બાવીસમી માર્ચ, સાંજના પાંચને પાંચ અને પેલો થાળીનાદ! પૂરા એક સપ્તાહ પછી પાછળ નજર કરું છું, એ સાંજ સંભારું છું, ને વિપળવાર માટે પણ કેમ ન હોય, કંઈક રોમકંપ અનુભવું છું. લાંબા નમોકાળમાં એ એક અપવાદરૂપ એલાન એવું હતું જેને માટેની અપીલ મુદ્દલ વિભાજક નહોતી. જનતા કર્ફ્યુનો એ આદેશ પોતે કરીને કંઈ કોરોના-નિવારક તો નહોતો હોવાનો, ખેરાળુના બાપુની ફૂંક જેવો કોઈ વિપત્તિશામક નુસખા ખેલ પણ એ નહોતો. કહેવું હો તો કહી શકાય અને એ ઠીક જ છે કે લોકડાઉનની દુર્નિવાર વાસ્તવિકતાની પૂર્વતૈયારી અગર ‘વોર્મિંગ અપ’ જેવું કાંક એમાં અવશ્ય હતું. એક અચ્છા પ્રયોજક તરફથી ચોક્કસ સંદર્ભમાં મળી રહેલી પૂર્વસૂચનાનું તત્ત્વ પણ એમાં જોઈ તો શકાય પણ જિકર તો આરંભે જ મેં કરી હતી તે થાળીનાદ અને તાળીનાદમાં (કોઈને વખત છે ને લગરીક બાળચેષ્ટા જેવું પણ લાગે પણ એમાં) જોડાવાનું બન્યું એ હતું તો હોંશે હોંશે. નાતજાત કોમથી ઉફરાટે એવી એક માનવીય અપીલ એમાં હતી. આગળ કહ્યું તે દોહરાવું કે સામાન્યપણે અપાતાં વિભાજક એલાનો (સંભારો સી.એ.એ. સબબ સત્તાહુંકાર) કરતાં આ એક જુદી વાત હતી.
અને જ્યારે એક છીએ તેમ જ સ્વાસ્થ્યકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞ છીએ એવો થાળીનાદ કરવાનું થયું ત્યારે તે છેલ્લા ત્રણ દાયકામાં દેશે ભાગલા પછીના બીજા મોટા વિભાજનની ધાર પર હોવાનો જે અનુભવ કર્યો છે એના કરતાં નિરાળી વાત હતી. તો, મંડલ અને કમંડળ કાળમાં ઊંચનીચની તેમ ઓળખની રાજનીતિએ જે વરવી વિભાજકતાની શક્યતા સરજી હતી એના કરતાં પણ એ નિરાળી હતી, કેમ કે એ સૌની હતી.
સાચું કહું, એ એક એવો રોમકંપ હતો જેમાં કવિતા વિશે કહેવાય છે તેમ એક વિલક્ષણ એવી ‘વિલિંગ સસ્પેન્શન’ની મનઃસ્થિતિ અનાયાસ બની આવી હતી. તો [ભારત સરકારના પૂર્વ સ્વાસ્થ્ય સચિવ સુજાતા રાવની નિસબત અને અભ્યાસ મંડિત એવી વિશદ્દ ટિપ્પણી તો ફરતી થઈ જ ચૂકી હતી કે ત્રીસમી જાન્યુઆરીએ ભારતમાં પહેલો કોરોના કેસ નોંધાયો તે પછી ખાસાં અઠવાડિયાં અમથાં જ વહી ગયાં છે. (દિલ્હીની ચૂંટણી અને ટ્રમ્પની પધરામણીના માહોલમાં) મહિનો આખો, આ નિર્ણાયક નેતૃત્વ હસ્તક કદાચ એમ જ વહી ગયો છે.] સુજાતા રાવની આ ટિપ્પણી તો એક સિનિયર પ્રશાસકને છેડેથી આવી હતી, પણ જો કૉન્ગ્રેસ અને ભા.જ.પ.ના સાંકડા દાયરામાં જોઈએ તો પણ રાહુલ ગાંધીનું એ ટ્વીટ તો છેએએએક ૧રમી ફેબ્રુઆરીનું એટલે કે રરમી માર્ચના કંઈ નહીં તો પાંચ છ અઠવાડિયાં પરનું છે કે પડકારની ગંભીરતાનો શાસનને કદાચ ખયાલ જ નથી. પણ ચોક્કસ સમીકરણોની રીતે સત્તા-પ્રતિષ્ઠાનના દિલોદિમાગ પર ટ્રમ્પની મુલાકાત એ હદે હાવી હતી કે સત્તાકેન્દ્ર સાથે જેને સીધો સંપર્ક ન હોય એવાને પણ દેખાઈ રહેલા ઓળા બાબતે અનવધાન એને સારુ સહજ હશે.
ખેર, આ બધું ચૂકીને થાળીનાદમાં સહભાગિતાનો આનંદ (કિંચિત કર્તવ્ય બોધ) અનુભવ્યા પછીના દિવસો વ્યક્તિગત રીતે એક જુદી સપાટી પણ તાવણીના બની રહ્યા છે. વાત વ્યક્તિગત જેવી છે અને અહીં એ પ્રકારની વાત એક હદ સે જ્યાદા ન કરાય એ જાણું છું પણ એમાં રહેલો મુદ્દો સરાજાહેર છે અને પ્રજાના પથ્યાપથ્યની રીતે એનું મહત્ત્વ સાર્વત્રિક છે એટલે આટલી છૂટ ચહીને લઉં છું. થાળીનાદમાં જોડાવાની ઉમેદ પ્રગટ કરવા સાથે એક બે મિત્રોની ફેસબુક પોસ્ટ સોશિયલ મીડિયા વાટે વ્યાપક પ્રસાર અને સહિયારી નિસબતને ધોરણે શેર કરવાનું થયું હતું. સરસ મુખડો બાંધ્યો હતો ઘનશ્યામ શાહે કે થાળીનાદની એ ચંદ મિનિટોમાં હું મારા અંતરાત્માને ઢંઢોળવા કોશિશ કરીશ કે આ એક એવું વાયરસ આક્રમણ છે જે નાત-જાત કોમ-લિંગ ઊંચ-નીચ રાષ્ટ્ર-રાજ્ય એવા કશા ભેદ જોયા વગર ત્રાટકે છે. વળી મરવાને વાંકે જીવતા શતસહસ્ત્ર લોક, બહુજન ભારત, એને પણ સુખદુઃખના સાથીની ભૂમિકાએ સંભારીશ. દેખીતી રીતે જ એમની (જેમ આ લખનાર અને બીજા સાથીઓની) ભૂમિકા વર્ગ કે વર્ણને વળોટીને લોકસમસ્તની છે. જે સર્વસામાન્યજન, બહુજનને થાળીનાદની મિનિટોમાં સંભારવાની વાત હતી એ વાસ્તવિકતા લગભગ તરતના કલાકોમાં સામે આવી જ્યારે વડાપ્રધાનનું બીજું વક્તવ્ય આવ્યું. બહુજન રોજમદાર, અસંગઠિત શ્રમિક સમુદાય સમગ્ર લોકડાઉનના સંજાગોમાં પગપાળા ‘વતન’ તરફ પગપાળા હીંડતો જણાયો. છતે વતને બેવતન અને જલાવતન એવી આ હિંદવી બહુમતીની જિકર કરી ત્યારે સોશિયલ મીડિયા પરના વીરસૈનિકો વિગતનિરપેક્ષપણે અને તર્કનિરપેક્ષપણે (માથું કપાઈ ગયા પછી પણ લડતા ધડના જોસ્સાથી) તૂટી પડ્યા : તમને મોદી અને ભા.જ.પ. સામે હાડવેર છે. ભાઈ, વૉટ્સઍપ યુનિવર્સિટીના વિદ્વાનોને ખબર પણ ક્યાંથી હોય કે સર્વસામાન્યજન બહુજનની હિતચિંતામાં ખોડાઈને સરકારની ટીકા કરવાનું તો જ્યારે વાજપેયી કે નમો વડાપ્રધાન નહોતા ત્યારે પણ કરવાનું કર્તવ્ય અને દાયિત્વ આજના ટીકાકારો પૈકી ઘણાખરાનું રહ્યું છે. કૉન્ગ્રેસે અને ભા.જ.પે. વારાફરતી પોતાની નોકરી કન્ફર્મ કરાવવાની હશે, પણ જેમણે સ્વરાજની ધારામાં જેપીલોહિયા કૃપાએ સ્વધર્મ જોયો એમની નોકરી તો બદલાતા સાહેબો વચ્ચે પણ ચાલુ રહે છે કેમ કે દાપા-દરમાયા અને સત્તાની મોહતાજ જમાત નથી.
મુદ્દે, રાષ્ટ્રવિશે કોઈ અમૂર્ત ખયાલાતની રીતે કે ભારતમાતા જેવા ભાવનાપ્રવણ ખયાલમાં ખોવાઈ જવાની રીતે નહીં પણ મૂર્ત માનવ્યની રીતે – સ્વરાજ જણે જણે ભોગવવાની રીતે – વિચારવાનું વલણ અને રાજસૂય અભિગમ સામે પ્રજાસૂય અગ્રતાનું વલણ આ ટીકાકારોનું રહ્યું છે.
નહીં કે આ ટીકાકાર મંડળીના ટીકાકારો (જેમને ‘ભક્તો’ કહેવાનો ચાલ છે) બધા પરબારા સત્તા અને દાપા-દરમાયાના હેવાયા હશે. વર્તમાન સત્તા-પ્રતિષ્ઠાન સાથે એમને એક વિચારધારાવશ સંધાન હોઈ શકે છે. માત્ર, જોવાનું એ છે કે વિચારધારાવશ ખેંચાણ (બલકે બંધાણ) એમને વર્તમાનતંત્રની (તેમ રાજ્યસંસ્થાની મૂળભૂત પ્રકૃતિની) મર્યાદાઓ વિશે દેખતે છતે નહીં ‘દેખવા’ની સ્થિતિમાં મૂકે છે એવું તો નથી ને. ખાસ તો અસમ્મતિમાં રાષ્ટ્રદ્રોહ જોવાની અને એને સારુ ટુકડે ટુકડે ગેંગથી માંડીને અર્બન નકસલ જેવી ‘દેખો ત્યાંથી ઠાર’ માનસિકતાની સ્થિતિ ભા.જ.પ. સહિત દેશ સમસ્તના લાંબા ગાળાના હિતમાં નથી. નાગરિક સ્વાધીનતા પર નેહરુ-પટેલના વારામાં જ્યારે સરકાર તરફથી ભીંસ આવી ત્યારે શ્યામાપ્રસાદ મુખરજીએ ગૃહમાં પ્રયોજેલી ભાષા આજના ટીકાકારોથી જરીક જ વધુ તીખી હતી તે લોકશાહી મૂલ્યો અને પ્રક્રિયાની રીતે હાલની શાસક મંડળી અને એના આંખમીંચ ટેકેદારોએ લક્ષમાં લેવા જોગ છે. અન્યથા, એમણે પશ્ચાદ્વર્તી ધોરણે જનસંઘના સ્થાપક મુખર્જીને એવું જ માન આપવું પડશે જેવું તેઓ હાલ દેશદ્રોહીઓ, રાજદ્રોહીઓ અગર અર્બન નકસલને આપે છે.
થાળીનાદ પૂંઠે રહેલી ભાવનાને વળગી રહેતે છતાં ભારતમાતાના એક સંતાનને નાતે આ બેપાંચ હિતવચનો. ખાસ તો એ ઉમેદથી કે સી.ઈ.ઓ. કમ લોકશિક્ષકની એક અસરકારક હોઈ શકતી પારી હાલ પ્રધાનમંત્રી ખેલી રહ્યાની છાપ ઊભરી રહી છે ત્યારે આગળના દિવસોમાં કોરોનાના કેરમાંથી તેમ રાષ્ટ્રની સાંકડી અને ઝનૂની સમજમાંથી બહાર આવવામાં સુવાણ રહે.
માર્ચ ર૮, ર૦ર૦
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઍપ્રિલ 2020; પૃ. 01, 02 તેમ જ 06