કોરોના લૉક ડાઉન ત્રણનો અમલ ચાલી રહ્યો છે. ‘ઘરમાં જ રહો’ એ સૂત્ર અનેકોએ સાકાર કરી બતાવ્યું અને સોશિયલ મીડિયા પર ‘સ્ટે એટ હોમ’નાં સ્ટીકર પણ લગાવ્યાં. પરંતુ વિચારવાલાયક મુદ્દો એ છે કે ‘ઘર’ એટલે શું? એ ઘર ક્યાં આવેલું છે? કેવું છે? મોટાં શહેરોમાં સમૃદ્ધ અને ઉચ્ચ મધ્યમ વર્ગના પરિવારોનાં ‘ઘર’ અને જનસામાન્યનાં ‘ઘર’માં આસમાન જમીનનો તફાવત છે.
મુંબઈમાં ધારાવી અને અન્ય ઝૂંપડપટ્ટીમાં કોરોનાનો ચેપ પ્રવેશ્યો એટલે સૌની ચિંતા વધી ગઈ. આવા પાડોશમાં સામાજિક અંતર રાખવું ભૌગોલિક રીતે અશકય નહીં તો ઘણું મુશ્કેલ તો છે જ. ભારતનાં મોટાં શહેરોમાં ઝૂંપડાવાસીઓના પ્રમાણ પર એક નજર નાખતાં આ બાબતનો ખ્યાલ આવી જશે. મુંબઈમાં ૪૧.૮ ટકા, હૈદરાબાદમાં ૩૨.૭ ટકા, કોલકાતામાં ૩૧.૪ ટકા, ચેન્નઈમાં ૨૮.૯ ટકા, દિલ્હીમાં ૧૪.૭ ટકા, બેંગલુરુમાં ૮.૪ ટકા (૨૦૧૯માં રાજ્યસભાની પ્રશ્નોત્તરીમાં અપાયેલા સત્તાવાર આંકડા)
ઝૂંપડાવાસીઓનાં જીવનનું એક પાસું છે, ગીચતા. ઉદાહરણ તરીકે, મુંબઈના કુલ વિસ્તારમાંથી ઝૂંપડાંનો હિસ્સો માત્ર સાત ટકા છે, પણ ચાળીસ ટકા (દરેક દસમાંથી ચાર) મુંબઈવાસીઓ ઝૂંપડાંમાં રહે છે. ધારાવીની વાત કરીએ તો, ત્યાં માંડ અઢી ચોરસ કિલોમીટરના વિસ્તારમાં આશરે સાઠ હજાર પરિવાર – સાડા આઠ લાખ લોકો રહે છે. આવી સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગ કેવી રીતે શક્ય બને? શહેરની શ્રમજીવી ચાલીઓમાં ને પોળોમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સચવાઈ શકે એવી સ્થિતિ નથી.
બીજી મહત્ત્વની સમસ્યા ટોઇલેટ અને પીવાનાં પાણીની છે, જે કોરોનાને આમંત્રણ આપવાનું માધ્યમ બને છે. આ જ કારણે મુંબઈમાં કોરોનાના સાઠ ટકા દરદીઓ સૌથી ગીચ વૉર્ડમાંથી આવ્યા છે. ઘરમાં ટોઇલેટ ન હોય એવાં, ઝૂંપડાંમાં રહેતાં પરિવારોની સંખ્યા રાજ્યવાર આ પ્રમાણે છેઃ મહારાષ્ટ્રમાં ૫૮.૪ ટકા, દિલ્હીમાં ૪૯.૯ ટકા, તમિલનાડુમાં ૩૯ ટકા, કર્ણાટકમાં ૩૬.૭ ટકા, આંધ્ર પ્રદેશમાં ૧૭.૭ ટકા, બંગાળમાં ૧૭.૫ ટકા. (રાજ્યસભા પ્રશ્નોત્તરી, ૨૦૧૯). એવી જ રીતે, ઘરમાં પાણીની વ્યવસ્થા ન હોય એવાં, ઝૂંપડાંમાં રહેતાં પરિવારઃ તમિલનાડુમાં ૬૦.૭ ટકા, દિલ્હીમાં ૪૯.૧ ટકા, બંગાળમાં ૪૮.૩ ટકા, કર્ણાટકમાં ૩૮.૨ ટકા, મહારાષ્ટ્રમાં ૩૫.૪ ટકા, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા સૌને લાગુ પડતા નિર્ણયની સફળતા કે અસરકારકતા માટે દેશવાસીઓ વિશેની પ્રાથમિક માહિતીની જાણકારી કેમ અનિવાર્ય છે, તેનો ખ્યાલ આપવા માટે આટલી વિગત પૂરતી નથી?
e.mail : gaurang_jani@hotmail.com
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 07 મે 2020