યુદ્ધની લાંબી ઘડીઓ

રૂપાલી બર્ક
મારે તમને જણાવવું છે કે યુદ્ધમાં તમે નજીવી ચીજો ગુમાવી દો છો, ઘણી બધી સુખસગવડો અને મોટા ભાગની જરૂરિયાતો અને ખૂબ, ખૂબ, ખૂબ જરૂરી બાબતો વિષે જ વિચારવાનો કે દરકાર કરવાનો અવકાશ તમને મળે છે. તમને ફૅસબુકમાં રસ નહીં પડે અને તમને જાણવા મળશે કે ૯૦%થી પણ વધુ લોકો નિષ્ક્રિય છે. કોણે પોસ્ટ ‘લાઈક’ કરી અને કોણે ના કરી અને શું કરવા ના કરી એની કોઈને પરવા નથી હોતી. ગાયબ થઈ જાય છે તમારા બિમાર પિતા કે માતાની તસ્વીર અને એની નીચે લખેલા શબ્દો “મારા પિતા માટે દુઆ કરજો”. શબ રસ્તાના કિનારે હોવાને કારણે એમને દફનાવવા કોઈ મળતું નથી. સ્વાદિષ્ટ ભોજનના ફોટા કોઈને ગમતા નથી અને એવા ફોટા ફૅસબુક પર મૂકવાની હિંમત પણ કોઈ કરતું નથી.
બધાં લોટ પાછળ દોડે છે. ઘણા લોકોને કેટલા ય દિવસથી ખાવાનું મળ્યું નથી અને એમનું સપનું છે બ્રૅડની એક લાદી મેળવવાનું. ફૅસબુક તમે અગર ખોલો પણ છો અને આદતથી મજબૂર એના પર તમારી આંગળી દબાવો છો તો તમારી નોંધ લેવાવાળું કોઈ નહીં હોય. એટલે સુધી કે મોટા ભાગના તમારા મિત્રોએ મૂકેલી શ્રદ્ધાંજલિની પોસ્ટના પ્રતિભાવમાં તમે ‘એમની રૂહને ખુદા શાંતિ બક્ષે’ એવું નહીં લખો કારણ કે મોટા ભાગની પોસ્ટ કાં તો મૃત્યુ અથવા ઈજાઓ વિષે હશે અથવા મૃત્યુથી કેવી રીતે બચ્યાં એ માટે ખુદાનો અહેસાન માનતી હશે.
ટીકટોકની જો વાત કરીએ તો ગાઝામાંથી એ રીતે અદૃશ્ય થઈ ગયું છે જાણે કાયદા હેઠળ ગુનો ગણાતું હોય. એની સાથે ઢંગ વગરનું અને સાવ જૂજ માત્રામાં હતું એવું ઢંગવાળુ બધું ગાયબ થઈ ગયું છે.
કલ્પના કરો, ગાઝામાં ચુગલી, ઈર્ષા અને બીજાઓની પંચાત, જે ઘણાં લોકો માટે આનંદદાયક બાબત હતી એ પણ ગાયબ છે.
બધાં સવારથી સાંજ સુધી પોતાના પરિવારને એક દિવસનું ભોજન પૂરું પાડવા દોડ્યા કરતા હોય છે.
પ્રશંસા, દંભ અને ડોળ ઓછા થઈ ગયા છે. બધાંને લાગે છે કે કોઈ પણ ક્ષણે મોત આવી શકે છે અને તેથી પ્રશંસા, જૂઠાણાં અને ડોળ માટે કોઈની પાસે ઉર્જા બચી નથી.
તમારા હાથમાં જે વસ્તુઓ હતી અથવા જેનું તમે સભાનતા વગર આચરણ કર્યું હતું એનું મૂલ્ય તમને સમજાવા લાગે છે. તમને ભાન થાય છે કે તમારા સીધાસાદા કૃત્યો આનંદના શિખર સમા હતાં. તમે એમને યાદ કરશો અને એમના પરત ફરવાનાં સપનાં જોશો. જેવા કે રોજ સવારે સ્ટવ સામે ઊભા રહી એને ચાલુ કરવો અને શાંતિથી કોફી પીવી અને એના પછી ચૉકલૅટનો ટુકડો ચગળવો. હા, એક કિલો કોફી $૭૦ અથવા શૅકૅલમાં ઉપલબ્ધ હોય તો ૨૪૦ શૅકૅલ કિંમત થઈ ગઈ છે. ગાઝામાંથી ચૉકલૅટ, ચીપ્સ, બિસ્કિટ, ઈન્ડોમી, સૂકામેવા અને અન્ય સ્વાદિષ્ટ ખાદ્યસામગ્રી ગાયબ થઈ ગઈ છે. હવે દુકાનોમાં માત્ર કપડાં ધોવાના થોડાક પાવડર ઉપલબ્ધ છે.
તમને અચાનક ખ્યાલ આવે છે કે તમારો પરિવાર ‘બાહેબુશ’ શબ્દ વીસરી ગયો છે. જો કે, મને એ નથી ભાવતું. દા. ત. જો તમે થોડાઘણા પૈસા બચાવીને જો કોબીજની વાનગી અથવા ‘કમુટા’ રાંધો તો અમુક લોકો મુજબ એ દુનિયાની સૌથી સ્વાદિષ્ટ વાનગી હોય એ રીતે બધાં એને આરોગી જાય છે. કહેવાની જરૂર નથી કે આવાં ભોજનની કિમંત પહેલા ૫૦ શૅકૅલ હતી, પરંતુ આજે એની કિંમત વધીને ૧૫૦ શૅકૅલ થઈ ગઈ છે. એમાં ય વળી ‘મકલુબા’ કે ‘મુસાખાન’ તો કોઈ યાદ કરવાની હિંમત કરી શકે એમ નથી.
સૌથી વધુ તમને જો ખોટ સાલતી હોય તો એ તમારું ઓશીકું અને પલંગ છે. તમે હજુ પાછા ફરીને તમારા પલંગ-ઓશીકા પર મિસાઈલ, તોપગોળા અને વણથંભ્યા ગોળીબારના ઘોંઘાટ વગર એક રાત નિંદર માણવાનાં સપનાં જુઓ છો.
ગધેડાએ જેનું સ્થાન લીધું છે એવી અદૃશ્ય થઈ ગયેલી ગાડીઓ અને ટ્રાફિકની તમને ખોટ વર્તાય છે. ગધેડા-ગાડીમાં જેવા તમે ચઢો છો અને કૂદીને બેસવા જાવ છો, ખાસ કરીને ગધેડા-ગાડી હાંકનારે મુસાફરો માટે જે ગોદડીઓ અથવા કંતાનનો ટૂકડો બીછાવેલો હોય છે ત્યારે એક કે બે વસ્તુઓ પાછળથી તમારા પૅન્ટ પર ચોંટી જાય છે, કાં તો ધૂળ અથવા પાણી, સૂર્યમૂખી વચ્ચેના વર્તુળ જેવડો ધબ્બો પડી જાય છે અને વિચિત્ર બાબત તો એ છે કે એને તમે ખંખેરી નાખવાની દરકાર નથી કરતા કારણકે બધાં પાછળ એ જ વર્તુળની છાપ લઈને આવજા કરી રહ્યાં છે.
તમને યાદ આવશે ટી.વી., ફિલ્મો, સીરીઝ, ટૉક શો અને નાટકો, જાણે કે દૂરનું સપનું હોય અને જાણે કે મેળવવાનું બાકી વિલાસ વૈભવનું ઊંચું સ્તર હોય. તમને ખોટ વર્તાશે ડાઈનીંગ રૂમની, બાથટબની, તમારા ઘરની બારીની, તમામ ભલા પાડોશીઓની, કાર્યસ્થળ પર, બજાર કે બીજે ક્યાં ય પણ જવા માટેની તમારી મોર્નીંગ વૉકની. કપડાંના કબાટ, કપડાં, જૂતા અને ફળોથી ભરેલાં ફ્રિજનું મૂલ્ય તમને સમજાશે.
માટીના તંદૂરમાં બ્રૅડ પકાવતા તમે શીખશો અને તાજી બ્રૅડનો સ્વાદ માણતા પણ એમ જ તમે માટી અને સૂકા ઘાસમાંથી ભાત ભાતની ડિઝાઈન, પ્રકાર અને માપના તંદૂર વાપરશો. બ્રૅડ બનાવવા માટેનું તંદૂર હોય છે એવું રસોઈ બનાવવા માટે નાનું તંદૂર હોય છે.
બળતણનું લાકડું તૈયાર કરવાનું તમે શીખશો, બળતણનાં લાકડાંના વિવિધ પ્રકાર, ઑલિવનાં અને નારંગીનાં લાકડાં વચ્ચેનો તફાવત, બાળવામાં ખજૂરીનાં પાનનું મહત્ત્વ, રસોઈ માટેનાં બળતણનાં લાકડાં અને બ્રૅડ બનાવવા માટે બળતણનાં લાકડાં વચ્ચેનો તફાવત સમજશો.
ભોજનમાં દાળ પાછી આવશે, સાથે કઠોળ પણ.
તમે ચીકન, મીટ અને ફિશનાં સપનાં જોશો.
સૌથી અગત્યની ચીજોને નજરઅંદાજ કર્યા વગર કોઈ લાગણીએ તમે પસાર થઈ જશો, જેવું કે શહીદો વિશે વાત કરવી. તમારા પિતરાઈઓની શહાદત વિશે તમે તમારા પરિવારને એ ઢબે વાત કરશો જાણે કે રોજીંદી ખરીદી કરવા જતી વખતે તમે તમારી પત્નીને જણાવતા હોવ.
વિસ્ફોટને કારણે ઘર ધ્રૂજી રહ્યું છે. હું બાળકોને બાથમાં ભરી લઉં ….
૦૮/૧૧/૨૦૨૩
— અલી અબુ યાસ્સીન
•
સાવ શાંત રાત
યુદ્ધ વચ્ચે સાવ શાંત રાત છે. ગઈ રાત ખૂબ શાંત હતી. મેં કદાચ એક કલાકની ઊંઘ લીધી. થોડી વધુ કે ઓછી હોઈ શકે છે. ડ્રોન, વિમાન અને તોપગોળાના અવાજો એક ક્ષણ માટે પણ બંધ નહોતા રહ્યાં. એટલું ઓછું હોય એમ એક મિસાઈલ, એક ટન વજનનું દારુગોળો ભરેલું પીપડું અથવા ૬ પીપડા એક સાથે પડ્યાં. ધરા એવી ધ્રૂજી, ઉછળી અને હાલી કે પૃથ્વીનું પડ જાણે બાળકનો હવાથી ઠસોઠસ ભરેલો ફૂગ્ગો હોય જે ગમે તે ઘડીએ ફૂટીને વિશ્વને ખતમ કરી દેવાનો હોય. હજાર વખત તમે મૃત્યુ નિહાળો અને વિસ્ફોટ પત્યા બાદ તમને વિશ્વાસ નથી બેસતો કે તમે હજુ જીવિત છો અને તમને જીવનની નવી ઘડીઓ બક્ષવામાં આવી છે. એક કે વધુમાં વધુ બે મિનિટ પછી તમે આગામી વિસ્ફોટ, આગામી મૃત્યુની રાહ જોવા લાગો છો. ખરેખર એ ખૂબ શાંત રાત હતી. એટલી હદે શાંત કે સૂતા પહેલાં અમે ૩૦ લોકોને થઈ રહે એટલા કઠોળના બે કૅનનું જમણ કરી શકેલા. રાતનું જમણ કઠોળના માનમાં જાણે મોટી મિજબાની હતી. પરંતુ બ્રૅડની કમીને લીધે મિજબાનીના રંગમાં ભંગ પડી ગયો. બ્રૅડની પાંચ લાદી અમે આરોગી ગયેલા.
હકીકત તો એ છે કે મારા હૃદયના વાંકે મેં મિજબાનીની રંગત બગાડેલી. થયું એવું કે મિજબાની પૂર્વે હું રસ્તા પર ઊભો હતો અને એક પુરુષ એની બે દીકરીઓ સાથે આવ્યો અને મારી પાસે બ્રૅડ માગી. એની બે દીકરીઓને ખવડાવવા માત્ર બ્રૅડ માગી કારણ કે એમણે ત્રણ દિવસથી બ્રૅડ ખાધી નહોતી. આમ તો, મારી પાસે બ્રૅડ નથી એમ મેં એને કહ્યું પરંતુ એની બેમાંથી એક દીકરીની નજર મારા હૃદય સોંસરવી એવી નીકળી કે જાણે રહેમનો બોંબ ફાટ્યો હોય. મેં એ માણસને થોભવા કહ્યું. મારી પાસે હતી એમાંથી બ્રૅડની પાંચ લાદી મેં એને આપી. ધ્રૂજતા હાથે એણે જે રીતે બ્રૅડ ઉપાડી એ હું છેલ્લાં શ્વાસ સુધી નહીં ભૂલી શકું. એ બે છોકરીઓની આંખો ફરી ચમકવા લાગી. ઝટથી મારો આભાર માની એ ચાલ્યો ગયો, મોટો ખજાનો લઈ નાસતો હોય એમ, જાણે મુદ્દામાલ સાથે એને કોઈ જોઈ ના લે.
ક્યારેક શાંત વાતાવરણ કંટાળાજનક લાગવા લાગે છે. ખાસ કરીને જો મધરાતે કોઈ મિત્ર પોતે જીવિત છે એની ખાતરી આપવા માટે ફોન કરે. પરંતુ મારા લંગોટિયા મિત્રો યોસૅફ અન અદનાન એમના પરિવાર સહિત થોડા સમય પહેલા શહીદ થયેલા. અદનાનની દીકરી સમર, માંડ ત્રણ વર્ષની હશે. સમર તોફાની હતી, મને ખૂબ વહાલી હતી. જ્યારે પણ હું એમની મુલાકાત કરતો એની ભેટ મેળવવા દોડીને મારી પાસે આવીને ગળે વળગી જતી. એની કાળીમેશ આંખો, વાંકોડિયા વાળ અને એની ઊંમરના પ્રમાણમાં ઘણી વધુ ઊંચાઈ હતી. એ બાસ્કૅટ બૉલ ચેમ્પિયન બનશે એવું અમે ધારતા હતા.
એ રાત ખરેખર વિશિષ્ટ હતી. મેં હજુ ફોન મૂક્યો જ હતો ત્યાં શું ખબર કેમ આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એક મોટા વિસ્ફોટના અવાજથી મારી ઊંઘ ઊડી કે તરત અમે જેની નીચે સૂતાં હતાં એ જસતની છત પર મૂશળધાર વરસાદનો અવાજ શરૂ થયો. થોડીક ક્ષણો બાદ અમને ખ્યાલ આવ્યો કે જસતની છતની આરપાર પત્થર આવીને પડેલાં. અમારા રહેઠાણથી થોડાંક અંતરે આવેલાં મકાનના વિખરાયેલા હજારો ટૂકડા હતાં. થોડાંક પીલર બચેલા અને દસકાઓ પહેલા એ ઘરમાં વાવેલું ખજૂરીનું ઝાડ બચેલું. ચમત્કારિક રીતે એ અડીખમ રહેલું જાણે જે થઈ રહ્યું છે એનું સાક્ષી બનવા એણે મરવાનો ઈનકાર કરેલો હોય. પરંતુ એની છાતીમાં સંગ્રહાયેલી ખજૂરમાંથી ઘણી બધી ખજૂર ખરી પડેલી.
નિશ્ચલતા હતી પણ કેવી કાતિલ! ‘અલ જઝીરા’ પર બ્રૉડકાસ્ટરને કહેતા સાંભળ્યો કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીની આ સૌથી ખરાબ રાત હતી કારણ કે નિશ્ચલતા એક મિનિટ માટે થંભી નહોતી. નિશ્ચલતાની તીવ્રતાને કારણે મારા જ્ઞાનતંતુઓ લગભગ ફાટી ગયેલા. દારુગોળાના ખોખા અને મિસાઈલો અમને ડરાવવા માટે બનાવાયા છે. ડર્યા સિવાય અમારો છૂટકો નથી. આ ભયાનક નિશ્ચલતાથી ઘેરાઈને હું શી રીતે લખું?
માનવ આત્મા સાથે આ સુસંગત નથી કારણ કે કોઈ પણ ક્ષણે મારું મૃત્યુ થઈ શકે છે અને એ મોટી દુર્ઘટના નહીં કહેવાય. જાણે મારી આસપાસ કંઈ જ ના બની રહ્યું હોય એમ હું લખવા બેસી ગયો. હા, મારી આસપાસ એટલે કહું છું કે જમીન ધ્રૂજ્યા કરે છે, દારુગોળાની ગંધ મારા નસકોરામાં પ્રસરી જાય છે અને મારું મોં ધુમાડાથી ભરાઈ જાય છે. વિસ્ફોટો થયાં જ કરે છે. લાગે છે હું પાગલ થઈ ગયો છું અથવા મૃત્યુ પામી ચૂક્યો છું. છેલ્લા અક્ષર સુધી હું પ્રતિરોધ કરતો રહીશ અને ઘોંઘાટથી ભરેલી દુનિયાને મારો અવાજ મોકલતો રહીશ. હું નથી ઈચ્છતો કે અમારા ત્યાં છે એવી નિશ્ચલતા દુનિયામાં છવાઈ જાય. તમારા ઘોંઘાટને માણો અને જ્યારે અમારા સમાચાર જુઓ ત્યારે અમારાથી તમારા ચહેરા એવા ડરથી ફેરવી લેજો અથવા ચૅનલ બદલી કાઢજો કે … ના કરે ને અમે તમને ખલેલ પહોંચાડીએ. તમને સારી નિંદ્રા મળો.
૧૦/૧૦/૨૦૨૩
— અબુ અલી યાસ્સીન
•
મારો ફોન રણક્યો
– હલો, ભાઈ, હલો
– શું થયું? કેમ રડે છે?
– અલા, ઓહ! મારો દીકરો ઍઝૅદિન!
– તારો અવાજ સંભળાતો નથી, મારી આસપાસ બાળકો ચીસો પાડી રહ્યાં છે. શું થયું તારા દીકરાને?
– આર્મીએ તેને માથામાં ગોળી મારી દીધી. લોકોએ મને કહ્યું કે તે અલ-શિફા હૉસ્પિટલમાં છે, બીજા માળે, ઑપરેટિંગ રૂમમાં. ભાઈ, જઈને એની ખબર કાઢી આવને.
– ચોક્કસ, શાંત થઈ જા, ચિંતા ના કરીશ. હું જઈને તને એની ખબર આપું. ઈજીપ્તથી તું ક્યારે પાછો આવવાનો?
– આવતી કાલે સવારે.
– શું કહ્યું? સંભળાતું નથી.
એવામાં એક મિસાઈલ અમારા ઘર પાસે પડી.
– કાલે સવારે હું રાફા પહોચીંશ.
– પછી તને બોર્ડર પર લેવા આવીશ.
– ઈમાન, બાળકોનું ધ્યાન રાખજે. એ ડરેલાં છે. એમને બાથ ભરીને ચોકલૅટ આપજે.
– હલો …
– હલો, અલી, મારો દીકરો અબદુલ્લાહ મૃત્યુ પામ્યો છે.
– શું કહ્યું? અબદુલ્લાહ, આહમદ અને માહમુદ, ત્રણેય મૃત્યુ પામ્યા છે અને ઍઝૅદિનને માથામાં ગોળી વાગી છે.
– ઓહ, ખુદા! હું પહોંચું છું તારી પાસે, હિંમત રાખજે. ખુદા તારી પર રહેમ કરે.
– હલો, અલી.
– હલો, ફારેસ.
– અબદુલ્લાહ શહીદ થયો છે.
– હમણાં જ આવું છું તને મળવા.
– ક્યાં આવીશ? અહીં બહુ જોખમ છે, ભાઈ. વળી અંતર બહુ લાંબુ છે. જ્યાં છે ત્યાં જ રહેજે. માત્ર હૉસ્પિટલમાં જઈ ઍઝૅદિનની ખબર કાઢી આવજે. અમે અહીંની પરિસ્થિતિ સંભાળી રહ્યાં છે.
– સારું, સારું!
– ઈમાન, બાળકોને ચૉકલૅટ આપજે. અમજદ, બેકરીમાં જઈને બ્રૅડ લઈ આવ. ખુદા તને મહેફૂસ રાખે.
અમજદની ખબર કાઢવા હું હૉસ્પિટલ ગયો.
– આ ઑપરેટિંગ રૂમ છે?
– હા, પણ કોઈને અંદર જવાની પરવાનગી નથી.
મેં બે વ્યક્તિઓને એ રૂમમાં જતા જોયા એટલે હું એમની પાછળ ગયો.
– ડૉક્ટર, માથામાં ગોળી વાગેલો ઍઝૅદિન યાસ્સીન નામનો વ્યક્તિ અહીં દાખલ છે?
– માથામાં ગોળી?! મોટા ઑપરૅશનો બાજુના મકાનમાં કરવામાં આવે છે. અહીં સાધારણ ઑપરૅશન થાય છે.
– સાધારણ? જોંઉ છું કે અડધા લોકો કપાયેલી હાલતમાં છે. ઓહ, ખુદા! ચોમેર મૃત્યુની ગંધ આવે છે મને. પહેલી વાર મને અંદાજ આવ્યો કે મૃત્યુની ગંધ હોય છે. હું બાજુના મકાનમાં ગયો.
– ડૉક્ટર, ઍઝૅદિન યાસ્સીન નામનો ઘવાયેલો વ્યક્તિ મને ક્યાં મળશે?
– એ અહીં જ હતો. એનું ઑપરૅશન હમણાં જ પત્યું અને એને બાજુના વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે.
– ડૉક્ટર, તમારો ચહેરો અને ગરદન લોહીથી ખરડાયેલા છે. પાણીથી સાફ કરવા પડશે. ડૉક્ટરે જવાબ ના આપ્યો.
મારે બીજા વૉર્ડમાં જવાનું થયું. આ તે કેવું? અહીં બધાં જ દર્દીઓ એક સરખા દેખાય છે. બધાંના માથા, છાતી, હાથ અને પગ પર ગૉઝ પટ્ટીઓ બાંધેલી છે. ઍઝૅદિન ઓળખાશે કઈ રીતે? ઓહ, ખુદા, મૃત્યુની ગંધ મારા નસકોરામાં ભરાઈ ગઈ છે. મૃત્યુની દુર્ગંધ મેં પ્રથમ વખત અનુભવી છે.
વિસ્ફોટોના અવાજો બંધ નથી થતાં, પરંતુ અહીંનો સૂનકાર કબ્રસ્તાનના સૂનકાર કરતાં વધુ છે. ક્યાં શોધું તને, ઍઝ? પિતરાઈ અબુ અબદુલ્લાહને ફોન કરવો ઠીક રહેશે, કદાચ એને કોઈ જાણકારી હશે.
– હલો, અબુ અબદુલ્લાહ, સાંભળ, તને ખબર છે ઍઝ ક્યાં છે? હૉસ્પિટલમાં એને શોધતા મને ચક્કર આવી ગયા છે. તારી પાસે કોઈ જાણકારી છે?
– હા, છે. એ સર્જરી વોર્ડમાં હતો. હવે જોખમ બહાર છે. એને બીજા માળે પુરુષોના વોર્ડમાં રાખેલો છે. જઈને નર્સને પૂછ. એ લઈ જશે તને વોર્ડ સુધી.
– અબુ, શુકરિયા.
છેવટે હું એના વોર્ડ પાસે પહોંચ્યો.
– ખુદાની રહેમ કે તું સલામત છે, વ્હાલા ઍઝ. અમને ખૂબ ચિંતા હતી તારી. અમને એમ કે તું શહીદ થયો છે.
– ખુદા તમને આશીર્વાદ આપે, ચાચા. મારું માથું એટલું મજબૂત હતું કે ગોળી અંદર પેસી ના શકી.
– તારી અમ્મી ખૂબ ચિંતા કરે છે.
– ખુદા આપણને સલામત રાખે.
મેં એની અમ્મીને ફોન કર્યો.
– હલો, ભાભી, હું તમારા દીકરાની પડખે ઊભો છું. એ સલામત છે, જીવીત છે.
– આભાર, ભાઈ. મને વાત કરાવો ને એની સાથે.
– ઍઝ, મારી જાન, હું કાલે જ તારી પાસે આવી જઈશ. તને મારી બાથમાં લઈ લઈશ. તારું ધ્યાન રાખજે. ખુદાનો પાડ કે તને સલામત રાખ્યો.
ઍઝને હોસ્પિટલમાં મૂકી હું ઘરે જવા નીક્ળ્યો. ઓહ, ખુદા! મૃત્યુની ગંધ આખા શહેરમાં પ્રસરી ગઈ છે. મને હતું કે મૃત્યુ હૉસ્પિટલમાં જ છે, પણ ના, મૃત્યુ સર્વત્ર છે.
— અલી અબુ યાસ્સીન
ગાઝા-પૅલૅસ્ટાઈન
૧૦/૧૦/૨૦૨૩
•
યુદ્ધનો હજામ
માનવીય અને અંગત જરૂરિયાતો માટે યુદ્ધનાં વાતાવરણમાં બળજબરીપૂર્વક અનુકૂળ થવું પડતું હોય છે. ૧૭૦ દિવસથી વધુ વિસ્થાપનની સ્થિતિમાં અમારા અસ્તિત્ત્વની લંબાયેલી મુદ્દત બાદ હજામત કરવાની તાતી જરૂર હતી.
મનમાં યાદ આવે કે નહીં એવી બધી જગ્યાઓમાં બધે હજામ ફેલાયેલા હોય છે. ખાસ એટલા માટે કે હજામને જોઈએ માત્ર એક પ્લાસ્ટિકની ખુરશી, નાની કાંસકી, એક અસ્ત્રો, એક ટુવાલ અને ગ્રાહકની ગરદન પરથી ખરેલા વાળ ખંખેરવા એક નાનું બ્રશ. આટલા સરંજામથી હજામ મોટામાં મોટી હસ્તીઓ અને નેતાઓને, ગરીબોને, ભિખારીઓને, બેઘરોને આવકારવા સજ્જ થઈ જતો હોય છે. આ બધાં પોતાના વાળ કપાવવા એક જ ખુરશી પર બેસે છે. વિસ્થાપિત જીવનમાં સ્નાનનો વૈભવ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. માથા અને દાઢી પર વાળનો જથ્થો પુરુષોના દેખાવનું પ્રધાન લક્ષણ બની ગયું છે અને ધૂળ અને જીવજંતુ ભેગા કરવાની ફળદ્રૂપ ભૂમિ પણ.
વિસ્થાપનના વિસ્તારોમાં અને દક્ષિણમાં લોકોની ભીડના મસમોટા આંકડાનાં પરિણામે તથા હજામતની દુકાનોની ઓછી સંખ્યાને કારણે હજામો પોતાના વૈભવી સલોન છોડીને ‘વાદી ગાઝા’ની પાર જઈ રહ્યાં છે. ગ્રાહક માટે આરામદાયક સમય, અત્તર, સાબુનો પ્રકાર, બાથરોબની ગુણવત્તા, કાતરનો પ્રકાર, હજામનો દેખાવ, દુકાનની સ્વચ્છતા, સાધનોનું રોગાણુનાશન હવે મહત્ત્વ નથી રાખતા અને ના તો ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
અહીં તમને બજારોમાં હજામો ફેલાયેલા મળશે. જો તમે બીચ સ્ટ્રીટ પર જાવ તો તમને રસ્તાઓ પર અને સ્કૂલના ઝાંપાની બહાર આંટા મારતા દેખાશે. હોસ્પિટલોમાં પણ તમને હજામો ભટકાઈ જતા હોય છે.
મારી વાર્તા હવે શરૂ થાય છે. અલ અક્સા માર્ટર્સ હોસ્પિટલમાં એક ગ્રાહક અને હજામ વચ્ચે થયેલા સંવાદ દરમ્યાન મેં જે જોયું અને સાંભળ્યું એની સાથે મારી વાર્તા સંકળાયેલી છે. હોસ્પિટલની અંદર હું મારા મિત્રને મળવા બેઠો હતો. હું રિસેપ્શનના પ્રવેશદ્વાર સામે હતો.
ભીડથી ભરચક પ્રવેશદ્વારને લીધે, શહીદો અને ઈજાગ્રસ્તોને મોટી સંખ્યામાં હોસ્પિટલમાં લાવવાને લીધે અને એમના પરિવારોના રડવાના અને ચીસો પાડવાના કારણે તથા પ્રવેશદ્વાર પાસે આખો સમય શહીદોને દફનાવતા પહેલા એમના આત્મા માટે અંતિમ પ્રાર્થના કરવા ઊભેલા અમુક પુરુષોને લીધે હું એક તરફ ઊભો રહીને મારા મિત્રની વાટ જોતો હતો. મારી પડખે એક પાતળો, યુવાન હજામ પચાસેક વર્ષના પુરુષની દાઢી બનાવતો હતો.
પહેલાં તો શહીદો, ઘાયલ લોકો અને આખા વિશ્વમાં સમાચારો પહોંચાડતા ડઝનબંધ પત્રકારો અને ફોટોગ્રાફરોથી ભરચક આ સ્થળે હજામની ઉપસ્થિતિથી મને આશ્ચર્ય થયું. પોતાનો હજામતનો વ્યવસાય કરવાના સ્થળ તરીકે આ યુવાન પુરુષને આ જગ્યા પસંદ કરવાનું શી રીતે સૂઝયું હશે?
થોડાં જ સમયમાં મને જાણવા મળ્યું કે હૉસ્પિટલમાં જ વિસ્થાપિત લોકોની એક મોટી સંખ્યા આંગણામાં, અંદર કૉરીડૉરમાં અથવા બહાર હાજર હોય છે, એમાં બધાં જ આવી જાય, કર્મચારીઓ, મુલાકાતીઓ અને ફેરિયાઓ સહિત. બધાંને માથાના વાળ કપાવવાની જરૂર રહેવાની જ. આથી, મારા આશ્ચર્ય અને અચંબાનો છેદ ઊડી ગયો. આવા સમયે આપણી ભાવનાઓ બહેર મારી જતી હોય છે કારણ કે આ સમય યુદ્ધનો છે, મારા પ્રિય દોસ્તો!
આપણી વાર્તા તરફ પાછા ફરીએ. અચાનક, જીવનના સંજોગોની કઠોરતા સામે આ સર્જનાત્મક યુવાન પુરુષની સ્થિતિસ્થાપકતા અને સંઘર્ષ નિહાળી રહ્યો હતો તે દરમ્યાન જે પુરુષ, હજામત બનાવડાવી રહ્યો હતો એણે એનો ખરેલો એક સફેદ વાળ ઉપાડ્યો અને પ્રશ્ન કર્યો: “આ કોનો વાળ છે?”
હજામે ઉત્તર આપ્યો : “તમારો છે, હજ ….”
પેલો પુરુષ વાત નકારતા બોલ્યો : “આ વાળ મારો નથી. મારા વાળ કાળા મેશ છે. આ તો ધોળો છે.”
હજામે કહ્યું : “સોગંદથી ,હજ્જ, આ તમારો જ છે. તમારા બધાં જ વાળ ધોળા થઈ ગયા છે.”
એ પુરુષ બોલ્યો : “આવું કેવી રીતે થયું અને ક્યારે થયું? હું મારા વાળ વિષે બરાબર જાણું છું. આખી જિંદગી હું કાળા વાળ સાથે ફર્યો છું. એણે રંગ ક્યારે બદલ્યો? અરીસો છે, બેટા?”
હજામે પોતાની પડખે એક કાળી બૅગના ખાનામાં હાથ નાખીને એક નાનો અરીસો કાઢી એ માણસને આપ્યો. એ પુરુષે મહિનાઓથી પોતાનો ચહેરો અરીસામાં જોયો નહોતો. જેવી એની દૃષ્ટિ અરીસા પર પડી, એ ધીમા સ્વરે રડવા લાગ્યો.
હજામે પોતાનું કામ બાજુ પર મુક્યું. મારા માટે પણ મારી આસપાસ બધું થંભી ગયું. મને ના તો પીડિતોની ચીસો સંભળાતી હતી, ના ઍમ્બ્યુલન્સની આવનજાવન દેખાતી હતી. એટલી હદે કે હું ભૂલી ગયો કે હું મારા મિત્રને મળવા અહીં આવ્યો હતો. રડતો હોઉં એવા દેખાવ સાથે મૌન રહીને હું હૉસ્પિટલના ઝાંપામાંથી નીકળી ગયો. એ સ્થળેથી મારા પગ મને દૂર લઈ ગયા. બધું જ ધોળું દેખાતું હતું, હજામની ખુરશીમાં બેઠેલા પચાસેક વર્ષના પુરુષનાં આંસુના રંગ જેવું. હું મારા રસ્તે આગળ વધતો ગયો. હવે મારા પગ મને ક્યાં લઈ જશે એના અણસાર વિના.
૨૬/૦૩/૨૦૨૪
— અલી અબુ યાસ્સીન
•
તળિયું તળિયાવિહોણું છે
૧૯૪૮થી અમે એક અનંત પાતાળમાં ધકેલાતા ગયા છીએ, જેથી આરોહણ, નિર્માણ અને પરિવર્તનની યાત્રા પાછી શરૂ કરી શકીએ. પરંતુ કમનસીબે તળિયું તળિયાવિહોણું છે. વર્ષોનાં વર્ષો વિતતાં ગયાં છે અને અમે અમારા પોતાનાં માંસ અને લોહીથી આઝાદીની કિંમત ચૂકવતા રહ્યાં છીએ. હદ વિનાનું બલિદાન આપવા હંમેશાં તત્પર રહીએ છીએ. એવું એક પણ પૅલૅસ્ટિનયન ઘર નથી જેણે શહીદો, કેદીઓ અર્પણ કર્યા નથી અને આગવા દેશ અને આઝાદી ખાતર ઘવાયા નથી. અમે હજુ રાહતની પ્રતિક્ષા કરી રહ્યા છીએ. રાહત અમારું સૂત્ર બની ગયું છે પરંતુ કશી રાહત અમને મળી નથી. એવું લાગે છે કે ધીરજ ‘સાબેર’ (અરબી ભાષામાં ધીરજ માટેનો શબ્દ) નામનો વ્યક્તિ બની ગયો છે અને સાબેર દેશ છોડીને ચાલ્યો ગયો છે, અમને માત્ર ધીરજ સાથે છોડીને, વિપદા, દમન અને હતાશા ભોગવવા માટે મજબૂર કરીને.
નકબાની શરૂઆતથી અત્યાર સુધી ના તો યુદ્ધનો અંત થયો છે અને ના તો બળવો બંધ થયો છે. ૧૪ વર્ષમાં ૬ યુદ્ધ લડવા શું શક્ય છે? આખા વિશ્વ વતી યુદ્ધ લડવા શું અમે એકમાત્ર ઠેકેદાર છીએ? બ્રહ્માંડ આખાના શસ્ત્રો ચકાસવા માટેનું અમે મેદાન બની ગયા હોઈએ એમ લાગે છે. આ ભૂમિ, જેને મિટાવવી અઘરી છે, જે અદૃશ્ય થવાનો, બદલાવવાનો, એની જગ્યા છોડવાનો ઈન્કાર કરે છે, જે હંમેશથી ટકી રહી છે, એવી ભૂમિ પર આવા ઘૃણાસ્પદ સંઘર્ષમાં જીવવા અને મરવાની શું અમારી નિયતિ છે? પરંતુ અમે, જેઓ કબજા હેઠળ છે એમના સહિત પૃથ્વીની સપાટી પરથી દરેક મનુષ્ય નક્કી ગાયબ થઈ જવાના. સો વર્ષ પછી બધાં મૃત્યુ પામીને માટીમાં ભળી જઈશું. આજે જન્મેલા છે તે પણ વિદાય લેતા પહેલા રીબાશે કારણકે સંઘર્ષ એમની વાટ જોઈ રહ્યો છે.
શું પૅલૅસ્ટિનયન તરીકે અમારી નિયતિ પૃથ્વીના ખૂણે ખૂણે વિખરાવવાની છે? બાકીના કાં તો શહીદ થશે, ધરપકડ વહોરશે, યુદ્ધમાં ખુંવાર થશે અથવા વિસ્થાપિત થશે અને પોતાના મૂળ વતનમાં પાછા ફરવાના દિવસનાં સપનાં સેવતા ત્રસિત અપરિચિતો તરીકે મોતને ભેટશે. ટેલીવિઝનના પડદા સામેના વિશ્વ સમક્ષ દરરોજ સેંકડોની સંખ્યામાં અમારી કતલ થતી રહે છે પરંતુ વિશ્વની એક માંસપેશી પણ હલતી નથી. જો કે વિશ્વમાં મુક્ત લોકોનું એક નાનું જૂથ છે જેને અમારા માટે અનુકંપા છે અને અમારી સાથે સૃદૃઢતા દર્શાવે છે અને ‘પૅલૅસ્ટાઈનની આઝાદી’ અને ‘ગાઝા સામેનું યુદ્ધ બંધ કરો’ એવા નારા બોલાવે છે!
૨૦૦૯થી અત્યાર સુધી હર્ષનાદ અટક્યો નથી. એક યુદ્ધ પછી માંડ શ્વાસ લઈએ ત્યાં તો નવું યુ્દ્ધ છેડાઈ જાય છે, ગત યુદ્ધ કરતાં વધું આકરું યુદ્ધ. યુદ્ધો સિસીફસની શીલાની માફક સતત ચાલ્યા કરે છે. ૧૬૦ દિવસથી અમે વિનાશક યુદ્ધનો સામનો કરી રહ્યાં છીએ. મને નથી લાગતું તે ઇતિહાસે આનાથી બદતર કશું નિહાળ્યું હશે. હજારો બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો શહીદ થયા છે. આરોગ્ય મંત્રાલયની આજની જાહેરાત મુજબ શહીદોની સંખ્યા એકત્રીસ હજારને પાર કરી ચુકી છે, એક લાખથી વધુ ઘવાયા છે અને હજારોને કેદ કરવામાં આવ્યા છે. હૉસ્પિટલમાં આવતા શબ પર આધારિત આરોગ્ય મંત્રાલયના આંકડા નક્કી કરાયા છે. પોતાના ઘરોના કાટમાળ નીચે દટાયેલા, સમૂહ કબરોમાં દફનાવેલા અને જે ગુમ થયેલા છે એ બધાં આરોગ્ય મંત્રાલયના આંકડા સિવાયના છે. ખુદા જ જાણે છે કોણ મૃત્યુ પામ્યું છે અને કોણ જીવતું છે.
આ યુદ્ધ પ્રત્યે હું સભાન થયો ત્યારથી એકના એક જ સમાચાર, ટિપ્પણી અને નકામાં વાક્યો સાંભળતો આવ્યો છું, જેવા કે ‘ક્યાં છે આરબો?’ આ વાક્ય મને ખૂબ જ ખિન્ન કરી મૂકે છે કારણ કે નકબાની શરૂઆતથી અમે આરબોને અરજ કરી રહ્યાં છીએ અને એમના તરફથી કોઈ જ પ્રતિસાદ આવી રહ્યો નથી. અમારે આવી અરજો કરવાની બંધ કરીને આઝાદી માટે આરબો અને ગુનેગાર કબજેદારો સિવાયના અન્ય સાધનોની ખોજ કરવી પડશે. ૧૯૪૮થી અત્યાર સુધીના તમામ કત્લેઆમ અને અમારી ભૂમિ પરનો કબજો, અમને અપાતી સજા, અમારા લોકો પ્રત્યેના એમના તિરસ્કાર અને ધિક્કારને કારણે મને વધુ ગુસ્સો આવે છે. કબજેગારો ગુનેગાર અને હત્યારા છે એવું અમારે ભણાવવું પડશે. હત્યા કરવી, ધરપકડ કરવી, અપંગ બનાવવા, વિસ્થાપન અને ભૂખમરા સહિત કબજેદારો શિક્ષાનું કોઈ સ્વરૂપ એમની પાછળ મૂકતા ગયા છે શું? એમના જુલ્મથી કોઈ બચી શક્યું છે? શું બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, વૃક્ષો, હવા અને માટી પણ કૅન્સર પેદા કરતાં યુરૅનિયમથી દૂષિત થઈ ગયાં છે કે નહીં? લાગે છે કે નવા વાર્તાલાપની જરૂર છે. અમારા હિસ્સામાં જે કંઈ બચ્યું છે એના સાંધા કરીને એની મારફતે જોડી શકીએ અને અમારી આઝાદી કેવી રીતે મેળવી શકીએ એ અંગે વિચારી શકીએ એવા નવીન અને જુદા વિમર્શની જરૂર છે. રૂઢિવાદી વિચારો અને પ્રયોગોથી વેગળા રહીને અમારા હક પુન: પ્રાપ્ત કરવા પડશે અને અમારા વાર્તાલાપના નવિનીકરણ માટે સમગ્ર રાજકીય અને માળખાંકીય પરિસ્થિતિનું નવીનીકરણ કરવું પડશે.
૦૩/૧૦/૨૦૨૪
— અલી અબુ યાસ્સીન
•
ગાઝા શહેરથી વિસ્થાપિત થઈ રાફામાં
ક્યાં જઈએ અમે? થાકી ગયા છીએ. અમારી જિંદગી ઉપરતળે થઈ ગઈ છે દોડતા દોડતા. જે ઘડીએ જાગીએ છીએ અમે દોડવા લાગીએ છીએ. ઢળતી રાત ડર અને આંતકમાં ફેરવાઈ જાય છે. દિવસ દરમ્યાન બ્રૅડની એક લાદી માટે, એક લીટર પાણી માટે, ખોરાકના એક કોળિયા માટે દોડ દોડ કરીએ છીએ. કદાચ અમે સુરક્ષિત રહી શકીએ, પણ કમનસીબે ગાઝામાં કોઈ જગ્યા સુરક્ષિત નથી. દોડીને ક્યાં ય પણ જઈએ, અમારા પર બોંબમારાનું જોખમ તોળાતું જ હોય છે, દરેક જગ્યાએ, દરેક ઘડીએ.
રાત આવે અને અમે બધાં એકબીજાની બાજુમાં બેઠાં હોઈએ ત્યારે એકબીજાંને ભેટીએ છીએ અને એકબીજાંની પડખે સૂઈ જઈએ છીએ જેથી અમારા હૃદયના ડરને ભૂલી શકીએ. આ રૂમ બીજા કરતાં સુરક્ષિત છે એવી ધારણાને આધારે એક રૂમમાંથી બીજા રૂમમાં ફરતાં રહીએ છીએ. છેવટે એમ માનીને દાદર નીચે લપાઈને બેસી જઈએ છીએ કે એ સૌથી સુરક્ષિત જગ્યા છે. જુઓ છો ને અમારા દિવસો કેવા પસાર થઈ રહ્યા છે? દોડવાનું, દોડતા રહેવાનું, ડર અને આતંક વચ્ચે.
પ્રત્યેક દિવસ એક સરખો વીતે છે…અને જે કોઈ પણ નાસવામાં સફળ થાય છે એમ માને છે કે એ ઉત્તરજીવી છે.
દુર્ભાગ્યે કોઈ ઉત્તરજીવી નથી. દરેક ઘરમાં શોક છે. પૂર્વે હયાત હતી એવી પ્રત્યેક સ્મૃતિ ભૂંસાઈ ચૂકી છે.
મને ખબર નથી પડતી આ બધું શેના માટે છે અને વિશ્વ અમારાથી છુપાઈને ક્યાં બેઠું છે?! શું અમારી જિંદગી આટલી સસ્તી છે, સાહેબ? કમ સે કમ તમે કહો છો એવાં પ્રાણી તો અમને સમજો! અમારી સાથે જે થઈ રહ્યું છે એમાં પ્રાણીના અધિકાર ક્યાં છે?
મને ખબર નથી, આવતીકાલ અમારાથી શું છુપાવી રહી છે પરંતુ એટલી ખાતરી ચોક્કસ છે કે અમે મૃત્યુ પામી રહ્યા છીએ. અમારો વારો આવે ત્યાં સુધી અમારે ભોગવવું રહ્યું અને દસ લાખ વાર મરવું રહ્યું.
અમે ના તો ભૂતકાળ જીવ્યા છીએ કે ના તો વર્તમાન કે ભવિષ્ય. અમે જીવનમાં કશું જ નથી ચાખ્યું. અંધકાર વચ્ચે સમૂળગું કાળું છે, ના કોઈ સ્વાદ ના કોઈ રંગ.
અમે હંમેશાં બિલ ચૂકવી દઈએ છીએ. એનું કારણ અમને ખબર છે. અમે બટકણા છીએ. હું માફ નહીં કરું. ખુદા શક્તિમાન છે…
શિયાળો શરૂ થઈ ગયો છે. એનો અર્થ શું થાય એ તમે જાણો છો?
એક તંબુમાં અમે ૩૦ લોકો રહીએ છીએ. કમનસીબે દર બે વ્યકિત એક ગાદલા પર એકબીજાને એડીથી ચોટી ચીપકીને સૂવે છે. વરસાદ પડે ત્યારે તંબુ ખાબોચિયામાં ફેરવાઈ જાય છે – ખુદા તમારા કોઈ સાથે આવું ના થવા દે – અમે પાણી વચ્ચે વાચાહીન થઈ બેસી રહીએ છીએ. લોકો રડવા લાગે છે, અમુક લોકો દુઆ કરવા લાગે છે, બીજાં કેટલાંક તંબુ સરખો કરવા લાગી જાય છે. કેટલી કંગાળ ને ઉદાસ પરિસ્થિતિ કહેવાય!
ખબર છે તમને? અમે ઊંધમાંથી જાગીને રસ્તા પર ભૂતની માફક ચાલવા લાગીએ છીએ. સાપ ભાળ્યાથી ચહેરો થઈ જાય એવા. ગાઝામાં બધાં જ લોકો આઘાત પામેલા છે. અમને ખબર નથી વાસ્તવમાં શું ચાલી રહ્યું છે???
અમે સપનું જોઈ રહ્યાં છીએ કે પછી આ ‘Candid Camera’* છે? આશા રાખું છું કે એ સ્વપ્ન હોય કે પછી દુ:સ્વપ્ન પણ હોય. અમે જાગીએ અને વાસ્તવમાં કશું ના બન્યું હોય ત્યાં સુધી ઠીક છે.
જો મારે શહીદ થવાનું આવે … તો ના હું બલિદાન અર્થે શહીદ થાઉં અને ના તો કોઈને ખાતર …
ત્રસિત થઈ હું મરણ પામ્યો, સિદ્ધ નહીં થયેલા કેટલાં ય સપનાઓ સાથે લઈને … જીવનની ચાહ સેવતો હતો એવામાં હું મૃત્યુ પામ્યો ….
*અમૅરિકન ટૅલિવિઝન સિરીઝ
— ટામેર નીજીમ
૧૩/૧૨/૨૦૨૪
•
હેબા દાઉદની કહાની
સાચું કહું, હું ઠીક નથી પણ મારી સાથે જે કંઈ પણ બન્યું એ સઘળું હું તમને કહીશ.
પહેલા હું મારા ઘરે રહેતી હતી. જે ઘર મારા પતિ અને મેં એક એક ઈંટ કરીને હાથથી હાથ મેળવીને બાંધ્યું હતું. અમે ત્યાં જ હતાં પણ બખ્તર ગાડીઓ આવવા લાગી. અમે અલ-શિફા હૉસ્પિટલ પાછળ રહેતાં હતાં. બખ્તર ગાડીઓ વધુ ને વધુ નજીક આવતી ગઈ. કાળી ડિબાંગ રાત દરમ્યાન અમારા માથા પરથી ઊડતી ગોળીઓ વચ્ચે અમે સૂતાં રહ્યાં.
સવાર પડવાની વાટ જોયા બાદ ઘરેથી નીકળીને અમે અમારાં સગાંવહાલાં પાસે જતા રહ્યાં. તમને ખબર છે? કહેવાય છે, “એકસાથે મરવું સારું….” એટલે અમે મારા પતિના પરિવાર સાથે રહેવા ગયા. અમે બધાં એક જ ઘરમાં હતાં, પરંતુ કોઈ જગ્યા સુરક્ષિત નહોતી. હકીકતે, આખી ગાઝા પટ્ટીમાં એક પણ જગ્યા સુરક્ષિત નથી. બે દિવસ બાદ મેં જાણ્યું કે અમારા ઘર ઉપર બે મિસાઈલ પડી છે. ખુદાનો આભાર. પૈસા પાછા કમાઈ લેવાય પરંતુ મહત્ત્વની વાત એ હતી કે અમે સલામત હતાં.
બીજા દિવસે રાત્રે ૧૧.૦૦ વાગે, મારાં સાસુસસરાના ઘર નજીક લોકોએ ફટાકડો ફોડ્યો. અમે ડરથી ફફડવા લાગ્યાં અને બધાંએ એમના સંતાનોને બાથમાં લઈ લીધાં. મારા સસરા મારા સાસુને ભેટી પડ્યા, મારા પતિ મને અને અમારા સંતાનોને ભેટી પડ્યા. અમારી ચારેયકોર રૉકૅટ પડી રહ્યા હતા અને અમે બધાં બેસીને ધ્રૂજી રહ્યાં હતાં. અમારા માથા પરની છત અને બારીના કાચમાં તિરાડો પડવા લાગી અને કાળક્રમે મિસાઈલની વર્ષા બંધ થવાની અમે રાહ જોવા લાગ્યા. લગભગ ૫૦ મિસાઈલ ઝીંકાઈ હશે. એ લોકો મિસાઈલો ઝીંકતાં રહ્યાં અને અમે મરવાના અમારા વારાની વાટ જોતાં બેસી રહ્યાં. હકીકતે, અમને એવું જ લાગતું હતું કે હવે અમારો વારો છે અને ઝીંકાતી દરેક મિસાઈલ સીધી અમારી તરફ જ ધસી રહી છે. મારી નજર સામે આગ, નીચે પડતા કાચ અને દીવાલોમાં પડતી તિરાડો જોઈને હું હિંમત હારી ગઈ. ઓછામાં ઓછા અડધા કલાક સુધી મોત અમારી નજર સામે હતું, નર્યું મોત.
બોંબમારો બંધ થયો અને હવે અમારાથી બીજા માળે રહેવાય એમ નહોતું કારણ કે દીવાલો અને છતમાંથી પાણી ચુવા લાગેલું. આથી અમે ભોંયતિળયે દાદર નીચેની જગ્યામાં બેસવાનું નક્કી કર્યું. બોંબમારો પાછો ચાલુ થઈ જશે એમ માનીને અમે બે કલાક સુધી હતાં એમ ને એમ બેસી રહ્યાં. પણ કશું થયુ નહીં. અમને લાગ્યું કે બોંબમારો એટલે બંધ થયો છે કે ઈઝરાયેલી સેનાનો બોંબનો જથ્થો ખતમ થઈ ગયો હશે એટલે અમે દાદર નીચેથી બહાર આવ્યાં.
મારા સસરા ઉઠ્યા અને દુઆ કરવા લાગ્યા. કુરઆન વાંચ્યા બાદ મારા પતિ બોલ્યા : “સારું, સૂવાની તૈયારી કરીએ. સ્ત્રીઓ બૅડરૂમમાં સૂઈ જાવ, અમે પુરુષો બેઠકરૂમમાં સૂઈ જઈશું. ”આ સળંગ ત્રીજો દિવસ હતો કે અમને ઊંઘ આવી ન હતી. અમારા શરીરને સહેજ પણ આરામ આપી શક્યા ન હતા. રાતના એક વાગે માથું નીચે મૂકીને મેં મારા દીકરા અને દીકરી સાથે લંબાવ્યું. મારા પતિને મેં કહ્યું: “મારી પડખે રહો, અમારી બાજુમાં સૂઈ જાવ.” મારા પતિ આવ્યા એટલે અમને ઠીક લાગ્યું.
ત્રણ વાગે મારા પતિ બીજા પુરુષો જોડે બેસવા બહાર ગયા અને એમની બહેન અમારા રૂમમાં આવી. આખું ઘર હાલી ગયું એવા મોટા ધડાકાથી હું જાગી ગઈ – મેં આવું અનુમાન નહોતું બાંધ્યું. ઘર ઊપર બોંબમારો કરવામાં આવ્યો હતો. બધે જ ધૂળ ફરી વળી હતી. બાળકો ધૂમાડાથી કાળા થઈ ગયાં. મારો શ્વાસ રૂંધાતો હતો. મારી નણંદ મારી બાજુમાં બેસીને રડી રહી હતી એટલે મેં એને કહ્યું: “આપણે શહીદ કહેવાઈશું, મારી લાડકી, શું કરવા રડે છે?”
જવાબમાં એ મને એટલું જ કહી શકી, “મારા અબ્બા, હેબા, મારે મારા અબ્બા સાથે મરવું છે.” રૂમના દરવાજા સામે મેં જોયું પણ મને કાટમાળ અને ઢગલા ઊપર ઢગલા સિવાય કંઈ ના દેખાયું. મને અંદાજ આવી ગયો કે અમારા ઘર ઉપર બોંબમારો થયો છે.
ઢગલાને પાર કરીને હું બેઠકરૂમમાં ગઈ. ક્યાં ય કોઈ માનવ અવશેષો નહોતા. કોઈનો અવાજ આવતો નહોતો. કોઈ જીવિત નહોતું. હું મારા પતિને શોધવા લાગી અને એમને બૂમ પાડવા લાગી. હું એમના નામની બૂમો પાડતી રહી પણ મને એમનો અવાજ સંભળાયો નહીં. મારા સસરા દેખાયા. એ ભાનમાં હતા. મારા નણદોઈ શહીદ થઈ ગયા હતા, ખુદા એમના પર રહેમ કરે. મારા સસરા અને મારા પતિની જેમ એ પણ ડૉક્ટર હતા. લોહીલુહાણ હાલતમાં એ શહીદ થઈ ગયેલા. મારા સસરા જીવિત હતા, એમણે માથું ફેરવી, એમની જુબાની પઢી, સ્મિત આપ્યું અને મરણ પામ્યા.
મારા પતિને હું શોધતી રહી પણ એ મને મળ્યા નહીં. મને ખરેખર ખબર નથી કેવી રીતે મારાથી શક્ય બન્યું પણ મેં એક પછી એક ઈંટો ખસેડવાનું ચાલું કર્યું. થોડી વારે મને મારા પતિનું માથું દેખાયુ. એમના માથાની ચામડી ઉતરડાઈ ગઈ હતી એટલે કે માથાની ચામડીના બહારના પડ લટકતા હતા. મને કશી સૂઝ પડી નહીં. બે ઘડી એમ લાગ્યું કે એ મૃત્યુ પામ્યા છે. હું ચીસો પાડવા લાગી, એમને નામથી બોલાવવા લાગી અને એમના ઉપરથી પત્થર હટાવવા લાગી. કાટમાળની બે મોટી શીલાઓ વચ્ચે એમના પગ ફસાયેલા હતા.
જ્યારે મેં એક મોટો પત્થર એમના ઉપરથી હટાવ્યો, પીડાથી એ ચીસ પાડી ઊઠ્યા. મને હાશ થઈ કે મારા પતિ જીવિત છે. ઉતાવળે એમની ઉપરથી જેમ જેમ વધુ ને વધુ પત્થર હટાવતી ગઈ એમ દેખાવવા લાગ્યું કે એમના માથાની ચામડી ખરતી જતી હતી અને એમનો કાન પણ છુટ્ટો પડી જવાની અણી પર હતો. એક ટૂકડાથી એમનો કાન માથા સાથે અટકી રહેલો. હું એમને બહાર કાઢતી જતી હતી એવામાં પાડોશમાં રહેતા એમના કાકા મારી મદદે આવ્યા. મારા પતિને અમે ઊંચકીને લાકડાના એક પાટિયા પર મૂક્યા.
એવે વખતે એક ચમત્કાર થયો. સામાન્ય રીતે જ્યારે કોઈ ઘર પર બોંબમારો થાય છે ત્યારે સંદેશાવ્યવહારની સેવાઓ સંપૂર્ણપણે કપાઈ જતી હોય છે. પરંતુ અહીં ચાલુ હતી એટલે હું મારા ડૉક્ટર પિતાને ફોન કરી શકી. મારા પતિ પણ ડૉક્ટર છે અને એમને ઘણાં ડૉક્ટરોની ઓળખાણ છે એટલે મારા પતિના ફોનથી એ ડૉક્ટરોને ફોન કરવા લાગી અને એમને અમારી વિષમ પરિસ્થિતિ વિષે જણાવવા લાગી. સાચું કહું તો મારી ક્ષમતા મારા પતિના માથા પર માંડમાંડ પાટો બાંધવા જેટલી જ હતી. મેં હિજાબ પહેરેલો હતો એટલે મેં હિજાબ ઉતારીને મારા પતિના માથા પર વિંટાળી દીધો અને એની ઉપર બૅન્ડૅના બાંઘી દીધો જેથી પાટો સરકી ના જાય. મારા પતિનો જીવ બચાવવા મેં મારો બનતો પ્રયત્ન કર્યો. મારાં બાળકો હેમખેમ હતાં. હું એમની ખબર કાઢવા બહાર ગઈ અને મારા પતિ પાસે પાછી ફરી તો મારા ચારેકોર બાળકો જ બાળકો નજર આવ્યાં. મારી ભત્રીજીઓ કાટમાળ નીચે દબાઈ ગયેલી. અમે એમને બહાર કાઢવા કાટમાળ હટાવવા લાગ્યા. બાકીના બધાં શહીદ થઈ ગયેલા. ૯ શહીદો થયા હતા ઘરમાં. નવ શહીદો, નવ. એમાં મારી ૨૮ દિવસની નાનકડી ભત્રીજી પણ હતી. એ યુદ્ધ દરમ્યાન જન્મી અને યુદ્ધ દરમ્યાન જ મૃત્યુ પામી. એના જન્મના દાખલા પહેલા અમે એના મરણનો દાખલો મેળવ્યો. અમે કાટમાળ ખસેડી રહ્યા હતા તે દરમ્યાન બોંબમારો સતત ચાલુ હતો. મારી આજુબાજુ બધે આગ દેખાતી હતી. એમને અમારા પર સહેજ પણ દયા આવતી નથી. બોંબમારો અટકાવતા જ નથી. થોડી વાર પછી એમણે પોરો લીધો. અમે ઍમ્બયુલન્સ, સિવિલ ડિફૅન્સ અને રૅડ ક્રૉસનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ કોઈએ ઉત્તર આપ્યો નહીં. સંપર્ક થયો ત્યારે સામે છેડેથી કોઈએ કહ્યું: “અમારાથી આવી શકાય એમ નથી.” કલ્પના કરો. બોંબમારો પરોઢમાં ૩.૩૦ કલાકે થયો હતો, મારા પતિ ઘવાયા હતા અને એમને હૉસ્પિટલ લઈ જવા અત્યંત આવશ્યક હતું.
મેં મારા પતિના હૃદય પર હાથ મૂક્યો અને એમને સાજા કરવાનો પ્રયત્ન કર્યો કારણ કે કોઈ કરતાં કોઈ અમારી મદદે આવી શકે એમ નહોતું. જે કોઈ ઍમ્બયુલન્સ અમારા સુધી આવવા માટે નીકળતી તો એ લોકો (ઈઝરાયેલીઓ) એના પર ગોળીબાર કરતા.
અબુ હસીરા સ્ટ્રીટ વિસ્તારમાં કોઈ પ્રવેશી શકે એમ નહોતું. સવારના ૯ અથવા ૧૦ વાગ્યા સુધી હું મારા પતિના પડખે બેસી રહી. ઘર પર બોંબમારો કર્યા બાદ એ લોકો રસ્તા પર કવાયત કરતા. મારો કહેવાનો અર્થ એ છે કે અમારા ઘરના ભગ્નાવશેષોથી વધુ ઊંચાઈ પર હું મારા પતિ સાથે હતી. અમારી નજર રસ્તા ઉપર હતી. મારા પાડોશીનું ઘર દેખાતું હતું એટલે હું એમની સાથે વાત કરવા લાગી અને પૂછવા લાગી કે એમનો શું કરવાનો વિચાર હતો, ક્યાં જવાનું નક્કી કરતાં હતાં, વગેરે જેથી અમે પણ એવું કરી શકીએ.
એમણે અમને એમનો ફોન નંબર આપ્યો અને થયું એવું કે મારા પાડોશીઓ ઘર છોડીને જઈ રહ્યાં હતાં એ દરમ્યાન જ બે મિસાઈલ એમના ઘર ઉપર પડી અને એમનું ઘર બેસી પડ્યું. એમણે સફેદ વાવટા ફરકાવેલા અને એમનાં સગાંવહાલાંને ત્યાં જઈ રહ્યાં હતાં તેમ છતાં એમના પર મિસાઈલ પડી અને એ લોકો શહીદ થયાં. મારાથી એ જીરવાયું નહીં. મને સૂઝ પડતી નહોતી કે અમારે નીકળી જવું જોઈએ કે નહીં. અમે વિશ્વને હાક નાખી કે રખે ને કોઈ અમારા વતી સહાય માગે પણ અમે નિષ્ફળ ગયાં. રૅડ ક્રૉસે અમને કહ્યું કે ઍમ્બયુલન્સ નહીં આવી શકે કારણ કે એમને ઈઝરાયલીઓ તરફથી બોંબમારાનો ભય હતો. એમણે એમની નિસહાયતાની કબૂલાત કરી. હું તમને કહેવા માગું છું કે મારી સાથે જીવિત લોકોમાં મારા પતિ ઈબ્રાહીમ, એમના કાકા, અમે બધી સ્ત્રીઓ અને મારાં વૃદ્ધ સાસુ હતાં. ઈબ્રાહીમને ઊંચકીને અમે ઘરના કોઈ સુરક્ષિત ખૂણામાં લઈ જવા સક્ષમ નહોતા કારણ કે ઉપલા માળની છત તૂટીને નીચલા માળની છત ઉપર પડી ગયેલી.
ઈબ્રાહીમ પાસે બેસી રહેવા સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. હું ખાતરી કરતી રહી કે એ મને ઉત્તર આપે. વારે વારે હું એમને ઢંઢોળીને કહ્યાં કરતી, “જીવતા રહેજો, જીવતા રહેજો,” અને જવાબમાં એ કશુંક ગણગણતા એટલે મને ખાતરી થતી કે એ જીવિત છે.
૪.૩૦ વાગે સાંજે હુમલા ચાલુ જ હતા અને એક મિસાઈલ અમારા માથા પરની છત ઉપર પડી. છત ફરીથી અમારા ઉપર ધસી પડવાની હતી! અમારી જોડે જે બધાં હતાં એમને મેં જઈને કહ્યું કે મારા પતિને ખસેડવાની જરૂર છે એટલે અત્યંત કાળજીથી અમે એમને ઊંચક્યા. એ કાટમાળ નીચે દબાયેલા હતા એટલે અમને ડર હતો કે એમની કરોડરજ્જુને નુકસાન થયું હશે. તમારી સમજણ બહારની વાત છે કે કઈ હદે અમારે કાળજી દાખવવી પડે એમ હતું. એ બિચારા ઝોલા ખાઈ રહ્યાં હતાં પરંતુ અમારી છત ગમે તે ઘડીએ અમારા ઉપર ઢબી પડે એમ હોવાથી અમારે ગમેતેમ કરીને એમને બચાવવાના હતા. અમારા બાજુના ઘરમાં જઈને અમે બેઠા. એ ઘર ઉપર પણ બોંબમારો થયો હતો, પરંતુ એની દશા અમારા ઘર કરતાં સારી હતી. ખૂબ જ અંધારી રાત હતી. અમે તમામ લાઈટો અને અમારા ફોન બંધ કરીને બેસી રહ્યા જેથી કબજેદાર સૈનિકોને ખ્યાલ ના આવે કે અમે હજુ જીવિત છીએ. સવાર પડે એની જ રાહ હતી. મેં મારા કુટુંબીજનોને કહ્યું હતું કે સવારે મદદ માટે કૉલ કરી શકાશે. જેટલા ઓળખીતા હતા એમને અપીલ કરવાની વિનંતી કરવી હતી. ભલું થજો આ જાફરી ટીચરનું જેમણે જાહેર અપીલ કરી જેને ૧૮૦ લાખ વ્યુઝ મળ્યા અને એમની અપીલ બાદ મને થોડું ધ્યાન મળ્યું. ખુદા ‘અલ-જઝીરા’નું પણ ભલું થજો કારણ કે મારા સસરા ડૉ. હમામા જાણીતા ડૉક્ટર હતા અને એ શહીદ થયા એટલે ‘અલ-જઝીરા’ને ધ્યાને આવેલું. એમણે જાહેરાત કરેલી: “અલ-નખાલ પરિવાર અંગે ધ્યાન આપીએ જેમાં ઘણી જ સ્ત્રીઓ અને બાળકો ઘવાયાં છે.”
સવારે ૯ વાગે આઈ.ડી.ઍફ.એ અમને કૉલ કર્યો અને તાત્કાલિક ઘર છોડી દેવાની સૂચના આપી. રસ્તા પર ૨૫ પરિવારો હતા. અમારી માફક એ પણ ફસાયેલા અને ઘવાયેલા હતા. પરંતુ અમને જ ઘર છોડવાની સૂચના આપવામાં આવી. એમણે કહ્યું: “તાત્કાલિક ઘર છોડી નીકળી જાવ નહીં તો તમારી પર અને તમારા ઘર ઉપર બોંબમારો કરીશું.”
મેં સૈનિકને કહ્યું, “આમ પણ મારે જવું જ છે. મારા પતિ ઘવાયેલા છે અને એમને હૉસ્પિટલ લઈ જવા માટે મારે સ્ટ્રેચરની જરૂર છે. હું એમને ઊંચકીને લઈ જઈ શકું એમ નથી. એમને લઈને રસ્તો ઓળંગવો મુશ્કેલ છે. બધે જ મકાનોનો કાટમાળ અને પત્થર પડેલા છે.“ એણે કહ્યું, “એ તમારે જોવાનું છે, હું તમને કશું લાવી આપી શકીશ નહીં.” મેં કહ્યું, “કશો વાંધો નહીં, પરંતુ રૅડ ક્રૉસને જાણ કરો કે તમે અમને નીકળી જવાનો આદેશ કર્યો છે.” એ બોલ્યો, “રૅડ ક્રૉસને તમારી મદદ કરવી હોય તો કરે, હું તો હાલ જ બોંબમારો કરીશ.” એણે ફરીથી કહ્યું, “બોંબ ઝીકું છું, તરત જ ચાલ્યા જાવ.”
અમે પાગલની માફક દોડવા લાગ્યાં. મારા પતિને મેં કહ્યું, “આપણે હાલ જ નીકળવું પડશે.” એ બોલ્યા, “તમે બધાં જાવ. મને અહીં જ રહેવા દો. મારા કારણે તમારા જીવ જોખમમાં ના નાખો. તમારી જાન બચાવો.” મેં એમને કહ્યું, “ખુદાનો વાસ્તો, હું તમને મૂકીને ક્યાં ય નહીં જાઉં. તમારા પડખે મોતને ભેટીશ. તમારા વગર નહીં જ જાઉં.” અમે બધાંએ એમને કહ્યું કે એમને એકલા મૂકીને અમે ક્યાં ય નહીં જઈએ. એમની સાથે જ રહીશું. જ્યાં સુધી એ અમારી સાથે આવવા તૈયાર નહીં થાય અમે નીકળીશું નહીં.
પ્લાસ્ટિકની ખુરશીમાં અમે એમને ઊંચકી લીધા. મને ખ્યાલ નથી અમે કેવી રીતે આ કરી શક્યા. કાટમાળમાં અમને એવી એક ખુરશી મળી જેને અમે ઢસડી શકીએ એમ હતું. એટલે એમાં ઈબ્રહીમને બેસાડીને ઢસડીને લઈ જવા લાગ્યા. અમે જે રસ્તા પર હતા એની અને અલ-શિફા હૉસ્પિટલના રસ્તા વચ્ચે અમે એમને ઢસડીને લઈ જતા હતા. લગભગ અડધે પહોંચ્યા હઈશું એવામાં ચમત્કાર થયો. અચાનક મેં હાથમાં સફેદ વાવટો લઈને કોઈને જોયા. એક યુવાન સ્ટ્રૅચર લઈને અમારી તરફ દોડીને આવતો દેખાયો. હું નથી જાણતી એને કોણે મોકલ્યો હશે પરંતુ એટલું જાણું છું કે અમારે માટે આવ્યો હતો.
ઈબ્રાહીમને સ્ટ્રૅચર પર સૂવડાવીને અમે અલ-શિફા હૉસ્પિટલ ભણી દોડી ગયાં અને ખુદાનો આભાર કે ડૉક્ટરે એમના માથામાં ટાંકા લઈ લીધા અને એમનો કાન સાંધી કાઢ્યો. ટૅસ્ટ કર્યા બાદ ડૉક્ટરોને ખ્યાલ આવ્યો કે મારા પતિની પાંસળીઓમાં ત્રણ ફ્રૅકચર છે અને એમના ફેફસાંમાં ઑક્સીજન ભરાયેલો છે. તેથી ઑક્સીજન શોષી લેવા એમને ચૅસ્ટ-ટ્યૂબ આપવામાં આવી.
મેં મૃત્યુને નજીકથી જોયું. મારા પતિ સખત માનસિક પીડા અનુભવી રહ્યાં હતા. ખૂબ પીડાદાયક અવસ્થામાંથી પસાર થઈ રહ્યાં હતા. એ ભાનમાં આવ્યા ત્યારે એમને હું કે અમારા બાળકો યાદ નહોતા. એમને કોઈ યાદ નહોતા. એમના પિતા શહીદ થયેલા, એમના ભાઈ બે કકડામાં કપાઈને શહીદ થયેલા, મારા ભાઈ એમના પરમ મિત્ર હતા અને એમની સાથે યુનિવર્સિટી ઑવ યૅમનમાં ભણ્યાં હતા, મારા ભાઈ બધાંને પ્રિય હતા. એ પણ શહીદ થયેલા. જે ઘટનાઓ બની હતી એ એમના માટે જીરવવી અસહ્ય હતી એટલે એ સખત માનસિક આઘાતમાં સરી પડેલા. વાસ્તવિક્તાથી એ ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. જ્યારે એમને હું અને મારાં બાળકો વિસરાઈ ગયેલાં ત્યારે હું ખૂબ ભાંગી પડેલી. ખુદા જાણે છે હું કેટલી મુશ્કેલીથી એમની પડખે અડીખમ રહી શકેલી.
બે દિવસ બાદ, અમે હૉસ્પિટલમાં બે કે ત્રણ દિવસ ગાળેલા, મને સ્પષ્ટ યાદ નથી, અલ-શિફા હૉસ્પિટલને તાત્કાલિક ધોરણે ખાલી કરવાનો આદેશ આવ્યો. હું રડવા લાગી. કબજેદારોના આદેશ મુજબ અમારે અલ-શિફા હૉસ્પિટલથી દક્ષિણમાં સાલાહ અલ-દિન જવાનું હતું. મારા પતિને કેવી રીતે લઈ શકાશે? બાર કિલોમીટરનું અંતર પગપાળા કાપવાનું હતું અને તાત્કાલિક રવાના થવાનું એ જુદું. હું હિંમત હારી ગયેલી પરંતુ મારી ભીતરથી અવાજ આવ્યો કે હું પહોંચી વળીશ. હૉસ્પિટલમાં બે કલાકની શોધખોળ બાદ અમને વ્હીલચૅર મળી જેથી મારા પતિને ખસેડવામાં સગવડ રહે.
અમે મૃત્યુથી મૃત્યુ સુધી ચાલતા રહ્યાં છીએ. ખરેખર, અમે મૃત્યુથી મૃત્યુ સુધી જ જઈ રહ્યાં હતાં. અલ-શિફા હૉસ્પિટલથી અમે ચોગાનમાં આવ્યાં અને ઈઝરાયેલી જેને સુરક્ષિત કૉરીડૉર કહે છે એ ભણી ચાલવા લાગ્યા. પરંતુ એ ખોટું બોલેલા. જૂઠા હતા એ લોકો.
સાલાહ અલ-દિન રૉડના ચૅકપોઈન્ટ પર અમે પહોંચ્યાં. મારી ચાર વર્ષની દીકરી અમારી સાથે હતી, બિચારી. મારી પાસે ખાવાનું નહોતું. પાંચ મહિનાનો દીકરો હાથમાં, પીઠ પર બૅગ લઈને મારા પતિની વ્હીલચૅરને ધક્કો મારતી જઈ રહી હતી. મારા ખભા સૂજી ગયા હતા. ઈઝરાયેલી ચૅકપોઈન્ટ પર અમને સવારના ૧૧ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધી રાહ જોવડાવી. કોઈને પાર જવાની અનુમતિ નહોતી. એ લોકો અમારી સાથે આવું વર્તન કરતા હતા. બેસવાની મનાઈ હતી. એમણે અમને ઊભા રહેવાની ફરજ પાડી. ૧૦ પુરુષોની અમથી ધરપકડ કરી બોલવા લાગ્યા, “ચલો, આ બાજુ આવો.” છેવટે સાંજના ૪ વાગે એમણે પ્રવેશ બંધ કરી દીધો. એમણે બધાંને કહ્યું, “જાવ. ચાલતા થાવ.” ક્યાં જવાનું? કેવી રીતે જવાનું? એમણે કહ્યું, “અમને શું પૂછો છો? તમારી જાતે શોધી કાઢો. ચલો, ચાલવા લાગો.” જે કોઈ જવાનો ઈન્કાર કરે એને ગોળી મારી દેતા. નાસતા લોકોની પાછળ પણ ગોળીબાર કરતાં હતાં.
ફરી એકવાર વિસ્થાપિત થઈને અમે ઉત્તર દિશામાં પાછા ફર્યા જ્યાં એ લોકો સતત બોંબમારો કરી રહ્યાં હતાં. રાત પડી અને અમે રાતવાસો કરવા જગ્યા શોધવા દોડાદોડ કરી રહ્યાં હતાં. ઑલિવ સ્ટ્રીટ પર એક સ્કૂલ હતી. એ વિસ્તાર જોખમી હતો. જે લોકો સ્કૂલમાં આશરો લઈ રહ્યાં હતાં એમણે અમને કહ્યું, “અહીં આવી જાવ.” એ લોકો અમને એ સ્કૂલમાં લઈ ગયાં. એ રાત મારા જીવનની સૌથી ભયાનક રાત હતી. અમારી પાસે કશું જ નહોતું. ખૂબ ઠંડી હતી. અમે ક્લાસરૂમમાં બેઠાં. ના શેતરંજી, ના ઓશીકા, ના કામળા, કશું જ નહીં. ટાઈલ્સ પર હાડ ધ્રૂજાવતી ઠંડીમાં અમે અમારાં બાળકો સાથે બેસી રહ્યાં. સ્કૂલની ચારેકોર આગનું વર્તુળ હતું અને કાચની કરચો ઊડીને અમારી ઉપર પડી રહી હતી. આખી રાત ભયમાં વિતાવી અને સવારે સામસામે ગોળીબારો થવા લાગ્યા. સ્કૂલના દરવાજા પર ગોળીઓ વરસવા લાગી. બારીની બહાર જોયું તો બખ્તર ગાડીઓ ઊભી હતી એટલે અમે ભાગવા લાગ્યા. બધાં દોડવા લાગ્યા અને એ લોકો અમારી પીઠ પાછળ બોંબ ઝીંકી રહ્યાં હતાં. અમે ગાઝા પાછા ફર્યા. મારા જીવનનો એ સૌથી બદતર દિવસ હતો.
મારા બનેવીનાં અમુક સગાં એ વિસ્તારમાં રહેતાં હતાં. અમે હંગામી ધોરણે એમના ત્યાં આશરો લેવા પહોંચ્યાં. અમને માત્ર ચાર દીવાલો જોઈતી હતી. મારું ઘર સંપૂર્ણપણે ખતમ થઈ ગયેલું. મારા સસરાનું ઘર પણ બચ્યું નહોતું.
યુદ્ધ વિરામ બાદ અમારો પરિવાર ઘેર પાછો ફર્યો ત્યારે ઘર ઓળખાય એવું રહ્યું નહોતું. ફોસફોરસનાં ખોખાં વિખરાયેલા પડ્યાં હતાં. બધું સાવ સાફ થઈ ચુકેલું. અદૃશ્ય થઈ ચુકેલું. નામોનિશાન બચ્યું નહોતું. મારા ભાઈઓના ઘર પણ એક પછી એક વિનાશ પામેલા. મારાં બહેન, બનેવી અને એમનાં બાળકો કાટમાળ નીચેથી બહાર આવેલા, ખુદાએ એમને સલામત રાખેલાં. એ લોકો પણ વિસ્થાપિત છે. અમે બધાં વિસ્થાપિત છીએ.
મારી નજર સામે મેં અનેક વખત મૃત્યુ જોયું છે. મારી સગી આંખોથી મૃત્યુ જોયું છે. હું આ અવસ્થામાંથી બહાર નીકળી શકતી નથી. મારી જાતને મજબૂત કરવાનો પ્રયત્ન કરી રહી છું. મારા પરિવાર સામે હું સ્વસ્થ હોઉં એવો દેખાવ કરું છું, પરંતુ અંદરખાને હું સાવ ભાંગી પડી છું. હું આ બધું કેવી રીતે સહન કરી શકી એ જ ખબર નથી પડતી. બધા કાટમાળ, સ્કૂલ અને ત્યારબાદ બધાંમાંથી કેવી રીતે અમે પાર પડી શક્યા? જે ઘરમાં અમે રહીએ છીએ ત્યાંથી થોડેક દૂર બોંબમારો થવા લાગ્યો. એ વિસ્ફોટ મેં જોયો પણ આ પહેલા થયેલો એવો નહોતો. અગાઉ મારી નજીક થયેલો ત્યારે હું ડરી ગયેલી. જે બધાંમાંથી હું પસાર થઈ છું એ બધું મને યાદ છે. આગનું વર્તુળ યાદ છે. ધસી પડેલી દીવાલો યાદ છે. ભૂતકાળમાં બની ગયેલું બધું એ હદે યાદ છે જાણે કે આંખો સામે એનું પુનરાવર્તન થઈ રહ્યું હોય. મારી અમ્મીને બાથ ભરીને મેં કહ્યું, “અમ્મી, હું આ બધું જોઈ શક્તી નથી. મારે ફરી આ બધું જોવું નથી. બસ, બહુ થયું. હવે વધુ નહીં!” આ ઘરમાં અમે હંગામી ધોરણે છીએ. યુદ્ધ અટકશે ત્યારબાદ અમે ક્યાં જઈશું કે ક્યાં રહીશું અમને ખબર નથી!
યુદ્ધવિરામ બાદ હું બહાર રસ્તા પર નીકળી. રસ્તા ભયાનક બની ગયા છે. રણ જ રણ જાણે. ખરા અર્થમાં રણ. હું મારા ઘરમાં પ્રવેશી, કંઈક મળી જાય, કોઈ વસ્ત્ર કે બીજી કોઈ ચીજ એવી આશા સાથે હું આમતેમ જોવા લાગી. મારા ઘરની દશા જોઈ મને રડવું આવી ગયું. કંઈક નાનું અમથું પણ હાથ લાગી જાય એવો બધો જ બનતો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારથી મિસાઈલ્સનો મારો છે ઘર બિલકુલ રહેવા લાયક રહ્યું નથી. ખુદાનો આભાર કે એ વખતે અમે ઘરે નહોતા!
ખુદાની રહેમ, મારા પતિની સ્થિતિ ધીરે ધીરે સારી થતી જાય છે. હવે એમની તબિયત સુધરી છે પરંતુ ટાંકા ખોલવાની હજુ વાર છે. કાટમાળ નીચે દબાયેલા રહેવાથી એમના સ્નાયુઓને વધુ નુકસાન થયું છે. સ્નાયુઓને પૂર્ણ રીતે ઠીક થતા હજુ સમય લાગશે. માનસિક આઘાતમાંથી પણ એ બહાર આવી રહ્યાં છે પરંતુ ધીરજ રાખવી પડશે. ડૉક્ટરોના કહેવા મુજબ ઓછામાં ઓછા બે મહિના લાગશે અને ખુદા ચાહશે તો પહેલા કરતાં પણ સારી સ્થિતિ થઈ જશે. એટલું જ કે સમય લાગશે. એમણે અનુભવેલા માનસિક આઘાતની તીવ્રતા જોતાં સમય તો લાગે જ ને.
હવે મેં તમને મારી પર વિતેલું બધું જ કહી સંભળાવ્યું છે જેથી હું એ કૂતરાઓને (ઈઝરાયેલીઓ) ખુલ્લા પાડી શકું. તમે અમારા અવાજનો પ્રસાર કરો અને અમારી આપવિતી બધાંને જણાવો. ખુદાનો આભાર કે મેં આ બધું મારી નજરે જોયું. અમે અમારા વહાલાઓને ખોયા, અમારા ઘર ખોયા, અમારી કમાણી ખોઈ, તમામ ખોયું સિવાય કે ‘ખુદાનો આભાર’, ‘ખુદાનો આભાર’, ‘ખુદાનો આભાર’. હું જીવિત છું, મારા પતિ, મારાં બાળકો, અમે બધાં જીવિત છીએ. ખુદા મારા સસરા, જેઠ અને નણંદની રૂહ પર રહેમ કરે. ખુદાનો આભાર કે હું અને મારા બાળકો હેમખેમ છીએ. મારા પતિના બચાવ માટે ખુદાનો આભાર. ખુદાની મરજી હશે તો એ બિલકુલ સાજા થઈ જશે. ખુદાની મરજી હશે તો પહેલા કરતાં પણ વધુ સારી સ્થિતિમાં અમે પહોંચી જઈશું.
કહાની પૂરી નથી થઈ. તમને યાદ છે મેં તમને મારી બહેનની વાત કરી હતી જે એના ઘરના કાટમાળ નીચે દબાયેલી મળી હતી અને ત્યારબાદ એ દક્ષિણ દિશામાં નાસી ગયેલી કારણ કે એ વિસ્તાર સુરક્ષિત મનાવાતો હતો?! યુદ્ધવિરામ બાદ એના દિયરે અમને એના, એના પતિના અને એનાં બાળકોની શહાદતના સમાચાર આપેલા. જે મકાનમાં એણે કામચલાઉ આશરો લીધેલો એની પર ઈઝરાયેલી સેનાએ બોંબમારો કરેલો. માત્ર એનો દસ વર્ષનો એક દીકરો બચ્યો છે. એની આંખમાં કાચની કરચ પડેલી. મારા માટે આ કારમા આઘાતના સમાચાર હતા. મારી બહેન મારા કરતાં બે વર્ષ મોટી છે. એ મને બહુ જ વહાલી હતી. અમે સાથે જ બધું કરતાં. અમે નોકરી પણ સાથે જ કરતાં. મારી બહેન શહીદ થઈ ગઈ છે! એ શહીદના ખિતાબની અધિકારી છે. પૃથ્વી પરની ફરિશ્તો હતી અને બધાંને ખૂબ જ પ્રિય હતી. કીડીને પણ નુકસાન પહોંચાડતી નહોતી.
દુ:સ્વપ્ન હજુ પૂર્ણ નથી થયું. અમે જ્યાં આશરો લીધો છે ત્યાં બખ્તર ગાડીઓ આવ્યા જ કરે છે અને બોંબમારો ચાલ્યા જ કરે છે. એટલે ત્યાંથી નીકળી અને અમે પશ્ચિમ ગાઝામાં આવી ગયાં છે કારણ કે ત્યાં સુરક્ષિત છે અને બખ્તર ગાડીઓ ત્યાંથી રવાના થઈ ચુકી છે. જો કે રહેઠાણ માટે આ વિસ્તાર યોગ્ય નથી. અહીં નથી વીજળી કે નથી પાણી પરંતુ મરવા સિવાય અમારી પાસે કોઈ રસ્તો નથી. બોંબમારાની વચ્ચે અમે સ્થળ બદલેલું અને ચારેકોર ગોળીઓ વરસી રહી હતી. મારા પિતા મારા ઘવાયેલા પતિનું ધ્યાન રાખતા હતા અને એમને ખ્યાલ આવેલો કે મારા પતિનો કાન સાવ બંધ થઈ ગયેલો અને એમને શસ્ત્રક્રિયાની તાતી જરૂર હતી. પરદેશમાં શસ્ત્રક્રિયા કરાવવા માટે એને ભલામણની જરૂર હતી અને એ કેવી રીતે મેળવવી એનો મને ખ્યાલ નથી. અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ, પરંતુ અમે ઉત્તર છોડીને બહાર નીકળી શકીએ એમ નથી કારણ કે કબજેદારોએ ઉત્તરને દક્ષિણથી સંપૂર્ણપણે વિખુટું કરી દીધું છે.
યુદ્ધ હજુ પૂરું નથી થયું. આ અઠવાડિયે બખ્તર ગાડીઓ પશ્ચિમ પાછી ફરી છે, અમે રહીએ છે એની નજીક, એટલે મને ખૂબ ચિંતા થયા કરે છે. એ લોકો ઘરોમાં ઘુસી, પુરુષોની હત્યા કરે છે, ભલે યુવાન હોય કે વૃદ્ધ. પરંતુ હવે ભાગવાની કોઈ જગા નથી માટે અમે નક્કી કર્યું છે કે અમે જ્યાં છીએ ત્યાં જ રહીશું. અમે મૃત્યુથી મૃત્યુ ભાગી રહ્યા છીએ અને જવા માટે એક પણ સુરક્ષિત સ્થળ નથી.
— હેબા દાઉદ
ગાઝા ૨૨/૦૧/૨૦૨૪
(સમાપ્ત)
e.mail : rupaleeburke@yahoo.co.in