ખૂબ મથામણ પછી અંગ્રેજોએ છેવટે નિર્ણય લીધો કે ભારતમાં અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવામાં આવે અને એ પણ આધુનિક પાશ્ચાત્ય શિક્ષણ. કોઈને ધાર્મિક શિક્ષણ લેવું હોય તો તેઓ પાઠશાળાઓમાં કે મદરસાઓમાં જઇને લઈ શકે છે. આગળ જતા તેઓ ન્યાયતંત્ર પણ તેમને ત્યાંનું દાખલ કરવા માગતા હતા. બહુ બહુ તો રીતિરિવાજ પર આધારિત કૌટુંબિક બાબતોમાં પશ્ચિમના કાયદા લાગુ ન થઈ શકે, પણ એ સિવાયના ફોઝદારી અને બીજા કાયદાઓ તો લાગુ કરવામાં મુશ્કેલી નહીં પડે. આ સિવાય મોટી સંખ્યામાં ભારતીય નોકરિયાતો મળી રહેશે જે એકંદરે બ્રિટિશ વહીવટીતંત્ર અપનાવશે અને લાગુ કરશે. અલગ અલગ હજાર ઓળખ ધરાવતા દેશ પર તેની ઓળખના આધારે હજાર રીતે શાસન કરવા જઈએ તો લાંબા થઈ જઈએ, પરંતુ જો તેમની ઓળખની ઉપેક્ષા કરીને તેમને એક જ રીતે શાસિત કરીએ તો કદાચ મુશ્કેલી ઓછી આવશે.
ત્રણ શક્યતા હતી. એક તો એ કે હિંદુઓ અને મુસલમાનો ડરીને પોતપોતાની ઓળખ ઘરે મૂકીને અંગ્રેજ શાસનનો અંગ્રેજ ઢાંચા સાથે સ્વીકાર કરી લેશે. ટૂંકમાં તેઓ તેમની ઓળખની ઉપેક્ષાને કાં તો ડરીને અને કાં તો લાભ ખાતર સ્વીકારી લેશે. બીજી શક્યતા એવી હતી કે તેઓ તેનો પ્રતિકાર કરે અને ત્રીજી શક્યતા એવી હતી કે તેઓ કોઈ વચલો રસ્તો અપનાવે. હિંદુઓ અને મુસલમાનો કેવું વલણ અપનાવે છે એની ખબર પડતા વાર નહીં લાગે.
ભારતને જોવાના જેમ યુરોપિયનોના ચાર દૃષ્ટિકોણ હતા એમ પશ્ચિમને જોવાના હિંદુઓના પણ ચાર દૃષ્ટિકોણ હતા. એક દૃષ્ટિકોણ એવો હતો કે આપણી સભ્યતા અને સંસ્કૃતિમાં સમ ખાવા પૂરતું પણ કાંઈ બળ્યું નથી એટલે ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમી સભ્યતા અપનાવી લેવાં જોઈએ. આપણા ધર્મ અને સભ્યતાની કિંમત કોડીની પણ નહોતી. બીજો દૃષ્ટિકોણ એવો હતો કે આપણો સનાતન ધર્મ સ્વયંસંપૂર્ણ છે એટલે પશ્ચિમ પાસેથી આપણે કાંઈ શીખવાપણું નથી. મ્લેચ્છો આર્યોને શું શીખવાડવાના! આ તો કળજુગનો ખેલ છે એટલે મ્લેચ્છોએ આપણને ગુલામ બનાવ્યા છે, બાકી ધર્મની બાબતમાં આપણી બરાબરી એ લોકો થોડા કરી શકે! ત્રીજો દૃષ્ટિકોણ સમન્વયનો હતો. પશ્ચિમ પાસેથી જે અપનાવવા જેવું છે એ અપનાવવું જોઈએ, પછી ભલે એ વિધર્મીઓનું હોય. આપણું જે કાંઈ છોડવા જેવું છે એ છોડવું જોઈએ, પછી ભલે એ આપણું પોતાનું હોય અને સેંકડો વરસની પરંપરાનો હિસ્સો હોય. આપણું જે પકડી રાખવા જેવું હોય એ આત્મવિશ્વાસ સાથે પકડી રાખવું જોઈએ પછી ભલે યુરોપિયનો તેની ગમે એટલી નિંદા કરે. અને ચોથા દૃષ્ટિકોણની અથવા વલણની તો અંગ્રેજોએ પણ કલ્પના નહોતી કરી. એ વલણ હતું હિંદુ ધાર્મિકતાના પાશ્ચાત્યકરણનું. અહીં હિંદુ ધાર્મિકતા કહી છે ધર્મ નથી કહ્યો. હિંદુ ધર્મના શારીરિક સ્વરૂપ(બૉડી રીલિજિયન)ને પાશ્ચાત્ય ઢાંચામાં ઢાળવાનું.
અહીં બીજાને છોડીને બાકીના ત્રણની ચર્ચા કરવામાં આવશે. બીજાની ચર્ચા એટલા માટે જરૂરી નથી કે જે લોકોએ આંખ જ વિંચી લીધી હતી તેની શું ચર્ચા કરવાની! છેડાય તો તેમને માત્ર એટલું જ કહેવાનું હોય કે તેઓ મ્લેચ્છ છે અને આપણે મહાન આર્યો છીએ. જેની પાસે આ સિવાય બીજું વાક્ય કહેવા માટે ન હોય તેમના વિશે વાત કરવા માગો તો પણ શું કરો? તેઓ પોતાની દુનિયામાં મસ્ત હતા. આવા હિંદુ ધર્માભિમાની આજે પણ આપણી વચ્ચે છે અને તમે નોંધ્યું હશે કે તેઓ પણ પોતાના શ્રેષ્ઠત્વ કે બીજાની નિંદાના એક વાક્યથી વધારે બીજું વાક્ય બોલી શકતા નથી.
આમ તો બુદ્ધિનો અભાવ પહેલા પ્રકારના લોકોમાં પણ હતો. આપણામાં, આપણા ધર્મમાં અને આપણી પરંપરામાં કોઈ સત્ત્વ જ નથી એમ તો કોઈ મૂર્ખ હોય એ જ કહી શકે. આમ છતાં ય એની વાત અહીં કહેવી જરૂરી છે કારણ કે તેમના વલણના સામાજિક-રાજકીય-ધાર્મિક પડઘા પડ્યા હતા. એમાં એવા કેટલાક ચાલાક લોકો પણ હતા જે ધર્માંતરણ નહોતા કરતા, પરંતુ હિંદુઓને નિંદતા હતા અને જીવનશૈલીમાં બને એટલું સલામત અંતર રાખીને અંગ્રેજોની નકલ કરતા હતા. આ બે કારણે તેમની નોંધ લેવી પડે એમ છે.
મિશનરીઓને ભારતમાં ધર્માંતરણ કરાવવામાં જોઈએ એટલી સફળતા નહોતી મળતી એ વાત કહેવાઈ ગઈ છે. ૧૮૧૩માં મિશનરીઓ સામેનો ધર્મપ્રચાર કરવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો. એના બે દાયકા પછી અંગ્રેજીમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. કંપની સરકારે તેમ જ મિશનરીઓએ શાળાઓ અને કોલેજો સ્થાપવા માંડી. ભારતભરમાં બૂક સોસાઈટી સ્થપાવા લાગી જે પાઠ્યપુસ્તકો તૈયાર કરતી હતી અને તેનો પ્રચાર કરતી હતી. આ બાજુ મિશનરીઓ હવે ડર વિના ધર્મપ્રચાર કરતા હતા અને અંગ્રેજીમાં તેમ જ ભારતીય ભાષાઓમાં મફતમાં બાઈબલ વહેંચતા હતા. એવામાં અંગ્રેજીમાં શિક્ષણ મેળવેલી પહેલી પેઢી અસ્તિત્વમાં આવી ગઈ જેને કંપની સરકારે નોકરી આપવાનું શરૂ કર્યું. એ પછી તો પૂછવું જ શું? નવા દરવાજા ખુલતાની સાથે જ નવો જુવાળ પેદા થયો.
એમ કહેવાય છે કે ૧૮મી સદીના અંત ભાગ સુધીમાં વટલાઈને ખ્રિસ્તી બનેલા હિંદુઓની સંખ્યા ત્રણેક હજારની આસપાસ માંડ હતી. એની સામે ઓગણીસમી સદીના પૂર્વાર્ધમાં વટલાયેલા ખ્રિસ્તીઓની સંખ્યા બે લાખ સુધી પહોંચી ગઈ. કંપની સરકારના અંગ્રેજ અધિકારીઓને અને મિશનરીઓને એમ લાગવા માંડ્યું હતું કે હવે ભારતના પાશ્ચાત્યકરણને અને ઈસાઈકરણને કોઈ રોકી શકે એમ નથી. કાંઈ કરવાની જરૂર નથી, ભારત સેંકડો વરસ સુધી બ્રિટનનું બનીને રહેવાનું છે. કેટલાકને તો એમ પણ લાગવા માંડ્યું કે અંગ્રેજી ભાષામાં પાશ્ચાત્ય શિક્ષણનો માર્ગ વહેલો અપનાવવો જોઈતો હતો. કારણ વિનાના ડરતા રહ્યા અને મોડા પડ્યા.
હિંદુઓ માટે એમ કહેવાય છે કે તે સંકટ સમયે જ જાગે છે અને બાકીનો વખત સૂઈ રહે છે. સતર્કતાનો અને ઉદ્યમતાનો તેનામાં અભાવ છે. સામે ચાલીને કાંઈ નહીં કરે. ભારતમાં અનેક લોકો આવ્યા અને ગયા હિંદુને ખાસ કોઈ ફરક નહોતો પડતો. યુરોપિયનોએ ભારતમાં પગ મૂક્યો એ પછીનાં ત્રણ સો વરસ સુધી હિંદુએ તેમનો કોઈ પ્રતિકાર કર્યો નહોતો એટલું જ નહીં તેઓ શું કરી રહ્યા છે એના તરફ પણ બહુ સતર્કતાથી નજર નહોતા કરતા. છેવાડેના હિંદુઓ વટલાઈને ખરતા હતા એનાથી પણ તેને કોઈ ફરક નહોતો પડતો. પણ હવે સાંસ્કૃતિક સંકટ તેના નાક સુધી પહોંચી ગયું એટલે હવે વધારે લાંબો સમય તે ઊંઘી શકે એમ નહોતો. કેટલાક યુવાનો ખ્રિસ્તી બનવા લાગ્યા તો બીજા મોટી સંખ્યામાં યુવાનો ભલે ખ્રિસ્તી નહીં થયા, પણ અંગ્રેજીયત આપનાવવા લાગ્યા. સવર્ણ હિંદુ સમાજને તો આમાં બંને રીતે નુકસાન નજરે પડવા લાગ્યું.
કોટ, પાટલુન અને ટોપી પહેરેલો છોકરો ઘરમાં પેદા થયો ત્યારે સૂતેલો રીંછ જાગી ગયો. શું કરવું જોઈએ? સ્વીકાર કરવો? પ્રતિકાર કરવો? કે પછી ગ્રાહ્ય-અગ્રાહ્ય વચ્ચે વિવેક કરવો? માર્ગ કોઈ પણ અપનાવે, પણ કોઈ એક માર્ગ તો અપનાવવો જ પડે એમ હતો અને એમાં હવે કોઈ છૂટકો નહોતો. માત્ર મૂર્ખાઓ પોતાને શ્રેષ્ઠ અને અંગ્રેજોને મ્લેચ્છ કહીને સૂતા રહ્યા હતા. એવા લોકોના, એ સમયના કહેવાતા ધૂરંધર પંડિતોના ઇતિહાસ નામ પણ વિસરી ગયો છે.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 12 ઍપ્રિલ 2020