લગભગ બે દાયકા પછી, ગયા મહિને, ‘દર્શક’ના દેશમાં અણધાર્યા મળી આવેલા શિક્ષક વશરામભાઈ. થોડાં વર્ષો પહેલા તેમના વિષે લખેલ એક નાનકડી પોસ્ટ –

વશરામભાઈ બારડ અને રીતિબહેન શાહ
આજે આમ તો નથી ગુરુપૂર્ણિમા કે નથી શિક્ષકનો જન્મદિવસ પણ જે શિક્ષકે આપણાં ઘડાતા કિશોર મનને બંધિયાર પાઠ્યપુસ્તકની દુનિયા બહારના વિશાળ જગત વિષે વિચારતું કર્યું હોય તેમની વાત માંડવા શું ગુરુપૂર્ણિમા કે શિક્ષક દિવસની રાહ જોવી પડે?
સમયના પ્રવાહમા ભૂલાઇ ગયેલા, સુષુપ્ત થઈ ગયેલા, અનેક સંબંધો ફેસબુકે પુન:જીવિત કરી આપ્યા. તેમાંના એક તે મારા શાળા જીવનના શિક્ષક વશરામભાઈ બારડ. આ શિક્ષક સાવ ભૂલાઇ ગયેલા એમ તો કેમ કહેવાય? સાઉથ દેલ્હીમાં જે.એન.યુ.ની પડખે મુનિરકાની અગાશીમાં ઘર માંડ્યું, ત્યારે મનમાં વશરામભાઈ સાથેના સહેજે દસ-બાર વર્ષ પૂર્વે કરેલા કુલુમનાલી પ્રવાસના દિવસો રમતા હતા. માત્ર પ્રવાસમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરવાથી જીવનનો આનંદ-મજા કઇંક નોખો જ અનુભવાય તેવા બીજ તે પ્રવાસે રોપ્યા હતા.
અમદાવાદની જાણીતી શાળા શારદામંદિરના ગણિત અને વિજ્ઞાનના તે શિક્ષક. વિશાળ વાંચન ધરાવતા સાહેબના મનનો કબજો લીધો હતો. તે દિવસોમાં લીધો હતો “ઝેર તો પીધા છે જાણી જાણી”ના ગોપાળબાપાએ. તે ભૂગોળ કે ગુજરાતીના શિક્ષક તરીકે પણ ચોક્કસ સફળ થયા હોત તેમ હું ખાતરીપૂર્વક કહી શકું. વિષય તો ગમે તે હોય, સ્થળ પણ ગમે તે હોય, શાળાની ચાર દીવાલો વચ્ચેનો ઓરડો કે પછી હિમાલયના પહાડો, સારા નાગરિકોનો ફાલ ઉતરે એવી એમની અભિલાષા. તે માટે સતત પ્રયત્નશીલ. ખૂબ ઉત્સાહી શિક્ષક. હિમાલય ટ્રેકિંગ જેટલો જ ઉત્સાહ વર્ગખંડમાં પણ છલકાય, ગણિત- વિજ્ઞાનથી ભાગતા વિદ્યાર્થીઓને પણ ઉત્સુક્તાથી વશરામભાઈના તાસની પ્રતિક્ષા કરવી ગમે. એક વખત તેમણે વર્ગમાં ભણાવતી વખતે કહ્યું હતું કે જેને ગણિત આવડે છે તે જીવનમાં ક્યારે ય પાછો પડતો નથી. ગમે તેવી મુશ્કેલીમાથી જીવનમાં રસ્તો કરી લે છે. તે પછી મેં ગણિતમાં વિશેષ રસ લેવાનો શરૂ કરેલો, કોયડા ઉકેલતા આવતા બગાસા ગાયબ થવા લાગેલા અને ગણિતમાં મજા આવવા લાગેલી. આમ તેમના એ વિધાને તે વર્ષોમાં તો સારી અસર કરેલી, પણ આજે જિંદગીના ચોથા દાયકે પણ આ વિધાન સાબિત કરવા અસમર્થ છું. ગણિતના દાખલાથી વિશેષ તો એ ઉગતા વિદ્યાર્થી મનના કોયડા ઉકેલી જાણતા. કિશોર મનની સાયકોલોજી પર જબરી પકડ હતી તેમની. વિદ્યાર્થીઓની નિબંધની નોટો પણ ફ્રી પિરિયડમાં વાંચતાં એવું આછું-આછું યાદ આવે છે.
1993માં સત્તર-અઢારની ઊગતી ઉમરે, અમે દસ-બાર વિદ્યાર્થીઓએ તેમની અને મંજુબહેન (ગુરુપત્ની) સાથે કુલૂમનાલી ટ્રેકિંગનો આનંદ લીધો હતો. ટ્રેકિંગમાં પણ ટંકે-ટંકે ચટાકેદાર ખાવાની માંગણી કરતાં આગળની બેચના વિદ્યાર્થીઓની વાત કરતા તેમના ચહેરા પર સ્પષ્ટ નારાજગી વંચાતી. ગાડી-બંગલાધારી શેઠિયાઓનાં સંતાનો સાથે તેમની easy going મની મેંટાલિટી અંગે મિત્રવત ચર્ચા કરતાં. દસ-બાર દિવસ તેમની સાથે પહાડોમાં ગાળ્યા પછી ચંડીગઢ-દેલ્હી આવતા અમે મિત્રો એકબીજાને કહેતા થયેલા “પછી અમદાવાદ જઈને છરી-કાંટાથી ખાજે, અત્યારે તો નિરાંતે હાથથી ઝાપટ”. માત્ર પહાડોમાં જ નહીં પણ રોજિંદા જીવનમાં પણ જરૂરિયાતો ઓછી કરીને કેવું સુંદર જીવન માણી શકાય તેવી તેમની ફિલોસોફીએ મારા કિશોર મન પર તે દિવસોમાં ઠીક-ઠીક અસર જમાવેલી. અમદાવાદ સ્ટેશન આવતાં જ કુલી કરતાં વિદ્યાર્થીઓને તેમણે ટપારેલા.
ટાપટીપ માટે અતિ સજાગ છોકરીઓને ગુરુપત્ની કહેતાં “સાહેબ (વશરામભાઇ) હંમેશાં કહે છે જે ઓળખે છે એ આપણને ઓળખે છે અને જે નથી ઓળખાતા તે નથી ઓળખાતા. માટે બાહ્ય દેખાવ અંગે બહુ ચિંતા કરવી નહીં.”
બુદ્ધિવિલાસથી પ્રયત્નપૂર્વક દૂર રહેતા, સાહેબ અર્થપૂર્ણ જીવન જીવાય તે માટે સજાગ છે. ખૂબ ચીવટથી પુસ્તકોની પસંદગી કરતા. સાહેબ અત્યારે નવરાશની પળોમાં સૂફી, ઝેન, તિબેટિયન સંસ્કૃતિ વિષે વિશેષ જાણવા ઉત્સુક રહે છે. ગતિશીલ છે. એટલે જ કોઈ ફિલોસોફર કે વિચારધારાથી પ્રભાવિત થયા પછી મુક્ત પણ થઈ શકે છે.
એક સાધારણ શિક્ષક તરીકે પોતાની ઓળખ આપતા વશરામભાઈએ કાચા કિશોર-કિશરોને ઘડવામાં અસાધારણ ભૂમિકા ભજવી એમ કહું તો અતિશયોકિત નહીં થાય.
સૌજન્ય : રીતિબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



‘સ્વતંત્રતા તો મળશે, પણ સ્વતંત્રતાને ધારણ કરી શકે એવાં નાગરિકો કયાંથી કાઢીશું?’ ગાંધીજીના આ શબ્દો સાંભળી ગામડાઓમાં શિક્ષણ અને જાગૃતિની જ્યોત જલાવનાર ગાંધીજનોની એક આખી સેના તૈયાર થઈ હતી. આ લોકોને સ્વતંત્ર ભારતના સેનાનીઓ કહી શકાય. આવા એક સેનાની છે કોકિલાબહેન વ્યાસ. સંખ્યા અને વ્યાપમાં ખૂબ મોટાં કામો એમને નામે બોલે છે.
આમાં કામ કેવી રીતે કરવું? હિંમત ભેગી કરી કોકીબહેને અધ્યાપન મંદિરની બહેનોને લઈને કામ શરૂ કર્યું, ધીરે ધીરે વધારતાં ગયાં. ઓટલાશાળાઓ, બાલવાડીઓ, રાત્રિશાળાઓ શરૂ કરી. પાણીની ભયંકર મુશ્કેલી જોઈ કૂવા ખોદાવવા માંડ્યા. મજૂરી ગામલોકો કરે, આ લોકો ઈંટ, રેતી અને સિમેન્ટ આપે. એમ કરતાં 150 કૂવા ગળાવ્યા. પ્રશ્ન ખેતીનો પણ હતો. આ વિસ્તારમાં વરસાદ ઘણો. પાંચેક નદીઓ પણ ખરી, પણ પાણી બધું વહી જાય. જમીનો ધોવાઈ જાય. રાજસ્થાનથી જાણકારો લાવી ધોવાણ અટકાવવા ઘણા બધા પાળા બાંધ્યા, પાણીના સંગ્રહ માટે ચારસો આડબંધ કર્યા, ખેતી માટે પાંચથી છ હજાર પાડા લાવ્યાં. આજે અહીં ખૂબ ચોખા અને શાકભાજી પાકે છે. ત્યારે આપેલી આંબાની દોઢેક લાખ કલમો આજે આંબાવાડિયાંઓ બની ઉત્તમ કેરીઓ આપે છે.