ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, બિહાર વગેરે રાજ્યના સ્થળાંતરિત મજૂરોને આપણે ગુજરાતીઓ પુરી-શાક-ખીચડી ખાઈએ તે ફાવે નહીં. નાનાં છોકરાં તો એકલી પુરી ખાય. આવું બહુ દિવસો સુધી વેઠવું મુશ્કેલ છે. વળી સુરત જેવા શહેરમાં ખાવાનું મળે તે જગ્યાએ જવા માટે વહેલા નીકળી જવું પડે અને ઘણી વાર તો ચાર-ચાર કલાક લાઇનમાં ઊભાં રહેવું પડે.
ખરેખર તો ઘઉં, ચોખા, મસાલા, તેલ, દાળની કરિયાણાની કીટ કરીને આપી દેવી જોઈએ કે જે પંદરેક દિવસ સુધી ચાલે. આવી કીટ એકાદ હજાર રૂ.ની થાય. લગભગ આઠ રાજ્યોની સરકારો પહોંચી ન વળે તો વિસ્તાર પ્રમાણે જવાબદારી સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓને સોંપી દેવી જોઈએ. કૉન્ટ્રાકટર, ફેક્ટરીના માલિકો જેવા લોકોએ આગળ આવી આ કામમાં લાગી જવું જોઈએ.
સૌથી મહત્ત્વની વાત કે દરરોજ ખાવાનું બનાવવું, પૅક કરવું અને જઈને આપવું ઘણું જોખમકારક બને છે. ગુજરાત સરકારની અન્નબ્રહ્મ યોજનાના સર્વેમાં ઘણી ઊણપો છે. તેમાં ઘઉં વધુ પ્રમાણમાં અને ચોખા ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તમે અને હું આપણાં ઘરમાં છીએ. સાંજે ખાવાનું મળશે કે નહીં, તેની અનિશ્ચિતતા નથી અને લાઈનમાં ઊભાં રહીને અપમાનજનક રીતે ખાવાનું માગવાનું પણ આપણા ભાગમાં આવ્યું નથી. પણ એક દિવસ માટે આપણે બીજાં રાજ્યોથી આવેલા એક સ્થળાંતરિત મજૂર બની જોઈએ તો ખ્યાલ આવશે કે કેટલા ય દિવસો સુધી સરખું ખાવાનું ન મળે ત્યારે મનોસ્થિતિ કેવી થાય છે.
સ્થળાંતરિત લોકો બહાર રોડ પર આવે નહીં તેમ ઇચ્છતા હોઈએ તો તેમને વહેલી તકે રાશન કીટ આપવી જોઈએ. તેમાં આધાર કાર્ડ અથવા એમના રાજ્યમાં કે કાયમી વસવાટના સ્થળે એમનું કાર્ડ છે કે નહીં તે પણ ન જોવું જોઈએ. એવું નહીં થાય તો આવનારા દિવસોમાં આ સમુદાયમાં ભૂખમરો સર્જાય એવી ભયંકર સંભાવના છે.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 23 ઍપ્રિલ 2020