
ચંદુ મહેરિયા
રિપબ્લિકન પાર્ટીના એંસી વરસના ડોનાલ્ડ ટ્રમ્પે આ વરસના આરંભે જ અમેરિકી પ્રેસિડન્ટની ધુરા સંભાળી છે. તેમના પુરોગામી પ્રેસિડન્ટ ડેમોક્રેટ જો બાઈડેન બ્યાંસી વરસના હતા. વિશ્વના ત્રીજા ક્રમની જનઆબાદીના દેશ અમેરિકામાં અઢારથી ચોવીસ વરસની યુવા વસ્તી કુલ વસ્તીમાં ૩૬ ટકા છે. પરંતુ વિશ્વના સૌથી શક્તિશાળી અને જગત જમાદાર દેશ અમેરિકાનું નેતૃત્વ ઘરડાઠચ્ચ રાજનેતાઓના હાથમાં છે.
અમેરિકાએ ૧૯૭૧ના છવ્વીસમા બંધારણ સુધારાથી મતદાન માટેની વય ઘટાડીને અઢાર વરસની કરી છે. જો કે ભારતની જેમ અમેરિકામાં યુવા કે નવા મતદારોમાં મતદાન માટે કોઈ ઉમંગ નહોતો. ૧૯૯૬માં દર દસે સાત યુવા પ્રેસિડન્ટ ઈલેકશનમાં વોટિંગ કરતા ન હોવાનું જણાયું હતું. આ વલણ ૨૦૦૮માં બરાક ઓબામાના ઈલેકશન વખતે બદલાયું હતું. હવે કુલ યુવા મતદારોમાંથી પચાસ ટકા કરતાં વધુ યુવાઓ મતદાન કરે છે ખરા પણ પ્રેસિડન્ટ તરીકે તો ઘરડા જ ચૂંટાય છે.
દુનિયામાં સૌથી વધુ યુવા વસ્તી આફ્રિકામાં છે. ઉપસહારા આફ્રિકામાં તો ત્રીસ વરસથી ઓછી ઉમરના યુવાનોની વસ્તી સિત્તેર ટકા છે. પરંતુ આફ્રિકાના ભાગ્યે જ કોઈ દેશનું સુકાન યુવાનોના હાથમાં છે.
ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૭૪ વરસના છે. તેઓ યુવાનો જેવી ઉર્જા અને તરવરાટ તથા ન ટાયર્ડ, ન રિટાયર્ડનું વલણ ધરાવતા હોવાનું કહેવાય છે. જો કે રાજનીતિમાંથી નિવૃત્તિની ખુદ તેમણે બાંધેલી ૭૫ વરસની વયે પહોંચવામાં છે.
ભારત પણ યુવા વસ્તીનો દેશ છે. ૨૦૧૧માં ભારતમાં ત્રીસ કે તેથી નીચેની વયની યુવા વસ્તી ૫૦ ટકા હતી. પરંતુ તેનું રાજનીતિમાં પ્રતિનિધિત્વ અને ભાગીદારી તેની વસ્તી કરતાં અનેકગણું ઓછું હતું. ૧૯૫૨થી ૫૭ની પહેલી લોકસભાના સમય ગાળામાં ૨૫થી ૪૦ની વય ધરાવતી વસ્તી દેશમાં ૨૨.૨૫ હતી. આ જ ઉમરના લોકસભા સભ્યો ૩૦.૩૦ ટકા હતા. હાલની અઢારમી લોકસભા વખતે ૧૯૫૨ની ૨૨.૨૫ ટકાની યુવા વસ્તીમાં લગભગ ત્રણ ટકાનો વધારો થયો છે અને તે વધીને ૨૫.૭૬ ટકા થઈ છે. પરંતુ લોકસભામાં યુવા સાંસદોનું પ્રમાણ પહેલી લોકસભામાં જે ૩૦.૩૦ ટકા હતું તેને બદલે હાલની લોકસભામાં ૧૦.૬૮ ટકા જ રહ્યું છે. તેનો અર્થ એ થાય કે દેશમાં યુવા આબાદી ત્રણ ટકાના દરે વધી છે પરંતુ તેમનું રાજકીય પ્રતિનિધિત્વ ત્રણ ગણું ઘટ્યું છે. વળી પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ વરસ હતી આજે અઢારમી લોકસભામાં ૫૫.૬ વરસ છે. પ્રથમ લોકસભામાં માંડ ૧૯ ટકા લોકસભ્યો ૫૫ વરસથી વધુ વયના હતા. વર્તમાન અઢારમી લોકસભામાં ૫૧ ટકા લોકસભા સભ્યો ૫૫ વરસ કે તેથી વધુ વયના છે. એટલે લોકસભામાં યુવાઓને બદલે વૃદ્ધો વધી રહ્યા છે.
૧૮૯૬માં જન્મેલા મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન બન્યા ત્યારે ૮૧ વરસના હતા. રાજીવ ગાંધી માત્ર ૪૦ વરસની વયે આ પદે વિરાજ્યા હતા. જવાહરલાલ નહેરુ ૫૮ અને ઈન્દિરા ગાંધી ૪૯ વરસની ઉંમરે વડા પ્રધાન બન્યાં હતાં. અટલ બિહારી વાજપાઈ પહેલીવાર તેર દિવસના વડા પ્રધાન બન્યા ત્યારે તેમની વય ૭૨ વરસ હતી. એમ.ઓ. એચ. ફારુક સૌથી નાની ઉમરે મુખ્ય મંત્રી પદે પહોંચ્યા હતા. ૨૯ વરસની વયે ૧૯૬૭માં તેઓ પુડુચેરીના ચીફ મિનિસ્ટર બન્યા હતા. પ્રફુલ મહંતા ૩૪ વરસે અસમના અને શરદ પવાર ૩૮ વરસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બની ચૂકયા હતા.
ડિસેમ્બર ૨૦૨૩ની સ્થિતિએ દેશના ૬૭ ટકા રાજ્યોના મુખ્ય મંત્રીઓ સિત્તેર કે તેથી વધુ વરસની ઉંમરના હતા. કર્ણાટક, કેરળ અને બિહારના લોકોના સરેરાશ આયુષ્ય કરતાં મોટી ઉંમરના રાજનેતાઓ મુખ્ય મંત્રીની કમાન સંભાળે છે. અરુણાચલના મુખ્ય મંત્રી ૪૪, મેઘાલયના ૪૫, ઉત્તરાખંડ અને ઝારખંડના ૪૮-૪૮, તથા પંજાબના મુખ્ય મંત્રી ૫૦ વરસના, પ્રમાણમાં નાની વયના, છે. મધ્ય પ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન અને હરિયાણામાં ભા.જ.પે. તેની નવી હરોળના, પ્રમાણમાં મધ્ય વયના, નેતાઓને મુખ્ય પ્રધાનો બનાવ્યા છે અને અગાઉના ઘરડા નેતાઓને કેન્દ્રના પ્રધાન મંડળમાં કે બીજે સ્થાન આપ્યું છે.
દેશમાં યુવા ધારાસભ્યોની સંખ્યા સૌથી વધુ મેઘાલયમાં છે. મેઘાલય વિધાનસભામાં ૨૮ ટકા ધારાસભ્યો ૨૫થી ૪૦ વયજૂથના છે. ૨૬ અન્ય રાજ્યોની વિધાનસભાઓમાં ૪૧ વરસથી વધુ ઉંમરના ધારાસભ્યો ૮૦ ટકા છે. ૪૦ વરસથી ઓછી વયના ધારાસભ્યો દેશમાં ૧૯ ટકા જ છે. દેશના કેટલાક રાજ્યોની વિધાનસભાઓમાં તો યુવા ધારાસભ્યોનું પ્રમાણ સાવ જ અલ્પ છે. નાગાલેન્ડમાં ૩ ટકા અને તમિલનાડુમાં ૬ ટકા જ ધારાસભ્યો યુવા એટલે કે ૪૦ થી ઓછી ઉંમરના છે.
રાજકીય પક્ષો સરકારની જેમ સંગઠનના પદોમાં પણ જુવાનિયાઓને બદલે બુઝુર્ગોને આગળ કરે છે. કેન્દ્ર અને ઘણાં રાજ્યોમાં સત્તાનશીન ભારતીય જનતા પક્ષના પ્રમુખ જય પ્રકાશ નડ્ડા ૬૪ વરસના છે તો વિપક્ષ કાઁગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ૮૨ના છે. વળી યોગ્ય રાજનેતાઓનો દુકાળ હોય તેમ ખડગે રાજ્યસભામાં વિપક્ષના નેતા છે અને નડ્ડા મોદી મંત્રી મંડળમાં કેબિનેટ મિનિસ્ટર છે. રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, હેમંત સોરેન, મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, તેજસ્વી યાદવ અને બીજા વિપક્ષી નેતાઓ જુવાન નહીં તો મધ્ય વયનાં તો છે જ. પરંતુ યુવાનોને પૂરતી તકો મળતી નથી તે હકીકત છે.
જ્યારે યુવા પ્રતિનિધિત્વની ચર્ચા કરીએ ત્યારે યુવાનોમાં ઉંમરના પ્રમાણમાં વધુ સારા વિચારો અને જોમ જુસ્સો હશે તેવું અપેક્ષિત હોય છે. પરંતુ તેવું હકીકતમાં બને છે ખરું? એક્યાસી વરસના મોરારજી દેસાઈનો વડા પ્રધાનનો કાર્યકાળ અને ચાળીસના રાજીવ ગાંધીના કાર્યકાળની તુલના કરીએ ત્યારે કોણે દેશહિતના, લોકહિતના દીર્ઘદૃષ્ટિનાં કામો કર્યા, વધુ સારો વહીવટ કર્યો અને કાયદા ઘડ્યા તે ધ્યાનમાં રાખીને તેમનું મૂલ્યાંકન કરવું જોઈએ. વળી એ મૂલ્યાંકન વખતે તેમની વયની સાથે તેમનાં સંજોગો અને રાજકીય સ્થિતિ પણ ધ્યાનમાં લેવી રહી. કોઈ નાની વયે વડા પ્રધાન, મુખ્ય મંત્રી, સાંસદ કે ધારાસભ્ય બની જાય એટલે ભયો ભયો એવું ના હોય.
પરિવર્તન યુવાનો જ લાવી શકશે અને નવા વિચારો તેમની પાસે જ હોય છે. તે અને માત્ર તે જ સાચું નથી. ૧૮૬૯માં જન્મેલા મોહનદાસ ગાંધી ૧૯૧૫માં ભારતમાં આવ્યા ત્યારે ૪૬ વરસના હતા. ૪૬ વરસે ભારતમાં તેમનું જાહેર જીવન શરૂ થાય છે અને વિશ્વતખતે એક મૌલિક વિચારક તથા આંદોલનકાર તરીકે અમીટ છાપ છોડી જાય છે. તે ઉદાહરણ પરથી ના માત્ર ઘરડાં ગાડાં વાળે છે કે ન માત્ર યુવાનો. વય તેની રીતે કામ જરૂર કરતી હશે પણ તે જ એક માત્ર માપદંડ ના હોઈ શકે.
યુવા અને વયસ્ક, નવ જુવાન અને બુઝુર્ગ બંને જો સાથે મળીને, સમન્વય સાધીને આગળ વધે તો ન માત્ર રાજનીતિમાં, કુટુંબ, વ્યવસાય, સમાજ અને સંસાર એમ બધા ક્ષેત્રોમાં સારાં પરિણામો આણી શકે છે. તે માટે વડીલોએ તેમના અનુભવનાં ગાણાં ગાવાના બંધ કરવાં પડશે. યુવાનોને બિનઅનુભવી ગણી પોતાની વડીલશાહી તેમના પર થોપવી બંધ કરવી પડશે. તો યુવાનોએ પણ તેમની પાસે શિખવાની ધખના રાખવી જોઈશે. ચાળીસ વરસના રાજીવ ગાંધીએ એકવીસમી સદીના ભારતનું સ્વપ્ન જોઈ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો તો એક્યાસીના મોરારજીભાઈએ લોકશાહીનું પુન:સ્થાપન કર્યું. એમ બેઉ તેમની રીતે મહત્ત્વના છે. બુઝુર્ગોના અનુભવ અને યુવાનોમાં રહેલી અસીમ શક્તિનો સમન્વય, બેઉનું મિલન અને હરીફાઈ કે મુકાબલાના ભાવને બદલે જનહિત હૈયે વસે તો ઉમ્ર ક્યા ચીજ હૈ ?
e.mail : maheriyachandu@gmail.com