હું અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના ફ્રિમોન્ત શહેરમાં રહું છું. આ પહેલાં હું પાલો આલ્ટોમાં રહેતો હતો. ફ્રિમોન્તથી પાલો આલ્ટો બારેક માઈલ દૂર. પાલો આલ્ટોમાં હતો એટલે દેખીતી રીતે મારો ઇ-મેઈલ ત્યાંના વહીવટી તંત્ર પાસે પણ હતો. હવે રોજ સાંજે પોણા છ વાગે ‘સિટી ઑફ પાલો આલ્ટો કોરોનાવાઇરસ ડેઇલી રિપોર્ટ’ મારા પર આવતો હોય છે. એમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન કોરોના વાઈરસ સાથે સંકળાયેલી હોય એવી ઘટનાઓની માહિતી અને તબિયત કઈ રીતે સાચવવી એની શિખામણ હોય છે. ત્યાર બાદ 'ઘરમાં પૂરાઈને' કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તેની માહિતીમાં ફિલ્મોના સ્ટ્રીમિંગની, પોડકાસ્ટ વગેરની વિગતો હોય છે.
પાલો આલ્ટો લાઈબ્રેરીના સભ્યો માટે Kanopy નામની કંપની વિના મૂલ્યે ફિલ્મો બતાવતી હોય છે. એટલું જ નહીં, વીડિયો કોન્ફરન્સિંગ માટે Zoom વાપરતાં પહેલાં શું તકેદારી રાખવી એ પણ તેમાં જણાવાય છે. Stay Informedમાં કોરોનાવાઈરસ વિશે વધારે માહિતી ક્યાંથી મળે એની યાદી હોય છે. પછી What To Do If You're Sickમાં તમે માંદા પડો તો તમારે શું કરવું જોઈએ, કોનો સંપર્ક કરવો જોઈએ વગેરે માહિતી હોય છે. Business Resourcesમાં સ્થાનિક વ્યવસાયની વાત અને ત્યાર બાદ જરૂર પડે તો આપણે કોને ફોન કરવો વગેરે વિશેની માહિતી અને છેલ્લે Shelter in placeનો ભંગ કોને કહેવાય અને એવો ભંગ કરનારની સામે કયાં પગલાં લેવાય છે એની માહિતી હોય છે.
આખા ન્યૂઝ લેટરમાં એક જ મુશ્કેલી હોય છે : એ લોકો થાળી વગાડવાનું કે લાઈટ બંધ કરીને દીવો કરવાનું કે મીણબત્તી સળગાવવાનું નથી કહેતા! કેમ કે એ લોકોને અમારી સમજણશક્તિનો ખ્યાલ હોય છે. એ લોકોને ઘેટાં પેદા કરવામાં રસ નથી હોતો. એમને માણસોને માણસો રાખવામાં રસ હોય છે.
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 09 ઍપ્રિલ 2020