= = = = પછી માર્કણ્ડેય ઋષિ હતા, સાવ એકલા, તે કદાચ એકલતાથી ડરી ગયેલા, ને તેથી બ્રહ્માને એમણે પ્રાર્થના કરેલી કે – તમે મને દર્શન આપો તો સુખ થાય = = = =
= = = = એ જ પ્રલયંકારી ઈશ્વરે નોહાને, નોહાના પરિવારને તેમ જ ધરતી પરના સર્વ જીવોને બચાવી લીધેલા = = = =
કોરોનાવાયરસ અથવા COVID – 19 ભૌગોલિકથી વૈશ્વિક થયો છે. કહે છે કે ઍક્સ્પોઇનન્શ્યલિ ફેલાઇ રહ્યો છે, એટલે કે, ઘાતાંકની રીતે, એટલે કે, બેવડીથી ત્રેવડી ઝડપે ફેલાઈ રહ્યો છે. ભય સેવાઈ રહ્યો છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ખોરવાઈ જશે ને એને રીપેર થતાં વરસો નીકળી જશે. એવો ભય પણ ફેલાઈ રહ્યો છે કે જેમ પ્રલયથી સર્વનાશ થવાનો છે એમ કોરોનાથી પણ થઈ શકે છે.
આવા તેવા ભય કલ્પિત છે છતાં બળવાન છે.
આ ભય સામેની આશાસ્પદ વાતો : કેટલાક જ્ઞાનીઓ આ ભય સામે એક પ્રકારની વિધાયક વિચારધારા રજૂ કરી રહ્યા છે. એક પ્રકારનું પૉઝિટિવિઝમ. એમ કે સરવાળે સૌ સારાં વાનાં થશે. દુનિયાને કોરોના ધરમૂળથી બદલી નાખશે. એક નૂતન જીવનનો આવિષ્કાર થશે. જનસામાન્ય તો એમ જ માને છે કે આ તો પરમેશ્વરની ઇચ્છાનું ફળ છે. એ વિસર્જનહાર છે પણ એ જ છે નવસર્જનકાર. પણ દિનરાત પૉઝિટિવ કેસો વધી રહ્યા છે, સંખ્યાબંધ મૃત્યુ થઈ રહ્યાં છે, ત્યારે, એવા અતિ વિષમ સમયમાં, આ પૉઝિટિવ વાતો સાચી ભલે છે પણ મારા ગળે નથી ઊતરતી. એને પરમેશ્વરની ઇચ્છા કહેવી હોય તો કહી શકાય પણ એવી શ્રદ્ધાનું સેવન કરવાથી પરિસ્થતિમાં કશો ફર્ક નથી પડતો. એઓશ્રી વડે થનારા નવસર્જનને જાણવાને અને માણવાને હું કે આપણે હોવા જોઈશું ને !
આ ભય સામેની સમીક્ષાત્મક વાતો : કેટલાક જ્ઞાનીઓ વિધાયક વાતોની સામે એક પ્રકારની સમીક્ષાત્મક વાતો કરી રહ્યા છે. એ લોકો દુનિયાભરમાં જે લૉકડાઉન છે તે કેટલો નક્કર છે કે પોલો, એનાં લેખાંજોખાં માંડે છે. મદદો સેવાઓ અને રાહતકાર્યોની સમુપકારકતાની નૉંધ જરૂર લે છે પણ એને જ કારણે જોખમમાં આવી જતા સોશ્યલ ડિસ્ટન્સિન્ગ અંગેની ચિન્તાઓ પણ રજૂ કરે છે. આ વાતો સૌના ગળે ઊતરી શકે એવી છે.
આ ભય સામેની સર્જનાત્મક વાતો : ત્રીજા પ્રકારના લોકો, કેટલાક સાહિત્યકારો છે. તેઓ આ ભય પર પૂરી સર્જકતાથી અને પૂરા અન્તર-મનથી કામ કરતા હોય છે. કલાના ધર્મે કરીને તેઓ આશા શ્રદ્ધા અને વાસ્તવનું સુભગ સંમિશ્રણ કરી તેને એકરૂપ કરી દે છે. એટલે એમનાં સર્જનોમાં ભય અંકિત થાય છે પણ ભયનું રસરૂપ પ્રગટે છે. પરિણામે, આવાં મહાસંકટોનું રસિક અને આશ્વાસક સાહિત્ય સરજાતું હોય છે.
આજે પ્રલય જેવા મહાસંકટને રજૂ કરતાં કેટલાંક સર્જનોની વાત કરું :
જેમ કે, હિન્દુ પુરાણોમાં, પ્રલયની કથા છે. પુરાણો કહે છે કે પ્રલય થાય ત્યારે શું થાય : વિશ્વ જળબંબાકાર થઈ જાય. સજીવોમાં રહેલી ઉર્જા કોઈક સ્થાને એકત્ર થઈ જાય. સૂર્ય ખૂબ તપે ને અતિશય ગરમી પેદા થાય. સ્થળે સ્થળે દાવાનળ પ્રગટે ને પ્રસરે. બધું ભસ્મીભૂત થઈ જાય. સર્વત્ર રાખ રાખ. રાખને વાયુદેવતા એકઠી કરે. પછી જળદેવતા અવિરત વર્ષા વરસાવે. દુનિયા ડૂબી જાય.
પુરાણો દર્શાવે છે કે પ્રલય એક વાર થઈ ચૂક્યો છે અને ભવિષ્યમાં થવાનો છે. કહે છે કે માર્કણ્ડેય ઋષિએ મહાપ્રલય જોયેલો. તેઓ પોતે અમરત્વ પામેલા એટલે બચી ગયેલા. પણ પછી હતા, સાવ એકલા, તે કદાચ એકલતાથી ડરી ગયેલા, ને તેથી બ્રહ્માને એમણે પ્રાર્થના કરેલી કે – તમે મને દર્શન આપો તો સુખ થાય. એક દિવસ, માર્કણ્ડેય એક પીપળ-પાનને તરતું જુએ છે. એ પર પોતાનો અંગૂઠો ચૂસતું બાળક મૉજમાં વિરાજ્યું હોય છે. એ માર્કણ્ડેયને પૂછે છે : કેમ છો બાળક? મજામાં? : બાળક થઈને એક બાળક પોતાને બાળક કહે છે એ વાતે માર્કણ્ડેય મૂંઝાઈ જાય છે. કહે છે : મારું આયુષ્ય લાખ્ખો વર્ષનું છે ને તું મને બાળક ગણે છે ! કોણ છો તું? : બાળક કહે છે : રે ભલા, મેં તો આવા કેટલા ય પ્રલય જોઈ નાખ્યા છે. તારા પિતાને અમર પુત્રનું વરદાન અપાયેલું એટલે તું બચી ગયો છું. હું સ્વયં બાલ-કૃષ્ણ છું. હવે તારે આ માહિતી બીજાઓ આગળ પ્રસરાવવી હોય તો પ્રસરાવજે : તે દિવસથી પ્રલય-કથાના મુખ્ય પ્રસરણકાર માર્કણ્ડેય મનાયા છે.
આ શિલ્પ આરસ-પાઉડર અને રેસિનના મિશ્રણથી બન્યું છે. સૌજન્ય : IndiaMart
જેમ કે, ઓલ્ડ ટેસ્ટામૅન્ટમાં ‘જીનેસિસ’ નામે સંવિભાગ છે. ‘જીનેસિસ’ એટલે અનાદિ મૂળ, પૃથ્વીનો શુભારમ્ભ. એમાં, આદમ અને ઈવની તેમ જ ટાવર ઑફ બાબેલની કથાઓ છે. એમાં, ‘જીનેસિસ ફ્લડ’ની, એટલે કે પહેલી વારના પ્રલયની ‘નોહા’ઝ આર્ક’ નામની કથા પણ છે. ઈશ્વર પૃથ્વીને એના આદિમ જળસ્વરૂપમાં બદલીને એને એક નવ્ય રૂપ આપવા માંગતા’તા, એ આશયથી એમણે પ્રલય કરેલો.
જેમ કે, કુરાનમાં કયામતની – અન્તિમ યાત્રાની – વાત છે. મોહમ્મદ પયગમ્બરે દર્શાવેલું કે કયામતનો દિન નજીક આવશે તેમ તેમ ૭૨ જેટલી વસ્તુઓ થઈ હશે અને નહીં થઈ હોય એ થવા લાગશે.
એમાંની કેટલીક રજૂ કરું : જૂઠ સત્ય ગણાશે : જૂઠું બોલવું કલા ગણાશે : નાની નાની વાતે ખૂનખરાબા થશે : લોકો ધરમને વેચશે : ઊંચાં, બહુ ઊંચાં, મકાનો બનશે : લગ્નભંગ – ડિવૉર્સ – સામાન્ય ગણાશે : વર્ષાને સ્થાને ગરમી પડશે : પાપ વધશે : શાન્તિ વિરલ હશે : સ્ત્રીઓ પુરુષો-સમ દેખાવા પુરુષોની નકલો કરશે : પુરુષો સ્ત્રીઓ-સમ દેખાવા સ્ત્રીઓની નકલો કરશે : જૂઠાણાં શ્રીમન્તો અને રાજશાસકોની જીવનશૈલી હશે : વગેરે
આ બધાં નિરૂપણો એમ જણાવે છે કે આ બધું કશા પરમ તત્ત્વની ઇચ્છામતિથી થાય છે ને તેથી એમાં વિસર્જન પછીના નવસર્જનની આશા પણ ભળી હોય છે. જેમ કે, એ જ પ્રલયંકારી ઈશ્વરે નોહાને, નોહાના પરિવારને તેમ જ ધરતી પરના સર્વ જીવોને બચાવી લીધેલા.
અન્ય સંકટોના સાહિત્ય વિશે હવે પછી.
= = =
(April 4, 2020 : Ahmedabad)