યાદ છે? પહેલા લૉક ડાઉનની જાહેરાત પછી ઘરે પહોંચવા આતુર પરપ્રાંતિય કામદારોનાં ટોળાં દિલ્હીની સડકો પર ઊતર્યાં, ત્યારે તરત થિયરી આવી ગઈ કે આ તો દિલ્હીના મુખ્ય મંત્રીએ વડાપ્રધાનને બદનામ કરવા માટે અફવા ફેલાવડાવીને ટોળાં ભેગાં કર્યાં.
ગઈ કાલે મુંબઈમાં, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પ્રમાણે, બાંદ્રા રેલવે સ્ટેશન-બસ સ્ટેશન પાસે સેંકડો લોકો જમા થયા ત્યારે પણ તરત બે થિયરી આવી પડીઃ
૧) આ તો વડા પ્રધાનને બદનામ કરવા માટે મુખ્ય મંત્રીએ કાવતરું કરીને લોકોને ભેગા કર્યા.
૨) સરકારના ખોળે બેઠેલા અને કોમવાદી ઝેર ફેલાવવામાં અવ્વલ ચેનલબહાદુરોએ કહી દીધું કે સ્ટેશન-બેશન કાંઈ નહીં, આ તો બધા મસ્જિદ આગળ ભેગા થયેલા. આમાં તો ગંભીર કાવતરું લાગે છે.
તેમને કેમ કહેવું કે દેશહિતના નામે ધરાર કોમવાદ અને જૂઠાણાં ફેલાવવાનો તમારો ધંધો બેરોકટોક જ નહીં, શીળી છાયામાં ચાલે છે, એ જ મોટું કાવતરું નથી? મુખ્ય મંત્રીના મંત્રીપુત્ર આદિત્ય ઠાકરેએ પણ રાજકીય દંગલમાં ઝંપલાવીને, કેન્દ્ર સરકારના પ્રચારકોને વધારે ઝેરી બનાવ્યા. સાયબર સેલના આસુરી સૈન્યની મદદથી સરકારી નિર્ણયોને લોકમતની વૈતરણી પાર કરાવવાનું સામાન્ય હોય, ત્યાં ‘ફિલ્મી પી.આર. એજન્સીના પ્રતાપે ઉદ્ધવ ઠાકરેનાં વખાણ થાય છે’—એવો આરોપ બેશરમીનો વધુ એક નમૂનો હતો.
બંને લૉક ડાઉન વખતે, ભાજપાશાસિત ગુજરાત સહિત ઠેકઠેકાણે ઘરે જવા માગતા પરપ્રાંતિય મજૂરોને રસ્તા પર ઊતરીને ધાંધલ મચાવવાની ફરજ પડી. તેમની વાત એટલી જ છેઃ ‘અમે શહેરોમાં રોજગારી અને ઘરનાં ઠેકાણાં વિના અમાનવીય સ્થિતિમાં જીવીએ છીએ. અમને ઘરે જવા દો.’ પણ સરકારોના બહેરા કાન સુધી તેમનો સંદેશો પહોંચતો નથી. તે પોતાની જવાબદારીમાંથી છટકવા માટે, (પોતે સર્જેલી) આ આપત્તિને કેમ કરીને રાજકીય મૂડી ભેગી કરવાના અવસરમાં પલટી શકાય તેના કારસા કરે છે.
મજબૂરીગ્રસ્ત ગરીબ કામદારોની પોતાનાં દીવાનખાનાંમાં બેસીને ટીકા કરવાનું કેટલું સહેલું છે, નહીં?
(કાર્ટૂન સૌજન્ય : હેમંત મોરપરિયા, ‘મુંબઈ મિરર’)
e.mail : uakothari@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 15 ઍપ્રિલ 2020