Opinion Magazine
Number of visits: 9446082
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝેરનાં પારખાં : દિલ્હીને ધ્રુજાવનારા ૭૨ કલાક

રાજ ગોસ્વામી|Opinion - Opinion|6 March 2020

૭૨ કલાક, ૪૨ લોકોનાં મોત, ૨૦૦થી વધુ જખ્મી, લાખો રૂપિયાનું નુકસાન, ઉઝરડા પડેલાં અનેક દિલ અને દિમાગ અને ભારતીય ગણરાજ્યનો તરડાયેલો ચહેરો. ૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણો પછીનાં દિલ્હીનાં આ સૌથી ભયાનક કોમી તોફાનો હતાં. તે વખતે પણ પોલીસ મૂક બનીને તમાશો જોતી હતી, આ વખતે પણ પોલીસે ૭૨ કલાક માટે ઇશાન દિલ્હીને તોફાનીઓને હવાલે કરી દીધી હતી. ૭૨ કલાક પછી અર્ધલશ્કરી દળોએ જ્યારે સ્થિતિને કાબૂમાં લીધી, ત્યારે એક જ કડવી સચ્ચાઈ સાબિત થઈ કે પોલીસ ધારે તો કોઈપણ તોફાન રોકી શકે છે, સવાલ માત્ર એટલો જ છે કે તે કેટલા કલાક પછી ધારે છે.

બે દિવસની ભારત યાત્રાના છેલ્લા દિવસે, ૨૫ ફેબ્રુઆરીના રોજ, દિલ્હીમાં પત્રકાર પરિષદમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને, અપેક્ષા પ્રમાણે જ, ભારતમાં નાગરિકતા કાનૂન અને ધાર્મિક સ્વતંત્રતા અંગે સવાલ પૂછવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજર ન હતા. પરિષદમાં ભારતના અને વિદેશના પત્રકારો હતા. ટ્રમ્પે નાગરિકતા કાનૂનનો જવાબ ના આપ્યો ("એ ભારતનો આંતરિક મામલો છે, અને મારે એના વિશે કંઈ કહેવું નથી"), પણ ધાર્મિક સ્વતંત્રતા અંગે કહ્યું કે. "અમે એ વિશે વાત કરી છે, અને મને વડાપ્રધાને જબરદસ્ત જવાબ આપ્યો હતો. લોકોને ધાર્મિક સ્વતંત્રતા હોય, એ એમને ગમે છે, અને બહુ ભાર દઈને કહ્યું કે ભારતમાં ઉત્તમ અને પારદર્શક ધાર્મિક સ્વતંત્રતા માટે તેઓ બહુ મહેનત કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ મને કહ્યું છે કે તે મુસ્લિમો સાથે ઘનિષ્ઠતાથી કામ કરી રહ્યા છે, જેમની વસ્તી ૧૪ મિલિયન(૧.૪ કરોડ)થી ૨૦ મિલિયન (૨૦ કરોડ) જેટલી થઇ છે."

તે પછી તેમને પૂછવામાં આવ્યું કે તમારી યાત્રા વેળા જ રાજધાનીમાં હિંસા થઇ રહી છે, તો તમને શું લાગે છે, તો તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, "અલગ-થલગ ઘટનાની વાત છે ત્યાં સુધી, મેં એના વિશે સાંભળ્યું છે, પણ (મોદી સાથે) તેની ચર્ચા નથી કરી. એ ભારતનો વિષય છે." રાતે ૧૦ વાગે ટ્રમ્પ વોશિંગ્ટન જવા માટે રવાના થયા, ત્યારે પોલીસને 'દેખો ત્યાંથી ઠાર મારો' આદેશ અપાઈ ચુક્યા હતા. હિસાનો આ બીજો દિવસ હતો.

ટ્રમ્પ આ જવાબ આપતા હતા ત્યારે, તેમનાથી ૧૧ કિલોમીટર દૂર, ઇશાન દિલ્હી ભડકે બળતું હતું. વક્રતા એ હતી કે ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ, દિલ્હી સરકારની સ્કૂલના એક અનોખા 'હેપ્પીનેસ ક્લાસ'માં, બાળકો કેવી રીતે ૪૫ મિનિટના એક વર્ગમાં મનની સુખ-શાંતિ માટે ધ્યાન કરે છે, તેનો અભ્યાસ કરતી હતી, ત્યારે જ દિલ્હીમાં હિંદુઓ અને મુસ્લિમઓ વચ્ચે અશાંતિ હણાઈ હતી, અને પથ્થરમારો, ગોળીબાર, મારામારી, આગચંપી તેમ જ તોડફોડનો સિલસિલો જારી હતો.

ત્રણ દિવસે તેની આગ ઠંડી પડી, ત્યારે તેમાં એમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના એક કર્મચારી સહિત ૪૨ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦ લોકો હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા હતા. આ તોફાનો એટલાં સુનિયોજિત હતાં કે તેમાં જાન-માલના નુકસાનની ભયાનક વિગતો રોજ બહાર આવતી જાય છે. પોલીસે અત્યાર સુધીમાં ૪૮ ફરિયાદો દાખલ કરી છે, અને ૧૫૦ લોકોની ધરપકડ કરી છે.

ત્રણ દિવસ માટે ઇશાન દિલ્હીમાં દેશી પિસ્તોલો, પેટ્રોલ બોમ્બ, લાકડીઓ, પથ્થરો અને એસીડ બોમ્બ સાથે રસ્તામાં જે આવ્યા તે લોકો, મકાનો, સ્કૂલો, દુકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. લગભગ ૮૦ લોકોને ગોળીઓ વાગી છે. ૧૦ લોકોનાં મોત ગોળી વાગવાથી થયાં છે. ભારતમાં આ પ્રથમ કોમી તોફાનો છે, જેમાં આટલી મોટી સંખ્યામાં ખાનગી ગોળીબાર થયા છે. પોલીસને શંકા છે કે આ તોફાનોમાં સ્થાનિક અપરાધીઓની મોટી ભૂમિકા હતી. આ દેશી પિસ્તોલો ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશની સીમા પરથી ઇશાન દિલ્હીમાં આવ્યાની શંકા છે.

દિલ્હીની હિંસાનો ટ્રમ્પની યાત્રા પર પડછાયો એવો પડ્યો કે, ટ્રમ્પ પાછા વોશિંગ્ટન પહેંચ્યા, ત્યારે ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમના ડેમોક્રેટિક હરીફ, બર્ની સેન્ડર્સે કહ્યું કે આ હિંસાને ટ્રમ્પે ‘ભારતનો વિષય’ ગણાવી, તે નેતૃત્વની નિષ્ફળતા છે. આનાથી અકળાયેલા ભા.જ.પ.ના રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષીએ ટ્વીટ કરીને સેન્ડર્સને ‘ધમકી’ આપી કે, “તમારી સાથે તટસ્થ રહેવાની ગમે તેટલી અમારી ઈચ્છા હોય, તમે અમને ફરજ પાડો છો કે અમે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભૂમિકા ભજવીએ. માફ કરજો … પણ તમે અમને ફરજ પાડો છો.” અમેરિકાની ચૂંટણી પહેલાં જ રાષ્ટ્રપતિપદના સંભવિત ઉમેદવાર સામે આ રીતે શિંગડાં ભરાવાનું કેટલું હિતાવહ છે, એવો કોઈને પ્રશ્ન થયો હશે, અને એટલે જ સંતોષીએ એ ટ્વીટ ડિલીટ કરી નાખી હતી, પણ ત્યાં સુધીમાં તે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઇ ગઈ હતી.

હિંસાની શરૂઆત આગલા દિવસે, એટલે કે સોમવારે, ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થયું, ત્યારે જ થઇ હતી. રવિવારે દિલ્હી ભા.જ.પ.ના નેતા, કપિલ મિશ્રાનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં એક પોલીસ અફસરની હાજરીમાં તેણે ધમકી ઉચ્ચારી હતી કે ટ્રમ્પની બે દિવસની મુલાકાત સુધી અમે શાંત રહીશું, અને ત્યાં સુધી નાગરિકતા કાનૂનનો વિરોધીઓએ રોકી રાખેલા રસ્તાઓ નહીં ખૂલે, તો અમે જાતે રસ્તાઓ પર ઊતરીશું. નાગરિકતા કાનૂનના વિરોધને લઈને છેલ્લા બે મહિનાથી દિલ્હીનું વાતાવરણ ડહોળાયેલું હતું. દિલ્હી વિધાનસભાની ચૂંટણી વેળા ઘણાં ભડકાઉ ભાષણો થયાં હતાં. અને તે પહેલાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં નાગરિકતા કાનૂનને લઈને હિંસા થઇ ચૂકી હતી. ચૂંટણીનાં પરિણામો પછી ગૃહમંત્રી અમિત શાહે એકરાર પણ કયો હતો કે ભા.જ.પ.ના નેતાઓનાં ભડકાઉ ભાષણોના કારણે જ વિધાનસભામાં ભા.જ.પ.ની હાર થઇ હતી.

પરિણામે, ૨૪મીની સોમવારે ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમમાં હિંદુ-મુસ્લિમ એકતાનાં ગીત ગાતાં હતા, અને બીજી બાજુ દિલ્હીમાં બંને કોમોના દિમાગમાં પુરવામાં આવેલું ઝેર બહાર આવવાનું શરૂ થયું હતું. એ અજીબ વિરોધાભાસ હતો. "તમારો દેશ," મોટેરા સ્ટેડિયમમાં ચિચિયારીઓ પાડતા એક લાખ લોકોને સંબોધતાં ટ્રમ્પ બોલતા હતા, "દુનિયા ભરમાં એ વાત માટે વખણાય છે કે અહીં લાખો હિંદુઓ, મુસ્લિમો, શીખો, જૈનો, બૌદ્ધો, ઈસાઈઓ અને યહૂદીઓ એકબીજાની સાથે સોહાર્દપૂર્ણ રીતે પૂજા કરે છે, અહીં બે ડઝન રાજ્યોમાં ૧૦૦થી વધુ ભાષા બોલાય છે, અને છતાં તમે એક રાષ્ટ્ર તરીકે અડીખમ ઊભા છો. તમારી એકતા દુનિયા માટે પ્રેરણાદાયી છે." ઇશાન દિલ્હીના તોફાનીઓના કાને આ શબ્દો પડ્યા ન હતા.

૨૫મીની રાત્રે, ટ્રમ્પ તેમની ભારત યાત્રા પતાવીને એરફોર્સ-વન પ્લેનમાં વોશિંગ્ટનના રસ્તે હતા, ત્યારે ગૂગલ ન્યુઝમાં 'ટ્રમ્પની ભારત યાત્રા' એવો કી-વર્ડ નાખ્યો, તો ૯૫ રિઝલ્ટ આવ્યાં, અને તે તમામ દિલ્હીની હિંસાના સમાચાર આપતાં હતાં. ટ્રમ્પની અભૂતપૂર્વ યાત્રા પર હિંસાનાં વાદળો છવાઈ ગયાં હતાં. ૭૨ કલાક પછી ગ્રાઉન્ડ પર પહોચેલા પત્રકારોએ જે સ્થાનિક ઇલાકાઓની વિગતો અને તસવીરો આપી, તે ખોફનાક હતી અને દુનિયાભરના મીડિયામાં ‘દિલ્હી સળગે છે’ તેવી હેડલાઈન્સ છવાઈ ગઈ હતી.

સોમવારે ટ્રમ્પ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઊતર્યા ત્યારે કોઈને અંદાજ પણ ન હતો કે તેમની વાપસી વખતે દિલ્હીમાં 'દેખો ત્યાં ઠાર મારો'નો આદેશ આપવો પડશે. સાંજે ટ્રમ્પ દિલ્હી પહોંચ્યા, ત્યાં સુધીમાં તો હિંસાના એવા સમાચારો આવતા થઇ ગયા હતા કે સોશ્યલ મીડિયા પૂછવા લાગ્યું હતું કે પોલીસના હાથમાં કાયદો અને વ્યવસ્થા છે કે નહીં? તે પછી પણ છેક મંગળવારે નમતા બપોરે ગૃહ પ્રધાન, મુખ્ય પ્રધાન, રાજ્યપાલ, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓની એક બેઠક મળી, અને 'પોલીસની ભૂલ'ને ઠીક કરવા અને 'રાજકીય બયાનબાજી' નહીં કરવા નિર્ણય લેવાયો.

આ બેઠક પછી ‘સબ સલામત છે’નો સંદેશો આપવામાં આવ્યો, ત્યારે કોઈને અંદાજ ન હતો કે ઇશાન દિલ્હીના અનેક વિસ્તારોમાં હજુ કેટલા મોતના, ઘાયલોના, આગચંપીના અને પથ્થરમારોના સમાચારો આવવાના છે. સ્થિતિ એટલી ખરાબ હતી કે એક માનવાધિકાર વકીલ, સુરૂર મંદરે, રાત્રે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ. મુદ્દલિયરને ફોન કરીને કહ્યું કે તોફાનોમાં ઘાયલ લોકોને જી.ટી.બી. હોસ્પિટલ લઇ જવામાં બહુ મુશ્કેલી આવી રહી છે, હાઈકોર્ટ મદદ કરવા માટે પોલીસને આદેશ કરે તે જરૂરી છે. તે જ રાત્રે બીજા એક જસ્ટિસ એ.જે. ભમ્ભાનીની હાજરીમાં જસ્ટિસ મુદ્દલિયરની નિવાસ્થાને બેંચની તાત્કાલિક બેઠક મળી. એમાં સંયુક્ત પોલીસ કમિશનર આલોક કુમાર, ડી.સી.પી. (ક્રાઈમ) રાજેશ દેવ અને દિલ્હી સરકારના વકીલ સંજય ઘોષ પણ ઉપસ્થિત હતા. બેન્ચે મોબાઈલ ફોનના સ્પીકર પર અલ હિન્દ હોસ્પિટલના ડોક્ટર અનવરનું બયાન સાંભળ્યું કે તેઓ સાંજના ૪ વાગ્યાથી પોલીસની મદદ માગી રહ્યા છે. છેવટે રાતે ૧૨.૩૦ વાગે બેન્ચે બંને હોસ્પિટલોમાં ઘાયલોને લઇ જવાની વ્યવસ્થા પોલીસ કરે, તેવો હુકમ જારી કર્યો.

બીજા દિવસે, એટલે કે બુધવારે, જ્યારે હાઈકોર્ટમાં બેંચની નિયમિત બેઠકમાં નિવૃત્ત આઈ.એ.એસ. હર્ષ મંદરની અરજી આવી, ત્યારે જસ્ટિસ મુદ્દલિયર કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાનો ઉધડો લેવાના હતા, અને કડક શબ્દોમાં કહેવાના હતા, “અમે આ કોર્ટની નજર સામે દિલ્હીમાં ૧૯૮૪નું પુનરાવર્તન નહીં થવા દઈએ.” એક બીજી અરજીમાં હાઈકોર્ટને ભા.જ.પ.ના નેતા અનુરાગ કશ્યપ, પરવેશ સાહેબ સિંઘ, અભય વર્મા અને કપિલ મિશ્રાનાં ભડકાઉ ભાષણોની વીડિયો ક્લિપ બતાવવામાં આવી અને તેમાં ય પોલીસને ખખડાવતાં કહ્યું કે તમને હજુ સુધી આ લોકો સામે ફરિયાદ દાખલ કરવાનું નથી સુજ્યું? કાલેને કાલે ફરિયાદ દર્જ કરો, અને પછી હાજર થજો.

(એ જ રાત્રે જસ્ટિસ મુદ્દલિયરને બદલી પંજાબ-હરિયાણા હાઈ કોર્ટમાં કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે તેમની અને બીજા બે જજોની બદલીની સંમતિ ઘણા સમયથી આપી રાખી હતી, પણ કાયદા મંત્રાલયે બુધાવારે રાત્રે જ આદેશ જારી કર્યો. ગુરુવારે દિલ્હી હિંસામાં ભડકાઉ ભાષણની એ અરજી મુખ્ય ન્યાયાધીશ ડી.એન. પટેલ અને જસ્ટિસ સી. હરિશંકરની બેંચ સમક્ષ આવી, તો સોલિસિટર જનરલની દલીલને માન્ય રાખીને ૪ અઠવાડિયાનો સમય આપ્યો)

ભડકાઉ ભાષણનો મુદ્દો હાઈકોર્ટમાં આવ્યો, તેના બીજા જ દિવસે હાઈકોર્ટમાં એક અન્ય અરજી કરવામાં આવી, જેમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, આપ નેતા મનીષ સિસોદિયા, મુસ્લિમ નેતા વારીસ પઠાણ અને અક્બરુદ્દીન ઓવૈસી સામે ઉશ્કેરણીજનક ભાષણો બદલ ગુનો નોંધવાની માંગણી કરવામાં આવી.

બીજી તરફ, શાહીનબાગમાં મહિલાઓના બે મહિનાથી ચાલતાં ધારણાને લઈને થયેલી એક અરજીની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થઇ, તો જસ્ટિસ એસ.કે. કૌલ અને કે.એમ. જોસેફની બેન્ચે પણ દિલ્હી પોલીસને ખખડાવી અને અમેરિકા-યુ.કે.ની પોલીસનું ઉદાહરણ આપીને કહ્યું કે દિલ્હી પોલીસે માત્ર કાયદા પ્રમાણે જ કામ કર્યું હોત, તો તોફાનીઓ છટકી ગયા ના હોત.

૨૬મીની બુધવાર સાંજ સુધીમાં તો સરકાર પણ સફાળી જાગી, અને વડાપ્રધાને એક અભૂતપૂર્વ નિર્ણયમાં, રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત દોભાલને દિલ્હીની કાયદો અને વ્યવસ્થાનો હવાલો સોંપી દીધો. દોભાલે પહેલું કામ અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ દળોને વધારી દેવાનું અને જાતે સ્થાનિક લોકો વચ્ચે જવાનું કર્યું. દોભાલે સ્થાનિક લોકોને સાંભળ્યા અને આશ્વાસન સાથે કહ્યું કે “હું એચ.એમ. સા’બ અને પી.એમ. સા’બ(હોમ મિનિસ્ટર અને પ્રાઈમ મિનિસ્ટર)ના કહેવાથી તમારી પાસે આવ્યો છું, ડરવાની જરૂર નથી, બધું ઠીક થઇ જશે.” સરકાર તરફથી કોઈ જવાબદાર વ્યક્તિની હાજરી અને સુરક્ષા દળોની નિરંતર ફ્લેગમાર્ચની ધારી આસર પડી, અને હિંસા અટકી, પરંતુ એ ત્રણ દિવસમાં તોફાનીઓએ સુનિયોજિત ઢબે એટલી હિંસા આચરી હતી કે હોસ્પિટલમાંથી ઘાયલોના મૃત્યુના સમાચારો આવી રહ્યા હતા. ૧૯૮૪ના શીખ વિરોધી તોફાનો પછી દિલ્હીમાં પહેલીવાર આટલી મોટી જાનહાનિ થઇ હતી.

આ તોફાનો એટલાં સુનિયોજિત હતાં કે પત્રકારોને પણ શોધી-શોધીને નિશાન બનાવાયા હતા. જો કે ૨૪+૭ ન્યુઝના એક પત્રકારને મૌજપુર વિસ્તારમાં ગોળી મારવામાં આવી હતી. એન.ડી.ટી.વી.ના બે પત્રકારો અને કેમેરામેનને એક સળગતી મસ્જિદનું રેકોર્ડીંગ કરતી વખતે મારવામાં આવ્યા હતા. એમની જ ટીમની એક મહિલા પત્રકારે વચ્ચે પડીને ટોળાંને સમજાવ્યું કે પત્રકારો હિંદુ છે, ત્યારે મારપીટ અટકી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક ફોટોગ્રાફર સળગાવી દીધેલા એક ઘરનો ફોટો પાડતો હતો, ત્યારે એક ટોળાંએ ધક્કે ચડાવ્યો, અને તેના કપાળ પર તિલક લગાવીને કહ્યું કે આનાથી તારું કામ આસાન થઇ જશે. ટોળાંએ ફોટા પાડવાના તેના આશયને સમજવા તેનું પેન્ટ ઉતારવ ધમકી આપી હતી, જેથી તે હિંદુ છે કે મુસ્લિમ તેની ઓળખ સાબિત થઇ શકે.

ટાઈમ્સ નાઉ ચેનલની એક મહિલા પત્રકાર હાથ જોડીને ટોળામાંથી છૂટીને ભાગી હતી. રોઈટર સમાચાર સંસ્થા, ઇન્ડિયા ટુ-ડે અને સી.એન.એન. – ન્યુઝ ૧૮ના પત્રકારોએ પણ તેમના અનુભવો સોશ્યલ મીડિયા પર મુક્યા હતા. હિન્દુસ્તાન ટાઈમ્સનો એક ફોટોગ્રાફર કરવાલ નગરમાં ફોટા પાડતો હતો, ત્યારે તેની મોટરબાઈકને ટોળાંએ સળગાવી દીધી હતી. ટોળાંએ કેમરામાંથી મેમરી કાર્ડ કાઢી લીધું, તેનું ઓળખપત્ર જોવા માગ્યું અને તેને જવા દેતાં પહેલાં, પુરાવા રૂપે તેનો ફોટો પાડી લીધો.

સરકાર જાગી, તો વિરોધ પક્ષે પણ આંખો મસળી. બપોરે ઉતાવળે બોલાવેલી પત્રકાર પરિષદમાં સોનિયાએ તોફાનોમાં ગૃહમંત્રીની નિષ્ફળતાનો આરોપ મૂકીને અમિત શાહના રાજીનામાની માંગણી કરી. થોડી જ મિનિટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્થિતિની ગંભીરતા પારખીને પહેલીવાર મૌન તોડયું, અને ટ્વીટર પર લોકોને શાંતિ રાખવા અપીલ કરી અને કહ્યું કે પોલીસ શાંતિ સ્થાપવા પ્રયાસ કરી રહી છે. રવિ શંકર પ્રસાદે સોનિયાને જવાબ આપતાં કહ્યું કે જેના હાથ ૧૯૮૪નાં તોફાનોથી રંગાયેલા હોય, તેમને બોલવાનો અધિકાર નથી. ત્યાં સુધીમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મળવા નીકળી પડ્યા.

૨૭મી તારીખે રાજકારણીઓ બોલવા લાગ્યા અને તોફાનોનો ભોગ બનેલા સાધારણ લોકોનો અવાજ મીડિયામાંથી ગાયબ થવા લાગ્યો. જેમની દુકાનો અને ઘરોમાંથી ધુમાડા નીકળતા હતા, અને જેમના પ્રિયજનો હોસ્પિટલમાં સારવાર મેળવતા હતા અથવા પોસ્ટમોર્ટમની રાહ જોતા હતા, તેમના સમાચારોની જગ્યાએ, પોલીસ, પ્રશાસન અને પોલિટિશ્યનો તોફાનો માટે કોને જવાબદાર ઠેરવે છે, તેની ‘સ્ટોરીઓ’ આવવા લાગી હતી.

દિલ્હી માટે એવું કહેવાય છે કે જેટલી વાર તેને વસાવવામાં આવી, તેટલી વાર તે ઉજ્જડ થઇ છે. ઇશાન દિલ્હીની બસ્તીઓમાં પણ એવું જ થયું. નામ અને ચહેરા અલગ હતા, પણ વેરાનીની કહાની એક સરખી હતી. ત્રણ દિવસમાં અનેક બસ્તીઓમાં જિંદગી નિર્જન થઇ ગઈ. ઘરો અને દુકાનોમાં લાગેલી આગ તો ફાયર બ્રિગેડની ગાડીઓએ ઓલવી નાખી છે, પણ દિલ્હીવાસીઓની અંદર જે આગ લાગી છે, તે ક્યારે ઓલવાશે, તેનો કોઈ જવાબ નથી.

પ્રગટ : ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 01 માર્ચ 2020

Loading

6 March 2020 admin
← નમસ્કાર
પરપીડા કે સ્વપીડા વ્યક્ત કરતી સ્ત્રી-લેખકોની કસોટી એ કે પોતે સાચું લખી શકશે કે કેમ, કેટલું ને કેટલા સમય લગી … →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved