આ સ્થાને સ્ફુલ્લિન્ગ શીર્ષક હેઠળ વિચારવિષયક તણખા મૂકવાનું આયોજન છે.
જાણીતું છે કે વિદ્વત્તાયુક્ત સમીક્ષા કે વિવેચના કરવી હોય તો કોઈપણ textનું સઘન વાચન – close reading – કરવું અનિવાર્ય છે. સમીક્ષક કૃતિના સઘન વાચન પછી તેનું વિવરણ અર્થઘટન અને મૂલ્યાંકન કરતો હોય છે.
ત્યારે એ પોતાની સહજસ્ફુરણા એટલે કે intuitionમાં વિશ્વાસ નથી રાખતો;
ત્યારે એ ગુરુ કે વડીલના અભિપ્રાયને એટલે કે આપ્તજનવાક્યને નથી અનુસરતો. જ્ઞાનસમ્પાદનની એવી કોઈપણ રીતભાતની જે મર્યાદાઓ છે તેનું એને ભાન હોય છે.
ખરેખર તો એ એક વૈજ્ઞાનિક અભિગમ ધરાવતો હોય છે, જેનું મુખ્ય લક્ષણ વસ્તુલક્ષીતા – objectivity – છે.
પરિણામે સમીક્ષા કે વિવેચના સંતુલિત અને શુદ્ધ રહી શકે છે,
સાહિત્યવિચારનો સાચી દિશામાં વિકાસ થાય છે.
પરન્તુ,
આજકાલ સઘન વાચન થાય છે કે લોકો ગગડાવી જાય છે?
આજકાલ objectivity નહીં પણ subjectivity જોવા મળે છે — મારાતારાવાદ;
એ થોડાકને દેખાય છે, પણ સૌને દેખાય છે?
= = =
ટીકાટિપ્પણી કરવાની બે પદ્ધતિઓ છે :
૧
બાંધેભારે કે મભમમાં લખી શકાય, જેમ કે —
“આજકાલ ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.”
આ વિધાન સામ્પ્રતના એક સર્વસામાન્ય વલણને વ્યક્ત કરે છે. વલણો લઢણો કે મર્યાદાઓની એક સર્વસાધારણ – general – ટીકા કરવા માટે આ પદ્ધતિ યોગ્ય છે.
પણ બે મુદ્દા ઊભા થશે:
એક એ કે એ વિધાન કરનાર પાસે ડેટા છે કે માત્ર કલ્પના કરીને કહે છે? કેટલા સાહિત્યકારોના દાખલાની ભૂમિકાએ એવું વિધાન કરે છે? નહિતર, એ વિધાન દુ:ખદ બની રહેશે, કેમ કે આજકાલ ‘બધા’ સાહિત્યકારો એમ નથી કરતા, આદર્શોને વળગી રહી કામ કરનારા પણ ઘણા છે.
બીજો મુદ્દો એ કે વિધાન સૌ સાહિત્યકારો વિશે છે તેથી વ્યાપક છે અને તેથી અતાર્કિક છે. વ્યવહારમાં વાતોચીતો ચાલતી હોય ત્યારે આપણે અતાર્કિક હોઈ શકીએ, પણ સાહિત્યલેખનમાં એમ ન ચાલી શકે. તાર્કિક વિધાન આ હોઈ શકે:
“આજકાલ કેટલાક ગુજરાતી સાહિત્યકારો સાહિત્યના આદર્શોને નેવે મેલીને પોતાને જે સૂઝે તે લખ્યા કરે છે.”
‘કેટલાક’ શબ્દ ઉમેરવાથી વિધાન અ-વ્યાપક થઈ જાય અને દુ:ખદ નીવડવાને બદલે વિચારપ્રેરક બને.
૨
ટીકા કરવાની બીજી રીત છે કે બાંધેભારે કે મભમમાં ન લખવું, સ્પષ્ટપણે અને નામોલ્લેખ સહિત લખવું. જેમ કે, લખી શકાય —
“કાકાસાહેબના નિબન્ધોથી સુરેશ જોષીના નિબન્ધો ચડિયાતા કે ઊતરતા નથી, પણ જુદા છે.”
“ગોવર્ધનરામનું ગદ્ય ઘણે અંશે સહજ છે, પણ કેટલેક સ્થાને સાયાસ છે.”
૩
“સુમન શાહના સિદ્ધાન્તલેખો અઘરા પડે છે પણ એમની વાતો અને વાર્તાઓમાં સરળતા છે.”
અલબત્ત, આવાં વિધાનો પણ ડેટા, તર્ક અને સિદ્ધાન્તની ભૂમિકા વિનાનાં હશે તો વિખવાદ સરજશે.
ટીકાટિપ્પણી સાહિત્યહેતુથી નહીં પણ સનસનાટી કે ઉશ્કેરણીના હેતુથી હોય ત્યારે જો સાવધાની નહીં હોય, તો વિધાનો બૂમરૅન્ગ નીવડશે. એ વિધાનકર્તાને કોઈ કહેશે કે – તમે પણ વસ્તુલક્ષી આદર્શોને નેવે મેલીને લખો છો. સરવાળે, અતાર્કિકતાથી અતાર્કિકતા ફેલાયા કરશે, વાત ત્યાંની ત્યાં રહેશે.
= આજે આપણને કઇ પદ્ધતિની ટીકાટિપ્પણી જોવા મળે છે? પહેલી પદ્ધતિની કે બીજી?
= નથી લાગતું કે અતાર્કિકતાને કારણે સામ્પ્રતમાં સાહિત્યવિચાર જેવું કશું છે જ નહીં?
= = =
સ્ફુલ્લિન્ગ (3) Buzzword
[ આ લેખો વાંચીને કેટલાક અધ્યેતાઓ એવા મુદ્દાઓ વિશે એવું લેખન કરવા કહે છે, જે એમના અધ્યયનમાં સીધું ઉપકારક નીવડે. એમનું એ કહેણ મને ગમ્યું છે. આજનો લેખ, આધુનિક સાહિત્યના એક પ્રમુખ લક્ષણ પર પ્રકાશ પાડે છે. ]
આધુનિક સાહિત્યની મોટામાં મોટી ઓળખ છે, સાતત્યભંગ અથવા વિચ્છેદ – discontinuity.
આધુનિક શબ્દ ‘અધુના’ પરથી છે. ‘અધુના’ ફરતું ફરતું ગુજરાતીમાં ‘હમણાં’ થઈ ગયું છે, એવું વ્યુત્પત્તિશાસ્ત્રીઓ કહે છે. આધુનિક એટલે ‘હમણાંનું’ સાહિત્ય એમ કહેવાય, પણ થોડું બાલિશ લાગે. આધુનિક એટલે ‘આજનું’ કહીએ તો પણ, ઠીકઠાક કહેવાય. ‘વર્તમાન સમયનું’ કે ‘નવ્ય’ કહીએ તો જરા સારું લાગવા માંડે. પણ ‘અપૂર્વ’ કહીએ તો લાગે કે એકદમ બરાબર છે. પૂર્વે – પહેલાં – હતું તેવું નહીં, તે અ-પૂર્વ. પણ અ-પૂર્વ એ કારણે કે એણે ભૂતકાળ સાથે કશો સમ્બન્ધ નથી રાખ્યો, છેડો ફાડી નાખ્યો છે – એથી એ છેદાયેલું એટલે કે વિચ્છિન્ન છે.
ગુજરાતમાં સ્ત્રીઓએ સાડી પ્હૅરવાનું છોડી દીધું. વાળ છૂટ્ટા રાખવા લાગી. વાળ કપાવા લાગી. ટીશર્ટ-જીન્સ પ્હૅરવા લાગી. એમ એ વર્તન અપૂર્વથી અપૂર્વ થવા માંડેલું. એથી ગુજરાતી સ્ત્રીઓ આધુનિક દેખાય છે. પુરુષોએ ધોતી ઝભ્ભો ટોપીને તિલાંજલિ આપી, ખમીસ-પાટલૂન પ્હૅરતા થયા, દાઢી વધારતા થયા. આપણા કેટલાકને તો એમ જ થઈ ગયું કે દાઢી વધારીએ એટલે કવિ લાગીએ. ગણી કાઢો કે વર્તમાનમાં દાઢીવાળા કવિઓ કેટલા છે. ભૂતકાળની રીતરસમો નીતિમત્તા આદર્શો મૂલ્યો સાથે વિચ્છેદ આધુનિકતાની જન્મભૂમિ છે.
સાહિત્યમાં, અનેક કવિઓએ છન્દ છોડીને કાવ્યો કર્યાં જેને ‘અછાન્દસ’ કાવ્ય કહીએ છીએ. કેટલાકોએ ગીત જેવી સદીઓ પુરાણી પણ નાજુક ચીજને ય આધુનિક કરી પાડી. ઘણા વાર્તાકારોએ ઘટનાનાં અન્ત:સ્તરોમાં ખાંખાંખોળાં કર્યાં, વર્ણનોમાં કલ્પન-પ્રતીકો રસ્યાં. ‘નિ’ એટલે વિચાર અને તેનો બન્ધ એટલે નિબન્ધ. પણ આધુનિકતામાં ‘નિ’ ગૌણ થઈ ગયો, કેટલા ય નિબન્ધકારો ‘સર્જકતા’ કહેવાતી વસ્તુને ખીલવવા લાગ્યા. મોટા ભાગના વિવેચકો નિર્ભીક થઈ ગયા અને પરમ્પરાની બેધડક ટીકા કરવા લાગ્યા. કહી શકાયેલું કે ‘ઉમાશંકરના છન્દ કાચા છે.’ સાહિત્યિક ભૂતકાળ સાથેનો આ વિચ્છેદ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અનોખો હતો. આમાં સાગમટે સૂચન એ હોય છે કે ભૂતકાળને આધારસ્રોત ન ગણો.
Discontinuity શબ્દ પ્રયોજનાર છે, અમેરિકન વિદ્વાન મૉનરો સ્પીયર્સ (1916-1998). ઇહાબ હસન (1925- 2015) નામના વિદ્વાને આધુનિકતાવાદના અધ્યયનમાં એ પ્રયોગને વિકસાવ્યો; મૂળે ઇજિપ્તના પણ અમેરિકામાં પ્રોફેસર હતા. જ્યારે જ્યારે આધુનિકતાની વાત આવે ત્યારે ત્યારે વિદ્વાનો આ પ્રયોગનો વિનિયોગ કરે છે, એ રણકતો શબ્દ છે.
રણકતા શબ્દને buzzword કહેવાય છે. એ એક ફૅશનેબલ વિભાવ હોય છે. એથી સાહિત્યચર્ચાઓમાં પ્રાણ ભળે છે, લાગે કે સાહિત્યકારોમાં ય પ્રાણ છે. આધુનિક ગુજરાતી સાહિત્યમાં ‘આકાર’ અથવા ‘રૂપનિર્મિતિ’ તેમ જ ‘ઘટનાતત્ત્વનો હ્રાસ” બઝવર્ડ હતા.
સામ્પ્રત ગુજરાતી સાહિત્યમાં એક પણ બઝવર્ડ નથી, બધા જીવન્ત નથી એમ નથી પણ ઊંઘી ગયા છે. એ વિચારશૂન્યતા નામની ઊંઘ છે. મનીષીઓ ઊંઘને હંગામી મૃત્યુ કહે છે.
= = =
(091125 – 101225A’bad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()




