણે એની બાધા તો કબૂલ કરી જ’. (પૃ .40)
યાત્રા પૂર્ણ કરી એફિમ અંતે ઘરે પહોંચ્યો. દુન્યવી બોજો સાથે લઈને અને અધૂરા મનથી કરેલી યાત્રાનું પરિણામ એફિમની સામે હતું … છોકરાએ દારુ પીને પૈસા ઉડાવી માર્યા હતા, દીકરો ઉદ્દંડ અને નફફટ બની ગયો હતો, ઘરમાં ભારે ભેલાણ થયું હતું. ‘જે મારું મારું કરે છે એને ઈશ્વર મારે છે, અને જે તારું તારું કરે તેને ઈશ્વર તારે છે.
બીજા દિવસે એફિમ, એલિશાને મળવા ગયો, એલિશા તો પ્રસન્ન ચહેરે અને ચિત્તે કુટુંબ સાથે કામમાં પરોવાયેલો હતો. બંને મિત્રો આનંદથી મળ્યા, યાત્રાની વાતો કરતાં કરતાં એફિમે, એલિશાને મર્મસભર વાત કહી – ‘મારાં પગલાં તો ત્યાં પડ્યાં, પણ મારો આત્મા સાચે જ ત્યાં પહોંચેલો કે એક બીજા જણ નો ?’ (પૃ. 41) એફિમે, એલિશા જે ખોરડે રોકાયો હતો તેની વાત કરી, તો એલિશાએ સાવધ થઇ એણે વાતને બદલી નાખી, એને કદાચ પ્રભુના વચન યાદ આવ્યું હશે કે, – ‘તું જ્યારે દાનધર્મ કરે, ત્યારે જે તારો જમણો હાથ કરે તે તારો ડાબો હાથ ન જાણે’ : (માથ્થી 6:3)
એફિમને હવે સાચી વાતની સમજ પડી ગઈ હતી કે માનવસેવા એ જ પ્રભુ સેવા’, એનો આતમરામ સમજી ચૂક્યો હતો કે, સાચી સેવા, સાચી ભક્તિ, સાચી પ્રાર્થના, સાચી યાત્રા કોને કહેવાય. પ્રભુનું વચન પણ કહે છે કે, – ‘કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે. અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે’. (પ્રે.કૃ. 20:35) એલિશાના એક સાચા માનવ તરીકેના આચરણ પછી એફિમને આત્મભાન અને જ્ઞાન થયું કે, ઈશ્વરની મરજી મુજબ જીવવાની ઉત્તમ રીત તો દરેક માટે એક જ છે. – ‘પ્રેમ બતાવવો અને પારકાનું ભલું કરવું’. (પૃ. 41)
‘માણસ પણ ખીલે છે અને કાળક્રમે ખરી પડે છે. બહુ ઓછા માણસો આ બે ઘટના વચ્ચેના ગાળામાં સુવાસ ફેલાવવામાં સફળ થતા હોય છે. માણસની સુવાસ એટલે તેની માણસાઈનો મઘમઘાટ’.
સંદર્ભ ગ્રંથ :
૧, દસ પાશ્ચાત્ય નવલિકાઓ – અનુવાદ – રેમંડ પરમાર
૨, લેવ ટોલ્સટોયની લઘુકથા અને નવલિકાઓ – અનુવાદ : અતુલ સવાણી
૩, નવો કરાર
૪, બાઈબલ
૫, અખાના છપ્પા – સંપાદક – ઉમાશંકર જોશી
૬. સાયલન્સ ઝોન – ગુણવંત શાહ
૭. વિકિપીડિયા – લિયો ટોલ્સટોય
સી.યુ. શાહ આર્ટસ કૉલેજ, અમદાવાદ