Opinion Magazine
Number of visits: 9709777
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

શાંતિદૂત ભારતની શસ્ત્રોના વેપારમાં આગેકૂચ!

કિરણ કાપૂરે|Opinion - Opinion|26 February 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગન લઈને નિશાન તાકતી એક તસવીર હાલમાં વાઇરલ થઈ છે. આ તસવીર લખનઉમાં યોજાયેલા ‘ડિફેન્સ એક્સ્પો’ની છે. ભાગ્યે જ ભારતના કોઈ વડા પ્રધાનની આવી તસવીર જોવા મળી હશે. વડા પ્રધાનની જેમ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ અને ઉત્તર પ્રદેશના આદિત્યનાથ યોગીએ પણ હાથમાં ગન લઈને ફોટોશૂટ કરાવ્યું. શસ્ત્રો સાથે આટલું સહજ થવાનું ઊંચા પદે બિરાજેલા ભારતીય રાજકીય નેતાઓએ ટાળ્યું છે. પણ સમય સાથે આગેવાનો અને દેશની નીતિ બદલાઈ છે. ‘ડિફેન્સ એક્સ્પો’ દેશમાં 1981થી થાય છે, પણ ડિફેન્સ એક્સપર્ટના સ્થાને રાજકારણીઓ મોટા પ્રમાણમાં દેખાય તેવું પ્રથમવાર બન્યું છે. 

શસ્ત્રોના વેપારમાં દેશની આગેકૂચ સર્વસ્વીકાર્ય છે, કારણ કે સંરક્ષણની બાબતમાં ભારત નબળા દેશ તરીકે પેશ આવતું રહ્યું છે. આક્રમક મોડ પર આપણો દેશ દેખાયો નથી. વર્તમાન સરકાર દેશની છબિ તેવી રાખવા માંગતી નથી. હરહંમેશ દેશ સશક્ત અને સલામત રહે, તેવું સરકાર પુરવાર કરવા માગે છે. ‘ડિફેન્સ એક્સ્પો’માં વડા પ્રધાને પોતાના વક્તવ્યમાં આ વાત દોહરાવી હતી અને કહ્યું હતું કે, “આપણી અગાઉની નીતિ અને રાજનીતિ વિદેશી શસ્ત્રો ખરીદવા માટેની હતી, જે કારણે ભારત વિશ્વમાં સૌથી વધુ શસ્ત્રોની આયાત કરનારો દેશ બન્યો છે. હવે ઉદ્દેશ વૈશ્વિક સ્તરે શસ્ત્રો નિર્યાત કરીને રોજગારીની તકો સર્જવાની અને અર્થતંત્રને ઉપર લાવવાનું છે.”

શસ્ત્રોના નિકાસમાં છેલ્લા પાંચ વર્ષમાં સરકારે ડિફેન્સ સાધનોનો નિકાસનો આંકડો 2,000 કરોડથી 17,000 કરોડ સુધી પહોંચાડ્યો છે. આવનારાં પાંચ વર્ષમાં તેને 35,000 કરોડ સુધી લઈ જવાનો ઇરાદો વર્તમાન સરકાર ધરાવે છે.

સરકારે આ માટે ખાનગી રોકાણકારોનો માર્ગ મોકળો કરી આપ્યો છે. અગાઉની સરકારે લીધેલા નિર્ણયો પણ બદલ્યા છે. જેમ કે, ‘પી-75(1)’ પ્રોજેક્ટ અંતર્ગત 50,000 કરોડમાં છ સબમરીન વિદેશની અલગ-અલગ કંપનીઓ પાસેથી ખરીદવાનું યુ.પી.એ. સરકારે ઠરાવ્યું હતું. એન.ડી.એ. સરકારે આ નિર્ણયને ફેરવી કાઢ્યો છે. તેના સ્થાને ‘લાર્સન એન્ડ ટુબ્રો’ અને ભારત સરકારની ‘મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ’ને આ કામ સોંપ્યું છે. સબમરીનનો આ કિસ્સો સંરક્ષણ ક્ષેત્રે સરકાર કેમ પ્રવેશવા માગે છે, તેનો આદર્શ દાખલો છે.

સરકારનો દાવો એક બાજુ સંરક્ષણ ક્ષેત્રે ઊંચાઈ પર પહોંચાડવાનો છે, ખાનગી રોકાણકારો માટે આ ક્ષેત્ર ખોલવાનો છે, અર્થતંત્રમાં તેનો સંરક્ષણ ક્ષેત્રનો હિસ્સો વધારવાનો છે, રોજગારી વધારીને મસમોટા ડિફેન્સ કોરીડોર સ્થાપવાનો છે. પણ જ્યારે આ પૂરી કસરતના લાભ તળના સૈનિકોને મળે છે કે નહીં તે તપાસીએ ત્યારે તેનો જવાબ શંકાના દાયરામાં આવે છે.

હાલમાં સંસદમાં મૂકવામાં આવેલા ‘ધ કમ્પ્રટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા’(કેગ)ના રિપોર્ટ અનુસાર સિયાચીનમાં તૈનાત જવાનો અપૂરતા સંસાધનો વચ્ચે કામ કરે છે. સિયાચીન અને લદાખ જેવાં ક્ષેત્રોમાં સૈનિકોએ વિષમ સ્થિતિમાં ફરજ બજાવે છે. અહીંયા સ્નો ગોગલ્સ અને વિશેષ પ્રકારના બૂટ જોઈએ. ‘કેગ’ના રિપોર્ટ મુજબ બૂટ, ગોગલ્સ સહિતની પ્રાથમિક સુવિધા સૈનિકોને મળી નથી! જે સ્લિપીંગ્સ બેગ્સ મળી છે તેની પણ ગુણવત્તા યોગ્ય જણાઈ નથી.

‘કેગ’ દ્વારા સૈન્ય ક્ષેત્રમાં થઈ રહેલાં અનેક ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ છે; જેમાં મરો અંતે સૈનિકોનો છે. કારગીલ યુદ્ધ પછી ‘ઇન્ડિયન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી’ની સ્થાપના કરવાનો ઉદ્દેશ હતો, જે અનુસંધાને દેશની સુરક્ષાની નબળી કડી પર કામ કરવાનું હતું, પણ તે પ્રોજેક્ટ અધ્ધરતાલ છે. સંરક્ષણ ક્ષેત્રના પાયાના કામો અને સૈનિકોને મળવી જોઈએ તેવી સુવિધામાં ધાંધિયા હોય ત્યારે નિકાસના દાવા પર સવાલ ખડા થાય છે.

શસ્ત્રોનો ધંધો ધિકતો છે. તેમાં નફો માતબર છે. ભારત અત્યાર સુધી શસ્ત્રોનું નિર્યાત કરતું રહ્યું છે, પણ તેમાં ક્યારે ય બિઝનેસ ઉદ્દેશ દેખાતો નથી. છેલ્લાં પચ્ચીસ વર્ષનો રેકોર્ડ જોઈએ તો 1995થી લઈને 2000 સુધી શસ્ત્રના વેપારમાં ભારત તરફથી જરાસરખો પણ વધારો થયો નથી. 2000થી 2005 સુધી પણ આ વેપારનો આંકડો વધ્યો નહોતો. પરંતુ ત્યાર બાદના પાંચ વર્ષ (2006-2010) સુધીમાં શસ્ત્રના વેપારમાં વધારો જોવા મળ્યો હતો. ફરી 2011થી લઈને 2014 સુધી આ વેપારમાં કોઈ વધારો નહોતો. 2014માં એન.ડી.એ. સરકાર આવ્યા બાદ વડા પ્રધાને જાતે આમાં રસ લઈને શસ્ત્રોનો બિઝનેસને વધાર્યો છે. છ વર્ષમાં વર્ષવાર શસ્ત્રોના બિઝનેસમાં ભારત આગળ વધી રહ્યું છે.

જો કે અહીંયા એ નોંધવું રહ્યું કે જે ઇરાદા-દાવા શસ્ત્ર વેપારમાં વડાપ્રધાન રાખે છે, તેની સત્યતા તપાસીએ ત્યારે આ ઇરાદા-દાવા પોકળ થવાની શક્યતા વધુ છે. વર્તમાન જમાનો અત્યાધુનિક શસ્ત્રોનો છે. તેમાં પણ અમેરિકા-ચીન-રશિયા જેવાં આ બિઝનેસના પાક્કા ખેલાડી તેમાં રોજબરોજ સંશોધન કરીને નવાં-નવા શસ્ત્રો લાવે છે. આની સામે સરકારી માળખાંની મદદ લઈને વિશ્વમાં વેપાર કરવાનું કામ પડકારભર્યું છે. એક હદ સુધી સફળતા મળે, પણ તેમાં આપણા દેશે સતત ટકી રહેવું નિષ્ણાતોને અશક્ય લાગે છે.

અશક્ય લાગવાનું એક મહત્ત્વનું કારણ દેશ માટે શસ્ત્ર બનાવનારી કંપની ‘ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઈઝેશન’(ડી.આર.ડી.ઓ.)ની મર્યાદા છે. 2008માં તેની મર્યાદા શું છે તે જાણવા માટે એક એક્સર્ટનલ કમિટિ પણ રચવામાં આવી હતી. આ કમિટિ અંતર્ગત ‘ડી.આર.ડી.ઓ.’ના માળખાની ખામી શોધવાનું કામ થયું હતું. આ રિપોર્ટમાં બહાર આવેલી વિગત ગંભીર હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘ડી.આર.ડી.ઓ.’નો મુખ્ય પ્રશ્ન એચ.આર. મેનેજમેન્ટનો છે. આ ઉપરાંત, ‘ડી.આર.ડી.ઓ.’માં ઇજનેર સંબંધિત ક્ષેત્રમાં પીએચ.ડી કર્યું હોય તેવાં વિજ્ઞાનીઓની ટકાવારી માત્ર ત્રણ ટકા છે! બાકીના સાઠ ટકા સ્ટાફ માત્ર સ્નાતક-અનુસ્નાતક થયેલો છે. ‘ડી.આર.ડી.ઓ.’માં સાધનોની પણ કમી છે.  રિપોર્ટમાં ‘ડી.આર.ડી.ઓ.’ની તમામ વિભાગમાં મર્યાદા દર્શાવવામાં આવી હતી અને વ્યાવસાયિક વલણ અંગે સૌથી વધુ નબળાઈ રિપોર્ટમાં આલેખવામાં આવી હતી. આ તમામ મર્યાદા આજે પણ લાગુ પડે છે. આ માળખાંમાં કોઈ ટારગેટ મૂકવામાં આવે તો તે સર થવો અશક્ય છે.

અંતે વાત શસ્ત્રોના વેપારને પ્રોત્સાહન આપવું જોઈએ કે નહીં તે અંગેની. આપણો દેશ અત્યાર સુધી શાંતિદૂત બનીને વિશ્વમાં ઊભર્યો છે. વિશ્વશાંતિનો સંદેશ ભારતની ભૂમિ પરથી પ્રસર્યો છે તેવો દાવો આપણે કરીએ છીએ. સપ્ટેમ્બર, 2019માં ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં જે ભાષણ આપ્યું હતું તેમાં પણ ‘અમે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે’ તે વાત કરી હતી. આ ભાષણમાં વડાપ્રધાને ગાંધીજીની 150 જન્મ જયંતીના ઉજવણી ભારત જોરશોરથી કરી રહી છે તેનો ઉલ્લેખ કર્યો હતો. સાથે અમે વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો છે તે વાત મક્કમપણે રજૂ કરી હતી.

આખું ચિત્ર જોઈએ તો તેમાં ક્યાં ય શાંતિના સિદ્ધાંત કે શસ્ત્રોના વેપાર એ બંને બાબતોમાં સરકારની કોઈ પ્રતિબદ્ધતા દેખાતી નથી. જો આ રીતે શાંતિ અને વેપારના દાવા કરી નાંખવામાં આવે છે તો પ્રજા માટે તે ચેતવા જેવી સ્થિતિ છે.

e.mail : kirankapure@gmail.com

પ્રગટ : ‘રવિવારીય’ પૂર્તિ, “ગુજરાતમિત્ર”, 16 ફેબ્રુઆરી 2020

Loading

26 February 2020 admin
← નિશાને સંવિધાનઃ ભ્રમ અને વાસ્તવ
ભલા, તેં આ શું કર્યું ? →

Search by

Opinion

  • મેકિસ્કન ડ્રગ લોર્ડ એલ મેન્ચોનું ભારત કનેક્શનઃ ડ્રગ લોર્ડના મોતથી કાર્ટેલ નથી અટકી જતું
  • એક નાનકડી શિબિરથી શું થાય ?
  • મુજે ઈન્સાફ નહીં મિલા !
  • ચલ મન મુંબઈ નગરી—330
  • સમરસ ગ્રામ પંચાયત, સમરસતા અને સમાનતા

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved