Opinion Magazine
Number of visits: 9446408
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કચ્છનું કલારત્ન ચાંપશીભાઈ નાગડા

વસન્ત મારુ|Opinion - Opinion|4 March 2020

બહાદુર અને કરુણાસભર હૃદય ધરાવતા ચાંપશીભાઈ નાગડાના જન્મને ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. નાટ્યકાર-ફિલ્મકાર ચાંપશીભાઈને શતાબ્દી વર્ષે અંજલિ આપવા આ લેખ લખાયો છે.

૧૯૪૪માં મુંબઈની ગોદી પર નાંગરેલા દારૂગોળાથી ભરેલા વહાણમાં ધડાકો થતાં દક્ષિણ મુંબઈનો વિસ્તાર હચમચી ગયો હતો. ચારેબાજુ નાસભાગ થઈ હતી. ગોદી પર કપાસની ગાંસડીઓ વહાણ પર ચડાવવા આવેલા એક કચ્છી યુવાને આ ભયના માહોલમાં એક લોહીલુહાણ માણસને ઊંચકી હિંમતપૂર્વક બહાર લાવીને તેનો જીવ બચાવ્યો. એ બહાદુર કચ્છીનું નામ હતું ચાંપશીભાઈ નાગડા.

બહાદુર અને કરુણાસભર હૃદય ધરાવતા ચાંપશીભાઈ નાગડાના જન્મને ૧૦૦મું વર્ષ ચાલી રહ્યું છે. નાટ્યકાર-ફિલ્મકાર ચાંપશીભાઈને શતાબ્દી વર્ષે અંજલિ આપવા ‘મિડ-ડે’ દ્વારા મારો આ લેખ લખાઈ રહ્યો છે. કચ્છના રાપર ગઢવાલી ગામમાં વાલબાઈમા અને ભારમલ ભોજરાજના ઘરે તેમનો જન્મ થયો. જાણે કલાજગતમાં કામણ પાથરવા એક પ્રકાશપૂંજનું ધરતી પર અવતરણ થયું. નાટકના જીવ ચાંપશીભાઈને નાટકમાં પરકાયા પ્રવેશનો કસબ શાળા જીવનથી જ મળી ચૂક્યો હતો. નાની ઉંમરમાં જ નાટ્યકાર તરીકે જીવન વિતાવવાનું સમણું જોયું હતું, પણ એ જમાનામાં કચ્છી વેપારીનો બચ્ચો નાટક-ચેટકમાં પડે એ અશક્ય હતું. નાની ઉંમરના હતા ત્યાં જ પિતાનું અવસાન થતાં ઘરની જવાબદારી મોટા ભાઈ લક્ષ્મીચંદભા પર આવી પડી. લક્ષ્મીચંદભા ચાંપશીભાને અનહદ પ્રેમ કરતા હતા એટલે તે કલાના જીવને રૂ અને ઘડિયાળના વ્યવસાયમાંથી મુક્તિ આપી નાટ્યજગતમાં પ્રવેશવાની છૂટ આપી. ઘરની અને સામાજિક જવાબદારી લક્ષ્મીચંદભાએ પોતાના માથે લઈ મુક્ત ગગનમાં આ કલાના પંખીને ઊડવા દશા પાંખો આપી દીધી.

૧૫૦-૨૦૦ વર્ષ પહેલાં કચ્છી ઓસવાળનો (કે.ડી.ઓ.) કપાસના વ્યવસાયમાં દબદબો હતો. કર્ણાટકના ગદગથી લઈ તામિલનાડુના કોઇમ્બતુર સુધી દશાભાઈઓની મોટી-મોટી જીનિંગ મિલો હતી. મુંબઈ અને અમદાવાદના કાપડના મિલમાલિકોને આ કચ્છીઓ પર બહુ ભરોસો હતો એટલે પોતાની મિલો માટે કપાસ દશા વેપારીઓ પાસેથી જ ખરીદતા. આવા જોમદાર વ્યવસાયથી અલગ કલાજગતમાં પ્રવેશવા ચાંપશીભાઈએ જબરો સંઘર્ષ હસતે મુખે કર્યો.

૮૦-૧૦૦ વર્ષ પહેલાં ટીવીની શોધ નહોતી થઈ. મુંબઈમાં કચ્છી ગુજરાતીઓ સમાજથી ડરીને છુપાઈને સિનેમા જોવા જતા, પણ એ સમયે દેશી નાટકોનો દબદબો હતો. ગુજરાતી શેઠિયાઓ બગીમાં બેસીને દેશી નાટક જોવા જતા, અન્ય સામાન્ય રસિકજનો પરિવાર સહિત નાટક જોવા જતા. એ સમયે આખી રાત નાટકની ભજવણી થતી હતી. અમુક નાટક કંપનીઓ તો સવારે નાટક પૂરું થાય ત્યારે દાંતણ અને ચા-પાણીની વ્યવસ્થા પણ કરતી! રોજ સવારે એક ટ્રેન નાટ્યરસિકોને લઈ સુરત સુધી મૂકવા જતી. એવા સમયે ચાંપશીભાઈએ ઘણાં દેશી નાટકોમાં કામ કરી પોતાની કલા અને કસબનો પરિચય આપ્યો.

પણ તેમની અને તેમના જેવા કેટલાક કલાકાર કસબીઓની ઝંખના હતી નવી રંગભૂમિને સક્રિય કરવાની. એટલે એ જમાનામાં આ યુવાનો ઘરના પૈસા ખર્ચી નાટકો તૈયાર કરતાં અને ઘરે-ઘરે જઈ ટિકિટો વેચીને રંગભૂમિનો વિકાસ કર્યો. પરિણામે આજનાં આધુનિક નાટકોનો પાયો નખાયો અને આજે ગુજરાતી નાટક ઇન્ડસ્ટ્રીઝ કરોડોનો વ્યવસાય કરતી થઈ ગઈ છે. પ્રેક્ષકો પણ આ નાટકોની મોંઘી ટિકિટો ખરીદી નાટકનો રજવાડી શોખ પૂરો કરે છે. કલાકારો નાટકોમાં તાલીમ પામી સિરિયલો અને સિનેમામાં પોતાની કારકિર્દી બનાવી શકે છે.

નાટકો, ફિલ્મો અને નૃત્યનાટિકાઓમાં ઍક્ટર અને પ્રોડ્યુસર તરીકે આ કચ્છીમાડુએ અદ્ભુત કાર્ય કર્યું છે. માત્ર ૧૯ વર્ષની ઉંમરે અભિનેતા તરીકે ચાંપશીભાઈએ ‘વસમા બંધન’ નાટક ભજવી કારકિર્દીની શરૂઆત કરી.

હિન્દી ફિલ્મના પ્રસિદ્ધ ડાયરેક્ટર શક્તિ સામંત ચાંપશીભાઈનું એક ગુજરાતી નાટક ‘તૂટી દોર પતંગની’ જોવા આવેલા. એ નાટકની વાર્તા હિન્દીના જાણીતા લેખક ગુલશન નંદાએ લખી હતી. શક્તિ સામંતને તેમનો અભિનય અને નાટકની કથાવસ્તુ એટલી સ્પર્શી ગઈ કે તેમણે આશા પારેખ અને રાજેશ ખન્નાને લઈ સુપરહિટ ફિલ્મ ‘કટી પતંગ’ બનાવી. આમ ચાંપશીભાઈના એક ગુજરાતી નાટકે હિન્દી સુપરસ્ટારને જન્મ આપ્યો!

ચં.ચી. મહેતા ગુજરાતી નાટકોના દિગ્ગજ કસબી હતા. તેમણે અનેક નાટકો લખ્યાં હતાં એમાં પણ નાગા બાવા તથા આગગાડી નાટક ભજવાયાં ત્યારે આખા હિન્દુસ્તાનના રંગકર્મીઓ ચકિત થઈ ગયા હતા. ચાંપશીભાઈએ નાગા બાવાની કલ્પનાતીત ભજવણી કરી હતી. એમાં તેમના મોટા ભાઈ લક્ષ્મીચંદભાએ પણ અભિનય કર્યો હતો. આ બન્ને ભાઈઓએ ઘણી વાર નાટકો અને ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો. બન્ને વચ્ચે મજબૂત સ્નેહગાંઠ હતી. બન્ને સફેદ વસ્ત્રો પહેરી રસ્તા પરથી પસાર થતાં ત્યારે આ પડછંદ બેલડી જોઈ રાહદારીઓ મંત્રમુગ્ધ થઈ જતા. ઘણા લોકો તો કહેતા ‘આ સફેદ બગલાની બેજોડ જોડી જઈ રહી છે!’

બન્ને ભાઈઓ ‘કચ્છી ધમાલ રાસ’ રમવામાં પ્રખ્યાત હતા. માત્ર મુંબઈમાં જ નહીં, ફૉરેનથી આવતા ડેલિગેશનર્સ સામે કચ્છી ધમાલ રાસ રમીને કચ્છની સાંસ્કૃતિક પરંપરાથી મહેમાનોનાં દિલ જીતી લેતાં. બન્ને ભાઈઓ પ્રસિદ્ધ હોવા છતાં દરેક નવરાત્રિએ મુંબઈ અને પરાઓમાં કચ્છી ધમાલ રાસ રમી કચ્છી સંસ્કૃતિનો રસપાન કરાવવા પહોંચી જતા. સદ્નસીબે તેમના રાસનો એક જૂનો વીડિયો યુ-ટ્યુબ પર ધમાલ મચાવી રહ્યો છે.

કચ્છીમાડુઓને મિજબાની આપવાની બહુ મજા પડે. ખાવા અને ખવડાવવામાં આનંદ મળે. ચાંપશીભા દર વર્ષે મુંબઈના તમામ નાટ્યકારોને આંબાની સીઝનમાં રસપૂરી જમવા માટે આમંત્રણ આપે. નાના-મોટા રંગકર્મી કલાકારો તેમના જમણવારમાં પધારે, રસપૂરીનું ભોજન કરતાં-કરતાં અલકમલકની વાતો કરે. વર્ષો સુધી ચાંપશીભા અને લક્ષ્મીચંદભા યજમાન બની રસપૂરીનું જમણ કલાકારો માટે રાખતા, તેમનો હેતુ હતો બધા કલાકારો વચ્ચે કૌટુંબિક નાતો બંધાય!

૬૦ના દાયકામાં ખૂબ ઓછી ગુજરાતી ફિલ્મો બનતી, પણ ગુજરાતી કુટુંબોમાં હોંશે-હોંશે ગુજરાતી સાહિત્ય વંચાતું. એમાં ય પન્નાલાલ પટેલની બહુ જાણીતી નવલકથા ‘મળેલા જીવ’ને વાચકોએ વધાવી લીધી. ચાંપશીભાઈને ગુજરાતી સાહિત્ય પર બહુ ભાવ હતો. ગુજરાતી લેખકો માટે અભિમાન હતું એટલે તેમણે અને લાલુ શાહે મળીને ‘મળેલા જીવ’ પરથી ગુજરાતી ફિલ્મ બનાવી જેમાં દીનાબહેન પાઠકે ગામડાની ગોરીનો રોલ કર્યો હતો. મજાની વાત એ હતી કે ત્યારે જ દીનાબહેન વિદેશથી ભણીને ભારત આવેલાં. વિદેશી સંસ્કૃતિથી રંગાયેલાં આ અભિનેત્રીએ ગામડાની ગોરીનો અદ્ભુત અભિનય કરી લોકોનાં દિલ જીતી લીધાં હતાં. 

ચાંપશીભાઈએ અભિનય કરેલાં કે નિર્માણ કરેલાં નાટકોમાં વિશ્વ સાહિત્યનો જબરદસ્ત ઉપયોગ કર્યો હતો. નફા-નુકસાનનો વિચાર કર્યા વગર સારી સાહિત્ય કૃતિઓનો પરિચય પ્રેક્ષકોને થાય એ માટે ફિલ્મો બનાવી હતી. તેમણે ગુણવંતરાય આચાર્યની પ્રસિદ્ધ નવલકથા ‘અલ્લાબેલી’ પરથી નાટક અને પાછળથી ‘મુળુ-માણેક’ નામની ફિલ્મ બનાવી હતી. ઉપરાંત ગુણવંતરાય આચાર્યની કૃતિઓ પરથી જોગમાયા, આપઘાત નાટકો સર્જ્યાં.

ગુજરાતી સાહિત્યના મેધાવી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની કથાઓ પરથી શાહજહાં અને મહારાણા પ્રતાપ નાટક બનાવ્યાં. આંખને આંજી દેતા આ ઐતિહાસિક નાટકોને રંગભૂમિ પર રમતાં મૂકી મોટું સાહસ કર્યું હતું.

ડૉ. બાબાસાહેબ આંબેડકરની સાથે ભારતનું બંધારણ તૈયાર કરવામાં સિંહફાળો આપનાર કનૈયાલાલ મુનશીની સાહિત્ય કૃતિઓ પરથી ‘પૃથિવીવલ્લભ’, ‘ડૉ. મધુરિકા’, ‘વાહ રે મે વાહ’ જેવાં નાટકોમાં અભિનય કર્યો. હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેએ મોલિયરના નાટક પરથી એક નાટક રચ્યું ‘વડ અને ટેટા’ એમાં ચાંપશીભાઈએ પ્રવીણ જોશી સાથે અભિનય કર્યો. નાટ્યકાર પ્રાગજી ડોસા જે મૂળ કચ્છના ભાટિયા જ્ઞાતિના હતા તેમનાં નાટકોમાં કામ કર્યું. અર્વાચીન રંગભૂમિના શિરમોર કાંતિ મડિયા, અદી મર્ઝબાન, વિષ્ણુકુમાર વ્યાસ, પ્રતાપ ઓઝા, પ્રભુલાલ ત્રિવેદી, મધુકર રાંદેરિયા, ચંદ્રકાંત સાંગાણી, ચંદ્રિકા શાહ, પ્રતાપ ઓઝા, વિજય દત્ત, હની છાયાના દિગ્દર્શનમાં અનેક નાટકો કર્યાં. તેમણે એક કચ્છી નાટક ‘ચોરીના ફેરા ચાર’ નાટક પણ કર્યું. સમગ્ર જીવનમાં અંદાજિત ૬૨થી ૬૫ નાટકોમાં અભિનય કર્યો. આ એ સમયની વાત છે જ્યારે માત્ર જાહેર પ્રયોગ થતા, કૉન્ટ્રૅક્ટ શોની પ્રથા શરૂ થઈ નહોતી.

ચાંપશીભાઈએ આશા પારેખ સાથે નૂરજહાં, પાવક જ્વાળા, અનારકલી નામની નૃત્ય નાટિકાઓ કરી, હેમા માલિની સાથે ‘દસાઅવતાર’, યોગેન્દ્ર દેસાઈ સાથે ‘પરિવર્તન’, ગોપીકૃષ્ણ સાથે ‘આકાશગંગા’ નામની નૃત્ય નાટિકાઓ કરી. એમાં ય ‘મોગલે આઝમ’ નામની ફિલ્મ જેનાથી પ્રેરિત હતી એ ‘અનારકલી’માં આશા પારેખ સાથે કામ કર્યું.

નાટકના આ જીવે ગુજરાતી ફિલ્મોમાં અમૂલ્ય પ્રદાન કર્યું. જે જમાનામાં હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓનો દબદબો હતો પણ ગુજરાતી ફિલ્મો જૂજ બનતી એવા સમયે ચાંપશીભાએ ૨૯ જેટલી ગુજરાતી ફિલ્મોમાં નિર્માતા અથવા અભિનેતા તરીકે કામ કર્યું.

દીના પાઠક સાથે ‘મળેલા જીવ’, શાંતા આપ્ટે સાથે ‘કાદુ મકરાણી’, પદ્મારાણી સાથે ‘કસુંબીનો રંગ’, ઉર્મિલા ભટ્ટ સાથે ‘જોગીદાસ ખુમાણ’, ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ‘હરિશ્ચંદ્ર તારામતી’, અમજદ ખાન સાથે ‘વીર માંગળાવાળો’, મલ્લિકા સારાભાઈ સાથે ‘મેનાગુર્જરી’, આશાપારેખ સાથે ‘કુલવધૂ’, રીટા ભાદુરી સાથે ‘લાખો ફુલાણી’, પ્રાણ સાથે ‘યાદગાર’, વિક્રમ ગોખલે સાથે ‘જય મહાકાળી’, અરુણા ઇરાની સાથે ‘સોરઠની પદમણી’, રાગીણી સાથે ‘ગરવો ગરાસિયો’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

એમણે અનાયાસે થોડીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. બારાત, મીના કુમારી સાથે ‘મા-બેટી’, બીના અને વિક્રમ ગોખલે સાથે ‘બાબા અમરનાથ’, શબાના આઝમી સાથે ‘પરિણય’, બંગાળી ફિલ્મ ‘લખી નારાયણ’નો સમાવેશ થાય છે.

મોટી વયે મોટાભાઈ લક્ષ્મીચંદભાના અવસાન પછી ચાંપશીભાને એકલતા કોરી ખાવા લાગી. ચાર દીકરીઓ અને દીકરા રમેશભાઈ નાગડાની સારી સારસંભાળ છતાં ૮૨ વર્ષની ઉંમરે આ જગતમાંથી વિદાય લઈ પોતાનાં મૂક સાથીદાર સમા પત્ની હીરબાઈને એકલા મૂકી અનંતની વાટ પકડી.

આજે પણ જૂના નાટ્યરસિકો મસ્જિદ બંદરમાં આવેલા ફુવારા નજીક એમના રહેઠાણ પાસેથી પસાર થાય ત્યારે એમનું સ્મરણ કરી વંદન કરી લે છે. એમની આંખ નીચે મોટા થયેલા કચ્છી દશા ઓસવાલ હાલારના નાટ્યકાર કમલેશ મોતા નાટકોમાં અવનવા પ્રયોગ કરે છે, ભારતીય વિદ્યાભવન નાટ્યગૃહ(ચોપાટી)નું સંચાલન કરે છે, કમલેશ મોતા ભારતીય વિદ્યાભવન દ્વારા એકાંકી સ્પર્ધાઓનું આયોજન કરી નવા કલાકારોને પ્લૅટફૉર્મ પૂરું પાડી કચ્છીયતની ખુશબો ફેલાવે છે. તો દશા સમાજના મહેન્દ્ર લાલકા મધ્ય પ્રદેશના પોલીસ ખાતામાં આઈ.જી. જેવા મોટા પદને શોભાવી ચૂક્યા છે. તિલકચંદ લોડાયાએ મદ્રાસ અને મુંબઈમાં મુખ્ય ઇન્કમ ટૅક્સ ઑફિસર તરીકે ફરજ બજાવી છે, ગદગના ડૉ. પ્રદીપ ખોના બ્લડ બૅન્ક ચલાવી દર્દીઓની સેવા કરે છે. વ્યવસાયે તબીબ ડૉ. પ્રદીપ ખોના રસોઈકળામાં પ્રવીણ હોવાથી કર્ણાટકના ગદગ શહેરમાં ધાબાનું સંચાલન પત્નીના સથવારે કરે છે. સી.એ. કુલિનકાંત લુઠિયાએ મુલુંડમાં માનવ સેવાની ભેખ લીધી છે, તો એમના ભાઈ વિરેશભાઈ કલકત્તામાં ઓર્ગન ડોનેશનની જબરદસ્ત મુવમેન્ટ ચલાવે છે. લોખંડવાલાના હીરાલાલભાઈ દંડ ‘પ્રકાશ સમીક્ષા’ના માનદ તંત્રી છે અને વિદેશોમાં હિન્દી ફિલ્મોના વિતરણનો વ્યવસાય કરે છે. કોઇમ્બતુરના હરીશભાઈ ગોવિંદજી શાહ ગુજરાતી સમાજ અને ભવ્ય ગુજરાતી ભવનના સંચાલનમાં સૂત્રધાર રહ્યા છે. મધ્ય પ્રદેશના ‘સાંધવા’ શહેરમાં ચીમનભાઈ મોમાયા એક સાર્વજનિક હૉસ્પિટલ ખોલી લોકસેવા કરે છે. હૈદરાબાદના સ્વ. મણિકાંતભાઈ મોમાયા સમગ્ર કચ્છી સમાજને એકસૂત્રે બાંધવા ભગીરથ કાર્ય કરી ચૂક્યા છે તો મુલુંડના ચીમનભાઈ મોતા કે.ડી.ઓ. સમાજના પ્રમુખ રહી ચૂક્યા છે. આ મહારથીઓની યાદી એટલા માટે લખી છે કે એમાંથી એકાદ વ્યક્તિ નાટ્યગુરુ સ્વ. ચાંપશીભાઈ નાગડાના નામે દશા સમાજ એકાદ નાટ્યગૃહ કે સાંસ્કૃતિક કેન્દ્ર સ્થાપે તો એમને સાચી અંજલિ આપી કહેવાશે.

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 03 માર્ચ 2020

Loading

4 March 2020 admin
← ફિલ્મ નિર્માતા, પ્રેક્ષકો કે વ્યવસાયિક ના હોય, તે તો કસબીની પોતાની જ હોય
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved