અમદાવાદમાં દલિત કર્મશીલ ભાનુભાઈ પરમાર દ્વારા લિખિત પુસ્તિકા ‘હિન્દુત્વ: અલગાવવાદનો પ્રેરક વિચાર’ના વિમોચન પ્રસંગે આપેલા વ્યાખ્યાનના મુખ્ય મુદ્દા :
[1] આશરે 300 વર્ષથી મનુષ્યની જીવન જીવવાની પદ્ધતિ બદલાઈ ગઈ. ખેતી હવે મુખ્ય વ્યવસાય નથી અને રાજશાહી નથી. એટલે ધર્મપુસ્તકોમાં મનુષ્યે કેવી રીતે જીવવું તેને વિશે જે કંઈ લખવામાં આવ્યું છે તે બધું નકામું થઈ ગયું છે. એમાં સત્ય, દયા, કરુણા, અહિંસા જેવાં શાશ્વત મૂલ્યો જ મહત્ત્વનાં છે, બીજું કશું નહીં. કેટલી ઉંમરે લગ્ન કરવાનું, કેટલાં લગ્ન કરવાં વગરે જેવી અનેક બાબતો વિશે ધર્મનું માર્ગદર્શન હાલ ચાલી શકે નહીં.
[2] આધુનિક રાજ્યનો આધાર ધર્મ હોઈ શકે નહીં. હિન્દુત્વ ધર્મને રાજ્યનો આધાર બનાવીને હિન્દુરાષ્ટ્રની રચના કરવા માગે છે, માટે એ પછાત ખ્યાલ છે. હિન્દુત્વ આધુનિક નથી, પણ સાધુનિક છે.
[3] હિન્દુ ધર્મનાં વિચારો અને દર્શન મોટે ભાગે ઉચ્ચ રહ્યાં છે. પણ ઐતિહાસિક રીતે હિન્દુઓનો વ્યવહાર કનિષ્ઠ રહ્યો છે. મૂળભૂત રીતે એ અસમાનતા પર આધાર રાખે છે અને એને પોષે છે.

[4] હિન્દુત્વ એ એક રાજકીય વિભાવના છે અને એ ખતરનાક છે કારણ કે તેમાં દેશમાં રહેતા બધા લોકોનો સમાનતાના ધોરણે સમાવેશ થતો નથી. અમુક લોકોની બાદબાકી એ અસમાનતા છે. હિન્દુત્વ સૌના નહીં પણ અમુક લોકોના જ અધિકારોને મહત્ત્વના ગણે છે અને એમને માન્ય રાખે છે.
[5] રાજ્યનું કામ મનુષ્યના ભૌતિક કલ્યાણનું છે; ઇશ્વર, અલ્લાહ કે ગોડ જેવા ભગવાનો સાથે એને કશી લેવાદેવા નથી. આ વિચાર આધુનિક છે, માંડ પાંચસો વર્ષ પહેલાંનો છે. જો રાજ્ય ધર્મમાં પડે તો રાજ્ય, લોકોનું કલ્યાણ કરવાનું એનું મૂળ કામ ભૂલી જાય છે એમ કહેવાય.
[6] કોઈ પણ ધર્મ આધુનિક લોકશાહીની વાત કરતો નથી. ધર્મને અને લોકશાહીને સહેજે બનતું નથી, બનવાનું પણ નથી. એનું કારણ એ છે કે ધર્મને ભક્તિ સાથે સંબંધ છે અને લોકશાહીમાં કોઈની ભક્તિ થાય જ નહીં.
[7] હિન્દુત્વ અલગાવવાદ પેદા કરે છે, એ એક હકીકત છે. ‘અમે અને તમે’ની વિભાવના પર હિન્દુત્વ ઊભેલું છે અને એમાં ‘તમે’ સામે ધિક્કાર છે, નફરત છે. નફરત એ રાજકીય હિન્દુત્વનો શ્વાસ છે, એના વિના એ જીવી શકે જ નહીં.
[8] હિન્દુત્વમાં માત્ર મુસ્લિમો પ્રત્યે જ નફરતની દૃષ્ટિ છે એવું નથી. એમાં તો સ્વતંત્ર રીતે એનાથી વિરોધી વિચાર કરનાર દરેક પ્રત્યે નફરતની દૃષ્ટિથી જોવામાં આવે છે. એટલે જ વિરોધી દરેક વ્યક્તિ દેશદ્રોહી અને અર્બન નક્સલ બની જાય છે. એને માટે આજે નહીં તો કાલે, કોઈક દુ:શ્મન હોવો જરૂરી છે.
[9] ભારતના બંધારણમાં સમાનતા, ન્યાય, સ્વતંત્રતા, બંધુતા અને વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી જેવા આદર્શો લખેલા છે. તે ચરિતાર્થ થવાનું હિન્દુ રાષ્ટ્રમાં શક્ય છે જ નહિ. કારણ કે તે લોકશાહીથી તદ્દન વિરોધી વિચાર છે. હિન્દુત્વ એ રાજાશાહી અને તાનાશાહીના ખોળામાં બેઠેલો ખ્યાલ છે. અને માટે જ લોકશાહીના ચાહકોએ એની સામે લડવાની જરૂર છે.
[10] લોકશાહી એક વ્યક્તિ, એક મત અને એક મૂલ્યના સિદ્ધાંત પર આધારિત છે. હિન્દુત્વમાં માત્ર શાસકોનું જ મૂલ્ય છે. આપણે બંધારણ થકી પ્રજામાંથી નાગરિક થયા. હવે હિન્દુત્વ ઘડિયાળના કાંટા પાછા ફેરવીને આપણને નાગરિકમાંથી વળી પાછા પ્રજા બનાવવા માગે છે. માટે એ ખ્યાલથી ચેતતા રહેવું અનિવાર્ય છે.
[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ]
1 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



