માર્ચનાં પહેલા બે અઠવાડિયામાં જ શેર બજારમાં કડાકો બોલવાને કારણે ૨૨૬ લોકોએ તેમનું બિલિયોનેરનું સ્ટેટસ પણ ગુમાવી દીધું. જે ૫૧ ટકા લોકો હજી પણ આ યાદીમાં રહ્યા છે તેમના સ્ટોક કંગાળ છે.
ફોર્બ્ઝે વિશ્વનાં સૌથી વધુ ધનિકોની ૩૪મી યાદી જાહેર થઇ છે. કોરાના વાઇરસનાં રોગચાળાએ આ ધનિકોને પણ નથી છોડ્યા. અબજોપતિઓની સંપત્તિ ઘટી ગઇ છે. આ ધનિકોની સંપત્તિ ૨૦૧૯ની સરખામણીએ ૭૦૦ બિલિયન ડૉલર્સ ઘટી ગઇ છે. વિશ્વનાં ટોચનાં ધનિકોની સંપત્તિનો સરવાળો ૯૪૦.૨ બિલિયન ડૉલર્સ છે. જે ગયા વર્ષે તેમની કુલ સંપત્તિ હતી તેના કરતાં ૭૦૦ બિલિયન ડૉલર્સ ઘટી છે. જો કે આ ઘટાડાથી એ લોકો કંઇ બિચારા ગરીબ નથી થઇ ગયા. કોરોનાને કારણે આખા વિશ્વની અર્થવ્યવસ્થા મંદી તરફ ધસી રહી છે. શેર બજારોમાં ભંગાણને પગલે આ અબજોપતિઓ રોજના અબજો ગુમાવી રહ્યા છે. યુરોપ અને અમેરિકામાં કોરોનાનો ભરડો સખત થયો અને વૈશ્વિક ઇક્વિટી માર્કેટ્સની હાલત પણ કથળવા માંડી. માર્ચનાં પહેલા બે અઠવાડિયામાં જ શેર બજારમાં કડાકો બોલવાને કારણે ૨૨૬ લોકોએ તેમનું બિલિયોનેરનું સ્ટેટસ પણ ગુમાવી દીધું. જે ૫૧ ટકા લોકો હજી પણ આ યાદીમાં રહ્યા છે તેમના સ્ટોક કંગાળ છે. ગયા વર્ષ કરતાં બિલિયોનર્સની કુલ સંખ્યામાંથી ૫૮ જણા ઘટ્યા છે અને હવે વિશ્વમાં માત્ર ૨૦૯૫ બિલિયોનર્સ છે. જો કે ચાઇનિઝ અબજોપતિઓની સંપત્તિમાં વધારો થયો છે અને છ જણાની નેટવર્થને કારણે તેઓ આ યાદીનો ભાગ બન્યા છે.
આ લિસ્ટ અનુસાર જેફ બેઝોઝ વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમણે આ સ્થાન જાળવ્યું છે. તેમણે પોતાની પત્ની સાથે છૂટાછેડા લીધા અને તેને ૩૬ બિલિયન ડૉલર્સ જેટલો એમેઝોનનો સ્ટોકનો હિસ્સો આપ્યો છતાં પણ તેમનું સ્થાન યથાવત છે. જો કે હવે તેમની પત્ની પણ લિસ્ટમાં ક્યાંક પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. જેફ બેઝોસની સંપત્તિ છેલ્લા બે મહિનામાં ૯ ટકા ઘટી છે. ૧૪ ટકા ઘટાડો જેમની સંપત્તિમાં થયો છે તેવા બિલ ગેટ્સ બીજા ક્રમાંકનાં સૌથી વધુ ધનિક શખ્સ છે અને તેમનાં પછી ત્રીજા સ્થાને લક્ઝરી ગુડ્ઝ ટાયકુન બર્નાર્ડ આરનૉલ્ટ છે, જેમણે વૉરન બફેટથી ત્રણ ક્રમાંક આગળ સ્થાન મેળવ્યું છે. વોરન બફેટે ૧.૩૩ લાખ કરોડનું નુકસાન વેઠ્યું છે અને હવે તેમની સંપત્તિ માત્ર ૮૩ બિલિયન ડૉલર્સ થઇ ગઇ છે.
ભારતીય ધનિકોએ વેઠ્યું નુકસાન
આપણે આપણા દેશનાં ધનિકની વાત કરીએ તો મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ૨૮ ટકા ઘટાડો જોવા મળ્યો છે. ૩૧ માર્ચ સુધી મુકેશ અંબાણીએ રોજનાં ૨,૧૦૦ કરોડનો ઝાટકો વેઠ્યો છે અને તેમની કુલ સંપત્તિ હવે (માત્ર) ૩.૩૬ લાખ કરોડ રૂપિયા થઇ ગઇ છે. અદાણી જૂથનાં વડા ગૌતમ અદાણીને છેલ્લા બે મહિનામાં ૪૨,૦૦૦ કરોડનો એટલે કે ૩૭ ટકા જેટલો ઝાટકો લાગ્યો છે તો HCL ટેક્નોલોજીનાં પ્રમુખ શિવ નાદરની સંપત્તિ ૩૫,૦૦૦ કરોડ એટલે કે ૨૬ ટકા ઘટી છે અને કોટક બેંકના ઉદય કોટકની સંપત્તિ ૨૮ ટકા એટલે કે ૨૮,૦૦૦ કરોડ ઘટી છે. આ બધી હલચલ સ્ટૉકનાં ભાવ પડવાને કારણે થઇ છે. મુકેશ અંબાણીને બાદ કરતાં અન્ય ત્રણ ભારતીયો ટોચનાં ૧૦૦ની યાદીમાંથી બહાર છે અને આ કોરોના વાઇરસનાં ફટકાને કારણે સર્જાયેલી સ્થિતિ છે.
નેટવર્થને આધારે નક્કી થાય છે અબજોપતિ
બિલિયોનર્સની યાદી નક્કી કરવા માટે વ્યક્તિની નેટવર્થ જોવામાં આવે છે. તમારે એ યાદીમાં જોડાવું હોય તો તમારી નેટ વર્થ ઓછામાં ઓછી ૪૮.૯ બિલિયન ડૉલર્સ હોવી જોઇએ. ફોર્બ્ઝ આ યાદીમાં લોકોનાં નામ ઉમેરતા પહેલાં તેમના અલગ અલગ એસેટ્સ-મિલકત, તેમની ખાનગી કંપનીઓ સહિતની સંપત્તિઓ, રિયલ એસ્ટેટ, આર્ટ, રોકાણો, નફા વગેરેની ગણતરી કરે છે. ફોર્ચ્યુન, બ્લુમબર્ગ, વૉલસ્ટ્રીટ જેવી અનેક સંસ્થાઓ અને મેગેઝિન્સ આ પ્રકારનાં લિસ્ટ જાહેર કરે છે અને આખા વર્ષ દમરિયાન અલગ અલગ ક્રાઇટેરિયા અનુસાર આ યાદીઓ જાહેર કરવામાં આવે છે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 12 ઍપ્રિલ 2020