એકવીસમી સદીની વ્યાખ્યા કરવી હોય તો તેને એક એવો સિક્કો કહી શકાય, જેની એક બાજુ વર્ચ્યુઅલ દુનિયા છે અને બીજી બાજુ નક્કર દુનિયા છે. આ બંને દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે. અત્યાર સુધી આપણને આ જોડિયાપણાની આપસી અસર કેવી પડે છે તેનો અંદાજ ન હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી કોરોના વાઇરસે જે રીતે વૈશ્વિક ઉચાટ ફેલાવી દીધો છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના ટાંટિયા ધ્રુજાવી દીધા છે, તેના પરથી એક અંદાજ આવી શકે છે કે એકવીસમી સદીમાં આપણી દુનિયા જેટલી સમૃદ્ધ હશે, તેટલી જ બરડ પણ હશે.
કોરોના વાઇરસ એકવીસમી સદીનો પહેલો રોગ છે, જેણે બેજિંગથી બેંગલુરુ સુધી અને ન્યૂયોર્કથી નેધરલેન્ડ સુધી વર્ચ્યુઅલ દુનિયાના માધ્યમથી લોકોની ઊંઘ હરામ કરી નાખી છે. દુનિયાની આંકડાકીય માહિતીઓ આપતી વેબસાઈટ, વર્લ્ડ ઓમીટરના અપડેટ પ્રમાણે, દુનિયામાં કોરોના વાઈરસના ૯૮,૮૭૫ કેસ નોંધાયા છે, અને ૩,૩૯૦ મોત થયાં છે (તમે આ વાંચશો, ત્યારે સંખ્યા બદલાઈ ગઈ હશે). આ પહેલો રોગ છે, જેનાં મિનિટ-ટુ-મિનિટ અપડેટ આખી દુનિયાના લોકો તેમના ફોનમાં લઇ રહ્યા છે.
ગયા અઠવાડિયે વાઇરસ અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વમાં પહોંચ્યો, ત્યારે વૈશ્વિક બજારોમાં કડાકો આવ્યો, અને હવે આખી દુનિયામાં મંદી તોળાઈ રહી છે. અનેક ઔદ્યોગિક ક્ષેત્રોમાં વેચાણ અને ઉત્પાદનને અસર થઇ છે. આયાત-નિકાસ કમજોર પડી છે. ફર્માસ્યુટિકલ ચીજોની અછત થવા લાગી છે. વૈશ્વિકીકરણના કારણે દુનિયાના દેશો એકબીજા સાથે ઘનિષ્ઠતાપૂર્વક જોડાયેલા છે, અને એટલે કોરોના વાઇરસનું ચેઈન-રિએક્શન આવ્યું છે. વિકિપીડિયા પર તો કોરોના વાઇરસની સામાજિક-આર્થિક અસરો પર એક સમૃદ્ધ પેજ પણ છે, જેમાં તમને દુનિયાભરના દેશોમાં શું અસર પડી રહી છે, તેની માહિતી મળશે.
અહીં કોરોના વાઇરસની ગંભીરતાને ઓછી આંકવાનો જરા ય આશય નથી, પરંતુ અમેરિકામાં મોસમી ફ્લૂમાં એક વર્ષમાં ૧૦,૦૦૦ લોકોનાં મોત થયાં છે. તેની સરખામણીમાં કોરોના વાઈરસ(જે એક પ્રકારનો ફ્લૂ જ છે)માં એક વ્યક્તિના મોતના સમાચાર જીવ ઊંચો કરી દે છે. તેનું કારણ આપણી આ જોડિયા દુનિયા છે. આંગળીના ટેરવે આપણી પાસે અપડેટ્સ અને ફેક ન્યૂઝ આવે છે. એક જગ્યાએ બેઠો હતો તો ઘરના લોકો દક્ષિણ કોરિયાના ‘સમાચાર’ની વાતો કરતા હતા કે કેવી રીતે સરકારે વાઈરસગ્રસ્ત એક માણસને ગોળી મારી દીધી, જેથી તે ફેલાય નહીં.
સાધારણ ફ્લૂ અને કોરોના વાઇરસમાં ફર્ક એટલો જ છે કે સાધારણ ફ્લૂ સાથે આપણો સંબંધ ચિરપરિચિત છે, અને આપણને ખબર છે કે ફ્લૂ શું છે. તેની આપણી માતાને અને દાદીને ખબર હતી અને પડોશમાં માસીને પણ જાણ હતી. કોરોના વાઇરસ વિશે આપણને કશી ખબર નથી. અથવા એવું કહો કે કોરોના વાઇરસ વર્ચ્યુઅલ જગતનો મહેમાન છે, અને શબ્દશઃ હવામાંથી આવ્યો છે. કોરોના વાઇરસ વિશે તમે જે કંઈ જાણો છો, તે ઇન્ટરનેટમાં ક્યાંકથી ઊડીને આવેલી માહિતી છે. ‘કોરોના વાઈરસની કોઈ દવા નથી’ આ જ્ઞાન દુનિયાના તમામ લોકોને માત્ર બે જ મહિનામાં થઇ ગયું છે. તમે પૂછો કે, કેવી રીતે? તમારા ઘરમાં કોઈને અનુભવ થયો છે? તો જવાબ હશે, ના, પણ અમે તો ક્યાંક વાંચ્યું હતું.
એ વાત સાચી કે તેની દવા નથી (એ વાત પણ સાચી છે કે તેની દવા શોધવા ફર્માસ્યુટિકલ કંપનીઓ ઓવરટાઈમ કરી રહી છે), પરંતુ કોરોના વાઇરસનું તમામ જ્ઞાન ઉછીનું છે અને એમાં સૂકા ભેગું લીલું બળે, તે ન્યાયે ગપગોળા, અફ્વા, ફેક ન્યૂઝ અને ગોસિપ પણ જ્ઞાન બનીને આપણને ગભરાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (હુ – WHO), જે દુનિયામાં રોગચાળા અને સ્વાસ્થ્ય સંબંધી બાબતો પર નજર રાખે છે, આજકાલ કોરોના વાઇરસના નામે અફ્વાઓના વાઇરસને રોકવા પણ ઝઝૂમી રહ્યું છે. સંગઠને તેને એપેડેમિક પરથી, ઇન્ફેડેમિક નામ આપ્યું છે. (એપેડેમિક એટલે દેશવ્યાપી રોગચાળો). તેણે ફેસબુક અને ગૂગલ જેવી ટેક કંપનીઓ સાથે સહયોગ સાધીને ગેરમાર્ગે દોરતી માહિતીઓ સામે લાલબત્તી ધરવાનું શરૂ કર્યું છે.
ભૂતકાળમાં રાજકારણીઓને ફેક ન્યૂઝનો મારો કરવાનો અવસર પૂરો પાડવા બદલ બદનામ થયેલા ફેસબુકે વિશ્વ આરોગ્ય સંગઠન અને અન્ય સંસ્થાઓની એવી જાહેરખબરો નિઃશુલ્ક પોસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં કોરોના વાઇરસ અને તેની સારવારને લઈને સાચી સમજણ આપતી માહિતી હોય. તેના સી.ઈ.ઓ. માર્ક ઝકરબર્ગે તેની વોલ પર પોસ્ટમાં લખ્યું હતું કે તેની કંપની જૂઠા દાવાઓ કરતી, લોકોને ગભરાવતી અને સ્થિતિનો ફયદો ઉઠાવવા માગતી માહિતીઓ સામે પગલાં ભરી રહી છે.
એપલનો એપ સ્ટોર, તેની સાઈટ પરથી કોરોના વાઇરસ સંબંધી એવી એપ્લિકેશન્સને રદ્દ કરી રહ્યો છે, જે જે સરકાર કે સ્વાસ્થ્ય નિષ્ણાતો દ્વારા બનાવવામાં આવી ન હોય. એપ ડેવલપરોના કહેવા પ્રમાણે એપલ એવી જ એપ્લિકેશન સ્વીકારે છે, જે અધિકૃત સંસ્થાઓ તરફ્થી આવી હોય. ગૂગલ પ્લે ‘વાઈરસ’ નામથી તમામ સર્ચને બ્લોક કરી રહ્યું છે. તેણે ‘કોરોના વાઇરસઃ સ્ટે ઇન્ફોર્મ્ડ’ નામની એક વેબસાઈટ બનાવી છે, જેમાં રેડ ક્રોસ, સેન્ટર ફેર ડિસીઝ કંટ્રોલ, સમાચાર સંસ્થાઓ અને ટ્વિટરની ઉપયોગી અને ભરોસાપાત્ર એપ્લિકેશન્સની યાદી પણ છે.
ગયા મહિને ઓનલાઈન રિટેલના બાદશાહ એમેઝોને તેના પ્લેટફેર્મ પરથી વેચાતાં ૧૦ લાખ ઉત્પાદનોને રોકી દીધાં હતાં, કારણ કે તેમણે કોરોના વાઇરસથી બચવાના ખોટા દાવા કર્યા હતા.
તેણે એવા હજારો સોદાઓ પણ ફોક કર્યા હતા, જેમાં વેપારીઓ સ્થિતિનો ફયદો ઉઠાવીને માલ-સામાનને ઊંચા ભાવે વેચતા હતા.
વેબ ન્યૂઝની સચ્ચાઈ અને પારર્દિશતા માટેનું કામ ન્યૂઝગાર્ડ નામની એક વેબસાઈટે તાજેતરમાં ‘કોરોના વાઇરસ મિસઇન્ફોર્મેશન ટ્રેકિંગ સેન્ટર’ શરૂ કર્યું છે, જે કોરોના વાઈરસ અને સાર્સને લગતી ગેરમાહિતીઓ આપતી વેબસાઈટ પર નજર રાખે છે. તેની શરૂઆત થઇ ત્યારે તેના વેબ પેજ પર અમેરિકા અને યુરોપની આવી ૩૧ સાઈટ્સ હતી, જે વધીને હવે ૧૦૬ થઇ છે.
ગંભીર બીમારીની સ્થિતિમાં પણ ઓનલાઈન કંપનીઓ અફ્વાઓ અને ફેક ન્યૂઝ કેમ ફેલાવતી હશે? કારણ કે માણસનું મગજ નકારાત્મક સમાચારોને વધુ વિશ્વસનીય ગણે છે, અને આવા સમાચારોથી વેબસાઈટ પર લોકોનો ટ્રાફિક વધુ આવે છે, જેથી સાઈટને જાહેરખબરો વધુ મળે. દાખલા તરીકે વિશ્વ આરોગ્ય સંગઠન કે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ જેવી અધિકૃત સેવાઓની વેબસાઈટ પર લોકોની હાજરી નજીવી છે, પણ ભળતી-સળતી સાઈટ્સ પર લાખોની સંખ્યામાં લોકો કોરોના વાઇરસની સામગ્રીઓ વાંચી રહ્યા છે અને ફોરવર્ડ કરી રહ્યા છે.
આ ચોરની અને ભૂતની વાતો જેવું છે. ગામડામાં લોકો જમી-પરવારીને રાત્રે ભેગા થાય, પછી ચોર અને ભૂતની વાતો એવી નીકળે કે એમાં દરેક માણસ પોતાનું ‘જ્ઞાન’ ઉમેરીને તેને રસપ્રદ બનાવે. એમાં કોઈ કાચા-પોચા મનનો માણસ હોય, તો મોડી રાત્રે ઘરે જઈને બિહામણાં સપનાંનો ભોગ બનતો. અમેરિકા અને યુરોપના સ્વાસ્થ્ય નિષ્ણાતો ચેતવણી ઉચ્ચારી રહ્યા છે કે કોરોના વાઈરસને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે ઝડપથી અફવાઓ અને ગેરમાહિતીઓ ફેલાઈ રહી છે, તેનાથી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, ડિપ્રેશન અને વ્યગ્રતા(એન્ગ્ઝાઇટી)ના દર્દીઓની માનસિક સ્થિતિ વધુ નાજુક થઇ રહી છે. મોઢા પર માસ્ક પહેરેલા લોકોને આપણે હોલિવૂડની ફિલ્મો કે સસ્પેન્સ નવલકથાઓમાં જોતા હતા. હવે આપણે તેને રોજ સમાચારો અને બહાર સડકો પર જોઈએ છીએ અને એટલે અફ્વાને પણ સાચી માનવા સિવાય કોઈ રસ્તો નથી રહ્યો.
સૌજન્ય : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ’સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 માર્ચ 2020