
રવીન્દ્ર પારેખ
લગભગ બધાં જ ક્ષેત્રોમાં નિવૃત્તિ વય નક્કી હોય છે, પણ રાજકારણમાં નિવૃત્તિનું ઠેકાણું નથી. રાજકારણીઓ ચૂંટણીમાં હારી જાય તો ઘરે બેસતા હશે કે પક્ષને જરૂર હોય તો પક્ષનું કામ કરતાં હશે, બાકી, મૃત્યુ નિવૃત્ત કરે તે સિવાય રાજકારણીઓ સ્વેચ્છાએ નિવૃત્ત થવા રાજી હોતા નથી. સાધારણ નોકરી કરનાર પણ તંદુરસ્ત હોય તો નોકરી છોડવા તૈયાર થતો નથી, તે એટલે પણ કે નિવૃત્તિ પછી પગાર આવતો બંધ થઈ જાય છે. વળી, નોકરીમાં પેન્શન જેવું પણ હવે ખાસ રહ્યું નથી, એટલે હાડકાં ચાલતાં હોય ત્યાં સુધી કોઈ નોકરી છોડવા તૈયાર થતું નથી, પણ, નવાને પણ તક મળવી જોઈએ, એટલે નિવૃત્તિની વય નક્કી કરવામાં આવી છે. એ વયમાં પણ એકવાક્યતા નથી. કોઈ 58 વર્ષે, તો કોઈ 60 વર્ષે નિવૃત્ત થાય છે. કોઈ 62, તો કોઈ 65, તો ખાસ કેસમાં કોઈ 70 વર્ષે પણ રિટાયર થાય છે. મજાની વાત એ છે કે સરકાર નિવૃત્તોને ફરી ફિક્સ પગારે નોકરી આપવા તૈયાર થાય છે, પણ શિક્ષકોની કાયમી ભરતી કરતાં તેની ચામડી તતડે છે. આવા વેપલા કરતી સરકારમાં નિવૃત્તિ વય નક્કી નથી. નિવૃત્તિ પછી પેન્શન વગેરે લાભો પણ મળતા હોય છે, તો ય ભાગ્યે જ કોઈ રાજકારણી નિવૃત્તિ લેવા તૈયાર હોય છે. તેનું સીધું કારણ એ કે કોઈ નેતા કે રાજકારણી લોકોની નજરમાંથી ઊતરી જવા તૈયાર નથી. પદ પર જે માન-સન્માન મળે છે, તે સત્તા છોડ્યા પછી ભાગ્યે જ મળતું હોય છે. એ ઉપરાંત પગાર, ભથ્થાંની કે કર રાહત….ની જે સગવડ સત્તા પર હોવાથી મળે છે, તે સત્તા છૂટતાં મળતી નથી તે હકીકત છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રાજકારણીની કોઈ નિવૃત્તિ વય નક્કી ન હોય એ મતલબનું વિધાન એક પુસ્તકનું વિમોચન કરતી વખતે કર્યું. તેમણે કહ્યું કે હું 75 વર્ષે નિવૃત્ત થઈશ કે કોઈએ પણ નિવૃત્ત થવું જોઈએ એવું મેં ક્યારે ય કહ્યું નથી, સાથે જ એમ પણ ઉમેર્યું કે તેમનું અગાઉનું નિવેદન કોઈ નીતિનિયમ પર આધારિત ન હતું. તે નિવેદન મોરોપંત પિંગળેની રમૂજી શૈલીનો એક ભાગ માત્ર હતું. જુલાઈમાં કહેવાયેલી વાતને પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે કાઁગ્રેસે જોડી અને ખાસો હોબાળો કર્યો. નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરે ને ભાગવત 11 સપ્ટેમ્બરે 75 વર્ષ પૂરાં કરે છે. ભાગવતે અગાઉ 75 વર્ષે નિવૃત્તિ અંગે ટિપ્પણી કરી, ત્યારે મોદીનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. કાઁગ્રેસ આનો વધુ લાભ ઉઠાવે એ પહેલાં 28 ઓગસ્ટે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલી સંઘની વ્યાખ્યાનમાળાનાં પ્રશ્નોત્તરી સત્રમાં ભાગવતે રોકડું કર્યું કે જે કામ કરી શકે એમ છે, એમણે સક્રિય રહેવું જ જોઈએ. અમે સંઘના સ્વયંસેવકો છીએ. સંઘ કહેશે તે કરીશું. પોતાને વિષે બોલતાં તેમણે કહ્યું કે હું 80 વર્ષનો થાઉં અને સંઘ કહે કે શાખા ચલાવો, તો મારે તે કરવું પડશે. સંઘમાં ઉંમર આધારિત નિવૃત્તિના નિયમો નથી, પણ ઉંમરની ચિંતા કર્યા વગર સ્વયંસેવકો સેવા કરે એવી અપેક્ષા સંઘની રહે છે.
મૂળ વાત મોરોપંત પિંગળેની રમૂજની હતી, પણ હસવામાંથી ખસવું થયું. એ રમૂજ ભાગવતને નામે ચડી. નાગપુરમાં સ્વર્ગસ્થ મોરોપંતને સમર્પિત એક પુસ્તકના વિમોચન સમારંભમાં ભાગવતે તેમની રમૂજી શૈલી વિષે વાત કરતા કહ્યું કે 75ની ઉંમર થાય તેનો અર્થ એ કે હવે તમે અટકો અને બીજાને આગળ આવવા દો. વાત એમ હતી કે મોરોપંત 75 વર્ષના થયા ત્યારે સંઘના નેતા એચ.વી. શેષાદ્રીએ તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. તે વખતે મોરોપંતે રમૂજમાં કહ્યું કે 75 વર્ષે કોઈ શાલ ઓઢાડે તો સમજી જવું કે એ નિવૃત્તિનો સંકેત છે. એ ધ્યાને લઈને યુવા નેતાઓને આગળ આવવા દેવા જોઈએ. આ વાત મોરોપંતની હતી, પણ ભાગવતે તે ટાંકી તો વિપક્ષે તેનો પોતાની તરફેણમાં ઉપયોગ કરવા વાત મોદી સાથે જોડી દીધી. વાત એવી ચગાવાઈ કે ભાગવતે મોદીને નિવૃત્ત થવાનો સંકેત આપ્યો છે એમ જ લાગે, પણ હકીકત એ છે કે ભાગવતે મોદીનું નામ પણ દીધું નથી.
‘સંઘનાં 100 વર્ષ’ નિમિત્તે શરૂ થયેલ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળામાં ભાગવતે કહ્યું કે ભાષા તરીકે અંગ્રેજી શીખવાનો વાંધો ન હોવો જોઈએ. હા, તેને માટે અંગ્રેજ થવાની જરૂર નથી. 2. ભારતને સમજવા સંસ્કૃત શીખવું જરૂરી છે. ૩. મુખ્ય પ્રવાહને ગુરુકુળ શિક્ષણ સાથે જોડવું જોઈએ. 4. નોકરી શોધનાર કરતાં નોકરી આપનાર જરૂરી છે. 5. શિક્ષણનું લક્ષ્ય નોકરી જ હોય એ ઠીક નથી. 6. સંઘ બંધારણમાં જોગવાઈ મુજબ અનામતનું સમર્થન કરે છે. 7. દંપતીને ત્રણ બાળકો હોવાં જોઈએ. 8. ઘૂસણખોરી બંધ થવી જોઈએ. આપણા દેશમાં મુસ્લિમો પણ છે ને તેમને પણ નોકરીની જરૂર છે, તો બહારથી આવી ચડેલાઓને નોકરી ન આપવી જોઈએ. 9. ધર્માન્તરણ અને ગેરકાયદે સ્થળાંતર વસ્તી વિષયક અસંતુલનનાં મુખ્ય કારણો છે … આવી ઘણી વાતો ભાગવતે કરી.
એ ખરું કે સંઘ અને ભા.જ.પ. વચ્ચે કેટલાક સમયથી ચડભડ ચાલ્યા કરે છે. ભા.જ.પ. પ્રમુખ જે.પી. નડ્ડાએ થોડા સમય પર એવી ટિપ્પણી કરી હતી કે ભા.જ.પ. એવો સમૃદ્ધ પક્ષ છે કે તેને હવે કોઈ (સંઘ)ની જરૂર નથી. આ વાતે આગમાં ઘી ઉમેરવાનું કામ કર્યું. બાકી હતું તે મોરોપંતની વાત ભાગવતની છે એમ ઠઠાડીને કાઁગ્રેસે એવું ચિત્ર ઊભું કર્યું કે સંઘમાંથી જ ભા.જ.પ. વિરુદ્ધ અવાજ ઊઠ્યો છે એવું લાગે, જ્યારે વાસ્તવિકતા એ છે કે સંઘ ભા.જ.પ.ના નિર્ણયોમાં દખલ દેતો નથી. ભા.જ.પ.ના પ્રમુખ નક્કી કરવામાં સંઘનો ફાળો નથી. એ કામ સંઘે કરવાનું હોત તો અત્યાર સુધીમાં તે થઈ ગયું હોત ! ભા.જ.પ. સલાહ માંગે તો સંઘ આપે છે, બાકી સંઘ, ભા.જ.પ. પર પોતાને થોપતો નથી. એ ખરું કે ભા.જ.પ. અને સંઘના લક્ષ્યો એક જ છે, પણ બંને સ્વતંત્ર રીતે સક્રિય છે. ભાગવતે એ પણ સ્પષ્ટ કર્યું કે ભા.જ.પ. કે સંઘને એકબીજા માટે મતભેદ હોય તો પણ તે મનભેદ નથી.
સાચું તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આંતરિક રીતે એવી નીતિ ઘડી હતી કે નેતા 75ની ઉંમરે પહોંચે તો તેમને માર્ગદર્શક મંડળીના સભ્ય બનાવી દેવા. એ નીતિ અનુસાર વડા પ્રધાન મોદી 75 પછી નિવૃત્ત થવા જોઈએ, પણ ભા.જ.પ. અપવાદ કરે એમ બને. 2024માં કેજરીવાલે, મોદીને 17 સપ્ટેમ્બર, 2025ને રોજ 75 પૂરાં થતાં નિવૃત્તિની વાત કરી, તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પષ્ટ કર્યું કે મોદી 2029 સુધી ને તે પછી પણ દેશનું નેતૃત્વ કરશે. આમ તો 75 પછી પણ વડા પ્રધાન તરીકે સક્રિય રહેનાર અટલબિહારી વાજપેયી અને મોરારજી દેસાઈ યાદ આવે જ, એટલે 75 વર્ષે નિવૃત્ત થવાનો નિયમ નથી, પણ મોદી અને શાહે 75 પછી માર્ગદર્શક મંડળીના સભ્ય બનાવી દેવાની નીતિ ઘડી તે હવે લાગુ પડશે કે એ બાજી હવે ફોક ગણવાની છે તેનો ખુલાસો થવો જોઈએ.
શિવસેના યુ.બી.ટી. નેતા સંજય રાઉતનો પ્રશ્ન છે કે 75 પછી નિવૃત્તિ નથી, તો લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, જસવંતસિંહ જેવા નેતાઓને પરાણે નિવૃત્ત કેમ કરાયા? એવું નથી કે 75નો નિયમ લાગુ થયો જ નથી. 2019ની ચૂંટણી વખતે એ નીતિ અનુસાર જ અડવાણી, જોશી, સુમિત્રા મહાજન, કલરાજ મિશ્ર જેવા નેતાઓને ટિકિટ આપવામાં ન આવી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 75થી વધુ વયની કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવી નથી. એ જ નિયમ 2૦24ની ચૂંટણી વખતે પણ લાગુ કરવામાં આવ્યો અને રાજેન્દ્ર અગ્રવાલ, રીટા બહુગુણા જોશી, સત્યદેવ પચૌરી જેવાની ટિકિટ કપાઈ.
જોવાનું એ રહે કે મોદી 75 પછી નિવૃત થાય છે કે તેમને અપવાદ ગણીને વડા પ્રધાન પદે ચાલુ રખાય છે. નિયમો બધા માટે સરખા હોય, પણ અપવાદ એ નિયમ ચાલુ રાખવા જ કરવાનો થાય છે, જોવાનું એ રહે કે નિયમ કરતા અપવાદો વધે નહીં ….
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 સપ્ટેમ્બર 2025