
રવીન્દ્ર પારેખ
શાંતિ ટોકિઝની ફિલ્મ 3BHK U-TUBE પર જોઈ. એક લીટીની વાર્તા એવી છે કે ફિલ્મની શરૂઆતમાં મધ્યમવર્ગનું એક કુટુંબ ઘર શોધે છે અને અંતે મળે છે. આ વાત મધ્યમવર્ગનાં કુટુંબની વાત બને એ રીતે ફિલ્મમાં મુકાઈ છે. આપણે ફિલ્મ નહીં, પણ આસપાસનું કુટુંબ જોતાં હોઈએ, એમ એક કુટુંબ બતાવાયું છે. સાધારણ રીતે દરેક કુટુંબને પોતાનું એક ઘર હોય એવું સપનું હોય છે, પણ મધ્યમવર્ગનાં કુટુંબ માટે એ સહેલું નથી. બાર સાંધો ને તેર તૂટે-એવી સ્થિતિમાં ઘર ખરીદવાનું દૂર જ ઠેલાતું રહે છે.
૨૦૦૬માં ફિલ્મ શરૂ થાય છે. વાસુદેવ તેની પત્ની શાંતિ અને દીકરા-દીકરી સાથે એક ઘર ખાલી કરીને, બીજા મકાનમાં રહેવાં આવે છે. આ ઘર અગાઉનાં ઘર કરતાં પણ નાનું છે ને કોઈને જ પસંદ નથી પડતું. ભાડાનાં ઘર બદલાતાં રહે છે, પણ ઘરનાં ઘરનું સપનું અધૂરું જ રહે છે. દીકરી આરતી, વાસુને કહે પણ છે કે ઘર લો તો એવું લેજો કે એક રૂમ મારો હોય, એક ભાઈ પ્રભુનો ને એક પાપા-મમ્મીનો હોય. વાસુની ઈચ્છા તો એવી પણ છે કે એ ઘરની બહાર ‘વાસુદેવન્’ની નેઈમ પ્લેટ લાગેલી હોય !
વાસુ, પ્રભુને ખાનગી સ્કૂલમાં એટલે ભણાવે છે કે તેનું ભવિષ્ય ઊજળું બને, પણ તે ભણવામાં નબળો છે, જ્યારે આરતી હોંશિયાર છે. ભાઈ સારી સ્કૂલમાં ભણી શકે, એટલે તે સરકારી સ્કૂલમાં ભણે છે. કોઈ પણ પરિસ્થિતિમાં શાંતિ સાથે છે. તેને બધું જ સારું લાગે છે. તે સતત એડજસ્ટ કરતી રહે છે. વાસુદેવ એક કંપનીમાં કામ કરે છે. તેણે તેના નાના ભાઈને સારી સ્થિતિમાં મૂક્યો છે, પણ તે મદદમાં નથી આવતો. તે એટલું કરે છે કે લગ્ન ન કરવા માંગતી આરતીને ધનાઢ્ય કુટુંબમાં પરણાવી આપે છે, જ્યાં તે જરા ય સુખી નથી. એ ઘરને પૈસાનો એટલો ઘમંડ છે કે તે આરતીને નોકરાણીની જેમ રાખે છે. પતિ તેને ચાહતો નથી, પણ મા બનાવી શકે છે. એક દિવસ પતિને માથે બાટલી ફોડીને તે પિતા પાસે આવી રહે છે.
વાસુએ સાડાસાત લાખ ઘરને માટે ભેગા કર્યા છે, પણ ઘર ખરીદવા તે ઓછા પડે છે. હવે પંદર લાખ હોય તો ફ્લેટ મળે એમ છે. વાસુને પંદર લાખ ભેગા કરતાં વર્ષો નીકળી જાય છે ને ત્યારે ભાવ ૨૫ લાખ ચાલે છે. જે કંપનીમાં તે કામ કરે છે, ત્યાં ટેકનોલોજીની જાણકારી ન હોવાને લીધે તેણે નોકરી છોડવી પડે છે. તેણે શીખવાના પ્રયત્નો કર્યા, ઓવર ટાઈમ કર્યો, એમાં માઈલ્ડ હાર્ટ એટેક પણ આવી ગયો. ઘર માટે રાખેલી બચત સર્જરીમાં ખર્ચાઈ ગઈ. પત્ની, દીકરી પણ ઘરમાં સ્નેક્સ બનાવીને ટેકો કરવા મથે છે, પણ ઘર તો દૂર જ રહે છે.
વાસુ, પ્રભુને કહે છે, ‘ મારાથી થાય તે હું કરું છું, પણ તારું ભવિષ્ય તારા હાથમાં છે.’ જો કે, પ્રભુ ભણવામાં નિષ્ફળ રહે છે. સ્કૂલમાં તેના જેવી જ નિષ્ફળ ઐશ્વર્યા સાથે તેની મૈત્રી થાય છે. તે થોડા વખતમાં જ એકાએક અલોપ થઇ જાય છે. પ્રભુ તપાસ કરે છે, પણ મળતી નથી. પ્રભુને મિકેનિકલ એન્જિનિયરિંગમાં રસ હતો, પણ ભળતું જ ભણવાનું આવતાં નિરાશ થાય છે. કોલેજમાં તેને તેના જેવો જ નિષ્ફળ મિત્ર મળે છે. પહેલે દિવસે બન્ને પહેલી બેંચ પર બેસે છે, પણ સમજ ન પડવાથી ધીરે ધીરે છેલ્લી બેંચ પર બેસતા થાય છે.
પિતાની જેમ જ પ્રભુ સતત નિષ્ફળ રહે છે, પણ બન્ને પ્રયત્નો છોડતા નથી. અનેક ઈન્ટરવ્યૂ પછી પણ નોકરી મળતી નથી. એક ઈન્ટરવ્યૂમાં તો એ સીધું પૂછી જ લે છે, ‘મને રિજેક્ટ કર્યો છે ને !’ જવાબ મળે છે – હા. કારણ તેણે જે જવાબો આપ્યા તે ગોખેલા છે, તેમાં સમજ નથી. તેને બદલે તેનો મિત્ર પસંદગી પામ્યો છે. એ મિત્રની મદદથી જ એને પણ નોકરી મળે છે, પણ ત્યાં એ ટકતો નથી, કારણ ત્યાં કોપી-પેસ્ટનો જ મહિમા છે.
એક દિવસ વાસુ, પ્રભુને તેનાં લગ્નની વાત કરવા ઘરે બોલાવે છે. ઇન્કમટેક્સ ઓફિસરની એકની એક ક્રોધી, દીકરી સાથે પ્રભુની અનિચ્છા છતાં, એન્ગેજમેન્ટ નક્કી થાય છે. એન્ગેજમેન્ટ માટે કપડાંની ખરીદી કરવા એક સ્ટોરમાં પ્રભુ ને તેનું ઘર પહોંચે છે. અહીં સેલ્સ ગર્લ તરીકે ઐશ્વર્યા જોવા મળે છે ને બન્ને એકબીજાને ઘણે વખતે જોતાં વિચલિત થઈ જાય છે. બન્ને એકલાં મળે છે ને રાતોરાત પરણવાનું નક્કી કરે છે.
આ વાતે વાસુ એટલો આઘાત પામે છે કે વાત કરવાનું બંધ કરી દે છે, એટલું જ નહીં, ઐશ્વર્યાને પણ પુત્રવધૂ તરીકે નકારે છે. શાંતિ પહેલી વખત મિજાજ ગુમાવીને પૂછે છે કે અમીર વહુનાં ન આવવાથી એટલે તો નારાજ નથી ને કે તેને નિમિત્તે ફ્લેટ મળવાનો હતો ! દીકરાનાં લગ્ન નિમિત્તે પણ ઘર થાય, એવું વાસુના મનમાં તો હતું જ ! બધેથી નિરાશ થતાં, વાસુ પાછો આવે છે ને પિતા સામે કબૂલ કરે છે કે તે બધામાં જ નિષ્ફળ રહ્યો છે, પણ હવે તે પોતાની રીતે આગળ વધશે ને એવી સ્થિતિ આવે છે કે પ્રભુ-આરતીના સંયુક્ત પ્રયત્નથી પોતાનો ૩BHK ફ્લેટ ખરીદે છે. ગૃહપ્રવેશની વિધિમાં આવેલા મહેમાનો વચ્ચે ફિલ્મ પૂરી થાય છે ….
ફિલ્મ બહુ કલાત્મક કે ટેકનિકલી પરફેક્ટ છે, એવું નથી. આમ તો એ સાઉથની હિન્દી ડબ્ડ મૂવી છે. વિષય પણ નવો નથી. એવું પણ નથી કે તેમાં અણધાર્યા વળાંકો છે, એટલે ઉત્તેજનાને લીધે ફિલ્મ જોવાનું કોઈ કારણ રહે. આમ અન્ય ફિલ્મોની જે મર્યાદા બને એ બાબતો આ ફિલ્મની વિશેષતા બને છે. બધું જ ધારણા મુજબ બને છે, પણ જ્યારે બને છે, ત્યારે તે પાત્રોની ધારણા વિરુદ્ધ હોય છે. ઘર માટે બચાવેલા પૈસા બીજે જ વપરાતા રહે એવું ધારી શકાય, પણ પિતાના બચાવેલા પૈસા તેના જ ઓપરેશનમાં ઘૂસી જશે, એ પાત્રોની ધારણા બહાર છે, એ જ રીતે બચાવેલા પૈસા આરતીનાં લગ્નમાં જશે, એવી પણ પાત્રોની ધારણા નથી. બધું જ ધારેલું બનતું હોવાથી ફિલ્મની ગતિ કોઈને ધીમી લાગે, પણ તેની ખૂબી એ છે કે ફિલ્મ છોડી દેવાનું મન થતું નથી, તે તેનાં હૃદયસ્પર્શી દૃશ્યોને કારણે –
એક દૃશ્યમાં પ્રભુ નોકરી છોડીને, હાઉસિંગ લોન નકારીને, ઘરે આવીને ભાંગી પડે છે. તેણે એ નોકરી નથી કરવી. પિતા કહે છે, ‘ થોડા એડજસ્ટ કર લો, બેટા, ભવિષ્ય અચ્છા હો જાયેગા !’
પ્રભુ કહે છે, ‘પાપા, પ્લીઝ ! હર વક્ત વહી બાત ! એડજસ્ટ કર લો, ફ્યુચર અચ્છા હોગા ! એડજસ્ટ કર લો, ફ્યુચર અચ્છા હોગા ! બચપન સે સુન રહા હૂં ! પતા નહીં, વો ફ્યુચર કબ આયેગા?’
હકીકત એ છે કે સાધારણ માણસો ભવિષ્ય સારું કરવા જતાં વર્તમાનમાં જીવતાં જ નથી. એ ભવિષ્ય પણ ભવિષ્યમાં જ આવે છે, કારણ ફ્લેટ લેવાય છે ત્યારે સમય ૨૦૨૭નો ચાલે છે.
બીજું એક દૃશ્ય છે, જેમાં પ્રભુ ખરીદેલો ફ્લેટ બતાવવા માતાપિતાને ફ્લેટમાં લઇ આવે છે. તે જુએ છે કે એક રૂમ આરતીનો છે, એક પ્રભુનો અને એક પોતાનો છે. આરતીની નાનકી, સોનેરી કપડામાં વીંટેલું કંઇ લઈ આવે છે. વાસુ તે ખોલે છે, તો એમાં ‘વાસુદેવન એન્ડ ફેમિલી’ નામની લાકડાની નેઈમ પ્લેટ છે. વાસુ અને આખું કુટુંબ ભાવ વિભોર થઇ ઊઠે છે. આવાં તો ઘણાં દૃશ્યો છે. એમાં કંઇ ઝડઝમક નથી, કોઈ ગ્લેમર નથી. કરુણતા એ છે કે સાદું જીવવાનું છે, તે ય જીવાતું નથી ને સાચું તો જીવાતું જ નથી ! એ જીવવામાં જીવવાનું પૂરું થઈ જાય છે … પણ નિષ્ફળતાઓ વટાવ્યા પછી એક સૂર્ય એવો ઊગે છે જે તમામ અંધકારને ખસેડતો સફળતાનું કિરણ ફોડે છે ….
પ્રોડ્યુસર અરુણ વિશ્વની અને રાઈટર-ડિરેક્ટર શ્રી ગણેશની આ ફિલ્મ છે. ફિલ્મ તમામ કુટુંબોને અર્પણ કરાઈ છે. દક્ષિણના કલાકારો સિદ્ધાર્થ, સુપ્રીમ સ્ટાર સરથકુમાર, દેવયાની, મીઠા રઘુનાથ, ચૈત્રા, યોગી બાબુ…ના અભિનયથી ઓપતી આ ફિલ્મમાં સૌએ કેવળ સાહજિક અભિનય કર્યો છે. અભિનય એવો કે અભિનય લાગે નહીં ! ઘણી વાર ગવાતું એક ગીત ગવાય છે, ‘સપને સારે સચ હોંગે એક દિન …!’ બધાં ગીતો બેકગ્રાઉન્ડમાં સૂચક રીતે ગવાય છે. ગીતો રીતેશ વાક્લેનાં છે અને તે એલ.કે. લક્ષ્મીકાંત અને સ્તુતિ સિંહાએ ગાયાં છે. એડિટિંગ ગણેશ શિવાનું છે. સંગીત અમૃત રામનાથનું છે. ફોટોગ્રાફી દિનેશ કૃષ્ણન બી. અને જિતિન સ્ટેનિસ્લોસની છે. બહુ કલાત્મક નથી, પણ વાસ્તવિકતાના ગાઢા રંગો તે બરાબર ભરે છે ….
એકંદરે આ ઘર વગરનાંની, ઘર ઘરની ફિલ્મ છે ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 સપ્ટેમ્બર 2025