એક રિક્ષાડ્રાઇવર સાહિત્ય પરિષદના હૉલમાંથી અંગ્રજીનાં વ્યાખ્યાન સાંભળીને બહાર આવીને રિક્ષાની ડ્રાઇવિંગ સીટે બેસે, તે ત્યાંથી બહાર નીકળતા શ્રોતાઓને આશ્ચર્ય થતું કે રિક્ષાડ્રાઇવર અંગ્રેજી વ્યાખ્યાન સાંભળવા આવે, અને એ પણ વળી ભગતસાહેબનું? એમને થોડી ખબર કે હું તેમના વ્યાખ્યાનનો ચાહક હતો.
વાત જાણે એમ હતી કે ખરેખર તો એકવાર હું બીજાનું વ્યાખ્યાન સાંભળવા આવ્યો હતો, પણ હું તેમના વ્યાખ્યાનમાં બેસી ગયો. જાતે થોડું ઘણું, ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી વાંચી-લખી શકતો હતો, છતાં મને તેમના અંગ્રેજી વ્યાખ્યાનમાં એટલી બધી મજા આવી કે તેથી હું તેમના દરેક વ્યાખ્યાનમાં નિયમિત આવતો રહેતો. તેઓશ્રી અંગ્રેજીની પરદેશી કવિતાઓ વિસ્તારથી ને ખૂબ ઊંડાણથી સમજાવતા હતા. તેમના અંગ્રેજીના વાચનના આધારે ખૂબ જ સરળ અને મુદ્દા સાથે સમજાવતા હતા. એ તેમનાં અંગ્રેજી ભાષાના વાચનના બહોળા અનુભવને લીધે શક્ય બનતું હતું. તેઓશ્રી દસ લાઇનની કવિતા ઉપર બે બે કલાક સુધી બોલતા હતા, ત્યારે તેમના વ્યાખ્યાનમાંથી ઊભા થઈ શકાતું ન હતું. તેમનું વ્યાખ્યાન શ્રોતાઓને એટલું જકડી રાખતું હતું. તેઓ કુદરતનું કે સામાજિક સ્થિતિ, પરિસ્થિતિનું આબેહૂબ દર્શન કરાવતા હતા, ક્યારેક વિષયવસ્તુથી અલગ પણ જતા રહેતા, એટલે કે ક્યારેક ગાડી આડાપાટે પણ જતી રહેતી. પછી તેઓ પાછા વિષયવસ્તુ પર પણ આવી જતા. તેમ છતાં તેમાંથી પણ ઘણું જાણવાનું મળતું હતું. પરદેશી કવિની કવિતા ઉપરાંત પરદેશના લેખકોનાં પુસ્તકો વિષે પણ તેઓ રસાસ્વાદ કરાવતા હતા.
ભગતસાહેબ પરદેશના કવિઓની કવિતા અને પરદેશનાં નામાંકિત પુસ્તકોના લેખકો વિષે કલાકોના કલાકો સુધી તેમના અંગ્રેજી જ્ઞાનનો રસાસ્વાદ લોકોને કરાવતા હતા, તે તેઓશ્રીની વિશિષ્ટતા હતી. અંગ્રેજી કવિતા ઉપરાંત ગુજરાતી કવિતામાં પણ તેમનું આગવું પ્રદાન છે. તેમની કવિતા, લોકોની ભાષાની કવિતા કરતા હતા. લોકોને એમ લાગે કે મારી વાત છે, તે કવિતાની પંક્તિઓ બોલે, ત્યારે તેના સંદર્ભો પણ આપતા જતા હતા તેમ જ પ્રેક્ષકોની શંકાનું સમાધાન પણ કરતા રહેતા હતા. તેઓ કૃષ્ણ અને મીરાંની કવિતાનો આસ્વાદ ખૂબ જ વિશિષ્ટ રીતે રજૂ કરતા. તેઓ કૃષ્ણ, મીરાં અને યશોદાની પણ આગવી જાણકારી રજૂ કરતા હતા. તેઓશ્રી ભારતના નોબેલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોરની કવિતા વિશે પણ અલગ આગવી શૈલીમાં રજૂઆત કરતા હતા.
શેક્સપિયર વિશે અનિરુદ્ધભાઈ બ્રહ્મબટ્ટ અને એસ.આર. ભટ્ટસાહેબ જેટલું જાણનાર ગુજરાતના મહાનુભાવો બીજા કોઈ નહીં હોય, એટલે કે શેક્સપિયરને આખેઆખા પી ગયા હોય, બીજા કોઈ નહીં હોય. એવી જ રીતે અંગ્રેજી કવિતાને પચાવી જાણનાર ગુજરાતમાં ભગતસાહેબ સિવાય કોઈ હશે નહીં.
ભગતસાહેબનું વ્યાખ્યાન હોય, ત્યારે ત્યારે હું વ્યાખ્યાન સાંભળવા અચૂક હાજર રહેતો. જ્યારે જ્યારે ભગત સાહેબના વ્યાખ્યાનની પ્રેસનોટ છાપામાં વાંચતો ત્યારે રોજી મેળવવા રીક્ષાડ્રાઇવિંગના સમયમાં ફેરફાર કરતો. જ્યારે સાંજના પાંચ કે છ વાગે વ્યાખ્યાન હોય, રિક્ષા ચલાવીને મારી રોજી મેળવી લેતો હતો. એટલે મારો શોખ પોષાય અને ઘરવાળાને અન્યાય પણ ન થાય. એટલે આર્થિક રીતે નુકસાની ન જાય માટે હું આ રીતે જીવનને બૅલેન્સ કરતો આવ્યો છું. બૅલેન્સિંગ કરીને હું ઘણી પ્રવૃત્તિ કરું છું.
વ્યાખ્યાન વખતે સાહિત્ય પરિષદથી તેમના ઘરે લઈ જવા-આવવા માટે વાહનવ્યવસ્થા કરવામાં આવતી હતી. એક દિવસ સંજોગોવસાત્ વ્યાખ્યાન પત્યા પછી વાહનની વ્યવસ્થા ન થઈ. વ્યાખ્યાન પત્યા પછી હું રિક્ષામાં બેઠો હતો. મને કહ્યું કે નટરાજ સિનેમાની સામે જવાનું છે, આવશો? તો મેં કહ્યું ‘હા, આવીશ, પણ પૈસા નહીં લઉં. કેમ?’ તેમણે કહ્યું ‘પૈસા લેવા પડે’. મેં કહ્યું ‘તમે આ વ્યાખ્યાનમાં જ્ઞાન પીરસો છો તેના પૈસા ક્યાં લો છો?’ તો તેમણે કહ્યું ‘આ તો તમારી રોજી છે એટલે તમારે પૈસા તો લેવા પડશે જ, તો તમારી રિક્ષામાં બેસું’. તે દિવસે મને તેમણે ભાડાના પૈસા આપ્યા. પછી તો તેમના આ ઉમદા વ્યક્તિત્વથી પણ તેમના વ્યાખ્યાનનો બંધાણી થઈ ગયો.
ગુજરાતી કવિતાને એમણે નવી ઓળખ આપી છે અને રાષ્ટ્રીય સ્તરે એમનું પ્રદાન કર્યું છે.
શ્રી ભગતને દિલથી શ્રદ્ધાંજલિ અર્પું છું. યુગોયુગો જન્મ લેજો. ભગત સાહેબ!
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ફેબ્રુઆરી 2018; પૃ. 07
![]()


‘માસ્તર નંદનપ્રસાદ’ના સંદર્ભમાં અને આ વ્યાખ્યાનનાં વિષયક સંદર્ભમાં રણજિતરામના સાહિત્ય અને શિક્ષણ વિશેના બે-ત્રણ લેખોનું પણ મૂલ્યાંકન કરવાનો અહીં પ્રયત્ન કરીશું. રણજિતરામે એમનો પ્રાથમિક-માધ્યમિક શાળાનો અભ્યાસ અમદાવાદમાં પ્રૅક્ટિસિંગ સ્કૂલમાં અને અંગ્રેજી મિશન હાઈસ્કૂલમાં કર્યો ત્યારે રણજિતરામ ૧૮૯૬-૯૭માં છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ યંગ મેન્સ યુનિયન’ સ્થાપવામાં આવ્યું તેની સાપ્તાહિક સભાઓના સભ્ય હતા. પછી ૧૮૯૯માં મૅટ્રીક થયા અને ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થી હતા ત્યારે એ ૧૯૦૧માં એ કૉલેજના વિદ્યાર્થીઓનું એક મંડળ ‘ધ સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોશિયેશન’ સ્થાપવામાં આવ્યું એના સહાયક મંત્રી હતા. આ મંડળમાંથી ૧૯૦૨માં ‘ધ લિટરરી ઍસોશિયેશન’ થયું અને તેમાંથી ૧૯૦૩માં ‘ગુજરાત સાહિત્ય સભા’ અસ્તિત્વમાં આવી એના એ મુખ્યમંત્રી હતા, તેમાંથી ૧૯૦૫માં ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સ્થાપવામાં આવી એના એ આત્માસમા હતા. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની ઉદાત્ત અને ઊર્જસ્વી મૂર્તિ રણજિતરામના હૃદયમાં અંકિત હતી. એનો ભવ્યસુંદર આદર્શ હતો. ‘ગુજરાતનું નવજીવન અને ગુજરાતી સાહિત્ય પરિષદ’ લેખમાં એને વિશે એમણે લખ્યું હતું :