
ચંદુ મહેરિયા
૨૦૨૦માં તત્કાલીન વન અને પર્યાવરણ મંત્રી બાબુલ સુપ્રિયોએ લોકસભા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ૨૦૧૬થી ૨૦૨૦નાં પાંચ વરસોમાં હાથીઓના હુમલાથી ૨૫૨૯ લોકો માર્યા ગયા હતા. એ જ સમયગાળામાં હિંસક પ્રાણી ગણાતા વાઘના હુમલામાં ૨૦૦ માનવનાં મોત થયાં હતાં! એકવીસમી સદીના બીજા દાયકાના ઉત્તરાર્ધનાં પાંચ વરસોમાં ઓડિશામાં ૪૪૯, પશ્ચિમ બંગાળમાં ૪૩૦, ઝારખંડમાં ૩૮૦, અસમમાં ૩૫૩, છત્તીસગઢમાં ૩૩૫, તમિલનાડુમાં ૨૪૬, કર્ણાટકમાં ૧૫૯, કેરળમાં ૯૩ અને મેઘાલયમાં ૨૫ લોકોનાં મરણ હાથીઓના હુમલામાં થયાં હતાં. ૨૦૧૯થી ૨૦૨૪માં હાથી-માનવ સંઘર્ષના સૌથી વધુ બનાવો પૂર્વી ભારતનાં પાંચ રાજ્યો ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, અસમ અને છત્તીસગઢમાં બન્યા હતા. તેમાં ઓડિશામાં ૬૨૪ અને છત્તીસગઢમાં ૪૭૪ લોકોને હાથીઓએ મોતને ઘાટ ઉતાર્યા હતા. એવું નથી કે આ સંઘર્ષમાં માત્ર માણસો જ મરે છે. ૨૦૧૯થી ૨૪ના પાંચ વરસોમાં ૫૨૮ હાથીઓનાં પણ મોત થયાં હતાં. માનવજનિત કારણોથી હાથીઓનાં થયેલાં મોતમાં ૩૯૨ હાથીઓને તો માણસોએ વીજળીના કરંટથી મારી નાંખ્યા હતા. આ વિગતો પરથી માનવ-હાથી સંઘર્ષની સમસ્યા કેટલી વિકરાળ, ભયાનક અને ગંભીર છે તેનો ખ્યાલ આવે છે અને તત્કાળ ઉકેલની જરૂરિયાત ચીંધે છે.
સંકટગ્રસ્ત કે લુપ્તપ્રાય: થવાની કગાર છે પર છે તેવા જંગલી હાથીની સંખ્યા ભારતમાં ૨૦૧૭માં થયેલી ગણતરી પ્રમાણે ૨૯૯૬૪ હતી, જે વિશ્વના હાથીઓની સંખ્યાના ૬૦ ટકા હતી. ૨૦૨૧-૨૫માં ભારતમાં ૨૨,૪૪૬ હાથી હતા. જે ૨૦૦૭ કરતાં ૨૦ ટકા ઓછા હતા. છેલ્લા સો વરસમાં વિશ્વમાં માણસોની વસ્તી ચાર ગણી વધી છે પણ આફ્રિકન હાથીઓની ૯૦ ટકા તથા એશિયનની ૭૦ ટકા ઘટી છે.
એશિયન હાથીની ભારતીય ઉપપ્રજાતિના જંગલી હાથી બુધ્ધિશાળી, સંવેદનશીલ અને અત્યધિક સામાજિક પ્રાણી છે. તેનું વજન સરેરાશ ૯૦૦ થી ૭૦૦૦ કિ.ગ્રામ અને લંબાઈ ૬ થી ૧૧ ફૂટની હોય છે. માત્ર નર હાથીને જ દાંત કે દંતશૂળ હોય છે. આશરે ૬૦ વરસનું આયુષ્ય ધરાવતા હાથીની ઘ્રાણશક્તિ ખૂબ જ વિકસિત હોય છે. જન્મ સમયે હાથી બાળ (મદનિયું) એક મીટર ઉંચુ અને ૯૦૦ કિલોગ્રામ વજનનું હોય છે. ચારેક વરસ તે માતાના દૂધ પર નભે છે. હાથી મુખ્યત્વે જંગલો અને ઘાસનાં મેદાનોમાં વસે છે અને ઘાસ, પાંદડાં તથા ફળ ખાય છે. એક હાથીનો રોજનો આહાર ૧૦૦ લીટર પાણી સાથે ૧૦૦ થી ૧૫૦ કિ.ગ્રા. છે. આહારની શોધમાં અને તે આરોગવામાં તે દિવસનો ૭૦ થી ૯૦ ટકા હિસ્સો ખર્ચે છે.
હાથીના કુદરતી આવાસો એવા જંગલો નષ્ટ થઈ રહ્યાં છે. હાથીના વિચરણના માર્ગો જે એલિફન્ટ કોરિડોર કહેવાય છે તે અવરોધાતા રહ્યા છે એટલે આહાર અને આવાસની તલાશમાં હાથીઓને મજબૂરીવશ માનવવસ્તીમાં અને તેમના ખેતરોમાં આવવું પડે છે. એટલે માનવી અને હાથી વચ્ચે સંઘર્ષ થઈ રહ્યા છે. પૂર્વે વનવિસ્તાર વિશાળ અને કૃષિ સીમિત હતી એટલે હાથીઓને ખોરાકની શોધમાં ખેતરોમાં આવવું પડતું નહોતું.પરંતુ ખેતી, માનવ વસ્તી અને ખાણોના વિસ્તારથી હાથીના કુદરતી આહારોના વિસ્તારો સંકોચાતા તે લોકવસવાટમાં આવે છે. ભારતના પશ્ચિમ ઘાટમાં ઝુંડમાં રહેવા ટેવાયેલા હાથીઓને જમીનના અન્ય ઉપયોગ અને વિકાસ કામોમાં ચોમેર વૃધ્ધિથી અલગ થવું પડ્યું છે. તે પણ સંઘર્ષનું એક કારણ છે.
માનવ વસ્તીમાં વૃધ્ધિ અને વન્યજીવોના પ્રાકૃતિક આવાસોમાં ઘટાડાની અસર બંને પર પડે છે. આવાસ અને આહારની હાથીઓની શોધ માનવી સાથેના ટકરાવમાં પરિણમે છે. તેનાથી માનવ મોત , ખેતી તથા સંપત્તિને નુકસાન થાય છે. એલિફન્ટ કોરિડોરમાં ઉધ્યોગો આવ્યા છે અને ખનન વધ્યું છે. કોલસા અને બીજા ખનિજોની ધમધમતી ખાણો અને વાહનોના અવાજોથી હાથીને મુશ્કેલીઓ પડે છે. સ્ટોન ક્રશિંગ અને ખાણોમાં બ્લાસ્ટિંગથી પણ હાથી માનવ પર હુમલા કરે છે.
બીજી તરફ લોકો હાથીથી તેમની ખેતી બચાવવા કે તેમના પર અને તેમનાં ઘરો પરના હુમલાથી બચવા હાથી પર હુમલા કરે છે. ખેતરો પર વીજ કરંટ , હાથીના ઝુંડને ભગાડવા મશાલો લઈને જવું કે જંગલમાં આગ લગાડવી, હાથીઓને ઝેર આપવું, હાથી દાંત માટે નર હાથીનો શિકાર કરવો, બદલાની ભાવનાથી હત્યા કરવી જેવા કારણોથી હાથીઓને મારી નાંખે છે.
ઓડિશા, અસમ અને બીજાં રાજ્યોના આદિવાસીઓને હાથીઓના હુમલાથી સવિશેષ સહન કરવું પડે છે.જ્યારે ચાના બગીચા કે ખેતરોમાં મજૂરીથી તેમનું દળદર ફીટતું નથી ત્યારે તે ગામમાં પાછા ફરી ખેતી કરે છે. પરંતુ તેમની ટૂંકી ખેતી જંગલમાં કે જંગલને અડીને આવેલી હોય તેમના પાક હાથી ખાઈ જાય છે. વન પેદાશો અને લાકડા માટે આદિવાસીઓ જંગલ પર આધારિત છે.પરંતુ મહુડાની સીઝનમાં પણ તે હાથીના ડરે જંગલમાં જઈ શકતા નથી. એકલા છત્તીસગઢમાં પાકને નુકસાન થયાની ૬૦,૦૦૦ ઘટનાઓ નોંધાઈ છે. સરકારી વળતર મળે નહીં તો ગરીબો કરે શું? એટલે માનવ-હાથી સંઘર્ષ વધતો રહે છે.
હાથી સંરક્ષણ માટે કાયદાકીય જોગવાઈઓ છે. વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ હેઠળ હાથીના શિકાર અને વ્યાપાર પર પ્રતિબંધ છે. ભારત સરકારે હાથીને રાષ્ટ્રીય પશુ વારસો ગણ્યો છે, પરંતુ આપણી વિકાસ યોજનાઓના ઘડતરમાં હાથી સહિતના વન્ય પશુઓ પર પડનારી અસરો અને તેનાથી લોકો સાથેના ટકરાવનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી. દેશમાં ૩૩ જેટલા હાથી અભયારણ્યો અને ૧૫૦ એલિફન્ટ કોરિડોર હોવાનો સરકારનો દાવો છે. હાથી સંરક્ષણ પ્રોજેકટ અને ગજ સુરક્ષા , જનસુરક્ષા જેવી યોજનાઓ ઘડી છે. વન વિભાગ ડ્રોન અને રેપિડ રિસ્પોન્સ સ્કીમ દ્વારા જંગલમાં હાથીઓનાં ઝુંડ આવ્યાની જાણકારી મેળવી લાઉડસ્પીકર દ્વારા લોકોને જંગલમાં ન જવા ચેતવે છે, પરંતુ આ પૂરતું નથી.
હાથી ઉપયોગી પ્રાણી છે. તેનું ધાર્મિક મહત્વ તો છે જ, પરંતુ તે જે ઝાડના પાંદડાં , ડાળાં , ફળ ખાય છે અને નીચે ફેંકે છે તે અન્ય નાના વન્ય જીવોનો ખોરાક બને છે. તેના મળનો પણ જંગલમાં ખપ છે. તે ઝાડના પાંદડા તોડે છે કે ફળો ખાય છે ત્યારે બાકીના બીજ જમીન પર પડે છે અને તે આપમેળે અંકુરિત થાય છે. એટલે હાથીનો નાશ કે ઘટાડો પાલવે તેવો નથી.
માનવ-હાથી સંઘર્ષ નિવારણનાં કાયમી અને ઠોસ પગલાં વિચારવાની જરૂર છે. હાથી માટે જંગલોનું બચવું જરૂરી છે. કાયદેસર અને ગેરકાયદે ખનન તેના વિચરણ માર્ગોને બાધિત ન કરે તે જોવું જોઈએ. હાથીઓ માટે જંગલનો વિસ્તાર બચાવવો જેટલો જરૂરી છે એટલો જ હાથીઓનું પસંદગીનું જંગલ વિકસિત કરવાની પણ જરૂર છે કે જ્યાં તેને ખોરાક અને પાણી મળી રહે. ખેતરોમાં ઉગેલો પાક હાથી ખાઈ ન જાય એટલે લોકો ખેતરોની વાડ પર વીજળીનો કરંટ ઉતારે છે. તેનાથી હાથી પ્રવેશી શકતા નથી અને પ્રયત્ન કરે તો વીજળીના કરંટથી મરી જાય છે.તેથી ખેતરોની વાડ પર સોલાર ફેન્સિંગ કરવા વિચારી શકાય. જંગલની નજીકના ખેતરોમાં હાથીઓનો ખોરાક ન બની શકે તેવા પાક (દાત.મરચાં) ઉગાડવા જોઈએ. જો હાથીને જંગલોમાં પૂરતો આહાર અને પાણી મળી રહે તો કદાચ તે માનવ વસ્તીમાં ન આવે એટલે અનાજ જેવા પોષ્ટિક અને ઉર્જાદાયક વાંસનું રોપણ જંગલોમાં થવું જોઈએ. રેલવે અને સડકોનું નિર્માણ હાથીઓને અગવડ પડે તે પ્રકારે ન થવું જોઈએ.
હાથી અને માનવી વચ્ચેનો ભૌગોલિક અલગાવ વ્યવહારુ નથી. માનવ અને હાથીનું સહઅસ્તિત્વ સૈકાઓથી રહ્યું છે. કથિત વિકાસે તેને અવરોધ્યું છે .એટલે તે અવરોધ શક્ય એટલો ઘટાડવાની આવશ્યકતા છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()




હવે ‘જીવનનું પરોઢ’ વિશે. આ પુસ્તક પ્રથમ વાર 1948માં નવજીવન દ્વારા પ્રકાશિત થયું હતું. જો કે પુસ્તક પ્રકાશિત થયું તે અગાઉ 25 વર્ષ અગાઉ સાબરમતી આશ્રમ અંતર્ગત ચાલતી રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓનું ‘મધપૂડો’ નામનું એક હસ્તલિખિત માસિક ચાલતું હતું – તેમાં સૌથી પહેલાં ‘જીવનનું પરોઢ’ના પ્રકરણ પ્રકાશિત થયા હતા. તે વખતે તેના વાચકોમાં મહદંશે સાબરમતી આશ્રમના નિવાસીઓ હતા; પરંતુ આ પ્રકરણો એટલાં રસાળ શૈલીમાં લખાયા કે તે પછી તેને પુસ્તક તરીકે પ્રકાશિત કરવાનો વિચાર સાકાર થયો. પ્રભુદાસ ગાંધીએ જ્યારે આ પ્રકરણો લખ્યાં ત્યારે તેમની ઉંમર 12 વર્ષની હતી. તેમણે આમાં દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ આશ્રમના અનુભવો અને આફ્રિકામાં સત્યાગ્રહ ચાલતાં ત્યારે તેની ચહલપહલ આશ્રમમાં કેવી હતી તે પણ આલેખ્યું છે. આ પ્રકરણો ‘મધપૂડો’માં લખાયા ત્યારે ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ લખ્યો નહોતો, તેથી સાબરમતી આશ્રમના નિવાસીઓ અને દક્ષિણ આફ્રિકાથી ગાંધી સાથે પાછા ફરનારા ફિનિક્સવાસીઓને પણ પ્રભુદાસ ગાંધીનું આ લખાણ વાંચવું ખૂબ ગમ્યું.
કાકાસાહેબે પ્રભુદાસ ગાંધીના વ્યક્તિત્વ વિશે પ્રસ્તાવનામાં ઘણી વાતો લખી છે. સાહિત્યની દૃષ્ટિએ આટલું ઉત્તમ પુસ્તક લખનારા પ્રભુદાસ ગાંધી વિશે કાકા લખે છે : ‘છેક નાનપણથી પ્રભુદાસને કહેવામાં આવ્યું હતું કે ‘એ ઠોઠ છે. જરા ય કશી હોશિયારી એનામાં નથી? દેવદાસ જેટલી હોશિયારી પ્રભુદાસમાં, ભલે ન હોય, નાના કચા (કૃષ્ણદાસ) [પ્રભુદાસના ભાઈ] જેટલી ચતુરાઈ પણ એનામાં ન હોય, પણ મેં તો એને બુદ્ધિ વગરનો જોયો કે માન્યો નથી. પણ ઘરના મુરબ્બીઓએ, ભલે અત્યંત સદ્બુદ્ધિથી પણ એનામાં જે आत्मनि अप्रत्यय ઠોકી બેસાડ્યો તે એના સ્વભાવનું એક અંગ જ બની ગયું અને વિદ્યાનિષ્ઠા, કર્મનિષ્ઠા, ધ્યેયનિષ્ઠા ઇ. સમર્થ સદ્દગુણો એની પાસે હોવા છતાં એક આત્મવિશ્વાસને અભાવે એની આખી કારકિર્દી જાણે કરમાઈ ગઈ.’
‘જીવનનું પરોઢ’ ચાર ભાગમાં લખાયેલું છે. તેના ત્રણ ભાગમાં 21 પ્રકરણ છે અને આખરના ભાગમાં 20 પ્રકરણ છે. પુસ્તકના પરિશિષ્ટોમાં ગાંધીજીના પોરબંદરના ઘરનું આલેખન છે. સંભવત્ ગાંધીજીના પોરબંદરના ઘરનું આવું શબ્દચિત્ર ક્યાં ય મળતું નથી. પુસ્તકમાંથી પસાર થઈએ ત્યારે આફ્રિકાનો એ હિસ્સો જ્યાં ગાંધીજીનો ફિનિક્સ આશ્રમ હતો તે ધીરે ધીરે પ્રભુદાસ ગાંધીના શબ્દ થકી આપણી આંખ સમક્ષ ખડો થાય છે. ફિનિક્સની અસંખ્ય ઘટનાઓ એવી છે – જેની નોંધ આ પુસ્તકમાં જ મળે છે. ગાંધીજીએ પણ ‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ’માં ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને લોકોનું વર્ણન બખૂબી કર્યું છે, પરંતુ પ્રભુદાસ ગાંધીએ તે વર્ણન વધુ વિસ્તારથી અને રસપૂર્વક કર્યું છે. અહીં પ્રભુદાસ ગાંધીના થોડાંક શબ્દો ન મૂકીએ તો આ લેખની અધૂરપ છતિ થશે. ‘કુદરતના ખોળે’ પ્રકરણમાં પ્રભુદાસ લખે છે : ‘કુદરત અને માતાનો એ સ્વભાવ જ છે કે તમે ભલે એની કિંમત ન સમજતા હો પણ એ તો તમને પોતાના અમીરસથી નવડાવ્યે જ રાખે. ફીનિક્સમાં જ્યારે અમે એકલા પડ્યા. અમારાં માબાપ ને બાપુજી જેલ ગયાં અને મગનકાકા છાપખાનામાં ગોંધાઈ ગયા ત્યારે એ સૂના જંગલમાં કુદરત સાથેની અમારી દોસ્તી વધી ગઈ. કોઈ કોઈ વાર તો એ અમને ખૂબ રમાડતી. અનેરાં પંખીઓના ટહુકા ભેગો સાદ પુરવવામાં ને તેમની સાથે એકલાં એકલાં ગપ્પાં મારવામાં મને એટલી બધી મજા આવતી કે કલાકોના કલાકો સુધી હું પંખીગીત સાંભળતો અને કોઈક વાર એમાં ઝીણો સાદ પુરાવતો બેસી રહેતો.’