વિશ્વમાં કોરોના વાઇરસની મહામારી શરૂ થઇ છે ત્યારથી, ૨૦૧૧માં બનેલી હોલિવૂડની ફિલ્મ ‘કન્ટેજેન’ (સંક્રમણ) દર્શકોમાં ધૂમ મચાવી રહી છે. સ્ટીવન સોડરબર્ગ નિર્દેશિત આ ફિલ્મમાં કોરોના જેવા એક અજાણ્યા વાઈરસની કહાની હતી, જેની કોઈ રસી નથી અને લોકોને તબાહ કરી રહ્યો છે. આજે અજાણ્યો કોરોના વાઈરસ જે રીતે દુનિયાને ધમરોળી રહ્યો છે, તેવી જ રીતે ‘કન્ટેજેન’માં પણ વાઇરસે મેડિકલ સાયન્સને ચેલેન્જ આપી હતી.
હોંગકોંગથી પરત આવેલી બેથ એમ્હોફ (ગ્યાનેથ પાલ્ત્રો) રસ્તામાં શિકાગોમાં તેના ભૂતપૂર્વ પ્રેમીને મળવા રોકાય છે. તે ઘરે આવે છે. તેને અચાનક ખેંચ આવે છે. તેનો પતિ (મેટ ડેમોન) તેને હોસ્પિટલમાં લઇ જાય છે, જ્યાં તેનું મોત થાય છે. પતિ ઘરે પાછો આવે છે, ત્યારે તેનો સાવકો દીકરો પણ એવી જ રીતે મરેલો મળે છે.
આ રીતે વાઈરસ ફેલાવા લાગે છે. યુ.એસ. સેન્ટર ફેર ડિસીઝ કંટ્રોલના ડોક્ટરોને બહુ બધા દિવસ સુધી ખબર જ પડતી નથી કે આ નવા વાઈરસની ગંભીરતા કેટલી છે. પહેલાં તો તેમણે એ જાણવાનું છે કે આ વાઈરસ છે શું, અને પછી તેનો સામનો કરવાનો ઉપાય વિચારવાનો છે. આ દરમિયાન વાઈરસ વિશ્વમાં ફેલાવા લાગે છે, લોકો બીમાર પડીને મરવા લાગે છે, સામાજિક વ્યવસ્થા ખોરવાવા લાગે છે, લોકોમાં ગભરાટ થવા લાગે છે અને લૂંટફટ-હિંસા શરૂ થાય છે.
આ ફિલ્મમાં નિષ્ણાત તરીકે સેવા આપનારી લૌરી ગર્રેટ્ટે કહ્યું હતું કે, “ફિલ્મસર્જકોનો ઈરાદો એક કલ્પનાને અદ્દલ વાસ્તવિક સ્વરૂપે રજૂ કરવાનો હતો, જેથી રાજકીય નેતાઓ આવી સંભાવના સામે સચેત થાય.” ગર્રેટ્ટ અમેરિકાની ફેરેન રિલેશન કાઉન્સિલમાં વૈશ્વિક સ્વાસ્થ્ય વિભાગમાં સિનિયર ફેલો તરીકે કામ કરી ચૂકી છે.
સ્ક્રીપ્ટમાં એક એવા કાલ્પનિક વાઇરસને તૈયાર કરવામાં આવ્યો, જે હોંગકોંગથી શરૂ થયો હતો. કોલંબિયાના સેન્ટર ફેર ઇન્ફેક્શન એન્ડ ઇમ્યુનિટીન ડિરેક્ટર ઇયાન લિપકિનની મદદથી આ વાઈરસને ડિઝાઇન કરવામાં આવ્યો હતો. લૌરી ગર્રેટ્ટ કહે છે કે લોકોએ જોયું હતું કે એશિયામાંથી આવતી બીમારીઓના કારણે દુનિયામાં ખાસ્સી તકલીફો થઇ હતી. ‘કન્ટેજેન’માં એક ચામાચીડિયાના મોઢામાંથી ખાવાનો ટુકડો નીચે પડી જાય છે, જેને એક સૂવર ખાઈ લે છે. આ સૂવર પછી કસાઈખાને કપાઈ જાય છે અને તેનું માંસ વેચાય છે. કેટલાક લોકો તેને બાર્બેક્યૂમાં કાચું શેકીને ખાય છે. એમાં કેટલોક ભાગ કાચો રહી જતાં તેમાંથી વાઈરસ માણસોમાં પહોંચી જાય છે.
ચીનના વુહાન શહેરમાંથી આવેલા કોરોના વાઈરસની પણ આવી જ કહાની છે, અને એટલે જ દર્શકો આ સામ્યતાથી દંગ રહી ગયા છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે કોરોના વાઈરસ પણ ચામાચીડિયામાંથી જ આવ્યો છે. લૌરી ગર્રેટ્ટના કહેવાનુસાર ચામાચીડિયાની લાળમાં પ્રકાર-પ્રકારના ઘાતક વાઇરસ હોય છે.
‘કન્ટેજેન’ ફિલ્મમાં વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપનારા વરિષ્ઠ વેટરનરી પેથોલોજિસ્ટ ટ્રેસી મેકનામરા કહે છે કે લોકોને આ ફિલ્મમાં નવેસરથી રસ પડી રહ્યો છે, તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે ફિલ્મમાં અને વાસ્તવમાં જે થઇ રહ્યું છે, તે બંને વચ્ચે ગજબનું સામ્ય છે. તે કહે છે, “લોકો હવે ફરીથી જોઈ રહ્યા હોય અને સરકારી ઓફ્સિરો તેને ફરીથી જોઈ રહ્યા હોય તો એનો અર્થ એ થયો કે એક નવીન મહામારી શું હાલ કરી શકે છે, તે હવે સમજ પડી રહી છે.”
ફિલ્મમાં બીજું એક સામ્ય લોકોને સ્પર્શી ગયું તે પ્રેસ કોન્ફરન્સ છે, જેમાં સેન્ટર ફેર ડિસીઝ કંટ્રોલના એક અધિકારીને પૂછવામાં આવે છે કે શું વાઈરસનો શસ્ત્ર (બાયોટેરરિઝમ) તરીકે ઉપયોગ થઇ રહ્યો છે, ત્યારે તે કહે છે, “પ્રકૃતિ તેને શસ્ત્ર બનાવીને આપણને મારી રહી છે.” મેકનામરા કહે છે, “આ બહુ અસલી છે, કારણ કે ૨૦ વર્ષથી અમે આ ચેતવણી આપી રહ્યા હતા.”
તમે સમાચારોમાં વાંચ્યું હશે કે ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ કોરોના વાઇરસના ખતરાની ઘંટડી વગાડનાર એક ડોક્ટરને પહેલાં પોલીસે ધમકાવીને ચૂપ કરી દીધો હતો અને પછી તેનું જ કોરોનાના ચેપમાં મોત થયું હતું. ‘કન્ટેજેન’માં વાઈરસની રસી શોધવાનું કામ કરતી ડો. ઈરિન મિયર્સ (કેટ વિન્સલેટ) પણ એ જ વાઈરસથી મરી જાય છે.
ફિલ્મની શરૂઆતમાં ઈરિન મિયર્સ વૈજ્ઞાનિકો અને સરકારના અધિકારીઓની એક મિટિંગમાં કહે છે કે આ વાઇરસનું જોખમ એ છે કે તે મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાય છે, અને તેના ફેલાવાની જગ્યાઓ અનેક છે. “સરેરાશ લોકો તેમના ચહેરાને આખા દિવસમાં ૨,૦૦૦થી ૩,૦૦૦ વખત અડે છે. મતલબ, દર મિનિટે ત્રણથી પાંચ વખત,” મિયર્સ કહે છે, “તે ઉપરાંત, આપણે ઘરના નકુચાઓને, પાણીના નળને, લિફ્ટનાં બટનને અડીએ અને એકબીજાને પણ અડીએ છીએ.” સોશિયલ ડિસ્ટન્સિંગની આપણને અત્યારે ખબર પડી, પરંતુ આ ફિલ્મમાં તેનો પહેલી વાર સંદર્ભ હતો. સ્પર્શનો મુદ્દો ‘કન્ટેજેન’ના કેન્દ્રમાં છે અને મોટા ભાગના લોકોને તેનું મહત્ત્વ ત્યારે સમજાયું ન હતું.
પણ સૌને પજવતો સવાલ એ છે કે ફિલ્મમાં જે રીતે લોકો લૂંટફાટ અને હિંસા કરે છે, તેવું અસલી જિંદગીમાં પણ થશે? અમેરિકામાં રાષ્ટ્રીય સુરક્ષાની ઈકોનોમીમાં નિષ્ણાત ડો. ગેરી એમ. શીફ્ફ્મેન કહે છે કે, એવું નહીં થાય. કોરોનાના કારણે અમુક દેશોમાં અછતનો ડર ફેલાયો છે, તે સાચું પરંતુ દુકાનો ખાલી થઇ જાય, તેવી સ્થિતિ નહીં આવે. શીફ્ફ્મેન કહે છે, “ફિલ્મમાં મોતનો આંકડો ૩૦ ટકા છે, જ્યારે કોરોનાના જન્મસ્થળ વુહાનમાં પણ તે ૧.૪ ટકાની આસપાસ છે, એટલે ફિલ્મમાં જે વાઇરસ છે, તે કોરોના કરતાં પણ વધુ ઘાતકી છે. કોવિડ-૧૯ એના જેટલો કાતિલ નથી. એટલે ફિલ્મમાં છે, તે સ્તરની અછત સર્જાય કે લોકો હિંસા પર ઊતરી આવે તેવું નહીં બને. ઇટલીમાં સૌથી વધુ મોત થયાં છે અને વેન્ટિલેટર ખૂટી પડયાં છે, પણ લોકોએ હોસ્પિટલોને ઊંધી વાળી દીધી નથી.”
‘કન્ટેજેન’ ફિલ્મે ભલે ઘાતકી વાઈરસની ભવિષ્યવાણી સાચી પાડી, પણ હિંસાની તેની કલ્પના સાચી ન પડે, તેવી આશા રાખીએ.
પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 22 ઍપ્રિલ 2020