[1924માં રવીન્દ્રનાથ ઠાકુર દક્ષિણ અમેરિકાના પેરુ દેશની સ્વાતંત્ર્ય-શતાબ્દીમાં ભાગ લેવા નીકળ્યા હતા. આર્જેન્તીના પહોંચીને એમનો પ્રવાસ રેલગાડીમાં આગળ ચાલવાનો હતો. પણ કવિવર સ્ટીમરમાં જ ‘ફ્લુ’માં ઝલાઇ ગયા અને આર્જેન્તીનાના પાટનગર બ્યુઓનેસ આયરેસમાં એમને ફરજિયાત થોભી જવું પડ્યું. ત્યાં એમનાં પ્રસંશક મહિલા વિક્તોરીઆ ઓકામ્પોના અતિથિ તરીકે રોકાવાના હતા તો એક અઠવાડિયું, પણ પોણા બે મહિના રોકાયા. વિક્તોરીઆ ઓકામ્પો પછીથી એમના દેશની સાહિત્યસૃષ્ટિમાં આગળ પડતો ભાગ ભજવવાનાં હતાં, અને એ દેશની વરિષ્ઠ સાહિત્ય સંસ્થાનાં પ્રથમ મહિલા સભ્ય બનવાનાં હતાં. રવીન્દ્રનાથ અને વિક્તોરીઆ ઓકામ્પોના આ સહવાસનાં સ્મરણો આલેખતા લેખ ‘ટાગોર ઑન ધ બૅન્ક્સ ઑફ ધ રિવર પ્લાતા'નો અનુવાદ છે. (‘રબીન્દ્રનાથ ટાગોર : એ સેન્ટીનરી વૉલ્યૂમ’, સાહિત્ય અકાદેમી, 1961.)
કવિવર અને જેને એમણે પ્રીતિપૂર્વક વિજયા નામ આપેલું એ આ વિદેશિની નારી વચ્ચે ખીલેલા સ્નિગ્ધ સખ્યની કથની કેતકી કુશારી ડાયસને અર્ધ-કથા – અર્ધ-ઇતિહાસ કહી શકાય એવા બંગાળી પુસ્તકમાં આલેખી છે. (‘રબીન્દ્રનાથ ઓ વિક્ટોરીઆ ઓકામ્પોર સન્ધાને’, 1986), અને પછી એ જ વિષય પર દળદાર સંશોધિત વૃત્તાંત અંગ્રેજીમાં લખ્યું છે. (‘ઇન યોર બ્લોઝમીંગ ફ્લાવર-ગાર્ડન’, સાહિત્ય અકાદેમી, 1988.) વિક્તોરીઆ ઓકામ્પો વિશેના બે મહત્ત્વના લેખો પણ ગુજરાતી વાચકો માટે લભ્ય છે : ‘વિક્ટોરીઆ ઓકામ્પો : એક સાંસ્કૃતિક સેતુ’, લેખક : કૃષ્ણ કૃપાલાની, ‘સંસ્કૃતિ’, જૂન 1979; ‘વિજયા વિશે વધુ’, લેખક : નગીનદાસ પારેખ, ‘સંસ્કૃતિ’, ઑગસ્ટ 1979. ‘રવીન્દ્ર-ઓકામ્પો પત્રાવલિ’ (અનુવાદ : મહેશ દવે. ઇમેજ, 2006) નામે પુસ્તિકામાં એમનું પત્ર-સખ્ય ઝિલાયું છે.]
1924ની સાલ, સપ્ટેમ્બર મહિનો. સમાચાર આવ્યા કે રવીન્દ્રનાથ ટાગોર પેરુ દેશ જતાં રસ્તામાં આર્જેન્તીનાના અમારા મહાનગર બ્યુએનોસ આયરેસમાંથી પસાર થવાના છે. મેં ‘ગીતાંજલિ’ અંગ્રેજીમાં વાંચી હતી; એ પહેલાં તો આન્દ્રે જીદે કરેલો ફ્રેન્ચ અનુવાદ અને એક સ્પૅનીશ અનુવાદ પણ હું માણી ચૂકેલી. કવિનું આવું આગમન અમારે માટે એક મોટો પ્રસંગ હતો; મારે પોતાને માટે તો એક લાખેણો અવસર હતો.
લેખનની દુનિયામાં હજુ મારી પ્રથમ પગલીઓ હતી. અમારા મોટા અખબાર ‘લા નાસીઓં’માં મારા લેખો પ્રગટ થવા લાગેલા. આરંભના એ લેખો દાન્તે, રસ્કિન અને ગાંધી વિશે હતા. ચોથા લેખનો વિષય મારા મનમાં હતો : ‘રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાનો આનંદ’. ટાગોર મારા લેખોના ત્રણેય પુરોગામીઓની સાથે બિરાજી શકે તેમ હતા. એમાંના એક તો એમના જ દેશબાંધવ હતા. આ ચાર મહાન મનુષ્યો મારા પ્રિય સર્જકો હતા. જાણતી હતી કે એમને વિશે લખવાની મારી ગુંજાશ અલ્પ હતી.
દક્ષિણ ગોળાર્ધમાં આવેલા અમારા દેશમાં એ વખતે વસંત ઋતુ પૂરબહારમાં ખીલેલી. વાતાવરણ ફૂલગુલાબી હતું; બાગબગીચા ગુલાબથી લચી પડેલા. રોજ સવારે મારા ખંડનાં બારીબારણાં ખુલ્લાં રાખીને હું એના પરિમલને શ્વાસમાં ભરતી, ટાગોર વાંચતી, ટાગોરનો વિચાર કરતી, ટાગોરને કાલ્પનિક પત્રો લખતી, અને એમની પ્રતીક્ષા કરતી – ટાગોરમય બની ગઇ હતી. આ વાચન, લેખન, વિચાર અને પ્રતીક્ષા – એ સર્વની ફલશ્રુતિ હતી ‘લા નાસીઓં’માં પ્રગટ થતાં મારાં લખાણો. એ સ્વપ્નશીલ દિવસોમાં સપનું ય નહોતું ડોકાયું કે કવિ મારા અતિથિ બનીને આવશે. અરે, એમના રોકાણ દરમિયાન મારા જેવા ચાહકોને એમની નાની એવી મુલાકાત મળશે એવી પણ આશા નહોતી. ‘રવીન્દ્રનાથ ટાગોરને વાંચવાનો આનંદ’ એ મારો લેખ હું મમળાવતી અને એવા વિચારમાં રાચતી કે લેખનું મથાળું ‘ટાગોરની પ્રતીક્ષાનો આનંદ’ એવું પણ ન હોઇ શકે? આજે જ્યારે કવિના દેશવાસીઓ સાથે થોડી ગોષ્ઠિ કરી રહી છું ત્યારે એમ લાગે છે કે કવિવર સાથે જ વાત કરતી હોઉં! 1924ની એ ગુલબદન વસંતની અનુભૂતિ આજે પણ મન ભરી દે છે, આટલાં બધાં વરસ પછી પણ કવિને જીવનમાં એટલા જ નિકટ પામું છું, કારણ કે એમણે જ મને જીવનના અવાસ્તવથી વાસ્તવ ભણી પ્રયાણ ચીંધેલું.
‘ગીતાંજલિ’ મારા હાથમાં આવી એમાં મેં બેવડું વરદાન જોયેલું. મારો એ કાળ કપરો હતો. મારા હૃદય અને ચિત્તને એક દારુણ સ્થિતિએ ઘેર્યાં હતાં. મારી અંતર-ગઠરી કોઇની પાસે ખોલવા હું તલસતી હતી – અને એ ‘કોઇ’ માત્ર ઇશ્વર જ હોઇ શકે. પણ ઇશ્વરની હસ્તીમાં હું માનતી નહોતી – બદલાખોર, માગમાગ કર્યા કરનાર, સાંકડા મનના, કઠોર એવા જે એક ભગવાનને પૂજવાનું મને શીખવવામાં આવેલું એ ભગવાનમાં તો નહીં જ. પણ વાત એમ હતી કે જેને હું નકારતી હતી એ જ ઇશ્વર, એ નકાર સ્વરૂપે જ જીવનમાં સતત હાજરાહજૂર રહેતો. એની અનુપસ્થિતિ જ ઉપસ્થિતિ બની ગઇ હતી. એ મારો કેડો નહોતો મૂકતો. એની ગેરહાજરી જ ખુદ મને જાણે કહેતી : ‘તારી ગઠરી મારી પાસે જ ખોલવી પડશે. મારા વિના તું તારી એકલતામાં અટવાયા જ કરીશ.’
મનની આવી વિકલ દશામાં ‘ગીતાંજલિ’નાં પૃષ્ઠો મારી પાસે ખૂલ્યાં.
ટાગોરે જે પ્રેમની વાત ‘ગીતાંજલિ’નાં કાવ્યોમાં કરી છે એ પ્રેમ, અને મારા અંતરતલને ખળભળાવી રહેલો પ્રેમ – બેઉ જુદા હતા. કહેવાતા ભ્રષ્ટ પણ મારે મન પવિત્ર પ્રેમ વિશે ટાગોરના પ્રભુ પાસે વાત માંડી શકાય તેમ હતું. ‘ગીતાંજલિ’ના કવિતાપઠને મને આનંદની અશ્રુધારાની ભેટ આપી. એ આંસુઓમાં કૃતજ્ઞતાની ભીનાશ પણ ભળી. ‘ગીતાંજલિ’નાં પદો દૂર વિદેશેથી આવ્યાં હતાં, પણ મને એ વિદેશી લાગતાં નહોતાં.
*
‘ગીતાંજલિ’ના એ પ્રથમ વાચન અને એ અશ્રુપાત પછી દસ વસંતો આવીને જતી રહી હતી, અને 1924ના ડિસેમ્બરના એક દિવસે ટાગોર મારા નગરમાં ઊતર્યા. ગાંધીની મુલાકાત મારે હજુ હમણા જ થઇ હતી, રોમાં રોલાંએ લખેલા જીવનચરિત્રનાં પાનાંઓ પર. અને હવે હું ટાગોરને મળવાની હતી, સાક્ષાત. આ એક સંયોગ હતો – મારા જીવનના એક સ્વાભાવિક ક્રમ રૂપે આવેલો સુયોગ, કોઇ અદૃષ્ય યોજના મુજબ જાણે આવ્યો હોય એવો સુયોગ.
સ્વરાજ, અહિંસા, સત્યાગ્રહ, સ્વદેશી : આ બધા શબ્દો થોડા મહિનાથી મારા પરિચિત બની ગયા હતા, અને એ કાળે કવિએ મારી પ્લાતા નદીનાં જળમાં પગ ઝબોળ્યા. ગાંધી અને ટાગોર, એ બે દેશમોવડીઓ પોતાની પ્રજાની ઉન્નતિ માટે કેટલી અલગ રીતે વિચારતા હતા તેનો પણ હું તાગ પામી ચૂકી હતી. કવિની નિકટતાનો અવસર મારા જીવનમાં ઊગ્યો હતો. મારા પરના એમના બે પત્રોના અંશ વંચાવું :
“મારો ઘરઝુરાપો તેં ઘણીવાર જોયો હશે. એ ઝુરાપો સ્વદેશ માટે હતો તેના કરતાં એમ કહું કે આંતરિક સ્વાતંત્ર્ય માટે હતો. કોઇ કારણસર જ્યારે હું ખુદમાં ખોવાઇ જાઉં છું ત્યારે એ સ્વાતંત્ર્ય-ઝંખના પાછળ ધકેલાઇ જાય છે. મારા પોતીકા પરિવેશમાંથી કોઇ સાદ આવે છે કે મારામાં જે ઉત્તમ છે એ મારે સમાજને ધરવાનું છે. આવું અર્પણ મને સમગ્ર વિશ્વનો સ્પર્શ આપે છે. મારા ચિત્તે એક એવો માળો હોય કે જ્યાં આકાશસમસ્તનો અવાજ શરણ પામી શકે – એવું આકાશ જેને પ્રકાશ અને અવકાશ સિવાય બીજાં કોઇ ઓઢણાં ન હોય. એ માળો જ્યારે મુક્ત આકાશનો ઇર્ષ્યાળુ પ્રતિસ્પર્ધી બનવા સહેજ પણ ઇચ્છા કરે, ત્યારે મારું મન યાયાવર પંખીની માફક દૂરદૂરના કાંઠે ઊડી જવા ચાહે છે. ઉજાસના મારા સ્વાતંત્ર્યમાં કોઇ કાપ આવી પડે ત્યારે મને નેપથ્યનો બોજ લાગે છે : એ કેવો? પ્રભાત પર ધુમ્મસનો અંચળો આવી જાય તેવો. હું મારી જાતને જોઇ નથી શકતો, અને આ ધૂંધળી સ્થિતિની મને ગૂંગળામણ થાય છે, મારી ઉપર કોઇ બોજ લદાઇ ગયો લાગે છે. મેં ઘણીવાર કહ્યું છે તેમ મારું સ્વાતંત્ર્ય છોડી શકું એટલો હું સ્વાધીન નથી, કારણ કે સ્વાતંત્ર્ય તો મેં મારા અંતર્યામીની સેવા અર્થે અર્પણ કરી દીધેલું છે. ક્યારેક આ વાત હું વીસરી પણ ગયો હોઉં, અને કોઇ લાચાર બંદી-સ્થિતિમાં સપડાઇ ગયો હોઉં. પણ, આવી દરેક પરિસ્થિતિના અંજામમાં હોનારત જ આવી પડતી, અને કોઇ રૌદ્ર શક્તિ મને જાણે કોઇ ભાંગેલી દીવાલની પછીતે ધકેલી દેતી …..
ખાતરી રાખજે કે હું કાંઇ માગીશ તો એ માગણી મારી નહીં હોય, મારી મારફત આવેલી હશે. એક બાળક પોતાની માતા પાસે કાંઇ માગે તો એ કાંઇ કોઇ એક જણ માટેની માગણી ન ગણાય, સમસ્ત માનવવંશની અપેક્ષા ગણાય. કોઇ ભગવાનના બોલાવ્યા આ પૃથ્વી પર આવે એ પેલા બાળક જેવા જ અવતાર છે. એ જો પ્રેમ અને સેવા પામે તો એ એમના પોતાના ભોગવટા માટે નહીં પણ કોઇ ઊંચેરા હેતુ માટે હશે. માત્ર પ્રેમ જ નહીં, પણ અપમાનો અને હીણપતો, ઉપેક્ષા અને અવમાનના આવે છે એ એમને ભાંગીને ચૂરણ કરવા નહીં પણ એમની જ્યોતને સંકોરવા, તેને વધુ તેજોમય બનાવવા આવે છે.”
આ પત્ર એક ખુલાસો લાવે છે. ટાગોર બીમાર હતા અને ડૉક્ટરોની સૂચના મુજબ એ આરામ લે એમ અમે (એમના સાથીદાર એમહર્સ્ટ અને હું) ઇચ્છતાં હતાં. એ એમનું રોકાણ લંબાવે એવો મારો આગ્રહ હતો. થોકેથોક લોકો એમને મળવા આવે અને એ થાકી જાય એવું ન બને એવી મારી તકેદારી હતી. લોકોને મારી આ પદ્ધતિ ન રુચી; કેટલાકને લાગ્યું, હું કવિ ઉપર ‘કબજો જમાવતી હતી’. અને, કવિ પોતે ફરિયાદ કરતા કે ‘મને મળવા ઇચ્છતા લોકો માટે દરવાજા ખુલ્લા કેમ નથી રાખતાં?’ દરવાજા ખુલ્લા રહેતા એ દિવસને અંતે એ થાકી જતા : મને ચિંતા થતી. શું કરવું ઉચિત હતું? બંધ બારણે બેસીને કાવ્યો રચ્યા કરવાં અથવા બગીચામાં લટાર મારવામાં સમય પસાર કરવો એવી પરિસ્થિતિથી એમનું મન વ્યથિત થતું, અને ડૉક્ટરોની સૂચનાને અવગણીને એમનું ધાર્યું કરવા દેવું તેમાં અમને અપરાધભાવ થતો.
એ જ વરસે શાંતિનિકેતનથી એમણે મને લખ્યું કે –
“રોમાં રોલાંએ સ્વીત્ઝરલૅન્ડમાં એક સેનેટોરીઅમમાં મારે માટે રહેવાની વ્યવસ્થા કરી છે. ડૉક્ટરો કહેશે એટલો સમય ત્યાં રહેવાનું છે. મને થયું, મને આવકારવા તું ત્યાં પહોંચી હો તો કેવું સારું! પણ હું સમજું છું કે એમ બનવાનું નથી. ….. સરિતાતીરના તારા સુંદર આવાસમાં હું ઉનાળો ઊતરે ત્યાં સુધી રોકાયો નહીં તેનો તને અફસોસ છે. તને ખબર નથી, રોકાવાની મને જ કેટલી બધી ઇચ્છા હતી. પણ મને મારી ફરજો બોલાવતી હતી, અને એ મધુર ખૂણાના પ્રયોજનહીન અવકાશમાંથી મને દૂર તાણી ગઇ હતી. પણ, કહું? આજે મને સાંભરે છે કે એ દિવસોના પ્રમાદભર્યા પ્રહરો દરમિયાન રોજેરોજ ખીલતાં મારાં નમણાં કવિતા-કુસુમોથી છાબ ઊભરાતી હતી. તને કઇ રીતે પ્રતીતિ કરાવું કે પુરુષાર્થે ઊભા કરેલાં મારાં કેટલાં ય દુન્યવી સર્જનો વિસ્મૃતિમાં સરી જશે પછી પણ મારાં એ કાવ્યપુષ્પો મહેકતાં રહેશે?”
આ બે પત્રાંશો કવિની પ્રકૃતિની વિરોધાભાસી મન:સ્થિતિઓ સૂચવે છે : એક બાજુ એમના મનમાં પોતાને ઇષ્ટ પ્રવૃત્તિઓ પ્રત્યેનો ફરજભાવ છે. પોતાના પ્રભુએ સોંપેલી એ ફરજો બજાવતાં એમને સ્વાતંત્ર્ય જતું કરવું પડે, અપમાનોના જખમ ઝીલવા પડે તો તેનો પણ પ્રેમની શીળપ જેવો જ સ્વીકાર છે. બીજી તરફ, ખુદની ઉપર લાદેલી ફરજોની ઉપયુક્તતા વિશે સંદેહ અનુભવે છે : પોતે જેમાંથી જીવનરસ પામે છે એ ‘પ્રયોજનહીન પ્રમાદ’ અને તેમાંથી ઝરતા પ્રેરણાજળની ઝંખના કરે છે. પોતે રચેલાં કાવ્યો પોતાનાં દુન્યવી સર્જનોથી વધુ જીવવાનાં છે એવી પ્રતીતિ હોવા છતાં પેલા ફરજ-સાદને અનુસરવા મારા રમ્ય સરિતા-તીરની વિદાય લેવા મજબૂર થાય છે.

પણ આ પત્રો તો ટાગોર મારા અતિથિ તરીકે રોકાયા એ પછી લખાયેલા છે. એ પહેલાંની કથા મારે કહેવી છે. 1924ના નવેમ્બર મહિનામાં ટાગોર જ્યારે અમારે દેશ ઊતર્યા ત્યારે એ સખત શરદીમાં સપડાયેલા હતા. આ શરદી અને તેને કારણે ડૉક્ટરોએ આપેલી પૂરા આરામની સલાહ મારે માટે એક અણધારી તક લઇને આવી. એમની પાસે જઇને એમની સેવા કરવાની ઇચ્છા વ્યક્ત કરવી હતી સાચું કહું તો મારી સેવાનો સ્વીકાર કરીને મને એ કૈક આપવાના હતા.
એ કાળની કથની કહેવા હું મારી ડાયરીનાં પાનાંઓ પાસે જાઉં છું :
ટાગોરનો ઉતારો એક હૉટેલમાં હતો. મારી એક સખીને સાથે લઇને કવિને મળવા પહોંચી. એમના સાથી એમહર્સ્ટ કહે કે ટાગોર ભારે ‘ફ્લુ’માં સપડાયા છે. પેરુ દેશની સ્વાતંત્ર્ય-શતાબ્દીના અવસરે એમને આમંત્રણ હતું. એમના હૃદયની સ્થિતિ નબળી હતી, ને પેરુ પહોંચવા માટે ઍન્ડીઝનો ઊંચો ગિરિપ્રદેશ ઓળંગવાનો હતો. એ થકવનારા પ્રવાસ સામે ઝીંક ઝીલી શકે તેવું એમનું સ્વાસ્થ્ય નહોતું. ડૉક્ટરોએ મના કરેલી. સ્વદેશ પાછા ફરતાં પહેલાં પણ કવિએ અહીં જ આરામ કરવો એવી સલાહ હતી. પછી ક્ષણ એક જવા દીધા વિના મેં એમહર્સ્ટને કહ્યું કે હરિયાળીછાયું સુંદર ઘર શોધીને કવિના નિવાસની વ્યવસ્થા હું કરીશ. નગરની ધમાલથી વેગળા સાન ઇસીદ્રો નામના વિસ્તારમાં જે ‘વિલા’ મારા મનમાં હતો એ મારાં માતા-પિતાનો હતો. એ ઘર મને મળી શકશે એ અંગે મને શંકા હતી. પણ મારો તો નિશ્ચય હતો : આકાશ-પાતાળ એક કરીને પણ ગુરુદેવને સાજા થવા માટે શહેરના શોરબકોરથી દૂર મારે આશરો મેળવવો હતો. એમને જરૂર હતી ત્યારે જ હું ખપમાં આવી શકું એ કેવી નસીબદાર ઘડી હતી! પછી અમને ટાગોરના ખંડોમાં લઇ જવામાં આવ્યાં. બેઠકખંડમાં ટાગોરની રાહ જોતાં બેઠાં તો ખરાં, પણ આ મુલાકાતના અંજામ અંગે હું સંશય પામતી, સંકોચ અનુભવતી હતી; ત્યાંથી ભાગવાનો વિચાર પણ ઘડીભર આવ્યો. પણ ત્યાં તો ટાગોરે પ્રવેશ કર્યો. મૌન, એક પ્રકારના અંતરનો અનુભવ આપતો, કોઇ રાજવી માફક ઉપેક્ષાભર્યો દમામ ધારણ કરેલું મસ્તક – આવો એક બાહ્ય અનુભવ થયો, પણ એમના અત્યંત શાલીન વહેવારથી એ બધું ભુંસાઇ ગયું. ચોસઠ વરસના (એટલે કે મારા પિતાની વયના) એ રતુંબડા ચહેરા પર કરચલીની એક રેખા નહીં. જાણે દુન્યવી ચિંતાની છાયાથી મુક્ત રહ્યો હોય એવો ચક્ષુપ્રદેશ. ઘટાટોપ શ્વેત વાંકડિયાં જુલ્ફાં ટટ્ટાર ગરદન પર ઢળતાં હતાં. ચહેરાનો નીચલો ભાગ દાઢીથી ઢંકાયેલો હતો અને તેથી શેષ ચહેરાનું સૌંદર્ય ઑર પ્રગટતું હતું. મોટે ભાગે ઢળેલી રહેતી કાળી ભમ્મર આંખોમાં યુવાનીનું તેજ તરવરતું હતું. આ બધું ધવલ કેશરાશિ અને ગંભીર વદનને ભુલાવામાં નાખતું ભાસતું હતું. પાતળો, ઊંચો દેહ. એમના હસ્તકમલના લયમાંથી જાણે નમણી વાણી ફૂટતી હતી. (વરસો પછી જ્યારે ભારતીય નૃત્યકારોની અંગુલિ-અભિવ્યક્તિ જોઇ ત્યારે ટાગોરની આ મુદ્રા મને સાંભરેલી.) જેની નિકટ હું મારા સ્વપ્નપ્રદેશમાં જ પહોંચી શકેલી, જેમને એમનાં કાવ્યો થકી જ હું અંતરમાં રોપી શકી હતી, દૂરના એ માનવીને અચાનક હાજરાહજૂર જોઇને હું થીજી જ ગઇ. શરમાળ માનવીઓ જેને મળવા આતુર હોય એ મળે એ ઘડીએ એમનો સામાન્ય અનુભવ આવો જ હોતો હશે; હું એવી હતી. બોલવાની હામ નહોતી તેથી મારી મિત્રને જ વાતનો દોર સોંપ્યો. પણ બહેનપણીએ તો મારે જે કહેવું હતું તેનાથી જુદી જ વાતો કરી. હું અકળાઇ ગઇ, અને મેં મુલાકાત આટોપી લીધી. વહેલી તકે હું એકલી જ ગુરુદેવને મળવા આવીશ એવું મનોમન ઠરાવ્યું. હા, એ તક ઊભી કરવાનો મારો નિશ્ચય હતો.
હું મારાં માતા-પિતા પાસે દોડી ગઇ. પણ એમણે તો એમનો પેલો ‘વિલા’ અતિથિ માટે આપવાની ના કહી. મારી એક મસિયાઇ બહેન પાસે શહેરથી અટૂલા એ શાંત વિસ્તારમાં સુંદર ઘર હતું. ‘મિરાલરીઓ’ નામનો એ ‘વિલા’ આપવા મારાં બહેન-બનેવી તૈયાર થયાં, ને મને જાણે જીવતદાન મળ્યું. તરત હું હૉટેલ પર ગઇ, એમહર્સ્ટને સમાચાર આપ્યા કે બે દિવસમાં કવિ માટેનો આવાસ તૈયાર હશે. ‘મિરાલરીઓ’ની સાફસૂફી કરવાની હતી, પાગરણ-વાસણકૂસણ લાવવાનાં હતાં અને મારાં નોકરચાકરને ત્યાં ગોઠવવાનાં હતાં. પશ્ચિમ યુરોપી ‘બાસ્ક’ શૈલીના સ્થાપત્યે શોભતો એ ‘વિલા’ નવોનક્કોર હતો. વિશાળ પ્રાંગણ સુંદર ઉદ્યાન થકી શોભતું હતું. જે ધાર ઉપર આ ‘વિલા’ ઊભો હતો તેને ઘસાઇને પ્લાતા નામે નદી વહેતી હતી. ફૂલો મહોરવાની ઋતુ હતી. સુગંધસંપન્ન એ પુષ્પલોક અતિથિના બરનો હતો.
છેવટે ટાગોરને ‘મિરાલરીઓ’માં લાવવાનો દિવસ આવી પહોંચ્યો. બપોરે કાર લઇને એમને લેવા ગઇ ત્યારે વાવંટોળ નગરને જાણે ધમરોળી રહ્યો હતો. હમણા વરસાદ તૂટી પડશે એવાં એંધાણ આકાશે હતાં. અરધા કલાકે અમે મુકામે પહોંચ્યાં ત્યાં સુધી આ લીલા ચાલી. પણ, ‘મિરાલરીઓ’માં અમે પગ મૂકતાં જ વાતાવરણમાં રમ્યતા છવાઇ ગઇ. ખંડોની ચાર દીવાલોમાં સંચિત શાંતિમાં પવનથી ફરફરતાં પર્ણો જાણે ગુંજારવ છેડતાં હતાં. મેં સર્વત્ર કરી રાખેલી ફૂલબિછાત અને એકાંતના માહોલમાંથી આવકારની ફોરમ પ્રસરી રહી હતી.
એ સાંજે આકાશમાં થોડાં કાળાં વાદળાં છવાયેલાં હતાં, તો બાકીના નભમાં સુવર્ણ વેરાયું હતું. આવા ઘટાટોપ અને તેજછોળ વાદળાં મેં કદી જોયાં નહોતાં. એ વાદળ-રંગો વૃક્ષોની અને નદીતીરની લીલપ પર દીપ્તિ ઢોળતા હતા. સરિત-જળ પોતીકી ચિત્રભાષામાં આકાશી લીલાની વાત કહેતાં હતાં. ટાગોર અને હું એમના ખંડના ઝરૂખે ઊભાં ઊભાં નીરખતાં હતાં : એ આકાશ, એ ધરતી, એ સરિતા – સહુ જાણે ભરતભરેલાં રૂપાળાં પરિધાનથી શોભતાં હતાં. વૃક્ષો-વેલીઓ પર ઉજાસ નીતરી રહ્યો હતો. ગુરુદેવને ઝરૂખે લઇ જઇને મેં કહ્યું, ‘ચાલો, તમને અમારી પ્લાતા નદી બતાવું’. લાગ્યું કે સૃષ્ટિએ પોતાની સોળ કળા પસારીને મારા પ્રયોજનમાં સાથ આપ્યો હતો.
આ ઝરૂખો કવિનો પોતીકો બનવાનો હતો. કવિ આ ઝરૂખેથી જ ગુલાલેભરી સંધ્યાઓ માણવાના હતા. ભવિષ્યના એક પત્રમાં શાંતિનિકેતનથી કવિએ મને પછી લખેલું કે, ‘મારા દેહની જીર્ણ હાલતમાં મારું ચિત્ત સાન ઇસીદ્રોના એ ઝરૂખે પહોંચવા નીકળી પડે છે … તારા એ બાગમાં ખીલતાં વાદળી અને રાતા રંગધારી પુષ્પવૃંદો, અને એ નદીના પટ પર રમતા વિધવિધ રંગો એ એકલ ઝરૂખા પરથી નીરખતાં મારાં લોચન થાકતાં જ નહોતાં – એ મને બરાબર યાદ છે.’ ‘મિરાલરીઓ’માં પગ મૂકતાં જ એ ઝરૂખે કવિને લઇ જવાનું મને સુઝાડનાર મારો અંતર્યામી જ હશે, કારણ કે કવિની વિદાય વેળાએ એમણે સાથે લઇ જવાનું હશે તો એ આ ઝરૂખેથી નીરખેલી પ્રભાત અને સંધ્યાની રોજેરોજની દૃશ્યાવલિઓનાં સ્મરણ હશે. આ સૃષ્ટિદૃશ્ય જ એમને યોગ્ય ભેટ બનવાનું હતું.
સાન ઇસીદ્રોમાં ટાગોર એક અઠવાડિયું રહેવાના હતા, પણ પછી એમનું રોકાણ પચાસ દિવસ જેટલું લંબાયું. ડૉક્ટરોની સલાહ વધુ આરામની હતી. આ સલાહને અનુસરવા માટે મેં એમને સમજાવ્યા. એમણે પેરુનો પ્રવાસ તો માંડી જ વાળેલો. એમના ‘ફ્લુ’એ મને ગમે તેટલી ચિંતા કરાવી હોય, પણ હું એ ‘ફ્લુ’ની જ મનોમન આભારી હતી એ વાત છુપાવી નહીં શકું.
‘મિરાલરીઓ’ વિલામાં કવિ સાથે મારો નિવાસ નહોતો. નજીકમાં મારા પિતાને ઘેર મારો રાતવાસો રહેતો. પણ હું દરરોજ ‘મિરાલરીઓ’ જતી અને ઘણુંખરું ત્યાં જ જમતી. મારા રસોઇયાને મેં કવિ માટે ફાજલ કરેલો. મારા નોકરો પણ એમને જ સોંપેલા. જેને માટે મને આદર અને પૂજ્યભાવ હતો એ અતિથિને અહીં ઘર જેવું લાગે એમ કરવાનો મારો પ્રયત્ન હતો. મેં ધારેલું કે મારી સતત હાજરી એમને ખલેલરૂપ બનશે તેથી હું એમને બને તેટલું એકાન્ત આપતી. એમના સુખચેન માટે મારા હૃદયને ચીરવા પણ તૈયાર હતી.
તેમ છતાં, ‘મિરાલરીઓ’થી જેટલી ક્ષણો દૂર રહેવાનું થતું એ સમય સદા માટે મેં ગુમાવ્યો લાગતો. મને કલ્પનાતીત નસીબ મળ્યું હતું, પણ તેનો પૂરો લાભ લેવાનું મારું જિગર નહોતું. હું શરમાળ હતી, તો ઝંખનાભરી પણ હતી, મારામાં વિવેક હતો, તો ટાગોરની હાજરીનો એક નાનો ટુકડો ય ઝડપી લેવાની લાલસા પણ હતી – મારા મનમાં આવું દ્વંદ્વ ચાલતું. પછી જે માટે જિગર નહોતું તેનું સાટું વાળવા રસોઇ કરનારા ચાકરો સાથે વાતો કર્યા કરતી, એમની પાસેથી કવિ વિશે જાણ્યા કરતી. એ લોકો કેટલાં નસીબદાર હતાં કે ગુરુદેવનો સંસર્ગ પામી શકતાં હતાં! મને એમની અદેખાઇ થતી.
ઢળતી બપોરે, ચાના સમયે, હિમ્મત કરીને મેં બારણે ટકોરા દીધા – જાણે હું અજાણી વ્યક્તિ ન હોઉં! જવાબ આવ્યો : ‘અરે, વિજયા, તું છો? કાંઇ બહુ કામમાં ખોવાઇ ગયેલી કે શું?’ મનોમન કહેતી : ‘હાસ્તો, ખૂબ કામમાં – તમને મળવાની ક્ષણ શોધવાના કામમાં.’ મારી અવાક્ સ્થિતિ માટે મને તિરસ્કાર થતો. પણ પછી ધીમેધીમે ટાગોરને અને એમના મિજાજને પારખતી થઇ. એમણે પણ આ નાના પ્રાણીને વશમાં લીધું.
*
બ્યુઓનેસ આયરેસથી ચાલીસેક કિલોમીટર દૂર પુન્તા ચીકા નામે રળિયામણી જગ્યાએ એક ‘વિલા’માં વિશ્રામ માટે ગુરુદેવને લઇ જવાનું ગોઠવાયું. અમારા દેશમાં આવીને તરત ટાગોરે જાહેર કરેલું કે પોતે શિક્ષક અને કવિ છે, રાજકારણી નથી. ગાંધીના અને એમના રસ્તા જુદા પડી ગયા છે એવું પણ એમણે કહેલું. રાજકારણમાં મારી ગતાગમ નહીં, પણ હિંદમાં શું ચાલી રહ્યું હતું તેનાથી હું થોડી વાકેફ હતી. ગાંધીને સમજ્યા પછી એમનો માર્ગ મને યોગ્ય લાગતો. પણ એ વિશે એક હરફ પણ ઉચ્ચારું તો કવિ નારાજ થઇ જાય એવી દહેશત હતી; એવી ભૂલ મારે કરવી નહોતી. એમના દેશમાં જે મહાસંઘર્ષ ચાલી રહ્યો હતો તેનાથી એ વ્યથિત હતા જ; એ વિશે આશંકાઓ ઉઠાવીને મારે એમને દુ:ખ નહોતું પહોંચાડવું.
કેટલીક બાબતોમાં ટાગોર બાળક જેવા હતા એમ કહું તેમાં એ અસાધારણ માનવી માટે કાંઇ ઘસાતું લાગતું હોય તો હું ક્ષમાપ્રાર્થી છું. એ પણ સહુની માફક માટીના પિંડમાંથી આકાર પામેલા છે એ હકીકતમાં જ એ મહાન માનવીની મહત્તા છે. મહાન માણસો હંમેશાં નરોત્તમ જ હોય તો આપણે કદાચ એમને પૂજશું ખૂબ, પણ ચાહશું ઓછા. કોઇ ફ્રેન્ચ લેખકે કહ્યાનું યાદ છે : ‘પરિપૂર્ણતા થિજાવી દે તેવી ઠંડીગાર છે’, એટલે કે તેમાં અપૂર્ણતાની ઉષ્મા નથી.
ગાંધી સાથે સંવાદનું સુખ મને નહોતું મળ્યું, પણ મેં એમને પૅરિસમાં એકવાર સાંભળેલા. એ માનવીની આધ્યાત્મિક આભા મને આંજી ગયેલી, પણ તેનાથી મેં ‘થિજાવનારી ઠંડક’નો અનુભવ નહોતો કર્યો. કદાચ એમનામાં પણ કોઇક અપૂર્ણતા હશે; અથવા તો, બૌદ્ધિક પરિપૂર્ણતા કરતાં વધુ પ્રભાવ એમના હૃદયના શીલનો હશે.
ડૉક્ટરોએ કવિને થોડાં અઠવાડિયાં સુધી પૂરો આરામ ફરમાવેલો. એમહર્સ્ટ અને હું કવિના સ્વાસ્થ્ય માટે જવાબદાર હતાં. કવિને ડૉક્ટરોનો આદેશ પાળવાની ફરજ પાડવી એ અમારું કર્તવ્ય હતું. પણ દરદીએ તો અમને પરખાવ્યું, ‘મને મળવા ઇચ્છતા લોકો સાથે વાતો કરવી એ મારી ફરજ છે’. અમારો જવાબ હતો : ‘તમારું દરદ ઊથલો ન મારે તેનો ખ્યાલ રાખવો એ અમારી ફરજ છે’. અમારી વચ્ચે એકમતી શક્ય નહોતી. કાં તો ટાગોરને થશે કે અમે એમની ઇચ્છાને અવગણીને મુલાકાતીઓ માટે બારણાં બંધ રાખીએ છીએ, નહીં તો પાર વિનાના લોકોને – સાચા પ્રસંશકો તેમ જ માત્ર કુતૂહલપ્રેર્યા અમસ્તા જ મળવા આવનારાઓને – મુલાકાત આપીને સાંજ પડ્યે થાકીને લોથ થઇ જશે. નિયંત્રણ સ્થાપીને એમની ખફગી વહોરવાનો ડર હતો. બીજી બાજુ, એમની ઇચ્છાને અનુકૂળ થઇને એમની માંદગી લંબાવા દેવાની વાત હતી. પછી હું ખુદને પૂછતી, મારો અભિપ્રાય એ એક અકસ્માત નહોતો? મારામાં આ માનવી પ્રત્યે એક પ્રબળ માતૃભાવ ઉદભવ્યો લાગ્યો. મારા પિતા જેવડા ગુરુદેવ એક બાળક હોય એવું એમના પ્રત્યેનું સહજ વર્તન મારામાં પ્રગટ્યું.
અને મને મોટી ભીતિ તો એ હતી કે હું એમને ખલેલરૂપ તો નહીં બનું ને? પણ બીજે દિવસે એમણે મારા હાથમાં એક પત્ર મૂક્યો જેનો આ અંશ વાંચીને હું હળવીફૂલ બની :
“આપણે સામાન્ય ભાષામાં જેને આતિથ્ય કહીએ છીએ એ બદલ કાલે રાત્રે મેં તારો આભાર માન્યો હતો. મેં ધારેલું કે મારા મનમાં હતું તેનાથી ઘણું ઓછું વ્યક્ત કર્યું એમ તને લાગ્યું હશે.
તને સમજાશે નહીં કે કેવી દારુણ એકલતાનો બોજ ઊંચકીને હું જીવું છું. મારી એકાએક વધી ગયેલી ખ્યાતિએ આ બોજ મારા જીવન પર મૂક્યો છે. હું જાણે એવો મુલક છું જ્યાં કોઇ અશુભ દિવસે અચાનક કોલસાની ખાણ મળી આવી છે ને તેને કારણે ફૂલો ખોવાઇ ગયાં છે, જંગલો જલી ગયાં છે … મારી બજાર-કીમત ઊંચે ગઇ છે, પણ મારું મનુષ્ય તરીકેનું મૂલ્ય ઝંખવાણું પડ્યું છે. આ મૂલ્ય પાછું મેળવવાની બળબળતી ઝંખના મારો કેડો મૂકતી નથી …. આજે મારી એ મૂલ્યવાન સોગાદ તારા તરફથી આવતી લાગે છે. હું જે છું તેનાં તું મૂલ કરી રહી છો, મારામાં જે છે તેનાં નહીં.”
‘મિરાલરીઓ’માં સવારેસવારે ટાગોરનું લેખન ચાલતું, ને પછી એ મારી સાથે બાગમાં લટાર મારતા. ઝરૂખેથી દૂરબીન વડે અમારાં દક્ષિણ અમેરિકી પક્ષીઓનું નિરીક્ષણ કરતા. નિસર્ગપ્રેમી અંગ્રેજ લેખક હડસનનાં લખાણો વાંચતા. બપોર પછી ગાડીઓ ભરીને પ્રસંશકો આવતા. ઘણીવાર નદીની ધારે ઘાસ ઉપર એ બેસતા અને મુલાકાતીઓને પોતાની ફરતે બેસાડતા, એમની સાથે વાર્તાલાપ કરતા. જાતજાતના મુલાકાતીઓ આવતા. થિયોસૉફિસ્ટોને ટાગોર પોતાના લાગતા એટલે એમની સંખ્યા મોટી રહેતી. એક સવારે એક બાનુ આવ્યાં, ને કહે, ‘મારે કવિને તત્કાલ મળવું છે’. મહેમાનને રક્ષવાનો મારો પ્રયત્ન મિથ્યા ગયો. કવિ પોતે મારા અવરોધને ઓળંગીને એ ‘ધરાર’ મુલાકાતી બહેન પાસે પહોંચ્યા. પછી અમે જાણ્યું કે એ બાનુને સ્વપ્નમાં હાથીઓ દેખાતા હતા. હિંદુસ્તાનમાં હાથીઓની વસ્તી હતી તેથી કવિને આ સ્વપ્નના રહસ્યની ખબર હોવી જોઇએ એમ એ સન્નારીએ ધારેલું! મળવા આવનારાઓ પર કોઇ નિયંત્રણ તો હોવું જોઇએ : ટાગોરને અમારી વાત સાચી લાગી.
હું ઇચ્છતી હતી કે મારા દેશના સાચા સંસ્કૃતિ-પ્રતિનિધિઓને કવિ મળે. રિકાર્ડો ગિરલ્દેસ તેમાંનાં એક હતા. અમારા ઘાસના ધરતીપટના તળપદા જીવનને આલેખતી આ લેખકની કીર્તિદા નવલકથા હજુ આવી નહોતી ત્યારની આ વાત છે. મેં ટાગોર સાથે આ લેખક-કવિનો પરિચય કરાવ્યો. ત્રણ-ચાર વરસ પછી ખ્યાતિ એમને આંગણે ઊતરી, પણ પછી તરત એમણે વિદાય લીધી હતી. દુર્ભાગ્યે બન્યું એવું કે દાક્તરી નિયંત્રણને કારણે ટાગોર અમારા દેશ અને તેના લોકોનો પૂરો પરિચય ન કેળવી શક્યા.
એક સાંજે મારા અતિથિએ આધુનિક યુરોપીઅન સંગીત સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. અમારા દેશના એક ઉત્તમ સંગીતકારને એમના સાજિંદાઓ સાથે મેં નોતર્યા. બન્યું એવું કે એ દિવસે સ્વદેશથી આવેલા કોઇ સમાચારથી ટાગોર ખિન્ન હતા. પહેલા માળના એમના ખંડમાંથી એ બહાર ન આવ્યા; બારણું અધખુલ્લું રાખ્યું. સંગીત-વૃંદ ભોંયતળિયે આવેલા હૉલમાં ગોઠવાયું. હું મનમાં મરકતી હતી. કવિના યુવાનીકાળનો એક પ્રસંગ છે : લંડનમાં વિદ્યાર્થી હતા. એક અંગ્રેજ સન્નારીએ એમનાં એક વિધવા બહેનપણીને મૃત્યુગીત સંભળાવવા પોતાના ગ્રામ-નિવાસે આવવા રવીન્દ્રનાથને વિનંતી કરી. ગામડાની એક વીશીમાં ઠંડીમાં થરથરતો રાતવાસો કરીને સવારે ટાગોર મુકામે પહોંચ્યા. જેમને ગીત સંભળાવવાનું હતું એ બહેન પોતાનો ખંડ અંદરથી બંધ કરીને સૂતાં હશે. રવીન્દ્રનાથને એ બંધ બારણું બતાવીને કહેવામાં આવ્યું : ‘એ બહેન ત્યાં છે; હવે ગાઓ’. મારા મિત્રોએ જે સંગીત બજાવ્યું તેની સૂરાવલિ અધખુલ્લા બારણા વાટે કવિનાં કર્ણો સુધી પહોંચેલી જરૂર. મને ઇચ્છા તો થઇ, એમને જરા ચીડવું, ‘બસ, તમારે વરસોજૂની એ ઘટનાનું સાટું આ રીતે વાળવું પડ્યું!’ પણ એવો ટૉણો મારવાની હિમ્મત ન ચાલી. મને એમણે લખેલું કે ‘હું પામી શક્યો છું કે અમારા અને યુરોપી, બેઉ સંગીતનાં મૂળ ભિન્ન છે, અને હૃદય સુધી પહોંચવાનાં બન્નેનાં દ્વાર પણ નોખાં છે’. અમારું પશ્ચિમી સંગીત એમને પૂરું આત્મસાત્ નહોતું થતું, તો બંગાળી ગીતો જે એ મારી પાસે ગાતા એ મને પણ એકસૂરીલાં લાગતાં. હું સમજવા પામી કે સંગીત એ સર્વદેશીય વાણી નથી.
સાવ જુદા જીવન-પરિવેશમાંથી આવનાર માટે અન્ય સંસ્કારને સમજવો સહેલ નથી. પાછાં વળતાં સ્ટીમર ઉપરથી કવિએ મને લખેલું. ‘હું જન્મજાત પ્રવાસી નથી. કોઇ અણજાણ દેશને જાણવા માટે જે શક્તિ જોઇએ એ હવે મારામાં નથી. નવાં નિરીક્ષણો અને અનુભવો સંચિત કરીને એ વિદેશી રોપનું મારે ઘરઆંગણે રોપણ કરું એ પણ શક્ય નથી.’
અને છતાં, વિસ્મયની વાત છે કે સાન ઇસીદ્રોને એ ઝંખ્યા જ કરતા. મને ઘણીવાર એ લખતા કે –
“એ અજાણ્યા પરિવેશમાં નદીકાંઠે આવેલું વિશાળું એ સદન, વિવિધ મરોડવંતા કેક્ટસ-છોડની ક્યારીઓવાળો એ બાગ, એ દૃશ્યાવલિઓ ચિત્ત સમક્ષ જાણે આમંત્રણ ધરીને ખડી થાય છે. જીવનના કેટલાક અનુભવો રોજિંદી ઘટમાળથી વિખૂટા પડેલા ખજાનાના અજાણ્યા ટાપુ જેવા હોય છે. ત્યાં પહોંચવાના નકશાઓમાં મારગ ધૂંધળા ચીતરેલા હોય છે. મારી આર્જેન્તીનાની મુલાકાત એવો એક દ્વીપ છે. કદાચ તને ખબર છે કે તારે આંગણે પથરાતાં સૂર્યતેજનાં અને મને મળેલી મધુર ખાતરબરદાસનાં સ્મરણો મારી કેટલીક ઉત્તમોત્તમ કાવ્યરચનાઓ થકી મધુર છે. એ રઝળતાં સ્મરણોને મેં કવિતામાં બાંધ્યાં છે. અફસોસ કે એક અજાણી ભાષામાં સંચિત એ સાંભરણો તારી અણપિછાણી રહેશે.”
1925માં ‘પૂરબી’ નામનો એ કાવ્યસંગ્રહ બહાર પડ્યો ત્યારે એમણે મને લખેલું કે –
“તને મોકલી રહ્યો છું એ મારું બંગાળી કાવ્ય-પુસ્તક હું સ્વહસ્તે તારા હાથમાં મૂકવા ઇચ્છું. પુસ્તક મેં તને અર્પણ કર્યું છે, પણ એમાં શું ભર્યું છે એ તું કદી નહીં જાણી શકે. એમાંનાં ઘણાં કાવ્યો સાન ઇસીદ્રોમાં રચાયાં હતાં …. મને આશા છે કે કાવ્યોનો રચનાર તારી સાથે હતો તેથી વધુ લાંબો સમય આ કાવ્યપોથી તારી પાસે રહેવા પામશે.”
ટાગોર સાન ઇસીદ્રોમાં રોકાયા એ દરમિયાન ‘પૂરબી’નાં કાવ્યો બંગાળીમાં જેમાં એ લખતા એ નોટબુક તરફ મારું ધ્યાન ગયેલું. કાવ્યોમાં થતી છેકછાકમાં એ રેખાઓ અને આકૃતિઓનાં સુશોભન ગૂંથી લેતા. કવિતાની એક પંક્તિથી બીજી પંક્તિમાં જતી એ રેખાઓ જીવંત બની ઊઠતી ને તેમાંથી વિધવિધ આકૃતિઓ નીપજતી : પંખીઓ, વિચિત્ર પ્રાણીઓ, ચહેરાઓ. ‘પૂરબી’ની એ હસ્તપ્રતમાં મેં ચિત્રકાર ટાગોરનો ઉદય જોયો. એમનાં આ હસ્તપોથી-ચિતરામણોમાંથી મને આનંદ મળતો, અને એ રસમ ચાલુ રાખવા આગ્રહભેર એમને સૂચવતી. છ વરસ પછી એમને ફ્રાન્સમાં મળી ત્યારે એ હસ્તપ્રતોમાં આકૃતિઓ નહોતા દોરતા, કૅનવાસ પર ચિત્રકામ કરતા હતા. મારા ફ્રેન્ચ મિત્રમંડળની મદદથી ગોઠવેલું ટાગોરનાં ચિત્રોનું પ્રદર્શન સફળ ગયું હતું. સિત્તેરની વયે પહોંચીને ટાગોરને પીંછીનો પોરસ ચડે એ મને વિચિત્ર ન લાગતું; બર્લિનમાં એમની કલાકૃતિઓ વેચાય તેથી નવોદિત કલાકારને થાય એવો આનંદ એ પામે એ બહુ સ્વાભાવિક લાગતું. એ દિવસોમાં કવિએ પોતાનાં સ્વપ્નોને રંગો વડે અવતારવાનો અંતરનો સાદ સાંભળ્યો હશે, અને એમણે વિચાર્યું હશે કે ‘મારાં બીજાં દુન્યવી સર્જનોના વિસર્જન પછી પણ રંગો વડે રચેલી આ કવિતાઓ તાજી રહેશે’. *
અમારા દેશમાં કવિના નિવાસ દરમિયાન મુલાકાતીઓના ધસારાથી એમને ઉગારવા બાબત મેં વાત કરી. પણ એમનામાં કેવા અણજાણ લોકોને રસ પડ્યો હતો એ વિશેની ગઠરી મારે ખોલવી છે. ફાની નામે એક બાઇને ટાગોરનાં કપડાં અને ચીજવસ્તુઓની સારસંભાળ લેવાનું કામ મેં સોંપેલું. માંડ બે-ત્રણ અંગ્રેજી શબ્દો જાણનાર આ બહેન ટાગોરની દોસ્ત બની ગયેલી. એકવાર એણે મને કહ્યું, “મિ. ટાગોરના ‘ગાઉન’ સાવ જરી ગયા છે. ઠંડીના દિવસોમાં તો એમને જરા જાડા કાપડનો ‘ગાઉન’ જોઇશે.” (ટાગોર પાની સુધીનો લાંબો ઝભ્ભો પહેરતા.) એ કાળે પૅરિસની ખ્યાતનામ પરિધાન-કંપનીની શાખા મારા નગરમાં હતી. ત્યાંથી ઉત્તમોત્તમ કાપડ મળશે તેની મને ખાતરી હતી.
હું એ દુકાને ગઇ અને ઊંચી જાતનું એક ગરમ કાપડ પસંદ કર્યું. કવિના ‘ગાઉન’નો નમૂનો આપીને એવો ‘ગાઉન’ સીવી આપવા મૅનેજર એલિસને કહ્યું, સાથે વિનંતી કરી કે, “પ્લીઝ, એલિસ, કોઇને જાણ ન થવી જોઇએ કે આ ‘ગાઉન’ કવિ ટાગોર માટે છે.” એલિસે પોતાના માણસોને કહી દીધું કે કોઇ ફૅન્સી ડ્રેસ કાર્યક્રમ માટે આ ‘ગાઉન’ છે. એણે પૂછ્યું, “ફીટીંગ માટે ક્યારે આવું?”
મેં કહ્યું, “એલિસ, રહેવા દે. તારા સીવણમાં તે ફીટીંગની જરૂર હોય?”
એલિસબાઇ કહે, “મૅડમ, પ્લીઝ, મને આવવા દ્યો; કદાચ ફીટીંગ સુધારવાનું થાય; મારા કામમાં નાની એવી ખામી ન રહેવી જોઇએ. અને, મારે એ મોટા કવિને જોવા છે ને એમની દાઢી પર હાથ ફેરવવો છે.”
મેં કહ્યું, “અરે, દાઢી જેવી સફેદ દાઢી છે એમની.”
“અરે હોય, મૅડમ! ફોટામાં તો એ ‘ગૉડ’ જેવા જ લાગે છે.”
મારી પાસે જવાબ નહોતો. એલિસ પોતાના સરંજામ સાથે આવી; ફીટીંગની ખામી એણે સુધારી લીધી. ટાગોરને એમ લાગ્યું કે એલિસ કોઇ સામાન્ય દરજણ હશે. પૅરિસની ફૅશનેબલ કપડાંની દુકાનની એમને કલ્પના પણ ક્યાંથી હોય! હું એલિસને બારણે વળાવવા ગઇ. અમે કોઇ ગુનામાં ભાગીદાર હોઇએ તેમ મેં એને સોગંદ દઇને કહ્યું, “એલિસ, કોઇ જીવતા જણ પાસે આ વિશે, પ્લીઝ, હરફ પણ કાઢતી નહીં”. મને ખબર હતી, વેદિયા માણસો આવા મોંઘાદાટ ‘ગાઉન’ સાથેના ટાગોરને જોઇને ભડકી ઊઠશે. કવિને ઝભ્ભાની જરૂર હતી, ને એ આવા ઝભ્ભા પહેરતા હતા. હું એમને માટે ઝભ્ભો સીવરાવું તો અવલ કેમ ન સીવરાવું? એ મારો સંતોષ – માત્ર અને માત્ર મારો આનંદ – જતો કરવા જેટલી હું ગુણવાન નહોતી.
કવિ આ કારસ્તાનથી અજાણ જ રહ્યા હતા.
યુવાનીમાં એમને મારી જેમ જ શૅક્સપીઅર ખૂબ પ્રિય હતા. નિસર્ગમાંથી જે આનંદ એ પીતા, એ મારું પણ પીયૂષ હતું. અને એમનો સ્વાતંત્ર્યનો ખ્યાલ પણ મને પસંદ હતો. ધર્મ વિશેના એમના વિચારોના જાણે મારા મનમાં પડઘા પડતા હતા. હું ખુદ એ વિચારો વ્યક્ત કરી શકતી નહોતી, પણ ટાગોર પાસેથી એ સાંભળતાં મારાં સંવેદનો આંસુરૂપે બહાર આવતાં.
પણ, એવું નહોતું કે જેનાથી હું ઊભરાતી એ આ વિષય પર અમે વાતો કર્યા કરતાં. અમે એકલાં હોઇએ ત્યારે હું લજ્જાભારે કશું વ્યક્ત કરી શકતી નહીં. ટાગોરને એમ હતું કે અંગ્રેજી શબ્દો મને જલદી મળતા નહીં તેથી હું મૌન હતી. ના, મારા મૌનનું કારણ ટાગોર ખુદ હતા : એમના પ્રત્યેનો આદરભાવ મને મૂક બનાવી દેતો. એમને મારા આવા ભાવ વિશે જાણ નહોતી – અને હું એમનું આ અજાણપણું અકબંધ રાખવા માગતી હતી. કવિને ક્યાંથી ખ્યાલ હોય કે એમને અકળામણ થાય એટલી હદે એમની સેવા માટે તત્પર એક યૌવના, એમની પાસે મૂંગીમૂંગી બેસી રહેવા જ રોજ આવતી નારી એમનાં પુસ્તકો હૃદયસ્થ કરીને જીવતી હતી, એમના ખુદના આગમન પહેલાં જ એ પુસ્તકો એના જીવનમાં ઊંચા આસને બિરાજી ચૂકેલાં – આ બધાની એમને ક્યાંથી ખબર હોય!
મારો દેશ છોડ્યા પછી ટાગોરે મને સ્ટીમરમાંથી લખેલું : ‘આપણે સાથે હતાં ત્યારે મોટે ભાગે શબ્દોની રમત રમ્યા કરતાં, પરિચયની તકો આવતી એ મજાકમાં ઉડાડી દેતાં. આવાં હાસ્ય આપણા ચૈતસિક માહોલને ધૂંધળો બનાવી દેતાં હોય છે.’ જો કે, મારા વિશેની એમની આ માન્યતા અને એમના અંગેની મારી સમજણ જુદી હતી. ટાગોર શું હતા તેનો મને ખ્યાલ હતો, અને એમની કૃતિઓએ મને એમના વિશે જે છાપ આપી હતી એ એમની મુલાકાતે વધુ સ્પષ્ટ કરી હતી. પણ એ આ વાણીહીન હસ્તીને જાણતા હશે તો માત્ર અંત:પ્રેરણા થકી જ. એમણે કાવ્યમાં ઉચ્ચાર્યું : ‘હું તને જાણું છું, હે અણજાણ ભૂમિની નારી, તારો વસવાટ સાગરની પેલે પાર છે …’ સાચે જ શું મારા મૌનની વાણીએ એમને મારા વિચારો પહૉંચાડ્યા હશે? ના, એમ નહીં હોય. અમારી પિછાન ઘણુંખરું એકપક્ષી રહી હતી એમ હું માનું છું. આવા એકપક્ષી પરિચયને કારણે જ એ જાણી નહીં શક્યા હોય કે ‘અણજાણ ભૂમિની નારી’ એમની કેટલી નિકટ હતી; અરે, અમારા બે દેશ વચ્ચે મહાસાગર લહેરાતા હોય અને ઋતુભેદ હોય તો પણ એ મુલકો વચ્ચે કેટલી નિકટતા હતી! ગુરુદેવને ખબર નહીં હોય કે ‘સાગરપારથી આવતા’ એ ગીત-સૂરો સાંભળતી વેળા અમારા એક કવિની પંક્તિઓ મારામાં ગુંજન કરી ઊઠતી :
‘હું ફરી પાછો પહોંચ્યો છું મારા પોતાના તટ ઉપર
આત્માના ઇતિહાસ સિવાય બીજો કોઇ ઇતિહાસ નથી.’
પશ્ચિમના લોકો પૂર્વના વિચારો બહુ સમજી ન શકે એવો ખ્યાલ ટાગોરનો હતો. મને એક સાંજ યાદ આવે છે : મેં એમના ખંડમાં પ્રવેશ કર્યો ત્યારે એક કાવ્યરચના પૂરી કરતા હતા. વિશાળ ખંડ, સુંદર સજાવટ, ફર્નીચરમાંથી આવતી તાજા પૉલિશની ગંધ, દૂરદૂર સુધી પથરાયેલી શાંતિ – માત્ર પ્રાણીઓના અવાજો આવતા. વરસાદ વરસતો હતો. ઍટલાન્ટીક મહાસાગર પરથી લહેરાતો સમીર અમારા ઉચ્છ્વાસમાં સમાતો હતો.
મેં કહ્યું, ‘મને આ કાવ્યનો અનુવાદ સંભળાવો’. એમની પાસે પડેલાં કાગળિયાંમાં, જાણે રેત પર પંખી-પગલાં પડ્યાં હોય એવી નમણી ભાત રચતા કવિના બંગાળી હસ્તાક્ષરો હતા. કવિવરે કાગળ હાથમાં લીધો અને એ અનુવાદ કરવા લાગ્યા, કૈંક અટકતા અટકતા. તેનાથી મારી સમજણ અત્યંત ઉજાસવંત બનતી હતી. કોઇ ચમત્કાર બન્યો હોય તેમ હું કવિતામાં સીધો પ્રવેશ કરી રહી હતી. જાણે અનુવાદનું આવરણ હટી ગયું હતું, હું જાણે સીધી મૂળ શબ્દાવલિ સુધી પહોંચી ગઇ હતી. કવિએ જાણે કવિતાની પોતીકી ધરતી પર મને ઉતારી હતી.
મેં વિનંતી કરી કે ‘મને તમારા હસ્તાક્ષરમાં આ અનુવાદ લખી આપજો’. બીજે દિવસે સુંદર અક્ષરોમાં લખાયેલું કાવ્ય મેં વાંચ્યું ત્યારે હું નિરાશ થઇ. મેં ફરિયાદ કરી, ‘કાલે તમે મારી પાસે વાંચેલા કાવ્યમાં આવું આવું હતું એ તો આમાં નથી. તમે કવિતાના એ હાર્દને કેમ બાતલ કર્યું?’ કવિ મને સમજાવવા લાગ્યા : ‘મને લાગ્યું, પશ્ચિમના લોકોને તેમાં રસ નહીં પડે.’ તમાચો પડ્યો હોય એવી રાતીચોળ હું થઇ ગઇ. ટાગોરે તો એમને જે લાગ્યું એ કહી નાખ્યું; મને દુ:ખ લાગશે એવો એમને સપને ય ખ્યાલ ન હોય. એમની સાથે કદી ન લઉં એવી છૂટ લઇને પણ મારે કહેવું પડ્યું કે આવું સમજવામાં એમણે મોટું ગોથું ખાધું હતું.
બીજા એક પ્રસંગે બોદલેરનાં થોડાં કાવ્યોના અંગ્રેજી અનુવાદ ગુરુદેવને સંભળાવવાનો મેં પ્રયત્ન કર્યો. અનુવાદકળાને ગાંઠે નહીં એવી સામગ્રીનો અનુવાદ કરવાનો પ્રયાસ હું કરતી હતી તેનો મને ખ્યાલ હતો, પણ બોદલેરનાં કાવ્યોના કેટલાક વિષયો પરત્વે એમના પ્રતિભાવ જાણવા હું ઉત્કંઠ હતી. એક કાવ્ય થોડું વાંચ્યું ત્યાં એ કહે, “વિજયા, મને તારો આ ‘ફર્નીચર કવિ’ નથી ગમતો”. એમના શબ્દો અને તેનો ધ્વનિ એવા હતા કે મારાથી હસ્યા વિના ન રહેવાયું. મારા અનુવાદે એક ફ્રેન્ચ પ્રતિભાવંત કવિને ‘ફર્નીચર કવિ’માં ખપાવી દીધા!
1930માં ગુરુદેવને ફરીવાર મળવાનો યોગ થયો પૅરિસમાં. એ પછી એ ઑક્સફર્ડમાં ભાષણો આપવા જવાના હતા, ને હું સાથે જાઉં એમ ઇચ્છતા હતા. પણ મારે અમેરિકા પહોંચવું પડે તેમ હતું. એ 1930ના જૂનમાં હું ગુરુદેવને પૅરિસના સ્ટેશન પર છેલ્લીવાર ભેટી. એ પછી ટાગોરને હું પત્રો થકી જ મળવાની હતી. એમણે મારું નગર છોડ્યું ત્યારે મેં આપેલી એમને પ્રિય થઇ પડેલી આરામખુરસી હંમેશ એમની સાથે રહી. ક્યારેક પત્રમાં લખતા : ‘હું દિવસનો મોટો ભાગ અને રાત્રે ઘણો સમય એ પ્રિય ખુરસીમાં સમાયેલો રહું છું.
કવિના સંવાદો અને પત્રોમાં આવી મર્માળી વિનોદિકાઓ સદાય રમતી રહેતી : “કેટલાક જીવો મૃત્યુથી બચવા માટે બનાવટી મરણ શોધતા હોય છે. ડૉક્ટરોની સલાહ છે કે મારે એવા જીવોને અનુસરવું અને કદી બહાર ન નીકળવું, ક્દી બોલવું નહીં, લોકોને મળવું નહીં – તાત્પર્ય કે એવી રીતે વર્તવું, જાણે હું મૃત્યુ પામ્યો છું! તેથી મારે મહાસાગરો પાર કરીને મારી સાથે આવેલી તારી આરામખુરસીનું સંપૂર્ણ શરણ સ્વીકારવું પડશે.” ઓર્તેગા ય ગાસેત નામના સ્પૅનિશ વિદ્વાનના સ્ત્રીઓ વિશેના એક કથનનો મેં એમને અનુવાદ કરી સંભળાવેલો. એ સંભારીને એમણે લાંબો, રમૂજી પત્ર લખેલો તેની સમાપ્તિ આવી હતી : “સ્ત્રીઓ સાથે કદી રમૂજ ન કરવી એવી સલાહ મને મળી છે, પણ આ કાગળની કેટલીક વાતો સાવ ફાલતુ છે. જે માણસ ફિરસ્તો છે તો નહીં, પણ ગણાય છે, એ હાસ્યના ફુવારા ઉડાડતી અમસ્તી એવી રમૂજો ગેરસમજ વહોરીને પણ કર્યા કરે – તું આ બધું દરગુજર કરજે.” એમને ખ્યાલ હતો કે મને હસવું બહુ ગમે. ફિરસ્તાઓને, સંતોને પ્રસંગ આવ્યે હસવાની મના હોય તો હું જાણતી નથી. ઊલટું, હું તો એમ માનું છું કે હરહંમેશ ગાંભીર્યનો અંચળો ઓઢનાર સંત ખોટીલો હોય.
ટાગોરના જીવનની એવી બાજુઓ હતી, એમના જીવનને ખળભળાવનાર એવી ઘટનાઓ એમના સાન ઇસીદ્રોના રોકાણ દરમિયાન બનેલી હશે કે જે હું ત્યારે પામી શકું તેમ નહોતી. ઘણો સમય વીત્યા પછી માત્ર પુસ્તકોએ નહીં પણ જીવનના જીવતા મુકાબલાઓએ મને એ બધું સમજતાં શીખવ્યું.
સાન ઇસીદ્રોની અમારી એ સોબત પછી બત્રીસ વરસનાં વહાણાં વાયાં, ને હું અમારા એ કાળના સાથીદાર એમહર્સ્ટની મહેમાન થઇને ઇંગ્લન્ડ ગઇ હતી. અમે એ જૂના દિવસો વાગોળતા હતા. એમહર્સ્ટે મને ગુરુદેવના પત્રોના કેટલાક અંશો વંચાવ્યા. તેમાંના બે મેં લખી લીધા. 1924માં જ્યારે હું નદીકાંઠે કે ઝરૂખે બેસીને ગુરુદેવ સાથે ગોષ્ઠિ કરતી, ત્યારે મને એનો શબ્દવૈભવ ગમ્યો હોત પણ હું એ પત્રાંશોથી ખાસ પ્રભાવિત થઇ ન હોત. બત્રીસ વરસ પછી એ વાંચીને મેં જે ધ્રુજારી અનુભવી એ જુદી જ વાત હતી :
“કોઇ જુલમગાર સમાજને પીડન આપે એ કદાચ સહી શકાય, પણ કોઇ મિથ્યા મૂર્તિને પૂજવા માટે સમાજ છેતરાય એ હીણપત આખા યુગની છે; સંયોગબળે યુગ તેને તાબે થયો હોય છે.
એવા પણ કાળ આવી ગયા જ્યારે ઇતિહાસ માનવસમાજ સાથે ફરેબ રમી ગયો હોય; અકસ્માતોના સિલસિલાએ વામણા માણસોને અતિ મોટા સ્વરૂપે રજૂ કર્યા હોય. આમ, સત્ય વિકૃત બનીને આપણી સામે આવે તેનું કારણ એ નથી કે આવા માણસો અતિ શક્તિશાળી હોય છે. ખરેખર તો એ જેમના આગેવાન બની બેઠા હોય છે એ પ્રજાની જ નિર્માલ્યતાના એ પ્રતીક લેખાવા જોઇએ.”
આ વિચાર પૂરો સમજવા માટે મારે ભારે પ્રયત્ન કરવો પડ્યો હતો. હવે હું એ ‘મિરાલરીઓ’ની તરુછાયામાં, રૂપાળાં ફૂલોની સમીપે નહોતી બેઠી. હું જ્યાં હતી એ સાન ઇસીદ્રોથી ખૂબ દૂર અંગ્રેજભૂમિ હતી. એ નવેમ્બર માસ હતો જ્યારે અમે ત્રણ – કવિ, એમહર્સ્ટ, અને હું – સાન ઇસીદ્રોમાં હતાં. પણ, બત્રીસ વરસ પછી ગુરુદેવ નહોતા, અમે બે મિત્રો જ ઇંગ્લન્ડમાં સાથે હતાં. સાન ઇસીદ્રોના એ નવેમ્બરમાં વસંત હતી, આ નવેમ્બરમાં ઇંગ્લન્ડમાં શિયાળો બેસી રહ્યો હતો.
ઋતુ તો ગમગીનીની હતી, પણ હું ઉદાસ નહોતી – હમણાં જ વાંચ્યા એ શબ્દો ગ્લાનિદાયક હતા છતાં. આ શબ્દો જે કહી ગયા એ મેં ચોપડીઓમાં વાંચેલી વાત નહોતી રહી, પણ હવે અનુભવની તાવણીમાં પાકેલી સમજ બની હતી. ત્યારે હું યૌવનની સર્વ સંપદાની સ્વામિની હતી, અને છતાં મારા હાથ એ જ સંપતના બંદી હતા. ત્યારે હું અકથ્ય પીડામાં ઝલાઇ ગઇ હતી. એ કાળે ‘ગીતાંજલિ’ના વાચને મને અશ્રુભીની મુક્તિ અપાવી હતી. શું ગઇકાલે, શું આજે, ‘જીવનની બધી જફાઓ – કુટિલતાઓ, કપટો, વિક્ષેપો, વિરોધો – ને પેલે પાર, અસ્તિત્વના ગહનતમ હેતુની સિદ્ધિ ભણી મારો પરમ પથદર્શક મને લઇ જઇ રહ્યો છે’ : ટાગોરના એ શબ્દોનો મર્મ મારે માટે તો હજુ ધૂંધળો છે, છતાં, મારા જીવનનો રહસ્યમય અર્થ હું ઉકેલી શકું નહીં તો પણ હતાશાને અને વિષાદને તો છાંડી શકું છું. આ શાણપણ – મારી બાબતમાં તો શાણપણ પણ નહીં, માત્ર લાગણી અને અંતરપ્રેરણા – મારા પંડમાં ક્યાંથી આવ્યાં? તો કહું કે ગાંધીજી અને ગુરુદેવ, સંસ્કૃતિઓના સીમાડા પારની એ બે વિભૂતિઓની મને એ દેણ છે. એકને મેં માત્ર એકવાર જોયા-સાંભળ્યા છે; બીજાની સાથે થોડાં ડગલાં માંડવાનું મારું સદ્ભાગ્ય હતું.
એ બે મહાન હસ્તીઓ વિશે કાંઇ કહેવા માટે હું અતિ અલ્પ છું. મારી પાસે તો, ટાગોરના શબ્દોમાં, માત્ર ઊર્મિના ઉદ્ગારો છે; મારામાં કવિતાકલા હોત તો મારાં અશ્રુ અને મારા મલકાટ કાવ્યરચનામાં ગૂંથાઇને આવત. પણ કાવ્યવિહીન છું તેથી આંસુ નયનજળ જ રહે છે, સ્મિત ઓષ્ઠે જ ઠરી રહે છે.
સાન ઇસીદ્રોના નિવાસ દરમિયાન ગુરુદેવે મને થોડા બંગાળી શબ્દો શીખવેલા. મને એક જ શબ્દ યાદ છે – ભાલોબાશા (પ્રેમ). એ ઉદ્ગાર હું ભારતભૂમિને ધરું છું : ભા લો બા શા.
['રવીન્દ્રસાન્નિધ્યે' પુસ્તકમાંથી]
સૌજન્ય : જયંતભાઈ મેઘાણીના ‘ફેઇસબૂક’ પાનેથી સાદર
![]()

