આ અધ ખીલ્યાં, ફૂલ પર !
ઉભડક બેઠું, પતંગિયું !
ગર્વથી બોલ્યું ફૂલને,
તું કેવું સ્થિર, એક સ્થળે !
ને હું તો ! અહીંથી તહીં
કંઈ કેટલાં ય, બાગો મહીં,
સહેજ હસી ફૂલ ફોર્યું
જોજે ને, જ્યાં તું, ત્યાં હું !
ઉડી ગયું પતંગિયું !
જઈ બેઠું વાડનાં છેવાડે,
ઓ ફૂલ, તું અહીં ક્યાંથી ?
હું તો એની મહેંક!
જ્યાં તું, ત્યાં હું !
મલયના અણસારે, અણસારે !
વગર પાંખે ઊંચે આકાશે;
ઘડીક, માનવીના અને તારાં
શ્વાસે શ્વાસે મહેંકું ! હું ફોરમ !
બોસ્ટન, ૫-૫-૨૦૨૩
e.mail : inamdarvasudha@gmail.com
![]()



ઘરેથી કહી રાખ્યું હોય કે કોઈને વાંસો આવે તો વાળ ખોલી નાખવા. માએ કરેલી ભોઈમાની કેવી કેવી અદ્દભુત વાતો અત્યારે યાદ આવે છે. ખેર બાળકોને તો સૌથી વધુ રસ પ્રસાદમાં હોય. થાળ પણ અમે જ ગાઈએ ને પ્રસાદ પણ અમે જ વહેંચીએ. કોઈ ટેપ કે કેસેટ તો હોય નહીં , ગરબા અમારે જ ગાવાના. કેટલા ગરબા યાદ હતા એની યાદી બહુ લાંબી થાય. અમે બે ત્રણ જણ ગાઈએ ને બાકીના ઝીલાવે. ડોસીમાઓ સાથે બેઠા ગરબા ગાઈએ ને પછી વગર ઢોલે કેવળ તાળીઓના તાલે ગરબા પણ રમીએ. ‘અંબા અભય પદદાયિની રે ..’ મારો પ્રિયમાં પ્રિય ગરબો. બાલમંદિરના એક બહેન બહુ મધુર કંઠે ગરબા ગાતાં. એમની પાસેથી એ ગરબો સાંભળી સાંભળીને હું શીખેલો. એમાં ‘અંબા હિંડોળેથી ઉતર્યા રે, સિંહે થયા અસવાર ભીડભંજની, ‘હેમ હિંડોળે હિંચકે રે,’ ‘ભક્ત કરે છે પોકાર’, આ બધું આંખ સામે દેખાય. માતાજી જે રીતે ભક્તને ઉગારે એ સાંભળી, જોઈ આંખ ભીંની થાય. પીરાનપીરની વાર્તામાં પણ તેઓ વહાણ ઉગારી કિનારે લાવતા. માતાજી ને પીરાનપીર કોઈ જુદા તત્ત્વો છે એવું ક્યારે ય યાદે નહોતું આવતું, આજે ય નથી આવતું.