ભારતના અર્થતંત્રમાં અત્યારે વાતચીતની ભાષામાં મંદી અને થોડા શાસ્ત્રીય સ્વરૂપની ભાષામાં ‘સ્લોડાઉન’ ચાલે છે. ભારત સરકારના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે તેને ‘ગ્રેટ સ્લોડાઉન’ તરીકે વર્ણવ્યું અને ઉમેર્યું કે ભારતનું અર્થતંત્ર અત્યારે ‘આઈ.સી.યુ.’માં છે, મતલબ કે કટોકટીભરી સ્થિતિમાં છે. અની સામે નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પાનગરિયાનો મત છે. તેમના મત પ્રમાણે ભારતના અર્થતંત્રમાં અત્યારે જે સ્થિતિ પ્રવર્તે છે, તે કોઈ રીતે અપૂર્વ કે અસામાન્ય નથી. ૧૯૯૧ના આર્થિક સુધારાઓ પછી જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં આવી મોટી ગણી શકાય એવી વધઘટ થતી રહી છે. ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર કાયમ માટે નીચી સપાટી પર ઊતરી ગયો છે એમ માનવાની જરૂર નથી. બૅંકોની ખરાબ લોનોના પ્રશ્ન ઉકેલાઈ જતાં બૅંકોની ધિરાણ આપવાની ક્ષમતામાં વધારો થશે અને ભારતની જી.ડી.પી.નો વૃદ્ધિદર પૂર્વવત્ ઊંચી સપાટી પર પહોંચી જશે.
એક હકીકત તરીકે પાનગરિયાની દલીલમાં તથ્ય છે. ૧૯૯૧ પછીનાં વર્ષોમાં ભારતની જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં મોટી વધઘટ જોવા મળે છે. દા.ત. ૧૯૯૫-૯૬ના વર્ષમાં તે દર ૭.૪ અને તે પછીના વર્ષમાં ૮.૩ ટકા હતો, પરંતુ ૧૯૯૭-૯૮ના વર્ષમાં તે ઘટીને ૪.૧ ટકા થયો હતો. ૧૯૯૯-૨૦૦૦ના વર્ષમાં તે ૭.૫ ટકા હતો, પણ ૨૦૦૦-૨૦૦૧ના વર્ષમાં તે ઘટીને ૩.૭ ટકા હતો, અને ૨૦૦૩-૦૪થી ૨૦૧૧-૧૨નાં નવ વર્ષ સતત ઊંચી સપાટી પર રહ્યો. એ વર્ષોમાં જી.ડી.પી.નો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર ૮.૨ ટકા રહ્યો. અમેરિકામાં ૨૦૦૮માં સર્જાયેલી વિત્તીય કટોકટીએ દુનિયામાં મોટા ભાગના દેશોને મંદીમાં ધકેલી દીધા હતા, પરંતુ ભારત અને ચીન મંદીને ખાળી શક્યા હતા. ૨૦૧૨-૧૩નું વર્ષ નીચા વૃદ્ધિદરનું હતું, પરંતુ ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯નાં વર્ષો ફરીથી ૭.૫ ટકા જેવો ઊંચા વૃદ્ધિદરનાં હતાં. ૨૦૧૯-૨૦નું ચાલુ વર્ષ નીચા વૃદ્ધિદરનું (પાંચ ટકાની આસપાસ) રહેશે. આમ, ૧૯૯૧ પછીના ત્રણ દસકા દરમિયાન જોવા મળેલી જી.ડી.પી.ના વૃદ્ધિદરની તરેહના સંદર્ભમાં ભારતમાં વર્તમાન સ્લોડાઉન એક સામાન્ય ઘટના છે …, પણ ચર્ચવાનો પ્રશ્ન બીજો છે.
ભારતમાં ૨૦૦૩-૦૪થી ૨૦૧૧-૧૨નાં નવ વર્ષ દરમિયાન જી.ડી.પી.નો વૃદ્ધિદર એકંદરે આઠ ટકાથી અધિક રહ્યો. તેમાંથી એક મત બંધાયો છે અને એક અપેક્ષા-આકાંક્ષા ઉદ્ભવી છે : ભારતનું અર્થતંત્ર લાંબા સમય માટે જી.ડી.પી.ના આઠ ટકાના દરને ટકાવવાની ક્ષમતા ધરાવે છે, તેથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે શ્રી પાનગરિયાએ આવું એક વિઝન આલેખ્યું હતું. ૨૦૧૫-૧૬માં ભારતની કુલ જી.ડી.પી. રૂ. ૧૩૭ લાખ કરોડ હતી અને માથા દીઠ આવક રૂ. ૧,૦૬,૫૮૯ હતી. પંદર વર્ષ દરમિયાન તે વધીને ૨૦૩૧-૩૨માં કુલ જી.ડી.પી. રૂ. ૪૬૯ લાખ કરોડ થશે અને માથા દીઠ આવક રૂ. ૩,૧૪,૭૭૬ થશે. આ ગુલાબી ચિત્ર પાછળ એક ધારણા રહેલી હતી : પ્રસ્તુત પંદર વર્ષ દરમિયાન દેશની જી.ડી.પી.માં સાતત્યપૂર્ણ રીતે આઠ ટકાના દરે વૃદ્ધિ થયા કરશે. જે પ્રશ્ન વિચારવાનો છે, તે આ અપેક્ષામાંથી ઊભો થાય છે : ભૂતકાળમાં ૧૯૫૦થી ૧૯૮૦ સુધી જેમ ભારતની જી.ડી.પી.નો નૉર્મલ વૃદ્ધિદર ૩.૫ ટકાનો હતો, તેમ ગયા દાયકાથી શરૂ કરીને હવે પછીના દોઢ બે દસકા દરમિયાન ભારતની જી.ડી.પી.નો નૉર્મલ વૃદ્ધિદર ૮થી ૯ ટકા રહેશે. એવી અપેક્ષા કે ધારણા રાખવા માટે આપણી પાસે ખરેખર કોઈ આધાર છે ખરો?
આ પ્રશ્ન ઊભો થવાનાં કારણો છે. ૧૯૬૦ પછી પૂર્વ એશિયાના જે કેટલાક દેશોમાં ‘ચમત્કારિક’ ગણાયેલો વિકાસ થયો હતો. તેમાં ચીનનો અપવાદ બાદ કરતાં કોઈ દેશમાં બે-ત્રણ દાયકાના લાંબા સમયગાળામાં આઠ ટકાનો જી.ડી.પી.નો વૃદ્ધિદર જોવા મળ્યો નથી. ૧૯૭૫થી ૨૦૦૫ના ત્રણ દસકા દરમિયાન સિંગાપોરમાં સરેરાશ ૬.૯ ટકાનો, દક્ષિણ કોરિયામાં ૫.૭ ટકાનો અને હૉંગકોંગમાં ૪.૪ ટકાનો જી.ડી.પી.નો વૃદ્ધિદર માલૂમ પડ્યો હતો. વિકસિત દેશો(OECD)માં તે ૨.૮ ટકાનો હતો. ચીનમાં તે ૯.૬ ટકા હતો. આમ ચીનનો એક માત્ર અપવાદ બાદ કરતાં કોઈ દેશમાં જી.ડી.પી.નો નોર્મલ વૃદ્ધિદર સાત ટકા સુધી પહોંચ્યો નહોતો. તેથી એકવીસમી સદીના પ્રથમ દસકામાં આરંભનાં વર્ષોમાં કેટલાક ઊભરતા વિકાસશીલ દેશોમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર સાત ટકા કે તેનાથી વધુ થયો, ત્યારે તેને ‘ચમત્કારિક’ વૃદ્ધિદર ગણવામાં આવ્યો હતો. અલબત્ત, એ ચમત્કાર ૨૦૦૮ની અમેરિકાની વિત્તીય કટોકટી સુધી જ રહ્યો. એ પછીનાં વર્ષોમાં મોટા ભાગના ઊભરતા વિકાસશીલ દેશોમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ચાર ટકાની સપાટી પર રહ્યો છે.
મુદ્દો એ છે કે ૨૦૦૮ સુધીના દસકાનાં વર્ષો દુનિયામાં જી.ડી.પી.ની વૃદ્ધિની દૃષ્ટિએ અસામાન્ય વર્ષો હતાં. વૈશ્વિકીકરણ તેની ટોચ પર પહોંચ્યું હતું, દુનિયાની નિકાસો સાત ટકાથી અધિક દરે વધી રહી હતી અને વિદેશી મૂડીરોકાણો વિકાસશીલ દેશો તરફ વળ્યાં હતાં. ભારતનો દાખલો લઈએ. તો ભારતની નિકાસો એ દસકામાં ૧૮ ટકા જેવા ઊંચા દરે વધી હતી, જે છેલ્લાં સાત વર્ષોમાં સ્થગિત અવસ્થામાં છે. હવે વૈશ્વિકીકરણનાં વળતાં પાણી થયાં છે અને રાષ્ટ્રવાદ ચલણમાં છે. વિશ્વવેપારમાં બે ટકા જેવા નીચા દરે વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં જી.ડી.પી.ના આઠ ટકા જેવા ઊંચા વૃદ્ધિદરના એક સ્રોત તરીકે નિકાસો પર મદાર રાખવાનો નથી.
આમ, બજારવાદી અર્થશાસ્ત્રીઓને ૧૩૦ કરોડ વસ્તી ધરાવતા ભારતના આંતરિક બજાર પર ભરોસો છે, પણ ભારતનું આંતરિક બજાર આઠ ટકાના જી.ડી.પી.ના વૃદ્ધિદરને ટકાવવા સક્ષમ છે કે કેમ તે એક પ્રશ્ન છે. ગ્રાહકોની સંખ્યાની દૃષ્ટિએ ભારતનું બજાર ઘણું મોટું છે, પણ ગ્રાહકો પાસે રહેલી કે આવતી ખરીદશક્તિની દૃષ્ટિએ જોતાં ભારતનું બજાર કેટલું મોટું છે, તે ચર્ચાનો વિષય છે. ભારતમાં છેલ્લા બે-ત્રણ દસકાઓ દરમિયાન જ વિદેશી મૂડીરોકાણો થયાં છે, તેનો મોટો ભાગ વીમા અને માહિતી ઉદ્યોગ જેવાં સેવાનાં ક્ષેત્રોમાં થયાં છે. અને ઉદ્યોગોમાં પ્રમાણમાં ઓછાં વિદેશી રોકાણો થયાં છે. તે માટે મજૂરકાયદા અને સરકારી તંત્રોના ભ્રષ્ટાચાર જેવાં કારણો હશે, પણ તેનો એક સૂચિતાર્થ સ્પષ્ટ છે : વિદેશી કંપનીઓને ભારતમાં વિવિધ ઔદ્યોગિક ચીજો માટે મોટું બજાર હોવાની પ્રતીતિ થઈ નથી.
ભારતમાં છેલ્લા ત્રણ દસકા દરમિયાન જે ઊંચા દરે જી.ડી.પી.માં વધારો થયો છે, તેની વહેંચણી ખૂબ અસમાન રીતે થઈ છે. ફ્રાન્સના અર્થશાસ્ત્રી પિકેટીએ પ્રગટ કરેલા એક અભ્યાસલેખમાં તેની વિગતો જોવા મળે છે. એ અભ્યાસલેખનું શીર્ષક માર્મિક છે : ‘ભારતમાં આવકની અસમાનતા, ૧૮૨૨-૨૦૧૪; બ્રિટિશરાજથી અબજપતિઓના રાજ ભણી.’ તેમના તારણ પ્રમાણે ૧૯૮૦થી ૨૦૧૪ વચ્ચે વધેલી આવકનો ૧૧ ટકા હિસ્સો તળિયાના ૫૦ ટકા લોકોના ભાગે ગયો હતો; બીજે છેડે ટોચના ૧૦ ટકા લોકોના ભાગે ૬૬ ટકા જેટલો મોટો ભાગ ગયો હતો. આ બેની વચ્ચેના ૪૦ ટકાના ભાગે વધેલી આવકનો ૨૩ ટકા ભાગ ગયો હતો. આમ, દેશમાં ૯૦ ટકા લોકોના ભાગે, વધેલી આવકનો ૩૪ ટકા ભાગ જ ગયો હતો. એની સરખામણીમાં ટોચના ૧૦ ટકા લોકોના ભાગે ૬૬ ટકા આવક ગઈ હતી. હવે, આ સરખામણી ચીન સાથે કરવા જેવી છે. ચીનમાં ટોચના ૧૦ ટકા લોકોના ભાગે વધેલી આવકનો ૪૪ ટકા ભાગ ગયો હતો અને બાકીના ૯૦ ટકા લોકોના ભાગે વધેલી આવકનો ૫૬ ટકા ભાગ ગયો હતો. મુદ્દો એ છે કે ભારતના ૯૦ ટકા લોકોના ભાગે વધતી આવકનો ઓછો ભાગ જતો હોવાથી ખરીદશક્તિની રીતે ભારતનું બજાર પ્રમાણમાં ઓછું વધે છે, તેથી તે જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદરને નિભાવી શકે કે કેમ તે એક પ્રશ્ન છે. ચીન પણ નિકાસવૃદ્ધિમાં ઓટ આવતાં તેના જી.ડી.પી.ના ઊંચા વૃદ્ધિદરને ટકાવી શક્યું નથી, તે અનુભવ આપણી નજર સમક્ષ છે.
ભારતમાં ૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯નાં વર્ષોમાં જી.ડી.પી.નો ૭.૫ ટકાનો વૃદ્ધિદર ચીનના આ અનુભવના સંદર્ભમાં શંકાસ્પદ બની રહે છે. ઉપર નોંધ્યું છે તેમ ૨૦૧૩ પછી દેશની નિકાસો સ્થગિત થયેલી છે અને મૂડીરોકાણો ઘટ્યાં છે, છતાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૭.૫ જેવી ઊંચી સપાટી પર રહ્યો તે ખરેખર ચમત્કાર ગણાય. આવા ઊંચા વૃદ્ધિદર છતાં બેકારી ૪૫ વર્ષની ટોચ પર પહોંચી તે પણ એક કોયડારૂપ ઘટના છે. સવાલ આંકડાઓની વિશ્વસનીયતાનો છે. ભારતના પૂર્વઆર્થિક સલાહકાર સુબ્રમણ્મે તો ભારતની જી.ડી.પી.ના સત્તાવાર વૃદ્ધિદરમાંથી અઢી ટકા બાદ કરવાનું કહ્યું છે. તે પ્રમાણે ૨૦૧૪થી ૧૯નાં વર્ષોનો વૃદ્ધિદર પાંચ ટકા ગણવો પડે અને ચાલુ વર્ષે અઢી ટકાનો ગણવો પડે.
ભારતમાં જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર બે કારણોથી જરૂરી છે. એક, ભારતમાં રોજગારી માંગતા યુવાનોની સંખ્યા આગામી વર્ષોમાં ટોચ પર પહોંચવાની છે, તેમને રોજગારીની સારી તકો પૂરી પાડવાની છે. રોજગારીની આ સારી તકોનો અર્થ બરાબર સમજાયો નથી. એનો મતલબ એ છે કે આ યુવાનોને વધુ ઉત્પાદક રોજગારી પૂરી પાડવાની છે. દેશના શ્રમિકોની ઉત્પાદકતા વધે તે ઊંચા દરે વધતી જી.ડી.પી.નો એક સ્રોત છે. આ યુવાનો લારી લઈને શાકભાજી વેચે કે પસ્તી ઉઘરાવવા જેવા વ્યવસાયોમાં રોજગારી મેળવે, તેમાં તેમની ગર્ભિત ઉત્પાદનશક્તિનો યોગ્ય ઉપયોગ નથી. તેમાં શ્રમિકોની ઉત્પાદનશક્તિ વેડફાય છે. પૂર્વ એશિયાના કેટલાક દેશોમાં જે ચમત્કારિક વિકાસ સધાયો, તેનું રહસ્ય ઊભરતી જતી યુવાનોની સંખ્યાને ઉત્પાદક (સારી) રોજગારી પૂરી પાડવામાં છે. રોજગારીની સારી તકો માટેની માંગને આ હકારાત્મક અર્થમાં સમજવાની છે.
દેશમાં લોકોને ગરીબીમાંથી બહાર કાઢીને સંતોષકારક જીવનધોરણ પૂરું પાડવા માટે જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર જરૂરી છે, પણ તે સાથે આવકની ઓછી અસમાન વહેંચણી થાય તે પણ જરૂરી છે. બીજા શબ્દોમાં, વિકાસ સર્વસમાવેશક (Inclusive) હોય તે જરૂરી છે. ભારતમાં છેલ્લા ત્રણ દસકા દરમિયાન સધાયેલા વિકાસે કરોડો લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે, પણ તેમને સંતોષકારક જીવનધોરણ પૂરું પાડ્યું નથી. એ બધા કાયમ માટે ગરીબીમાંથી બહાર આવી ગયા છે એવું પણ કહી શકાય તેમ નથી. એવું પણ કરી શકાય તેમ નથી વિકાસ અબજોપતિઓ સર્જવા માટે કરવાનો નથી. ભારતમાં સધાયેલા વિકાસની આ એક મર્યાદા છે. ભારતના સમાજમાં જ્ઞાતિગત અસમાનતા જાણીતી છે. એ સમાજમાં બજારના માધ્યમથી સર્જાતો વિકાસ આર્થિક અસમાનતા પણ સર્જે તે સહજ છે, તેથી ભારતના સમાજમાં બજારના માધ્યમથી સધાતા વિકાસને સર્વસમાવેશક બનાવવા માટે મૌલિકતા દાખવવી પડે તેમ છે. મતલબ કે દેશની સામાજિક-સાંસ્કૃતિક પરંપરાઓને અનુલક્ષીને બજારપ્રથાને વિકસાવવી પડે. આ એક પડકારરૂપ કાર્ય છે. રોજગારીની સારી તકોનું સર્જન અને વિશાળ લોકસમુદાયને સંતોષકારક જીવનધોરણ પૂરું પાડવું. તે એક સિક્કાની બે બાજુ છે.
આ લંબાઈ ગયેલા લેખનું સમાપન કરીએ. ભારતમાં પ્રવર્તમાન સ્લોડાઉન કોઈ અપૂર્વ ઘટના નથી. છેલ્લા ત્રણ દસકામાં દેશના જી.ડી.પી.ના વૃદ્ધિદરમાં મોટો ઘટાડો થયો હોય એવાં કેટલાંક વર્ષો આવી ગયાં છે, પણ એકંદરે ભારતમાં જી.ડી.પી. ઊંચા દરે વધી છે. પ્રશ્ન આગામી દોઢ-બે દસકા દરમિયાન જી.ડી.પી.ના વૃદ્ધિદરને આઠ ટકાની સપાટી પર જાળવી રાખવાનો છે, જે દર એકવીસમી સદીના પ્રથમ દસકામાં આપણે હાંસલ કરી શક્યા હતા. પ્રવર્તમાન વૈશ્વિક માહોલ જોતાં ભારતમાં જી.ડી.પી.નો વૃદ્ધિદર ૬થી ૭ ટકાની વચ્ચે રહેવાની સંભાવના છે. દેશમાં જી.ડી.પી.ના વૃદ્ધિદરને ઊંચી સપાટી પર ટકાવી રાખવાની સાથે તેને રોજગારી સર્જતો અને સર્વસમાવેશક બનાવવાનો મોટો પડકાર આપણી સમક્ષ છે. છેલ્લા બે દસકામાં જી.ડી.પી.નો ઊંચો વૃદ્ધિદર રોજગારીની પર્યાપ્ત તકો સર્જવામાં નિષ્ફળ રહ્યા છે અને વધેલી આવકની વહેંચણીમાં તીવ્ર અસમાનતા માલૂમ પડી છે. સારી રોજગારી માંગતા યુવાનોની સંખ્યા ટોચ પર પહોંચવાની છે, ત્યારે જો એ માંગ મોટા પ્રમાણમાં નહિ સંતોષાય, તો એક બાજુ આપણે ‘ડેમોગ્રાફિક ડિવિડન્ડ’ ગુમાવીશું અને બીજી બાજુ યુવાનોનો અસંતોષ વિસ્ફોટક બનશે. એને રાજકીય ચતુરાઈથી ખાળી નહિ શકાય. પણ આપણી તત્કાળ સંતોષવાની જરૂરિયાત જી.ડી.પી.ના આંકડાઓને વિશ્વાસપાત્ર બનાવવાની છે. તે અત્યંત વિવાદાસ્પદ બની ગયા છે.
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 08 – 09