Opinion Magazine
Number of visits: 9450170
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાદીનું વૈશ્વિકરણ – જયપુર સંમેલન

આશા બૂચ|Opinion - Opinion|7 May 2020

ભાગ – 1

તારીખ 30 અને 31 જાન્યુઆરી 2020 એ બે દિવસ, જયપુરમાં ખાદીના વૈશ્વિકરણ પર એક આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું, જેમાં ખાદી લંડનના નોન એકસેકયુટિવ બોર્ડના સભ્ય  જો સૉલ્ટર અને લોરેન્સ સેવેલ સાથે પ્રતિનિધિત્વ કરવાનું મને સદ્ભાગ્ય સાંપડ્યું. 

ખાદી સી.આઈ.સી.ના સૂત્રધાર કિશોરભાઈ શાહ અને જયપુરના ગ્રામ ભારતી સમિતિના પ્રમુખ  ભવાનીશંકર કુસુમને ખાદીને વિશ્વના તખ્તા પર મુકવા કઈંક કરવાના ઓરતા જાગ્યા. તેમણે રાજસ્થાનના ભૂતપૂર્વં એડવોકેટ જનરલ જી.એસ. બાપનાજીનો સંપર્ક સાધ્યો. એ સહુના સાથ અને સહકારથી આ સંમેલન યોજાયું. તેમાં આશરે 250 પ્રતિનિધિઓ હાજર રહેલાં, જેમાંથી 150 જેટલાં જયપુર બહારના હતાં. ઇંગ્લેન્ડ, જાપાન, યુગાંડા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયા સહિત 16 વિદેશી પ્રતિનિધિઓ અને અસામથી લઈને તામિલનાડુ, અને ગુજરાતથી લઈને બિહાર સહિતના ચૌદેક રાજ્યોમાંથી કપાસની ખેતી કરનારા ખેડુઓ, ખાદી કેન્દ્રો ચાલવતાં વ્યવસ્થાપકો અને ઉચ્ચ સરકારી અધિકારીઓ તેમ જ બેન્કના પદાધિકારીઓ સામેલ હતાં. ખાદીને હરેક વર્ગ અને ખાસ કરીને યુવા વર્ગ સુધી વ્યાપક પણે પહોંચાડવી, વધુ લોકોને રોજગારી પૂરી પાડવી અને વિદેશોમાં સજીવ કાપડની માંગને સંતોષવા તેને અનુરૂપ ઉત્પાદન અને વેચાણની નીતિ અને શક્યતાઓ વિષે ચર્ચા વિમર્શ થયો.

આટલી મોટી સંખ્યાનાં પ્રતિનિધિઓનાં આવાસ, ભોજન અને સભાગૃહ તથા પ્રદર્શનની સુવિધા એચ.એમ.સી. – રીપા(રાજસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ના પરિસરમાં કરવામાં આવેલ। સરકારી ખાતાના તાલીમાર્થીઓ માટેના સ્વચ્છ અને સુઘડ આવાસો, ભોજનાલય અને અત્યંત આધુનિક પ્રસારણ માધ્યમનાં સાધનો સાથે સાંકળેલા ચાર મોટા પડદાઓવાળો વિશાળ સભાખંડ જોઈને ભારતની એ દિશામાંની પ્રગતિ જોતાં આનંદ અને ગૌરવ થયા વિના ન રહે. આવા ખાદી સંબંધિત સર્વ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંમેલનનો મુખ્ય કાર્યભાર રાજસ્થાન સરકારના ઉદ્યોગ વિભાગ અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝે (CII) ઉપાડેલો.

થોડું CII વિષે જાણીએ. આ બિનસરકારી અને નહીં નફો, નહીં નુકસાનના ધોરણે ચાલતું સંગઠન છેક 1895માં એટલે કે 125 વર્ષ પહેલાં સ્થપાયેલું. ઉદ્યોગોની દોરવણીથી અને તેમના જ વહીવટથી ચાલતા આ સંગઠનમાં 9,000 જેટલા ખાનગી અને સરકારી ઉદ્યોગ સંકુલો સભ્યપદ ધરાવે છે. CII સરકાર સાથે ઉદ્યોગો અને અર્થકારણના મહત્વના મુદ્દાઓ વિષે સલાહ મશવીરા કરવામાં પાયાની ભૂમિકા બજાવે છે. 1991માં ભારતમાં વ્યાપારી ઉદારીકરણનાં પગલાં થયાં તેમાં તેનું મુખ્ય પ્રદાન રહ્યું. CIIની ભારતમાં 65 ઓફિસો છે એટલું જ નહીં પણ ઓસ્ટ્રેલિયા, બાહરેન, ચીન, ઇજિપ્ત, ફ્રાન્સ, જર્મની, ઈરાન, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, યુનાઇટેડ કિંગ્ડમ અને અમેરિકા એમ 11 દેશોમાં પણ તેની શાખાઓ વિસ્તરી છે. ભારતીય ઉદ્યોગો અને આંતરરાષ્ટ્રીય વ્યાપારી સંકુલો વચ્ચે CII મજબૂત કડીરૂપ કામ કરે છે. આવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સંગઠનનો ખાદી ઉદ્યોગને ટેકો મળ્યો તે ખૂબ મહત્ત્વની વાત છે. 

છ બેઠકોમાં વિભાજીત આ સંમેલનમાં સંમેલનનું વિધિવત્‌ ઉદ્ઘાટન, ભારતમાં ખાદીની કહાણી, ખાદીને અનુલક્ષીને વિશ્વવ્યાપી નૈતિક અને ટકાઉ ફેશન તથા ડિઝાઇન વિષે ચર્ચા, પ્રાકૃતિક સજીવ રેસાથી બનેલ કાપડ, વેચાણ અને નિકાસની શક્યતાઓ, કિફાયતી દામ અને ઉત્પાદન ક્ષમતા વિષે સંવાદ, પર્યાવરણને બચાવનાર ખાદી, અને ટકાઉ ફેશનનું ભાવિ તથા નવી ટેક્નોલોજી દ્વારા ખાદીમાં સંશોધન પર સંગોષ્ઠિ અને સમાપનમાં ખાદીના વર્તમાન અને ભાવિની વાર્તાની ગૂંથણીની રચનાનો પ્રારંભ જેવા ખાદીને આનુસંગિક વિષયોને આવરી લેવાયેલા.

રાજસ્થાન સરકારનું આ સંમેલન યોજવા પાછળ બહુ મોટું પીઠબળ હતું. મુખ્ય મંત્રી અશોક ગેહલોત આ સંમેલનના મુખ્ય અતિથિ અને ઉદ્ઘાટન બેઠકના મુખ્ય વકતા હતા. તેઓ 1998-2003, 2008-2013 દરમ્યાન અને હાલમાં 2018થી કૉન્ગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી રહી ચુક્યા છે અને રાજસ્થાન રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ત્રણ ટર્મથી સેવાઓ બજાવી રહ્યા છે. કૉન્ગ્રેસના અનુભવી સભ્ય હોવાને નાતે તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ સંભાળેલા છે. વિજ્ઞાન, કાયદો અને અર્થશાસ્ત્રમાં ઉચ્ચ પદવી મેળવનાર તેજસ્વી વિદ્યાર્થી અભ્યાસકાળ દરમ્યાન જ ગાંધી-વિનોબાના વિચારોથી પ્રભાવિત થયેલા. બંગાળના શરણાર્થીઓ માટે 1971માં તેમણે કામ કર્યું અને એ સમયે ઇન્દિરા ગાંધીને તેમની વ્યવસ્થાશક્તિનો પરચો મળેલો, જેનો અશોકજીએ રાજસ્થાન અને ભારતની જનતા માટે સદુપયોગ કર્યો. તેમનું દ્રઢ માનવું છે કે ખાદી, એ ધર્મ, સંપ્રદાય, જ્ઞાતિ અને ગરીબ-અમીર જેવા વર્ગોથી ઉપર ઊઠીને કામ કરે છે. એ સ્વાભિમાન અને સ્વનિર્ભરતાનું પ્રતીક છે. ખાદી-ગ્રામોદ્યોગ અને અન્ય રચનાત્મક કાર્યો પર અટલ શ્રદ્ધા હોવાને કારણે તેમના પ્રવચનમાં ખાદીને ભારત અને વિશ્વવ્યાપી બનાવવા માટે રાજસ્થાન સરકાર અને અન્ય સંલગ્નિત સંસ્થાઓનો સહકાર મળી રહેશે એવો સચ્ચાઈ ભરેલો સંદેશો સાંભળીને ધરપત થઇ.

સંમેલનની પ્રથમ બેઠકમાં આ લેખના લેખકે (એટલે કે આશાબહેન બૂચે) કરેલ પ્રસ્તુતિનો સાર નીચે આપેલ છે.

આઝાદીની લડત દરમ્યાન સ્વતંત્રતા, સાદગી અને શાંતિને મૂર્તિમંત સ્વરૂપ આપનારી તથા ભાવિ સમાજના પ્રતીક તરીકે ખાદી 

ખાદી આઝાદીની લડતનું પ્રતીક બની ગયેલ. ગાંધીજીએ કહેલું, “સૂતરને તાંતણે સ્વરાજ લાવીશ.” આજના યુવાનો પૂછી શકે, ‘કાપડના એક પ્રકાર અને તેની પેદાશને અને દેશની આઝાદીને શો સંબંધ હોઈ શકે?’ એ સૂત્ર જો આજના યુગમાં વપરાયું હોત તો લોકો જરૂર હાંસી ઉડાવત. આજના વાહિયાત વચનોથી બિલકુલ વિરુદ્ધ, આ વચનનું અક્ષરશ: પાલન થયું. હાથે કાંતેલાં અને વણેલાં કાપડે દેશની સમગ્ર જનતાને એક સૂત્રે બાંધી દીધી. હેતુ હતો વિદેશી કાપડનો બહિષ્કાર કરીને સ્વનિર્ભર બનવાનો. 

ગાંધીજી ભારતના રાજકીય તખ્તા પર પ્રવેશ્યા તે પહેલાં આઝાદીની ચળવળ તો શરૂ થઇ જ ગયેલી, પરંતુ તેમને અહેસાસ થયો કે આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પતનથી સદીઓથી પીડાતી આવેલી પ્રજા માત્ર રાજકીય સ્વતંત્રતા પર લાંબો સમય ટકી નહીં શકે. એટલે જ સાથે સાથે તેમણે 18 રચનાત્મક કાર્યોની સૂચિ આપી, જેમાંની એક, તે ખાદી અને ગ્રામોદ્યોગ.

જાહેરમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા વિના એક વર્ષ ભારતમાં ભ્રમણ કરવાથી ગાંધીજીને ખ્યાલ આવ્યો કે આવી ભયાનક બેરોજગારી અને ગરીબીનું નિવારણ એક સાદા ઉકેલથી લાવવું રહ્યું. જેમાં ઓછામાં ઓછી મૂડીનું રોકાણ જરૂરી હોય, જે ઉદ્યમમાં સહેલાઈથી શીખી અને નિભાવી શકાય તેવી ટેકનોલોજી હોય અને ઓછા ખર્ચે એ સાધન બનાવી શકાય તેવું હાથમાં કઇંક મૂકવું જોઈએ. અને આમ તેમને ચરખો લાધ્યો. આમ જુઓ તો મોહેં-જો-દરો અને ઇજિપ્તના પીરામીડમાંથી મળી આવેલા અવશેષો દર્શાવે છે તેમ દુનિયા આખીમાં હાથે કાંતેલાં અને વણેલ કાપડ જ વપરાશમાં હતું; છેક ઔદ્યોગિક ક્રાંતિ સુધી. બ્રિટનના તાબાના દેશો પર આ શોધની ભારે બૂરી અસર થઇ. ભારતને પોતાના દેશમાં પેદા થયેલ કાપડ પર જકાત ભરવી અને બ્રિટનમાં બનેલ કાપડ પર આયાત કર ભરવો એવા કાયદાને પરિણામે બંને બાજુથી ભારતના સદીઓ જૂના કળા-કૌશલ્યને મરણતોલ ફટકો પડ્યો. આથી જ તો આઝાદીની લડત દરમ્યાન ખાદીનો પ્રચાર-પ્રસાર કેન્દ્રસ્થાને રહ્યો. બ્રિટિશ રાજનો એકાધિકાર સમાપ્ત કરવાનો અને સ્વનિર્ભર બની પોતાની ખોવાયેલ કલા-કૌશલ્યને પુનર્જીવિત કરવાનો આ એક જ ઉપાય હતો.

સવાલ એ છે કે સ્વતંત્રતા મેળવ્યે સાત દાયકાઓ થયા, તો શું હજુ પણ ખાદીને ભારતની રાજકીય આઝાદી સાથે જોડેલી રાખવી વ્યાજબી છે? યાદ રહે કે ગાંધીજીએ ક્યારે ય માત્ર રાજકીય આઝાદીની કલ્પના નહોતી કરી. તેમને મન સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક સ્વાયત્તતા વિનાની આઝાદી અધૂરી હતી. 21મી સદીના ભારતમાં કાપડ ઉદ્યોગના નૈતિક પાસાને તાપસવા રહ્યા. હજુ આપણે મિલ માલિકો દ્વારા આચરવામાં આવતી અસમાનતા, અન્યાય અને શોષણથી મુક્ત થવાનું છે. મશીનોના અમર્યાદ ઉપયોગથી પેદા થયેલ બેરોજગારીનો રાક્ષસ અને પર્યાવરણ પર આવેલ ખતરાને નાથવાના છે. માનવ જાતને આ બધા સંકટોની નાગચૂડમાંથી મુક્ત કરવાના છે જ, માત્ર તેની રીત બદલશે. એક બાજુ રાજકીય સ્વતંત્રતા મેળવવા સર્વોચ્ચ કક્ષાએ વાટાઘાટો ચાલી રહી હતી, તો બીજી બાજુ ભારતની આમ પ્રજાને જીવનમાં દરેક રીતે સ્વનિર્ભર અને મજબૂત બનાવવાની મથામણ ચાલતી હતી. ઓછી મહત્ત્વની લાગતી ખાદીની ચળવળને કારણે આઝાદીની લડત માત્ર શિક્ષિત ઉચ્ચ વર્ગની સીમામાંથી બહાર નીકળીને કરોડો લોકો સુધી પહોંચી. ગાંધીજીએ બ્રિટનની શોષણકારી નીતિઓ પર ભારે મોટું છિદ્ર પાડ્યું. એ જ રીતે આજે પણ એક તરફ વિજ્ઞાન અને ટેક્નોલોજીને સહારે જનજીવનના કેટલાંક પાસાંઓ વિકસિત કરવાના પ્રયાસો કરવાના છે તેમ જ ઉપર લખ્યા તે મુદ્દાઓને લક્ષ્યમાં લઈને શોષણવિહિન સમાજરચનાને પંથે આગળ વધવાનું છે, જે માત્ર ખાદી જેવા ઉદ્યોગના માધ્યમથી જ શક્ય બનશે.

ખાદી એ સાદગી અને સમાનતાનું પ્રતીક છે, તો એનું એક બીજુ પાસું નૈતિક અને પર્યાવરણને જાળવનાર વસ્ત્રનું પણ છે. આઝાદીની લડત સમયે અર્ધાથી વધુ સંખ્યામાં લોકોના તન ઢાંકવાના હતાં, તેથી સાવ સફેદ વસ્ત્રોમાં સજ્જ નર-નારીઓ લડતમાં જોડાઈ ગયેલાં. ખાદીનો વપરાશ અને વેચાણ વધવાને કારણે તેના પર રંગકામ, છપાઈ અને ભરતકામ શરૂ થયું, પરંતુ તે માટે કુદરતી રંગો, હાથ છપાઈ અને હસ્તકલાથી થતા ભરતકામનો આગ્રહ સેવાયો.

ખાદીનો દેશ-વિદેશમાં પ્રચાર-પ્રસાર કરવા માટે યુવા પેઢીને આકર્ષવા જરૂરી બન્યું છે. તે માટે ખાદીને ફેશન જગતના આચારો અપનાવવા ફરજ પડે છે. ફેશન અને કાપડ-કપડાંના ટકાઉપણા અથવા તો કહોને દીર્ઘાયુપણાને ઘનિષ્ઠ સંબંધ છે. ખાદીને આગલી પેઢીનો પહેરવેશ અને જૂની ટેક્નિકથી બનેલ કાપડ સાથે સાંકળવામાં આવતી એ વલણ હવે બદલવું રહ્યું. હાથે કાંતેલાં સૂતર કે રેશમ સારી ડિઝાઇનવાળું હોય તે યુવાનો માટે પૂરતું આવકાર્ય બનવું જોઈશે. છેલ્લાં થોડાં વર્ષોથી પર્યાવરણને જાળવી શકે તેવાં કાપડની શોધ તરફનું વલણ મજબૂત થતું જણાય છે. ભારત અને વિદેશમાં તાલીમ પામેલા ટેક્સટાઇલ અને ફેશન ડિઝાઈનરોને ખાદીનું ખરબચડું કાપડનું પોત અને તે ઠંડી તથા ગરમીમાં અનુકૂળ હોય એટલી જ બાબત આકર્ષક નથી લગતી, પરંતુ તે પર્યાવરણને જાળવનાર છે તેથી પણ તેને અપનાવવા તૈયાર થયા છે. ભારતમાં તો ખાદીની ગુણવત્તા અને વેચાણમાં સુધારો કરવા અથાક પ્રયાસો ચાલુ છે, જેનાથી દેશના લાખો બેરોજગાર ગરીબ લોકોના ઘણા આર્થિક-સામાજિક પ્રશ્નો હલ થાય છે.

કાપડ ઉદ્યોગને સમાનતા, ન્યાય અને શાંતિ સાથે શું નિસબત હોઈ શકે તેમ કોઈ પૂછી શકે. ખાદી વિકેન્દ્રિત ઉત્પાદન અને વિક્રયની વ્યવસ્થા પર નભતી હોવાથી ધનની અસમાન વહેંચણી થતી અટકાવે છે. ભારતમાં શરીર શ્રમ પ્રત્યે સૂગ હતી અને હજુ ય છે, તેવે સમયે ઉચ્ચ-નીચ, ગરીબ-તવંગર તમામને સખ્ત મજૂરીમાં સ્વમાન ભરેલું છે તેનો ખ્યાલ ખાદી પેદા કરતી વખતે આવ્યો. ગાંધીજીને ઉચ્ચવર્ગ અને સામાન્ય જનતા વચ્ચે એક સમાન તંતુ જોડાય અને તેમની વચ્ચે આ વ્યવસાય દ્વારા એક પૂલ બંધાય તેવી ધારણા હતી. હાથ કંતાઈ માત્ર રાજકીય મુદ્દો ન રહેતાં એક આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક ઉત્થાનનું નિમિત્ત બની રહી. ખાદી એક માત્ર વસ્ત્ર નહીં પણ વિચાર પદ્ધતિ બની રહી. ખાદીનું એક પાસું ભલે આર્થિક હોય, પરંતુ ગાંધીના અર્થકારણને એક જુદો જ આયામ હતો. તેમના મતે ખાદી ઉદ્યોગ હરીફાઈ ઉપર રચાયેલો નથી જેમાં દેશભક્તિ અને માનવતા કોઈ ભાગ ન ભજવતી હોય. ઊલટાનું તેમના મતે ખાદીને સદંતર માનવતા સાથે જ નિસબત છે. અને તેથી જ તો એ ભાવિ સમાજના શાંતિમય સહઅસ્તિત્વ માટે અત્યન્ત ઉપયુક્ત છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાસ કરીને પશ્ચિમના દેશોના ફેશન ડિઝાઇનર્સ ખાદીને એક નૈતિક વસ્ત્ર તરીકે પહેચાનવા લાગ્યા છે. આપણો જીવન પ્રત્યેનો અભિગમ અને આદર્શ પરસ્પરને પૂરક હોવા જોઈએ, તેને બદલે તે એકબીજાની વિરુદ્ધ આવી ઊભા છે, જેમ કે સ્વતંત્રતા જાણે ન્યાયની દુશ્મન બની બેઠી, વિકાસને સમાનતા સાથે નિસબત ન રહી અને પ્રગતિને પર્યાવરણની સુરક્ષા સાથે સંબંધ ન રહ્યો. હવે ખાદી જેવાં વસ્ત્રો નૈતિક ધોરણો જાળવીને પેદા કરવામાં બધાનાં સ્વાસ્થ્યની સુરક્ષા કેવીક જળવાય છે તે જોવું રહ્યું. એ માનવસર્જિત રેસાઓથી બનતાં કાપડ કરતાં વધુ લાભદાયી હશે તે તો જરૂર કહી શકાય. જેમ નૈતિકતાનો અભાવ તેમ આર્થિક અને સામાજિક અસમાનતાનો ફેલાવો એ 21મી સદીનો બહુ મોટો પડકાર છે. બ્રિટનમાં કપાસનું એક જીંડવું પણ નહોતું પાકતું છતાં કાપડ ઉદ્યોગ પર આધિપત્ય જમાવતું તેનું કારણ અમેરિકા, ઇજિપ્ત અને ભારત જેવાં સંસ્થાનો પાસેથી આયાત કરેલ કાચો માલ સસ્તા ભાવે લાવવામાં આવતો હતો એ છે. તેને કારણે એ દેશોની કમર ભાંગી ગઈ. ઈ.સ. 1790માં અમેરિકાથી પહેલી વખત કપાસ બ્રિટનના બંદરે ઉતર્યો એ ગુલામોની પરસેવાની પેદાશ હતી. આજે આપણે જાતને સવાલ કરવાનો છે કે માનવ સર્જિત રેસાઓમાંથી બનેલ કાપડ, કે જે પારાવાર પ્રાકૃતિક સંસાધનો વાપરે, રસાયણો અને વીજળીનો ધૂમ વપરાશ કરે અને સજીવ રીતે વિઘટન ક્ષમ ન હોવાને કારણે પ્રદૂષણ વધારે એ માનવ જાત માટે લાભદાયી છે? જો ન હોય તો તેના વિકલ્પે ખાદી અપનાવવી અનિવાર્ય થઇ પડશે.

ખાદી જગતે કોઈ પણ પ્રકારનું શોષણ થતું અટકાવવા અને ન્યાયી ઉત્પાદન-વેચાણની નીતિનો અમલ કરવા કટિબદ્ધ રહેવું જોઈશે. તે ઉપરાંત સજીવ કપાસનો ઉપયોગ કરવો, જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ કરવો અને બંધુઆ મજદૂરી પર સદંતર પ્રતિબંધ લાવવાની પણ તેની ફરજ છે, તો જ તે ઉદ્યોગ નૈતિક મૂલ્યોનું પાલન કરે છે તેવો દાવો કરી શકશે. ટેક્સટાઇલ મિલની કામ કરવાની પદ્ધતિ અને તેમાંથી ઉત્સર્ગ થતાં ઝેરી તત્ત્વોથી આપણું પર્યાવરણ સમારી ન શકાય તેવી હાલતમાં આવી પહોંચ્યું છે. તો હવે ખાદી ઉત્પાદન માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવો અને કારીગરોને અવાજ અને રૂની રજકણોથી બચવા સુરક્ષિત એવાં સાધનો પૂરાં પાડવાં એ જ એક માત્ર ભાવિ કાપડ ઉદ્યોગનો માર્ગ જણાય છે. તેનાથી ભાવિ માનવ જાત સુરક્ષિત રહેશે.

આ સંમેલનમાં હાજરી આપ્યાના થોડા દિવસ પહેલાં કીર્તિ મંદિર-પોરબંદર જવાનું મને સદ્ભાગ્ય મળ્યું, ત્યારે ગાંધીજીના ઉદ્ગારો કોતરેલા વાંચ્યા એ અહીં પ્રસ્તુત લાગ્યા : “લાખો લોકો અમલમાં મૂકી શકે તેવી એક અહિંસક પદ્ધતિ શોધવા મથું છું, તો મને એ ચરખામાં દેખાય છે. તેમાં નૈતિકતા, અર્થશાસ્ત્ર અને અહિંસા ત્રણેય વણાયેલાં દેખાય છે. જ્યારે પણ હું અહિંસાનું મૂર્તિમંત ચિત્ર જોવા કોશિશ કરું છું, મને ચરખો દેખાય છે. મારો રામ સૂત્રના તાંતણા પર નાચતો જોઉં છું. ચરખો એ અહિંસાનું પ્રતીક છે અને અંતે તો અહિંસાનો જ વિજય થાય છે. મારી તમામ શક્તિ ચરખામાંથી આવે છે. જેમ પ્રાણી જગતનો નિયમ હિંસા છે, તેમ માનવ જગતનો નિયમ અહિંસા છે. અહિંસાનો પાયાનો નિયમ છે પ્રેમ અને શુદ્ધ નિસ્વાર્થ પ્રેમ શરીર અને મનની શુદ્ધિ વિના શક્ય નથી.” 

આપણે સહુ ખાદી અને ગ્રામોદ્યોગ પ્રત્યે આવી અટલ શ્રદ્ધા ધરાવતા થઈએ જેથી આપણું ભાવિ સલામત રહે. 

આ પ્રસ્તુતિ સાથે ભારતમાં ખાદીના ઇતિહાસની કહાનીના મંડાણ થયાં. 

સંમેલનની પ્રથમ બેઠકના બીજા વક્તા ડૉ. પુષ્પેન્દુ દુબે – મહારાજા રણજીતસિંહજી કોલેજ ઓફ પ્રોફેશનલ સાયન્સ, ઇન્દોરના હિન્દીના વિભાગાધ્યક્ષ. તેમણે જે મનનીય પ્રવચન આપ્યું તેમાંના થોડા મુદ્દા અહીં ટપકાવું ઉચિત લેખું છું :

ખાદીની વિકાસ યાત્રા : પુષ્પેન્દુ દુબે

અહિંસક જીવન શૈલીની શોધ કરતાં કરતાં માનવીને કપાસ વિષે જાણકારી મળી. દુનિયામાં પહેલાં ચામડા, ઊન અને રેશમનાં કપડાં બનાવવાની કલાનો વિકાસ થયો, પરંતુ તેમાં હિંસાનો આશરો લેવો પડતો હતો. વસ્ત્રની બનાવટમાં પણ અહિંસા અપનાવવા હેતુ ભારતમાં કપાસની શોધ થઇ એમ મનાય છે. કપાસ કોઈ પણ દેશમાં ઊગાડી શકાય અને તેમાંથી બનતું કાપડ ઠંડી કે ગરમી કોઈ પણ ઋતુમાં પહેરવાં, ઓઢવાં કે પાથરવાં માટે ઉપયોગમાં લઇ શકાય તેવું હોય છે એવું તેના વપરાશ પરથી અનુભવે સમજાયું.

વસ્ત્ર વિદ્યાના જનક વૈદિક સમયના ઋષિ ગૃત્સમદ માનવામાં આવે છે, જેનો ઉલ્લેખ દુનિયાના સહુથી પુરાતન ગ્રંથ રુગ્વેદમાં થયેલો છે. ઋષિ ગૃત્સમદે કાંતણ અને વણાટ સબંધી શ્લોકો રચ્યા, જે દર્શાવે છે કે તેઓ ઋષિ હોવા ઉપરાંત એક વૈજ્ઞાનિક પણ હતા. સેંકડો વર્ષોના સતત પ્રયોગોના ફળસ્વરૂપ ભારતમાં વિવિધ આબોહવામાં પેદા કરી શકાય તેવા કપાસના બીજની શોધ થઇ. સમુદ્રથી ત્રણ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ પહાડો પર, સપાટ મેદાનોમાં, અતિવૃષ્ટિવાળા તેમ જ ઓછા વરસાદવાળા પ્રદેશોમાં પણ ઊગાડી શકાય તેવા લાંબા, મધ્યમ અને ટૂંકા રેસાના કપાસ માટેનાં બીજની શોધ થઇ. એટલું જ નહીં, સફેદ, પીળા, ભૂરા અને ગુલાબી રંગનો કપાસ બનાવે તેવાં બીજની પણ શોધ થઇ. કપાસમાંથી કપાસિયા દૂર કરવાના અને તેને પીંજવાનાં સાધનો તથા કાંતવા માટે તકલી અને વણવા માટે શાળની પણ શોધ થઇ અને ગામે ગામ તેને ઉપયોગમાં લેવાની શરૂઆત થઇ.

આમ તો સૌ પ્રથમ ભારતમાં પૂરક ઉદ્યોગ તરીકે ગોપાલન અસ્તિત્વમાં આવ્યો. પરંતુ ત્યાર બાદ નાના બાળકથી માંડીને વૃદ્ધ તેમ જ સ્ત્રી-પુરુષ, નાના-મોટા સહુ ઘેરે ઘેર અને ગામે ગામ કાંતવા માંડયા અને એ રીતે કાંતણ મુખ્ય ઉદ્યોગ તરીકે વિકસ્યો, જેને પરિણામે વણાટ ઉદ્યોગ પણ પૂર્ણકળાએ ફૂલ્યો ફાલ્યો. આજે પણ આસામમાં કમર કરઘા પર વણાટ કરવાની કુશળ કળા ટકી રહી છે. કાળક્રમે ગામડાંઓમાં એ સ્વતંત્ર ઉદ્યોગ તરીકે વિકસ્યો. બારીક કંતાઈ માટે લાંબા રેસાઓનું ઉત્પાદન કરીને અત્યંત બારીક, નરમ કાપડ પેદા કરવું એ ભારત ભૂમિની વિશેષ કલા હતી.

વસ્ત્ર વિદ્યાને આનુષંગિક ઉદ્યોગો જેવા કે ચરખા અને વણાટની શાળને બનાવવા સુથારી અને લુહારી ધંધા અને તેલ કાઢવા માટે ઘાંચી એમ અનેક ગ્રામોદ્યોગોનો વિકાસ થયો. આથી જ તો ગાંધીજી કહેતા કે ખાદી ઉદ્યોગ એ આપણી અર્થવ્યવસ્થાની સૂર્યમાળામાં સૂર્ય સમાન છે, કેમ કે તેની આસપાસ ખેતીથી માંડીને અનેક પ્રકારના ઉદ્યોગો અને વેપાર નભે. એક યુગમાં ભારત આધ્યાત્મિક ચેતના અને અન્ય અસંખ્ય કુશળ વ્યવસાયોના વિશેષજ્ઞોથી સમૃદ્ધ હતો. જ્યારે દેશ યુરોપીય સભ્યતાની ચમક-દમકમાં ફસાઈ ગયો ત્યારે મહર્ષિ દયાનંદ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, દાદાભાઈ નવરોજજી અને લોકમાન્ય તિલક જેવા મનીષીઓએ દેશવાસીઓના આત્માને હલબલાવીને જાગૃત કરી દીધા.

આપણે ભારતના સામાજિક અને રાજકીય તખ્તા પર ખાદીનો પ્રવેશ ગાંધીજીના પ્રયાસોથી થયો છે તેમ જાણીએ છીએ. પરંતુ એ જાણવું રસપ્રદ થશે કે બંગાળના રાષ્ટ્રભકત રાજનારાયણ બોઝે ખાદી પહેરવાનો અનુરોધ કરેલો. પૂનાના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી વી.જી. જોશી – જેમને લોકો ‘સાવર્જનિક કાકા’ના નામે ઓળખતા, તેઓ નિયમિત કાંતતા અને તેમણે સ્વદેશી વસ્તુઓનાં વેંચાણ માટે એક ભંડાર પણ શરૂ કરેલો. તેઓ 1877માં હાથે કાંતેલી-વણેલી ખાદી પહેરીને દિલ્હી દરબારમાં ગયેલા તેવું નોંધાયેલું છે. લોકમાન્ય તિલકે સ્વ-ભાષા, સ્વ-ભૂષા અને સ્વ-ધર્મને સ્વરાજ મેળવવા માટે અનિવાર્ય માનવા આંદોલન શરૂ કરેલું. આમ ખાદી સ્વાતંત્ર્યની ચળવળ પહેલાં ભારતના જનજીવનમાં પુનર્જીવન પામી ચૂકી હતી.

ગાંધીજી દીવાનના પુત્ર હતા. બેરિસ્ટર હતા. દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા તે પહેલાં તેમણે ચરખો જોયો પણ નહોતો. પરંતું 1909માં લખેલ હિન્દ સ્વરાજમાં ચરખાનો ઉલ્લેખ કર્યો છે. તેમણે મિલ માલિકોને કહ્યું કે તેઓ ધીમે ધીમે ચરખા પર કાંતેલાં સૂતર વણવા માંડે અને વકીલો અને ડોક્ટરોને કહ્યું, તેઓ ચરખો ચલાવવા લાગે. કદાચ આ વાતની થોડા જ લોકોને જાણ હશે કે ગાંધીજી આશ્રમમાં હાથશાળને ચરખો માનીને ચાલવતા અને તે માટેનું સૂતર અમદાવાદની એક મિલમાંથી લાવતા. એક મિલ કામદારે કહ્યું કે તેઓ હાથશાળ ચલાવે છે, ચરખો નહીં, ત્યારે ગાંધીજીના કહેવાથી આશ્રમ રહેવાસી ગંગાબહેને ચરખાની શોધ આદરી અને એમને વડોદરા રાજ્યના બિજાપુર ગામમાંથી ચરખો મળ્યો. ત્યાર બાદ આશ્રમમાં ચરખો આવ્યો.

સાબરમતી આશ્રમમાં ગાંધીજી, કસ્તૂરબા, વિનોબાજી, મગનલાલ ગાંધી અને કાકા સાહેબ કાલેલકર, બધા આશ્રમવાસીઓ ચરખો ચાલવતા હતાં. કાંતણ અને વણાટમાં પ્રોયોગો થતા અને વિનોબાજી તેમાં નિષ્ણાત બન્યા. જ્યારે આશ્રમવાસીઓ વસ્ત્રમાં સ્વાવલંબી બન્યા ત્યારે ગાંધીજીને વિચાર આવ્યો કે આ રીતે તો આખો દેશ વસ્ત્રમાં સ્વાવલંબી બની શકે. તેમણે 1920માં લોકમાન્ય તિલકની સ્મૃતિમાં 20 લાખ ચરખા ચાલતા કરવાનું આહ્વાન આપ્યું. પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે આઝાદી બાદ એ સ્વપ્ન રોળાઈ ગયું.

ખાદીની યાત્રા કેમ આગળ વધી તે જોઈએ. પ્રોફેસર કૃપલાણી મુઝ્ઝફરનગર – બિહારમાં પ્રાધ્યાપક હતા. અસહયોગ આંદોલનમાં જોડાઈને તેમણે એ પદ છોડી દીધું. બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના છાત્ર ધીરેન્દ્ર મજુમદાર, વિચિત્ર નારાયણ શર્મા, કપિલભાઈ વગેરેએ પોતાનો અભ્યાસ છોડી દીધો. એ બધાએ એકઠા મળીને 1920માં ‘ગાંધી આશ્રમ’ની શરૂઆત કરીને ખાદીના કાર્યનો પ્રારંભ કર્યો.

ખાદી એ સ્વાતંત્ર્ય સેનાનીઓનો ગણવેશ બની ગઈ. તેની માગ વધી. ગામે ગામ ચરખા ચાલવા લાગ્યા. કૉન્ગ્રેસ કાર્યકર્તાઓ ઘેર ઘેર ખાદી વેચવા લાગ્યા. ગાંધીજીએ કૉન્ગ્રેસના સક્રિય સભ્યો માટે સૂતર કાંતવું અને ખાદી પહેરવી આવશ્યક બનાવ્યું. જવાહરલાલ નહેરુએ ખાદીને ‘આઝાદીકી વર્દી’ કહીને ગૌરવાન્વિત કરી. આઝાદી આંદોલનની સાથોસાથ દરેક પ્રદેશ પ્રમુખ અને નેતાએ ચરખા સંઘની શાખાઓ ખોલી. ગામે ગામે ખાદી ઉત્પાદન કેન્દ્ર અને શહેરોમાં ખાદી ભંડાર ખુલ્યા. એ બંને એકમો અહિંસક સત્યાગ્રહના સંગઠનના પ્રચાર અને પ્રસારના કેન્દ્રો પણ બની ગયા. એટલું જ નહીં, કૉન્ગ્રેસે ત્રિરંગા ઝંડામાં પણ ચરખાને અંકિત કરવાનો નિર્ણય લીધો.

હવે ચરખાના બદલાયેલ સ્વરૂપની કથા જાણીએ. જૂના પુરાણા ચરખાની ઉત્પાદન ક્ષમતા ઘણી ઓછી હતી. એથી ગાંધીજીએ ઉચ્ચ સ્તરનો અને વધુ ઉત્પાદન ક્ષમતાવાળો ચરખો બનાવનાર માટે રૂ. એક લાખનું ઇનામ એ જમાનામાં જાહેર કરેલું! ગાંધીજીને નમક સત્યાગ્રહમાં ગિરફ્તાર કરીને યરવડા જેલમાં કેદ કરવામાં આવ્યા. જેલમાં તેમણે ચરખા પર સંશોધન ચાલુ રાખ્યું અને રેંટિયાને સ્થાને બે ચક્ર વાળા ચરખાની શોધ કરી અને તે યરવડા ચરખા તરીકે ઓળખાયો. આજે ઉપયોગમાં લેવાતા પેટી, કિસાન, પુસ્તક અને પ્રવાસ ચરખા બધા મૂળે એ ચરખાના વિકસિત અને વિભિન્ન સ્વરૂપ છે.

ખાદી ઉદ્યોગે ભારતમાં એક બીજું પરિવર્તન આણ્યું. ચરખા સંઘના મોટા ભાગના કાર્યકર્તાઓ હિન્દુ હતા. કાંતણ – વણાટના કેન્દ્રો ચાલવતા મુસ્લિમ લોકોના સંપર્કમાં તેઓ આવ્યા. ખાદી સંસ્થાઓ અને સંમેલનોમાં વણકર સમાજના સભ્યો આવવા લાગ્યા. આમ ખાદીના પ્રસાર સાથે કોમી એકતા સાધવામાં અને જ્ઞાતિના ભેદભાવ દૂર કરવામાં સહાય થઇ. આમ ખાદીના પુન: પ્રવેશથી ભારતીય સમાજમાં ઇચ્છિત બદલાવ આવ્યો. વિનોબાજીએ કહેલું, “ભારત જેવો મહાન દેશ ગુલામ રહી જ ન શકે. ગાંધીજી ન આવ્યા હોત તો પણ આઝાદી મળી હોત, પણ તો આપણને ચરખો ન મળ્યો હોત; એ તેમની મૌલિક દેન હતી.”

ખાદી ઉદ્યોગને વધુ સધ્ધર બનાવવા અખિલ ભારતીય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડની સ્થાપના થઇ. પ્રથમ પંચવર્ષીય યોજનામાં પૂરી યોજનાના 2% ખાદી ગ્રામોદ્યોગ માટે ફાળવવામાં આવ્યા. ખાદી ઉત્પાદન માટે વિના વ્યાજની મૂડી આપવાની જોગવાઈ થઇ. મિલનાં કાપડ પર કર લાગુ કર્યો અને ખાદીમાં વળતર આપીને તેને પ્રોત્સાહિત કરી. 

તામિલનાડના એક શ્રમિક એકંબરનાથે ચૂડી બનાવવાના સાધન પરથી ચરખાની શોધ કરી. કૃષ્ણદાસ ગાંધીએ તેને પરિષ્કૃત કર્યો અને વિનોબાજીની સલાહ મુજબ શ્રમિકના નામ થકી ઓળખાતા અંબર ચરખાને ખાદી જગતમાં માન્યતા મળી. વિનોબાજીએ ભારત સરકારને સૂચન કર્યું કે જેમ ગામડાંના લોકો પોતાનું અનાજ પકાવી લે છે તેમ કપાસ પેદા કરીને તેમાંથી સૂતર અને કાપડ બનાવી લે તે માટે વણાટનું ખર્ચ સરકાર ભોગવે તો દરેક ગામ વસ્ત્ર સ્વાવલંબી બની જાય. તેઓ ગ્રામવાસીઓને કહેતા, “માખણ ખાઓ, કપડાં બનાઓ.” ભારત સરકારે આ સૂચન સ્વીકાર્યું, 6 એપ્રિલ 1964ને દિવસે વર્ધામાં વિનોબાજીએ અને દિલ્હીમાં નહેરુએ આ યોજનાનું ઉદ્ઘાટન કર્યું. પરંતુ ત્યાર બાદ સરકાર તરફથી મળતી સહાય ઓછી થતી ચાલી જેથી તેનો ઇચ્છિત વિકાસ ના સંભવી શક્યો.

ખાદીનું એક આર્થિક પાસું પણ છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ‘લાગત પત્રનો સિદ્ધાંત’ એ સમગ્ર ઉદ્યોગ અને વ્યાપારી જગતને ગાંધીજીની અમૂલ્ય દેન છે. કાંતનારા, વણકરો અને અન્ય કારીગરોને ઉચિત મઝદૂરી મળે, ખરીદનારાઓને યોગ્ય કિંમતે ખાદી મળે અને કાર્યકર્તાઓને જીવન નિર્વાહ માટે  ઉચિત વેતન મળે એ મુદ્દાઓને લક્ષ્યમાં રાખીને ‘લાગત પત્ર’ તૈયાર કરવામાં આવે. એ સ્વીકારવાનો અધિકાર ખાદી આયોગની પ્રમાણપત્ર સમિતિને આપવામાં આવ્યો. તેનાથી કિંમતો પર નિયંત્રણ રાખી શકાયું. આનાથી વધુ ન્યાયી અને નૈતિક માળખું ઉત્પાદક ઉદ્યોગો અને વેપારો માટે બીજું કયું હોઈ શકે? જો આ સિદ્ધાંતોનો અમલ આજ દિન સુધી તમામ ક્ષેત્રોમાં થયો હોત તો લાંચ-રુશ્વત અને બેકારીની સમસ્યા ઊભી ન થઇ હોત.

સાંપ્રત સમયની વાત કરીએ તો એશિયન ડેવેલપમેન્ટ બેન્ક દ્વારા ખાદીને સુધાર અને વિકાસ માટે આશરે રૂ.719 કરોડની સહાય આપવામાં આવી છે. તે માટે 300 જેટલી ખાદી સંસ્થાઓની પસંદગી કરવામાં આવી છે, જેમને કાંતણ – વણાટનાં સાધનો આપવામાં આવશે. તેઓ પોતાનું ઉત્પાદન ‘કેન્દ્રીય માર્કેટિંગ સંગઠન’ને આપશે. એ ખાદી ચાહે તે કિંમતે વેંચી શકશે અને એમાંથી મળતો નફો કાંતનારાઓ અને વણકરો અને કારીગરોમાં વહેંચી  દેવામાં આવશે.

પુષ્પેન્દુ દુબેજીના પ્રવચનમાં ખાદીની ઐતિહાસિક સમયથી માંડીને સાંપ્રત સમય સુધીની તમામ જ યાત્રા વણી લેવાઈ હતી. 

આ રીતે પહેલા દિવસના સંમેલનમાં ખાદીની આધુનિક યુગમાં પુન: ઉત્પત્તિની કહાણી અને ભારતીય જનજીવન, રાજકારણ, અર્થકારણમાં તેની મહત્તા તેમ જ તેની વિકાસયાત્રાનો આલેખ રજૂ થયો. 

••••••

ભાગ – 2

બે દિવસીય સંમેલનમાં કુલ મળીને ચાલીસથી વધુ વક્તાઓની પ્રસ્તુતિ વિગતે આપવાનું સંભવ ન હોવાથી કેટલાંક વક્તાઓનાં કાર્ય અને તેમની પ્રસ્તુતિની અહીં ઝાંખી કરાવીશ. કરુણા ફૂટાને વિનોબાજીની નિશ્રામાં અધ્યયન કર્યા બાદ, વર્ધા અને આદિવાસી વિસ્તારોમાં રહીને ખાદી અને ગ્રામોદ્યોગના સંવર્ધન માટે સતત કાર્ય કરી રહ્યાં છે. તેમણે સજીવ કપાસની ખેતીથી માંડીને કાપડ બનાવવા સુધીની તમામ પ્રક્રિયાઓ કેવી રીતે સફળતાપૂર્વક એ વિસ્તારમાં પાર પડી રહી છે તે વિષે વાત કરી. ખાદી એ સર્વોદયના વિચારને મૂર્તિમંત કરવાનું એક સબળ સાધન છે એ તેમણે સુંદર રીતે સમજાવ્યું.

એક પ્રયોગશીલ કિસાન તરીકે પંકાયેલ પ્રહલાદ નિમ્હાડે 1959માં વિજ્ઞાનમાં સ્નાતકની પદવી મેળવી સરકારી નોકરીમાં જોડાયા, પરંતુ તેમના પરિવારનાં મૂલ્યોની જાળવણી માટે ખેતીનો વ્યવસાય અપનાવ્યો અને અકોલા-મહારષ્ટ્રમાં પોતે ઊગાડેલ કપાસને બજારમાં વેંચવાનો ઇન્કાર કરી, એ વિસ્તારની આસપાસ જ તેમાંથી કાપડ બનાવવાની સઘળી પ્રક્રિયાઓ શરૂ કરી. તેઓ ખૂબ આગળ પડતા વિચારો ધરાવનાર ખેડૂત તરીકે પંકાયેલા છે, પ્રયોગશીલ કિસાન પરિવારના નેજા નીચે ખાદીના પ્રચાર-પ્રસાર માટે સારા ય ભારતમાં કામ કરે છે. તેમણે પોતાના અનુભવો, કાર્ય પદ્ધતિ અને મેળવેલ સફળતાની સરળ ભાષામાં રજૂઆત કરી જેથી ભલભલાને જ્યાં કપાસ પેદા થાય તેના આસપાસના વિસ્તારમાં જ કાપડ પણ પેદા થઇ શકે એ હકીકત પર વિશ્વાસ બેઠો.

આ સંમેલનના આયોજન પાછળ જેમનું મુખ્ય યોગદાન રહ્યું છે એ ભવાનીશંકર કુસુમે પોતાની સંસ્થા ગ્રામ ભારતી સમિતિ – (જયપુર) ખાદી દ્વારા પછાત જ્ઞાતિનાં સભ્યો અને મહિલાઓના ઉદ્ધાર માટે કઈ રીતે કાર્યરત રહે છે તેની સવિસ્તર વાત કહી. ખાદી અને લઘુ ઉદ્યોગો લોકકલ્યાણ માટે કેટલા અસરકારક રહ્યા છે એ તેમની વાતો પરથી સ્પષ્ટ થયું. સંમેલનની પૂર્ણાહુતિ બાદ આમેરના કિલ્લાની તળેટીમાં આવેલા તેમના કાર્યાલય પર જઈને તેમનાં કાર્ય વિષે વધુ જાણકારી મેળવવાની તક મળી.  ભવાનીશંકરે રાજસ્થાનની શ્રિયા આદિવાસી કોમ માટે ભૂદાન અને ભૂમિ સુધાર, ગ્રામ સ્વરાજ માટે પદયાત્રા, માનવ અધિકારની રક્ષા, દારૂ નિષેધ, વ્યસન મુક્તિ, સ્વચ્છતા અને આરોગ્યની તાલીમ વગેરે અનેક કાર્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારના રક્તપીત્તથી પીડિત દરદીઓ, મહિલાઓ, વિકલાંગો અને અનુસૂચિત જાતિના લોકોનું જીવન બદલી નાખ્યું. અનેક પુરસ્કારો મળ્યા હોવા છતાં અત્યન્ત નમ્ર અને મૃદુ હૃદય ધરાવતા આ કર્મશીલને મળવું એ પણ એક લ્હાવો હતો.

ખાદીને એક વસ્ત્ર તરીકે જીવિત રાખવી જરૂરી છે તેમ હવે ભારત અને વિદેશોમાં પણ સ્વિકારાવા લાગ્યું છે. તો તેને વિશ્વની બજારોમાં યથાસ્થાને મુકવા ફેશન ડિઝાઇનર્સને પણ આ સાહસમાં સાથે લેવા અનિવાર્ય બન્યું છે. ફેશન જગતમાં રીતુ બેરીનુ નામ આંતરરાષ્ટ્રીય ફેશન ડિઝાઈનર અને લક્ઝરી લીગના સ્થાપક તરીકે ખૂબ જાણીતું. તેઓનું માનવું છે કે ખાદી સમાજમાં સમાનતા લાવનાર ઉદ્યોગ છે, એ સ્ત્રી અને પુરુષ બંનેને સક્ષમ બનાવે છે. તેમના મતે ગાંધીજી સહુથી પ્રથમ ફેશન ડિઝાઈનર હતા. પોતડી અને નાના ઉપરણામાં તેમણે કઈ ડિઝાઇન ભાળી હશે, ભલા? ખાદીનો પ્રચાર અને પ્રસાર ભારતમાં અને વિદેશમાં તો જ અસરકારક બને જો યુવા પેઢીને આકર્ષી શકે તેવી ડિઝાઇનનાં કપડાં બજારમાં સુલભ બને. આથી ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને રીતુ બેરીને સલાહકાર તરીકે નીમ્યાં. રિતુજી પેરિસમાં ફેશન શૉ કરનાર પહેલાં ભારતીય હતાં. તેમને ફ્રેન્ચ અને સ્પેનિશ પુરસ્કારો ય મળ્યા છે. તે સિવાય તેઓએ પાંચ પુસ્તકો ડિઝાઇન વિષે લખ્યાં અને અનેક સરકારી-બિનસરકારી સંગઠનો અને કાર્યક્રમોના સલાહકાર અને આયોજક રહી ચુક્યાં છે. તેમણે કહ્યું કે ભારતની સાંસ્કૃતિક ધરોહર જાળવવી હોય તો ખાદી એક ઉત્તમ સાધન છે. દરેક વ્યક્તિએ તે વિષે વધુ જાણવું જોઈએ અને એ પહેરવાનો આગ્રહ સેવવો જોઈએ. તેમણે સ્ત્રી-પુરુષ બંને પહેરી શકે તેવું એક ‘વિચાર વસ્ત્ર’ ડિઝાઇન કર્યું છે જે ખરીદવા ભલામણ કરી. ખાદી એટલે ગઈ પેઢીના લોકોનો પોષાક એવો ભ્રમ હવે ભાંગશે તેમ રિતુજીની વાત પરથી શ્રદ્ધા બેઠી.

નવોદિત ડિઝાઇનર્સ કેવી રીતે ખાદીનાં માધ્યમથી આધુનિક કાપડ ઉદ્યોગને અસર કરી રહ્યા છે તે એક બીજા વકતાના સંવાદથી માલુમ પડ્યું. અદિતિ જૈન ફ્રીલાન્સ ટેક્સટાઇલ ડિઝાઈનર છે અને દોઢેક વર્ષથી ગાંધીગ્રામમાં કામ કરે છે. તેઓ વણાટ કલામાં ઊંડો રસ ધરાવે છે. વણકરો આ સમયની માર્કેટને અનુરૂપ ડિઝાઇન વિકસાવે તે માટે કામ કરી રહ્યાં છે. થિરુનેલવેલી-તામિલનાડુમાં વણાટ કેન્દ્રોમાં ટુવાલ માટેની શાળ પર દુપટ્ટા બનાવવા અને સાદાં કોરાં કાપડને સ્થાને સાડીઓ વણવાના તેમના પ્રયોગો સફળ રહ્યાં છે. પરિણામે વણકરોને સારી એવી કમાણી થાય છે. અદિતિ કાપડ રંગાઈ પર પણ વધુ કામ કરી રહ્યાં છે. આમ નવી પેઢીનાં યુવકો-યુવતીઓ આ ક્ષેત્રે રસ લઈને ખૂબ ખંતથી કામ કરી રહેલા છે તે જોઈને સંતોષ થાય.

સામાન્ય રીતે ફેશન અને ફેશન ડિઝાઈનર શબ્દ સાથે મહિલાની તસ્વીરની ઝાંખી થયા વિના ન રહે. પરંતુ હવે એ ક્ષેત્રમાં પુરુષોએ સ્થાન જમાવ્યું છે. હિમ્મત સિંહ એમાંના એક ફેશન ડિઝાઈનર. તેમણે રાજસ્થાનના શાહી પોષાક, એથનિક ડિઝાઇન આધારિત પોષાકો અને ગ્રામ્ય કલાઓને જાળવવા સતત સંશોધન અને સુધાર થતા રહે તેવો આગ્રહ સેવ્યો છે. હિમ્મત સિંહ ભારતની પારંપરિક કલા અને કૌશલ્યને ગૂંથીને ડિઝાઇન કરેલાં વસ્ત્રોના પ્રદર્શન દુનિયાના મોટા મથકોમાં કરવામાં સફળ રહ્યા જેમાં તેમણે ખાદીનો પણ ઉપયોગ કરેલો છે. દાદા સાહેબ ફાળકે અને એ.પી.જે. અબ્દુલ કલામ પુરસ્કારોથી નવાજિત તેવા આ ફેશન ડિઝાઇનરે આધુનિક ટેક્સ્ટાઇલ જગતની માગને સમજીને ખાદીને પણ સુંદર રીતે સજાવીને બજારમાં મૂકી શકાય એ વાતને ભારપૂર્વક રજૂ કરી. હિમ્મત સિંહનું કહેવું હતું કે ખાદીને આધુનિક ફેશન સાથે જોડવાની જરૂર છે. બાંગ્લાદેશી ફેશન ડિઝાઈનર બીબી રસેલનું માનવું છે કે ખાદીની પાછળ ગાંધીજીનો વિચાર સ્વદેશીનો હતો. આપણે ખાદીને અન્ય લોકો સાથે નહીં, પોતાના લોકો સાથે જોડવાની જરૂર છે.

આગળ કહ્યું તેમ ખાદી આજે નૈતિક વસ્ત્ર તરીકે ઓળખાતું થયું છે. એ મુદ્દા પર એક વક્તાના વિચારો જાણીએ. શૈલિનીબહેન સેઠ અમીનથી ઇંગ્લેન્ડની ખાદીપ્રિય જનતા પરિચિત છે. મોરલ ફાઈબર સંસ્થાના સ્થાપક શૈલિનીબહેનનો વ્યવસાય મૂળે સ્થપતિનો અને આર્થિક બાબતોનાં પરામર્શકનો છે. તેમનાં કાર્યનો વ્યાપ ઉર્જાનો યોગ્ય વપરાશ અને બચાવ, ઉદ્યોગોમાં ટકાઉ ઉત્પાદન પદ્ધતિનો પ્રચાર અને ઇમારતો, લોકકલા અને જાહેર સ્થળોની ધરોહરની જાળવણી કરવા માટેના પ્રકલ્પો કરવા સુધીનો છે. આ સંમેલનમાં તેઓએ મોરલ ફાઈબર કઈ રીતે ખાદીને વિશ્વવ્યાપી બનાવવા પ્રયત્નશીલ છે તેની વાત કરી. તેમના મતે ખાદી લગભગ કાર્બન ન્યુટ્ર્લ છે અને એલર્જીથી મુક્ત પણ છે. તેમણે કહ્યું, ફેશન ડિઝાઈનર્સને પર્યાવરણને નુકસાન થાય તેવા કાચા માલની જરૂર નથી. તેઓ હવે નફા કરતાં પૃથ્વીની વધુ કાળજી કરવા માંગે છે. ખાદી સજીવ દ્રવ્ય દ્વારા વિઘટનક્ષમ છે અને ઓછામાં ઓછાં સ્રોત વાપરતી હોવાને કારણે સહુથી વધુ હિતકારી છે. તેઓએ છેલ્લાં આઠેક વર્ષમાં 2,500 જેટલાં કારીગરો-મુખ્યત્વે મહિલાઓને પોતાના કલા કૌશલ્યને જાળવી રાખવા મદદ કરી છે. એ રીતે તેઓ ગુજરાતમાં શાંત ક્રાંતિ લાવી રહ્યાં છે.

ખાદીનો ઉપયોગ વધારવા લોકોને ભલામણ કરીએ તો જરૂર તેની માગ વધે, જે માટે તેનું ઉત્પાદન અને ગુણવત્તા પણ સુધારવી આવશ્યક બને. એ વિષય ઉપર ગુજરાતના એક સાહસિક ઉદ્યોગપતિએ વાત કરી. પ્રશાંત ગ્રુપ-અમદાવાદના મેનેજીંગ ડાયરેક્ટર પ્રકાશભાઈ શાહે ખાદી એક નૈતિક વસ્ત્ર તરીકે માન્ય થતું ગયું છે તેમ જ  સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને સર કરવા માટે મહત્ત્વનું સાધન સાબિત થયું છે તે વિષે વધુ માહિતી આપી. પ્રકાશભાઈના મતે આજના યુગમાં ખાદીને બેકારી નિવારક અને પર્યાવરણ રક્ષક તરીકે મુખ્યત્વે માપવી જોઈએ. તેમાં એની નૈતિકતાનું પ્રમાણ મળી રહે. જો ખાદીને ભારતમાં વધુને વધુ લોકો રોજિંદા વસ્ત્ર તરીકે અપનાવે એ લક્ષ્યને સિદ્ધ કરવું હોય તો તેની ગુણવત્તા અને ઉત્પાદનનું પ્રમાણ વધારવું જોઈએ એમ તો સહુ સ્વીકારે છે. એ માટે અંબર ચરખા પર સૂર્ય ઉર્જાના ઉપયોગને માન્યતા મળવી આવશ્યક છે એવો તેમનો દ્રઢ મત છે. એવી જ રીતે હાલમાં કાંતણને એક વ્યવસાય રૂપે સ્વીકારનાર લોકો આઠ અને બાર ત્રાકના અંબર ચરખા ચલાવે છે, તો હવે ત્રાકની સંખ્યા વધારીને 96 સુધી લઇ જવામાં આવે તો ખાદી ઉત્પાદન અને વેચાણને ઘણો ફાયદો થાય એ વિષે તેમણે ભારપૂર્વક દલીલ કરી.

જેમ કપાસ, કાંતણ, વણાટ અને કાપડની ફેશન ડિઝાઇન વિષે અનેક વકતાઓએ વાત કરી તેમ કપાસ અને તેનાં બિયારણ વિષે વૈજ્ઞાનિક માહિતી પણ એક વકતા પાસેથી મળી રહી. વી. સ્વામીનાથને સજીવ કપાસનાં બીજ ઉપર સંશોધન કર્યું છે. ઓર્ગનિક ફાર્મિંગ એસોસિએશનના સભ્ય વી. સ્વામિનાથને કપાસનાં બીજની અલગ અલગ જાતો, તેના ગુણધર્મો અને તેનો વિવિધ પ્રકારનાં કાપડ પેદા કરવા થતો ઉપયોગ એ વિષે વાત કરી. વિજ્ઞાનમાં બાયોટેક્નોલોજી અને મોલેક્યુલર ડાયોગ્નોસ્ટીકસમાં અનુસ્નાતક ઉપાધિઓ મેળવીને કેન્સર પર પીએચ.ડી.ના અભ્યાસ દરમ્યાન સ્વામિનાથનને ખ્યાલ આવ્યો કે રસાયણો અને જંતુનાશક દવાઓ કેન્સર જેવા રોગોના ફેલાવા માટે થોડેઘણે અંશે જવાબદાર છે. પીએચ.ડી.નો અભ્યાસ અધૂરો મૂકીને તેઓ સાત વર્ષથી દેશી બિયારણ વાપરીને સજીવ કપાસની ખેતી કરવા ખેડૂતો સાથે મળીને કામ કરી રહ્યા છે. કિસાનોમાં વધતા આત્મહત્યાના બનાવો અને વિદેશી કપાસ તથા બિયારણના પ્રશ્નો ઉકેલવા કેવા પ્રકારનાં બી અને કપાસની ખેતી આવશ્યક છે તે સમજાવવા તેઓએ કપાસિયાના જીન્સ અને ડી.એન.એ.ની સમજણ આપવા કોશિશ કરી. યુવા પેઢીમાં આવા વૈજ્ઞાનિકો સજીવ કપાસની ખેતી માટે સંશોધન કરશે તેથી ખાદી જેવા ઉદ્યોગોને બઢાવો જરૂર મળશે એમ  સ્વામિનાથનની વાત પરથી ખાતરી થઇ.

સંમેલનના બીજા દિવસે ખાદીના વેચાણ, નિકાસની શક્યતાઓ, કિફાયતી દામ અને ઉત્પાદન ક્ષમતા વિષે સંવાદ થયો. તેમાં ‘ખમીર’ – કચ્છના ડાયરેક્ટર ઘટિત લહેરુએ કારીગરો અને મહિલાઓના કસબ દ્વારા ખાદી અને તેની સાથે જોડાયેલ અન્ય ઉદ્યોગોનો વિકાસ કઈ રીતે થાય તે વિષે ટૂંકમાં નિવેદન કર્યું. નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ અને કચ્છ નવ નિર્માણ અભિયાનના સહયોગથી ‘ખમીર’નો જન્મ થયો. કચ્છ અનેક કલાઓથી સમૃદ્ધ પ્રદેશ છે જ્યાં વિવિધ સમાજના લોકો પરસ્પર સાથે સંકળાઈને એક અદ્દભુત આર્થિક-સામાજિક જીવનનાં તાણાવાણા વર્ષોથી વણતા રહ્યા છે. ‘ખમીર’ હાથ વણાટ, અજરખ અને બ્લોક છાપકામ, ચર્મ ઉદ્યોગ, લાકડા પર રંગ અને કોતરણી, ધાતુના ઘંટ, કાચની વસ્તુઓ અને ચાંદીના ઘરેણાં બનાવવા એવા સાત ઉદ્યોગોને લગતું જ્ઞાન અને પરંપરા સાચવવાનું કાર્ય કરી રહ્યું છે. કચ્છના નાના રણમાં સહેલાઈથી પેદા થતો કાળો કપાસ અને તેમાંથી બનતી ખાદીનો પ્રસાર કરવામાં ‘ખમીર’નું યોગદાન ઘણું છે અને તેઓ હજુ વધુ એ દિશામાં કામ કરવા ધારે છે.

ખાદી એક વસ્ત્ર તરીકે વિદેશી કર્મશીલોને પણ આકર્ષી રહી છે. એક બેઠકમાં જાપાનમાં કૅલિકોની ડાયરેક્ટર ફૂમી કોબાયાશીએ ખાદીની નિકાસની શક્યાતઓ વિષે એક આશાવાદી ચિત્ર દોરી આપ્યું. જાપાનની સમાચાર માધ્યમો અને કન્સલ્ટન્સી કંપનીમાં ભારત અને સામાજિક વિકાસ વિભાગની જવાબદારી સંભાળતાં ફુમીને ટેક્સટાઇલ ડિઝાઇન અને ઇતિહાસ પર સંશોધન કરવાનો અવસર મળ્યો. જપાનમાં ડિઝાઇન અને કાર્યશાળાઓ દ્વારા ગ્રામ્ય કલાઓ અને કાપડના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. તાજેતરમાં તેમણે હાનક્યુ ડિપાર્ટમનેટ સ્ટોર-ઓસાકામાં કચ્છ ક્રાફ્ટ્સ અને ટેક્સટાઇલ શો યોજ્યો. ખાદી અને અન્ય હસ્તકલાઓના ઉત્પાદનમાં વધારો, યોગ્ય કિંમતની આંકણી અને પુરવઠો પૂરો પાડનાર સાંકળના તમામ અંકોડાઓના સહકારથી ખાદીની નિકાસ જરૂર કરી શકાય તેવું તેમણે પ્રતિપાદન કર્યું.

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા – જયપુરને ખાદી ઉદ્યોગ સાથે શી લેવા દેવા હોઈ શકે તેવો વિચાર વક્તાઓની યાદીમાં વિનોદ કુમાર સિંગલાનું નામ જોઈને આવ્યો. એસ.બી.આઈ. ખાદી સહિત અન્ય નાના ઉદ્યોગના માલિકોને ઓછા વ્યાજે લોન આપે, જમા અને ઉધાર માટે ઝડપી ઇન્ટરનેટની સુવિધા વાપરવા તાલીમ આપે, મૂડીનાં રોકાણ અને વ્યાજનો પોતાના ધંધામાં અસરકારક ઉપયોગ કરવા સલાહ પૂરી પાડે છે અને એ રીતે તેઓ ખાદી ઉત્પાદન અને વેચાણ સાથે જોડાયેલ વ્યક્તિઓ તેમ જ સંસ્થાઓને ખૂબ જ સહાયરૂપ થઈને ખાદીના પ્રચાર-પ્રસારમાં ફાળો આપે છે તેની વિગતે માહિતી આપી.

ખાદી એટલે ‘હાથે કાંતેલા અને હાથે વણેલ કાપડ’ એ વ્યાખ્યા સર્વસ્વીકૃત છે. પરંતુ તેમાં વપરાતો કપાસ કઈ રીતે પેદા કરવો અને કઈ જાતનો છે એ પણ ખાદીને નૈતિક વસ્ત્ર બનાવવા માટેનો સૌ પહેલો સ્રોત છે તે ભૂલવું ન જોઈએ. એ વિષય પર માહિતી સભર પ્રસ્તુતિ કપિલભાઈ શાહે કરી.

સજીવ કપાસ અને ખાદીની નવા સંદર્ભથી વ્યાખ્યા : કપિલભાઈ શાહ 

કપિલભાઈ એટલે જતન ટ્રસ્ટ દ્વારા સજીવ કપાસની ખેતી અને ખેડૂતોની કાળજીથી સંભાળ લેનારા. તેમણે કેટલાક આંકડાઓ અને ગ્રાફ્સ દ્વારા કપાસથી કાપડની પ્રક્રિયા સમજાવી. 40 એકરમાં ઊગાડેલ કપાસથી ગામની 60 વ્યક્તિને રોજગાર આપી શકાય કે કેમ તેની માંડીને વાત કરી. ખાદી ઉત્પાદન સૂર્ય ઉર્જાથી થાય તો ઉત્તમ, પરંતુ વીજળીના ઉપયોગનો બાધ ન રાખીએ તો એક મીટર કાપડના 100 રૂપિયાના ભાવે કાપડ બને કે કેમ અને વર્ષની 60થી 80 હજાર મીટર જેટલી ખાદી વેંચવાનો પડકાર ખાદી જગત ઝીલી શકે કે કેમ તે વિષે વિચાર કરવા પ્રેર્યા.

કપિલભાઈએ ધ્યાન દોર્યું કે અત્યાર સુધી ટેક્સટાઇલ, ઇલેક્સ્ટ્રીક અને મિકેનિકલ વિદ્યાશાખાઓ ખાદી ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાતી હતી, હવે ઇલેક્ટ્રોનિક્સ, હાઇડ્રોલિકસ અને કમ્યુનિકેશન વિજ્ઞાન શાખાઓ ઉમેરવી જરૂરી બની છે. આમ કરીશું તો ખાદીને વિશાળ – બને કે વૈશ્વિક તખ્તા પર મૂકી શકાય. જતન ટ્રસ્ટ માત્ર કપાસના બીજ અને ખેતી સંલગ્ન કાર્ય કરે છે તેવું નથી. કપિલભાઈ ખાદીને એક સમગ્ર વિચાર વસ્ત્ર તરીકે માપે છે. તેમણે ખાદીનો આર્થિક સંદર્ભ વપરાશકર્તાને કેન્દ્રમાં રાખીને સમજાવ્યો. અહીં હું વાચકોને તેમના ખાદીના ‘ગ્રાહક’ નહીં, ‘વપરાશકર્તા’ શબ્દ પ્રયોગ પર ધ્યાન દોરવા માંગુ છું, કેમ કે તેનાથી તેઓ વ્યક્તિને ખાદી પહેરનાર તરીકે જુએ છે, માત્ર એક બજારુ ગ્રાહક તરીકે નહીં. શક્ય તેટલી સસ્તી ખાદી બને, તેની પ્રક્રિયામાં સ્રોતોનો ઓછામાં ઓછો બગાડ થાય, કારીગરોની કાર્યક્ષમતા વધે, ઓછામાં ઓછા મૂડી રોકાણ કરીને પણ હરીફાઈમાં ટકી રહેવાનું આયોજન થાય અને તેમ કરવા માટે સરકારી રાહતોમાંથી મુક્તિ મેળવવી એ મુદ્દાઓની છણાવટ કરી.

ખાદીનો પર્યાવરણીય સંદર્ભ પ્રકૃતિને કેન્દ્રમાં રાખવાથી સમજી શકાય. કપાસનાં દેશી બીજની જાળવણી અત્યંત આવશ્યક છે કેમ કે તેનાથી જળ અને ઉર્જાની બચત થાય છે અને પ્રદૂષણ ઓછું થાય છે એવું કપિલભાઈએ વર્ષોના અનુભવે સાબિત કરેલું છે. કપાસથી માંડીને કાપડની તમામ પ્રક્રિયાઓમાં સૂર્ય ઉર્જાનો વધુ ને વધુ ઉપયોગ અને સ્થાનિક પ્રક્રિયાની નીતિ અપનાવવાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડી શકાય તે વિષે કપિલભાઈએ સુંદર વાત કરી.

ખાદીનો ત્રીજો સામાજિક સંદર્ભ ઉત્પાદકને કેન્દ્રમાં રાખીને સમજી શકાય. વધુમાં વધુ લોકોને રોજગાર મળે તેવી યોજનાઓ કરવી, શ્રમનું પૂરતું મૂલ્ય ચૂકવવું જેથી ગામડાં ભાંગે નહીં, સ્થાનિક પરંપરા અને કૌશલ્યોને જાળવવા, તેનું સંવર્ધન કરવું અને સ્થાનિક ઉત્પાદન સાથે સ્થાનિક વપરાશને સાંકળવા તે સામાજિક ઉત્થાન માટે જરૂરી છે.

ખાદી સાથે સંકળાયેલ સ્વાસ્થ્ય સંદર્ભ કદાચ આજે સહુથી વધુ રોચક અપીલ કરે તેવો છે. જેમાં જનારોગ્યને કેન્દ્રમાં રાખવાની વાત છે. કારીગરોની વૈતરામાંથી મુક્તિ, અંબર ચરખા ચલાવનારાઓ માટે કીટી અને ઘોંઘાટનું નિવારણ, જંતુનાશકોના વપરાશથી થતા નુકસાનથી મુક્તિ અને કુદરતી રંગોના ઉપયોગ થકી જનારોગ્યની જાળવણી થઇ શકે તેના પર કપિલભાઈએ ભાર મુક્યો. ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન 94% ઓછું થાય, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ વિના અને જૈવિક મૉડિફિકેશનનો સહારો લીધા વિના સજીવ કપાસની ખેતી શક્ય છે, એ વિષે તેમની શ્રદ્ધા શ્રોતાઓને તેમ જ વાચકોને પણ સ્પર્શ કરી જાય તેવી છે. વળી તેનાથી ઉર્જા અને પાણીનો ઓછો વપરાશ થાય, જૈવિક વૈવિધ્ય સચવાય અને ટકાઉ ટેક્નોલોજીના ઉપયોગથી કપાસનું ઉત્પાદન થાય તો સજીવ કપાસની પદ્ધતિ શાને ન અપનાવવી? આવું અત્યંત પ્રેરક વક્તવ્ય સહુને વિચાર કરતા કરી દે તેવું જ હતું.

કપિલભાઈના વક્તવ્યનો સાર હતો : ખાદીની ફરીથી વ્યાખ્યા કરીએ, આપણા પ્રયાસો કપાસનાં બિયારણ, તેના પરનો એકાધિકાર, કપાસની ખેતીની ગુણવત્તા, ખાદીની રંગાઈની પર્યાવરણ પર અસર જેવા મુદ્દાઓ પર વિચારણા અને કાર્ય કરવાના હોવા જોઈશે.  ખાદીની વ્યાખ્યાને બદલ્યા વિના વિવિધ પ્રકારના પર્યાવરણને જાળવનાર ટકાઉ કાપડ પર પ્રયોગો કરી તેનું ઉત્પાદન અને વેચાણ થવું હિતાવહ છે. તે માટે ગ્રાહકોને માહિતગાર કરવા જરૂરી છે. ખાદીને વિશ્વના તખ્તા પર મુકવા ઉત્પાદન માટેની ટેક્નોલોજીમાં સુધારા કરવા આવશ્યક છે. અને સહુથી મહત્ત્વની વાત છે, ખાદી માટે ઓછી કિંમતે છતાં વિશ્વસનીય ગુણવત્તાની ખાતરી આપે તેવી પદ્ધતિ કે જે ગાંધી મૂલ્યો આધારિત હોય એ  વિકસાવવી ખૂબ આવશ્યક છે. હવે ખાદી હાથે કાંતેલાં અને હાથે વણેલાં વસ્ત્ર એવી વ્યાખ્યાથી ચલાવી લેવાય તેમ નથી. તેમાં કપાસનાં દેશી બીજ, બૌદ્ધિક સંપદા અધિકાર વિનાનાં બીજની ઉપલબ્ધિ, સજીવ ખેતીનો કપાસ, કુદરતી રંગો જેવા મુદ્દાઓનો સમાવેશ કરવો રહ્યો. આજે વ્યાખ્યા પ્રમાણે ખાદી બને છે કે નહીં તે કરતાં ખાદી વિચારની દિશામાં ખેડાણ થાય છે તે જોવાનું રહ્યું. સમાપન કરતાં કપિલભાઈએ કહ્યું, સૌર ઉર્જા કે વીજળીથી પેદા થતી ખાદી સરકારી સહાય કે ભ્રષ્ટાચારથી પેદા થતાં વસ્ત્ર કરતાં ખાદીના વિચારની વધુ નિકટ ગણાય. એવાં વસ્ત્રને ‘ખાદી’ નામ ન આપવું, તેને ‘લોક વસ્ત્ર’’ કે ‘હરિત વસ્ત્ર’ કહી શકાય.

લંડનથી બે દિવસીય સંમેલનમાં ભાગ લેવા આવેલ લોરેન્સ સેવેલે વિશ્વની બજાર માટે ખાદીનો અવિરત પુરવઠો પૂરો પાડવા વિષે વક્તવ્ય આપ્યું, જેનો સાર આ પ્રમાણે. પુરવઠાની સાંકળમાં મુખ્ય ચાર કડીઓ હોય છે; માલની પ્રક્રિયા અને ઉત્પાદનમાં સુધારો, ધંધાનો વિકાસ કરવો, બજાર સાથે કડી જોડી રાખવી અને ગ્રાહકો માટેની સેવામાં સુધારો કરવો. ખાદીની પુરવઠાની સાંકળને વિશ્વની બજારમાં ટકી રહેવા માટે કેટલીક બાબતો યથાસ્થાને હોવી અનિવાર્ય છે જેમ કે તેની પર્યાવરણને જાળવવાની ક્ષમતા, મહિલાઓ અને અન્ય અન્યાયનો ભોગ બનેલ સમાજને સશક્ત બનાવવાની સજ્જતા, ખાદીને પ્રમાણિત કરવી અને તેની ખાતરી કરી શકાય તેવી ઝીણવટભરી તપાસ કરી શકવાની સંભાવના હોવી, શોષણ યુક્ત ઉત્પાદન પદ્ધતિથી મુક્તિ, દેશ અને વિદેશની બજારોની માગ વિષે જાણકારી અને તમામ હિતધારકો સાથે ભાગીદારી કરવાની કુશળતા. લોરેન્સે ખાદી ઉત્પાદનની પ્રક્રિયા અને પ્રમાણ સુધારવા નવીન અને યોગ્ય ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મુક્યો. સાથે જ નૈતિક મૂલ્યોની જાળવણી અને કારીગરોના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવાને પણ મહત્ત્વ આપ્યું. આજે આપણે ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાંથી તૈયાર કપડાં ખરીદીએ છીએ. ગ્રાહકો માત્ર એટલું જ જાણે છે, એ શર્ટ કે સ્કર્ટ કયા દેશમાં બનેલ છે, પણ એ જાણતા નથી કે તે કઈ રીતે બને છે, કોણ બનાવે છે, તેમની કામ કરવાની પરિસ્થિતિ કેવી છે, તેમને શી મજૂરી મળે છે વગેરે. તો સારો ધંધો કોને કહેવાય? વ્યાપારની દ્રષ્ટિએ નભી શકે તે અને આર્થિક રીતે નફાકારક હોય તે? એ માટે ખાદીના વ્યાપારનું સારું આયોજન અને વહીવટ અને કાપડની સારી ગુણવત્તાની ખાતરી હોવી જોઈએ. પુરવઠાની સાંકળના બધા મણકા સાથે મજબૂત અને સારા સંબંધો હોવા ઘટે. અન્ય કાપડના વ્યાપારોની માફક ખાદી ઉદ્યોગે પણ સમયસર માલ પૂરો પાડવો, ગુણવત્તા અને પ્રમાણના ધોરણોને ચકાસતા રહેવું, કિંમત પર નજર રાખવી અને ઉત્પાદન પ્રક્રિયા વિષે પારદર્શકતા અખંડ રાખવી અત્યન્ત જરૂરી છે, તો જ તે વિશ્વ બજારમાં ટકી શકે. પરિણામ આધારિત વહીવટી માળખું ઊભું કરવાનો હેતુ છે; આપણે સાચું કામ  કરીએ છીએ અને તેનાથી વધુ અસરકારક રીત અપનાવી શકાય તે માપી જોવાનો પ્રયાસ કરીએ છીએ તે સહુ હિતધારકોને વિદિત કરવાનો. અને એ બાબત લોરેન્સે સારી રીતે સમજાવી.

લંડન સ્થિત ‘વ્હેર ડઝ ઈટ કમ ફ્રોમ’ સંગઠનના સ્થાપક જો સોલ્ટરે લાંબા સમય સુધી ખાદીની પુરવઠાની સાંકળ કઈ રીતે ટકી રહે તે વિષે વક્તવ્ય આપ્યું. એમનું માનવું છે કે કપડાં ખરીદતી વખતે જાતને પૂછો, એ તમારાં શરીર, સમાજ અને પર્યાવરણને માટે લાભદાયી છે? જેના ઉત્પાદન પાછળ તેની બનાવટનો ઇતિહાસ જાણવાની શક્યતા, નૈતિક મૂલ્યોની જાળવણીની ખાતરી અને ઉદ્યોગનું દીર્ઘાયુપણું હોય અને ગ્રાહકને એ કપડાં સાથે નાતો જોડી આપે તે આપણા માટે યોગ્ય કાપડ કહી શકાય. યુ.એન. દ્વારા દર્શાવાયેલા સસ્ટેનેબલ ડેવેલપમેન્ટ ગોલ – ટકાઉ વિકાસ માટેના લક્ષ્યાંકો અને પર્યાવરણમાં ઊભી થયેલ કટોકટીને કારણે ફેશન જગતમાં ક્રાંતિ આવી રહી જણાય છે. આ દિશામાં હજુ ઘણું કરવાનું બાકી છે. યુ.કે.માં બહેનો પગરખાં પાછળ અઠવાડિયામાં 62 મિલિયન પાઉન્ડ ખર્ચે છે, જ્યારે નૈતિક મૂલ્યો જાળવીને પેદા થયેલ કપડાં પાછળ 50 મિલિયનથી ઓછો ખર્ચ થાય છે. જો કે ચેરિટી શોપ્સનું વેચાણ વધ્યું છે. ખાદી જેવાં વસ્ત્રની કિંમત પણ ગ્રાહકોને વધુ પડતી ખરીદી કરતા રોકી શકે. પુરવઠાને બજારની માગ સાથે તાલમેલમાં રાખવા કપાસની ખેતી, કાંતણ, વણાટ, રંગકામ, છપાઈ અને વેંચાણ એ તમામ તબક્કે તેની ગુણવત્તા અને નીતિબદ્ધ હોવાની પારદર્શકતા જાળવવી અનિવાર્ય છે. વ્હેર ડઝ ઈટ કમ ફ્રોમ’નું લક્ષ્ય છે, કાપડની પેદાશના મૂળ સુધ્ધાંની માહિતી સહેલાઈથી ઉપલબ્ધ કરાવવી. ગ્રાહકોને શિક્ષિત કરવા, જે ખાદીની બનાવટો વેંચાય તે વિષે પૂરતી માહિતી એકઠી કરવી, તેમનો વિશ્વાસ સંપાદન કરવો, માલ પેદા કરનાર અને પૂરો પાડનાર તરફથી ગુણવત્તાની સંપૂર્ણ ખાતરી મેળવવી એ જ ખાદીને વિશ્વવ્યાપી બનાવવાની ચાવી છે. જોના વક્તવ્યએ ઘણાને વિચારતા કરી મુક્યા.

ગાંધી નિર્વાણ દિનથી શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ખેડૂતથી માંડીને મુખ્યમંત્રી અને વિખ્યાત ડિઝાઇનર્સથી માંડીને નાનાં ખાદી કેન્દ્રોના સંચાલકો સુધીના આ ક્ષેત્ર સાથે જોડાયેલા વિવિધ લોકો વચ્ચે સધાયેલ સંવાદ એક નવી ઉર્જા પેદા કરી ગયો. લોકશક્તિ અને સ્વાયતત્તાના પ્રતીક સમી ખાદી ભારત, યુ.કે. અને જપાનના અગ્રગણ્ય ડિઝાઇનર્સ માટે નોંધપાત્ર વિચારણાનો વિષય બની જશે એવું ધાર્યું નહોતું. યુવા પેઢીને રુચે તેવી ડિઝાઇન બનાવવી, ઉત્પાદન ક્ષમતા વધારવી અને કાપડ સોંઘું બનાવવું એનો ખાદી ઉદ્યોગમાં અભાવ રહ્યો હતો, જેથી એ અન્ય કાપડની સાથે હરીફાઈમાં ઊભી ન રહી શકી. પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખાદી ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂતથી માંડીને તમામ કારીગરોની આજીવિકા પર પણ અસર પડી. વિવિધ મુદ્દાઓ પર વિશદ ચર્ચાઓને અંતે ઉદ્યોગ ખાતાના  મુખ્ય સેક્રેટરી સુબોધ અગરવાલે કહ્યું, ગરીબી નિવારણ, સમાજનું સશક્તિકરણ, સ્ત્રી-પુરુષ સમાનતા, સામાજિક ન્યાય અને પર્યાવરણને સ્પર્શતા પ્રશ્નો જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવાની તત્કાળ જરૂર ઊભી થઇ છે. 

સંમેલનની ફલશ્રુતિ કહી શકાય તેવી એક બાબતનો ઉલ્લેખ કરું. ખાદી અને ગ્રામોદ્યોગની ચીજોને જી.એસ.ટી. કરમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ ખાદીનાં કાપડમાંથી બનેલ વસ્તુઓને કરમુક્તિ નથી એ વિષે ચર્ચા ખાદી સંમેલનમાં થઇ તેથી રાજસ્થાનના મુખ્ય મંત્રી ગેહલોતે કેન્દ્રના નાણામંત્રી સીતારામનને ખાદી સાથે ઉત્પાદિત તમામ ચીજોને કરમુક્ત કરવા તાત્કાલિક પગલાં લેવા અનુરોધ કર્યો. આથી આ સંમેલનની અન્ય સફળતાઓમાં વધુ એકનો ઉમેરો થયો એમ કહી શકાય.

ભવિષ્યમાં ભારતના બધા રાજ્યો અને વિદેશોમાં ખાદી ઉદ્યોગ પ્રત્યે રસ ધરાવનારાઓ વચ્ચે આવા જ સંવાદ રચાશે અને ખાદીને એક ‘વિચાર વસ્ત્ર’ તરીકે માનવંતુ સ્થાન મળશે એવી આશા.

[આશરે 6,425 શબ્દો]

e.mail : 71abuch@gmail.com

Loading

7 May 2020 admin
← કોરોના સામેની લડતમાં સફળ કેરળ મૉડેલ અને નિષ્ફળ ગુજરાત મૉડેલ
રડતી સૂરત’ હોય તો પણ ,’સુરત સોનાની મૂરત ‘ છે અને રહેશે… →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved